સહ્યાદ્રીમાં સૂર્યોદય
૨૪-૦૭-૨૦૧૮. ‘શી..શ... ‘શી...શ..’ સવારે સાડા ચાર વાગે કૂકરની ધીમી
સીટી જેવો ભેદી અવાજ મારા કાનમાં સંભળાયો.
“ઉઉઉં...” કરીને મેં કાન પર ચાદર ખેંચી ત્યાં
કોઈએ મને ઢંઢોળ્યો.
“હુંઊઊ?” કરતા મેં ઊંઘરેટી આંખે ‘શું છે?’ એમ
પૂછવા પડખું ફેરવ્યું અને જોઉં તો વિશાલ.
“પશ્ચિમ ઘાટ દેખાયો?” સાઈડબર્થ પચાવીને સૂતેલા મને એણે પ્રશ્ન કર્યો.
“પશ્ચિમ ઘાટ દેખાયો?” સાઈડબર્થ પચાવીને સૂતેલા મને એણે પ્રશ્ન કર્યો.
“અલ્યા ભાઈ, તારો ઉત્સાહ બરાબર છે પણ અંધારામાં
ક્યાંથી એકેય ઘાટ દેખાય?” બારી બહારનું ઘોર અંધારું જોઇને હું બોલ્યો અને જોડે
ઉમેર્યું, “ સૂઈ જા પાછો. પશ્ચિમ ઘાટ આવશે એટલે ઉઠાડીશ.”
સવારના ૫-૪૫એ આંખ ઉઘડી ત્યારે બારી બહાર દેખાતી
સહ્યાદ્રીની ગિરિમાળાઓનાં ખોળામાંથી અમારી ટ્રેન પસાર થઇ રહી હતી. તરત વિશાલને બૂમ
પાડી. લલિતભાઈને ઉઠાડ્યા. બારી બહારની લીલુડી ધરતીનાં દર્શન કરીને સૌ આંખો ધન્ય
કરી રહ્યા હતા. પછી સૌદર્યનો વધુ આનંદ લેવા અમે ટ્રેનનાં દરવાજે પહોંચી ગયા.
ટ્રેનની ઝડપ એટલી કે ફોનના કેમેરામાં ફોટા પાડવા અશક્ય. એટલે આંખોથી જ
સહ્યાદ્રીનું સૌદર્ય – નદીનાળા, ગામ, નારિયેળી-કેળ-ડાંગરના ખેતર, છાપરાંવાળા નાના
ઘર – જોવા-અનુભવવાનું હતું.
આગ... આગ...!
સાતેક વાગ્યાની આસપાસ એવી તો વિશાળ ટનલ આવી કે
ચાર-પાંચ મિનીટ માટે અંધારુંઘોર થઇ ગયું. અંધારામાં અચાનક મને એક આગનો તણખો
દેખાયો. “આગ... આગ...” કરતા મેં અંધારામાં
હાથ લાંબા કરીને નજીકમાં વોશ બેસિનમાંથી હથેળીમાં પાણી ભરીને આગના તણખા પર
નાખી દીધું ત્યાં જ બરાડો પડ્યો, “ઓ પ્રોફેએએસર!”
અવાજ તુષારનો હતો. હળવા છુંકારા સાથે આગ તો બુઝાઈ ગઈ હતી એ વાત પર હું
રાહતનો શ્વાસ લઉં ત્યાં જ ટનલ પૂરી થતા અજવાળું થયું અને તુષારનો રડમસ ચહેરો
દેખાયો. વાત એમ હતી કે એ કંઇક વિશિષ્ટ હર્બલ બીડી લઈને આવ્યો હતો અને ટ્રેન ટનલમાં
પ્રવેશી ત્યારે જ એણે બીડી ચેતવી હતી અને અંધારામાં મેં આગ આગ કરતા પાણી છાંટીને એની
બીડીનો સોથ વાળી દીધો હતો.
ચિપલુણકરથી ચિતપાવન
સવારે ૮:૦૦ વાગે ચિપલુણ આવ્યું એટલે મેં મરાઠી
ભાષાના ‘શિવાજી’ તરીકે ઓળખાતા વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકરને યાદ કર્યા. બાળ ગંગાધર
તિલક અને ગોપાલ ગણેશ અગરકર સાથે મળીને દેશદાઝથી ફાટફાટ થતું મરાઠી સમાચારપત્ર
‘કેસરી’ શરુ કરનારા વિષ્ણુશાસ્ત્રીનું ફક્ત ૩૨ વર્ષની વયે અવસાન થયું હતું. આ
વિષ્ણુશાસ્ત્રી ચિતપાવન બ્રાહ્મણ હતા. અને હવે વાત નીકળી જ છે તો કહેવું જોઈએ કે
કોંકણના ચિતપાવન બ્રાહ્મણોનો સમાવેશ મરાઠી રાજસત્તાનાં ધુરીણ વર્ગમાં થતો
હતો. પેશ્વા બાલાજી વિશ્વનાથ, બાજીરાવ
(પહેલા અને બીજા), નાના ફડનવીસ, નાના સાહેબ પેશ્વા જેવા શાસકો ચિતપાવન બ્રાહ્મણ.
તો વાસુદેવ બળવંત ફડકે, ચાપેકર બંધુઓ, બાળ ગંગાધર તિલક, અને વીર સાવરકર જેવા
ક્રાંતિકારીઓ ચિતપાવન બ્રાહ્મણ. આ બ્રાહ્મણો પ્રમાણમાં ગરમ મિજાજી અને જોશીલા.
જોકે સામે મવાળવાદી એવા ગોપાલ કૃષ્ણ ગોખલે પણ મળી આવે. ને વાત નીકળી જ છે તો
નથુરામ ગોડસેને કેમ ભૂલાય? ગાંધીજીનાં દેહમાં ત્રણ ગોળીઓ ધરબી દેનાર નથુરામ ગોડસે પણ
ચિતપાવન બ્રાહ્મણ. મૂળ તો સામાજિક-રાજકીય રીતે અગ્રેસર એવા આ બ્રાહ્મણોને દેશદાઝ
કદાચ ગળથૂથીમાં મળતી હતી – હા, દેશ અંગેની દરેકની વિચારધારા ક્યાંક સરખી, ક્યાંક
નોખી તો ક્યાંક અન્યની વિચારધારા કરતા સાવ જ વિરોધી હતી.
ચિતપાવનથી ચેવડો!
કમ્પાર્ટમેન્ટમાં મંડાયેલી આવી ગરમ ગરમ ચર્ચાઓથી
સૌ મિત્રો ક્ષુધાતુર થઇ ગયા એટલે ચિપલુણકર અને ચિતપાવનને બાજુમાં રાખીને ચેવડા પર
ધ્યાન કેન્દ્રિત કર્યું. વઘારેલી રોટલીનો ચેવડો ઝાપટ્યા બાદ પેન્ટ્રીમાં પણ આંટો
મારી આવ્યા. સામાન્ય રીતે રેલ્વેની પેન્ટ્રી એટલે ભખભખ થતી ભઠ્ઠી જ જોઈ લો.
ચારેબાજુ કલિંગનાં યુદ્ધ પછીનાં દ્રશ્યની જેમ શાકભાજીનાં અવછિન્ન ભાગો આમતેમ
વિખરાયેલા દેખાય. શરૂઆતમાં સ્ટોર હોય એમાં બટાકા-ટામેટાનાં કેરેટ ખડકાયેલા હોય.
કોઈ જોગીડાએ ધખાવેલી ધૂણીની જેમ પેન્ટ્રીકારમાં સગડાઓ પરનાં હાંડામાં થતા વઘારની
તીવ્ર વાસ એનો પરચો બતાવતી હોય. પણ અહીં તો પેન્ટ્રી સાવ લૂખીસુખી હતી. ગણીને ત્રણ
જ ચીજ નાસ્તામાં ઉપલબ્ધ હતી – પૌંઆ, ઉપમા, અને આમલેટ. એમાંય ઉપમા તો ડબ્બાની
તૈયાર. ત્રણેય લઇ લીધા. એકેયમાં સ્વાદનો ભલીવાર નહિ. એવું ત્યારે!
કરબુડે ટનલ: ભારતની ત્રીજા નંબરની સૌથી લાંબી
રેલવે ટનલ
૯:૧૫ થયા છે.
એક પછી એક ટનલો આવતી જાય છે. અમારું ધ્યાન પડ્યું કે લાંબી ટનલની અંદર
ગેંગમેન પણ ઉભા હોય છે, રીફ્લેકટર્સ પહેરીને. કેવા કાળમીંઢ ખડકોને તોડીને આ ટનલો
બનાવી છે. મોટે ભાગે તો ટનલ સિંગલ લેન છે પણ ક્યાંક ડબલ લેન પણ છે. ૯:૩૦એ
રત્નાગીરી આવે એ પહેલા જબ્બર લાંબી ટનલ આવી. ઉક્ષી સ્ટેશન પાસે આવેલી આ ટનલનું નામ
કરબુડે ટનલ છે. જેની લંબાઈ 6,506 મીટર એટલેકે ૬ કિલોમીટર જેટલી છે જેના નામે
ખાસ્સા સમય સુધી ભારતની સૌથી લાંબી ટનલ હોવાનું ગૌરવ લખાયેલું હતું પણ અત્યારે એ
ત્રીજા સ્થાને આવી ગઈ છે.
ટનલદર્શન: મહાગુહામાં પ્રવેશ
એકાદ જગ્યાએ તો ટનલમાં અમારી ટ્રેન ઉભી રહી
ત્યારે નીચે ઉતરીને ટનલદર્શન કરવાનો લાભ મળ્યો. તાડકાનાં રાક્ષસી મોં જેવી વિશાળ
ટનલમાં નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે અંદર તો લાઈટીંગની પણ સુવિધા મૂકેલી છે. પેલા
રીફ્લેકટર પહેરેલા માણસો ઉભા રહી શકે અને માલસામાન ઉતારી શકાય એ માટે ટનલમાં વચ્ચે
વચ્ચે ‘ખાંચા’ કરવામાં આવેલા છે. ટનલની અંદર અને બહારનાં પ્રવેશદ્વારો આગળ ખડકોનું
‘લેન્ડ સ્લાઈડડીંગ’ રોકવા માટે જાળી ભરી દેવામાં આવી છે. કારણકે વર્ષાનો પ્રદેશ
હોવાથી ચોમાસા દરમ્યાન અહીં લેન્ડસ્લાઈડીંગ થવું સ્વાભાવિક છે. ઈ.સ. ૨૦૦૩માં
લેન્ડસ્લાઈડીંગના કારણે જ મુંબઈ જતી એક ટ્રેન ટનલનાં દ્વાર આગળ જ ઢબી ગઈ એમાં ૫૧
પ્રવાસીઓએ જીવથી હાથ ધોવો પડ્યો હતો. આવો જ બીજો એક અકસ્માત થયો જેમાં ટ્રેન બ્રીજ
પરથી ગબડી પડી અને ૨૦ કમનસીબ પ્રવાસીઓની સફરનો ત્યાં જ અંત આવ્યો. આવા અકસ્માતો
પછી તો ટ્રેનની સ્પીડ ૧૨૦ કિમી/કલાકની
જગ્યાએ ૭૫ કિમી/કલાક કરી દેવામાં આવી છે.
ટ્રેનની આધુનિક સુવિધાઓ માઈન્સ પેન્ટ્રી સર્વિસ
અગાઉ લખ્યું હતું એમ આ ટ્રેન સંપૂર્ણપણે 3rd A.C. છે. દરેક
કમ્પાર્ટમેન્ટમાં બોટલ હોલ્ડર, સર્વિંગ ટેબલ, ત્રણ-ચાર ચાર્જીગ પોઈન્ટ, હુક,
હેન્ડલબાર, ઈમરજન્સી એલાર્મ, બ્લુ લાઈટવાળો નાઈટ લેમ્પ, પડદાની સુવિધા છે. સૌથી આવકારદાયક પગલું તો એ છે કે આ ટ્રેનમાં તમામ
સૂચનાઓ બ્રેઇલ લિપિમાં પણ મૂકવામાં આવી છે. હવે ખાલી પેન્ટ્રી સર્વિસ સુધારી નાખે તો બેડો
પાર થઇ જાય. કારણકે ઠંડા પથ્થર જેવા અને સ્વાદહીન પૌંઆ, ડબ્બાની રેડીમેડ ફિક્કીફસ
ઉપમા, અને લૂખીસુખી આમલેટથી શું ગાડું ગબડે? જમવાનો સમય થયો એટલે અમે ઘરેથી નાસ્તામાં
લાવેલું આચરકુચર જ ખાઈ લીધું.
અને આવી ગયું ગોવા...
પછી ટ્રેનનાં દરવાજે ઉભા ઉભા થ્રિલની મજા લીધી.
૨:૦૦ વાગ્યા છે. ગોવા આવી રહ્યું છે.
વિશાળ નદી જોઈ જેના કિનારે હવેલીઓ દેખાઈ રહી છે. કઈ નદી હશે? ઝુઆરી કે માંડોવી?
૨:૩૦ એ મડગાંવ આવી ગયું. સ્ટેશનની બહાર જ પ્રિ-પેડ ટેક્સી રાઈડ બૂક કરાવી.
એસોસિયેશનની કેબિન જેવું બનાવેલું છે જ્યાં તમારે પૈસા ભરી દેવાના. અહીંથી
બેતાલબેતિમ ૯ કિમી દૂર છે. વીસેક મિનીટ જેવું સહેજે થાય. ડ્રાઈવર જબરો – અમને કહે તમારા ફોનમાં GPS ચાલુ કરો ઘણા સમયથી ત્યાં ગયો નથી. કર્યું ચાલુ. કોલવા બીચ રોડ થઈને અમારી ટેક્સી
આગળ વધી રહી હતી. સુંદર અડાબીડ નારિયેળીનાં વૃક્ષો વચ્ચે કાચી અને ભીની સડક પર
અમારી ગાડી વળી. સામે જ અમારી રિસોર્ટ હતી. કોકોનટ ગ્રુવઝ રિસોર્ટ.
No comments:
Post a Comment