ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ એટલે ગુરુ-શિષ્ય પરંપરા. આપણે ત્યાં પ્રાચીનકાળથી વર્તમાનયુગ સુધી ગુરુને આદરભાવથી જોવામાં આવે છે. એક જાણીતાં સંસ્કૃત શ્લોકમાં તો ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ દેવતા સમાન ગણાવ્યા છે. આપણે ત્યાં ગુરુપૂર્ણિમાને દિવસે ગુરુજનોને વંદન અને પૂજન-અર્ચન પણ કરવામાં આવે છે. કેટલીક નોંધપાત્ર ગુરુ-શિષ્યની જોડી પર નજર કરીએ તો દ્રોણાચાર્ય-અર્જુન, ચાણક્ય-ચંદ્રગુપ્ત, સ્વામી રામદાસ-શિવાજી, રામકૃષ્ણ પરમહંસ-સ્વામી વિવેકાનંદ, ગોપાલકૃષ્ણ ગોખલે-ગાંધીજી, રમાકાંત આચરેકર-સચિન તેંદુલકર વગેરે નામો મનમાં તરત જ તરવરવા લાગે છે. એટલે, ‘ગુરુ’ શબ્દ આપણા માટે સહેજે અજાણ્યો નથી. પણ ગુરુ શબ્દનો અર્થ પૂછો તો?
‘ભગવદ્ગોમંડલ’માં ગુરુ શબ્દના અનેક અર્થ પૈકી કેટલાક અર્થ જોઈએ: ગુરુ એટલે આચાર્ય, શિક્ષક, વિદ્યા ભણાવનાર માણસ, બોધ આપનાર વ્યક્તિ, ધર્મ નીતિનો ઉપદેશ કરનાર માણસ, પૂજ્ય, વડીલ વગેરે. અરે, આ ગુરુ શબ્દ તો હવે અંગ્રેજી ભાષાએ સ્વીકારી લીધો છે. કૉલિન્સ ડીક્ષનરીના મતે ગુરુ એટલે ‘a religious and spiritual leader and teacher’ અને ‘a person who some people regard as an expert or leader’ . આજકાલ તો ફેશનગુરુ, ક્રિકેટગુરુ, મીડિયાગુરુ, યોગગુરુ વગેરે શબ્દો પણ આપણા કાને અવારનવાર અથડાતા રહે છે. પણ મારે માટે તો ગુરુ એટલે શિક્ષક. જયારે જયારે હું ગુરુ શબ્દને સાંભળું ત્યારે ત્યારે મને મારા કેટલાક વિદ્યાગુરુઓ યાદ આવે છે. આમ તો પ્રાથમિક શાળાથી કોલેજ સુધીમાં અનેક શિક્ષકો આપણને ભણાવે છે પણ એમાંના અમુક જ આપણને યાદ રહી જાય છે, અમુક જ આપણા વિશેષ આદરને પાત્ર બને છે એવું શા કારણથી થતું હશે એવો પણ એક વિચાર આવે છે. આ વિશે વધુ વિચારતા વિશેષ આદરને પાત્ર બનેલા અલગ-અલગ શિક્ષકોના કેટલાક સમાન લક્ષણો આપણી નજર સામે આવે છે. ચાલો, એ લક્ષણો ક્યા છે એ જાણીએ...
શિક્ષકનું કામ છે ભણાવવાનું. ઘણાં શિક્ષકો ભણાવવા ખાતર શુષ્ક રીતે ભણાવી દેતા હોય છે, વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા એની સાથે એમને કશી નિસ્બત હોતી નથી. જયારે કેટલાક શિક્ષકો પોતાને જે વિષય ભણાવવાનો છે એ અંગેની નવીનતમ માહિતી ભેગી કરીને વિદ્યાર્થીઓ સમજી શકે તેવી ભાષામાં એમની આગળ રજૂ કરીને એમને વિષયમાં રસતરબોળ કરતા હોય છે. આવું થાય ત્યારે જ વિદ્યાર્થીઓને પક્ષે ખરું શીખવાનું થતું હોય છે. દાખલો લઈને સમજાવું: અમારા હાઈસ્કુલના શિક્ષિકા નીતાબેન યાજ્ઞિક અમને અંગ્રેજી વિષય ભણાવે. એકવાર કોઈક પાઠ વાંચતા વચમાં ‘હોવરક્રાફ્ટ’ શબ્દ આવ્યો. બહેને અમને સૌને પૂછ્યું કે હોવરક્રાફ્ટ એટલે શું? વિદ્યાર્થીઓ તરફથી જવાબ મળ્યો નહિ એટલે પછી એમણે એની શાબ્દિક સમજૂતી આપી કે હોવરક્રાફ્ટ એટલે જમીન અને પાણી પર હવાને સહારે ‘તરતું’ વાહન. પણ તો ય અમે વિદ્યાર્થીઓ કુતૂહલમિશ્રિત અસમંજસમાં કે એ વળી કેવું વાહન હોય. એટલે તે બીજે દિવસે લાઈબ્રેરીમાંથી પિક્ચર ડીક્ષનરી વર્ગમાં લઇ આવ્યા અને અમને હોવરક્રાફ્ટનો ફોટો બતાવ્યો. શિક્ષિકાબહેનની આ ચેષ્ઠા હતી તો નાનકડી પણ આજે એનો વિચાર કરું છું ત્યારે એમાંથી સાચા ગુરુનું એક લક્ષણ એમાં ઝળકતું દેખાય છે. એ લક્ષણ એટલે ‘નિસ્બત’. શિક્ષિકાબહેને ધાર્યું હોત તો ફક્ત શાબ્દિક સમજૂતી આપીને પાઠ આગળ ચલાવત. પણ ના! એમણે અમારાં માટે વિશેષ જહેમત કરી – લાઈબ્રેરીમાં ગયા, પિક્ચર ડીક્ષનરી શોધી, બીજે દિવસે વર્ગમાં લઈને આવ્યા અને અમને એમાંથી એનું ચિત્ર બતાવ્યું. એમની નિસ્બતને કારણે એમણે જે વિશેષ જહેમત ઉઠાવી, જે ‘extra mile’ ચાલ્યા, એ મારા મતે સાચા ગુરુનું એક લક્ષણ છે.
આગળ જતા કોલેજકાળ દરમ્યાન પણ મારા અધ્યાપકોમાં સંજય ભાવે સાહેબમાં વિદ્યાર્થીઓ માટેની આવી નિસ્બત જોયેલી. એમનું બોર્ડવર્ક અદ્ભુત – કોઈ અંગ્રેજી કવિતા ભણાવતી વખતે શબ્દેશબ્દની સમજૂતી આપે, કવિતાની છંદરચના સમજાવે, કાવ્ય અંગે વિવેચકોનો મત ટાંકે. અમને થાય ક્યાંથી આટલી તૈયારી કરતા હશે? પછી એક વાર સવારની કોલેજ પૂરી થયા પછી લાયબ્રેરીમાં જવાનું થયું ત્યારે ભાવે સાહેબ કોલેજની લાયબ્રેરીમાં ત્રણ-ચાર પુસ્તકો લઈને એમાંથી અમને ભણાવવા માટેની નોટ્સ તૈયાર કરતા જોવા મળેલા અને પેલા પ્રશ્નનો જવાબ કશું કહ્યા વગર મળી ગયેલો. અમારી સંસ્થામાં ભણતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને માટે એ વર્ષોમાં બ્રેઇલ લિપિમાં તો કોઈ અભ્યાસક્રમને લગતું સાહિત્ય ઉપલબ્ધ હતું નહિ કે નહોતા આજની જેમ સ્માર્ટફોન અને ટેક્સ્ટ રીડીંગ આસીસ્ટન્ટ સોફ્ટવેર. ત્યારે અમારા ભાવે સાહેબે કેટલાક હોંશિયાર વિદ્યાર્થીઓને કોલેજ પતે પછી સ્વૈચ્છિક રીતે એક-દોઢ કલાક રોકીને એમની પાસે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમને લગતા સંદર્ભ સાહિત્યનું અને ક્લાસનોટ્સનું ઓડિયો રેકોર્ડીંગ કરાવતા હતા. આ હતી સાચી નિસ્બત જે બહુ જ ઓછા વિદ્યાગુરુઓમાં જોવા મળે છે.
એક અંગ્રેજી કહેવત છે: “If you give a man a fish, you feed him for a day. If you teach a man to fish, you feed him for a lifetime”. અર્થાત, વ્યક્તિને અગવડ ન પડે એ માટે એને બધું તૈયાર કરી આપવાની, એટલેકે spoon-feeding કરાવવાની જગ્યાએ એ વ્યક્તિ પોતે જાતમહેનત કરીને યોગ્ય કૌશલ્ય પ્રાપ્ત કરે એવી અનુકુળતા કરી આપવી એ જ ખરું શિક્ષણ છે. અહીં ફરીથી અમારા શિક્ષિકા નીતાબહેનને યાદ કરીશ. અંગ્રેજીના ક્લાસમાં વાર્તા કે ગદ્યપાઠ ભણાવ્યા પછી તેઓ કોઈ વિધાર્થી એ વાર્તા કે પદ્યપાઠનો gist/સાર અંગ્રેજીમાં બોલે એનો આગ્રહ રાખતા. એક વખત મને બોલવા ઉભો કર્યો ત્યારે મારી તો બોલતી જ બંધ. કારણકે અંગ્રેજીમાં તો બાપજન્મારે ય gist કેવી રીતે રજૂ કરાય એની સૂઝ નહોતી. પણ એમણે બધા વિદ્યાર્થીઓના દેખતા જ કહ્યું, “I know, you’ll do it!” અને લથડતી જીભે મેં તૂટક-તૂટક શબ્દો અને શબ્દોના વાક્યો બોલવા માંડ્યા. બાળક પહેલા ડગલાં માંડતા શીખે ત્યારે માતા-પિતાને જેવો આનંદ થાય અને દરેક ડગલે ‘હાં...સરસ..’ બોલાતું જાય એમ શિક્ષિકાબહેનનો motivating feedback તો ચાલુ જ હતો. એક જગ્યાએ મારી ગાડી ખડી પડી. ‘ઈર્ષ્યા’ માટે પાઠમાં અમારે માટે એક નવો કહી શકાય એવો અંગ્રેજી શબ્દ વાપર્યો હતો. Jealousy તો મને યાદ હતું પણ બીજો શબ્દ કયો એ માથું ખંજવાળું તો ય યાદ આવે નહિ. બહેન કહે, “You know it! Think!” પણ યાદ આવે તો ને? પછી હળવેકથી એમણે કહ્યું કે એનો પહેલો અક્ષર E છે. તો પણ યાદ ન આવ્યું. એટલે એમણે બીજી હિન્ટ આપી કે છેલ્લો અક્ષર Y છે. મારા મનમાં ઘમાસાણ મચ્યું અને એમાંથી શબ્દ આખરે નીકળી જ પડ્યો: Envy! બહેને આટલી મથામણને અંતે થયેલી મારી શબ્દખોજને બિરદાવી. જોકે મેં એનો ઉચ્ચાર ‘એન્વાય’ કરેલો જે તેમણે તરત સુધાર્યો: એન્વી. બહેને ધાર્યું હોત તો મને સીધેસીધો શબ્દ જ કહી દીધો હોત. પણ એમણે મને Trial & Error નો સમય આપ્યો, હિન્ટ આપી અને એ શબ્દ સુધી પહોંચાડ્યો. આજની શૈક્ષણિક પરિભાષામાં કહું તો એમણે teacher-centric મેથડની જગ્યાએ learner-centric મેથડ અપનાવી મને શીખવા માટેની, કૌશલ્ય વિકાસ માટેની તક આપી. પોતાના વિદ્યાર્થીમાં વિશ્વાસ મુકવો, અને પોતે એની સાથે એવો વિશ્વાસ એને અપાવવો, એને પ્રેરણાનું બળ પૂરું પાડવું, એને શીખવા માટે પુરતો સમય આપવો, ભૂલ કરે તો એની હાંસી ના ઉડાવવી, અને એ પ્રશ્ન કે સમસ્યાનો જવાબ શોધી કાઢે ત્યારે એને બિરદાવવો – મારે માટે આ તમામ આદર્શ ગુરુના લક્ષણો છે.
આવા વિદ્યાગુરુઓના હાથ નીચે ભણવા મળ્યું એના કારણે જ મને પણ શિક્ષણક્ષેત્રની કારકિર્દી અપનાવવાની ઈચ્છા થઇ અને મેં અપનાવી પણ ખરી. મારા એ આદર્શ વિદ્યાગુરુઓએ પરોક્ષ રીતે શીખવેલા જીવનના પાઠને હું મારા શૈક્ષણિક વ્યવસાયમાં પણ અનુસરું છું. A great teacher never dies એવું કહેવાય છે કારણકે તે પોતાના શિષ્યોમાં, પોતાના વિદ્યાર્થીઓમાં જાતને વહેંચી દે છે. એટલે કે, ગુરુ શાશ્વતીને, અમરત્વને સ્પર્શે છે. મારા ગુરુઓ પણ મારી અંદર જ વસે છે!
No comments:
Post a Comment