“સર... ચાલો...”
“સર...આવી
જાઓ...”
“સર...આ લો...”
“નિકુલ
સર...મારામાંથી પણ લો...”
“એ મોદી...પેલું
પડીકું પલકેશ સરને પાસ કરને...”
“ઈશાન
સર...અહીંયા જુઓ...હીયર હીયર...”
આ સંવાદો વાંચીને
તમને થયું હોય કે આ શું ચાલી રહ્યું છે તો ફોડ પાડી દઉં કે આ તો ડ્રામાનાં સૌ
વિદ્યાર્થીઓનાં લંચબ્રેકનું દ્રશ્ય છે! રિહર્સલ્સ પછી બાર-સાડા બારે લંચ બ્રેક પડે
એટલે ભાગાદોડી ચાલુ. કેમકે, પલકેશ ગણીને પંદર-વીસ મિનીટની બ્રેક આપે. લંચબ્રેક પડે
એટલે છોકરાઓ રૂમમાં કુંડાળું કરીને ગોઠવાઈ જાય... ને જે છોકરાઓ ઘરેથી ડબ્બાઓ
લાવ્યા હોય એ ડબ્બાઓ ખોલે અને બાકીનાં સૌની સાથે વહેંચીને ખાય... નાટકનાં
રિહર્સલ્સ દરમ્યાન સૌથી ધ્યાનાકર્ષક બાબત હોય તો મારા વિદ્યાર્થીઓમાં વિકસેલી સમૂહભાવના...ડ્રામાની
વર્કશોપ અગાઉ બધાં એકલાં-એકલાં અથવા બે-ત્રણનાં ગ્રૂપમાં જમતા હશે... વિદ્યાર્થીઓ
એકમેકને ઓળખતા થાય, એમનામાં સમૂહભાવનાનો સંચાર થાય, એકાત્મભાવ વિકસે એ માટે આવી
ઈવેન્ટ્સ એક સબળ માધ્યમ છે. ને એવું જ થાય – ક્યારેક મારા વિદ્યાર્થીઓ રિહર્સલ
રૂમમાં રહેલાં મોટા ટેબલ્સ રૂમની સેન્ટરમાં ખેંચી લાવતાં અને તેની ફરતે એક મોટું
કુંડાળું કરીને જમતા, તો ક્યારેક નીચે જ બે-ત્રણ કુંડાળા કરીને જમતા. હા, હોસ્ટેલ
કે પી.જી.માં રહેતાં વિદ્યાર્થીઓને જમવાની તકલીફ પડતી હોય છે એ જાણું છું પણ આખી
ઇવેન્ટ દરમ્યાન ક્યારેય કોઈની આ બાબતે ફરિયાદ સુધ્ધા આવી નહોતી કે આ કારણોસર
રિહર્સલમાં વ્યવધાન આવ્યું હોય એવું બન્યું નહોતું. મારા વિદ્યાર્થીઓની
આજ્ઞાંકિતતાનાં તો પલકેશે પણ વખાણ કરેલા – “છોકરાઓ, તમે કેટલાં ડાહ્યા છો... અરે,
તમે પાણી પીવા કે બાથરૂમ જવા પણ પરમીશન માંગો છો!” વિદ્યાર્થીઓની આજ્ઞાંકિતતા એટલે
કેવી? આરિફ અને સૈફ જેવાં વિદ્યાર્થીઓએ નમાઝ પઢવા જવું હોય તો રિહર્સલ દરમ્યાન
પરમીશન લઈને જાય અને સમયસર આવી જાય, તીર્થ, હરનીશ, વિજય, અમીષા
સિંગિંગ-ડાન્સિંગ-રેમ્પ વોક જેવી બીજી ઈવેન્ટ્સમાં રહેલાં. પણ આ તમામ છોકરાઓ
મલ્ટીપલ ઈવેન્ટ્સનાં રિહર્સલો વચ્ચે એવું સંતુલન સાધ્યું હતું કે ક્યારેય એમને
ઠપકો આપવાની નોબત આવી નહોતી.
...ને છોકરાઓ
કેટલાં ભાવથી અમને ‘સર...આ લો સેવમમરા...’, ‘અરે સર...પૂરી લો છુંદા સાથે...’,
‘સર...મારામાંથી પૌઆ ના લીધાં...’ આગ્રહ કરતા. સમૂહભોજનની સ્મૃતિઓ પણ સેલ્ફી સ્વરૂપે
સાચવી લીધી છે.
...બીજી મજાની
વાત એટલે નાટક માટે જરૂરી પ્રોપર્ટીનું કલેક્શન... જેમ પ્રધાનમંત્રીએ રાંધણગેસ પર
સબસીડી છોડવાની પહેલ કરવાં પર ભાર મૂક્યો હતો એમ અમે નાટકની પ્રોપર્ટી વિદ્યાર્થીઓ
જાતે મેનેજ કરે એવી પહેલ પર ભાર મૂક્યો હતો! એક વાર શું જોઈશે એનો ખ્યાલ આવતો જતો એમ છોકરાઓ
પોતપોતાના ઘરેથી ‘હું આ લેતો આવીશ’ એમ સામે ચાલીને કહેતાં...’આ મકાન ન જોઈએ’ નાટક
માટે જયનાં ત્યાંથી રેડિયો આવી ગયો, અનિકેત જોડા મુકવાનું સ્ટેન્ડ ઉપાડી લાવ્યો,
તો નીતેશ/ભીમસીંગ ચા-પાણીનાં કપ અને ગ્લાસ લાવ્યા, ને વિજય લાવ્યો દાદાજીની લાકડી!
આ તો થઇ નાની નાની પ્રોપર્ટીની વાત. બાકી મોટી પ્રોપર્ટીમાં તો અમે એ.ડી.પટેલ
સાહેબની અડધી કેબીન ખાલી કરી નાખેલી – એક મોટો સોફા, બે ખુરશીઓ તો લીધી જ લીધી પણ
ઈલેક્ટ્રીકલ ડીપાર્ટમેન્ટની લેબનો અન્ય સામાન – બંધ પડેલાં કમ્પ્યુટરનો એલ.ઈ.ડી.
સ્ક્રીન, નકામું ટેલીફોનનું ડબલું, અરે, બસસ્ટેશનનાં
સીન વખતે બુથ ઓપરેટર બનતાં ભીમસીંગને ટીકીટ વેન્ડિંગ મશીનની જરૂર હતી તો
ઈલેક્ટ્રીકલ લેબનું બંધ પડેલું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ પણ ધરાર ઉઠાવી લીધું!
હવે બીજાં નાટક
‘સસ્તા વિમાનનું સ્વપ્ન’ માટે અમારે પ્રોપર્ટીમાં એક એવી વસ્તુ જોઈતી હતી જે કોઈના
ઘરેથી કે પછી બહારથી મળી શકે એમ નહોતી. એ વસ્તુ એટલે –
... વિમાન!
અમે કેવી રીતે
વિમાન મેનેજ કર્યું એની રસપ્રદ વિગતો આવતાં અંકે!
No comments:
Post a Comment