પ્રેમીઓની ઘરવાપસી!
--- હરિશંકર
પરસાઈ ---
![]() |
| હિન્દીનાં પ્રસિદ્ધ વ્યંગ્યલેખક હરિશંકર પરસાઈ (૧૯૨૪-૧૯૯૫) |
નદી
કિનારે બેસીને બન્નેએ અંતિમ ચિઠ્ઠી લખી : ‘આ દુનિયા બહુ જાલિમ છે. પ્રેમીહૈયાઓને
મળવા નથી દેતી. અમે આ દુનિયા છોડીને એવી દુનિયામાં જઈએ છીએ જ્યાં પ્રેમનાં
માર્ગમાં કોઈ બંધન નથી.’
પ્રેમેન્દ્ર
બોલ્યો: “આ દુનિયા સાલી કેટલી ખરાબ છે, હેં ને રંજના?”
રંજનાએ
તેની વાતનું સમર્થન કરતાં કહ્યું: “ હા...બહુ જ ખરાબ.”
“તો આવી
દુનિયા સળગી કેમ નથી જતી, રંજુ?”
“કેમકે
એને સળગાવે એવાં લોકો તો પહેલાં જ આત્મહત્યા કરી લે છે.”
પ્રેમી થોડી
ક્ષણો કશું બોલી શક્યો નહિ. પછી એણે કહ્યું: “ આપણે અનંત કાળ સુધી પરલોકમાં સુખ
ભોગવીશું.”
પ્રેમિકા
બોલી: “ ત્યાં ય ક્યાં બધું બરોબર છે? પેલાં મારાં કાકા-કાકી તો પહેલેથી જ ત્યાં
પહોંચી ગયાં છે. ને તારો ય કાકો ત્યાં જઈને ચોંટ્યો છે. શું એ લોકો આપણને લગ્ન
કરવાં દેશે?”
પ્રેમીએ
તેને સમજાવતા કહ્યું: “ ત્યાં કોઈ બંધન નથી. ભગવાન પોતે કન્યાદાન કરશે. વડીલો તો
શું એમનાં બાપે ય ત્યાં આપણું કંઈ બગાડી
શકે એમ નથી. લે, આ ચિઠ્ઠી પર તારી સહી કર.”
રંજનાએ
કહ્યું: “ના. પહેલાં તું કર.”
પ્રેમેન્દ્ર
બોલ્યો: “ના, પહેલાં તું. હું સંસ્કારી પુરુષ છું. લેડીઝ ફર્સ્ટ!”
રંજના
બોલી: “પણ હું નારી છું – પુરુષને અનુસરનારી.”
સંસ્કારી
પુરુષને આ સાંભળીને કંઈ આનંદ થયો નહિ. એણે શંકાની નજરે પુરુષને અનુસરનારી ભણી
જોયું. સામે પેલીએ પણ શંકાની નજરે સંસ્કારી પુરુષ સામે જોયું.
બન્ને
એકસાથે સાડીની ગાંઠે બંધાયા અને કૂદી પડ્યા.
***
રસ્તામાં
રંજનાએ પ્રેમેન્દ્રને કહ્યું: “તું તો મર્યા પછી ય દાંતથી નખ ચાવી રહ્યો છે. કેટલી
ગંદી આદત છે!”
પ્રેમેન્દ્રએ
કહ્યું: “ તું ય મોટી ભેંસની જેમ મોં ફાડીને બગાસા ખાય છે તે! મોં પર હાથ રાખતાં
શું લૂંટાઈ જાય છે તારા બાપનું? સાલી સાવ ફૂવડ છે!”
રંજનાને
વાતનો વિષય બદલવાનું યોગ્ય લાગ્યું. તે બોલી: “ત્યાંના લોકો આપણી પાછળ બહુ રોકકળ
કરતાં હશે નહિ?”
પ્રેમેન્દ્ર
બોલ્યો: “હોય કંઈ? ઉલટું તારા મા-બાપ તો ખુશ થશે. વિચારતા હશે કે ચાલો, બલા ટળી!
તારી બીજી ચાર બહેનો ય બેઠી છે ને!”
રંજનાએ
પણ ફૂંફાડો માર્યો: “અને તારો બાપ? એ શું વળી રડવાનો હતો! મને બધી ખબર છે કે એ તને
કેટલો ધિક્કારતો હતો.”
હવે
વિષય બદલવાનો વારો પ્રેમેન્દ્રનો હતો. એણે કહ્યું: “ છોડ ને યાર આ બધી વાતો. અહીં
ઘર વસાવવાની વાત કરીએ.”
રંજના
બોલી: “અરે, મોટો ગોટાળો થઇ ગયો! હું મારી કોલેજમાં પાકશાસ્ત્રનાં લેક્ચર ગુલ
કરતી. ત્યાં શીખી હોત તો તને એકથી એક ચડિયાતાં પકવાન બનાવીને ખવડાવતી હોત.”
પછી એને
કંઇક યાદ આવતાં બોલી, “પણ કંઈ વાંધો નહિ. અમારી પાકશાસ્ત્રની પ્રોફેસર – મિસ સૂદ –
ગયે મહિને જ પરલોક સિધાવી છે. એને ઓળખી ને? એ પાકશાસ્ત્ર બહુ સરસ ભણાવતી પણ ભોજન
એકદમ ભદ્દદું. પ્રિન્સીપાલ મેડમનાં ભાઈથી ગર્ભ રહી ગયો હતો. પટકથાલેખકો એક સારો
કેરેક્ટર રોલ લખી શકે એટલે એણે ઝેર ખાઈ લીધું.
***
હવે
બન્ને જણા પરલોક આવી પહોંચ્યા. સાંજે બગીચામાં ફરતી વખતે એમણે એક બાકડા પર પરિચિત
સ્ત્રી-પુરુષ બેઠેલાં જોયા. પુરુષે સ્ત્રીનો હાથ પકડેલો હતો અને સ્ત્રીએ પુરુષને
ખભે માથું ઢાળી રાખ્યું હતું.
પ્રેમેન્દ્રે
ચોંકી ઉઠતાં કહ્યું: “અરે, આ તો મારી સ્કૂલનાં હેડમાસ્તર સક્સેના સાહેબ છે!”
રંજના ય
બોલી પડી: “અને પેલી મારી હેડમિસ્ટ્રેસ મિસિસ શર્મા છે!”
પ્રેમેન્દ્ર
માથું ધુણાવતા બોલ્યો, “સક્સેના સાહેબ તો બહુ કરડા અને અનુશાસનપ્રિય માણસ હતાં.
અમે તો એમને કોઈ દિવસ હસતાં ય નથી જોયા. એટલે અમને ઘણી વાર આશ્ચર્ય થતું કે જે
માણસ હસી શકતો નથી તે બાળબચ્ચાંવાળો કઈ રીતે થઇ જાય છે!”
એ લોકો
ત્યાંથી પાછાં વળતાં જ હતાં ત્યાં જ હેડમાસ્તરે બૂમ પાડી: “છોકરાઓ, શરમાઓ નહિ!
અહીં આવો તો.”
બન્ને
જણા તેમની પાસે જાય છે. મિસિસ શર્માએ પોતાની પ્રિય વિદ્યાર્થીનીને ઓળખી કાઢી. થોડી
વાર ઔપચારિક વાતો થઇ. પછી તેઓ પોતાપોતાનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીની સાથે બગીચામાં
ફરતા ફરતા વાતો કરવાં લાગ્યા.
હેડમાસ્તરે
પ્રેમેન્દ્રને કહ્યું: “પ્રેમેન્દ્ર, તું હેરાન હોઈશ કે મારાં જેવો પથ્થરદિલ,
સંયમી અને સદાચારી માણસ મિસિસ શર્માને ક્યાંથી પ્રેમ કરવાં લાગ્યો! વાત જાણે એમ છે
કે બે વર્ષ પહેલાં શિક્ષણ બોર્ડની કચેરીમાં અમે બન્ને મેટ્રિકની પરીક્ષાનાં
નંબરોનું ટોટલ કરવાં બેઠાં હતાં. અને અમારાં બન્નેનું ટોટલ થઇ ગયું! ત્રણ મહિના
પહેલાં મિસિસ શર્માને ન્યુમોનિયા ખાઈ ગયો. અને એક અઠવાડિયા પહેલાં મારું હાર્ટ ફેલ
થવાથી હું અહીંયા આવી ગયો! પણ મેં એને કહ્યું છે કે તારા વિરહમાં મેં આત્મહત્યા
કરી લીધી છે. તું ભૂલેચૂકે ય એને કહેતો નહિ કે મારું મોત હાર્ટ ફેલ થવાથી થયું
છે.”
આ બાજુ
મિસિસ શર્માએ રંજનાને કહ્યું, “હું તો આ હેડમાસ્તરનો ઘમંડ ચકનાચૂર કરવાં માંગતી
હતી. જોયો મોટો સદાચારી! રાષ્ટ્રપતિ પાસેથી એક મેડલ શું લઇ આવેલો. એ મેડલનાં મેં એક
દિવસ ભૂક્કા કરી નાખ્યા તો મેડલ-ફેડલ વિસરીને મારી આગળપાછળ આંટા મારવા લાગ્યો!
જુઠ્ઠાણા તો એણે અહીંયા પણ નથી છોડ્યા. મર્યો હાર્ટ ફેલ થવાથી અને કહે છે કે મેં
તારે માટે આત્મત્યા કરી લીધી. જો, તારે જે કરવું છે એ ઝડપથી કરી લેજે. પુરુષનો કોઈ
ભરોસો નહિ. આ હેમાસ્તરીયો ચોરી-ચોરી પોતાની સાળીની તપાસ કરતો ફરે છે.”
આ બાજુ
હેડમાસ્તરે પ્રેમેન્દ્રનાં કાન ભર્યા: “ આ છોકરીનો કોઈ પૂર્વ પ્રેમી તો અહીં નથી
ને? જરા સાવધ રહેજે. આજકાલ કોઈનો ય ભરોસો નહિ. આ શર્માડી ગુપચુપ ગુપચુપ પોતાની
સ્કૂલનાં સંગીત શિક્ષકની શોધ કરી રહી છે.”
***
બન્ને
વિદ્યાર્થીઓ પોતપોતાના ગુરુઓ પાસેથી દીક્ષા લઈને આગળ વધ્યાં ન વધ્યાં ત્યાં તો
પ્રેમેન્દ્રની નજર એનાં કાકા પર પડી. કાકા તો પોતાનાં ઉપરી અધિકારીની પત્નીનાં હાથમાં
હાથ નાખીને ફરી રહ્યા હતા એ જોઈને પ્રેમેન્દ્રને જબરદસ્ત ઝાટકો લાગ્યો. કાકા વિષે
તો એ સ્વપ્નમાં ય આવી કલ્પના નહોતો કરી શકતો. ત્યાં જ કાકાએ એને જોયો અને બોલ્યા, “
શરમાઈશ નહિ. અહીં આપણે બધાં સ્વતંત્ર છીએ. મેડમ સાથે મારે ત્યારનું ચાલે છે.”
પ્રેમેન્દ્ર
બોલ્યો, “ પણ કાકા, તમે તો કહ્યા કરતાં હતાં કે મેડમ તો બહુ ફલર્ટ બાઈ છે.”
કાકાએ
કહ્યું, “ તો એ તો મેં એનાં વખાણમાં કહ્યું હતું. અરે, પતિવ્રતા હોત તો મારાં શું
કામમાં આવત? ફલર્ટ છે એટલે તો મને ફાયદો મળી રહ્યો છે!”
***
હવે
પ્રેમેન્દ્રને વિશ્વાસ થઇ ગયો કે પોતે જેનાથી ડરતો હતો એવાં બધાં નિયમ-બંધન અહીં
નથી.
તે
રંજનાને લગ્ન કરવાનું કહેતો અને રંજના વાત ટાળી નાખતી.
એક દિવસ
એણે કહ્યું, “ હું બધું જાણી ગયો છું. તું ચોરીછૂપી પેલાં વિનોદીયાને મળે છે. પેલો
વિનોદ જે કાર-અકસ્માતમાં મુએલો. પેલી શર્માડી તમને મળાવડાવે છે ને? તું ભૂલી ગઈ કે
આ એ જ વિનોદ છે જેનાં બાપે તારા બાપને સસ્પેન્ડ કરાવેલા.
રંજના
બોલી, “ તને ભ્રમ છે. હું એને નથી મળતી.”
“તું
વળી એને પ્રેમ ના કરવાં લાગતી.”
“હું
વળી કંઈ એ બદમાશને પ્રેમ કરું?”
“તું
એને પ્રેમ કરવાં લાગી છે. મને તો ગળા સુધી ખાતરી છે.”
“આખરે
કેમ આવું વિચારે છે? ક્યા આધારે તું એમ કહે છે કે હું એને પ્રેમ કરું છું?”
“ એટલાં
માટે કે તે એને હમણાં જ ‘બદમાશ’ કહ્યો. પ્રેમ ના કરતી હોત તો એને બદમાશ ના કહેત.”
રંજનાને
હવે વાત છુપાવવી વ્યર્થ લાગી. એટલે એણે ઘટસ્ફોટ કર્યો કે પોતે વિનોદ સાથે લગ્ન
કરવાની છે.
પ્રેમેન્દ્રે
રડવા ચાહ્યું પણ આ લોકમાં આંસુ નથી નીકળતા. એણે રંજનને ખરીખરી સંભળાવી અને
આત્મહત્યાની ધમકી આપીને જતો રહ્યો.
***
પણ એ આત્મહત્યા
કરવામાં નિષ્ફળ ગયો. એણે ફાંસો ખાવાની કોશિશ કરી તો ગરદન પર ગાળીયો ક્સાયો જ નહિ,
રેલનાં પાટા પર સૂઈ ગયો તો આખી ગાડી પસાર થઇ ગઈ અને એને એક ઘસરકો ય પડ્યો નહિ. નદીમાં
કૂદકો માર્યો પણ ડૂબ્યો નહિ. એક દિવસ એક ઈમારતનાં પાંચમાં માળેથી ભૂસકો માર્યો તો
નીચે સડક પર એક પોલીસવાળા પર જઈને પડ્યો! પોલીસવાળાએ હસીને કહ્યું, “ અલ્યાં
જુવાન, છોકરમતે ચડ્યો છે કે શું?”
પ્રેમેન્દ્રે
કહ્યું, “ પાંચમે માળેથી કૂદવાને તમે છોકરમત કહો છો!”
પોલીસવાળાએ
જવાબ આપતાં કહ્યું, “ તો શું? તું અહીં સોમાં માળેથી ય કૂદી શકે છે. પણ તું કુદ્યો
કેમ?”
પ્રેમેન્દ્રે
કહ્યું, “ મારે આત્મહત્યા કરવી છે.”
પોલીસવાળાએ
એને સમજાવ્યો, “જો ભાઈ, અહીં આત્મહત્યા કરવી તો અશક્ય છે. જો એમ થાય, તો જીવ જઈ જઈને
જાય ક્યાં? તમારાં લોકનાં કવિઓને ય આ વાત ખબર છે. કોઈએ લલકાર્યું છે ને – ‘મર કે
ભી ચૈન ન મિલા તો જાયેંગે યારો કહાઁ?’
પ્રેમેન્દ્રે
પૂછ્યું, “તો અહીં હત્યા તો જરૂર થઇ શકે ને? મારે પેલી શર્માડીની હત્યા કરવી છે.”
પોલીસવાળાએ
જવાબ આપ્યો, “ તારા જુનાં સંસ્કાર હજુ છૂટ્યા નથી. એટલે જ હત્યા માટે પોલીસની સલાહ
માંગે છે. જો ભાઈ, અહીં હત્યા પણ ના થઇ શકે. પાછો એ જ સવાલ નડે કે અહીંથી જીવ જઈને
જાય તો ક્યાં જાય? તું મને એ કહે કે આખરે વાત શું છે? કંઈ પ્રેમ-બ્રેમનો મામલો છે?”
પ્રેમેન્દ્રે
રડમસ થઈને કહ્યું, “હા, પેલી મને છેતરી ગઈ.”
પોલીસવાળાએ
કહ્યું, “ તો એ કિસ્સામાં તું પ્રેમ અને વિવાહ વિભાગનાં સંચાલકને મળ. એ જ આ સમસ્યા
ઉકેલી શકશે.”
***
પ્રેમેન્દ્ર
સંચાલકની ઓફિસે ગયો. સંચાલકે એને માથાથી લઈને પગ સુધી નિહાળ્યા પછી મોં પર વધુ
પડતું સ્મિત લાવતાં પૂછ્યું, “યસ યંગ મેન, વ્હોટ કેન આઈ ડૂ ફોર યુ?” પ્રેમેન્દ્રે
હળવેકથી કહ્યું, “ સાહેબ, તમે ભારતથી આવેલાં લાગો છો.”
સાહેબે
નવાઈ પામતા પૂછ્યું, “ તને કેવી રીતે ખબર પડી?”
પ્રેમેન્દ્રે
કહ્યું, “ એટલાં માટે કે તમે અહીં પણ અંગ્રેજીમાં બોલો છો. આ ઉંચા દરરજાનાં
ભારતીયનું લક્ષણ છે.”
સાહેબે
કહ્યું, “ તું સાચો છે. અરે અંગ્રેજી માટે તો મેં ભારત છોડી દીધું. હું આઈ.સી.એસ.
હતો. દિલ્હીમાં એક વિભાગનો સેક્રેટરી હતો. 26
જાન્યુઆરી, 1965નાં જયારે હિન્દી દેશની રાજભાષા થઇ ગઈ ત્યારે 27 જાન્યુઆરીએ
હું તાબડતોડ વિમાન મારફતે લંડન પહોંચી ગયો અને ત્યાંની ટેમ્સ નદીમાં પડતું મુક્યું.”
પ્રેમેન્દ્રે
કહ્યું, “સાહેબ, તમે એટલાં દૂર સુધી શું કામ લાંબા થયાં? અહીં દિલ્હીમાં યમુના
નદીમાં ય પડતું મુકી શક્યા હોત.”
સાહેબે
ઉકળી ઉઠતાં કહ્યું, “નોનસેન્સ! કેવી વાત કરે છે! યમુના નદીમાં કુદ્યો હોત તો ઇંગ્લેન્ડની
રાણી મારે માટે શું વિચારત?”
હવે
પ્રેમેન્દ્રે એમને પોતાની સમસ્યા કહી. સંચાલકે કહ્યું, “આ તો પોલિસીનો મામલો છે.
ઉપરથી નક્કી થશે. પોલિસી નક્કી કરી લે તો અમલ વખતે કહીશ એવી મચેડી નાખીશ. પોલિસીની
મર્યાદામાં રહીને એ પોલિસીથી તદ્દન વિરુદ્ધ કામ કરવામાં મારી ફાવટ છે. દિલ્હીમાં હોવાથી મને આનો સારો અભ્યાસ છે. તારો
કેસ હું ભગવાન પાસે મોકલી દઉં છું. તું એમને કાલે મળી લેજે.”
***
બીજે
દિવસે પ્રેમેન્દ્ર ભગવાન સમક્ષ હાજર થયો. સાથે રંજના પણ હતી.
ભગવાને
કહ્યું, “તારી સમસ્યા મારી જાણમાં આવી છે. બોલ, તું શું ઈચ્છે છે?”
પ્રેમેન્દ્ર
બોલ્યો, “ જો તમે આને ગંભીરતાથી લો તો , તો હે પ્રભુ, આપ રંજનાને મને પ્રેમ કરવાનો
આદેશ આપો અને પેલી હલકટ શર્માડીને ડિસમીસ કરી નાખો.”
ભગવાન
બોલ્યાં, “જ્યાં સુધી પ્રેમનો સંબંધ છે, અમારાં હાથ સંવિધાનથી બંધાયેલા છે. પ્રેમ
પબ્લિક સેક્ટરમાં નહિ, પ્રાઈવેટ સેક્ટર હેઠળ આવે છે. અને મિસિસ શર્મા અમારી નોકરી
નથી કરતાં. એટલે આપણે બીજાં પક્ષની રજૂઆત સાંભળીને કંઈ સમજૂતી કરવાનો પ્રયાસ કરીએ
છે. રંજના, આ વિષે તારે શું કહેવું છે?”
રંજના
બોલી, “પ્રભુ, અમારી દુનિયામાં અમને સ્વતંત્રતા નથી મળતી એટલે જે અમારાં સંપર્કમાં
આવે એની જોડે જ અમારે પ્રેમ કરવો પડે છે. આ પ્રેમેન્દ્ર નાનપણથી મારાં ઘરે આવતો
હતો. પપ્પા એની પાસે પાન-સિગરેટ મંગાવતા હતાં. બાકી મારાં માતા-પિતા તો એટલાં કડક
હતાં કે ના મને ક્યાંય એકલી જવા દે, ન ક્યારેય કોઈ પુરુષને ઘરમાં આવવા દે. હું
પ્રેમેન્દ્ર સિવાય બીજાં કોઈ પુરુષને ઓળખતી નહિ. આ મજબુરીને કારણે જ અમારી વચ્ચે
સંબંધ પાંગર્યો, જેને અમે પ્રેમ કહેવા લાગ્યા. મારું ચાલત તો હું તો વિનોદને પ્રેમ
કરત. મને એ ગમતો. પણ એનાં પિતાએ મારાં પિતાને સસ્પેન્ડ કરાવેલા. એટલે એ અમારે
ત્યાં આવી નહોતો શકતો. પણ પ્રભુ, અહીં સ્વતંત્રતા છે. હું મારી ઈચ્છાથી પ્રેમ કરી
શકું છું. એટલે જ હું વિનોદને પ્રેમ કરું વ્હ્હું. પરાધીનતામાં જે થયું તે થયું,
પણ એ સ્વતંત્રતામાં નિયામક બનવું જોઈએ નહિ.”
ભગવાને
પ્રેમેન્દ્રને કહ્યું, “સાંભળ્યુંને તે? હવે તારે શું કહેવું છે?”
પ્રેમેન્દ્રે
દુઃખી પ્રેમીને સહજ એવાં રોષથી કહ્યું, “ એ જ કે અમારે આવી જગ્યાએ નથી રહેવું.
અમને પાછાં અમારાં સંસારમાં મોકલી દો. અહીંનાં ભરોસાની આશા તો ઠગારી નીવડી.”
ભગવાને
કહ્યું, “ તું ત્યાંથી અહીં ને અહીંથી ત્યાં ભાગતો જ ફરીશ કે કંઈ કરીશ પણ?”
ત્યાં
સુધી તો સચિવે રેકોર્ડ જોઈને કહ્યું, “ પ્રભુ, આ છોકરીની માતાનો ક્વોટા તો ખતમ થઇ
ગયો. પાંચ છોકરીઓ થવાની હતી, તે થઇ ગઈ. હવે આ એ જ પરિવારમાં જન્મ નહિ લઇ શકે. હા,
છોકરાનાં બાપનાં ખાતામાં હજુ એક બાળક બોલે છે.”
પ્રેમેન્દ્રે
ગુસ્સે થઈને કહ્યું: “ જબરી ધાંધલ છે. અહીં પણ અમે અમારો બાપ પસંદ નથી
કરી શકતાં! એક છોકરી કોઈને આપી દેવામાં શું છોકરીઓનો સ્ટોક ખતમ થઇ જવાનો છે?”
ભગવાને
નારાજગીથી કહ્યું, “ પ્રેમી મહાશય! તું
ગુસ્સે બહુ જલ્દી થઇ જાય છે. મને કહે કે આટલી જલ્દી દુનિયા કેમ ત્યજી દીધી? કોઈ
અકસ્માતમાં માર્યો ગયેલો કે?”
પ્રેમેન્દ્રે
કહ્યું, “ હું તો પ્રેમનાં કારણે આત્મહત્યા કરવાં આવેલો. અમે બન્ને એકસાથે નદીમાં
કૂદી પડેલાં. ત્યાંની દુનિયાના લોકો અમારાં લગ્ન નહોતાં થવા દેતાં.”
ભગવાન
બોલ્યાં, “પણ વાતો તો તું એવાં ટોનમાં કરે છે જાણે કોઈ આંદોલનમાં શહીદ થઈને આવ્યો
હોય! અરે, દુનિયામાં કોઈ બીજું કામ નહોતું બચ્યું જે અહીં ચાલ્યો આવ્યો?”
બન્ને
જણા એકમેક ભણી જોવાં લાગ્યા.
ભગવાને
રંજનને કહ્યું, “ જો છોકરી, જો તારો નવો પ્રેમી જયારે જાણશે કે તું પ્રેમમાં
આત્મહત્યા કરીને અહીં આવી છે તો એ તને ય પડતી મુકશે. અહીં સુંદરીઓની કોઈ કમી નથી
હોં.”
રંજનાએ
કહ્યું, “ભગવંત, આ જગ્યા તો અમને બિલકુલ ના ગમી. અહીં કશું નિશ્ચિત નથી. અહીંની
સ્વતંત્રતા તો જીરવાય એમ નથી. એક વ્યક્તિને બીજી વ્યક્તિ પ્રત્યે લેશમાત્ર વફાદારી
નથી. આપ અમને અમારી દુનિયામાં પાછાં મોકલી દો...અરે, ગમે ત્યાં બીજે મોકલી દો...”
ભગવાન
બોલ્યાં, “પણ એમાં એક મુશ્કેલી છે. જે લોકો પ્રેમમાં આત્મહત્યા કરીને આવે છે એમને
ફરીથી મનુષ્ય તરીકે અવતરવાનો હક નથી. કેમકે જે કારણે એમણે જીવવું જોઈએ એ જ કારણથી
તેઓ મરી જાય છે. આવાં લોકોમાં મનુષ્ય સ્વરૂપે
પ્રેમ કરવાં જરૂરી સાહસ અને વિવેકનો અભાવ હોય છે. તમારે માટે પણ મનુષ્યરૂપે
અવતરવું યોગ્ય નથી. એક વાર તમને આનો અનુભવ થઇ ગયો. તમારું કંઈ ઉપજ્યું નહિ.
તમારામાં પ્રેમને નિભાવવાની હિંમત જ નહોતી. હવે ફરીથી આ ઝંઝટમાં શું કામ પડો છો?
કોઈ બીજી યોનિમાં જન્મ લો જેમાં મનુષ્યની જેમ પ્રેમ કરવાંનાં બંધન નથી. બોલો, તમને
કયા પ્રાણીનો અવતાર લેવો ગમશે?
પ્રેમેન્દ્રે
રંજનાને કહ્યું, “ બોલ, તું શું બનીશ?”
રંજનાએ
પ્રેમેન્દ્રને કહ્યું, “તું પહેલાં બોલ.”
પ્રેમેન્દ્રે
કહ્યું, “ ના, પહેલાં તું બોલ. હું તો સંસ્કારી પુરુષ છું. લેડીઝ ફર્સ્ટ!”
રંજનાએ
કહ્યું, “ના, તું પહેલાં કહીશ. હું સ્ત્રી છું, પુરુષને અનુસરનારી!”
(હિન્દીમાંથી ગુજરાતી અનુવાદ: ઈશાન ભાવસાર)

No comments:
Post a Comment