આ લખનારને હાસ્યલેખક બનાવવા માટે જો કોઇપણ માણસ જવાબદાર હોય તો તે એ જમાનાનાં પ્રસિદ્ધ હાસ્યકાર જદુરાય ખંધડિયા. એક વાર તે અમારે ઘરે જમવા આવ્યા. જમીને બપોરે તે આરામ કરતા હતા. ત્યારે કોઈ એક ખરાબ ચોઘડીયે પચાસ કરુણ, અતિ કરુણ વાર્તાઓ + બે હાસ્યલેખો મેં એમની સામે ધરી દીધાં. હાસ્યલેખો અલ્પસંખ્યા- લઘુમતીમાં હોવાથી તેનાં પર એક ઉડતી નજર ફેરવીને જદુકાકાએ મને સલાહ આપી : ‘ગંભીર લખાણ પાછળ સમય વેડફવાને બદલે હાસ્યલેખન પર હાથ અજમાવ.’ શક્ય છે કે તેમણે પેલી પચાસ કરુણવાર્તાઓમાંથી છૂટવાય આમ કહ્યું હશે. પણ એ જ ક્ષણે કાળજું કઠણ કરીને મેં છેલ્લીવાર આંસુ લાવીને એ વાર્તાઓ બાળી મૂકી. ને એ જ ક્ષણે ગુજરાતી સાહિત્યે એક હાસ્યલેખક મેળવવાની લાયમાં, એક શ્રેષ્ઠ કરુણ લેખક ગુમાવ્યો. જેવાં ગુજરાતી સાહિત્યનાં નસીબ, બીજું શું!’
આ જદુરાય ખંધડિયાની સલાહને કારણે આપણને જે હાસ્યલેખક મળ્યા તે બીજું કોઈ નહિ પણ વિનોદ ભટ્ટ. દુનિયામાં બહુ ઓછી વ્યક્તિઓ પોતાનાં નામને સાર્થક કરતી હોય છે અને વિનોદ ભટ્ટ એમાંના એક છે. જયોતીન્દ્રદવેની પરંપરામાં હાસ્યનિબંધોનું સર્જન કરનાર વિનોદ ભટ્ટે લખવાની શરૂઆત ઘણી વહેલી કરી હતી. એમણે ૧૮ વર્ષની કાચી વયે ૧૯૬૨માં પ્રથમ પુસ્તક ‘પહેલું સુખ તે મૂંગી નાર’ સ્વખર્ચે – એટલેકે, પિતાનાં ખર્ચે – પ્રકટ કર્યું. અને વિનોદ ભટ્ટ વ્યંગ્યમાં કહે છે તેમ આજે ‘પહેલું સુખ તે મૂંગી નાર’ બંન્ને અર્થમાં અપ્રાપ્ય છે! એટલે આ અને અન્ય બે-ત્રણ પોકેટબુક પ્રકારનાં પુસ્તકો તેમણે રદ્દ કર્યા છે છતાં તેમનાં કુલ પુસ્તકોનો આંકડો સહેજે પિસ્તાળીસેક જેટલો થાય છે. વિનોદ ભટ્ટનાં હાસ્યલેખન પાછળ એમનું રોજનું વિવિધ વિષયો પરનું ૨૦૦થી ૩૦૦ પૃષ્ઠોનું મજબૂત વાચન અને હાસ્યસર્જન માટે જરૂરી પ્રકૃતિદત્ત નિરીક્ષણવૃત્તિ જવાબદાર છે. એમની શરૂઆતની રચનાઓ નવચેતન, આરામ, ચાંદની અને વિશ્વવિજ્ઞાન જેવાં સામયિકોમાં તો પછીથી શબ્દસૃષ્ટિ, નવનીત સમર્પણ જેવાં મેગેઝીનોમાં પ્રકટ થતી હતી.
આજે પણ ઘણાં બધાં વાચકોની રવિવારની સવાર વિનોદ ભટ્ટનાં ‘ઇદમ તૃતીયમ’નાં વાચનથી શરુ થાય છે એવી એમની સાંપ્રત રાજકીય ઘટનાઓ પર હાસ્ય-વ્યંગની કૉલમ ૧૯૬૬થી શરુ થઇ હતી જે આજે ૫૧ વર્ષે પણ અવિરત ચાલુ છે. ઇન્દીરા ગાંધીએ ૧૯૭૫માં લાદેલી કટોકટીનાં સમયમાં વિનોદ ભટ્ટનાં વ્યંગલેખો ખાસ સેન્સર થતાં એટલે એમણે સેન્સરવાળા ન સમજે એ રીતે કટોકટીનાં વિરોધમાં કટાક્ષકથાઓ લખી હતી. એમની એક કટાક્ષકથા જોઈએ: “પછી શબ્દકોશમાંની એક ઉધઈએ બીજી ઉધઈને પૂછ્યું, ‘આજે તું બહુ પ્રસન્ન દેખાય છે ને કંઈ! કોઈ મિષ્ટ પદાર્થ આરોગવા મળ્યો છે કે શું?’ ‘હા.’ બીજી ઉધઈએ પોતાનાં પેટ પર હાથ ફેરવીને ઓડકાર ખાતાં ઉત્તર આપ્યો: ‘આજે તો ‘લોકશાહી’ નું ભોજન કર્યું.’”
વિનોદ ભટ્ટ કહે છે તેમ કૉલમલેખને તેમને પ્રસિદ્ધિ અપાવી પણ લેખક તરીકેની પ્રતિષ્ઠા તો એમને ‘કુમાર’ સામયિકનાં કારણે મળી. આ ‘કુમાર’ સામાયિકની સૌથી યાદગાર અને વિવાદાસ્પદ લેખશ્રેણી એટલે ‘વિનોદની નજરે’. સમકાલીન સાહિત્યકારો પર વ્યંગ્ય-વિનોદ કરવાને કારણે વિનોદ ભટ્ટે એમાં આલેખાયેલ કેટલાંક સાહિત્યકારોની ખફગી-નારાજગીનો ભોગ બનવું પડ્યું હતું તો ઘણાં પોતાનાં વિષે એમાં ન લખ્યું એટલે પોતાને સાહિત્યકાર નહિ ગણતા હોય એ કારણે વિનોદ ભટ્ટ પર રોષે ભરાયા હતા! એટલે વિનોદ ભટ્ટે સમકાલીન સાહિત્યકારો વિષે લખવાનું ટાળી છેક ૨૦૧૪માં ૩૦ દિવંગત સાહિત્યકારો પર ‘તમે યાદ આવ્યાં’ નામનું પુસ્તક લખ્યું જેની પ્રસ્તાવનામાં તેઓ હળવાશથી કહે છે, ‘જેમના વિષે લખાયું છે એમાંના કોઈ મારા માટે આવું કેમ લખ્યું એ મુદ્દે ઝઘડવા નથી આવવાનાં કે મારી વિરુદ્ધ ચર્ચાપત્ર નથી લખવાના એની મને ખાતરી છે.’
હાસ્યનવલકથા અને કવિતાને બાદ કરતા હાસ્યનાં લગભગ તમામ પ્રકારોને વિનોદ ભટ્ટ નામ નો મિડાસ ટચ મળી ચુક્યો છે – હાસ્યનિબંધો, કટાક્ષકથાઓ, પેરોડી, પ્રવાસવર્ણન, સંપાદનો અને આત્મકથા જેવાં પ્રકારોમાં તેમણે શિષ્ટ હાસ્ય પીરસ્યું છે. એમનું ‘વિનોદવિમર્શ’ નોખી ભાતનું પુસ્તક છે જેમાં હાસ્યરસની ‘ગંભીરપણે’ મીમાંસા કરવામાં આવી છે. અહીં હાસ્યની વિભાવના, હાસ્યનાં વિવિધ પ્રકારો – હ્યુમર, વિટ, સેટાયર, આયરની, પેરોડી સમજાવવાની સાથે ભારતીય ભાષાઓમાં જોવાં મળતી હાસ્યધારાની રૂપરેખા રજૂ કરવામાં આવી છે.
વિનોદ ભટ્ટનાં ઘણાં પુસ્તકો ભારતની અન્ય ભાષાઓમાં અનુવાદિત થયા છે. દિલ્હીનાં રાજકમલ પ્રકાશન અને તાજેતરમાં નવજીવન પ્રકાશન તરફથી વિનોદ ભટ્ટના હિન્દીમાં અનુવાદિત પુસ્તકો પ્રકાશિત થયા છે. એમનાં પુસ્તકો, એમાં ય ખાસ તો ‘વિનોદની નજરે’, સમયાંતરે ગુજરાતની વિવિધ યુનિવર્સીટીઓનાં અભ્યાસક્રમમાં સમાવેશ પામ્યા છે. અને હા, જે વિનોદ ભટ્ટ શાળાજીવન દરમ્યાન ભણવામાં ભોપાળું વાળતા હતા એ જ વિનોદ ભટ્ટનાં સાહિત્ય પર આજે મહાશોધનિબંધ પણ રજૂ થયા છે.
સાહિત્યનાં કોઈ જાહેર કાર્યક્રમમાં એમને સાંભળવા હાજર ઓડિયન્સ જ વિનોદ ભટ્ટની પ્રચંડ લોકપ્રિયતાનો પુરાવો છે. મોટે ભાગે તો આવાં કાર્યક્રમોમાં એકથી વધુ વક્તાઓ હોય અને વિનોદ ભટ્ટનું પ્રવચન સૌથી છેલ્લે હોય. પણ ઓડિયન્સ ખાસ વિનોદ ભટ્ટને સાંભળવા અગાઉનાં વક્તાઓને સહન કરી લે! અને તેઓ પણ ઓડિયન્સ આગળ બરાબર ખીલે. એ તો ઠીક પણ હવે તો શ્રોતાઓ ફરમાઈશ કરે કે ‘અમને બક્ષીબાબુ અંગે કહો’, ‘શેખાદમ આબુવાલાની વાત કરો’ વગેરે. આ વાત જ બતાવે છે કે વિનોદ ભટ્ટનાં વિનોદલક્ષી વ્યક્તિચિત્રો કેવા દંતકથારૂપ બની ગયાં છે!
વિનોદ ભટ્ટ આજે ભલે સાહિત્ય પરિષદથી અલગ થઇ ગયાં હોય પણ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદનાં ૧૯૯૬ અને ૧૯૯૭નાં વર્ષ માટે પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને તે સમયે તેમણે પરિષદ માટે ૬૫ લાખ જેટલું માતબર દાન એકલે હાથે એકઠું કરી આપ્યું હતું. તદુપરાંત ગુજરાત સરકાર અગાઉ શ્રેષ્ઠ પુસ્તકોને ઈનામ આપતી વખતે હાસ્યને પ્રકીર્ણ એટલેકે પરચૂરણ વિભાગમાં ગણતી હતી એ હાસ્યને અલાયદો સાહિત્યપ્રકાર ગણાવવા અંગે ગુજરાત સાહિત્ય અકાદમી સાથે મીઠો ઝઘડો પણ કર્યો હતો.
આપણી ગુજરાતી ભાષાનાં લેખકોની એક આખી પેઢી તૈયાર કરવામાં વિનોદ ભટ્ટનો ફાળો જરાય નાનો સૂનો નથી. ગુજરાતી અખબારમાં લખતાં કોઇપણ નવોદિત પત્રકાર-કટારલેખકનાં લેખનમાં ‘સ્પાર્ક’ દેખાય તો તેઓ અચૂક તેનો સંપર્ક કરીને લખાણ બાબતે અભિપ્રાય આપે છે. શરૂઆતનાં સંઘર્ષનાં વર્ષોમાં મળતો આવો અભિપ્રાય, પ્રોત્સાહનનાં થોડાં શબ્દો લેખન-પત્રકારત્વની લાંબી કારકિર્દી માટે પ્રેરણારૂપ હોય છે એ વાત સાથે કોણ અસંમત થશે?
સોશિયલ મીડિયાનાં આ યુગમાં વિનોદ ભટ્ટ સ્વયં તો ફેસબૂક કે ટ્વીટર પર સક્રિય નથી પણ ફેસબૂક પર એમનાં વાચકો-ચાહકો દ્વારા ‘ફેન્સ ઓફ વિનોદ ભટ્ટ’ કરીને એક પેજ ચાલે છે જેનાથી ગ્રૂપનાં ૧૨૦૦+ ફોલોઅર્સને વિનોદ ભટ્ટના લખાણનાં રસપ્રદ અંશો અને એમનાં કાર્યક્રમો અંગે નિયમિત અપડેટ મળતી રહે છે.
એક હાસ્યલેખકનાં જીવનમાં પણ અંગત દુઃખ અને શોકનાં પ્રસંગ આવતા હોય છે. તાજેતરમાં જ વિનોદ ભટ્ટને પત્નીનાં અવસાનનો આઘાત નાદુરસ્ત તબિયત સાથે જીરવવાનો આવ્યો છે. એમણે આત્મકથામાં એક જગ્યાએ નોંધ્યું છે, ‘મારા અંગત સુખ-દુઃખ, પ્રસન્નતા-વેદનાની વાત મારા પૂરતી જ સીમિત રહેવી જોઈએ. વાચકને ય પોતાની મુશ્કેલીઓ, યાતના ને દુઃખો હોય છે, એમાં ઉમેરો શા માટે કરવો જોઈએ?’ ‘Humour is a dry tear – હાસ્ય તો સૂકું આંસુ છે એવું કહેતા વિનોદ ભટ્ટનાં આ સ્પીરીટને સૌ વાચકો તરફથી સલામ અને તેમનાં સ્વાસ્થ્ય માટે હ્રદયપૂર્વકની પ્રાર્થના સાથે એમનાં કેટલાંક માર્મિક વન-લાઇનર્સ જોઈએ:
--- પ્લેનમાં દોડતી એરહોસ્ટેસ મને તો પેટથી દોડતી હોય એવું કાયમ લાગ્યા કરે છે.
--- સ્વામી વિવેકાનંદ પણ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં થોડાક દિવસ માટે આવી ગયેલાં. જે ખુરશી પર વિવેકાનંદ બિરાજેલા એ આજે પણ ખાલી છે. સત્તાની ખુરશી ને અધિકારની ખુરશી વચ્ચે આ જ એક ફરક હોય છે.
--- અમેરિકામાં અમૂલનું બટર અમે બે સ્ટોરમાં જોયું. સારું વેચાય છે, જોકે માખણનો ઉપયોગ ત્યાં ખાવામાં જ થાય છે!
No comments:
Post a Comment