Tuesday, November 6, 2018

કટોકટી અને કટાક્ષકથાઓ: હમ બને...તુમ બને...ઇક દુજે કે લિયે?


રાષ્ટ્રપતિ દ્વારા કટોકટીની ઘોષણા 
૨૫ જૂન,૧૯૭૫થી ૨૧ માર્ચ,૧૯૭૭ સુધીનો સમયગાળો એટલે દેશની લોકશાહી માટે કલંકરૂપ એવો કટોકટી કાળ. બંધારણનાં આર્ટીકલ ૩૫૨નાં સહારે આંતરિક અરાજકતાનું ઓઠું લઈને વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ નાગરિક અધિકારો પર તરાપ મારી હતી. એક તરફ વિરોધપક્ષનાં દિગ્ગજ નેતાઓને જેલની અંદર ધરબી દેવાયા તો બીજી તરફ મીડિયાનો અવાજ સેન્સરશીપ દ્વારા ખામોશ કરી દેવાયો હતો. આપણે ત્યાં વખતોવખત કટોકટી ચર્ચામાં આવતી રહે છે. તાજેતરમાં જ કટોકટીને કેન્દ્રમાં રાખીને ઇન્દુ સરકારઅને બાદશાહોજેવી ફિલ્મો પણ આવી છે. અગાઉ પણ ઈમરજન્સીની ટીકા કરતી કિસ્સા કુર્સી કાઅને નસબંધી જેવી આવી ગઈ છે. કટોકટી દરમ્યાન સેન્સરશીપનાં કારણે જ્યાં દેશમાં મોટા ભાગનાં અખબારો અને પત્રકારો ખામોશ હતાં અને ખુશવંતસિંહ જેવાં મોટા ગજાનાં લેખકો કટોકટીનું  છડેચોક સમર્થન કરતા હતાં ત્યારે કેટલાંક કલમનિષ્ઠ લેખકો-સાહિત્યકારોએ કટોકટીનો મક્કમતાથી વિરોધ કર્યો. સીધો વિરોધ તો શક્ય નહોતો એટલે વિરોધની આડકતરી રીત અપનાવવામાં આવી. એ રીત એટલે ભારોભાર વ્યંજનાપૂર્ણ કટાક્ષકથાઓ. ભારતની લગભગ તમામ પ્રમુખ ભાષાઓમાં લખાયેલી ટૂંકી છતાં ચોટદાર કટાક્ષકથાઓને કટોકટીકાળની વિશેષ ઉપલબ્ધિ કહી શકાય.  ચાલો, આજે જાણીતાં હિંદી હાસ્યલેખક શરદ જોશીની કટોકટીનું પંચતંત્રએવાં શીર્ષક હેઠળ  લખાયેલી  કટોકટીની પાંચ કટાક્ષકથાઓ માણીએ

--------------------------------------------------------------------------------------------------------લક્ષ્યની રક્ષા---
કટોકટી દરમ્યાન બીલબોર્ડ પરનું સૂત્ર:
 
હસાહસ અને આડીઅવળી વાતો બંધ...

 એક હતો કાચબોને એક હતું સસલું.
સસલાંએ કાચબાને સંસદ
, રાજનીતિ અને પ્રેસની બયાનબાજી બાબતે પડકાર ફેંક્યો કે જો તારામાં આગળ વધવાનું એટલું જ જોશ હોય તો મારી પહેલાં લક્ષ્ય પર પહોંચી બતાવ.
કાચબાએ પડકાર ઝીલી લીધો અને બન્નેની રેસ શરુ થઇ.
સસલાંભાઈ તો ચપળતાથી દોડવા માંડ્યા, અને કાચબાએ તો એની ઠચૂક ચાલે ચાલવાનું શરુ કર્યું.
જેમ બધાં જાણે છે તેમ આગળ જઈને સસલો એક વૃક્ષની નીચે જઈને આરામ કરવાં લાગ્યો. એણે સંવાદદાતાઓને કહ્યું કે પોતે રાષ્ટ્રની સમસ્યાઓ પર ગંભીર ચિંતન કરી રહ્યો છે કેમકે એને ઝડપથી લક્ષ્ય પર પહોંચવાનું છે.’ આમ કહીને સસલો સૂઈ ગયો.
કાચબો ધીરે ધીરે લક્ષ્યની નજીક પહોંચવા લાગ્યો હતો.
જયારે સસલો જાગ્યો તો એણે જોયું કે કાચબો તો ખાસ્સો આગળ વધી ગયો છે. સસલાને પોતાની હાર અને બદનામી સ્પષ્ટપણે દેખાઈ.
એટલે, સસલાએ તત્કાળ કટોકટીની ઘોષણા કરી દીધી.
એણે પોતાનાં નિવેદનમાં કહ્યું કે દેશવિરોધી અને રૂઢિવાદી તાકાતો આગળ વધી રહી છે અને દેશને એમનાથી બચાવવો બહુ જરૂરી છે.’
...અને લક્ષ્ય સુધી પહોંચી શકે એ પહેલાં જ કાચબાની ધરપકડ કરીને એને જેલભેગો કરવામાં આવ્યો.

સિંહની ગુફામાં ન્યાય
એક જંગલમાં સિંહનો ઉત્પાત બહુ વધી ગયો હતો. જીવન અસુરક્ષિત થઇ ગયું હતું અને બેહિસાબ મૃત્યુ થઇ રહ્યાં હતાં. સિંહ કોઈની પર ક્યારે પણ હુમલો કરી દેતો હતો.
આનાથી પરેશાન થઈને જંગલનાં બધાં પશુઓ એકઠાં થઈને સિંહને મળવા ગયાં. સિંહ પોતાની ગુફામાંથી બહાર આવ્યો અને બોલ્યો, “કહો, શું વાત છે?”
સૌએ પોતાની પરેશાની જણાવી અને સિંહનાં અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. સિંહે પોતાનાં ભાષણમાં કહ્યું, “પ્રશાસનની નજરમાં જે પગલાં ભરવા જરૂરી છે એ પગલાં અમે લઈશું. આપ સૌ વિરોધીઓની વાતોમાં આવશો નહિ. અફવાઓથી સાવધાન રહો કેમકે જાનવરોની મોતનો સાચો આંકડો અમારી ગુફામાં છે જેને કોઇપણ જાનવર આવીને જોઈ શકે છે. છતાં કોઇપણ સમસ્યા હોય તો અમને કહો અથવા અદાલત પાસે જાઓ.”
... તમામ  પ્રશ્નો સિંહની સામે જ હતાં અને સિંહને મોઢે એની જ ફરિયાદ કરવી વ્યર્થ હોવાથી બધાં પશુઓએ અદાલતનો દરવાજો ખખડાવવાનું નક્કી કર્યું.
જાનવરોનાં આ નિર્ણયની ખબર ગીધોએ સિંહને પહોંચાડી.
... એ રાત્રે સિંહે અદાલતનો શિકાર કર્યો. ન્યાયનું આસન પોતાનાં પંજાથી પકડીને સિંહ તેને પોતાની ગુફામાં ઢસડી લાવ્યો.
જંગલમાં કટોકટી જાહેર કરી દેવામાં આવી. સિંહે પોતાની નવી ઘોષણાઓમાં કહ્યું, “જંગલમાં પશુઓની સુવિધા માટે ગીધમંડળીની સલાહ ધ્યાનમાં રાખીને અમે અદાલતને સચિવાલય સાથે જોડી દીધું છે. આનાથી ન્યાય તત્કાળ મળી શકશે અને ફોકટની ઢિલાશ સમાપ્ત થશે. આજથી તમામ કેસોની સુનાવણી અને ચુકાદા અમારી ગુફામાં જ થશે.”
... અને કટોકટીનાં કાળમાં જે પશુ ન્યાયની શોધમાં સિંહની ગુફામાં ઘૂસ્યું એનો અંતિમ ચુકાદો કેટલો ઝડપથી આવ્યો એ આપણે સહુ જાણીએ જ છે.

ક્રમશઃ પ્રગતિ
એક સસલાંયુગલ હતું. એમને પાંચ બચ્ચાં હતાં.
એક દિવસ એક વરુ પોલીસની જીપમાં બેસીને આવ્યું અને બોલ્યું, “હે અસામાજિક તત્વો, શું તમને ખબર નથી કે સરકારે ત્રણ બચ્ચાં બસનું લક્ષ્ય રાખ્યું છે?” અને વરુ બે બચ્ચાં ભરખીને ચાલ્યો ગયું.
થોડાં દિવસો પછી ફરી વરુ આવ્યું અને બોલ્યું કે સરકારે લક્ષ્ય બદલી નાખ્યું છે. અને તે વધુ એક બચ્ચાનો ભક્ષ્ય કરીને ચાલ્યું ગયું.
સસલાંયુગલએ વિચાર્યું ઠીક છે જે થયું તે થયું પણ હવે તો આપણે શાંતિથી રહીશું ને. પણ ત્યારે જ જંગલમાં કટોકટી લાગુ થઇ.
થોડાં દિવસો પછી વરુએ સસલાંયુગલને પોલીસ સ્ટેશન પર બોલાવ્યું અને કહ્યું, “સાંભળ્યું છે કે તમે સરકારી નિર્ણયોથી અસંતુષ્ટ છો અને સરકાર વિરુદ્ધ છૂપી રીતે કોઈ કાવતરું કરી રહ્યાં છો.” સસલાએ ઘસીને ના પાડી અને એ બાબતે ખુલાસો કરવાની ઈચ્છા દર્શાવી ત્યારે વરુએ એમને કહ્યું કે કટોકટીનાં નિયમો મુજબ ખુલાસો નહિ સ્વીકારવામાં આવે.
... અને એ દિવસે પોલીસ સ્ટેશનમાં આખેઆખું સસલાંયુગલ ગુમ થઇ ગયું.
બે બચ્ચાં બચ્યા હતાં. મૂર્ખ હતાં. મા-બાપને શોધવા પોતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયાં. વરુ એમની જ રાહ જોતું હતું.
બિચારા બચ્ચાં! જો તેઓ પોલીસ સ્ટેશન ના ગયાં હોત તો કટોકટી હોવાં છતાં ય વધુ કેટલાંક દિવસો જીવતાં રહી શક્યા હોત..



કળા અને પ્રતિબદ્ધતા .
કોયલનો કંઠ ઉત્તમ હતો, એને સ્વરોનું જ્ઞાન હતું અને રાગ-રાગિણીઓની પણ થોડીઘણી જાણકારી હતી. એટલે એણે નક્કી કર્યું કે પોતે સંગીતમાં પોતાની કારકિર્દી બનાવશે. તેણે શરૂઆત આકાશવાણીથી કરવાંનું  વિચાર્યું.
કોયલે આકાશવાણીમાં એપ્લાયકર્યું ને બીજે જ દિવસે એને ઓડિશનમાટે આકાશવાણી બોલાવવામાં આવી. એ કટોકટીનાં દિવસો હતાં અને સરકારી કામકાજ વેગવંતુ ચાલી રહ્યું હતું.
કોયલ આકાશવાણી પહોંચી. સ્વર પરીક્ષા માટે ત્યાં ત્રણ ગીધ બેઠાં હતાં.
હું શું ગાઉં?”, કોયલે પૂછ્યું.
ગીધ ખૂખૂ કરીને હસ્યાં અને બોલ્યાં, “આ તો કંઈ પૂછવાની વાત છે? વીસ-સૂત્રી કાર્યક્રમ પર કોઈ લોકગીત સંભળાવો. અમને કેવળ આજ સાંભળવા-સંભળાવવાનો આદેશ છે.”
વીસ-સૂત્રી કાર્યક્રમ પર લોકગીત? એ તો મને નથી આવડતું. કહો તો કોઈ ભજન કે ગઝલ સંભળાવું.”, કોયલે કહ્યું.
ગીધ ફરી ખૂખૂ કરીને હસ્યાં.
ગઝલ હોય કે ભજન હોય... વીસ-સૂત્રી કાર્યક્રમ પર હોય તો અવશ્ય સંભળાવો.”
વીસ-સૂત્રી કાર્યક્રમ પર તો નથી.” કોયલે કહ્યું.
તો માફ કરશો કોયલબેન, અહીં આપને માટે કોઈ જગ્યા નથી.” ગીધ બોલ્યાં.
કોયલ નિરાશ થઈને પાછી આવી. પણ પાછાં વળતાં એણે જોયું કે મ્યુઝિક રૂમમાં એક કાગમંડળી વીસ-સૂત્રી કાર્યક્રમ પર કોરસ રેકોર્ડ કરાવી રહી છે.
... ત્યારબાદ કોયલે સંગીતક્ષેત્રે કારકિર્દી બનાવવાનો વિચાર છોડી દીધો અને લગ્ન કરીને એના સાસરે ચાલી ગઈ.

બુદ્ધિજીવીઓનું કર્તવ્ય
શરદ જોશીનું કેરીકેચર
(સ્ત્રોત: ઈન્ટરનેટ) 
... અને તે શિયાળ એક ઝાડ નીચે પહોંચ્યું. એણે ઉપર જોયું તો મોંમાં રોટલી દબાવીને એક કાગડો ડાળ પર બેઠો છે. શિયાળે વિચાર્યું જો કાગડો ભૂલથી મોં ખોલી દે તો રોટલી પડે નીચે. ને રોટલી નીચે પડે એટલે પોતે એને લઈને રફુચક્કર...
આમ વિચારીને શિયાળે કાગડાને કહ્યું, “ઓ કાગભાઈ, તમે તો તદ્દન અલગારી જીવડા. તમારી વાણી અને તર્કથી તો તમે સૌ કોઈને આંજી નાખો છો. ને માર્કસવાદ પર તમારી પકડનું તો કહેવું જ શું! એટલે, વર્તમાન પરિસ્થિતિમાં એક બુદ્ધિજીવીનાં કર્તવ્ય પર તમારાં વિચાર જણાવશો તો મને બહુ ગમશે. અને આમેય તમે એવી ઊંચાઈ પર બેઠાં છો કે જ્યાંથી ભાષણ આપવું તમને શોભશે... તો આપનું મુખ ખોલો હવે...”
તે વેળા કટોકટીનો કાળ ચાલી રહ્યો હતો. કાગડા બહુ હોંશિયાર થઇ ગયાં હતાં. એટલે, ચાંચમાંથી રોટલી સરકાવીને પોતાનાં હાથ પર લેતાં કાગડાએ હળવેકથી કહ્યું,
જુઓ શિયાળભાઈ, સરકારે અમને બુદ્ધિજીવીઓને રોટલી એ શરત પર આપી છે કે અમે એને મોંમાં ઠૂંસીને અમારી ચાંચ બંધ રાખીએ. માફ કરજે, પણ આજકાલ હું જરા વફાદાર થઇ ગયો છું. મારો કહેવાનો મતલબ એ છે કે આમ તો હું મુક્તવિહારી છું ને સમય આવ્યે ક્યારેક બોલું ય ખરો તો એમાં નવાઈ પામવાની જરૂર નથી.”
... આટલું કહીને કાગડાએ ફરીથી રોટલી મોંમાં સરકાવી.

No comments:

Post a Comment