![]() |
| સર્વદેશે સ્વદેશ... |
જે રીતે 'સ્વદેશી અભિયાન' અંતર્ગત યોગગુરુ બાબા રામદેવ પ્રણિત 'પતંજલિ આયુર્વેદ' બજારમાં એક પછી એક પ્રોડક્ટ ઉમેરતી જાય છે તે જોતા કલ્પના કરવાનું મન થાય કે ટૂંક સમયમાં ભારતમાં ઠેરઠેર બાબા રામદેવની કમ્પનીની સ્વદેશી પ્રોડક્ટસનાં મોલ ખૂલશે અને કલ્પનાનાં દોરને એથીય આગળ ઢીલ આપીએ તો આપણે ત્યાં અત્યારે જેમ 'વોલમાર્ટ' જેવી અમેરિકાની રીટેલ જાયન્ટ કંપની વેપાર માટે થનગને છે અને રીટેલ સેક્ટરમાં F.D.I. (Foreign Direct Investment) ને લઈને સંસદમાં સરકાર પર પસ્તાળ પડે છે એ બાબત ભૂતકાળ બનશે. અરે, અમેરિકા જેવા અમેરિકામાં ભારતીય કંપનીઓને મુક્ત વેપાર માટે I.D.I (India Direct Investment) જેવો કાયદો પસાર કરવામાં આવશે અને તક ઝડપીને તાતા-બિરલા-અંબાણી પગપેસારો કરે એ પહેલા 'પતંજલિ આયુર્વેદ' પોતાના મોલ ખોલીને સ્વદેશીનો વિદેશમાં ડંકો વગાડશે! આવા મોલ સ્વાસ્થ્ય બાબતે સજાગ એવા અમેરિકામાં ખૂબ ઝડપથી પ્રખ્યાત થશે. અને એક દિવસ અમેરિકાના પ્રેસીડન્ટ બરાક ઓબામા, તેમની પત્ની મિશેલ અને બન્ને દીકરીઓ સાથે ન્યુયોર્ક સ્થિત આવા જ કોઈ આયુર્વેદિક મેગામોલની મુલાકાત લેશે. ધારો કે એમ બને તો કેવું દ્રશ્ય સર્જાય એની મીઠી ઝલક જોઈએ:
![]() |
| અરે, ડિસ્કાઉન્ટ પણ નથી આપતા??? |
પ્રેસીડન્ટ ઓબામા પોતાને માટે મુસળી પાક અને ચ્યવનપ્રાશ પસંદ કરે છે, મિશેલ પોતાને માટે સૌન્દર્ય ક્રીમ, બોડી લોશન, મરીનાં પાપડ અને આમળા મુરબ્બો લે છે. બન્ને દીકરીઓ પોતાને માટે કોર્ન ફ્લેક્સ, ઈલાયચી બિસ્કીટ,અને એપલ જ્યુસનાં ટેટ્રાપેક લે છે. બધાં બિલીંગ કાઉન્ટર પર પહોંચે છે. જેનો ભાલપ્રદેશ ચળકે છે તેવો સાધુપુરુષ જણાતો કોઈ ભારતીય બિલીંગ કાઉન્ટર પર સેવા આપે છે. ઓબામાનાં બિલની રકમ પૂછે છે. રકમ I.N.R. (Indian National Rupee)માં અને ડોલર એમ બન્નેમાં છાપી છે. અને રકમ આંકડો ઘણો મોટો છે કારણકે હવે ભારતનાં ૧ રૂપિયો= ૬૨ અમેરિકન ડોલર થાય છે. આમ, રકમ જાણ્યાં પછી ઓબામા ડિસ્કાઉન્ટ અંગે પૃચ્છા (એટલેકે, માંગણી) કરે છે. જેની નસોમાં શુદ્ધ આર્યન રક્ત વહી રહ્યું છે તેવો સ્વાભિમાનથી ભર્યો ભર્યો ભારતીય ઓબામાને હળવું સ્મિત આપે છે અને પોતાની બેઠકની પાછળની દીવાલે લગાવેલા 'સૂચનાપટ્ટ' તરફ આંગળી ભણે છે. ઓબામા જુએ છે કે હિન્દીમાં ત્યાં કશીક સૂચના લખેલી છે. ભારત વિશ્વવન્દ્ય દેશ હોવાથી ઓબામા ભારતની રાષ્ટ્રીય ભાષા હિન્દી શીખી ગયા છે. તેઓ સૂચના વાંચે છે.
...અને હિન્દીમાં લખેલી સૂચના કંઇક આવી છે: एक ही दाम |
(તસ્વીરો પ્રતીકાત્મક છે.)


No comments:
Post a Comment