અપાર આદરણીય સંજય સર,
આપને જન્મદિનની મોડી મોડી શુભકામનાઓ. સાહેબ, મારે તમને ઘણું ઘણું કહેવાનું છે. આમ તો અમે કોલેજનું તૃતીયવર્ષ પૂર્ણ કરવાનાં આરે હતાં ત્યારે આ બધું કહેવાનો દિવસ આવવો જોઈતો હતો. તમે એ સમયે મોકો પણ આપેલો. ખેર, ચાલો આજે એ સપરમો દિવસ આવ્યો. મને ખબર છે કે આ મોડાઈ બદલ તમે કોઈ સજા નહિ કરો, ઉપરથી અઢળક વ્હાલ જ વરસાવશો.
સર, હું મારી જાતને ખરેખર નસીબદાર ગણું છું કે આપ જેવાં અધ્યાપકનાં સંપર્કમાં આવી શક્યો અને આપનો વિદ્યાર્થી છું એવું ગર્વથી કહી શકવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યો છું. ૨૦૦૭નું એ વર્ષ. એચ.કે.આર્ટસ કોલેજમાંથી એ વખતે અંગ્રેજી મુખ્ય વિષય સાથે બી.એ.નાં ત્રીજા વર્ષમાં અમે સૌ પ્રવેશ્યા હતાં. અને આપ એ વર્ષે પુનઃ કોલેજ સાથે જોડાયા. જોકે, કોલેજમાં પરિચય થયો એ અગાઉ પણ હું આપના પરિચયમાં આવ્યો હતો. સી.યુ.શાહ આર્ટસ કોલેજનાં પ્રાધ્યાપિકા સારિકાબેન દવે પાસેથી પહેલી વાર આપનું નામ સાંભળ્યું હતું અને સ્મૃતિને જરા વધુ કસીને કહું તો કદાચ ‘સંદેશ’માં ગુણવંત શાહની ‘વિચારોનાં વૃંદાવન’માં કટારમાં લગભગ ૨૦૦૨-૦૩માં એક લેખમાં આપનો ‘નરેન્દ્ર મોદીનાં કટ્ટર વિરોધી’ તરીકે ઉલ્લેખ જોયો હતો. વિજય તેન્દુલકરે નરેન્દ્ર મોદીને ગોળીથી ઉડાવી દેવાની ટિપ્પણીનો આપે વિરોધ કર્યો હતો એ સંદર્ભમાં ગુણવંત શાહે આપને ટાંક્યા હતાં. ખેર, એ વખતે શબ્દદેહે વાંચેલા ‘સંજય શ્રીપાદ ભાવે’ ને સ્થૂળદેહે જોવાનો અવસર તો અટીરા હોલ ખાતે પ્રાપ્ત થયો હતો. એ સમયે હું એસ.વાય.બી.એ.માં ભણું. કોલેજમાં એક એન.જી.ઓ. સાથે સંકળાયેલો અને યુથ કન્વેન્શન જેવી જ કોઈ પ્રવૃત્તિ અંતર્ગત અટીરા ખાતે વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે વક્તવ્ય આપવાનું બન્યું હતું. અમારાં સેશનને આપે ‘ચેર’ કર્યું હતું અને મને પાક્કું યાદ છે કે આપે અમારાં વક્તવ્યોની ઘણી ઝીણવટભરી નોંધ લીધી હતી. એ પ્રસંગ એટલે આપની સાથે પહેલી મુલાકાત. એ સમયે ખબર નહોતી કે આપને આ પહેલી મુલાકાત પછી બહુ ઝડપથી મળવાનું થશે અને એ પણ આપને અધ્યાપક તરીકે મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે.
કોલેજનું એ ત્રીજું વર્ષ! સાહેબ, આ લખું છું ત્યારે સ્મૃતિમંજૂષામાંથી કેટકેટલી અનેરી યાદો સરી પડે છે...ક્યા ભૂલું, ક્યા યાદ કરું? કોલેજમાં તમે વર્ગ લેતાં ત્યારે તમે કેટલી સજ્જતા સાથે વર્ગમાં આવતાં એ તો કેમ ભૂલાય? વળી, તમે બ્લેકબોર્ડ પર ચોકથી પણ લખતાં! અરે, સાચું કહું તો અમે અંગ્રેજી વિષયમાં ત્રણ વર્ષમાં પહેલાં એવાં અધ્યાપક જોયાં જેમણે ચોકને હાથમાં પકડ્યો હોય! તમારો એકેક લેક્ચર અદભુત અનુભવથી સમૃદ્ધ રહેતો. ક્યારેય ન સાંભળ્યા હોય તેવાં અણીશુદ્ધ ગુજરાતી શબ્દો અમે પહેલી વાર તમારી પાસેથી સાંભળ્યા હતાં. બાયરનની દરિયા પરની કવિતા હોય કે વર્ડ્ઝવર્થની ‘ટીનટર્ન એબી’, તમે એકેક પંક્તિનું શુદ્ધ ગુજરાતીમાં ભાષાંતર કરીને એનો રસાસ્વાદ કરાવતા. વર્ડ્ઝવર્થનું કાવ્ય હોય તો સાથે તેણે લખેલાં કાવ્યો, કાવ્યપ્રકારો, સોનેટ – નબળાં અને સબળા, જેમાં વિવેચક પર ગાજ વરસાવી છે એવું વર્ડ્ઝવર્થનું Sonnet on Sonnet વગેરેની વાત કરતા...અરે, બોર્ડ પર લખતાં અને અમને લખાવતા...આજે આટલાં વર્ષે સમજાય છે કે આ બધું તૈયાર કરવાં પાછળ આપ કેટલો સમય અને શક્તિ ફાળવો છો...બાકી, ધાર્યું હોત તો આપ પણ અમને ‘હડપ્પીય સંસ્કૃતિ’માંથી પ્રાપ્ત થયેલાં અને પેઢી દર પેઢી વારસાઈની માફક હસ્તાંતરિત થયાં કરતાં પીળાં પડી ગયેલાં અને સ્ટેપલરથી મહાપ્રયત્ને જોડી રાખેલાં રેડી-મેડ (પણ આઉટ-ઓફ-ડેટ) ‘સ્ટડી મટીરીયલ’નો મસાલો આપીને નિરાંત જીવે બેસી શક્યા હોત...પણ ના, કારણકે તમે સંજય ભાવે છો. તમે ડીકન્સની નવલકથા ‘અ ટેલ ઓફ ટૂ સીટીઝ’ ભણાવવા માટે રવિવારે પણ વર્ગો લીધેલાં. આપના જેવાં શિક્ષણને નખશીખ વરેલા અધ્યાપક તો પુણ્યશાળીઓને જ પ્રાપ્ત થાય ને?
સર, તમે પોતે એક ઉમદા વાચક છો અને વિદ્યાર્થીઓમાં વાંચનપ્રેમ વિકસે અને વધતો રહે એ બાબતે સતત પ્રયત્નશીલ રહો છો. તમારાં વાંચનપ્રેમનાં ‘પરચા’ તો અમને વર્ગખંડમાં પણ મળ્યાં છે અને વર્ગખંડની બહાર પણ. યાદ છે સાહેબ અમે એલ.એન.સી.મહેતા આર્ટસ કોલેજમાં ‘લિટરરી ક્વીઝ’ માં વિજેતા થયાં હતાં ત્યારે તમે અમને અધ્યાપકખંડમાં બોલાવીને શુભેચ્છા પાઠવવાની સાથે સુંદર પુસ્તકો ભેટમાં આપ્યાં હતાં? પુસ્તકની વાત નીકળી જ છે તો કોલેજની વાંચનશિબિર યાદ ન આવે એ કેમ ચાલે? શું ફક્કડ મજાનાં એ મિરાતી દિવસો! મારાં કોલેજનાં દિવસોની સોનેરી સ્મૃતિ. નળસરોવર પાસે અણીયારી ગામે આવેલાં ‘ગણતર’ સંસ્થાના સંકુલમાં વિતાવેલાં એ અદભુત ત્રણ દિવસ! મેં પસંદ કરેલું પુસ્તક હતું ‘તોત્તો ચાન’ . યુ.નો.નાં સદભાવના દૂત એવાં તેત્સુકો કુરોયાનેગીનાં બાળપણની ટ્રેનનાં ડબ્બા જ્યાં વર્ગખંડ છે એવી તોમોએ શાળા અને કોબાયાશી જેવાં ગુરુનાં સંસ્મરણો. સામાન્ય રીતે ‘રસદર્શનવિધિ’ ૧૦-૧૫ મીનીટ ચાલતી. પણ મારું રસદર્શન લગભગ ૧ કલાક ચાલ્યું હતું અને આપે પ્રતિભાવ આપતાં કહેલું કે પુસ્તકનું આવું સુંદર અને સર્વગ્રાહી રસદર્શન મેં ભાગ્યે જ થતું જોયું છે (યાદ છે સર કે ભોજનનો સમય થઇ ગયો હતો પણ તમામ વિદ્યાર્થીઓ ‘બારીએ ઉભેલી બાલિકા’નાં રસદર્શનમાં એવાં તો મગ્ન થઇ ગયાં હતાં કે ના પૂછો વાત!). સાંજે વિહાર કરવાં જતાં તમે અમારી સાથે ‘ખો’ રમતાં અને રાત્રે પરવારીને જામતી બેઠક તો આહાહા! સૌથી છેલ્લે રજૂ કરવામાં આવતાં આખા દિવસની આંખોદેખી ઘટનાઓ અને પ્રાધ્યાપકો તેમજ શિબિરાર્થીઓની ચાલચલગત પરથી રજૂ થતાં મારાં ‘હાસ્યસમાચાર’ નો તમે વિશેષ આનંદ લેતાં એ પણ કેમ ભૂલાય? હાસ્યલેખકને ‘લાયસન્સ’ અથવા તો ‘ઇમ્યુનીટી’ મળતી હોય છે જે અંતર્ગત તે કોઈની પણ સાડાબારી રાખ્યાં વિના તેને હાસ્યકટાક્ષનું કે રમૂજ-ઉપહાસનું માધ્યમ બનાવી શકે છે. હાસ્યસમાચાર પીરસવાં માટે મને પણ તત્પુરતું એવું ‘લાયસન્સ’ આપ અને હેમંત સર તરફથી મળ્યું હતું (અને બદલામાં આપ બન્નેને પણ મેં આડે હાથ લીધાં હતાં!) એનો વિશેષ આભાર આજે માની લઉં છું.
સાહેબ, યાદ છે – એ શિબિરમાં તમે અમને વિવિધ પ્રકારનાં સામયિકોનો પરિચય કરાવ્યો હતો? તમે ગુજરાતી-અંગ્રેજી-હિન્દી ભાષાનાં સામયિકો લાવેલાં એમાંથી દરેકને બે-ત્રણ ભિન્ન પ્રકારનાં સામાયિક આપીને એ સામાયિક શેને લગતું છે, ક્યાંથી પ્રકટ થાય છે, એ અઠવાડિક-પાક્ષિક-માસિક છે , એમાં છપાતાં લેખ કેવાં છે એ અંગે નોંધ લખવાની અને પછી તેને સમૂહમાં રજૂ કરવાની પ્રવૃત્તિ કરાવી હતી. અમને શિબિરાર્થીઓને કોલેજ તરફથી અને આપના તરફથી પણ પુસ્તકો મળ્યાં હતાં એ પણ કેમ ભૂલાય?
અને એ છેલ્લો તાસ! તમે અને અગરવાકર સાહેબે વર્ગમાં આવીને અમારી સાથે વિતાવેલાં સમયનાં સંસ્મરણો યાદ કર્યા. આપની આંખમાં વસી ગયેલાં કેટલાંક વિદ્યાર્થીઓની વિશિષ્ટતા વિષે તમે વાત કરેલી મારાં વિષે તમે જે કહેલું એ મને હજુ યાદ છે. અગાઉ કોલેજનાં ‘એન્યુઅલ ફંકશન’ વખતે સ્ટેજ પર જ ઉપકુલપતિશ્રી પરિમલ ત્રિવેદીની હાજરીમાં કોલેજનાં General Secretary તરીકે મેં આપેલાં વક્તવ્યમાં ગુજરાત યુનિવર્સીટી રીઝલ્ટમાં ભારે છબરડાં કરે છે એનો અણગમો વ્યક્ત કર્યો હતો તેની નોંધ લઈને તમે મારી નિર્ભીક અને સ્પષ્ટવક્તા તરીકેની ઓળખ આપી હતી (જોકે આ ભારેખમ શબ્દો અહીં વાપરતાં મને જ ડર લાગે છે!). આ સમારોપ સમયે તમે અમને લોકમિલાપ ટ્રસ્ટનું ‘વાંચનયાત્રાનો પ્રસાદ’ પુસ્તક અને અબ્રાહમ લિંકને પોતાનાં પુત્રના શિક્ષકને લખેલાં પત્રના આપે કરેલાં ગુજરાતી અનુવાદની પ્રતિલિપિ ભેટમાં આપેલી. આટલી સરસ વિદાય આપવાં બદલ આપનો આભાર અમે કઈ રીતે માનીએ?
સાહેબ, આપની સૌજન્યતાનો એક પ્રસંગ મને યાદ આવે છે. એ દિવસે હું અને વિવેક બૂચ કમ્પ્યુટર વિભાગનાં સેમિનારમાં રોકાયેલા હતાં. આપણી કોલેજ તો સવારની. લગભગ બપોરના ૩-૪ વાગ્યા હશે. અમે બન્ને આશ્રમરોડ ઓળંગીને સામે આવેલી ગલીમાં નાસ્તો કરવાં ગયાં. સેન્ડવીચ પાર્લર પર આપ પણ સેન્ડવીચ ખાઈ રહ્યાં હતાં. “કેમ આજે આટલાં વાગ્યા સુધી અહીં?” એવું તમે સહજપણે પૂછ્યું અને અમે કમપ્યુટર વિભાગનાં સેમિનારમાં રોકાયેલા છીએ એવું જાણ્યું. ખેર, અમે તો સેન્ડવીચ ઓર્ડર કરી અને ખાઈ રહ્યાં ત્યાં સુધી તો આપ ત્યાંથી નીકળી ચૂકેલા. અમે સેન્ડવીચવાળા ભાઈને પૈસા આપવાંનું કરીએ ત્યાં તો એમણે કહ્યું: “તમારાં પૈસા તો પેલાં સાહેબે આપી દીધાં.”
સર, કોલેજકાળ પૂર્ણ થયાં પછી પણ આપને અવારનવાર મળવાનું રહે છે અને જયારે પણ મળું છું ત્યારે સમયને “ખામોશ” કહીને સિફતથી ખિસ્સામાં સંતાડી દઉં છું જેથી આપની સાથે શક્ય એટલો ‘કાવ્યશાસ્ત્રવિનોદ’ કરી શકાય પણ મેં જોયું છે કે આપ હંમેશા ઉતાવળમાં હોવ છો અને મારે ભાગે હંમેશા અતૃપ્તિનો ઘૂંટ જ આવે છે! કેટલીક વાર તો આપણી વાતોનો દોર બીજે માળ અધ્યાપકખંડમાં શરુ થાય અને એ લંબાતો લંબાતો પહેલે માળ આવે, વિંગમાં થોડી વાર સ્થિર થાય પણ પછી એનાં બે ફાંટા પડે – કોઈક વાર એ લાયબ્રેરીમાં જાય તો કોઈકવાર આચાર્યની કેબીન સુધી જાય, અથવા પહેલેમાળથી નીચે પાર્કિંગમાં આવે અને તમે સ્કૂટીની કીક મારો અને કોલેજનું સંકુલ છોડો ત્યાં સુધી લંબાય! અને થાય, આ વાત તો તમને કહેવાની/પૂછવાની રહી જ ગઈ! સાહેબ, તમે આમ પાછાં દુરાધ્ય! ઝડપથી કોઈની પર રીઝો નહિ. મારી પર પણ નહિ! પણ મને આનંદ છે કે તમારાં સ્નેહનું સંપાદન હું કરી શક્યો છું. બસ, આવો જ સ્નેહ વરસાવતા રહેજો એવી અભ્યર્થના.
આપનો વિદ્યાર્થી,
ઈશાન ભાવસાર
લખ્યા તારીખ: ૧૨/૦૬/૨૦૧૪
No comments:
Post a Comment