Wednesday, March 30, 2016

ટચપેડ સે પેડ તક: વૃક્ષોને ઈમેઈલ કરવાનો નવતર પ્રયોગ!



એલ્મ વૃક્ષ 
એક સંદેશાની શરૂઆત કંઇક આવી રીતે થાય છે: “મારાં પ્રિય અલમસ“... “આજે હું સેન્ટ મેરી’સ્ કોલેજમાંથી પાછો વળી રહ્યો હતો ત્યારે હું દંગ રહી ગયેલો...ના, તારી ડાળી જોઈને નહિ પણ તારી નિતાંત સુંદરતા જોઈને. મને લાગે છે કે તને આ રીતે સંદેશાઓ મોકલતા રહેવું જોઈએ. તું કેટલું આકર્ષક વૃક્ષ છે!”

હરિયાળા પર્ણો ધરાવતાં એલ્મ વૃક્ષને કોઈએ લખેલાં ઈ-મેઈલનાં આ અંશો છે... જાણીને નવાઈ લાગશે કે આવાં તો હજારો સંદેશાની આપલે ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્નનાં રહેવાસીઓ અને શહેરનાં વૃક્ષો વચ્ચે અવિરત  થયાં કરે છે.  અને હા, વહીવટી અધિકારીઓ તરફથી અહીં દરેક વૃક્ષને એક આઇડેન્ટિટી નંબર આપેલો છે અને ૨૦૧૩માં તો વૃક્ષોને ઈ-મેઈલ એડ્રેસ પણ મળી ગયાં!  આ ઈમેઈલ એડ્રેસ દ્વારા સ્થાનિકો ભયજનક ડાળી કે પછી અન્ય સમસ્યા અંગે સરળતાથી રજૂઆત કરી શકે છે. પણ લોકોએ તો સમસ્યાની રજૂઆત કરતાં ય આગળનું વિચાર્યું: એમણે તો બારોબાર વૃક્ષોને જ ઉદ્દેશીને સંદેશાઓ લખવાં માંડ્યા: ‘હાય-હેલો’ જેવાં અભિવાદન સંદેશાથી માંડીને વર્તમાન ઘટનાઓ અંગેનાં પ્રશ્નો, પ્રેમ પત્રો અને સર્વકાલીન મૂંઝવણોનો ભાર પણ વૃક્ષો પર ઠાલવી દીધો!  માણો આ એક નમુનો:

અલ્જેરીયન ઓક 
ટૂ: આલ્જેરીયન ઓક, ટ્રી આઈ.ડી. 1032705
પ્રિય આલ્જેરીયન ઓક,
અમને ઓક્સિજન આપવાં બદલ આભાર.
આટલું સુંદર હોવાં બદલ આભાર.
મને ખબર નથી કે તું ન હોત તો મારાં દ્વારા ઉચ્છવાસમાં નીકળતા કાર્બનડાયોક્સાઈડને કોણ શ્વસી લેતું હોત. (તો હું કદાચ સ્વર્ગમાં હોત)
અડીખમ રહેજે. ભીડવચાળે ય ઉન્નત ઉભું રહેજે. તું એવી બક્ષીસ છે જે સતત મળ્યા કરે છે. અમે તો પ્રકૃતિ વિષે બોલ્યાં કરીએ છે પણ અમારી પાસે પૂરતો સમય નથી હોતો અને દુર્ભાગ્યે બીજી જવાબદારીઓ ઊભીને ઉભી હોય છે. આશા રાખીશ કે એક દિવસ પ્રકૃતિ પણ આપણી ‘પ્રાયોરીટી’ બને.

કેટલાંક ઈમેઈલ અમેરિકાથી પણ આવ્યાં છે. વૃક્ષ દ્વારા કોઈ વ્યક્તિને લખાયો હોય એ રીતનો એક પત્ર જુઓ:

ટૂ: ઓક, ટ્રી આઈ.ડી. 1070546
બસ એમ જ પૂછવું હતું ‘કેમ છે તું?’. મારું નામ ક્વેર્ક્સ એલ્બા. તું મને ‘એલ’ પણ કહી શકે. હું ૩૫૦ વર્ષનો છું અને મીસીસીપીની ઉત્તર-પૂર્વે આવેલાં એક નાના-શા ખેતરમાં રહું છું. હું ૮૦ ફીટ જેટલો ઉંચો છું. અને મારું થડ છે ૧૬ ફીટ જેટલું વિશાળ. બહુ રખડપટ્ટી નથી કરતો  – સાચું કહું તો, હું છોડવું હતો ત્યારથી ક્યાંય ગયો જ નથી.  આ અહીં ઉભો છું અને અહીંનાં પક્ષીઓ અને ખિસકોલીઓને રહેઠાણ પૂરું પાડું છું.
હેવ અ ગુડ ડે,
એલ

નવાઈની વાત તો એ છે કે વૃક્ષને ઈમેલ મોકલ્યા છે એમાંથી કેટલાંક લોકોને તો સામે જવાબ પણ મળ્યા છે. એક જીવવિજ્ઞાનમાં જિજ્ઞાસુ વ્યકિત અને વિલો લીફ પેપરમીંટ (વૃક્ષનું નામ છે) વચ્ચે થયેલો સંવાદ જુઓ:

વિલો લીફ પેપરમીંટ 
ટૂ: વિલો લીફ પેપરમીંટ, ટ્રી આઈ.ડી. 1357982
હેલો, મિ. વિલો લીફ પેપરમીંટ,
કે મારે કહેવું જોઈએ: ‘મિસિસ વિલો લીફ પેપરમીંટ’? શું વૃક્ષોને પણ ‘જેન્ડર’ હોય છે? આશા છે કે તમને આજે સરસ મજાનો સૂર્યપ્રકાશ મળે.
વંદન,
મિ. L

હવે, વૃક્ષે  'મોકલેલો' જવાબ જોઈએ:

હેલો L,
હું નથી મિસ્ટર કે નથી મિસિસ, કેમકે મારાં પુષ્પમાં બન્ને ‘જેન્ડર’નો સમાવેશ થઇ જાય છે અને તેનાં માટેનો શબ્દ છે: monoecious/મોનીશિયસ.  એ રીતે અમે અનોખાં છીએ. હા, વૃક્ષની કેટલીક પ્રજાતિઓ પર કેવળ પુંકેસર કે સ્ત્રીકેસર જ જોવાં મળે તો એ રીતે એવાં વૃક્ષોને ‘જેન્ડર’ હોવાનું કહી શકાય. અને એ માટેનો શબ્દ છે:dioecious/ડાઈશિયસ. આમ જોવાં જઈએ તો સમજાય છે કે વૃક્ષો કેવાં વૈવિધ્યપૂર્ણ અને અટપટાં હોય છે.
વંદન,
મિ. અને મિસિસ વિલો લીફ પેપરમીંટ (અભિન્ન)

એક ચાહક ગોલ્ડન એલ્મ વૃક્ષને મે મહિનાનાં કોઈ દિવસે આમ લખે છે:
પ્રિય 1037148,
તું તો આંકડાથી ય વિશેષ રીતે ઓળખાવું જોઈએ. હું તને પ્રેમ કરું છું. હંમેશા કર્યો છે અને કરતો રહીશ.”

એક ટીખળ કરીને અહીં લેખ પુરો કરીએ.

સારું છે આપણી પાસે તો વૃક્ષનું ઈમેલ એડ્રેસ નથી. જો હોત તો કેટલાંક લોકો કદાચ આવો મેઈલ કરતાં હોત:

પ્રિય 1894732,
આસોપાલવ? કદાચ લીમડો. શું કે મારું વૃક્ષની બાબતમાં નોલેજ કાચું છે.
ખેર, તે મને ઓળખ્યો?
કેમ આમ કરે છે?
પેલાં દિવસે મને પૂનમની ભરતી જેવી ‘એકી’ લાગી હતી. ‘સ્વચ્છ ભારત અભિયાન’ પૂરજોશમાં ચાલતું હોવાં છતાં ય  આજુબાજુ સમખાવા પૂરતું એકે સુલભ શૌચાલય દેખાયું નહિ...પણ ત્યાં જ તું દેખાયું...
....એટલે રોકી ના શક્યો.
એક્સ્ટ્રીમલી સોરી યાર, મારાં વાંકે તારે ખરડાવું પડ્યું.
આશા રાખું કે બીજી વાર ત્યાંથી પસાર થાઉં ત્યારે તું તારી ડાળીઓથી મને ઝાપટ નહિ મારે.
તારી માફી ઇચ્છતો,
બોચિયો (બેશરમ)

નોંધ: લેખની સામગ્રી 'રીડર્સ ડાઈજેસ્ટ'નાં March-2016નાં અંકમાંથી લેવામાં આવી છે. તમામ તસ્વીરો ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

No comments:

Post a Comment