Saturday, November 10, 2018

સૌહાર્દ-૨૦૧૭: વિશ્વાસની વાસ્તવિકતા બનવાની સફર (ભાગ-૪)

“સર...એક રીક્વેસ્ટ છે...” થોડી વાર પહેલાં ખૂણામાં ટેબલ પર બેસીને શાંતિથી ‘આ મકાન ન જોઈએ’ હાસ્યનિબંધને વાંચીને આત્મસાત કરી રહેલો વિજય બોલ્યો.

“યસ...બોલો.” મેં કહ્યું.

“સર, આપણામાંથી કોઈ આગળ આવીને આનું પઠન કરે તો સારું રહેશે.” વિજયે પ્રસ્તાવ મૂક્યો.

(ને મનમાં તો થયું ‘ વિજય! તુમને તો મેરે મન કી બાત છીન લી!)

“અરે કેમ નહિ? આપણામાંથી કોણ આગળ આવીને આ હાસ્યનિબંધ વાંચશે?”

“સર, તમે જ વાંચો એટલે એનું હાર્દ જળવાઈ રહે.”

(ના...ના...ફરીથી અહીં ‘મન કી બાત છીન લી’ જેવું નહોતું થયું ;-) )

“સારું તો હું જ વાંચું છું....ચાલો, ધ્યાન આપજો અહીં સૌ કોઈ...”

...અને હું ‘આ મકાન ન જોઈએ’ વાંચી રહેવા આવ્યો હોઈશ ત્યારે જ પલકેશ અને નિકુલની રૂમમાં એન્ટ્રી થઇ. પલકેશે છોકરાઓને ગ્રૂપમાં વહેંચી દીધાં અને વોર્મ અપ માટે પલાંઠી લગાવી આંખ મીચીને ‘ઓમ’ બોલવાથી માંડીને છાતી ફુલાવી કુદકા મારવા, ઝડપથી ચાલવાની તેમજ શવાસનમાં રીલેક્સ ફીલ કરવાં જેવી એકસરસાઇઝ કરાવી. એ પછી છોકરાઓને બે ગ્રૂપમાં વહેંચી દીધાં અને દરેક ગ્રુપને એક એક ‘સીન’ ક્રિએટ કરવાં આપી દીધો. કોઈએ ‘ઓફીસ’નું દ્રશ્ય ભજવવાનું હતું તો કોઈએ ‘ડ્રોઈંગરૂમ’નું દ્રશ્ય. હજુ બંને કથાઓ પરથી ‘પાક્કી’ સ્ક્રીપ્ટ લખાવાની બાકી હતી એટલે વચગાળાનાં સમય દરમ્યાન આવાં સીનની ભજવણીને કારણે કોણ કેવો રોલ કરી શકશે એ જોઈ શકાય અને રોલ કાસ્ટિંગની દિશામાં પણ આગળ વધી શકાય.

અલગ-અલગ ટુકડીઓમાં વહેંચાયેલા છોકરાઓ એમને આપેલ ‘સિચ્યુએશન’ પર ચર્ચા કરી રહ્યાં હતા ત્યારે વર્કશોપમાં થોડાં મોડા આવનારા વિદ્યાર્થીઓનું એક ગ્રૂપ સાવ અલગ-થલગ રહી ગયું હતું. પલકેશ સાહેબે એમનાં કાનમાં પણ મંત્ર ફૂંકી દીધો એટલે એ ગ્રૂપ પણ કામે વળગ્યું. કેટલાંક વિદ્યાર્થીઓ સીન ક્રિએટ કરવાં માટે જરૂરી પ્રોપર્ટી પણ રૂમમાંથી એકઠી કરી રહ્યાં હતા. નવાઈ લાગશે કે આ પ્રાથમિક પ્રોપર્ટી એટલે – લેબનાં સ્ટૂલસ્, ટેબલ, કોલેજ બેગ્સ, ચોપડા, ફાઈલો અને રૂમનું તાળું સુદ્ધાં! અને એટલું રહી જતું હોય એમ સ્ટેજનો ખ્યાલ આવે એ માટે રૂમમાં પડેલી પીવીસી પાઇપ્સને પણ ઉપયોગમાં લઇ બોર્ડર તરીકે ગોઠવી દીધી હતી! આ પીવીસી પાઇપ્સ ગોઠવવાની ટેવ જોકે પાછળથી પલકેશે એમ કહીને છોડાવી કે સ્ટેજ આપણા મનમાં હોવું જોઈએ. ખેર, સિચ્યુએશન તૈયાર કરવાનો સમય સમાપ્ત થયો એટલે પલકેશે તાળી પાડી...

‘ઓફીસ સીન’ માં મધ્યમવર્ગીય અને સ્વપ્નશીલ મનુષ્ય અન્ય સહકર્મીનું પ્રમોશન થતાં જુએ છે એવો કંઇક સીન ભજવાયો હતો અને બીજી બાજુ ‘ડ્રોઈંગરૂમ સીન’ માં પતિ-પત્નીનાં સુખી જીવનનાં સપનાઓમાં મહેમાનો અને પોલીસનું આક્રમણ થતાં કેવો રંગમાં ભંગ પડે છે અને છેક પોલીસનું લફરું થાય છે એવી વાત હતી. બંને ટીમ દ્રશ્ય ભજવી રહી પછી પેલી ત્રીજી ટીમનો સરપ્રાઈઝ સીન ભજવાયો. પલકેશે આપેલી સિચ્યુએશન મુજબ એ ટીમનાં બધાં જ વિદ્યાર્થીઓએ ‘માઈમ’માં ચોરની ભૂમિકા ભજવી બતાવવાની હતી...પણ હા, સાથે શરત એ હતી કે તમામ ચોર એક જ સ્થળે રહેશે અને પરસ્પર એકમેકને જ વેતરી નાખવાનો કારસો કરશે....ને, આ સીન તો વિદ્યાર્થીઓએ એટલો અફલાતુન રીતે ભજવી બતાવ્યો ને કે ના પૂછો વાત. એમાં ય આરિફ,આદર્શ, સૈફ છવાઈ ગયાં...ને મનને તો ‘અંધ ચોર’ નો રોલ બખૂબી ભજવી ભજવ્યો!



અરે આટલું ઓછું હોય તેમ કદાચ આખી વર્કશોપની સૌથી મજાની વાત તો હવે બની. પલકેશે સીન ઈમ્પ્રોવાઈઝ કેમ થાય, પોસ્ચર કેવો રાખવો, વિંગમાંથી એન્ટ્રી કેવી રીતે કરવી, કેટલે ઉભાં રહેવું, ક્યાંથી એક્ઝીટ કરવી વગેરે બાબતો સમજાવવા રૂમની વચ્ચોવચ ખુરશી લઇ જઈને અડીંગો જમાવી દીધો અને દુરોન્તો એક્સપ્રેસની ઝડપે આદેશો છોડ્યા : “ચાલો હું પ્રિન્સીપાલ છું...ને ધ્રુવલ, તું છે ને પિયુન બનજે...ક્યાં ઉભો રહીશ તું...હાં બરોબર છે...ફાઈલ લાવ ચલ...અરે, ત્યાં હોય ફાઈલ? ચલ, પેલી બાજુ છે એ લાવ...અરે, બે ફાઈલ લાવ...કહું છું આ નહિ પેલી પીળી ફાઈલ લાવ...ના...એ નહિ...નીચે છે એ...અરે, મોઢું શું જુએ છે...ઝડપ કર...ચાલો, બીજાં બે આવો સીનમાં...હા ભાઈ શું છે? એડમિશન લેવાનું છે તે કંઈ અહીં લેવાનું હોય? ચાલો, ત્યાં ઇન્ક્વાયરી કરો...ભાઈ એ સ્ટૂલ લઈને તું બેસી જા...ક્લાર્કનો રોલ કરજે...પાણી લાવો કોઈ...હં...શું છે? ફી ભરી નથી તો એડમિશન કેન્સલ કરવાની નોટીસ આવી છે? જાઓ...ક્લાર્ક પાસે જઈને લેટ ફી ભરીને એડમિશન કન્ફર્મ કરો...પેલી લાલ ફાઈલ લાવજે...(ત્રણ વિદ્યાર્થીઓનો પ્રવેશ) શું છે? ડાન્સમાં ભાગ લીધો છે? કયો ડાન્સ? ચલો કરી બતાવો...”

...અને પછી તો નચિકેતા અને બીજાં બે વિદ્યાર્થીઓ કોઈ જ પૂર્વતૈયારી વગર જે એક-બે કોમિક એક્શન કરીને ડાન્સ બતાવે છે એનાથી એવી તો હસાહસ થાય છે કે ના પૂછો વાત! અરે એથીય આગળ પલકેશે સૌની પાસે એટલાં નાટકચેટક્ કરાવ્યાં કે મૌજ પડી ગઈ... છેલ્લે છેલ્લે તો પ્રિન્સીપાલની ખુરશી આગળ સેલ્ફી ખેંચવાની લ્હાયમાં ભારે ઘમાસાણ પણ થઇ ગયું!

એ દિવસે સાચે જ ચાળીસ વિદ્યાર્થીઓનાં ઉર્જાવાન અવાજ અને અદાકારીથી આ ચાર નંબરનો રૂમ ઝળાહળાં થઇ રહ્યો હતો...

...પણ આ બધી મજાઓ વચ્ચે એક દુઃખદ બિના પણ બની જેનો મારે ઉલ્લેખ કરવો પડે... તે એ કે વર્કશોપમાં ખૂબ ઉત્સાહથી ભાગ લેનાર જાહ્નવી નામની વિદ્યાર્થીનીનાં પિતાનું અવસાન થયું હતું...

પણ કોઈએ કહ્યું છે ને કે ‘શો મસ્ટ ગો ઓન’...

No comments:

Post a Comment