૧૦:૩૦ એ અજંતા જવા નીકળ્યા. ઔરંગાબાદની ઉત્તર-પૂર્વે અજંતા ૧૦૨ કિમીના અંતરે આવેલું છે. અમે અજંતા પહોંચ્યા ત્યારે બપોરનો ૧ વાગ્યો હતો અને સૂરજ ભરશિયાળે પણ આકરો તડકો વરસાવી રહ્યો હતો. અજંતા ગીચ જંગલ વચ્ચે આવેલું છે એટલે ત્યાં પહોંચીને આપણા વાહનોને પ્રમાણમાં એક મોટા સમથળ કરેલા મેદાનમાં પાર્ક કરવાના હોય છે. અમે જે સમયે ત્યાં પહોંચ્યા ત્યારે ક્રિસમસનો દિવસ હોઈ રજાને કારણે મુલાકાતીઓના ધસારાથી પાર્કિંગ તો ફૂલ થઇ ગયું હતું એટલે ખાસ્સે દૂર ગાડી પાર્ક કરવા જવું પડ્યું. અહીં ઉતરીને સૌથી પહેલા અમે થોડો નાસ્તો કરી લીધો. જ્યાં અમે ગાડી પાર્ક કરી હતી ત્યાં બાજુમાં જ વાઘોરા નદીનો પટ આવેલો હતો. અહીં ગાડીની આસપાસની માટીમાં નજર કરતા નાના-નાના ક્રિસ્ટલ સ્ટોન્સ પડેલા જોયા. જે.ડી. અને વાય.સી. નાસ્તો કરી રહ્યા હતા ત્યારે કુતુહવશ મેં આસપાસની જમીન પર નજર દોડાવીને થોડાક ક્રિસ્ટલ સ્ટોન્સ ભેગા કર્યા અને ગાડી પાસે લાવીને અમે સૌએ એનું નિરીક્ષણ કર્યું અને એમાંથી નમૂનારૂપ સ્ટોન્સ સુવેનીયર તરીકે લઇ જવા બેગમાં મુક્યા. અમારા અત્યાર સુધીના પ્રવાસમાં અમે એક નિયમ નક્કી કરેલો કે ત્રણ જણ વચ્ચે એક જ સ્લીંગ બેગ લેવાની જેમાં અમે અમારો જરૂરી સામાન જેવો કે પાણીની બોટલ, કેમેરા, બાયનોક્યૂલર, ટ્રાવેલગાઈડસ વગેરે રાખતા હતા. ત્રણેયમાંથી એક વ્યક્તિ પાસે એ બેગ રહે અને પછી એ થાકે ત્યારે બીજી વ્યક્તિને આપવામાં આવે. મોટેભાગે તો એ બેગને હું મારી પાસે જ રાખતો હતો. આ નિયમને અનુસરતા અમે આગળ લખ્યું એ જરૂરી વસ્તુઓ બેગમાં મુકીને ટિકિટ કાઉન્ટર પાસે પહોંચ્યા.
ટિકિટ લઈને અમે પ્રવેશની લાઈનમાં ઉભા રહ્યા. લાઈન તો ભારે લાંબી જણાઈ. અમે અમારી રજાઓમાં પ્રવાસ માટે અજંતા-ઈલોરા એટલે પણ પસંદ કરેલું કે એટલીસ્ટ ઐતિહાસિક સ્થળે તો હૈયુ દળાય એવી ભીડ નહિ હોય અને શાંતિ મળશે. પણ હવે તો ઐતિહાસિક શું કે ધાર્મિક શું પણ રોડ-રસ્તાની સુલભતા, યાત્રિક સુવિધાઓના વિકાસ, અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર્સને કારણે મેઈનસ્ટ્રીમથી દૂરના દેહાતી સ્થળોએ પણ લોકોનો ધસારો થવા લાગ્યો છે. રગશિયા ગતિએ આગળ વધતી લાઈનમાં જ કલાકો થઇ ગયા. વળી, અહીં લાઈનમાં આગળ વધો એટલે સીધું આગળ કોઈક ગુફામાં જવાય એવું નથી. આ લાઈન બસમાં ચડવાની છે! જી હા, આ અજંતાની ગુફાઓ તો હજુ જંગલમાં અંતરિયાળ સ્થળે આવેલી હોવાથી બસમાર્ગે જવાની સુવિધા કરવામાં આવી છે. નોન-એ.સી. બસના ૨૫/- રૂ. અને એ.સી. બસના ૩૦/- રૂ. વન-વે ફેર. અજંતાની ગુફાઓનાં તળ સુધી પહોંચ્યા ત્યારે ૩:૪૫ થઇ ગયા હતા. અકલ્પનીય ભીડ હતી. ગુફાઓ સુધી પહોંચવા માટે ખડક ફરતે બનાવેલા સર્પિલ રસ્તા પર ચડતા આજુબાજુ દેખાતી વનરાજિ પર નજર ગઈ. જોયું તો સીસમના વૃક્ષ. શ્યામલ થડ અને ગંજીફાનાં ચર્કટ જેવા આકારના ઝીણાં પર્ણ સીસમની ઓળખ છતી કરતા હતા. મિત્રોને એ વૃક્ષનો પરિચય કરાવ્યો. આગળ જતા ઘોડાની નાળ જેવી ગુફાઓનો પેનોરામિક વ્યૂ હળવે હળવે અનાવૃત થતો જોઇને અમે પરમાનંદ અનુભવ્યો. રોજિંદા જીવનની ઘટમાળમાંથી ‘રજા લઈને’ પ્રકૃતિ સમીપે જતા મનુષ્યચિત્તમાં ઉલ્લાસ ન ઉદ્ભવે તો ફટ છે! આ અફાટ શિલાખંડો વચ્ચે કોરેલી ગુફાઓની આગળ ‘જંતુ માણહા’ની લાંબી કતારો જાણે ખાંડના દાણા લયબદ્ધ રીતે લઇ જતી કીડીઓની સેર જોઈ લો અને ગુફાદ્વારોએ એકઠું માનવ મહેરામણ જાણે ગોળના દડબા આગળ જમાવટ કરતું કીડીઓનું કટક!
વાઘોરા નદીને કિનારે આવેલા ખડકમાંથી કંડારેલી અજંતાની ૩૦ ગુફાઓ ઘોડાની નાળ આકારમાં પથરાયેલી છે. આ ગુફાઓ બૌદ્ધ ધર્મના બે મતો હિનયાન અને મહાયાન સાથે સંબધિત છે અને બંનેના કાલખંડો ભિન્ન છે. કેટલીક ગુફાઓ તો ઇસવીસન પૂર્વેની છે. આમાંથી અમુક ગુફાઓ ચૈત્ય હોલ છે તો કેટલીક વિહાર (મઠ). ઈલોરા શિલ્પ અને સ્થાપત્ય માટે જગમશહુર છે તો અંજતા જેના માટે જગમશહૂર એ છે ભીંતચિત્રો/mural paintings. આ ગુફાઓમાં બુદ્ધના જીવનની ઘટનાઓ તેમજ બોધિસત્વ સ્વરૂપે તેમના પૂર્વજન્મ સંબંધિત જાતકકથાઓના પ્રસંગ ચિત્રિત કરવામાં આવ્યા છે. ઈલોરામાં જેમ પ્રવેશ કરતા પહેલી જ ગુફા નંબર ૧૬ (કૈલાસ મંદિર) આવે એવું અહીં નથી. અહીં પ્રવેશ ગુફા નંબર ૦૧થી જ થાય છે અને બધી જ ગુફાઓ ક્રમાનુસાર છે. વળી આ ગુફાઓ ઈલોરાની જેમ વિશાળ નહિ પણ સીમિત કદની છે. સાતમી સદીના અંતે ભારતમાં બૌદ્ધ ધર્મ નબળો પડ્યો ત્યારે આ સ્થાનકો વિસરાઈ ગયા અને ખંડિયેર થઇ ગયા. એક હજાર વર્ષ સુધી ‘અજ્ઞાતવાસ’ ભોગવ્યા પછી છેક ૧૯મી સદીમાં આકસ્મિક રીતે અજંતાની ગુફાઓ ફરીથી પ્રકાશમાં આવી. થયું એવું કે ઈ.સ. ૧૮૧૯માં જોન સ્મિથ નામનો અંગ્રેજ લશ્કરી અધિકારી વાઘનો શિકાર કરવા અજંતાની તળેટીમાં આવ્યો હતો. એને એક ઘેટાં-બકરાં ચરાવતો છોકરો ગુફા નંબર ૧૦ના પ્રવેશદ્વાર આગળ લઇ ગયો હતો. સ્મિથે સ્થાનિક ગામવાસીઓને ભેગા કરીને ઝાડીઝાંખરા દૂર કરાવી ગુફામાં પ્રવેશ કર્યો હતો અને આજની ભાષામાં જેને vandalism/ વિધ્વંસકારી કહી શકાય તેવું કૃત્ય કર્યું હતું: પાંચેક ફૂટ ઊંચા કાટમાળ પર ઉભા રહીને દિવાલ પરના બોધિસત્વના ચિત્ર પર પોતાનું નામ અને તારીખ કોતર્યા હતા.
અમે આવી પહોંચ્યા છે ગુફા નંબર ૦૧ આગળ. જૂતાં બહાર ઉતારીને અમે અંદર પ્રવેશ્યા. પ્રવેશ્યા એવા જ ધોયેલા મૂળા જેવા બહાર આવ્યા કારણકે અંદર અંધારું અને ભારે કોલાહલ હતો. થોડેક આગળ ગયા ગુફા નંબર ૦૩ કે ૦૪ સુધી ગયા પછી જોડે લીધેલા પુસ્તકોમાં રીફર કર્યું કે બધી ગુફાઓમાંથી સૌથી વિશેષ તો ગુફા નંબર ૦૧ છે . આ ગુફા નં ૦૧ જ સૌથી વધુ શૃંગારિક છે. હાથમાં કમળ ધારણ કરેલું છે એવું બોધિસત્વ પદ્મપાણીનું ચિત્ર મેં નવનીત પ્રકાશનની એલિમેન્ટ્રીની ચિત્રપોથીમાં છઠ્ઠા-સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારે જોયું હતું એ બોધિસત્વ પદ્મપાણી તો અહીં દિવાલે વિદ્યમાન હતા ને અમે એમના ‘દર્શન’ કર્યા વગર જ નીકળી આવ્યા હતા. ધત્ત તેરી કી! ચાલો પાછા ગુફા નંબર ૦૧માં. અને જેમ અફરાતફરી મચેલી ટાઈટેનિક પર ભાયડો જેક અને જોરું રોઝ મહેરામણ વચ્ચેથી મારગ કાઢતા હતા એમ અમે સામેથી અમારી દિશામાં ધસી આવતા લોક વચ્ચેથી મારગ કાઢતા પાછા પહોંચ્યા ગુફા નંબર ૦૧.
No comments:
Post a Comment