Wednesday, March 25, 2026

જય વસાવડા : મારે માટે લોકપ્રિય લેખકથી પણ વધુ એક નેકદિલ ઇન્સાન

જય વસાવડા, આ બે શબ્દોને પણ ટૂંકાવીએ તો જે.વી. જેમ શેક્સપિયર બોલીએ ત્યારે મહાન અંગ્રેજી નાટ્યકાર એવો એક જ શેક્સપિયર યાદ આવે એમ ગુજરાતી લેખનક્ષેત્રે જે.વી. બોલીએ એટલે એકમેવ એવા જય વસાવડાની જ વાત છે એવું અલગથી કોઈને સમજાવવું ન પડે. કોઈ ગુજરાતી કોલમિસ્ટ-લેખકને અગાઉ ન મળી હોય એટલી પ્રચંડ લોકપ્રિયતા એમણે અર્જિત કરી છે. આજે જયારે મોટા મોટા રાજનેતાઓને પણ એમની જનસભાઓમાં ભીડ ભેગી કરવા જાતભાતનાં પ્રલોભનો આપીને લોકોને ખેંચી લાવવા પડે છે ત્યારે જયભાઈ જ્યાં બોલવાના હોય તે કાર્યક્રમમાં હકડેઠેઠ ગુજરાતી ઓડિયન્સ સ્વયંભુ એમને સાંભળવા ભેગું થતું હોય છે. એક વખત અમદાવાદમાં લીટરેચર ફેસ્ટીવલમાં ખીચોખીચ ઓડિયન્સથી ભરેલા એમના સેશનની સમયઅવધિ પૂરી થઇ ગઈ પણ ઓડિયન્સને ધરવ નહોતો થયો ત્યારે ‘હજુ ચાલુ રાખો’ ના અવાજો વચ્ચે જયભાઈને ધરાર ઓડિયન્સ સાથે ઇન્ટરએક્શન સેશન ચાલુ રાખવું પડયું હતું એ તો નજરે જોયું છે. બાળવયથી જ શરુ કરેલા પ્રચુર વાંચન અને યુવાવયે  દેશવિદેશમાં કરેલા સંખ્યાબંધ પ્રવાસોને કારણે ભારતીય સંસ્કૃતિથી લઈને સસ્પેન્સ સાહિત્ય જેવા અવનવાં વિષયો પરની પકડ, અંગ્રેજી-ગુજરાતી શબ્દોનો સુચારુ ઉપયોગ, માહિતીને રસપ્રદ રીતે રજૂ કરવાની શૈલી, ધારદાર દલીલો અને સંમોહક વાણી, અને સોશિયલ મીડિયા પર એમના રીડર બિરાદર ફેન્સ સાથે વન-ટૂ-વન સંવાદ એ જયભાઈની USP. 

જયભાઈની જેમ હું પણ નાનપણથી વાંચનનો રસિયો. ચંપક અને ચાચા ચૌધરી કોમિક્સ જેવા બાળવાર્તાઓના મેગેઝીનો અને જીવરામ જોષીની ‘મિંયા ફૂસકી’ અને ‘ગપ્પીદાસ’ જેવી બાળવાર્તાઓના પુસ્તકો વાંચીને વાંચનરસ ઠીક ઠીક જામ્યો હતો. હું ચોથા-પાંચમાં ધોરણમાં ત્યારથી એટલેકે ઈ.સ. ૧૯૯૮-૯૯થી અખબાર વાંચતો થયો. અમારાં ઘરમાં આમ તો ‘સંદેશ’ આવે પણ મને પડોશના ઘરમાં આવતા ‘ગુજરાત સમાચાર’ ની બુધ અને રવિવારની પૂર્તિઓ વાંચવાનું આકર્ષણ એટલે એમના ત્યાં વંચાઈ રહે પછી બીજે દિવસે પૂર્તિઓ માંગી લેતો અને એમાંથી જે કંઈ લેખો પસંદ પડે એને કાપીને ફાઈલ બનાવતો. એ વખતે મને પહેલી વાર જયભાઈની ‘સ્પેક્ટ્રોમીટર’ કોલમ ધ્યાનમાં આવેલી. જોકે મારે કહેવું જોઈએ કે કિશોરાવસ્થામાં એ ઉંમરે મેં જયભાઈને વાંચ્યા નહોતા. આગળઉપર મેં અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. અને એમ.એ. કર્યા બાદ કોલેજમાં ભણાવવાની શરૂઆત કરી ત્યારે સોશિયલ મીડિયાનો  કૂકડો બોલી ચૂક્યો હતો. ઈ.સ. ૨૦૧૧માં ‘ફેસબુક’ જોઈન કર્યા પછી  વિદ્યાપીઠની લાઈબ્રેરીમાંથી લાવીને વાંચેલા પુસ્તકો અંગે છૂટકપૂટક ‘પોસ્ટ’ લખવાનું શરુ કર્યું અને સમાંતરે ગુજરાતી લેખનજગતમાં સક્રિય હસ્તીઓનો ફેસબુક પર સંપર્ક કેળવવાની કવાયત આદરી એમાં જયભાઈને પણ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. પણ અફસોસ ! એમના પક્ષે ફેસબુકની ૫૦૦૦ મિત્રોની મર્યાદા તો પૂરી થઇ ગઈ હતી.  થોડા સમય બાદ મેં મેસેજમાં આ અંગે મીઠી ફરિયાદ કરી ત્યારે તેમણે મને ‘જેન્યુઈન’ વાચક વર્તીને સામે ચાલીને ‘જગ્યા કરી’ ને મને એમના ફ્રેન્ડમાં સામેલ કર્યો હતો એવું એમનું ‘જેશ્ચર’ તો કેમ ભૂલાય? આમ, અમે સોશિયલ મીડિયા પર મિત્રો બન્યા.

મિત્રતા તો ઉભયપક્ષી હોય ને? પોતાના લખાણોના ફેલાવા માટે કે વાહવાહી ફેલાવવા મિત્રોનો એકપક્ષી ઉપયોગ કરનારા તો ઘણા મળે પણ જયભાઈ તો સૌથી નોખા. સોશિયલ મીડિયા પર પોતાના વિશાળ મિત્રવર્તુળમાં એમને કોઈ ઉગતી કલમમાં સ્પાર્ક લાગે તો એની નાની-મોટી રચનાને મિત્રભાવે પોતાના કોઈ પ્રાસંગિક કટારલેખમાં રચનાકારને નામ સાથે ટાંકીને આગળ કરે. મને પણ જયભાઈની ગુણગ્રાહિતાનો લાભ મળ્યો છે. અમે રૂબરૂમાં તો હજુ સુધી મળ્યા નહોતા ત્યારે  મારી ફેસબુક પરની છૂટકપૂટક ‘પોસ્ટ’ અને ગુજરાતી મેગેઝીનોમાં એમના લેખની સાથે ક્યારેક છપાતા મારા લેખને કારણે તેઓને ભરોસો બેઠો હશે કે આ ‘છોકરા’ની ભાષા-અભિવ્યક્તિ સારી છે. એટલે એમણે મને એમના પુસ્તકોના પ્રકાશનનું કામ સંભાળે છે એવા એમના નાનપણના ભેરુ ધર્મેશભાઈનો એક પુસ્તકના અનુવાદ માટે સંપર્ક કરાવ્યો. એ પુસ્તક પણ જુઓ તો ટ્વિન્કલ ખન્નાનું ‘ધ લીજેંડ ઓફ લક્ષ્મી પ્રસાદ’! પુસ્તકમાં નારીલક્ષી ચાર વાર્તાઓ જેમાંની એક વાર્તા પરથી તો ટ્વિન્કલના પતિ અક્ષયકુમાર અભિનીત ‘પેડમેન’ ફિલ્મ પણ બની. અગાઉ છુટાછવાયા અનુવાદોનો અનુભવ હતો પણ ફૂલ-લેન્થ પુસ્તક અનુવાદનો કોઈ અનુભવ નહોતો. આર્થિક વળતર પણ પ્રમાણમાં સારું હતું. પણ  જયભાઈનો વિશ્વાસ મારા માટે સૌથી મહત્વની વાત હતી. એટલે પૂરી નિષ્ઠાથી પુસ્તકનો અનુવાદ કર્યો અને ૨૦૧૯માં બજારમાં પુસ્તક આવી ગયું. સાથોસાથ ધર્મેશભાઈએ ‘હિતોપદેશ’ ની ૩૮ વાર્તાઓનું પુસ્તક પણ અનુવાદ કરવા આપ્યું. એ વાર્તાઓ પણ જૂની અને જાણીતી. બાળકો અને કિશોરવયના વાચકોને પસંદ પડે એ રીતે એનો અનુવાદ પણ કર્યો જે કોરોનાને કારણે વિલંબ થતા છેક ૨૦૨૩માં બજારમાં આવ્યું. વચમાં જયભાઈએ એમના મિત્રતાવિષયક લેખોનું પુસ્તક ‘દોસ્તી: A Book of Friendship’ તૈયાર થતું હતું ત્યારે અમેરિકન વાર્તાકાર ઓ’ હેન્રીની મિત્રતાની થીમ પરની જગપ્રસિદ્ધ વાર્તા ‘After Twenty Years’નો ગુજરાતી અનુવાદ મારી પાસે માંગ્યો અને પુસ્તકમાં નામસહીત છાપ્યો. અને યોગાનુયોગે થયું એવું કે ઓ’ હેન્રીની આ વાર્તા પોલીટેકનીકના વિદ્યાર્થીઓના ઈંગ્લીશના કોર્સમાં લેવામાં આવી છે. એટલે, જે વાર્તાનો જયભાઈએ મારી પાસે અનુવાદ કરાવ્યો એ મૂળ વાર્તા મારે ક્લાસમાં ભણાવવાની આવી. આજે ક્લાસમાં હું મારા વિદ્યાર્થીઓને  મૂળ ઈંગ્લીશ વાર્તા ભણાવ્યા પછી આ અનુવાદની વાત કરું છું અને જયભાઈનો પરિચય આપવા સાથે આ પુસ્તક પણ બતાવું છું ત્યારે એમની આંખોમાં પ્રકટતું વિસ્મય જોઈ શકું છું. 

જયભાઈની કોલમિસ્ટ તરીકે કે મોટીવેશનલ સ્પીકર તરીકેની લોકપ્રિયતા અને એમની દિલાવરીથી પણ અદકેરું પાસું એટલે એમની નેકદિલી જેનો મને જાતઅનુભવ થયો છે. એમણે કપરાં કોરોનાકાળમાં એમના પથારીવશ બાપુજીને કેવી સરસ રીતે સાચવ્યા એના તો આપણે સૌએ સોશિયલ મીડિયાને કારણે સાક્ષી છીએ. આ જ કોરોનાકાળમાં મારા મમ્મીની કેન્સર અને ન્યુરોની તકલીફ વકરી અને એ સાવ જ પથારીવશ થઇ ગયા અને એમને સાચવવાની તમામ જવાબદારી મારા પર આવી પડી ત્યારે અમારી બેયની આવી કફોડી પરિસ્થિતિ અને મૂંઝારાને મેં ફેસબુક પોસ્ટમાં જાહેરમાં વ્યક્ત કર્યો હતો. એ વખતે બીજા બધા મિત્રો તો ‘ભગવાન પર ભરોસો રાખો, બધું સારું થઇ જશે’ એવું ઔપચારિકતા પુરતું લખીને છટકી ગયા જ્યારેકે જયભાઈએ પરિસ્થિતિની ગંભીરતા વર્તીને આવા અઘરા રોગનું મેનેજમેન્ટ કેમ કરવું એ અંગે વર્ષો અગાઉ એમના મમ્મીને થયેલા કેન્સરના જાતઅનુભવમાંથી તારવેલું જ્ઞાન મુદ્દાસર રજૂ કર્યું હતું જેમાં સારા ડોક્ટરનો પરિચય, કપરા સમયને પહોંચી વળવા ચુસ્ત નાણાકીય આયોજન વગેરે પર ભાર મુક્યો હતો. આ અણમોલ સલાહ સિવાય પણ આગળઉપર જયારે  પરિસ્થિતિએ અણધાર્યો અને બેવડો માર કહેવાય એ રીતે વળાંક લીધો ત્યારે દૂર રહ્યે પણ એમણે મારા સંપર્કમાં રહીને જોઈતી મદદ પૂરી પાડી જે માટે હું એમનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. એ પણ ખાસ કહેવાનું મન થાય છે કે જયભાઈ સાથે મારે એક-બે વારથી રૂબરૂ મુલાકાત થઇ નથી કે નિરાંતે બેસીને અમે ગોઠડી માંડી શક્યા નથી પણ ટૂંકી મુલાકાતો અને ઔપચારિક ટેલીફોનિક વાતચીત છતાં ય મને એ મારા સ્વજન, મોટા ભાઈ, સુખ-દુઃખમાં પડખે રહેનાર દોસ્ત લાગે છે. મારે માટે એમનું લોકપ્રિય લેખકથી પણ વધુ એક નેકદિલ ઇન્સાન હોવું સૌથી અગત્યનું છે. તેઓ આજે પચાસ વર્ષ પુરા કરીને એકાવનમાં પ્રવેશે છે ત્યારે જન્મદિન પર આ મસ્તમૌજી મિત્રને લાંબી લેખનઇનિંગની શુભેચ્છાઓ.

Sunday, March 22, 2026

અજંતા-ઈલોરા: અનામી શિલ્પીઓએ કાળમીંઢ અગ્નિકૃત ખડકોમાં કંડારેલી ઈશ્વરોની અજાયબ સ્વપ્નસૃષ્ટિ (ભાગ- ૬)

 ક્રિસમસની રજાના દિવસે અજંતા-ઈલોરા જોવા ઉમડેલા અધધ માનવ મહેરામણ માંહેથી રસ્તો કાઢતા અમે પાછા ગુફા નંબર ૧ પહોંચ્યા. અહીં પરસાળ આગળની લાઈનમાં ઉભા રહીને આસપાસ અને ઉપર નજર દોડાવી. સૌથી પહેલું ધ્યાન તો જોડાં ઉતારતી વખતે જ અહીંના અત્યંત આકર્ષક કોતરણી ધરાવતા સ્તંભો પર જાય. દિવાળી વખતે ચોખંડુ કે ચકરડું પાડીને એમાં રંગોળીની ભાત દોરીએ એને મળતા આવતા medallion/ચિત્રચક્ર આ સ્તંભો પર કોતરેલા છે. અહીં પરસાળની છત પર તો પચરંગી દુનિયા ચીતરેલી છે. કતારમાં ઉભા ઉભા છત પરની ચિત્રફ્રેમો જોતા એક ફ્રેમમાં નજર જઈને અટકી. બે વેપારી જેવા જણાતા માણસો પલાંઠી મારીને બેઠા છે અને વાત કરી રહ્યા છે. એ ચિત્રમાં એક વિશેષ વાત ધ્યાને આવતા હું ચોંકી ઉઠ્યો. જોઉં તો બન્ને વેપારીઓએ પગમાં મોજાં ધારણ કર્યા હતા! હા, મોજાં જ હતા. એક વેપારીના મોજાનો રંગ વાદળી હતો અને બીજાનો કેસરી-સફેદ. તો શું બે હજાર વર્ષ પહેલા પણ મોજાની શોધ થઇ હશે?!! મન ચકરાવે ચડ્યું. મિત્રોને પણ એ ફ્રેમ બતાવી. વચ્ચે છતનો ઘણો બધો ભાગ નષ્ટ પણ થઇ ગયો છે એ ધ્યાને પડતા દુઃખ પણ થયું. અમારી કતાર આગળ વધી. પ્રવેશદ્વારના બારસાખ પરની ફ્રેમોમાં પ્રણયમગ્ન યુગલોના દ્રશ્યો કંડારેલા હતા. એમને પ્રણયરત રહેવા દઈ અમે ગુફામાં પ્રવેશ્યા. અજંતામાં કોઈપણ ગુફામાં ઝાઝીવાર પગથોભ કરવા દેતા નથી એટલે આંખો શક્ય એટલી ઝડપે બોધિસત્વ પદ્મપાણીની શોધ ચલાવી. આહા! મળ્યા! પ્રવેશદ્વારની સામેની દિવાલે ડાબી તરફ. માસૂમ નમણો ચહેરો, નીચે ઢાળેલી અને અધબીડેલી નજર, એક હાથમાં કમળ, અને શરીરે વિવિધ આભૂષણો ધારણ કરેલ પદ્મપાણિ અહીં જાણે કોઈ કુમાશભરી કન્યા સરીખા દ્રશ્યમાન થાય છે. જમણી દિવાલે બોધિસત્વ વજ્રપાણિનું ચિત્ર જોઇને અભિભૂત ન થવાય તો નવાઈ. એમના માથાનો સુંદર અને સંકીર્ણ કલાત્મકતાસભર સુવર્ણ મુકુટ તો જાણે સૂર્યકિરણો ઝાકળબિંદુઓ પર પડવાથી જેમ એ બિંદુઓ ઝગમગે એમ ઝગમગતો હતો.


આ ગુફામાંનું એક ચિત્ર છે Renunciation of King Mahajanaka/ રાજા મહાજનકનો મોક્ષ. અહીં રાજા મહાજનકના સ્નાનનું દ્રશ્ય છે જેમાં એમના ગરદન પર અલગ અલગ લટોમાં પથરાયેલા ખુલ્લા વાળ જોવા જેવા છે. બુદ્ધના પૂર્વાવતાર એવા આ રાજાના ચિત્રની બિનોય કે. બહલ કરીને આપણા એક જાણીતા ફોટોગ્રાફરે ‘ઝીરો-લાઈટ ટેકનીક’થી પાડેલી તસ્વીરને નવેમ્બર ૨૦૨૦માં નોર્વેના સ્વાલબાર્ડ આઈલેન્ડ પર સ્થિત આર્કટીક વર્લ્ડ આર્કાઈવ્ઝમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. અજંતાની ગુફાઓના ઘણાં મ્યુરલસ ક્ષતિગ્રસ્ત થઇ ગયા છે જેના આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સની મદદથી ‘ડિજીટલ રિસ્ટોરેશન’ નું કામ પણ ચાલી રહ્યું છે. અહીંના ચિત્રો જોઇને મનમાં ભરત વ્યાસ લિખિત અને ગાયક મુકેશના અવાજમાં ગવાયેલાં ગીતની પંક્તિઓ વાગ્યા કરતી હતી: ये कौन चित्रकार है....ये कौन चित्रकार है, ये कौन....चित्रकार है? આજે અજંતાના શિલ્પ-સ્થાપત્ય કરતા એના ચિત્રો પર ભલે દુનિયા મોહી પડતી પણ અજંતાના સ્થપતિઓ માટે પીંછી વડે તૈયાર કરાયેલા ચિત્રો કરતા છીણી-હથોડા વડે કરાયેલ સ્થાપત્યો અને કોતરકામ વધુ સમય, શક્તિ, સર્જનાત્મકતા, અને આર્થિક ખર્ચ માંગી લેનારું કામ હતું. ચાલો, હવે બીજી ગુફાઓમાં જઈએ. અહીં બધી ગુફાઓમાંથી વિશેષ જોવાલાયક ગુફાઓ અંગે જાણીએ.

ગુફા નંબર ૧૭. અજંતાની આ સૌથી વધુ ચિત્રાત્મક આ ગુફા એક વિહાર છે જે રાજા ઉપેન્દ્રગુપ્ત દ્વારા અપાયેલ દાનમાંથી ઈ.સ. ૪૭૧માં બનાવવામાં આવી હતી. પરસાળની છત પર ડોક ઉંચી કરીને જુઓ તો અલગ-અલગ ચોરસ અને લંબચોરસ ફ્રેમોમાં આકર્ષક કમળાકૃતિઓ અને પક્ષીઓ તેમજ જલજ સૃષ્ટિ ચીતરેલી જોવા મળશે. ગુફાના પ્રવેશદ્વાર પર બુદ્ધના સાત અવતાર જોવા મળે છે અને દ્વારના લીન્ટેલ પર મૈત્રેય અને તેની સ્ત્રીનું ચિત્રણ જોવા મળે છે. ડાબી અને જમણી તરફના બુદ્ધના ચિત્રોમાં એક ખાસ તફાવત દેખાશે. બન્ને તરફના બુદ્ધના સ્કીન-ટોન એકદમ જુદાં છે. અભ્યાસીઓના મતે આ બન્ને ફ્રેમોના ચિત્રકારો જુદાં જુદાં છે. પરસાળ પરની છતના કેન્દ્રમાં તરત જ ધ્યાને ચડે તેવું મોટું medallion/ચિત્રચક્ર અલબત્ત ખંડિત હાલતમાં જોવા મળે છે જેમાં છ વ્યક્તિઓ વર્તુળાકારે એકબીજાનો હાથ પકડીને ઉભા છે. જમણી તરફની દીવાલ પર જેમાં દિવાલ પર નળગિરિ પ્રસંગનું ચિત્રણ છે. વાર્તા કંઇક એવી છે કે નળગિરિ નામનો એક ગાંડો હાથી હોય છે. બુદ્ધ પ્રત્યે ઈર્ષાભાવ ધરાવતો એમનો ભત્રીજો દેવદત્ત એ મદોન્મત્ત હાથીને બુદ્ધને કચડી નાખવા માટે નગરના રસ્તા પર છોડી દે છે. બુદ્ધ એક શિષ્યના ઘર ભણી જતા હોય છે ત્યારે રસ્તામાં આ ગાંડો હાથી સામો આવે છે પણ જેવો તે બુદ્ધની નજીક આવે છે ત્યારે કરુણાના તેજના પ્રભાવથી એકાએક શાંત થઇ જાય છે અને બુદ્ધના ચરણોમાં નમી પડે છે. આ પ્રસંગ અહીં દીવાલ પર દર્શાવેલો છે જેમાં નગરનાં માર્ગ પર ભયનો માહોલ સર્જતા ગાંડાતૂર નળગિરિને ધસમસતો આવતો જોઇને દુકાનદારો ઝડપથી દુકાનોના પડદા બંધ કરી રહ્યા છે, અને નગરની સ્ત્રીઓ આશ્ચર્યમિશ્રિત ભાવે ભય અનુભવતી અટારીમાં ઉભેલી છે. અદર ગર્ભગૃહની ડાબી તરફની દિવાલે ગેરુઆ રંગી સંન્યાસી બુદ્ધનું મહાકાય કદનું ચિત્ર છે જેની આગળ કદકાઠીમાં નાના કદના પૂર્વાશ્રમની પત્ની યશોધરા અને પુત્ર રાહુલ દર્શાવ્યા છે. ભિક્ષુક બુદ્ધ ફરતા ફરતા નગરમાં આવી ચડે છે અને યશોધરા પાસે ભિક્ષા માંગે છે ત્યારે યશોધરા ભિક્ષામાં બાળવયના પુત્ર રાહુલને બુદ્ધને સોંપી દે છે. એ સિવાય વેશાંતર જાતક, મહાકપિ જાતક, મૃગ જાતક જેવી અનેક જાતકકથાઓમાના દ્રશ્યો અહીં ચિત્રો રૂપે દર્શાવેલા છે જેનું વર્ણન કરવું શક્ય નથી. આ ગુફામાં બીજા ચિત્રો સાથે એક અપ્સરાનું ચિત્ર ખાસ જોવા જેવું છે. અધબીડેલી આંખે ત્રાંસુ જોતી અપ્સરાના માથે પહેરેલી સોનેરી કોરની કાળા રંગની ટોપી, એમાં ટાંકેલા આભુષણ, કાનમાં પહેરેલા મોટા કુંડળ અને ગળામાં પહેરેલો રત્નજડિત હાર જોઇને અપ્સરા પર નહિ તો ચિતારાની કળા પર તો જરૂરથી દિલ વારી બેસાય છે.

હવે ચાલતા ચાલતા અમે આવ્યા ગુફા નંબર ૧૯ આગળ. આ ગુફાનો શિલ્પ-સ્થાપત્યમંડિત વિશાળ પ્રવેશદ્વાર જોઇને અચંબિત થઇ ગયા. રાજા ઉપેન્દ્રગુપ્તે આ ધાર્મિક વિધિવિધાનોના કેન્દ્ર તરીકેની ચૈત્ય ગુફા બનાવવા પાછળ ધૂમ ખર્ચ કર્યો હશે એ વાત આંખે ઊડીને વળગે છે. ઓહ! અહીં પ્રવેશદ્વાર પરની કમાનની ડાબી તરફ જે દ્વારપાળનું શિલ્પ છે એના વાળની ‘સ્ટાઈલ’ તો જુઓ! લટોની સેર જાણે શિવજીના મસ્તકેથી ગંગાના પ્રપાત જેવી દેખાય છે. અને એના પગ આગળ ઉભેલો ઠિંગુજી સેવક શું કરે છે ? દ્વારપાળના હાથમાં કમર આગળ અઢેલીને રાખેલા ‘પાકીટ’માંથી સિક્કા ખેરવી રહ્યો છે! આ સંકેત દ્વારા ભક્તજનોને સંદેશ આપવાનો ઉદ્દેશ હશે કે હે ભક્તજનો, ધરમના કામમાં તમે પણ તમારી ક્ષમતા પ્રમાણે કિંચિત દાન-પુણ્ય કરતા જજો! વળી પાછી ‘તુમ્બાડ’ ફિલ્મ યાદ આવી જેમાં હસ્તરની ધોતીમાંથી સોનાના સિક્કા ખેરવવાનો સીન હતો. એની પ્રેરણા આમાંથી મળી હશે? ખેર, ગુફાની જમણી તરફના ગોખની પેનલમાં કોણ છે ચાલો સહેજ નજીક જઈને જોઈએ. ઓહ, આ તો નાગરાજ, એમની નાગિણી સાથે ગુફાનું રક્ષણ કરતા હોય એમ બેઠા છે. ગુફાનું રક્ષણ ચોક્કસ થયું પણ જરા જુદી રીતે. રાજા ઉપેન્દ્રગુપ્તનું શાસન અલ્પકાલીન નીવડ્યું અને આ ગુફામાં મૂળ હેતુ પ્રમાણે ધાર્મિક વિધિવિધાનો શરુ થઇ શક્યા નહિ. ગુફાની અંદરના સ્તંભો પરની પેનલોમાં કોતરેલા શિલ્પો પર દીપજ્યોતની તૈલી મેશ કે અગરબત્તીની રાખના અંશો જામેલા જોવા મળ્યા નથી. આમ ઇતિહાસની ઉથલપાથલને કારણે આડકતરી રીતે ગુફાના શિલ્પો સારી રીતે જળવાયેલા રહ્યા.

હવે આવી આ છેલ્લી ગુફા નંબર ૨૬. બુદ્ધભદ્રની ગુફાને નામે ઓળખાતી આ ગુફાની પરસાળ ઘણી જ વિશાળ છે પણ દુર્ભાગ્યે એની છતનો છેક પ્રવેશધ્વાર સુધીનો ભાગ તૂટી ગયો છે. અહીં પણ ગુફા નંબર ૧૭ની જેમ પ્રવેશદ્વાર અર્ધચંદ્રાકાર કમાનની બાજુમાં કંડારેલા શિલ્પમાં દ્વારપાળ ‘ઉભા’ રાખેલા છે. ના, ના... ઉભા નથી રાખ્યા. જેમ પગે ચાલી ચાલીને આટલી ગુફાઓ જોઇને મુલાકાતીઓના ટાંટિયાની કઢી થઇ ગઈ છે અને એ અહીં પગથિયાંઓ પર અને પરસાળના ઓટલા પર બેસી પડ્યા છે એમ જરા તગડા પેટવાળા આ દ્વારપાળ મહાશય પણ એ ય ને આરામથી અઢેલીને ‘બેઠા’ છે. એમની બેઠક તળેની પેનલમાં પુષ્પો, ફળફળાદિ, અને વસ્ત્રોના ઢગનું નજરાણું જોઈ શકાય છે. ભક્તો પાસેથી પણ ભગવાનની પૂજાઅર્ચના વાસ્તે – અને ભિક્ષુકોના જીવનનિર્વાહ વાસ્તે – આવું નજરાણું અપેક્ષિત છે એવો ગર્ભિત અર્થ થતો હશે. ગુફાદર્શન બંધ થવાનો સમય થવા આવ્યો છે. ફટાફટ હવે અંદર પ્રવેશીએ. અન્ય ગુફાઓની જેમ સામે જ સ્તૂપની આગળની તરફ સિંહાસન પર ભદ્રાસન મુદ્રામાં બુદ્ધની પ્રતિમા જોઈ શકાય છે પણ ખરું જોવાનું તો બીજે જ છે. જરા ડાબે નજર કરો તો. ચોંકી ગયા? હા, સ્તંભમાળાઓની પાછળની દિવાલે કદના બુદ્ધની શયનમુદ્રામાં મહાકાય કદની પ્રતિમા આવેલી છે. આ ‘બુદ્ધનું પરિનિર્વાણ’ દર્શાવતી પ્રતિમા ૨૩ ફીટ લાંબી છે. અહીં મસ્તક એક પોચા તકિયા પર ટેકવીને બુદ્ધ બિછાને સુતેલા છે. નીચેની પેનલમાં સૌ સંસારી ભક્તો વિલાપ કરી રહ્યા છે જયારે ઉપરની પેનલમાં દેવો અ-સાર એવા સંસાર પર વિજય મેળવનાર બુદ્ધની પ્રસન્નભાવે સ્તુતિ કરતા હોય એમ દર્શાવ્યા છે. હવે બહાર ગાર્ડભાઈ સીટીઓ મારી રહ્યા છે અને ગુફાના દરવાજાઓ અર્ધા બંધ કરીને મુલાકાતીઓને ઝડપ કરવાનો સંદેશ અપાઈ રહ્યો છે. અમે પણ આ ૧૫૦૦- ૨૦૦૦ વર્ષ પ્રાચીન ઈતિહાસમાંથી બહાર આવીને અહીં ઓટલે સહેજ પોરો ખાવા બેઠા.

વાઘોરા નદીને સામે કિનારે વ્યૂ પોઈન્ટ દેખાય છે. જમણી તરફ સૂરજ આથમી રહ્યો છે. ગુફા નંબર ૨૬ ઉપરાંત આગળ પણ કેટલીક ગુફાઓ છે પણ દરેક ગુફામાં મુલાકાતીઓને પ્રવેશ નથી, કેટલીક ગુફાઓ અર્ધીપર્ધી બનેલી છે તો કેટલીક ખંડિત છે અને કેટલીકમાં સમારકામ ચાલુ હોવાથી જઈ શકાય તેમ નથી. આટલા સમયમાં જેટલું જોવા મળ્યું એટલું ઘણું એમ માનીને સંતોષ લેવો જોઈએ. પુરાતત્ત્વ ખાતું તો એમ જ માને છે કે અહીં આવનાર જાણે બધું જાણીને આવતો હોય અને બધી જાતકકથાઓથી વાકેફ હોય. નવી પેઢી ભારતીય જ્ઞાન વારસાને ઓળખતી નથી એવું છાશવારે સાંભળીએ છે. પણ ભારતીય જ્ઞાન વારસાનો પરિચય કરાવવાનો કેટલો પ્રયત્ન આપણે ત્યાં કરવામાં આવે છે? અજંતા શું કે ઈલોરા શું બસ પુરાતત્ત્વ ખાતાનાં પાટિયા પર એ જ બીબાઢાળ માહિતી જે સામાન્ય મુલાકાતીને ઝટ સમજાય પણ નહિ. વળી, ગુફાઓમાં ક્યાંય કશે કોઈ સાઈન પોસ્ટિંગ નહિ કે અંદર ‘ખાસ’ શું જોશો , ‘ક્યાં’ જોશો અને ‘કેવી રીતે’ જોશો. એક ગુફા આગળ તો મને કોઈ બહેને પૂછ્યું પણ હતું કે ‘અંદર’ શું છે? જોકે એ પ્રશ્નનો ભાવ એવો હતો કે ‘અંદર’ કંઈ જોવા જેવું છે કે! મારો આવા વિચારોમાં વધુ જીવ બળે એ પહેલા સૂરજે ડુંગરોની ઓથે ડૂબકી મારી અને સાંજ ઢળવાનો અહેસાસ થયો. ગળું પણ તૃષાતુર થયું હતું. બોટલમાં થોડુંક પાણી બચ્યું હતું. પાણીના ઘૂંટડા ભર્યા ત્યાં બૂમ સંભળાઈ. ‘સેલ્ફી’ માટે મિત્રો બોલાવી રહ્યા હતા. ‘એ આવ્યો’ કરીને મેં ઠેક લગાવી અને અમારા અજંતા-ઈલોરા પ્રવાસની સાર્થકતાનો સંતોષ અને આનંદ વ્યક્ત કરતી પળોને ‘ડીજીટલ મેમરી’ સ્વરૂપે કંડારી લીધી.

અજંતા-ઇલોરાના પ્રવાસની સાથે બીજી પણ અગત્યની વાત અહીં કરવી જોઈએ. અજંતા-ઈલોરાની મુલાકાત લેનારા પ્રવાસીઓમાંથી કેટલાને ખબર હશે કે આખું વિશ્વ જેના પર ગર્વ કરે છે એવા આ ચિત્રોને પ્રાકૃતિક અને માનવીય પરિબળોથી નુકસાન થઇ રહ્યું છે. રોજના હજારો મુલાકાતીઓના ધસારાને કારણે બંધિયાર ગુફાઓમાં એમનાં શ્વાસોછ્વાસ દ્વારા થતા કાર્બનાઈઝેશનથી આ ચિત્રોના ચમકીલા ટોપાઝ, નીલા, લીલા, લાલ, અને ભૂખરા રંગોને નુકસાન પહોંચે છે. મુલાકાતીઓના ઘોંઘાટને કારણે અહીં ‘સાઈલન્ટ ઝોન’માં અવાજની માત્રા ૪૫-૫૦ ડેસીબલની નિશ્ચિત કરેલી માત્રાની જગ્યાએ છેક ૭૦-૭૫ ડેસીબલ સુધી પહોંચે છે જેને કારણે ચિત્રોના પ્લાસ્ટર પર માઠી અસર થાય છે. આપણે અગાઉ ઈલોરાની મુલાકાતના વર્ણનમાં અહીં કહ્યું તેમ આ ચિત્રો પર ફોકસ લાઈટનો આપાત પણ ચિત્રોના રંગ અને ચમક માટે હાનિકારક છે. મુલાકાતીઓના જૂતાંઓની સાથે આવતી અને ઊડતી ધૂળની રજથી પણ હાનિકારક ખરી. જોકે આ બધા પાસાઓને ચુસ્તીથી વળગી રહીએ તો તો મુલાકાતીઓની સંખ્યા પર એટલો તો કાપ મુકવો પડે કે ગુફાઓને પ્રવાસનસ્થળ તરીકે કાર્યાન્વિત રાખી શકાય નહિ. એટલે, તકેદારીના ભાગ રૂપે નિશ્ચિત સંખ્યામાં મુલાકાતીઓને દરેક ગુફામાં પ્રવેશ કરાવવામાં આવે છે અને એમને ઝાઝી વાર ત્યાં થોભવા દેવામાં આવતા નથી. મોબાઈલની ફ્લેશ ફોટોગ્રાફી પર તો મનાઈ છે. કેટલીક ગુફાઓ તો મુલાકાતીઓ માટે સદંતર બંધ રાખવામાં આવી છે. જાણીને નવાઈ લાગશે કે મુલાકાતીઓના ધસારાને ખાળવા ૨૦૧૩ની સાલમાં મૂળ મુંબઈના રાકેશ રાઠોડ નામના સ્થપતિએ અજંતાથી ૪ કિલોમીટર દૂર ખડકોને કોરીને અજંતાની ચાર ગુફાઓની પ્રતિકૃતિ તૈયાર કરી છે. એ ગુફાઓ આગળ ટુરિસ્ટ બસો થોભવાની પણ ભલામણ કરાઈ છે પણ હજુ એનો અમલ થયો નથી. એવી કંઇક હિલચાલ પણ કરવાની વાત ચાલી હતી કે મૂળ ગુફાઓ સુધીનું બસભાડું ખાસું વધારે રાખવું જોઈએ જેથી ફક્ત રસ અને સમજ ધરાવતા પ્રવાસીઓ જ મુલાકાત લે. આ પણ હજુ પાઈપલાઈનમાં જ છે. પણ એક વાત છે – ઓરીજીનલને છોડીને કોઈ આવી ફેક ગુફાઓ જોવા થોડું જાય? એટલે, આ પ્રયોગ ભવિષ્યમાં કેટલો સફળ થશે એ તો કોણ જાણે પણ આજની તારીખે લોકોને આવી ફેક ગુફાઓ અંગે જાણકારી સુદ્ધાં નથી. આ તો થયા ચિત્રોની જાળવણી માટેની તકેદારીના પગલાં. હવે એની જાળવણીના સીધા પ્રયત્નોની વાત કરીએ.

બ્રિટીશ સમયમાં ચિત્રોની જાળવણી હેતુસર આખી દિવાલો પર વાર્નિશ લગાવી દેવાયો હતો જેના કારણે ચિત્રોના મૂળ રંગોમાં બદલાવ આવ્યો હતો. ત્યારબાદ હૈદરાબાદના નિઝામે ૧૯૨૦માં બે ઈટાલીયન કન્ઝર્વેટર્સને સાધ્યા હતા જેમણે પહેલાનાં વાર્નિશ કોટિંગ પર શેલાક વાર્નિશનો હાથ માર્યો હતો જેનાથી અગાઉના વર્નીશને કારણે ચિત્રોને થયેલા નુકસાનમાં ઔર નુકસાન ઉમેરાયું હતું. દેશને સ્વતંત્રતા મળ્યા પછી સ્વદેશી કન્ઝર્વેટર્સે નૈસર્ગિક સોલ્વન્ટ અને માઈક્રો ઈમલ્શન પદ્ધતિથી જૂનો વાર્નિશ દૂર કરીને ચિત્રોની મરમ્મતનું કામ હાથ ધર્યું હતું. ચિત્રોની બનાવટમાં પ્લાન્ટ ફાઈબર, બીજ, ડાંગરની ભૂસી વગેરે સાથે ગારાના મિશ્રણયુક્ત નૈસર્ગિક મોર્ટારનો વપરાશ થયો હોવાથી સિલ્વરફીશ જેવા કીટકોને ચિત્રોને ‘ખાવાનો’ તડાકો પડી ગયો હતો. નિયમિત સ્પ્રે- ડસ્ટિંગ- ફયુમિગેશનથી એમનો ફેંસલો આણી દેવાયો. કોઈ પણ ગુફા કે જૂનાં-પુરાણા અવાવરું સ્થાને ચામાચીડિયાનો ત્રાસ તો હોવાનો જ. અહીં પણ હતો. ચામાચીડિયા તો હવે હટાવી લીધા છે પણ લગભગ ૧૫૦૦ વર્ષો સુધી અહીં દિવાલો પર ઉંધા વળગી રહેલા ચામાચીડિયાની હગાર અને મૂત્રથી ચિત્રોને જે નુકસાન થવાનું હતું એ થઇ ચુક્યું છે. હવા, પાણી, સૂર્યપ્રકાશ વગેરે ભલે પ્રાણદાતા તત્વો હોય પણ ચિત્રોની જાળવણી માટે નુકસાનકારક છે. ગુફાઓની સતહમાં તડતિરાડો પડવાથી એમાંથી ઝમતું પાણી, ભેજ, અને સીધો સુર્યપ્રકાશ ચિત્રોને નુકસાન ન કરે તે માટે તડતિરાડોનું સમારકામ, નવા સપોર્ટ પિલ્લરો, ગુફામાં ફાયબર ઓપ્ટિક લાઈટની અને વાંસની સાદડીઓ લગાવાઈ છે. દસ ગુફા નં. ૧૦ માં પ્રકાશની વ્યવસ્થા માટે એક સીધીસાદી કરામત કરવામાં આવી છે – બહાર એક મેટલની શીટ એ એન્ગલથી રાખવામાં આવી છે કે તેની પર પડતા સૂર્યકિરણોને ગુફા ભણી આપાત થતા ગુફામાં અજવાળું પ્રસરે છે.
તમામ ગુફાઓ જોતા સાંજના પાંચ ક્યારે વાગવા આવ્યા એની ખબર પણ ન રહી. છેલ્લી બે-ત્રણ ગુફાઓ તો દોડાદોડીમાં જોવી પડી. આટલા બધા ધસારાથી અહીંનો સ્ટાફ પણ થાક્યો હતો. ગુફાઓનો પ્રવેશદ્વાર અર્ધો બંધ કરીને અને સીટીઓ મારીને મુલાકાતીઓને મહામુશ્કેલીએ બહાર કાઢવા પડતા હતા. અમે હવે ઉતરાણ ચાલુ કર્યું. વાઘોરા નદી પર બનાવેલા ફૂટબ્રીજ પર થઈને આગળ પહોંચ્યા તો અહીં પણ લાઈન. વળી, લાઈન ગોકળગાય કરતા ય ધીમી ઝડપે આગળ ખસતી હતી. લાઈનમાં ખસતા ખસતા ચોકમાં પહોંચ્યા ત્યારે ચાની તલપ લાગી. કેન્ટીનમાં આંટો માર્યો તો ખબર પડી કે મુલાકાતીઓએ તો ચા-નાસ્તો ખૂટાડી દીધો છે અને હવે કોલ્ડડ્રીંક સિવાય કંઈ નથી. પાછા આવીને ઉભા રહ્યા. પાંચના સાડા પાંચ- સાડા પાંચના છ – છ ના સાડા છ થયા. સૌના પગ પણ હવે અજંતાની ગુફાના થાંભલા જેવા થવા લાગ્યા હતા. ઉભેલાઓમાં ગણગણાટ શરુ થયો. સિક્યુરીટી સ્ટાફ કોઈ આંટાફેરા કરતું નજરે ચડે એટલે એને અહીં ઉભેલા લોકોની સરસ્વતી સાંભળવી પડતી. આટલા ધસારામાં સિક્યુરીટી સ્ટાફ પણ શું કરે? મુલાકાતીઓમાં આબાલવૃદ્ધ સૌ કોઈ હતા એટલે આવા પ્રશ્નો તો થવાના. આપણે સફર-જનની સાથે suffer-જન પણ છીએ ને.

છેક સાંજે ૭:૦૦ વાગે રીટર્ન બસ મળી. એમાં ય કંડકટરે પૈસા પુરા લઈને સીટ નહોતી તો ય ધકેલ્યા. ઉભા રહીને હવે અમે થાક્યા હોઈ જે મળી તે કરીને ચડ્યા. બીજા મુસાફરો પણ અમારી જેમ જ ઉભી ચોથ કરીને થાક્યા હોઈ હમદર્દીપૂર્ણ વર્તન દાખવીને અમને એમની સીટમાં જ બેસવાની થોડી જગ્યા કરી આપી. બસ ઉપડી એટલે મનમાં બોલાઈ ગયું : વહેલું આવે પાર્કિંગ સ્થળ! પણ દુકાળમાં અધિક માસની જેમ અમારી બસ તો રસ્તામાં ફસાણી! થયું એવું કે બૉર્ડિંગથી ડ્રોપ-ઓફ પોઈન્ટ સુધીનો બસનો રૂટ વન-વે હતો અને સામેથી એક ખાલી બસ મુસાફરોને ઉતારીને આવતી હતી. આમ તો આ વન-વે રૂટ પર અમુક જગ્યાએ સાઈડીંગ માટેની સ્પેસ રાખેલી છે પણ કદાચ આટલા બધા મુલાકાતીઓના ધસારાને કારણે બસોનું મેનેજમેન્ટ ખોરવાઈ ગયું હશે તે સામસામે એવી જગ્યાએ બેય બસોને ભેગી થઇ ગઈ કે રસ્તો જ બ્લોક થઇ ગયો. ક્યા કિયા જાય? એક બસે પીછેહઠ કરવી રહી. સામાન્ય તર્ક મુજબ આવી સ્થિતિમાં આમ તો ખાલી બસ જ પાછળ જવી જોઈએ પણ અસામાન્ય સ્થિતિમાં સામાન્ય તર્ક બહેર મારી જાય છે. એટલે અમારી મુસાફરોથી ભરેલી બસને પાછળ હઠવાનું આવ્યું. થોડેક સુધી અમારી બસ પાછળ હઠી ત્યાં તો અમારી પાછળ બીજી એક મુસાફરોથી ભરેલી બસ આવી પુગી! હવે? બે ભરેલી બસો પાછળ હઠે કે એક ખાલી? અમારી બસોમાં મુસાફરો વચ્ચે થતા ગણગણાટને કારણે સામાન્ય બુદ્ધિ પાછી યથાયોગ્ય સ્થાને આવી હોવી જોઈએ તે હવે ખાલી બસે પાછા હટવા માંડ્યું. સાઈડીંગ માટેની સ્પેસ આવી ત્યાં સુધી એમ ચાલ્યું અને પછી જ અમારી બસનો છુટકારો થયો!

ડી-બૉર્ડિંગ થયા પછી કાર પાર્કિંગ એરિયા સુધી આવતા વચ્ચે અહીં જાતભાતની હાટડીઓમાં ઈલોરામાં જોયેલા એવા જ શણનાં પાકીટ-થેલા, સ્ફટિક પથ્થરો, અને કાષ્ઠ તેમજ પથ્થરોની કલાત્મક બનાવટો અને ખાણીપીણીની સામગ્રી વેચાતી હતી. અમે કારપાર્કિંગ પહોંચ્યા ત્યારે અંધારું થઇ ગયું હતું. જંગલનું અંધારું વળી કેવું ઘોર હોય! અધૂરામાં પૂરું અમારી બે બસોમાં છેલવેલા મુસાફરો હતા. એટલે મોટાભાગના મુસાફરોની ગાડીઓ નીકળી ગઈ હતી અને પાર્કિંગ એરિયા ભેંકાર ભાસતો હતો. ‘જંગલ, અંધારી રાત અને સરસ્વતીચંદ્ર’ યાદ આવી જાય એવો. આવા ઘોર અંધકારમાં ખુલ્લા મેદાની પાર્કિંગમાં અમારી સફેદ કાર તારામઢ્યા આકાશી ચંદરવા નીચે એકલીઅટૂલી ઉભી હતી. એવી કારના લોંગશોટ્સમાં ફોટા પાડ્યા પછી એમાં ગોઠવાયા અને અમે ગાડી મારી મૂકી. ક્યાં? ઔરંગાબાદ તરફ? ના, અમે જરા વહેવારચાતુરી વાપરી હતી. આમ તો મોટાભાગની ટ્રાવેલ-ગાઇડન્સ આપતી સાઈટ્સમાં ઔરંગાબાદને બેઝ રાખીને અજંતા-ઈલોરા જોવાનું લખ્યું હોય છે પણ અમારો મિત્ર જે.ડી.ને પ્રવાસના બીજે જ દિવસે ઔપચારિક કામ હોઈ અમે અજંતા જોયા બાદ ફરીથી દક્ષિણ-પશ્ચિમે ઔરંગાબાદ જવાની જગ્યાએ ઉત્તરે જલગાંવ- ધુળે- ભૂસાવળ માંથી ધુળે પર રાત્રિરોકાણ માટે પસંદગી ઉતારી હતી જેથી બીજે દિવસે અમારે ઔરંગાબાદની સરખામણીએ ત્યાંથી વડોદરા સુધીનું ૧૫૦ કિ.મી. જેટલું અંતર ઓછું કાપવું પડે અને વહેલા વડોદરે પહોંચી શકાય.

ધૂળેથી કલાક જેટલા દૂર હતા ત્યારે રસ્તામાં જ નેટ પર સર્ચ કરીને ધૂળેમાં રાતવાસો કરવા મળે એવી ઓછા ભાડાની રિસોર્ટ શોધીને એને ફોન કર્યો. શરૂઆતમાં તો એણે આનાકાની કરી પણ અમે જયારે કહ્યું કે સવારે ૮ વાગે રૂમ ખાલી કરી દઈશું ત્યારે એણે નેટ પર લખેલા રેટ મુજબ અમારું બુકિંગ લઇ લીધું. હવે અમારે નિરાંત હતી. ધૂળે પહોંચીને એ હોટલમાં સામાન મુકીને અમે ચાલતા જ નજીકની એકાદી રેસ્ટોરાંમાં જમવા માટે નીકળ્યા. સીધીસાદી દેખાતી ‘હોટલ કન્હૈયા કુંજ’ રેસ્ટોરાંમાં સ્વાદિષ્ટ ભોજન લીધા પછી અમે સહેજ ધૂળેના નગરદર્શન માટે ગલીમાં ટહેલવા નીકળ્યા. ગલીને નાકે જોયું તો એક મોટી સ્વીટ અને ફરસાણ શોપ હતી. ડોક ઉંચી કરીને નામ વાંચ્યું તો વંચાયું ‘ગુજરાત’. ઓત્તારી! કુતૂહલવશ અમે અંદર ગયા તો મીઠાઈવાળા ગુજરાતી લોહાણા બંધુઓ મૂળે રાજકોટના નીકળ્યા. જે.ડી.ને તો ઓળખાણ નીકળી. શોપની બહાર ગોઠવેલા ઠેલા આગળ તાવડામાં ગરમગરમ રબડી બની રહી હતી જેનો ટેસડો લેવા લોકો ગોળ ફરતે ઉભા હતા. રબડીના સબડકા અમે પણ ભર્યા! જોકે એ ન ભર્યા હોત તો ચાલે એમ હતું. બાજુમાં ‘આશીર્વાદ પાન કોર્નર’ નામનો ગલ્લો હવે વસ્તી કરવાની તૈયારીમાં હતો. એના ગલ્લા પર મનલુભાવન પાનના નામ અને ચિત્ર જોઇને થયું પાન ખાના તો બનતા હે. એટલે એક ચાંદીનો વરખ ચડાવેલું શિંગોડા પાન ઠપકાર્યું. પાન આલાતરીન હતું. ટહેલતા ટહેલતા અમે પાછા રિસોર્ટ પર પહોંચી ગયા અને આવતીકાલે વહેલા ચેક-આઉટ કરવાનું હોવાથી રાત્રે જ સ્નાનવિધિ પતાવી પરવાર્યા. બેગ ભરતો હતો ત્યાં તો ખૂણામાંથી અવાજ આવ્યો. ખર્ર...ખર્ર! થાકીને લોટપોટ થઇ ગયેલા મિત્રો પથારીમાં પડતા જ ઘેરી ઊંઘમાં ચાલ્યા ગયા હતા. મેં પણ બેગ ભર્યા પછી લાઈટ બંધ કરીને પથારીમાં લંબાવ્યું. નસકોરાંનાં સામૂહિક નાદમાં હવે મારું પણ યથાશક્તિ યોગદાન ભળી રહ્યું હતું!

- તો મિત્રો, અહીં અમારો અજંતા-ઈલોરાનો પ્રવાસ પૂર્ણ થાય છે. સાચે જ? આમ તો અમે પણ એ દિવસે એવું જ વિચાર્યું હતું પણ અમને ક્યાં ખબર હતી કે પાછા ફરતા રસ્તામાં એક સ્થળ હજુ આ પ્રવાસમાં ‘બોનસ’ તરીકે અમારી રાહ જોઈ રહ્યું હતું. કયું હતું એ સ્થળ? આવતી વખતે વાત કરીએ!

અજંતા-ઈલોરા: અનામી શિલ્પીઓએ કાળમીંઢ અગ્નિકૃત ખડકોમાં કંડારેલી ઈશ્વરોની અજાયબ સ્વપ્નસૃષ્ટિ (ભાગ- 5)

 ૧૦:૩૦ એ અજંતા જવા નીકળ્યા. ઔરંગાબાદની ઉત્તર-પૂર્વે અજંતા ૧૦૨ કિમીના અંતરે આવેલું છે.  અમે અજંતા પહોંચ્યા ત્યારે બપોરનો ૧ વાગ્યો હતો અને સૂરજ ભરશિયાળે પણ આકરો તડકો વરસાવી રહ્યો હતો. અજંતા ગીચ જંગલ વચ્ચે આવેલું છે એટલે ત્યાં પહોંચીને આપણા વાહનોને પ્રમાણમાં એક મોટા સમથળ  કરેલા મેદાનમાં પાર્ક કરવાના હોય છે. અમે જે સમયે ત્યાં પહોંચ્યા ત્યારે ક્રિસમસનો દિવસ હોઈ રજાને કારણે મુલાકાતીઓના ધસારાથી પાર્કિંગ તો ફૂલ થઇ ગયું હતું એટલે ખાસ્સે દૂર ગાડી પાર્ક કરવા જવું પડ્યું. અહીં ઉતરીને સૌથી પહેલા અમે થોડો નાસ્તો કરી લીધો. જ્યાં અમે ગાડી પાર્ક કરી હતી ત્યાં બાજુમાં જ વાઘોરા નદીનો પટ આવેલો હતો. અહીં ગાડીની આસપાસની માટીમાં નજર કરતા નાના-નાના ક્રિસ્ટલ સ્ટોન્સ પડેલા જોયા. જે.ડી. અને વાય.સી. નાસ્તો કરી રહ્યા હતા ત્યારે કુતુહવશ મેં આસપાસની જમીન પર નજર દોડાવીને થોડાક ક્રિસ્ટલ સ્ટોન્સ ભેગા કર્યા અને ગાડી પાસે લાવીને અમે સૌએ એનું નિરીક્ષણ કર્યું અને એમાંથી નમૂનારૂપ સ્ટોન્સ સુવેનીયર તરીકે લઇ જવા બેગમાં મુક્યા. અમારા અત્યાર સુધીના પ્રવાસમાં અમે એક નિયમ નક્કી કરેલો કે ત્રણ જણ વચ્ચે એક જ સ્લીંગ બેગ લેવાની  જેમાં અમે અમારો જરૂરી સામાન  જેવો કે પાણીની બોટલ, કેમેરા, બાયનોક્યૂલર, ટ્રાવેલગાઈડસ વગેરે રાખતા હતા. ત્રણેયમાંથી એક વ્યક્તિ પાસે એ બેગ રહે અને પછી એ થાકે ત્યારે બીજી વ્યક્તિને આપવામાં આવે. મોટેભાગે તો એ બેગને હું મારી પાસે જ રાખતો હતો. આ નિયમને અનુસરતા અમે આગળ લખ્યું એ જરૂરી વસ્તુઓ બેગમાં મુકીને ટિકિટ કાઉન્ટર પાસે પહોંચ્યા. 

ટિકિટ લઈને અમે પ્રવેશની લાઈનમાં ઉભા રહ્યા. લાઈન તો ભારે લાંબી જણાઈ. અમે અમારી રજાઓમાં પ્રવાસ માટે અજંતા-ઈલોરા એટલે પણ પસંદ કરેલું કે એટલીસ્ટ ઐતિહાસિક સ્થળે તો હૈયુ દળાય એવી ભીડ નહિ હોય અને શાંતિ મળશે. પણ હવે તો ઐતિહાસિક શું કે ધાર્મિક શું પણ રોડ-રસ્તાની સુલભતા, યાત્રિક સુવિધાઓના વિકાસ, અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર્સને કારણે મેઈનસ્ટ્રીમથી દૂરના દેહાતી સ્થળોએ પણ લોકોનો ધસારો થવા લાગ્યો છે. રગશિયા ગતિએ આગળ વધતી લાઈનમાં જ કલાકો થઇ ગયા. વળી, અહીં લાઈનમાં આગળ વધો એટલે સીધું આગળ કોઈક ગુફામાં જવાય એવું નથી. આ લાઈન બસમાં ચડવાની છે! જી હા, આ અજંતાની ગુફાઓ તો હજુ જંગલમાં અંતરિયાળ સ્થળે આવેલી હોવાથી બસમાર્ગે જવાની સુવિધા કરવામાં આવી છે. નોન-એ.સી. બસના ૨૫/- રૂ. અને એ.સી. બસના ૩૦/- રૂ. વન-વે ફેર. અજંતાની ગુફાઓનાં તળ સુધી પહોંચ્યા ત્યારે ૩:૪૫ થઇ ગયા હતા. અકલ્પનીય ભીડ હતી. ગુફાઓ સુધી પહોંચવા માટે ખડક ફરતે બનાવેલા સર્પિલ રસ્તા પર ચડતા આજુબાજુ દેખાતી વનરાજિ પર નજર ગઈ. જોયું તો સીસમના વૃક્ષ. શ્યામલ થડ અને ગંજીફાનાં ચર્કટ જેવા આકારના ઝીણાં પર્ણ સીસમની ઓળખ છતી કરતા હતા. મિત્રોને એ વૃક્ષનો પરિચય કરાવ્યો. આગળ જતા ઘોડાની નાળ જેવી ગુફાઓનો પેનોરામિક વ્યૂ હળવે હળવે અનાવૃત થતો જોઇને અમે પરમાનંદ અનુભવ્યો. રોજિંદા જીવનની ઘટમાળમાંથી ‘રજા લઈને’ પ્રકૃતિ સમીપે જતા મનુષ્યચિત્તમાં ઉલ્લાસ ન ઉદ્ભવે તો ફટ છે! આ અફાટ શિલાખંડો વચ્ચે કોરેલી ગુફાઓની આગળ ‘જંતુ માણહા’ની લાંબી કતારો જાણે ખાંડના દાણા લયબદ્ધ રીતે લઇ જતી કીડીઓની સેર જોઈ લો અને ગુફાદ્વારોએ એકઠું માનવ મહેરામણ જાણે ગોળના દડબા આગળ જમાવટ કરતું કીડીઓનું કટક!

વાઘોરા નદીને કિનારે આવેલા ખડકમાંથી કંડારેલી અજંતાની  ૩૦ ગુફાઓ ઘોડાની નાળ આકારમાં પથરાયેલી છે.  આ ગુફાઓ બૌદ્ધ ધર્મના બે મતો હિનયાન અને મહાયાન સાથે સંબધિત છે અને બંનેના કાલખંડો ભિન્ન છે. કેટલીક ગુફાઓ તો ઇસવીસન પૂર્વેની છે. આમાંથી અમુક ગુફાઓ ચૈત્ય હોલ છે તો કેટલીક વિહાર (મઠ). ઈલોરા શિલ્પ અને સ્થાપત્ય માટે જગમશહુર છે તો અંજતા જેના માટે જગમશહૂર એ છે ભીંતચિત્રો/mural paintings.  આ ગુફાઓમાં બુદ્ધના જીવનની  ઘટનાઓ તેમજ બોધિસત્વ સ્વરૂપે તેમના પૂર્વજન્મ સંબંધિત જાતકકથાઓના પ્રસંગ ચિત્રિત કરવામાં આવ્યા છે. ઈલોરામાં જેમ પ્રવેશ કરતા પહેલી જ ગુફા નંબર ૧૬ (કૈલાસ મંદિર) આવે એવું અહીં નથી. અહીં પ્રવેશ ગુફા નંબર ૦૧થી જ થાય છે અને બધી જ ગુફાઓ ક્રમાનુસાર છે. વળી આ ગુફાઓ  ઈલોરાની જેમ વિશાળ નહિ પણ સીમિત કદની છે. સાતમી સદીના અંતે ભારતમાં બૌદ્ધ ધર્મ નબળો પડ્યો ત્યારે આ સ્થાનકો વિસરાઈ ગયા અને ખંડિયેર થઇ ગયા. એક હજાર વર્ષ સુધી ‘અજ્ઞાતવાસ’ ભોગવ્યા પછી છેક ૧૯મી સદીમાં આકસ્મિક રીતે અજંતાની ગુફાઓ ફરીથી પ્રકાશમાં આવી. થયું એવું કે ઈ.સ. ૧૮૧૯માં જોન સ્મિથ નામનો અંગ્રેજ લશ્કરી અધિકારી વાઘનો શિકાર કરવા અજંતાની તળેટીમાં આવ્યો હતો. એને એક  ઘેટાં-બકરાં ચરાવતો  છોકરો ગુફા નંબર ૧૦ના પ્રવેશદ્વાર આગળ લઇ ગયો હતો. સ્મિથે સ્થાનિક ગામવાસીઓને ભેગા કરીને ઝાડીઝાંખરા દૂર કરાવી ગુફામાં પ્રવેશ કર્યો હતો અને આજની ભાષામાં જેને vandalism/ વિધ્વંસકારી કહી શકાય તેવું કૃત્ય કર્યું હતું: પાંચેક ફૂટ ઊંચા કાટમાળ પર ઉભા રહીને  દિવાલ પરના બોધિસત્વના ચિત્ર પર પોતાનું નામ અને તારીખ કોતર્યા હતા. 

અમે આવી પહોંચ્યા છે ગુફા નંબર ૦૧ આગળ. જૂતાં બહાર ઉતારીને અમે અંદર પ્રવેશ્યા. પ્રવેશ્યા એવા જ ધોયેલા મૂળા જેવા બહાર આવ્યા કારણકે અંદર અંધારું અને ભારે કોલાહલ હતો. થોડેક આગળ ગયા ગુફા નંબર ૦૩ કે ૦૪ સુધી ગયા પછી જોડે લીધેલા પુસ્તકોમાં રીફર કર્યું કે બધી ગુફાઓમાંથી સૌથી વિશેષ તો ગુફા નંબર ૦૧ છે . આ ગુફા નં ૦૧ જ સૌથી વધુ શૃંગારિક છે. હાથમાં કમળ ધારણ કરેલું છે એવું બોધિસત્વ પદ્મપાણીનું ચિત્ર મેં નવનીત પ્રકાશનની એલિમેન્ટ્રીની ચિત્રપોથીમાં  છઠ્ઠા-સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારે જોયું હતું એ બોધિસત્વ પદ્મપાણી તો અહીં દિવાલે  વિદ્યમાન હતા ને અમે એમના ‘દર્શન’ કર્યા વગર જ નીકળી આવ્યા હતા. ધત્ત તેરી કી! ચાલો પાછા ગુફા નંબર ૦૧માં. અને જેમ અફરાતફરી મચેલી ટાઈટેનિક પર ભાયડો જેક અને જોરું રોઝ મહેરામણ વચ્ચેથી મારગ કાઢતા હતા એમ અમે સામેથી અમારી દિશામાં ધસી આવતા લોક વચ્ચેથી મારગ કાઢતા પાછા પહોંચ્યા ગુફા નંબર ૦૧.

અજંતા-ઈલોરા: અનામી શિલ્પીઓએ કાળમીંઢ અગ્નિકૃત ખડકોમાં કંડારેલી ઈશ્વરોની અજાયબ સ્વપ્નસૃષ્ટિ (ભાગ-૪)

 ઈલોરાથી પાછા ફરતી વેળા અમે નક્કી કરેલું કે દૌલતાબાદનો કિલ્લો તો નહિ જોઈ શકાય પણ ઔરંગાબાદના લોકલ સ્થળો ‘પનચક્કી’ (જળ ચક્કી/water mill) અને ‘બીબી કા મકબરા’ એ બે સ્થળો જોઈશું. પણ મેં એક એવા સ્થળની જિક્ર કરી કે અમારામાંથી એક મિત્ર છેડાઈ પડ્યો. ચાલતી ગાડીમાં જે સ્થળ જોવા- ના જોવા અંગેની ચર્ચા ચાલી એ સ્થળ એટલે ઔરંગઝેબ આલમગીરની મઝાર. મઝારની વાત કરતા પહેલા થોડું ઔરંગઝેબ વિશે.

ભારતના મધ્યકાલીન ઇતિહાસનું એક વિવાદાસ્પદ પાત્ર એટલે ઔરંગઝેબ. બાબરથી શરુ કરીને હિન્દ પર સલ્તનત-એ-મુઘલીયાના જે છ પ્રભાવી શાસકો એક પછી એક આવ્યા એમાં છેલ્લો શાસક એટલે ઔરંગઝેબ (૧૬૧૮-૧૭૦૭). જયારે એક હિંદી વ્યક્તિની સામાન્ય આયુષ્યરેખા ફક્ત ૩૫ વર્ષ હતી ત્યારે અને એના પૂર્વજો બાબર (૪૭ વર્ષ), હુમાયું (૪૮ વર્ષ), અકબર (૬૩ વર્ષ), જહાંગીર (૫૮ વર્ષ), શાહજહાં (૭૪ વર્ષ)ની સરખામણીમાં ઔરંગઝેબ તો ૮૮ વર્ષનું લાં...બું આયુષ્ય ભોગવીને સુપર્દ-એ-ખાક થયો હતો. મિનરલ કે આર.ઓ.ના પાણી, ઓર્ગેનિક ફૂડ, પાસ્ચરાઈઝ દૂધ, મલ્ટીવિટામીનની ટીકડીઓ, સ્પેશીયાલીસ્ટ ડોક્ટર્સ/સર્જન્સ અને એલોપથીની દવાઓ વગર જ તે આટલું લાબું આયુષ્ય ભોગવી શક્યો હતો! શાહજહાંના ત્રીજા પુત્ર તરીકે દાહોદમાં જન્મેલા ઔરંગઝેબના બાળપણ અને કેળવણી વિશે કોઈ ખાસ પ્રમાણભૂત માહિતી મળતી નથી. નવાઈ લાગે કે ચોવીસ વર્ષની યુવાવયે તેણે સંસારમાંથી ‘સંન્યાસ’ લેવાનું જાહેર કર્યું અને પશ્ચિમ ઘાટની ગિરિકંદરાઓમાં ભરાઈને ફકીરનું જીવન જીવવા લાગેલો. કેટલાક ટીકાકારોને મતે આ બધી સાદગી અને વીતરાગ પાછળ બીજું કશું નહિ પણ ભવિષ્યની તખ્તનશીની માટે પ્રબળ મહત્વાકાંક્ષી ખંધાનો ઢોંગ અને કુટિલ ગણતરીઓ હતી. જોકે એની ફકીરીયતનો આંચળો ઝડપથી ફગાવીને એ ડેક્કન (દક્ષિણ) પ્રાંતના વાઈસરોય તરીકેની પોતાની ભૂમિકામાં આવી ગયો. મોઘલકાળમાં ખાનદેશ, બીજાપુર, બેરાર, ઔરંગાબાદ, હૈદરાબાદ અને બીદરની રિયાસતોના બનેલા પ્રદેશને ડેક્કન તરીકે ઓળખવામાં આવતો. આમાં વિસ્તારવાદની નીતિમાં માનનારા ઔરંગઝેબે બીજાપુરની આદિલશાહી, ગોલકોંડાની કુતુબશાહી અને બીદરની સલ્તનતોને જીતીને ડેક્કનમાં ભેળવી દીધી હતી.
મુઘલ શાસકોમાં સત્તા માટે સગાં ભાઈઓ વચ્ચે ખૂનામરકીની નવાઈ નહોતી અને વખત આવ્યે બેટો સગાં બાપને પણ તખ્તચ્યુત કરતા ખચકાતો નહિ. શાહજહાંને આ વાતનો ફડકો હતો. એટલે શાહજહાંએ પહેલેથી જ પોતાના ચારેય પુત્રો – દારા શિકોહ, મુરાદ બક્ષ, શાહ શુજા અને ઔરંગઝેબને આગ્રાથી દૂરના પ્રદેશોમાં સૂબાઓ તરીકે મોકલી દીધા હતા. જોકે શાહજહાંની તબિયત ના-સાઝ થઇ અને દરબારમાં આવવાનું બંધ કર્યું ત્યારે એના સૌથી મોટા પુત્ર દારાએ સત્તાનો દોર હાથમાં લઈને પિતા વતી શાહી ફરમાનો જારી કરવા માંડ્યા. દારાની આ ચેષ્ઠાથી ક્રોધે ભરાયેલા બાકીના ભાઈઓએ બગાવત કરી અને પછી આગ્રાની તખ્તનશીની માટે પરસ્પર જંગ છેડાયો એમાં છેવટે ઔરંગઝેબ ફાવ્યો. બુઢા બાપને આગ્રાના કિલ્લામાં કેદ કરીને એણે ઈ.સ.૧૬૫૮ સત્તા હસ્તગત કરી. પોતાના ભાઈ દારાની કતલ કરી અને બાકીના બેય ભાઈઓને નમાવ્યા. ઔરંગઝેબની તાજપોશી સાથે હિન્દની પ્રજા માટે મોકાણનો કાળ શરુ થયો એમ કહી શકાય.
જો દારા શિકોહ ઉદારમતવાદી અને સહિષ્ણુતા ધરાવતો હતો તો આ ઔરંગઝેબ ચુસ્ત મજહબી હોવા સાથે કટ્ટરવાદી હતો. આ ઔરંગઝેબ પંગા લેવાનો શૌખીન હતો અથવા કહો કે એને તલવારને નાગી રાખવાની કોઈ શેતાની ચળ હતી. આગ્રા કે દિલ્હીમાં તખ્ત પર તશરીફ ટેકવીને જ્લ્સાથી રાજ કરવાની જગ્યાએ ડેક્કનમાં મરાઠાઓ, બીજાપુર અને ગોલકોંડા સલ્તનતના શાસકો સાથે યુદ્ધો કરીને મુઘલ સલ્તનતનો વિસ્તાર કરવામાં જ પોતાનો જીવનકાળ, અસંખ્ય યોદ્ધાઓના જીવ અને સલ્તનતનો શાહી ખજાનો ખર્ચી કાઢ્યો. એના મૃત્યુ પછી એક પછી એક નિર્વીર્ય મોઘલ શાસકોની વણઝાર દિલ્હીના તખ્ત પર આવતી ગઈ અને મરાઠાઓ, અંગ્રેજો, શીખો અને અન્ય લડાયક કોમો મુઘલસત્તા હેઠળના પ્રદેશોમાં લૂંટમારથી લઈને પ્રદેશોના કટકાબટકાં કાપતા ગયા તે શાસનની સરહદો એટલી તો સંકોચાઈ કે ઈ.સ. ૧૭૫૯માં સત્તા પર આવેલા શાહ આલમ (બીજા)ના સમયે મશ્કરીમાં લોકો એમ કહેતા કે ‘સલ્તનત-એ શાહ આલમ, અઝ દિલ્લી તા પાલમ’ ( શાહ આલમનું રાજ કેટલું? ફક્ત દિલ્હીથી પાલમ જેટલું!). ખેર, જિંદગીભર મારકાટ કરી, શીખ ધર્મગુરુનો જાહેરમાં શિરોચ્છેદ કરી, હિંદુઓના મંદિરો ભાંગી, એમની પર જજિયાકર નાખી, હિંદની પ્રજાઓને રંજાડી આયુષ્યના અમૂલ્ય વર્ષો યુદ્ધછાવણીઓમાં હોમી દેનાર ઔરંગઝેબને એના જીવનના અંતકાળે લાધ્યું કે સાલું, મેં જે કર્યું એ ભારે ખોટું કર્યું. કથિતરૂપે પોતાના પુત્રને લખેલા એક પત્રમાં એણે વસવસો કરતા લખ્યું છે: “આ દુનિયામાં હું એક અજનબી તરીકે આવ્યો, અને એક અજનબી તરીકે જ વિદાય લઇ રહ્યો છું. મારા વિશે હું કંઈ જાણતો નથી, હું કોણ છું, અને મારે શું કરવું છે... આ દુનિયાને મેં કંઈ જ આપ્યું નથી અને આજાર અવસ્થા સિવાય કંઈ મેળવ્યું નથી. મને જન્નત મળશે કે કેમ અને મારે મારા કર્મોની સજારૂપે કેવી યાતનાઓ સહેવાની આવશે એનો મને ભય સતાવે છે. ખુદાતાલા તો રહેમદિલ છે પણ છતાં મારા જ પાતકી કર્મો આડે આવશે એનો મને ભય છે.... ખેર, હવે તો આ નૌકા ઝુકાવી મેં જળપ્રવાહમાં...અલવિદા!” કોઈને આ વસવસો નાટકીય અને નકલી લાગી શકે તો કોઈને અંતકાળે લાધેલ સાચુકલું આત્મજ્ઞાન.
કદાચ આખી જિંદગી પોતે આચરેલી ખૂનરેજીથી ડરીને જયારે કયામતનો દિવસ આવે ત્યારે અલ્લાહ થોડો રહેમોકરમ કરે એ માટે એણે ઔરંગાબાદમાં આવેલી પોતાની રાણી દિલરસ બાનુ બેગમની મઝારની બાજુમાં દફન થવાને બદલે ઔરંગાબાદથી ૨૫ કિ.મી. દૂર ખુલ્દાબાદમાં સૂફી સંતોની દરગાહોની પડખે દફન થવાનું પસંદ કર્યું હતું. આમ તો ઔરંગઝેબનું મૃત્યુ અહમદનગરની છાવણીમાં ઈ.સ. ૧૭૦૭માં થયું હતું પણ તેની અંતિમ ખ્વાહીશ તેના આધ્યાત્મિક ગુરુ સૈય્યદ ઝૈન-ઉદદ્દીન-શિરાઝી (મૃત્યુ: ઈ.સ. ૧૩૭૦)ની મઝારની બાજુમાં દફન કરવામાં આવે એવી હતી. એટલે પુત્ર આઝમ શાહ અને પુત્રી ઝીનત-ઉન-નિસ્સા એનું શબ ખુલ્દાબાદ લઇ ગયા હતા. કહે છે કે ઔરંગઝેબે જિંદગીના અંતિમ વર્ષોમાં પોતે ટોપીઓ સીવીને અને કુરાનની નકલો તૈયાર કરીને કમાયેલા પૈસા – ફક્ત ૧૪ રૂ. અને ૧૨ આના- માંથી પોતાની મઝાર બનાવવા કહ્યું હતું. આમ તો અહીં આસપાસમાં જ ૧૪૦૦ જેટલા સૂફીઓ દફન છે. આટલા બધાં સૂફી ઔલિયા દિલ્હી, આગ્રા કે અજમેરની જગ્યાએ અહીં એટલા માટે છે કે ઇતિહાસમાં માથાફરેલ સુલતાન તરીકે પંકાયેલા મુહમ્મદ બિન તુઘલકે મોંગોલ અને અફઘાન આક્રમણખોરોથી બચવા ઉત્તરે દિલ્હીથી ૧૨૫૦ કિ.મી. દૂર ઔરંગાબાદની નજીક આવેલા દૌલતાબાદમાં ઈ.સ. ૧૩૨૭માં પોતાની રાજધાની થોડા સમય માટે ખસેડી ત્યારે અનેક સૂફીઓએ પણ અહીં નજીક આવેલા ખુલ્દાબાદમાં ડેરાતંબુ તાણ્યા હતા. પ્રશ્ન એ થાય કે આ સૂફી ગુરુઓએ પોતાના આ ‘શિષ્ય’ને પાતકો કરતા વાર્યો કેમ નહિ હોય? કે પછી આ સૂફીઓએ સત્તા આગળ શાણપણ નકામું કરીને શાહમૃગવૃત્તિ દાખવી હશે?
ખેર, મને ઔરંગઝેબની મઝાર જોવાનું એટલે કુતુહલ હતું કે સલ્તનત-એ-મુઘલીયાના પાંચે શાસકોના ઉત્તર ભારતમાં ભવ્ય મકબરા અને સામે ડેક્કનમાં ઔરંગઝેબનો સીધોસાદો મકબરો કેમ? ઈલોરા ગુફાઓથી ઔરંગાબાદ જવાના હાઈવે પર ચારેક કિલોમીટર દૂર ખુલ્દાબાદ આવેલું છે. દેખીતી રીતે જ ખુલ્દાબાદ મુસ્લિમ આબાદીવાળું ટાઉન છે. ખુલ્દાબાદનો અર્થ થાય છે abode of eternity/ જન્નતનું ઘર. જોકે જન્નતમાં પ્રવેશ થતો હોય એવું તો અમને લગીરે ય જણાયું નહિ. ખુલ્દાબાદ ટાઉનનું નામ તો પહેલા રૌઝા હતું પણ ઔરંગઝેબને મરણોત્તર ‘ખુલ્દ મકાં’નો ખિતાબ આપ્યા પછી એનું નામ ખુલ્દાબાદ થઇ ગયું. એક કાલગ્રસ્ત મોઘલાઈ દરવાજામાંથી અંદર પહોંચીને અમે મઝાર નજીક ગાડી પાર્ક કરી. મારા બન્ને મિત્રો આવા સંધ્યા ટાણે અજાણ્યા મુસ્લિમબહુલ વિસ્તારમાં આવીને થોડો અજંપો અનુભવતા હતા. સાચું કહું તો મારા મનમાં પણ અજંપો હતો કારણકે આપણે આપણો comfort zone છોડીને આ રીતે ક્યારેય એકલા મુસ્લિમધર્મ ધરાવતી વસ્તી વચ્ચે ફર્યા ન હોઈએ. હવામાં એક જાતનો બોજ, એક ભારીપન વર્તાય. વળી, આ કોઈ ટુરિસ્ટ પ્લેસ પણ નહોતું કે લોકો અને માહોલ ટુરિસ્ટ ફ્રેન્ડલી દેખાય. અધૂરામાં પૂરું હજુ ગયે વર્ષે મહારાષ્ટ્રના એક રાજકીય પક્ષે આ મઝાર તોડી નાખવા અંગે તત્કાલીન મુખ્યમંત્રીને જણાવ્યું હતું એટલે થોડા સમય માટે અહીં માહોલ તંગ થઇ ગયો હતો. ગાડીમાંથી ઉતરીને બન્ને મિત્રોએ મને આગળ કર્યો કે આ વિસ્તારમાં અમે તો તને અનુસરશું. એકાદ રાહદારીને રસ્તો પૂછીને જાણે અમારા પર ગમે-તે દિશામાંથી હલ્લો થઇ જવાનો હોય તેવા અજંપા સાથે અમે ઔરંગઝેબની મઝાર જ્યાં આવેલી છે એ સંકુલના દ્વારે પહોંચ્યા ત્યારે સાંજના ૬:૦૦ વાગ્યા હતા. નમાઝનો સમય હતો. પૂરી થયાની રાહ જોવી કે કેમ એની અવઢવમાં હું હતો ત્યારે વાય.સી. એ કહ્યું કે એમ કંઈ રાહ ન જોવાની હોય આ તો ઐતિહાસિક સ્મારક છે. ચૂપચાપ અંદર પ્રવેશ્યા. જોયું તો પુરુષો અને સ્ત્રીઓ પણ મસ્જિદમાં ભેગા થયેલા હતા. આસપાસ વધુ કંઈ ન જોતા એકાદ જણને પૂછીને જે તરફ ઔરંગઝેબની મઝાર હતી ત્યાં બહાર જૂતાં ઉતારીને બા-અદબ પ્રવેશ્યા.
જે શાસકનું સામ્રાજ્ય પશ્ચિમે કંધારથી પૂર્વે બંગાળના ચિતાગોંગ બંદર સુધી અને ઉત્તરે કાશ્મીરથી દક્ષિણે તમિલનાડુના જિંજી સુધી લગભગ ૭.૫ લાખ કિલોમીટરના પ્રદેશમાં ફેલાયેલું હતું એ શાસકની મઝાર અહીં એકદમ દસ બાય દસના રૂમ જેટલી સીધીસાદી અને ગુંબજ વિનાના ખુલ્લા આકાશી ચંદરવા તળે આવેલી હતી. અહીં નમાઝ પઢીને હમણાં જ ઉભા થયેલા એક અંધ ખદીમે અમને આવકાર્યા. ઇંગ્લીશમાં વાતચીતની શરૂઆત કરી. પોતે આ જગ્યાની દેખરેખ રાખે છે એમ કહીને અમારો પરિચય માંગ્યો. અમારો પરિચય આપ્યો પછી એમણે મઝાર વિશે માહિતી આપવા માંડી. મઝારની એક તરફ તકતી મુકેલી છે એના પર ઉર્દુ અશઆરમાં ઔરંગઝેબનું આખું નામ લખેલું છે. લોહીરંગ્યા હાથોવાળા શાસકની મઝાર પરની ચાદર પણ રંગબેરંગી મખમલી હોવાની જગ્યાએ બગલાંની પાંખ જેવી સફેદ હતી. એ અંધ ખદીમે કહ્યું કે લોર્ડ કર્ઝન જયારે આ મઝારની મુલાકાતે આવ્યો ત્યારે એણે અહીં તેણે માર્બલની ફરસ અને એની ઉપર જાળીબંધ આડશ કરી આપી હતી. ઔરંગઝેબે કહેલું કે મારી મઝાર ખુલ્લી રાખજો અને એમાં કોઈ સબ્જીનો છોડ ઉગાડજો. અમે જયારે આ મઝારની મુલાકાત લીધી ત્યારે મઝાર પર ડમરાનો છોડ ઉગાડેલો હતો. નવલકથાકાર અને કવિ મકરંદ પરાંજપેએ એમના એક પુસ્તકમાં લખ્યું છે કે આ ઘાતકી અને કટ્ટર શાસકની અહીં ખુલ્લી મઝારમાં તેમણે તુલસીનો છોડ જોયો. તુલસી તો ઔરંગઝેબે જે હિંદુઓને પીડ્યા એ હિંદુઓનો પવિત્ર છોડ. કદાચ હિંદુસ્તાને એક હિંદુદ્વેષી શાસકને પણ છેવટે આ રીતે પોતાનો કરીને જ છોડ્યો. આ વાત જ ભારતીય/હિંદુ પરંપરાની સર્વસમાવેશકતા દર્શાવે છે. આજની તારીખે પણ હિંદુઓને અકબર માટે કેમ હજુ આદરભાવ છે? કારણકે એણે ધાર્મિક સહિષ્ણુતાનો માર્ગ સ્વીકાર્યો હતો. ધાર્મિક સહિષ્ણુતા દાખવનારા ઇસ્લામી શાસકો રાજધાનીમાં રહીને તમામ એશ-ઓ-આરામ સાથે તખ્ત અને તાજ ભોગવી શક્યા જયારે ઔરંગઝેબ જેવા કટ્ટરવાદીએ રાજધાનીથી સેંકડો કિલોમીટર દૂર ફેંકાઈને તંબુઓમાં જીવન ગુજારવું પડેલું.


ખેર, મઝારના આ અંધ ખદીમે પોતાની વાત પૂરી કર્યા પછી દુઆ પઢી એ પછી અમે અહીંથી બહાર નીકળીને બાજુમાં આવેલ ઝૈન-ઉદદ્દીન-શિરાઝી દરગાહની પાછળ આવેલી એક જગ્યા તરફ ગયા. અહીં એક ચેમ્બરની બંધ જાળી પાસે જે ખદીમ બેઠા હતા એમણે ત્યાં દીવાલ પરની તકતીમાં ચિસ્તી ફીરકાના સુફીઓના ક્રમવાર નામ બતાવીને સમજાવવા માંડ્યું કે શેખ ઝૈન-ઉદદ્દીન-શિરાઝી ચિસ્તી પરંપરામાં બાવીસમાં ખ્વાજા હતા અને મૃત્યુ સમયે એમને કહેવામાં આવ્યું કે ચિસ્તી પરંપરામાં નવા વારસનું નામ જાહેર કરો ત્યારે એ ખામોશ રહ્યા હતા અને એમણે કોઈ વારસ નીમ્યા નહોતા. જાળીની અંદર ચેમ્બરમાં શું છે એ દેખાતું નહોતું કારણકે આગળ તો ચાદર ઢાંકેલી હતી. આ બીજા ખદીમના બયાન પરથી અમે જેટલું સમજ્યા એ મુજબ અંદર મહોમ્મદ પયગંબરનું પૈરાહન (પહેરણ) રાખવામાં આવ્યું છે જેને વર્ષમાં એક વખત પૈરાહન મુબારક વખતે નજીકમાં કાચની એક પેટી મુકેલી છે ત્યાં ઝિયારત (દર્શન) કરાવવામાં આવે છે જે દિવસે ૧૮-૨૦ લાખ લોકો આવે છે. આટલી વાત કર્યા પછી એ ખદીમે અમારે માટે દુઆઓ પઢી. અલ્લા આપકે જાનો-માલ કિ હિફાઝત કરે...સલામતી રખે...કારોબાર-ઘર-મકાનમેં ખૈર-ઓ-બરકત દે વગેરે. અમે એ ખદીમની વાત પૂરી થઇ એટલે આ બધું સમજાવવા બદલ એનો આભાર માની બક્ષિશ આપીને ત્યાંથી પનચક્કી જવા નીકળ્યા.
સાંજે ૬:૩૦ વાગે અમે ઔરંગાબાદ નજીક આવેલ પનચક્કી પહોંચ્યા. પનચક્કીની ૧૦/- ટિકિટ લઈને અંદર પ્રવેશ્યા ત્યાં મોટા હોજ આગળ ઉભેલા એક માણસે અમને કહ્યું કે આખા સ્થળની સમજૂતી તમને વીસેક મિનિટમાં આપીશ. ૧૦૦/- ચાર્જ. અમે ઓકે રાખ્યો અને આગે બઢો કર્યું. એનું નામ હતું જુનૈદ. આ લોકલ ગાઈડે અમને સમજાવવાની શરૂઆત કરી કે આ ૧૭મી સદીમાં બનેલી પાણીની ચક્કી મધ્યયુગીન એન્જિનિયરિંગનું ઉદાહરણ છે. છેક ૬ કિ.મી. દૂર ઉત્તરમાં જટવાડાની પહાડીઓમાં સ્થિત પાણીના સ્ત્રોતમાંથી ભૂમિગત નહેર મારફતે અહીં સુધી પાણી આવે છે. ૨૦ ફૂટ ઉંચી દિવાલ પરથી આ પાણી હોજમાં પડે છે. એક ખૂણામાં ચક્કી જે જગ્યાએ આવેલી છે ત્યાં ટર્બાઈન ગોઠવેલું છે અને પાણી જોશથી પડે છે એટલે ટર્બાઈન ફરે છે અને એના દાંડા સાથે ઉપલા મજલે ઘંટીનો પથ્થર ગોઠવેલો છે એનું પડ પણ ફરે છે. આ સંકુલમાં ઔરંગઝેબના આધ્યાત્મિક ગુરુ અને સૂફી પરંપરાના નક્શબંધી ફિરકાના એક બાબા શાહ મુસાફર કરીને સૂફીની દરગાહ આવેલી છે. ગઝદવાન, બોખારાથી (ગાઈડના કહેવા મુજબ રશિયાથી) આવેલા આ બાબાએ ગરીબોની ભૂખ મિટાવવા વાસ્તે ઘંટીથી અનાજ દળવા આવી વ્યવસ્થા ઉભી કરી હતી.
દરગાહ જોયા બાદ ગાઈડ મહાશય અમને એક ઠેકાણે પગથીયા ઉતરીને બેઝમેન્ટમાં આવેલા ‘હોલ’માં લઇ ગયા. અહીં ચૂનાથી કરેલા પ્લાસ્ટરને જોઇને વાય.સી.એ કહ્યું કે સિમેન્ટ-કોન્ક્રીટ કરતા ચૂનાની મજબૂતાઈ અનેક ગણી. સિમેન્ટ-કોન્ક્રીટ જૂનો થાય એમ ખવાય, તડતિરાડો પડે પણ આ લાઈમ મોર્ટાર વખત જતા મજબૂત થતો જાય. ગાઈડ જુનૈદના કહેવા મુજબ ઘંટીમાં દળેલું અનાજ અહીં લાવીને ગરીબ લોકોના જમવા માટે લંગર તરીકે આ ‘એ.સી.’ હોલનો ઉપયોગ થતો હતો. ‘એ.સી.’ એટલા માટે કે ઉપર હોજને લીધે કુલીંગ રહેતું હતું. અહીં એક તરફ ખામ નદી છે જે અત્યારે તો ઉકરડા જેવું નાળું દેખાય છે. પછી ગાઈડની સાથે ફરી ઉપર ગયા. અહીં સંકુલમાં પાછળની તરફ મસ્જીદ, મદ્રેસા, કચેરી, સરાઈ, ભંડાર અને મહારાષ્ટ્ર વકફ બોર્ડની ઓફીસ વગેરે હારબદ્ધ આવેલા છે. એક જગ્યાએ સંગ્રહાલય લખ્યું હતું. બહારથી લોક હતું પણ કાચમાંથી અંદર મુકેલી સાધનસામગ્રી દેખાય તેમ હતું. જોયું તો બાબાનાં ઉપયોગના સાધનો – કોઠી, બર્તન, તીરકામઠા, માળાઓ મુકેલા હતા. હવે દરગાહનો વારો. બાબા મુસાફર અને એમના શિષ્ય બાબા શાહ મહેમુદની દરગાહ આવેલી છે. આ દરગાહ બલુઆ પથ્થર (લાલ રેતીયા પથ્થર)ની બનેલી છે. અનેક સ્તંભમાળાઓ વચ્ચેથી પસાર થઈને અંદર ગયા ત્યારે બાજુ બાજુમાં આવેલી બંને દરગાહો પર માથે ભગવારંગી ફાળિયું બાંધેલો એક ખદીમ ચામર ઢાળી રહ્યો હતો. ભગવો રંગ?!! પાછળથી જાણ્યું એમ ચિસ્તી ફીરકામાં ભગવો રંગ સ્વીકાર્ય છે. ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીનો પ્રિય રંગ જ ભગવો હતો. અને દરગાહ પર તો માટીના દીવાથી રોજ ભગવારંગી ચિરાગી થાય છે. અમે જોયું કે દરગાહ પરની ચાદરોની કોરનો પટ્ટો પણ ભગવા રંગનો હતો. ખદીમે દુઆ પઢી લીધી પછી અમે બહાર આવ્યા. અહીં સંકુલમાં એક ઘટાદાર વડનું વૃક્ષ પણ ઉભું છે. એની પર ચોડેલ પાટિયા પર લખ્યું છે કે આ વૃક્ષ ઈ.સ. ૧૪૦૦થી વિદ્યમાન છે એટલેકે ૬૦૦ વર્ષ જેટલું જૂનું છે. હવે ગાઇડનું કાર્ય પૂરું થતા અમે એને મહેનતાણું આપીને છુટા પડ્યા.
અહીં પાનચક્કી સંકુલમાં પ્રવેશમાર્ગ પર જ બન્ને સેંકડો હાટડીઓ છે જ્યાં શણનાં થેલા, પર્સ, ટોપી અને પથ્થરની કોતરેલી બનાવટો મળે છે. ઈલોરામાં મળતી હતી એવી જ. કોઈ શાળામાંથી મુસ્લિમ વિદ્યાર્થિનીઓ અહીં પણ મુલાકાતે આવ્યા હતા. તેઓ પણ બધે ફરી ફરીને રસપૂર્વક જોતા હતા. મેં એક હાટ પર પૂછ્યું કે બુદ્ધની પ્રતિમા છે. તો જવાબ મળ્યો: ના. અન્ય કોઈ હાટમાં પણ જોવા ન મળી. પછી મનમાં જવાબ મળ્યો કે મુસ્લિમધર્મી હોવાને લીધે અન્ય ધર્મના મર્ચન્ડાઈઝ ન રાખતા હોય. ત્યાં એક ઔરંગાબાદ સિલ્ક ફેબ્રિકની એક હાટ ‘હિમરું’ કાપડનું વેચાણ કરે છે. હિમરું શબ્દ પર્શિયન છે જે ‘હમ-રૂહ’ પરથી આવેલો છે અને એનો અર્થ થાય છે : એકસમાન. સિલ્ક અને કોટનના મિશ્રણમાંથી બનેલ સ્થાનિક કાપડને હિમરું કહે છે. એક જમાનામાં શાહી કુટુંબો માટે આમાં સોના અને ચાંદીના તાણાવાણા વાપરવામાં આવતા હતા પણ ‘સગાં દીઠાં મેં શાહ આલમના શેરીએ ભીખ માંગતા’ એવા આજના જમાનામાં એવો વૈભવ કોઈને પરવડે નહિ. દરેક કાપડ પર તમને અજંતા ઈલોરાનાં ગુફાચિત્રોની અને કોતરણીની પેટર્ન જોવા મળે એ એની ખાસિયત. હિમરું કાપડની અહીં ચાદરો, સાડી, શાલ અને સ્ટોલ મળતા હતા. ચાદરો ૪૦૦ રૂ. થી શરુ થતી હતી. કોઈને કંઈ ખરીદવું હોય તો ખરીદી શકાય અને ન ખરીદો તો પણ ખાસ કંઈ ગુમાવવાનું નથી. પાનચક્કી પછી અમે ગાડીમાં ગોઠવાઈ અમારા આજના છેલ્લા સ્થળ ‘બીબી ક મકબરા’ તરફ ઉપડ્યા.
બીબી કા મકબરાનું નિર્માણ આજથી ૩૫૬ વર્ષ પહેલા ઈ.સ. ૧૬૬૮માં ઔરંગઝેબના પુત્ર આઝમ શાહ દ્વારા તેની માતા દિલરસ બાનુ બેગમની યાદમાં કરવામાં આવ્યું હતું. દિલરસ બાનુ પ્રિન્સ મુહી-ઉદ-દિન જે પછી ઔરંગઝેબ તરીકે જાણીતો થયો એની પ્રથમ પત્ની હતી અને પાંચમાં સંતાનને જન્મ આપ્યા પછી તાવમાં પટકાઈને ઈ.સ. ૧૬૫૭માં ગુજરી ગયેલી. આમ તો પુત્ર આઝમ શાહ પોતાની સુપર્દ-એ-ખાક થયેલી મા પાછળ મકબરો ભવ્ય બનાવવા ઈચ્છતો હતો પણ સ્થાપત્યનિર્માણ બાબતે ઉદાસીન અને સ્વભાવે મહા કંજૂસ બાપ એવા ઔરંગઝેબે ફાળવેલા રૂ. ૭ લાખના બજેટમાંથી એની મુરાદ પૂરી થાય તેમ નહોતી એટલે પોતાની માની સાસુ મુમતાઝ મહેલના ભવ્યાતિભવ્ય મકબરા એવા આગ્રાના તાજમહેલની ઊતરતી કક્ષાની મિની આવૃત્તિ જેવો મકબરો ચણીને સંતોષ માન્યો. પ્રશ્ન એમ પણ થાય છે કે આ આઝમ શાહ જન્મ્યો હતો ઈ.સ. ૧૬૫૩માં તો માનાં મરણ વખતે ચાર વર્ષના આ કુંવરે મકબરો બનાવવાનો આદેશ આપ્યો હશે! અહીં મુકેલી ASIની તકતી પરથી જણાય છે કે ASI તો એવું જ માને છે. તાજમહેલ જેવો જ દેખાતો હોવાથી તેને દખ્ખણી તાજ (Taj of Deccan) પણ કહેવામાં આવે છે. તો તાજમહેલ કરતા ઘણાં ઓછા ખર્ચમાં એનું નિર્માણ થયું હોવાથી ‘ગરીબોનો તાજમહેલ’ પણ કહેવાય છે. આનું નિર્માણ કરનાર સ્થપતિ અતા-ઉલ્લાહ તાજમહાલના મુખ્ય સ્થપતિ ઉસ્તાદ અહમદ લાહોરીનો જ પુત્ર હતો. તે સ્થપતિ હોવાની સાથે ગણિતજ્ઞ પણ હતો અને એણે સંસ્કૃતમાં ભાસ્કરાચાર્યે લખેલ ‘બીજગણિત’ પુસ્તકનો પર્શિયનમાં અનુવાદ કર્યો હતો. આજના અમુક ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની માફક એ સમયે પણ મકબરાના ચણતરમાં હલકો માલ વાપર્યો હશે કે કેમ પણ ઔરંગઝેબના જીવનકાળમાં જ એ મકબરાનું રિપેરિંગ કરાવવાની જરૂર પડી હતી! ખેર, આ નિર્માણકાર્ય સાથે સંકળાયેલા બીજા એક મહત્વના વ્યક્તિ હતા હંસપત રાય જે આજની ભાષામાં કહીએ તો ‘ઈજનેર’ હતા અને મકબરા નિર્માણનું કાર્ય એમની દેખરેખ હેઠળ થયું હતું.
અમે મકબરે પહોંચ્યા ત્યારે રાતના નવ વાગવાની તૈયારી હતી. ફટાફટ ૨૫/- રૂ. ની ત્રણ ટિકિટ લીધી અને પ્રવેશ્યા. સામે જ ઝગમગ ઝગમગ રોશનીથી ઝળહળતો મકબરો દેખાતો હતો. આજુબાજુના અંધકાર વચ્ચે આ સફેદ રંગની મિનારાઓ સહિતની ઈમારત અને એના દેખાવના ઉઠાવ માટે કરેલી રોશનીનો સોનેરી પ્રકાશ આંખ સમક્ષ સુંદર દ્રશ્યપટલ સર્જતા હતા. થોડાક નજીક જઈને અમે જેમ તાજમહાલ આગળ સૌ એની ‘ચોટી’ પકડતા હોય એવી બાલિશ મુદ્રાઓમાં ફોટા પડાવે છે એમ અહીં ફોટા પડાવ્યા. પછી અહીં ચારબાગ શૈલીથી બનાવેલા બગીચાઓ વચ્ચે ફુવારાઓ અને એની વોટર ચેનલો (જળવાહિકા)ની બેય બાજુએ વોકવે બનાવેલો હતો. વોટર ચેનલોમાં પાણી નહોતું એટલે ફુવારાઓ ચાલુ હોવાનો સવાલ નહોતો (પછી જાણ્યું કે ૩૫ વર્ષથી ફુવારાઓ બંધ છે). અમે વોકવે પર ચાલીને અમે ઈમારતનાં elevation (થાળા) સુધી પહોંચ્યા. ૧૯ ફીટ ઊંચા આ થાળાના પગથિયાં ચડતા સામે જ આકર્ષક જાળીદાર દરવાજો અને બહારની દિવાલો પર ચોખંડી ચોસલાઓ પરની ફલોરલ પેટર્નની નક્કાશી પર નજર ગઈ. ઇસ્લામમાં જીવિત વ્યક્તિ કે પ્રાણીનું ચિત્રણ વર્જ્ય હોવાને કારણે કેલીગ્રાફી, ભૌમિતિક રચના કે ફલોરલ (ફૂલદાર) રચનાઓ વિકસી છે. મોટાભાગની ફલોરલ રચનાઓમાં હિંદુ કળશ અને એમાંથી બહાર નીકળતો છોડ એના પુષ્પ અને પર્ણો સાથે જોવા મળે છે. આગ્રાનો તાજમહેલ તો સફેદ સંગેમરમરથી બનેલો છે પણ જયપુર નજીકની ખાણોમાંથી લાવેલા માર્બલથી બનેલી આ ઈમારતમાં ફક્ત ગુંબજ સંગેમરમરનો બનેલો છે અને બાકીના હિસ્સામાં સફેદ પ્લાસ્ટરનું મુલાયમ ફીનીશીંગ કરવામાં આવ્યું છે. અંદર પ્રવેશ્યા પછી ખબર પડી કે આ મકબરો બે ભાગમાં વહેંચાયેલો છે: અપર અને લોઅર. અપર ભાગમાં દીવાલબંધ અષ્ટકોણીય બાલ્કની (દીર્ઘા) આવેલી છે અને સાઈડની દિવાલોમાં બીજા માળની દીર્ઘા અને હવાની અવરજવર માટેની બારીઓ આવેલી છે. લોઅર ભાગમાં ડોમનાં કેન્દ્રની નીચે બેગમનો મકબરો આવેલો છે. અષ્ટકોણીય જાળીઓ વચ્ચે આવેલા બેગમનાં મકબરા પર લીલા રંગની ચાદર ચડાવવામાં આવી છે. અમે મકબરાને જોઇને અચંબો પામી ગયા કે ઉપરથી મુસ્લિમ મુલાકાતીઓએ મકબરા પર નોટો અને સિક્કાઓનો વરસાદ કર્યો છે જેનાં કારણે ચાદર સુદ્ધાં ઢંકાઈ ગઈ છે. અલબત્ત નીચેના ભાગમાં કોઈને પ્રવેશની પરવાનગી નથી. આ નોટ અને સિક્કાઓ હટાવવામાં નહિ આવે તો શું એક દિવસ ‘ડક ટેલ્સ’ માં બતાવે છે એમ એક દિવસ સ્ક્રુજ મેકડકના તહેખાનાની જેમ આ મકબરો પણ નોટ અને સિક્કાઓથી ઉભરાઈને છલકવા માંડશે? આવા વિચાર સાથે મકબરાની બહાર નીકળીને ચબુતરા પર હું આવ્યો.
ચબુતરા પરથી સૌથી પહેલું ધ્યાન ખૂણામાં આવેલા મિનાર પર પડે. અહીં તાજમહેલની માફક મુખ્ય મકબરાની ચારેય બાજુ એક એક અષ્ટકોણીય મિનારો આવેલો છે. આ મિનારા ૭૨ ફીટ ઊંચા છે અને એમાં ૧૪૪ પગથિયાં આવેલા છે. ત્રણ માળિયા આ મિનારાઓમાં દરેક માળે લાલ બલુઆ પથ્થરની નકશીદાર જાળીવાળી રેલીંગ ધરાવતી ગેલેરી આવેલી છે. મિનારામાં પ્રવેશવાના દ્વારો તો મુલાકાતીઓ માટે કાયમી ધોરણે બંધ હોઈ ઉપર જવાનો તો સવાલ જ નહોતો. મકબરાના ચબૂતરા પર જ પશ્ચિમ ભાગમાં નિઝામ મસ્જીદ આવેલી છે જે હૈદરાબાદના ત્રીજા નિઝામ દ્વારા ઈ.સ. ૧૮૦૩-૧૮૨૯ દરમ્યાન બનાવવામાં આવી હતી. આ એ નિઝામ સિકંદર જાહ જેણે પોતાની રાજધાની ઔરંગાબાદથી હૈદરાબાદ ખસેડી હતી. રાજધાની તો જાણે ખસેડી પણ આ જનાબેઆલી તો બીબી કા મકબરાથી એટલા પ્રભાવિત હતા કે એમણે આખો મકબરો ઉતરાવી લઈને હૈદરાબાદ ખસેડવાનું નક્કી કરી લીધું હતું! મકબરો ડાબી તરફથી ઉતારવાનું શરુ પણ થઇ ગયું હતું પણ નિઝામનું ભેજું ઠેકાણે આવતા એને સમજાયું કે આ રીતે તો સ્થાપત્યને નુકસાન થશે એટલે એણે પોતાનો નિર્ણય કચરાપેટીમાં નાખી દીધો અને ઉતરાવેલા ભાગને પાછું સમારકામ કરીને પહેલા જેવો જ ચણાવી દીધો. આમ, અહીં બીબી કા મકબરામાં અર્ધો-પોણો કલાક વિતાવીને અમે બહાર આવ્યા ત્યારે એક્ઝીટ પોઈન્ટ પર ટોકન ગુમ થવાને કારણે કોઈક જૂથની ASIના સિક્યુરીટી ગાર્ડસ સાથે માથાકૂટ ચાલી રહી હતી. અમારી પાસે ટોકન સલામત હતા. એટલે અમે ઓટોમેટીક બેરીયર ગેટ વટાવીને નીકળી ગયા.
ઔરંગાબાદ પહોંચીને અમે ભોજન માટેના સારા વિકલ્પની તલાશમાં હતા ત્યારે એક રમૂજી ઘટના બની. અમે ગાડીમાંથી ઉતરીને એક દુકાન બંધ કરીને નીકળવાની તૈયારી કરી રહેલા એક જણને ભોજનાર્થે સારા વિકલ્પ વિશે પૂછ્યું તો એ મહાશય અમને છેક એક હોટલ સુધી લઇ ગયા અને અમે થાળી લઈને જમવા બેઠા એની ખાતરી કરીને જ ત્યાંથી વિદાય થયા. જમીને અમે ઝડપથી હોટલભેગા થયા. બીજે દિવસે અમારે અજંતા જોવા માટે નીકળવાનું હતું. અહીંથી અજંતા ૧૦૦ કિ.મી. દૂર હોઈ અમારે ખાસ્સો પથ ડ્રાઈવ કરીને કાપવાનો હતો. એટલે ઝાઝી વાતોની મહેફિલ ન જમાવતા અમે પરવારીને પથારીમાં પડ્યા, અને પડ્યા એવા જ નિદ્રાધીન થયા..

અજંતા-ઈલોરા: અનામી શિલ્પીઓએ કાળમીંઢ અગ્નિકૃત ખડકોમાં કંડારેલી ઈશ્વરોની અજાયબ સ્વપ્નસૃષ્ટિ (ભાગ-૩)

ઈલોરામાં આમ તો ૧૦૦ ગુફાઓ છે પણ એમાંની ૩૪ ગુફાઓ જ મુલાકાતીઓ માટે ખુલ્લી રાખવામાં આવી છે. એ ૩૪ ગુફાઓમાંથી ૧૭ હિંદુ ગુફાઓ, ૧૨ બૌદ્ધ અને ૦૫ જૈન ગુફાઓ છે. ત્રણેય ધર્મોની આટલી પાસે પાસે આવેલી ગુફાઓ ધાર્મિક સહિષ્ણુતા સૂચવે છે. પ્રાચીન ભારતીય સ્થાપત્યકલાની ઉત્કૃષ્ટતાને કારણે ઈલોરાની ગુફાઓને ઈ.સ.૧૯૮૩માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત ઘોષિત કરવામાં આવી હતી. ઈલોરાનાં ગુફામંદિરોથી ઔરંગઝેબ જેવો કટ્ટર મોગલ બાદશાહ પણ પ્રભાવિત થઇ ગયો હતો અને અસલી અદ્રશ્ય કલાકાર (ઈશ્વર)ની નાયાબ રચના ગણાવીને અચંબો પ્રકટ કર્યો હતો. જોકે પછી એની પર મઝહબી ઉન્માદ હાવી થઇ જતા એણે ૧૦૦૦ મજદૂરોને મૂર્તિભંજન માટે કૈલાસ મંદિર મોકલ્યા હતા પણ ત્રણ-ચાર વર્ષ સુધી મથ્યા છતાં એ લોકો ખાસ કંઈ ઉકાળી શક્યા નહોતા!


તો આ ઈલોરાની સૌથી જાણીતી world’s largest monolith ૧૬ નંબરની ગુફા જેને ‘કૈલાસ’ કહેવામાં આવે છે ગુફામાં ઉંચી ડોકે શિવ-પાર્વતીના શિલ્પો અભિભૂત થઈને જોતા જોતા અમે આગળ વધતા હતા. રાષ્ટ્રકૂટ રાજા દંતીદુર્ગ (ઈ.સ. ૭૨૫-૫૫) કે કૃષ્ણ પ્રથમ (ઈ.સ. ૭૬૦)ના સમયગાળામાં આ ગુફામંદિર નિર્માણ પામવાની શરુ થઇ હતી. કહે છે કે હિમાચ્છાદિત કૈલાસ શિખરનો ઓપ આપવા માટે આ ગુફામંદિરના શિખરોને એ સમયે સફેદ પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું. એ સમયના શિલ્પીઓએ ટાંકણા અને હથોડા વડે 3,000,000 ક્યુબીક ફીટ જેટલો પાષાણ દૂર કર્યો જેનું વજન ૨ લાખ ટન જેટલું થવા જાય છે. કોઈને પણ આશ્ચર્ય થાય કે આટલો બધો પથ્થરનો કાટમાળ ક્યાં ગયો હશે? ઈન્ટરનેટ પર એવા દાવા કરનારા લેખો અને વિડીયો પણ છે કે જે કહે છે કે આ સ્થાપત્યો પરગ્રહવાસીઓ (aliens) આવીને બનાવી ગયા છે. કોઈક વિડીયોમાં ભૂર્ગભમાં જતી ટનલ બતાવીને કહે છે કે ગુફામંદિરની નીચે આખેઆખી hidden city આવેલી છે. આ દાવાઓમાં સત્ય હોય કે ન હોય અમને તો નજર સામે અત્યારે દેખાતી ગુફાને જોવા જાણવામાં જ રસ હતો. લોકોના કોલાહલ વચ્ચે અમે જોડાં ઉતારીને કૈલાસ મંદિરનું ગર્ભગૃહ જેમાં હતું એ સભામંડપમાં પ્રવેશ્યા. અહીં ભારે અંધારું હતું. ભગવાન તો દેખાવા મુશ્કેલ હતા પણ ASIના ગાઈડ જરૂર દેખાયા. ગજેન્દ્ર મોક્ષની વાર્તામાં આવે છે તેમ તળાવમાં કમળ તોડવા ગયેલા હાથીનો પગ મગર પકડી લે છે અને મુશ્કેલીમાં પડેલો હાથી બચાવ માટે વિષ્ણુનું નામસ્મરણ કરે છે અને વિષ્ણુ મદદમાં આવી પહોંચે છે એમ મૂંઝાયેલા મુલાકાતીઓની તત્કાળ વહારે આવવા ગાઈડ તૈયાર જ હોય છે. અલબત્ત જેમ વિષ્ણુને હાથીએ કમળ અપર્ણ કર્યું હતું એમ તમારે ગાઈડને તેની કામગીરી બદલ નાણાં અપર્ણ કરવાની તૈયારી રાખવી પડે. તો અહીં ઉભેલા ત્રણ-ચાર ગાઈડમાંથી એકને સાધ્યા. ફક્ત સભામંડપમાં શું કારીગરી છે એ દર્શાવવાના ૩૦૦ રૂ. કહ્યા. કબૂલમંજૂર! પછી એમનું કામ ચાલુ થયું.

હાથમાં ટોર્ચ લઈને અમને અંધારી ગુફામાં દોરી જતા ગાઇડને જોઇને ‘તુમ્બાડ’ ફિલ્મમાં પેલો લાલચુ વિનાયક રાવ ફાનસ લઈને હસ્તરની ધોતીમાંથી સોનાના સિક્કા ખેરવવા ઊંડા અંધારકુવામાં ઉતરતો બતાવે છે એ દ્રશ્ય યાદ આવી ગયું. ટોર્ચ વડે ગાઈડે અમને છત પરની પેનલોનાં ચિત્રો બતાવ્યા અને એની થોડીક વાત કરી કે એના રંગો આજે પણ એટલા જ ચમકીલા છે. મોબાઈલની ફ્લેશથી એ રંગોને નુકસાન થાય છે એટલે અહીં ફ્લેશ ફોટોગ્રાફીની મનાઈ છે. ટોર્ચનું અજવાળું પડે ત્યારે ફ્લેશ વગર એકાદ-બે ફોટો પાડી શકાય. જોકે ફોટા પાડવા કરતા ગાઈડના શબ્દો પર ધ્યાન આપવું જરૂરી છે. મંદિરના કેન્દ્રમાં આવેલી એક જગ્યાએ ઉભા રાખીને ગાઈડે છત ઉપર ટોર્ચની રોશની પાડીને કહ્યું કે જુઓ ઉપરની પેનલમાં શિવજીને પાર્વતીનો કાન આમળતા જોઈ શકાય છે. તમે શિવની સામું જોતા ચાલતા ચાલતા આટલું આખું વર્તુળ ફરશો તો ય તમને એમ જ લાગશે કે શિવ તમારી સામું જ જુએ છે. અને ખરેખર શિલ્પીઓએ એવી કારીગરીથી મૂર્તિ કંડારી હતી કે શિવ અમારી સામું જ જોતા હોય એમ અમને લાગ્યું! બસ, ગાઈડનો રોલ પૂરો.

૨૦/- રૂ. ની નોટ પર પ્રકાશિત ઈલોરા મંદિર દ્રશ્ય
અહીં ગર્ભગૃહમાં રહેલા મહાકાય શિવલિંગને નમન કરીને અમે બહાર નીકળીને નંદીમંડપ પહોંચ્યા. ત્યાંનાં છત્ર નીચે એક દિવાલે દસ-દસ હાથવાળા શિવના રૌદ્ર સ્વરૂપની વિશાળ પ્રતિમા કંડારેલી હતી. જેમાં શિવના હાથમાં ત્રિશૂલ, ડમરું, ખપ્પર અને ગજાસૂરનાં દંત વગેરે પકડેલા જોઈ શકાતા હતા. શિવે કપાળે નાગબંધ અને ગળામાં ખપ્પરમાળ ધારણ કરેલી છે અને જટામાંથી વિખરાયેલા વાંકડિયા વાળ ખુલ્લા લહેરાઈ રહ્યા છે. ઉમા, સપ્તમાતૃકાઓ, ઋષિ શૃંગી અને ઋષિ ભૃંગી અને શિવગણો સાથેની આ પેનલ અંધકાસુર વધ અને ગજાસુર વધનું દ્રશ્ય દર્શાવે છે. શિવના ફેલાયેલા દસ હાથની આ ફ્રેમ આગળ ઉભા રહ્યા વગર તેની રૌદ્રતાનો પૂરો ખ્યાલ આવવો મુશ્કેલ છે. અન્ય વિશાળ પ્રતિમાઓ પણ અહીં હતી પણ એકેએક પેનલ જોવી-સમજવી મર્યાદિત સમયગાળામાં શક્ય નહોતું. વળી, દરેક ગુફાની બહાર એક તકતીમાં જનરલ માહિતી સિવાય ગુફામાં કોઈ જ પ્રકારની માહિતીની તકતીઓ મૂકી નથી કે સાઈનપોસ્ટિંગ કરેલા નથી. વાય.સી. તો બોલી ઉઠ્યો, “અલ્યા ઈશાન, આ તો સાલું જોવામાં જ આખો દિવસ જોઈએ. તે પહેલા કહ્યું હોત કે આ આટલું બધું વિશાળ છે તો આપણે ફક્ત ગુફામંદિરો જ જોવા આવત અને ઇલોરાના બીજા સ્થળોની મુલાકાતનું આયોજન જ ન કરત.” જીવ તો મારો પણ બળ્યો કે અડધા કે એક દિવસમાં આ સ્થળને ન ‘પતાવાય’. અમે સૌએ ચોગાનમાં તડકામાં ઉભા ઉભા સૂર્યની સાક્ષીએ ભીષ્મપ્રતિજ્ઞા લીધી કે ફરીથી અહીં પુરતો સમય લઈને પાછા આવીશું. અહીં અમારી સામે એક ઉંચો વિજયસ્તંભ દેખાતો હતો. એની પાછળ જોયું તો લોકો ૨૦-૨૦ રૂ. ની નોટ હાથમાં રાખીને ઉભા હતા. પછી સ્ટ્રાઈક થઇ કે ઓહ, ૨૦ રૂ. ની નોટ પર ઈલોરાનું દ્રશ્ય છે એ જે ‘સ્પોટ’ પરથી દેખાય છે એ સ્પોટ પર સૌ ૨૦ રૂ. ની નોટ પકડીને ઈન્સ્ટાગ્રામેબલ ફોટો ખેંચાવી રહ્યા છે. અમે પણ એ તરફ ખેંચાયા. ૨૦ રૂ. ની નોટ કાઢીને અમે પણ ફોટાઓ લીધા.


પછી અમે મંદિરની ફરતે એક ચક્કર માર્યું. મંદિરની પ્લીન્થ પર હાથીઓ અને સિંહો એવી બખૂબીથી કંડારેલા છે કે જાણે એમ લાગે કે એમની પીઠ ઉપર આખું મંદિર ઉભું છે. ક્યાંક ક્યાંક ગજરાજો અને સિંહો બાખડતાં હોય એ રીતે પણ કંડારેલા છે. મંદિરની બહારની બાજુની બન્ને સાઈડ વોલ પર રામાયણ અને મહાભારતના દ્રશ્યો ચિત્રવાર્તા સ્વરૂપે મોટ્ટી પેનલમાં કંડારેલા છે. પ્રાચીન સમયમાં અક્ષરજ્ઞાન નહિ હોય તેવા લોકોને અથવા બાળકોને જ્ઞાન આપવા સારું આ ચિત્રવીથિકા/ પિક્ચર ગેલેરી કામમાં લેવાતી હશે એવું ધારી શકાય. અમે લીધેલી અજંતા-ઈલોરાની બુકમાં આપેલી પેનલોના દ્રશ્યો સામે દેખાતા સ્થાપત્ય પર શોધવા અમારી આંખો દોડી રહી હતી. મંદિરની જમણી તરફની દિવાલે સીતાહરણનું દ્રશ્ય મારી નજરે પડ્યું જેમાં રથમાં સીતાને બેસાડી એનું અપહરણ કરી જતા રાવણનો જટાયુ પ્રતિકાર કરે છે. બન્ને મિત્રોને એ બતાવ્યું. અમે હવે ગુફામંદિરની ફરતે આવેલી ચિત્રવીથિકામાં ગયા.

અહીં ફોટા કે સેલ્ફીના જમાનામાં માણસો જાતભાતની અંગભંગિમાઓ ધરીને પોતાને કચકડે મઢે છે એમ સદીઓ પહેલા જાતભાતના અવતારોમાં અંગભંગિમાઓ ધરીને લીલાઓ કરતા ઈશ્વરોની પેનલો કંડારેલી હતી. અહીં હિરણ્યકશ્યપનું પેટ ચીરતા નરસિંહ અવતારધારી વિષ્ણુ પણ છે તો ત્રિશૂલ અને ડમરુંધારી તાંડવમગ્ન શિવ પણ છે; ડુંટીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્મા નીકળતા હોય એવા શેષશાયી વિષ્ણુ પણ છે અને જૂગટું રમવા બેઠેલા શિવ-પાર્વતી પણ છે; અહીં લિંગમાંથી પ્રકટ થતા હોય એવા શિવ પણ છે અને પાર્વતીનો હાથ લગ્નમાં સ્વીકારતા હોય એવા શિવ પણ છે. ચિત્રવીથિકા જોયા પછી અમે બહાર નીકળીને ગુફાની ફરતે ખડકનાં શિખરે ચડવાના પગથીયા પર થઈને પાળી પાસે પહોંચ્યા. અહીંથી નીચે આખું કૈલાસ મંદિર સંકુલ જોઈ શકાતું હતું. પેલા ગાઈડે અમને કહેલું કે આ આખું મંદિર તમને આકારમાં મંગલસૂત્ર જેવું લાગશે. મંગલસૂત્ર જેવું લાગે કે ન લાગે પણ અમે અત્યાર સુધી મારા ખભે ટાંગેલી સ્લિંગબેગમાં છાનું પડી રહેલું બાઈનોક્યુલર કાઢ્યું અને મંદિરના શિખરના સ્થાપત્યને નિહાળવા લાગ્યા. વાય.સી.એ તો બાયનોકયુલરના લેન્સ આગળ કેમેરાનો લેન્સ ધરીને ફોટો ખેંચવાની કરામત પણ કરી જોઈ! મંદિરના શિખર પર ધ્યાનમુદ્રામાં બેઠેલા શિવનું શિલ્પ ધ્યાનાર્હ હતું. એ સિવાય સભા મંડપનાં શિખરની જગ્યાએ આવેલા સમતળ થાળા પર કમળદળની અંદર ચાર દિશામાં જોતા ચાર ખંડિત સિંહોની પ્રતિમા વિશેષ જોવાલાયક હતી.

ખડક પરથી નીચે દેખાતું ભવ્ય કૈલાસ મંદિર 

મંદિર ફરતે ઉપરથી ચક્કર લગાવીને બીજી તરફથી નીચે ઉતર્યા. સમય જોયો તો બપોરના બે વાગ્યા હતા. પ્રવેશ્યા ત્યારે ૧૨:૦૦ વાગ્યા હતા. આ એક કૈલાસમંદિર ગુફા જોવામાં જ બે કલાક વીત્યા. જે.ડી. કહે હવે એકાદ ગુફા જ જોઈએ. પાણીની બોટલ ખરીદીને અમે ગુફા નંબર ૧૦માં ગયા. આ એક બૌદ્ધ ગુફામંદિર છે. ઈલોરાની બૌદ્ધ ગુફાઓમાં આ એકમાત્ર બે-માળી ચૈત્યવિહાર છે. ગુફામાં પ્રવેશતા જ સામે સિંહાસન પર વ્યાખ્યાન મુદ્રામાં બેઠેલા બુદ્ધની વિશાળ પ્રતિમા તો દેખાશે જ પણ આ ગુફામંડપની છત ખાસ જોવા જેવી છે. વર્તુળની ચાપ હોય એમ ચાપાકારની કમાનો જાણે ગજપીઠ (હાથીની પીઠ) જેવી ભાસે છે, અને નવાઈ તો એ વાતની કે આ સુરેખ ચાપાકાર કમાનો કાષ્ઠની નહિ પણ પથ્થર કોતરીને બનાવેલી કમાનો છે. આવી છત અને ૩૦ એક જેટલા સ્તંભોને કારણે અહીં અવાજની પ્રતિધ્વનિ સર્જાય છે. ઉપરના બીજા માળે પણ બારસાખ પાસેની સીડીઓ ચડીને સંગીતશાળા કહેવાતી દર્શનદીર્ઘામાં જઈ શકાય છે. કદાચ પાર્થના સમયે અહીં પહેલા મજલેથી પાર્શ્વ સંગીત પૂરું પાડવાની વ્યવસ્થા ગોઠવાતી હશે એમ માની શકાય. આટલું જોઇને અમે મને-કમને બહાર આવ્યા કારણકે ગુફામંદિરો સિવાય અમારે ઈલોરામાં અન્ય સ્થળો જોવાના હતા.

અહીં પરિસરમાં હજુ જનસુવિધાઓ નવી જ ઉભી કરી હોય એમ લાગતું હતું. લાંબા સાથરામાં ફેલાયેલી ગુફાઓ સુધી પહોંચવા ઈ-બસ સ્ટોપ પણ જોયું. જોકે એકેય બસ તો અમને દેખાઈ નહોતી. સૌથી સારી વાત એ હતી કે અહીં વ્હીલચેર ફેસીલીટી ઉપલબ્ધ હતી એટલું જ નહિ પણ એ કાર્યક્ષમ પણ હતી. અમે ઘણા વયસ્ક મુલાકાતીઓને વ્હીલચેરમાં અવરજવર કરતા જોયા. કદાચ વ્હીલચેર ઠેલવા માટે સેવકની સુવિધા પણ હશે. ઈલોરામાંથી બહાર આવતી વેળા ફેરિયાઓ અમને ઘેરી વળ્યા. ઈલોરા-અજંતાના ફ્રીજ પર લગાવી શકાય ચુંબકચિત્રો વેચતા હતા. અમે ખરીદ્યા. પછી આવ્યા ક્રિસ્ટલના ચક્કા વેચનારા. આવા ચક્કા વેચતા મેં પહેલી વાર કોઈને જોયા એટલે મને કૌતુક થયું. જે.ડી. આવી વસ્તુઓનો ચાહક-સંગ્રાહક નીકળ્યો. એણે ફેરિયા પાસેથી જાંબુડીયા રંગના નેચરલ ક્રિસ્ટલવાળો એમેથીસ્ટ સ્ટોનનો ચક્કો ખરીદ્યો. ભાવ તો ઘણો કહેતો હતો પણ કસીને ઘણા ઓછા કરાવ્યા. બહાર નીકળીને રોડની સામે જ જ્યુટની જાતભાતની આઈટમો વેચતી કતારબદ્ધ દુકાનો હતી. સુંદર ચિત્રો અને રંગો ધરાવતી જ્યુટબેગો કિફાયતી દામે ઉપલબ્ધ હતી. ક્રિસ્ટલ સ્ટોન્સનું તો અહીં જાણે મીની બજાર હતું. અમે ઝડપથી થોડીક ખરીદી નિપટાવી, નાસ્તો પણ કર્યો . ઔરંગાબાદ વળતી મુસાફરીએ દૌલતાબાદનો કિલ્લો તો હવે જોવાનો સમય રહ્યો નહોતો. ઘુષ્મેશ્વર પાછા ગયા ને જોયું તો હજી ય દર્શન માટે કલાક લાઈનમાં ઉભા રહેવું પડે એમ હતું. ડેલે હાથ દઈને પાછા આવવા જેવું લાગ્યું પણ શું થાય. જરા ભારે હ્રદયે અમે ઈલોરાનો ઢાળ ઉતર્યા ત્યારે સૂરજ પણ પશ્ચિમાયણ કરી રહ્યો હતો. હવે અમારું નેક્સ્ટ ડેસ્ટીનેશન? એ ડેસ્ટીનેશનના નામમાત્રથી ત્યાં જવું કે ન જવું એનો વિવાદ અમારી વચ્ચે ઉઠવાનો હતો! કયું હતું એ ડેસ્ટીનેશન? વેઇટ ફોર ધ નેક્સ્ટ પાર્ટ!

કૈલાસ મંદિર સભામંડપની છત પરના સિંહ ચતુષ્ક  


કૈલાસ મંદિરનું જમણી તરફ ખડક ચઢાણ વખતે દેખાતું દ્રશ્ય 

કૈલાસ મંદિર સાઈડ વિંગની પેનલોમાંની પ્રતિમાઓ 

કૈલાસ મંદિરની છત પરની પેનલમાં પાર્વતીનો કાન આમળતા શિવનું દ્રશ્ય 

કૈલાસ મંદિરનું ગર્ભગૃહ જ્યાં છત પરની પેનલો પરના ચિત્રો ગાઈડ ટોર્ચ વડે બતાવે છે.







ક્રિસ્ટલના ચક્કા વેચનારાનો અસબાબ