Tuesday, September 5, 2023

મારા એ અનેરા વિદ્યાગુરુઓ

ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ એટલે ગુરુ-શિષ્ય પરંપરા. આપણે ત્યાં પ્રાચીનકાળથી વર્તમાનયુગ સુધી ગુરુને આદરભાવથી જોવામાં આવે છે. એક જાણીતાં સંસ્કૃત શ્લોકમાં તો ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ દેવતા સમાન ગણાવ્યા છે. આપણે ત્યાં ગુરુપૂર્ણિમાને દિવસે ગુરુજનોને વંદન અને પૂજન-અર્ચન પણ કરવામાં આવે છે. કેટલીક નોંધપાત્ર ગુરુ-શિષ્યની જોડી પર નજર કરીએ તો દ્રોણાચાર્ય-અર્જુન, ચાણક્ય-ચંદ્રગુપ્ત, સ્વામી રામદાસ-શિવાજી, રામકૃષ્ણ પરમહંસ-સ્વામી વિવેકાનંદ, ગોપાલકૃષ્ણ ગોખલે-ગાંધીજી, રમાકાંત આચરેકર-સચિન તેંદુલકર વગેરે નામો મનમાં તરત જ તરવરવા લાગે છે. એટલે, ‘ગુરુ’ શબ્દ આપણા માટે સહેજે અજાણ્યો નથી. પણ ગુરુ શબ્દનો અર્થ પૂછો તો?  

‘ભગવદ્ગોમંડલ’માં ગુરુ શબ્દના અનેક અર્થ પૈકી કેટલાક અર્થ જોઈએ: ગુરુ એટલે આચાર્ય, શિક્ષક, વિદ્યા ભણાવનાર માણસ, બોધ આપનાર વ્યક્તિ, ધર્મ નીતિનો ઉપદેશ કરનાર માણસ, પૂજ્ય, વડીલ વગેરે. અરે, આ ગુરુ શબ્દ તો હવે અંગ્રેજી ભાષાએ સ્વીકારી લીધો છે. કૉલિન્સ ડીક્ષનરીના મતે ગુરુ એટલે ‘a religious and spiritual leader and teacher’ અને ‘a person who some people regard as an expert or leader’ . આજકાલ તો ફેશનગુરુ, ક્રિકેટગુરુ, મીડિયાગુરુ, યોગગુરુ વગેરે શબ્દો પણ આપણા કાને અવારનવાર અથડાતા રહે છે. પણ મારે માટે તો ગુરુ એટલે શિક્ષક. જયારે જયારે હું ગુરુ શબ્દને સાંભળું ત્યારે ત્યારે મને મારા કેટલાક વિદ્યાગુરુઓ યાદ આવે છે. આમ તો  પ્રાથમિક શાળાથી કોલેજ સુધીમાં અનેક શિક્ષકો આપણને ભણાવે છે પણ એમાંના અમુક જ આપણને યાદ રહી જાય છે, અમુક જ આપણા વિશેષ આદરને પાત્ર બને છે એવું શા કારણથી થતું હશે એવો પણ એક વિચાર આવે છે. આ વિશે વધુ વિચારતા વિશેષ આદરને પાત્ર બનેલા  અલગ-અલગ શિક્ષકોના કેટલાક સમાન લક્ષણો આપણી નજર સામે આવે છે. ચાલો, એ લક્ષણો ક્યા છે એ જાણીએ...

શિક્ષકનું કામ છે ભણાવવાનું. ઘણાં શિક્ષકો ભણાવવા ખાતર શુષ્ક રીતે ભણાવી દેતા હોય છે, વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા એની સાથે એમને કશી નિસ્બત હોતી નથી. જયારે કેટલાક શિક્ષકો પોતાને જે વિષય ભણાવવાનો છે એ અંગેની નવીનતમ માહિતી ભેગી કરીને વિદ્યાર્થીઓ સમજી શકે તેવી ભાષામાં એમની આગળ રજૂ કરીને એમને વિષયમાં રસતરબોળ કરતા હોય છે. આવું થાય ત્યારે જ વિદ્યાર્થીઓને પક્ષે ખરું શીખવાનું થતું હોય છે. દાખલો લઈને સમજાવું: અમારા હાઈસ્કુલના શિક્ષિકા નીતાબેન યાજ્ઞિક અમને અંગ્રેજી વિષય ભણાવે. એકવાર કોઈક પાઠ વાંચતા વચમાં ‘હોવરક્રાફ્ટ’ શબ્દ આવ્યો. બહેને અમને સૌને પૂછ્યું કે હોવરક્રાફ્ટ એટલે શું? વિદ્યાર્થીઓ તરફથી જવાબ મળ્યો નહિ એટલે પછી એમણે એની શાબ્દિક સમજૂતી આપી કે હોવરક્રાફ્ટ એટલે જમીન અને પાણી પર હવાને સહારે ‘તરતું’ વાહન. પણ તો ય અમે વિદ્યાર્થીઓ કુતૂહલમિશ્રિત અસમંજસમાં કે એ વળી કેવું વાહન હોય. એટલે તે બીજે દિવસે લાઈબ્રેરીમાંથી પિક્ચર ડીક્ષનરી વર્ગમાં લઇ આવ્યા અને અમને હોવરક્રાફ્ટનો ફોટો બતાવ્યો. શિક્ષિકાબહેનની આ ચેષ્ઠા હતી તો નાનકડી પણ આજે એનો વિચાર કરું છું ત્યારે એમાંથી સાચા ગુરુનું એક લક્ષણ એમાં ઝળકતું દેખાય છે. એ લક્ષણ એટલે ‘નિસ્બત’. શિક્ષિકાબહેને ધાર્યું હોત તો ફક્ત શાબ્દિક સમજૂતી આપીને પાઠ આગળ ચલાવત. પણ ના! એમણે અમારાં માટે વિશેષ જહેમત કરી – લાઈબ્રેરીમાં ગયા, પિક્ચર ડીક્ષનરી શોધી, બીજે દિવસે વર્ગમાં લઈને આવ્યા અને અમને એમાંથી એનું ચિત્ર બતાવ્યું. એમની નિસ્બતને કારણે એમણે જે વિશેષ જહેમત ઉઠાવી, જે ‘extra mile’ ચાલ્યા, એ મારા મતે સાચા ગુરુનું એક લક્ષણ છે. 

આગળ જતા કોલેજકાળ દરમ્યાન પણ મારા અધ્યાપકોમાં સંજય ભાવે સાહેબમાં વિદ્યાર્થીઓ માટેની આવી નિસ્બત જોયેલી. એમનું બોર્ડવર્ક  અદ્ભુત – કોઈ અંગ્રેજી કવિતા ભણાવતી વખતે શબ્દેશબ્દની સમજૂતી આપે, કવિતાની છંદરચના સમજાવે, કાવ્ય અંગે વિવેચકોનો મત ટાંકે. અમને થાય ક્યાંથી આટલી તૈયારી કરતા હશે? પછી એક વાર  સવારની કોલેજ પૂરી થયા પછી લાયબ્રેરીમાં જવાનું થયું ત્યારે ભાવે સાહેબ  કોલેજની લાયબ્રેરીમાં ત્રણ-ચાર પુસ્તકો લઈને એમાંથી અમને ભણાવવા માટેની નોટ્સ તૈયાર કરતા જોવા મળેલા અને પેલા પ્રશ્નનો જવાબ કશું કહ્યા વગર મળી ગયેલો. અમારી સંસ્થામાં ભણતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને માટે એ વર્ષોમાં બ્રેઇલ લિપિમાં તો કોઈ અભ્યાસક્રમને લગતું સાહિત્ય ઉપલબ્ધ હતું નહિ કે નહોતા આજની જેમ સ્માર્ટફોન અને ટેક્સ્ટ રીડીંગ આસીસ્ટન્ટ સોફ્ટવેર. ત્યારે અમારા ભાવે સાહેબે કેટલાક હોંશિયાર વિદ્યાર્થીઓને કોલેજ પતે પછી સ્વૈચ્છિક રીતે એક-દોઢ કલાક રોકીને એમની પાસે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમને લગતા સંદર્ભ સાહિત્યનું અને ક્લાસનોટ્સનું ઓડિયો રેકોર્ડીંગ કરાવતા હતા. આ હતી સાચી નિસ્બત જે બહુ જ ઓછા વિદ્યાગુરુઓમાં જોવા મળે છે.    

 એક અંગ્રેજી કહેવત છે: “If you give a man a fish, you feed him for a day. If you teach a man to fish, you feed him for a lifetime”. અર્થાત, વ્યક્તિને અગવડ ન પડે એ માટે એને બધું તૈયાર કરી આપવાની, એટલેકે spoon-feeding કરાવવાની જગ્યાએ  એ વ્યક્તિ પોતે જાતમહેનત કરીને યોગ્ય કૌશલ્ય પ્રાપ્ત કરે એવી અનુકુળતા કરી આપવી એ જ ખરું શિક્ષણ છે. અહીં ફરીથી અમારા શિક્ષિકા નીતાબહેનને યાદ કરીશ. અંગ્રેજીના ક્લાસમાં વાર્તા કે ગદ્યપાઠ ભણાવ્યા પછી તેઓ કોઈ વિધાર્થી એ વાર્તા કે પદ્યપાઠનો  gist/સાર અંગ્રેજીમાં બોલે એનો આગ્રહ રાખતા. એક વખત મને બોલવા ઉભો કર્યો ત્યારે મારી તો બોલતી જ બંધ. કારણકે અંગ્રેજીમાં તો બાપજન્મારે ય gist કેવી રીતે રજૂ કરાય એની સૂઝ નહોતી. પણ એમણે બધા વિદ્યાર્થીઓના દેખતા જ કહ્યું, “I know, you’ll do it!”  અને લથડતી જીભે મેં તૂટક-તૂટક શબ્દો અને શબ્દોના વાક્યો બોલવા માંડ્યા. બાળક પહેલા ડગલાં માંડતા શીખે ત્યારે માતા-પિતાને જેવો આનંદ થાય અને દરેક ડગલે ‘હાં...સરસ..’ બોલાતું જાય એમ શિક્ષિકાબહેનનો motivating feedback તો ચાલુ જ હતો. એક જગ્યાએ મારી ગાડી ખડી પડી. ‘ઈર્ષ્યા’ માટે પાઠમાં અમારે માટે એક નવો કહી શકાય એવો અંગ્રેજી શબ્દ વાપર્યો હતો. Jealousy તો મને યાદ હતું પણ બીજો શબ્દ કયો એ માથું ખંજવાળું તો ય યાદ આવે નહિ. બહેન કહે, “You know it! Think!” પણ યાદ આવે તો ને? પછી હળવેકથી એમણે કહ્યું કે એનો પહેલો અક્ષર E છે. તો પણ યાદ ન આવ્યું. એટલે એમણે બીજી હિન્ટ આપી કે છેલ્લો અક્ષર Y છે. મારા મનમાં ઘમાસાણ મચ્યું અને એમાંથી શબ્દ આખરે નીકળી જ પડ્યો: Envy! બહેને આટલી મથામણને અંતે થયેલી મારી શબ્દખોજને બિરદાવી. જોકે મેં એનો ઉચ્ચાર ‘એન્વાય’ કરેલો જે તેમણે તરત સુધાર્યો: એન્વી. બહેને ધાર્યું હોત તો મને સીધેસીધો શબ્દ જ કહી દીધો હોત. પણ એમણે મને Trial & Error નો સમય આપ્યો, હિન્ટ આપી અને એ શબ્દ સુધી પહોંચાડ્યો. આજની શૈક્ષણિક પરિભાષામાં કહું તો એમણે teacher-centric મેથડની જગ્યાએ learner-centric મેથડ  અપનાવી મને શીખવા માટેની, કૌશલ્ય વિકાસ માટેની તક આપી. પોતાના વિદ્યાર્થીમાં વિશ્વાસ મુકવો, અને પોતે એની સાથે એવો વિશ્વાસ એને અપાવવો, એને પ્રેરણાનું બળ પૂરું પાડવું, એને શીખવા માટે પુરતો સમય આપવો, ભૂલ કરે તો એની હાંસી ના ઉડાવવી, અને એ પ્રશ્ન કે સમસ્યાનો જવાબ શોધી કાઢે ત્યારે એને બિરદાવવો – મારે માટે આ તમામ  આદર્શ ગુરુના લક્ષણો છે.

આવા વિદ્યાગુરુઓના હાથ નીચે ભણવા મળ્યું એના કારણે જ મને પણ શિક્ષણક્ષેત્રની કારકિર્દી  અપનાવવાની ઈચ્છા થઇ અને મેં અપનાવી પણ ખરી. મારા એ આદર્શ વિદ્યાગુરુઓએ પરોક્ષ રીતે શીખવેલા જીવનના પાઠને હું મારા શૈક્ષણિક વ્યવસાયમાં પણ અનુસરું છું. A great teacher never dies એવું કહેવાય છે કારણકે તે પોતાના શિષ્યોમાં, પોતાના વિદ્યાર્થીઓમાં જાતને વહેંચી દે છે. એટલે કે, ગુરુ શાશ્વતીને, અમરત્વને સ્પર્શે છે. મારા ગુરુઓ પણ મારી અંદર જ વસે છે!


Sunday, January 8, 2023

After Twenty Years/વીસ વર્ષ બાદ (ઓ’ હેન્રી); અનુવાદ: ઇશાન ભાવસાર

 

After Twenty Years/વીસ વર્ષ બાદ

----ઓ’ હેન્રી----

અનુવાદ: ઇશાન ભાવસાર

અમેરિકાના પ્રસિદ્ધ વાર્તાકાર ઓ’ હેન્રીની એક ખૂબ જાણીતી વાર્તા એટલે ‘After Twenty Years’/ વીસ વર્ષ બાદ. દુનિયાભરના વાચકોએ માણેલી અને વખાણેલી આ વાર્તા મૂળ તો ઓ’હેન્રીના ઈ.સ. ૧૯૦૬માં પ્રકાશિત થયેલા વાર્તાસંગ્રહ ‘The Four Million’માં સૌપ્રથમ છપાઈ હતી. ઓ’હેન્રીની વાર્તાઓમાં સામાન્ય રીતે એકબીજા સાથે લાગણીસંબંધથી બંધાયેલા બે પાત્રોને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થતા બતાવાય છે અને વાર્તાને અંતે જેને ઓ’હેન્રીની સિગ્નેચર સ્ટાઈલ કહી શકો એવો જોરદાર ‘ટ્વીસ્ટ’ પણ આવે! આ ‘આફ્ટર ટ્વેન્ટી યર્સ’ પણ એવી જ વાર્તા છે.

*******************************************************************************

એ વિશાળ સડક પર પોલીસમેન ગર્વીલી ડાંફો ભરતો ચાલ્યો જતો હતો. તેનું આમ ડાંફો ભરતા ચાલવું એ તદ્દન સ્વાભાવિક હતું અને એમાં ડંફાશનો અંશમાત્ર પણ નહોતો કારણકે એને એને એ રીતે ચાલતો જોનાર પણ અત્યારે ક્યાં હતા? આમ તો અત્યારે રાતનાં માંડ દસ વાગ્યા હતા પણ સુસવાટાભેર વાતા કાતિલ પવન અને વરસાદનાં જોરે લોકોને વહેલા ઘરભેગા થવા મજબૂર કરી દીધા હતા. એટલે, હાથમાં પકડેલા દંડૂકાને છટાભેર ફેરવતા લોકવિહોણી અને સાવ સૂમસામ થઇ ગયેલી સડક પર રાત્રે ચાલ્યે જતો આ પડછંદ પોલીસમેન જાણે શાંતિ અને સલામતીના મૂર્તિમંત દેવદૂત સમો ભાસતો હતો.

આમ તો આ વિસ્તારમાં વહેલા જ પાટિયા પડી જતા છતાં ક્યારેક એકાદ સિગરેટની દુકાન અથવા આખી રાત ખુલ્લી રહેતી વીશીમાં ઝબુકતી બત્તીઓનો ઝાંખો ઝાંખો પ્રકાશ જોવા મળી જાય. એકાદ બ્લોકની વચ્ચે આવેલી સડક પરથી પસાર થતા પોલીસમેની ઝડપી ડાંફોમાં અચાનક ઝોલ પડ્યો. એણે હાર્ડવેરની બંધ દુકાનનાં દરવાજા આગળ અંધારામાં હોઠ વચ્ચે ચેતવ્યા વગરની સિગરેટ દાબીને ઉભેલા એક માણસને જોયો. જયારે પોલીસમેન એની નજીક ગયો ત્યારે એ માણસ બોલી ઉઠ્યો, “ કશી ચિંતા જેવું નથી, સાહેબ મારા!” પોલીસઅધિકારીને ધરપત થાય એટલે એણે આગળ કહ્યું, “ હું તો અહીં મારા મિત્રની રાહ જોતો ઉભો છું. વીસેક વર્ષ પહેલા અમે એકબીજાને અહીં મળવાનું વચન આપ્યું હતું. તમને ગમ્મત જેવું લાગ્યું હશે, ખરું ને? સહેજ વિસ્તારથી કહું તો તમને આખી વાત સમજાશે... વાત એમ છે કે આ દુકાનની જગ્યાએ અહીં વીસ વર્ષ પહેલા એક વીશી હતી – ‘બીગ જો બ્રેડી’ એનું નામ.”

“હા, પાંચેક વર્ષ પહેલા સુધી હતી.” પોલીસમેન બોલ્યો, “ પછી એને તોડી પાડવામાં આવી.”

પેલા દરવાજા આગળ ઉભેલા માણસે હવે દિવાસળી વડે સિગરેટ ચેતવી. સિગરેટના અંગારનાં અજવાસમાં એનો ચોખંડી જડબાવાળો ચહેરો, અણીયારી આંખો અને ખાસ તો એની જમણી ભ્રમર પાસે પડેલા ઘાનું સફેદ નિશાન દેખાઈ રહ્યું હતું. એની ટાઈપીનનો ટાંકેલો હીરો પણ એટલા પ્રકાશમાં ઝળકી ઉઠ્યો હતો.

“બરાબર વીસ વર્ષ પહેલાની આવી રાત્રે મેં જિમ્મી વેલ્સ સાથે ‘બીગ જો બ્રેડી’ સાથે ખાણું લીધું હતું, જિમ્મી વેલ્સ, મારો જીગરજાન દોસ્ત અને દુનિયાના સારા માણસોમાંનો એક! અમારા બન્નેનો ન્યુ યોર્કમાં સગા ભાઈઓની જેમ સાથે ઉછેર થયો હતો. એ વખતે હું અઢારનો, અને જિમ્મી વીસનો. બીજે દિવસે સવારે મારે પશ્ચિમના રાજ્યો તરફ કારકિર્દી અર્થે નીકળી જવાનું હતું.  જિમ્મી ન્યુ યોર્ક છોડીને બીજે કશે જવા તૈયાર નહોતો, એના માટે તો ન્યુ યોર્ક જ એની દુનિયા હતી. એટલે, અમે ખાણીપીણીની મિજબાની પછી એ રાત્રે નક્કી કર્યું કે આપણે જેવી પણ પરિસ્થિતિમાં હોઈએ અને જ્યાં પણ હોઈએ પણ આપણે વીસ વર્ષ પછી આ જ તારીખે અને સમયે આ જ સ્થળે અચૂક મળીશું. અમે વિચાર્યું હતું કે આટલા વર્ષોમાં તો કેમેય કરીને અમે અમારી કારકિર્દી બનાવી લઈશું અને ઠરીઠામ થયા હોઈશું.”  પેલો માણસ આટલું બોલીને અટક્યો.

“ તમારી વાત તો ખૂબ રસપ્રદ છે,” પોલીસમેને કહ્યું, “મારે મતે તો મળવા માટેનો તો આ તો ખૂબ લાંબો સમયગાળો કહી શકાય. પણ એ તો કહો કે તમે આ સમયગાળા દરમ્યાન એકબીજાનાં સંપર્કમાં હતા કે?”

“હા, થોડાક સમય પુરતા અમે પત્રાચારથી એકબીજાનાં સંપર્કમાં હતા. પણ એકાદ કે બે વર્ષ પછી એ પણ છૂટી ગયો. તમને ખબર છે કે પશ્ચિમના રાજ્યો કેટલા વિશાળ છે, અને એ વિશાળતામાં હું મારી કારકિર્દી બનાવવાની આંટીઘૂંટીઓમાં ખોવાઈ ગયો હતો. પણ મને એક વાતની ખબર હતી કે જો જિમ્મી જીવતો હશે તો એ ચોક્કસ અહીં આવશે જ કારણકે વચનપાલનની બાબતમાં એનો જોટો જડે એમ નથી. એ ક્યારેય કશું ભૂલે નહિ અને પોતાનું બોલ્યું ફોક ઠેરવે નહિ. એના ખાતર હું હજાર માઈલ દૂરથી અહીં આવ્યો છું. જોજો ને, એ હમણાં આવી ચડશે.”

પછી એણે પોતાની અફલાતૂન દેખાતી કાંડા ઘડિયાળમાં સમય જોયો. એ ઘડિયાળનાં ચંદાની કોરે નાના-શા હીરા જડેલા હતા.

“દસ વાગવામાં ત્રણ મિનીટની વાર છે.” એણે કહ્યું. “અમે બરાબર દસના ટકોરે અહીંની વીશીના દરવાજેથી છૂટા પડ્યા હતા.”

“પશ્ચિમમાં તમે કારકિર્દી સારી બનાવી હશે, ખરું ને?” પોલીસમેને સવાલ કર્યો.

“ કેમ નહિ, જરૂરથી! મને થાય છે કે જિમ્મીએ પણ એ બાબતમાં મારી સરખામણીએ અડધી મંજિલ કાપી હોય. એ ઘણો મહેનતુ, ખંતીલો અને સારો માણસ હતો. મારે તો મારી કારકિર્દી જમાવવા ભલભલા ભેજાબાજોને હંફાવવા પડ્યા હતા. અહીં ન્યુ યોર્કમાં તો બીબાઢાળ જિંદગી જીવાઈ જાય પણ પશ્ચિમમાં તો ડગલે ને પગલે આફતો અને પડકારોનો સામનો કરવો પડે છે.”

પોલીસમેને દંડૂકો ઘુમાવીને એક-બે ડગ ભર્યા.

“ ચાલો, હવે મારે આગળ જવું પડશે. આશા રાખું કે તમારો દોસ્ત હવે આવી ચડે. ધારો કે એ વેળાસર નહિ આવે તો શું કરશો?”

“અડધોએક કલાક તો મારે એની રાહ જોવી જોઈએ. સાહેબ મારા, જો એ આ દુનિયામાં હયાત હશે તો કેમેય કરીને એટલા સમયમાં તો આવી જ જશે.”

“ એ આવજો!” કહીને પોલીસમેને પેલા માણસની વિદાય લીધી અને બીજી સડક પર રોન મારવા નીકળી ગયો.

હવે કાતિલ પવને વધારે જોર પકડ્યું અને ઝરમર ઝરમર વરસાદ વરસવો શરુ થયો. એટલે સડક પર ટહેલતા એકલદોકલ રાહદારીઓ પણ કોટના કોલર ઊંચા કરીને ખિસ્સામાં હાથ ઘાલીને વેગીલી ચાલે આઘાપાછા થવા લાગ્યા. અને આવામાં જે અહીં હજાર માઈલનું અંતર કાપીને જવાનીના પોતાના યારદોસ્તારને મળવા આમ આવી ચડ્યો હતો એવા પેલા હાર્ડવેરની દુકાનનાં બંધ દરવાજા આગળ ઉભેલા  આદમીએ સિગરેટ ચેતવીને દોસ્તારની રાહ જોવા માંડી.

એણે વીસેક મિનીટ રાહ જોઈ હશે ત્યાં તો છેક કાનને ઢાંકે એટલે સુધી કોલર ચડાવી દીધેલો લાંબો ડાગલો પહેરેલો એક ઉંચોસરખો માણસ સડકની બીજી બાજુએથી એની પાસે જઈ ચડ્યો.

“બોબ, તું જ છે ને?” એણે સાશંક સવાલ કર્યો.

“કોણ, જિમ્મી, તું?” રાહ જોઈ રહેલા માણસે ઉત્સાહથી ઉછળીને કહ્યું.

“ ભલા ભગવાન!”  આ નવા આગંતુકે પેલા માણસના બન્ને હાથને ઉમળકાથી પોતાનાં હાથમાં દબાવ્યા. “ વાહ, બોબ! મને ખબર હતી કે તું હયાત હોઈશ તો ચોક્કસ આવીશ. ઓહ! વીસ વર્ષ જેટલો લાંબો અંતરાલ! કાશ આપણા નસીબમાં વધુ સમય જોડે રહેવાનું લખાયું હોત! ખેર,પશ્ચિમમાં કેવું રહ્યું, બોબ?”

“ જોરદાર હોં! પશ્ચિમે મને મોં માંગ્યું બધું જ આપ્યું છે. પણ યાર જિમ્મી, તું ઘણો જ બદલાઈ ગયો છે આટલા વર્ષોમાં. મેં કદી વિચાર્યું પણ નહોતું કે આટલા વર્ષોમાં તારી ઉંચાઈ આમ બે-ત્રણ ઇંચ વધી જશે.”

“ હા દોસ્ત,  વીસ વર્ષ બાદ મારી ઉંચાઈ થોડીક વધી છે ખરી.”

“બાકી ન્યુ યોર્કમાં કેવું ચાલે છે, જિમ્મી?”

“ ચાલે છે. હું અહીં શહેર સુધરાઈમાં જોડાયો છું. અરે બોબ, ચાલ ને તને એવી એક જગ્યાએ લઇ જઉં જ્યાં જઈને આપણે નિરાંતે મનભરીને વાતો કરી કરીએ.”

પછી બન્ને જણા એકમેકનો હાથ પકડીને ચાલવા માંડ્યા. અને પશ્ચિમમાં મળેલી સફળતાથી પોરસાતા બોબે પોતાની સંઘર્ષકથા કહેવાનું શરુ કર્યું અને ડાગલામાં ખૂંપેલા બીજાએ રસભેર કાન માંડી રાખ્યા.

આમ ચાલતા ચાલતા તેઓ વીજળીના દીવાથી ઝળહળતી એક દવાની દુકાન સુધી આવી ચડ્યા. દીવાની  રોશનીમાં બન્ને  એકબીજાનો ચહેરો જોવા એકમેક તરફ ફર્યા.

અચાનક બોબે ઝાટકો મારીને પોતાનો હાથ પેલા ઊંચા માણસના હાથમાંથી છોડાવી લીધો અને બોલ્યો, “તું જિમ્મી નથી! વીસ વર્ષ  ભલે ઘણો લાંબો સમયગાળો હોય પણ એમાં કંઈ કોઈનું અણીયાળું નાક સાવ ચીબું ના થઇ જાય!” પેલા ઊંચા ‘જિમ્મી’એ કહ્યું, “...પણ ક્યારેક સારો માણસ ખરાબ ચોક્કસ બની જાય. તારી ધરપકડ કરવામાં આવી છે, બોબ. શિકાગો પોલીસ તરફથી અમને તાર દ્વારા તારા અહીં આવવા વિશે  બાતમી મળી હતી. અને હા, આપણે પોલીસ સ્ટેશન જઈએ એ પહેલા તારે માટે અમારા પહેરગીર વેલ્સે એક ચિઠ્ઠી મોકલાવી છે. અહીં બારી પાસે અજવાળામાં ઉભો રહીને વાંચી લે.”

બોબે ચિઠ્ઠી ખોલીને વાંચવા માંડી પણ ચિઠ્ઠી પૂરી વંચાવા આવી ત્યારે એનો હાથ ધ્રુજવા માંડ્યો. ચિઠ્ઠીમાં લખ્યું હતું: ‘બોબ: હું આપણી નક્કી કરેલી જગ્યાએ તને મળવા આવ્યો હતો.  તે સિગરેટ ચેતવી એ વખતે તારો ચહેરો જોઇને હું ચોંકી ઉઠ્યો કે આ તો શિકાગોનો એ બદનામ ગુનેગાર છે જેની શોધખોળ ચાલે છે. તારી ધરપકડ કરવાની હામ મારામાં નહોતી એટલે મેં સાદા વેશમાં રહેલા બીજા પોલીસમેનને આ કામ માટે મોકલ્યો. જિમ્મી.’    (સંપૂર્ણ)