સ્નેક્સની સ્લોથગતિ
૨૫-૦૭-૨૦૧૮. સવારે ૬:૩૦એ ઉઠી આઠેક વાગે તો સૌ તૈયાર થઈને કોકોનટ ગ્રુવઝનાં ડાઈનીંગ એરિયામાં સ્નેક્સ માટે પહોંચી પણ ગયા. આખા ડાઈનીંગ એરિયામાં બે-ત્રણ મહેમાનો જ હતા. આમ પણ રિસોર્ટમાં કોઈ ખાસ ચહલપહલ હોય એવું લાગતું નહોતું. ચોમાસું તો ગોવા માટે ઓફ સીઝન ગણાય એટલે સહેલાણીઓ ઓછા આવે. રિસોર્ટનો પણ સહેલાણીઓનાં અભાવે આળસી ગયો હોય એમ ફિક્સ સ્નેક્સ ચા-કોફી, આમલેટ,પૂરી-ભાજી, ટોસ્ટ વગેરેને રસોડામાંથી તૈયાર કરીને ટેબલ પર લાવવામાં પણ સ્લોથગતિ દાખવતો હતો. વળી, બુફે સર્વિસ ન હોવાથી એમના ભરોસે જ રહેવું પડે એમ હતું. નાસ્તો કોઈ ખાસ સ્વાદિષ્ટ હોય એવું નહોતું પણ અમારે બપોર સુધી ફરવાનાં જોમ અને જોશ રહે એટલે કરી લેવો જરૂરી હતો.
ઉઘાડી લૂંટ જેવું ટેક્સીભાડું
નાસ્તો પતાવ્યો એટલે તરત જ રિસેપ્શન પર જઈને હોઠ પર લિપસ્ટિકનાં થોથરવાળી સ્ટાફરને ટેક્સીવાળાને બોલાવી લેવા કહ્યું. અહીં ગોવામાં જેની આંખોએ રોમાંસનું ઊંજણ અંજાયેલું નથી એવા કોઈને પણ ટેક્સીનાં ભાડાદર જોઇને તમ્મર ચઢી જાય. અમારે અહીંથી HOHO બસ પકડવા મિરામાર સર્કલ જવાનું હતું. ત્યાં સુધીનું ભાડું પૂછો તો અધધ ૧૮૦૦/- રૂપિયા. એમાં કોઈ કરતા કોઈ જ બારગેન નહિ. ટેક્સી ડ્રાઈવરોનું અહીં જબરું યુનિયન છે. વળી, નોર્થ ગોવા અને સાઉથ ગોવાની ટેક્સી અલગ. વન-વે પેસેન્જર જ લઇ શકાય. નોર્થ ગોવાનો ટેક્સી ડ્રાઈવર પોતાના પેસેન્જર્સને સાઉથ ગોવામાં ફક્ત ઉતારવા જઈ શકે. સાઉથથી પાછું નોર્થ એણે ખાલી ગાડીએ જ આવવું પડે. ગોવા અંગે જાતભાતની માહિતી પીરસનારા બ્લોગસ્ પર ક્યાંય એવું લખ્યું નથી કે અહીં આવતા પ્રવાસીઓને વેતરી નાખવા ટેક્સીચાલકો તૈયાર જ છે! એટલે મારા પ્રિય વાચકમિત્રો, તમે જો સપરિવાર ગોવા પ્રવાસે જવાના હો તો ગોવામાં ખાવા-પીવાનાં ખર્ચ કરતા ટેક્સીભાડાનું ખર્ચ પ્રવાસનું બજેટ ખોરવી ના નાખે એનું ધ્યાન જરૂરથી રાખજો.
HOHO બસમાં ઓહો અને હોહો!
 |
| ગોવાદર્શન માટે ઉત્તમ HOHO બસ |
 |
| HOHO બસ |
ટેક્સીચાલક આવી ગયો એટલે અમે ટેક્સીમાં ગોઠવાયા. રિસોર્ટની બહાર ટેક્સી પોઈન્ટ પર એણે રજીસ્ટરમાં એન્ટ્રી કરી, સિક્કો પડાવ્યો પછી જ અમારી ટેક્સી આગળ વધી. પોણા કલાકમાં મિરામાર સર્કલ પહોંચી ગયા. હજુ તો ટેક્સીમાંથી ઉતર્યા ત્યાં જ સામેથી લાલ રંગની અને જાતભાતનું ચિતરામણ કરેલી બસ આવીને ઉભી રહી. એ જ અમારી HOHO બસ. વિદેશમાં જેમ કેટલાક માણસોનાં આખા શરીર પર જાતભાત ટેટૂ ચિતરાયેલા હોય છે એમ બસની ઉપર બહારની તરફ ગોવાના પ્રસિદ્ધ કાર્ટૂનીસ્ટ મારિયો મિરાંડાના કાર્ટૂન્સ ચિતરેલા હતા (મિરાંડા વિશે વધુ વાત બીજા ભાગમાં આવશે). આ બસ ડબલડેકર તો નહોતી પણ બે ભાગમાં વહેચાયેલી હતી. આખી બસનાં આગળનાં અર્ધા ભાગમાં એ.સી. કેબિન હતી જેમાં બહાર ટાઢ-તાપ-વરસાદ હોય ત્યારે સહેલાણીઓ બેસી શકે, તો પાછળનો ભાગ હોડકા જેવો ઉઘાડો હતો. અહીં પણ બેઠકો હતી જેની પર બેસીને અથવા તો કઠેરાને અઢેલીને ઉભા ઉભા ગોવાદર્શન કરી શકે. બસમાં CCTV, લાઉડસ્પીકર વગેરે સુવિધાઓ હતી. Do’s and Don’t પણ દરવાજે ચોડેલા હતા. અમે તો બહાર ખૂલ્લા ભાગમાં જ ગોઠવાયા અને ફોટોસેશન શરુ કર્યું. બસ ઉપડી એટલે થોડીવારે સમજાયું કે આનું નામ HOHO કેમ રાખ્યું હશે – બસ ઊછળકૂદ કરે એટલે આપણા મોંમાંથી હોહો નીકળી જાય! જોકે, ગોવાનાં રસ્તાઓ, રંગબેરંગી આલીશાન મકાનો, પિસાનાં ટાવર જેવી વિશિષ્ટ બાંધણીનાં મંદિરો, શુભ્રધવલ રંગનાં ચર્ચ, વૃક્ષો અને લતામંડપોની શોભા જોતા ઓહો પણ નીકળ્યા વગર રહે નહિ એ પણ એટલું જ સાચું.
Dona Paula/દોના પોલા બીચ
 |
| દોના પોલા બીચ પરથી દેખાતું દ્રશ્ય |
 |
| હરિયાળી પાછળ દેખાતો દોના પોલા બીચ |
HOHO બસે અમને પોણા અગિયાર વાગે દોના પોલાનાં સર્કલ આગળ ઉતારી દીધાં. મેન્ટરે સૂચના આપી કે ૧૧:૩૦ સુધી અહીં ફરજો. પછી પાછું આ જ સર્કલે આવી જજો. આ જ અથવા બીજી HOHO બસ આવશે એમાં ચડી જજો. અમને ઉતારીને બસ તો આગળ વધી ગઈ. સર્કલથી પાંચેક મિનીટ ચાલીને અંદર જઈએ એટલે બીચ સુધી પહોંચી જવાય. નાનકડો બીચ છે. તડકામાં સમુદ્રનું પાણી ચળકચળક થાય છે. ગોગલ્સ પહેરેલા છે તો સારું છે નહીં તો આંખો અંજાઈ જાય એમ છે. સેલ્ફીથી ધરાયા એટલે અમે રેલીંગ આગળ ઉભા રહીને ફોટા પડાવ્યા. ફેરિયાઓની બીચ ફેસિંગ હાટડીઓ છે. ત્યાંથી મેં એક હેટ ખરીદી. અમે આમતેમ ટહેલતા હતા, ધ્યાની પણ પોતાની મસ્તીમાં ચાલતી હતી એવામાં ક્યાંકથી બે-ત્રણ કૂતરાં ભસતા ભસતા એને કરડવા ધસી ગયા ત્યારે લલિતભાઈ તરત જ હટ હટ કરતા કૂતરાંની સામે થઇ ગયા અને એમને ભગાડી મૂક્યા. મેં થોડે દૂરથી આ દ્રશ્ય જોયું એટલે મને પિતા-પુત્રીની કેમેસ્ટ્રી સમજાઈ. એક પિતાએ આફત સામે પડીને પુત્રીનું કેવું રક્ષણ કર્યું! ધ્યાનીબેન મોટા થશે અને કદાચ આ વાત વાંચશે ત્યારે એમને પિતા પર ગર્વ થાય એટલા માટે ય મારે આ વાત નોંધી લેવી જોઈએ.
કોકમનું શરબત અહીં અનેક જગ્યાએ મળે છે. આપણે ત્યાં તેલનાં કેરબા હોય એવા વિવિધ સાઈઝનાં કેરબામાં પણ મળે અને શરબતવાળાને ત્યાં ગ્લાસ પણ મળે. મેં અને વિશાલે ટેસ્ટ માટે કોકમનું શરબત પી જોયું. એવું કંઈ એક્સ્ટ્રાઓર્ડીનરી ન લાગ્યું કે જીભને જલસો પડી જાય.
 |
| મંગેશી મંદિરની મેં પડેલી તસ્વીર |
૧૧:૩૦એ પાછા સર્કલ પર આવીને બસમાં ગોઠવાયા એટલે નેક્સ્ટ ડેસ્ટીનેશન આવ્યું મંગેશી મંદિર. ૧:૩૦ વાગ્યા સુધી અમારે અહીં જ સમય પસાર કરવાનો હતો. મંદિર સુધી લઇ જતી સડક પર બન્ને બાજુ હાટડીઓ જેમાં ફળફળાદી-પુજાપો તો બરાબર પણ આકર્ષક બોટલ ઓપનર્સથી માંડીને ગોવાનાં દ્રશ્યો ચીતરેલી ટી-શર્ટસ પણ મળે. વિશ્વામિત્રને ચળાવતી મેનકાની જેમ આ હાટડીઓ અમારું ધ્યાન ચળાવતી હતી પણ અમે મહામહેનતે મનને કાબૂમાં લેતા પહેલા મંગેશી મંદિરનાં દર્શન અને પછી બીજું બધું જોવાનું નક્કી કર્યું.
 |
| મારીઓ મિરાંડાએ દોરેલો મંદિરનો સ્કેચ |
મારિયો મિરાંડાનાં સ્કેચમાં જોયેલું મંગેશી મંદિર અત્યારે આંખ સામે જોઇને જે આનંદ થયો એનું વર્ણન શબ્દોમાં ન થઇ શકે. ગોવાનું આ સુપ્રસિદ્ધ મંદિર છે લગભગ સાડા ચારસો વર્ષ જુનું છે. મંગેશ એટલે શંકર ભગવાનનું એક સ્વરૂપ. ઈ.સ. ૧૫૬૦ની આસપાસ પોર્ટુગીઝોએ ગોવામાં ધર્માન્તરણ કરાવવાની શરૂઆત કરાવી ત્યારે કુશસ્થલી/Cortalimનાં ગૌડ સારસ્વત બ્રાહ્મણો શિવલિંગને અહીં મંગેશી ગામે લઇ આવ્યા જ્યાં હજુ હિંદુ રાજાનું શાસન હતું. ‘મેલોડી ક્વીન’ લતા મંગેશકર અને એમનો પરિવાર મૂળ તો આ મંગેશી ગામનો. પિતા દીનાનાથ મંગેશકરનો જન્મ અહીં મંદિરનાં પૂજારીને ત્યાં થયો હતો. એમની અટક આમ તો અલગ હતી પણ પછી દીનાનાથજીએ મંગેશી ગામની ઓળખરૂપ મંગેશકર અટક અપનાવી લીધી. મંદિરમાં આવ્યા પછી ખબર પડી કે દૂરથી પિસાના ટાવર જેવા વિશિષ્ટ બાંધણીના ટાવર દેખાય છે એ તો દીપમાળ અથવા દીપસ્તંભ છે. આ મંદિરનો દૂરથી દેખાતો સાત માળનો દેદીપ્યમાન દીપસ્તંભ મંદિરની ઓળખ બની ગયો છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
ફ્રુટડીશ પર આક્રમણ!
 |
| જોતાંવેંત આરોગવાનું મન થઇ જાય એવી કલરફૂલ ફ્રુટડીશ! |
મંદિરમાં દર્શન કરીને અમે હાટડીઓ પાસે આવીને બધું જોવા લાગ્યા. એક જગ્યાએ રસ્તાને કિનારે ફણસનું ઝાડ હતું અને એની પર જથ્થાબંધ ફણસ બેઠેલા હતા. કુતુહલવશ નજીક જઈને જોયા પછી એના ફોટા પાડ્યા. હવે પેટમાં કકડીને ભૂખ લાગી હતી એટલે ફ્રુટડીશ વેચતી હાટડી તરફ જ ધસી ગયા. કોંકણપ્રદેશ ત્યાંના ફ્રુટ્સ માટે જાણીતો છે. દર વર્ષે અહીં પણજી અને મડગાંવમાં ત્રણેક દિવસનો ફ્રુટ ફેસ્ટીવલ થતો હોય છે. ફેસ્ટીવલમાં તો ન જઈ શકાય પણ ફ્રુટ્સ તો ગમેત્યારે ખાઈ જ શકાય ને! અમને હાટડીવાળાએ પાનનાં પડિયા પર કેરી, નારંગી, પપૈયું, અનાનસ, કાકડી, કમરખ અને નારંગી જેવી જ પણ ગુલાબી રંગની પેશીઓ ધરાવતું ફળ મૂકીને પડિયો પકડાવ્યો. મને તો પેલા નારંગી રંગની પેશીઓ ધરાવતા ફળમાં રસ પડ્યો એટલે એની ‘એક્સક્લુસીવ’ ડીશ પણ લીધી. એ ફળનું નામ પૂછીને લખ્યું પણ હતું પણ અત્યારે જડતું નથી!
No comments:
Post a Comment