અમે ત્રણ મિત્રો. ત્રણેય જુદાં જુદાં શહેરના રહેવાસી. ફોન સિવાય મળવાનું ભાગ્યે જ થાય. ગયે વર્ષે ડીસેમ્બરમાં અમે શોર્ટ રીચાર્જ ટ્રીપમાં માધવપુર-ઘેડ ફરી આવ્યા હતા. આ વર્ષે પણ ફરવાની ધુનકી અમને સૌને ઉપડી ત્યારે સૌથી પહેલા તો સૌ કેલેન્ડર ફંફોસવા બેઠા. તહેવારની રજાઓની આસપાસ કે રવિવારની આગળ પાછળ રજા મુકીને ત્રણ-ચાર દિવસનું જો કંઇક સેટ થતું હોય તો ઉત્તમ. અમને ત્રણેયને એ વાતનો હાશકારો હતો કે વર્ષમાં અમુક મર્યાદિત સંખ્યામાં મળતી રજાઓમાંથી થોડીકેક રજાઓ આવા પ્રવાસ માટે અમારા સૌના સિલકમાં હજુ બાકી હતી. રજાઓના પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે? બીજો સવાલ, જ્યાં પણ ફરવા જવું ત્યાં કયું વાહન કરીને જવું – ટ્રેન કે બસ કરીને જવું કે પોતાની કાર સેલ્ફ-ડ્રાઈવ કરીને લઇ જવી? આ સાથે જ ત્રીજો સવાલ, ક્યા સ્થળે જવું? ભારત જેવા વ્યાપક ભૌગોલિક સાથરો ધરાવતા દેશમાં વિમાનમાર્ગે ન જવાનું હોય તો ત્રણ-ચાર દિવસનો પ્રવાસ બહુ તો સ્થાનિક રાજ્યમાં અથવા પડોશી રાજ્યમાં કરી શકાય, નહિ તો રાત ઓછી ને વેશ ઝાઝા જેવું થાય.
Sunday, March 22, 2026
અજંતા-ઈલોરા: અનામી શિલ્પીઓએ કાળમીંઢ અગ્નિકૃત ખડકોમાં કંડારેલી ઈશ્વરોની અજાયબ સ્વપ્નસૃષ્ટિ (ભાગ-૧)
‘પહેલા મરઘી કે પહેલા ઈંડું?’ ની માફક અમે બુદ્ધિમાનો પ્રવાસનું સ્થળ પહેલા પસંદ કરવું કે વાહન (mode of transportation) પહેલા પસંદ કરવું એની પળોજણમાં પડ્યા. જોકે સ્થળ પસંદગી મુજબ વાહન પસંદગી કરવી એવો તર્ક સૌને હેઠે આવ્યો. ગ્વાલિયર-આગ્રા, અજંતા-ઈલોરા, ભેડાઘાટ, જેસલમેર વગેરે સ્થળોના નામ ઉભર્યા. મેં ‘જિપ્સી’ મેગેઝીનના જૂનાં અંકોમાંથી ગ્વાલિયર, આગ્રા, અજંતા, ઈલોરા વગેરેના પ્રવાસલેખ સ્કેન કરીને એને સાઝા કર્યા. ચર્ચાવિચારણા પછી પંસદગી ઠરી મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલા અને યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવિષ્ટ અજંતા-ઈલોરા પર. અમે ડીસેમ્બરની રજાઓમાં આ પ્રવાસનું આયોજન કરતા હતા એટલે મનમાં એ પણ વાત હતી કે આજકાલ પ્રખ્યાત પ્રવાસન સ્થળોએ તો તહેવારો કે રજાઓમાં જવું એટલે ભીડમાં ભીંસાવું. અજંતા-ઈલોરા પ્રાચીન ભારતીય વિરાસત સ્થળો છે એટલે કદાચ ત્યાં હિલ સ્ટેશન-કિલ્લા-બીચ જેવી ભીડ ન યે હોય. રોજિંદા જીવનની દોડધામમાંથી થોડાક વિમુખ થઈને બુદ્ધપ્રતિમાઓના મુખ પર વર્તાતી શાંતિનો અમારે અનુભવ કરવો હતો. અમને ક્યાં ખબર હતી કે far from the madding crowdની બાબતમાં અમે કેટલાં ખોટા ઠરવાના હતા!
Google પર દુનિયાના સ્થળો અને ભૌગોલિક અંતરો વિશેની છાનબીન ઘરબેઠા સરળતાથી કરી શકાય છે એ તો નવી વાત નથી પણ AI (આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ) તો ૩-૪ દિવસના પ્રવાસની તારીખવાર itinerary/પ્રવાસમાર્ગ સુદ્ધાં બનાવીને આપી દે છે. અજંતા-ઈલોરા આમ ભલે બન્ને નામો એકસાથે લેવાય પણ બંને વચ્ચે ૧૦૬ કિલોમીટર જેટલું અંતર છે. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ (નૂતન નામકરણ: છત્રપતિ સાંભાજી નગર)ને બેઝ બનાવીને આ બન્ને સ્થળોની મુલાકાત લેવામાં સુગમતા રહે. ઔરંગાબાદથી ઈલોરા ૩૧ કિ.મી. ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) દિશાએ આવેલું છે જયારે કે અજંતા ૧૦૨ કિ.મી. ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશાએ સ્થિત છે. અમારામાંથી એક મિત્ર YC એની કાર લેવાનો હતો. એ મિત્રના શહેર વડોદરાથી ઔરંગાબાદનું અંતર ૫૧૪ કિ.મી. બેસતું હતું. એટલે સાડા દસ કલાકનું ડ્રાઈવિંગ જોઈએ. વચ્ચે ત્રણ-ચાર બ્રેક લેતા સહેજે ૧૨-૧૩ કલાક થઇ જાય. એકલે હાથે આટલું લાંબુ ડ્રાઈવિંગ દુષ્કર ગણાય. જોકે બીજો મિત્ર JD પણ ડ્રાઈવિંગ કરી લેવાનો હતો એટલે વાંધો નહોતો. બન્ને મિત્રોએ જવા-આવવાના અંદાજિત કિ.મી. અને પેટ્રોલખર્ચ વગેરેની ગણતરી કરી લીધી. કોઇપણ પ્રવાસ કરીએ ત્યારે પ્રવાસ ઉપરાંત આ બધી પૂર્વતૈયારી અનિવાર્ય હોય છે. ઔરંગાબાદમાં રોકાણ માટેના modest ભાવના વિકલ્પો પણ જોઈ લીધા. ત્રણ વ્યક્તિઓ પ્રવાસ કરે ત્યારે એક ફાયદો એ પણ હોય છે કે રેસ્ટહાઉસમાં એક જ રૂમમાં extra bed નંખાવી કામ ચાલી જતું હોય છે. ત્રણથી વધુ પ્રવાસીઓ હોય ત્યારે કીપર આનાકાની કરે ને તમારે બે રૂમ રાખવા પડે એવું બને. ખેર, અત્યાર સુધી જેટલું વર્ણન કર્યું એ બધી પ્રવાસની પૂર્વતૈયારી તો નવેમ્બરની દિવાળીની રજાઓથી જ કરી રાખી હતી.
પણ કોઇપણ પ્રવાસ ૧૦૦% પૂર્વતૈયારી મુજબ ક્યાં આકાર લેતો હોય છે? ધાર્યા બહારના આકસ્મિક સંજોગો એવા આવીને ઉભા રહે કે ઘણીવાર આખેઆખા પ્રવાસ આયોજન પર પાણી ફરી જાય. વળી, પ્રવાસ આયોજનમાં સામેલ વ્યક્તિઓમાંથી પણ કોઈ ખડી ન પડે એ જોવું રહ્યું. મારા બન્ને મિત્રોના જીવનમાં પણ કેટલાક આકસ્મિક સંજોગો સર્જાયા કે પ્રવાસ પડતો મુકવાની કગારે આવી ગયો. અગાઉ નક્કી કરેલી તારીખોને અમે વળગી રહી શક્યા નહિ. પણ એમના ઉત્સાહવર્ધન માટે હું જાતભાતની ટીટ-બીટસ શેર કરતો રહ્યો. વચ્ચેના સમયગાળા દરમ્યાન પ્રવાસ માટે જરૂરી નાનીમોટી ચીજવસ્તુઓ- વસ્ત્રો-જોડાં-દૂરબીન વગેરેની પણ વ્યવસ્થા કરી લીધી. મારી સાથે ઘણી વખત એવું થયું છે કે આમ આપણે રૂટીનમાં પહેરતા હોઈએ એ વસ્ત્રો કે જોડાં વગેરે જૂનાં થાય અને એમને ઘસારો પહોંચે તો ય ‘ચાલે છે ત્યાં સુધી ચાલવા દો’ ન્યાયે આપણે એને પહેરવાનું ચાલુ રાખીએ. પણ એકદમ ક્યાંય ટ્રેનિંગ કે પ્રવાસમાં જવાનું ‘પ્રેશર’ આવે એટલે આપમેળે જ જરૂરી ખરીદી થઇ જાય!
હવે અમારો અજંતા-ઈલોરાનો પ્રવાસ નાતાલની રજાઓનાં ગાળા દરમ્યાન ગોઠવાયો. JD આગલા દિવસે મારે ઘરે આવી ગયો. અમે વહેલી સવારની કર્ણાવતી પકડીને પહોંચ્યા વડોદરા. જેની કારમાં અમારો પ્રવાસ ગોઠવેલો હતો એ કાર-ધારક મિત્ર YC ૬:૩૦એ આવી ગયો અને અમારા પ્રવાસનો સુખદ આરંભ થયો. સુખદ? ઉભા રહો! મારી જોડે અમદાવાદથી આવેલા JDની તબિયત શરદી અને માથું ચડ્યાથી કંઇક સખળડખળ થઇ હતી અને એને અત્યારે જે દવાની જરૂર હતી એ એની કે અમારી પાસે નહોતી. હવે? ૨૪ કલાક ખુલી રહેતી દવાની દુકાન ભણી કારના ચક્રો ગતિમાન થયા...
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment