Sunday, March 22, 2026

અજંતા-ઈલોરા: અનામી શિલ્પીઓએ કાળમીંઢ અગ્નિકૃત ખડકોમાં કંડારેલી ઈશ્વરોની અજાયબ સ્વપ્નસૃષ્ટિ (ભાગ-૨ )

 
જય જલારામ, ચીખલીના ખમણ તો ખાવા રહ્યા!
સવારે ૬:૩૦એ ફાર્મસી સ્ટોર ખુલ્લો હોય એવા વિકલ્પો મળીને કેટલાં મળે? શોધ શોધમાં છેવટે એક સારા જનરલ સ્ટોરમાંથી જરૂરી ફાર્મસી મળી ગઈ. કો-કેપ્ટન જે.ડી.ને પાછળની સીટ પર આરામ કરવા દઈ કેપ્ટન વાય.સી.એ ગાડી દોડાવી. ગીતો સાંભળતા અને વાતો કરતા અમે ભરૂચ અને સુરત વટાવ્યા. ટ્રાફિક ઝાઝો ને એમાં ય બ્રિજ આવે ત્યારે ટૂ લેન થઇ જાય એટલે હેવીવેઇટ વાહનોની વચ્ચે ધ્યાન રાખીને ચલાવવું પડે. ચીખલી પાસે પહોંચ્યા અને ત્યાં રોડને કિનારે આવેલી જલારામ ખમણ શોપ પર ભીડ જોઇને અહીં જ શિરામણ માટે ઉભા રહ્યા. લોચો-ખમણ-ખમણી વગેરે ઉત્તમ સ્વાદના. અહીં પગથોભ કરવું સાર્થક છે. હવે આગળ સર્પીલ રસ્તાઓ શરુ થયા. થોડા સ્વસ્થ થયેલા જે.ડી. બાબુએ કાર-પ્રભાર સંભાળ્યો. ડાંગ જીલ્લાનું એક મોટું મથક વઘઈ આવ્યું. અહીં આખા રસ્તે જાતભાતની નર્સરીઓ. લીલાછમ બામ્બુ અને સાગના ઊંચા વૃક્ષો ઝપાટાભેર પસાર થતા હતા. બપોરના ૨:૪૫એ સાપુતારા ગિરિમથક આવ્યું. અહીંથી ગુજરાતને ટાટા બાયબાય કરીને અમે મહારાષ્ટ્રના નાસિક તરફ વળ્યા.

ડાંગ - નાસિક રોડ પર જોવા મળતો પ્રકૃતિ વૈભવ  
જે લોકો ગુજરાતથી મહારાષ્ટ્ર કાર લઈને બજેટ ટૂર કરવા નીકળે તેમને ખાસ એ ધ્યાન રાખવાનું કે પેટ્રોલટેંક ગુજરાતમાં જ ફૂલ કરાવવી. અમે ગુજરાતનો છેલ્લો પેટ્રોલપંપ ચૂકી ગયા. અહીં મહારાષ્ટ્રમાં જોયું તો પેટ્રોલ ગુજરાત કરતા ૧૦/- રૂ. મોંઘુ છે. ગુજરાતમાં ૯૬/- રૂ. તો મહારાષ્ટ્રમાં ૧૦૬/-. માથે મરાઠી ટોપી વાળું લોક દેખાવા લાગ્યું. નાસિક તો ડુંગળીનું હબ. ડુંગળી, ટામેટાથી લદાયેલા ટ્રેક્ટરો નજરે પડવા લાગ્યા. દ્રાક્ષ અને સ્ટ્રોબેરીના ફાર્મસ પણ રસ્તામાં જોયા. રોડની આજુબાજુમાં એગ્રો પ્રોડક્ટસનો ધંધો વિકસ્યો છે. મરાઠીભાષામાં જાહેરાતો અને દુકાનોના પાટિયા વચ્ચે ક્યાંક ક્યાંક હજુ ય ગુજરાતી પાટિયા જોવા મળી જતા હતા. મરાઠી આવડતું ન હોવા છતાં શબ્દો પકડીને થોડુંઘણું સમજી શક્યા. બસ થાંબા, સુરક્ષિત અંતર ઠેવા, પીણયાચે પાણી વગેરે. નાસિક નજીક સુલા વાઈન યાર્ડ આવેલો છે એની પણ રોડ ટચ સેલ્સ શોપ આવી હતી. પીંપર ગાંવ અને નિફાડ ખુર્દ વગેરે રસ્તેથી નીકળીને હિંદુ હ્રદયસમ્રાટ બાલ ઠાકરે ૩ લેન હાઈવે રોડ પકડી લીધો. આ હાઈવે પર કાર, ટ્રક અને ઓવરટેકની લેન એમ અલગ-અલગ લેન ડીમાર્ક કરીને બતાવી છે. આ નવા હાઈવે પર નહીવત ટ્રાફિક હતો. અમે ઔરંગાબાદ (સાંભાજી નગર) પહોંચ્યા ત્યારે રાતના ૮:૪૫ વાગ્યા હતા. કૂલ ૧૪ કલાકની મુસાફરી પછી સૌ થાકેલા હતા. નજીકની હોટેલમાં જઈને મનભર જમીને બીજે દિવસે સવારે ઈલોરા અને લોકલ સાઈટસીઈંગનું નક્કી કરીને અમે સૌએ બિછાના પર લંબાવ્યું.

મિત્રો સાથે મિસળની મિજબાની 
બીજે દિવસે સવારે ૭:૧૫એ ઉઠીને તૈયાર થઈને સૌથી પહેલા શિરામણ માટે શું કરીશું એમ વિચારતા અહીંની સ્થાનિક આઈટમ મિસળપાંવ પર સૌએ મત્તું માર્યું. સૌથી ફેમસ ક્યા એમ શોધતા જાણ્યું કે તાયડેના. પણ એના લોકેશન પર તાયડેનો તો કોઈ અત્તોપત્તો નહોતો. ફોનથી ખબર પડી કે એમણે તો ધંધો સંકેલી લીધો છે. ઠીક છે. હવે દેવગીરી રોડ પર આવેલા કૈલાસ મિસળ પર પસંદગી ઉતરી. મિસળ પતાવી અમે ઈલોરા જવા નીકળ્યા. ઔરંગાબાદથી ઈલોરા કલાક-સવા કલાકના રસ્તે છે. રસ્તામાં દેવગીરી ફોર્ટ, અંતુર ફોર્ટ વગેરેના સાઈનબોર્ડ જોયા. ઈલોરાથી એકદમ નજીવા અંતરે બાર જ્યોતિર્લીંગોમાંનું એક એવું ધ્રુષણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અમે ધ્રુષણેશ્વર પહોંચ્યા ત્યારે ખબર પડી કે આગળ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો છે એટલે ટ્રાફિક જામ છે. પાર્કિંગમાં ગાડી મુકીને અમે ધ્રુષણેશ્વર મહાદેવના દર્શનની લાઈનમાં પ્રસાદ લઈને ઉભા રહ્યા ત્યારે ખબર પડી કે હજુ તો બે કલાક લાઈનમાં ઉભા રહેવું પડશે. હવે? અહીં જ ૨:૦૦ વાગી જશે તો ઈલોરા ક્યારે જોઈશું? એટલે, નક્કી કર્યું કે ગાડી અહીં જ રાખીને પહેલા ઈલોરા જોવા જવું અને વળતા ધ્રુષણેશ્વર મહાદેવ.

વિશ્વ વિરાસત ઈલોરા ગુફાઓ પ્રવેશદ્વાર
ઈલોરા પહોંચ્યા. એન્ટ્રી ગેટની બહાર જ ઈલોરા વિશેના અલગ-અલગ ભાષાના જાતભાતના પુસ્તકો વેચનારા એક ફેરિયાએ અમારી પાસે આવીને બે-ચાર પુસ્તકો બતાવ્યા. એમાંથી બે પુસ્તકો અમે ready reference માટે ખરીદી લીધા. ટિકિટ વિન્ડો પાસે જ QR કોડનું પાટિયું મુકેલું છે. સ્કેન કરીને ASI/આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સાઈટ પર જઈને મુલાકાતીની વિગતો નાખીને પેમેન્ટ કરીને ઈન્સ્ટન્ટ ઈ-ટિકિટ મેળવો. ૪૦/- રૂ. જેટલી એન્ટ્રી ફી છે. ASI-પ્રમાણિત ગાઈડની સેવાઓ પણ તોતિંગ દરે ઉપલબ્ધ છે. ગાઈડ વગર જ અમે ઈલોરાની સેલ્ફ-ગાઈડેડ ટૂર પર ઉપડ્યા. નાતાલની રજાઓ અને શનિવાર હોવાથી અહીં ભારે ભીડ હતી. અંદર પ્રવેશ કરતા જ બે કિલોમીટર સુધી પથરાયેલી કૂલ ૩૪ ગુફાઓમાંથી ઈલોરાની સૌથી જાણીતી ૧૬ નંબરની ગુફા જેને ‘કૈલાસ’ કહેવામાં આવે છે એ ગુફા અમારી સામે જ દેખાઈ. શાળાઓની બાળકીઓ અને શિક્ષકો કતારબદ્ધ રીતે પ્રવેશી રહ્યા હતા. અમે પણ પ્રવેશ્યા. પ્રવેશ કરતા જ સામો હાથી ભટકાયો. ના, જીવતો નહિ. પણ અભિભૂત થઇ જવાય એવો લાઈફ-સાઈઝ કદનો એ હાથી પથ્થરનો બનેલો હતો. આ કૈલાસ મંદિર એક જ વિશાળ અગ્નિકૃત ખડકમાંથી કોતરેલું ભારતનું સૌથી વિશાળ ગુફામંદિર છે. વળી, આજથી ૧૨૦૦ વર્ષ પહેલા સંભવતઃ રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ પ્રથમના સમયમાં શરુ થયેલા આ મંદિરના નિર્માણની વાયકા પણ ભારે રસપદ છે.

કૈલાસ ગુફાના પ્રવેશદ્વારે 

કહે છે કે અહીંનો સ્થાનિક રાજા કોઈ ગંભીર બિમારીમાં સપડાયો. રાણીએ ધ્રુષણેશ્વરને પ્રાર્થના કરી કે મારા પતિને સાજો કરી દો તો હું મંદિર બંધાવીશ, અને જ્યાં સુધી મંદિરનું શિખર નહિ બની રહે ત્યાં સુધી અન્નનો દાણો પણ મોંમાં નહિ મુકું. રાજા સાજો થઇ ગયો એટલે રાણીએ પ્રણ મુજબ મંદિર બનાવવા રાજાને કહ્યું. વિવિધ સ્થપતિઓઓને બોલાવ્યા ત્યારે એમણે કહ્યું કે શિખર સાથે મંદિર તૈયાર થતા તો મહિનાઓ લાગશે. એક સ્થપતિ નામે કોક્સાએ રાજાને ખાતરી આપી કે રાણીને એક જ અઠવાડિયામાં મંદિરનું શિખર જોવા મળી જશે. સામાન્ય રીતે મંદિરનું નિર્માણ ચોકથી શિખર સુધી એટલેકે નીચેથી ઉપર સુધી એમ થતું હોય પણ કોક્સાએ તો ઉપરથી ખડકને કોતરીને શિખર બનાવવાથી શરૂઆત કરી. એક અઠવાડિયામાં તો શિખર તૈયાર થઇ ગયું. મંદિરનું નામ રાણીની સ્મૃતિમાં મણિકેશ્વર રાખવામાં આવેલું. વાયકા પછી હવે વાસ્તવિકતા. પુરાતત્ત્વવિદ્દો અને ઈતિહાસજ્ઞોને મતે આ ગુફામંદિરનું નિર્માણકાર્ય તો અનેક રાષ્ટ્રકૂટ રાજાઓના સમયકાળમાં ચાલુ રહ્યું હતું. ક્યા રાજાના સમયમાં કેટલું નિર્માણ થયું એ અંગે એ લોકોમાં તડા છે પણ આપણે એની ચર્ચા કે વિવાદમાં ન પડતા ગુફામંદિરની ઝલક માણીએ.

કૈલાસ મંદિરની અંદર વિશાળ હાથી પ્રતિમા 


No comments:

Post a Comment