Sunday, May 22, 2016

વિલિયમ શેક્સપીયર: ‘વ્હોટ ઇઝ ધેર ઇન નેમ?


ફિલ્મ શોલેમાં જય બનતો અમિતાભ એક મજાનો સંવાદ બોલે છે: “તેરા નામ ક્યા હે, બસંતી?” ફિલ્મમાં તો ચાલો ગમ્મતમાં એ સવાલ પૂછાયો છે પણ ‘શેક્સપીયરની કૃતિઓનો કર્તા કોણ?’ એવો પ્રશ્ન પૂછો તો જવાબ ‘શેક્સપીયર’ મળે એ જરૂરી નથી. ગૂંચવાઈ ગયાં? અરે, આપણે જ નહિ પણ મોટા મોટા વિદ્વાનો પણ  શેક્સપિયરની કૃતિઓનાં કર્તુત્વ બાબતે  ગૂંચવાયેલા છે. ‘શેક્સપીયર ઓથરશીપ ક્વેશ્ચન’ નામથી વર્ષોવર્ષથી વિદ્વાનોમાં દલીલો ચાલ્યાં કરે છે જે મુજબ અમુક વિદ્વાનોનું મંતવ્ય છે કે શેક્સપીયર નામનો કોઈ માણસ હતો જ નહિ! અને વિદ્વાનોની આ દલીલનું સમર્થન કરનારાં મહાનુભાવોમાં વોલ્ટ વ્હીટમેન, માર્ક ટ્વેન, સિગ્મંડ ફ્રોઈડ, ચાર્લી ચેપ્લીનનો પણ સમાવેશ થાય છે.  નાટ્યકાર શેક્સપીયરનો જન્મ એવન નદી પર આવેલાં સ્ટ્રેટફોર્ડ ગામમાં થયો હતો. એટલે, આ ‘સ્ટ્રેટફોર્ડવાળા શેક્સપીયર’નાં સર્જકત્વનો  અસ્વીકાર કરનારું એન્ટી- સ્ટ્રેટફોર્ડીયન જૂથ એમ માને છે કે શેક્સપીયર તો એક મુખવટો છે. વાસ્તવમાં, અન્ય લેખક કે લેખકોએ પોતાની કૃતિઓ એને નામે ચડાવી મારી છે. અને આ કહેવાતા  ‘શેક્સપીયર’ની ઉમેદવારીમાં પાછાં બે-પાંચ નહિ કુલ ૮૦ લેખકોનાં નામો ચડેલાં છે! એમાં સર ફ્રાન્સિસ બેકન, એડવર્ડ દી વિઅર, ક્રિસ્ટોફર માર્લો તો ઠીક પણ ખુદ ઇંગ્લેન્ડની રાણી એલીઝાબેથનું ય નામ સામેલ છે!

વિદ્વાનોની મુખ્ય દલીલ એવી છે કે શેક્સપીયરનાં નાટકોમાં છલકાતો વૈવિધ્યપુર્ણ વિષયોની માહિતીનો જ્ઞાનભંડાર, રાણી એલિઝાબેથનાં દરબાર અને રાજરંગની ઝાંખીનો પરિચય તો કોઈ ઉમરાવ કોટિનાં ઉચ્ચશિક્ષિત અને રાજદરબાર સાથે ઘરોબો ધરાવનાર માટે જ સંભવ છે. જયારે વિલિયમ શેક્સપીયર પાસે તો પદ્ધતિસરનું શિક્ષણ, ઉમરાવસહજ વ્યવહારુતા, રાજદરબારની ગતિવિધિઓનાં અંતરંગ પરિચયનો તો અભાવ હતો. એટલે, શેક્સપીયર જેવો ‘અર્ધશિક્ષિત’ અને ‘સામાન્ય’ માણસ આવાં ઉત્તમ કોટિનાં નાટકો લખી જ ન શકે. તો પ્રતિપ્રક્ષ એવી દલીલ કરે છે કે શેક્સપીયરની કૃતિઓનાં ટાઈટલ પેજ, અન્ય સમકાલીન લેખકોએ કરેલાં ઉલ્લેખો અને બપ્તિઝ્માંવિધિ (નવજાત શિશુની નામકરણવિધિ), લગ્ન-મરણતિથી, ટેક્સ રેકોર્ડ્સ, દેવાની ચૂકવણી માટે થયેલાં કેસ અને પ્રોપર્ટીની લે-વેચને લગતાં એ સમયનાં અધિકૃત દસ્તાવેજો શેક્સપીયરનું અસ્તિત્વ અને કર્તુત્વ પ્રસ્થાપિત કરે છે. જાણીને નવાઈ લાગશે કે શેક્સપીયરનાં નામની  આપણે જે અંગ્રેજી જોડણી કરીએ છે - ‘Shakespeare’ – તે જોડણી તો છેક ૨૦મી સદીમાં રૂઢ થઇ છે. બાકી ત્રણસો વર્ષ સુધી તો તંત્રીઓ-પ્રકાશકો શેક્સપીયરનાં નામની જોડણી બાબતે એકમત નહોતાં! એ તો ઠીક પણ  શેક્સપીયર પોતે ય ક્યાં પોતાનાં નામની જોડણી બાબતે એકમત હતો? એ સમયનાં ઉપલબ્ધ દસ્તાવેજોમાં શેક્સપીયરની અલગ-અલગ છ પ્રકારની સહી જોવાં મળે છે જેમાં કોઈકમાં Willm Shakp લખેલું છે, તો કોઈમાં William Shakspere કે પછી William Shakspēr !

તો આવો, ‘શેક્સપીયર’ માટેનાં કેટલાંક પ્રબળ દાવેદારોનો પરિચય કરીએ:

(૧) રાણી એલીઝાબેથ
   
રાણી એલીઝાબેથ જ શેક્સપીયર હતી એવું માનનાર વિદ્વાનોનો વર્ગ કોઈ અનામી ચિતારાએ દોરેલાં એલીઝાબેથનાં ‘આર્માડા’ પોર્ટ્રેઇટ  અને માર્ટીન ડ્રોએશાઉટએ કરેલાં શેક્સપીયરનાં પોર્ટ્રેઇટની સરખામણી કરે છે. તેમનાં મત મુજબ શેક્સપીયરનાં આ પોર્ટ્રેઇટમાં કેટલીક ‘ભેદી સંજ્ઞા’ છુપાયેલી છે. ઈ.સ્. 1995માં લીલીયન શ્વાર્ત્ઝ નામની અમેરિકન કલાવિદને શું સૂઝ્યું કે એણે કમ્પ્યુટર ટેકનીકની મદદ વડે બન્ને ચિત્રોને એકમેક પર ગોઠવીને ‘સ્કેલીંગ’ કરતાં જોયું કે બન્ને ચહેરા અને નાકનકશામાં આશ્ર્ચર્યજનક રીતે ઘણું સામ્ય છે! વિશેષ તો આંખ, નાક અને ચહેરાની ગોળાઈ હુબહુ મળતી આવે છે. બાદમાં ‘સાયન્ટીફીક અમેરિકન’માં છપાયેલાં પોતાનાં એક લેખમાં લીલીયને એવું પ્રતિપાદિત કર્યું કે રાણી એલીઝાબેથ જ પોતે જ શેક્સપીયર ‘હોઈ શકે’ છે. 

ઉલ્લેખનીય છે કે જે યુગમાં સ્ત્રીઓ શાળાકીય શિક્ષણથી જોજનો દૂર હતી એ યુગમાં હેન્રી(આઠમાં)ની આ ‘દબંગ’ પુત્રીએ એક રાજકુમારી તરીકે લેટીન,ગ્રીક,ફ્રેંચ, ઇટાલીયન ભાષાઓનું અને અનુવાદકલાનું જ્ઞાન વિલિયમ ગ્રીનડલ અને રોજર એશામ જેવાં માનવતાવાદીઓ પાસેથી મેળવ્યું હતું. જેણે પોતે હોરાસ અને પ્લુટાર્ક જેવાં ક્લાસિકલ લેખકોનાં અનુવાદ કર્યા હોય, કેટલીક કાવ્યરચનાઓ જેનાં નામે બોલતી હોય, જેનાં પ્રવચન અને પત્રાચાર પ્રભાવશાળી હોય તેવી એલીઝાબેથ  નાટ્યરસિક ન હોય એ તો સંભવી જ ન શકે ને? એલીઝાબેથ પોતે તો પ્રસંગોપાત નાટકો જોતી અને સર રોજર નાઉનટનનાં કહેવા મુજબ તેણે યુરીપીડીસનાં નાટકનો ગ્રીકમાંથી પોતાનાં નિજાનંદ માટે અનુવાદ પણ કર્યો હતો. આ કલાપારખું રાણીએ પોતાનાં રાજ્યમાં સાહિત્ય અને કળાને ઉત્તેજન આપ્યું હતું પણ હા, આ ક્ષેત્રોમાં સંપૂર્ણપણે પુરુષોનો ઈજારો હતો. અરે, નાટકોમાં  જેને મૂછનો દોરો ય ફૂટ્યો નથી એવાં નમણાં યુવાનો સ્ત્રી-પાત્રોનો અભિનય કરતાં. એવાં ઈજારાશાહીનાં સમયમાં અને કદાચ પોતાનાં પદ અને પ્રતિષ્ઠાને ઝાંખપ ન લાગે એટલે એલિઝાબેથે ‘શેક્સપીયર’ તરીકે જ પ્રકટ થવાનું બહેતર ધાર્યું હશે!

(૨) સર ફ્રાન્સિસ બેકન 

એલીઝાબેથન યુગનાં અગ્રણી વિચારક, નિબંધકાર, અને કાયદાવિદ્ વૈજ્ઞાનિક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં સર ફ્રાન્સિસ બેકનની ‘શેક્સપીયર’ હોવાની  મજબૂત દાવેદારી હોય  એ વાત સમજી શકાય એમ છે. છેક 1857માં અમેરિકન લેખિકા ડેલીયા બેકને  શેક્સપીયર અને બેકનનાં લખાણોનો તુલનાત્મક અભ્યાસ કરીને એમાં જોવાં મળતી આંખે ઉડીને વળગે એવી સમાનતાઓને આધારે જાહેર કર્યું કે બેકન જ શેક્સપીયર હતો. મિસિસ હેન્રી પોટે 1883માં બેકનની એક કૃતિ ‘Promus’ સંપાદિત કરી ત્યારે જોયું કે શેક્સપીયર અને બેકન બન્નેની 4,440 જેટલી વૈચારિક અભિવ્યક્તિમાં સામ્ય પ્રવર્તે છે. બેકનનાં પક્ષમાં દલીલ મજબૂત થવાનું કારણ ઘણાને મતે શેક્સપીયરનાં નાટકોમાં આવતાં કાયદાકીય ઉલ્લેખો છે. 

(૩) એડવર્ડ દી વિઅર , ઓક્સફર્ડનો 17મો ઉમરાવ

રાણી એલીઝાબેથનાં મહત્વનાં દરબારીઓમાંનાં એક એટલે એડવર્ડ દ વેર. દરબારી-કવિ એવાં આ એડવર્ડ દી વિઅરની સાહિત્ય અને નાટકનાં  આશ્રયદાતા તરીકે ઘણી નામના હતી. જોન લીલી અને રોબર્ટ ગ્રીન જેવાં એલિઝાબેથન યુગનાં ઉંચા ગજાના લેખકોએ પોતાની કૃતિઓ એડવર્ડ દી વિઅરને અપર્ણ કરી હતી. લંડનનાં નાટ્યમંચ અને નાટ્યમંડળીઓ સાથેનો ઘરોબો, રાણી એલીઝાબેથ અને દરબારનો અંગત પરિચય, ઉચ્ચ શિક્ષણ, અને ખાસ તો શેક્સપીયરનાં નાટકોમાં આવતાં ફ્રાંસ અને ઈટાલીનાં સ્થળો આવરી લેતા પ્રવાસોનાં કારણે  એડવર્ડ દી વિઅર જ અસલી શેક્સપીયર હોય એવી શંકા જાય એમાં બેમત નથી. જે. ટોમસ લૂની નામનાં અંગ્રેજીનાં સ્કૂલટીચરને તો ‘હેમ્લેટ’ કૃતિ વાંચીને વિચાર આવ્યો કે હેમ્લેટનો લેખક ચોક્કસ કોઈ દરબારી કવિ જ હોઈ શકે અને વધુ સંશોધનને અંતે એમને એડવર્ડ દી વિઅર અને શેક્સપીયરની કવિતાઓમાં ઘણું સામ્ય જડી આવ્યું. એટલે, 1920માં Shakespeare Identified નામનું પુસ્તક લખીને લૂનીએ એડવર્ડ દી વિઅરને જ શેક્સપીયર તરીકે દુનિયા સમક્ષ ધરી દીધો!

પણ એડવર્ડ દી વિઅરે પોતે શેક્સપીયર તરીકેનો મુખવટો શું કામ રાખવો પડે? તો આ પ્રશ્નનો જવાબ કંઇક એવો મળે કે એલિઝાબેથન યુગમાં ઉમરાવવર્ગનાં લેખકોનો  પ્રકાશન પ્રત્યેનો અભિગમ સૂગાળવો હતો અને જાહેરપ્રજાનાં મનોરંજન માટે લખાયેલાં નાટકોનાં લેખક તરીકેનો યશ લેવામાં એમને નાનપ લાગતી હતી.

Was Shakespeare A Fruad? થીમ લઈને 2011માં આવેલી Anonymous ફિલ્મમાં એડવર્ડ દી વિઅરને શેક્સપીયરનાં નાટકોનો ‘અસલી સર્જક’ દર્શાવવામાં આવ્યો છે અને શેક્સપીયરને એક દોંગો નાટ્યકાર!

(૪) ક્રિસ્ટોફર માર્લો:

ઉંમરમાં શેક્સપીયરથી બે મહિના જ નાના અને શેક્સપીયર જેવાં જ સામાન્ય પરિવારમાંથી આવતા કવિ-નાટ્યકાર ક્રિસ્ટોફર માર્લોએ કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં સાડા છ વર્ષ અભ્યાસ કર્યો હતો. અંગ્રેજી નાટકોમાં ‘બ્લેન્ક વર્સ’ ને પ્રચલિત કરવામાં માર્લોનું મોટું યોગદાન છે. 30 May, 1593 નાં માર્લોનું કેવળ 29 વર્ષની વયે ખૂન  થયું હતું. એ દિવસે ડેપ્ટફોર્ડમાં આવેલાં ભોજનગૃહ માર્લો પોતાનાં ત્રણ સાથીઓ – ઇન્ગ્રામ ફ્રીઝર, રોબર્ટ પોલી, અને નિકોલસ સ્કીરીસ સાથે હાજર હતો અને કોઈ બાબતે માથાકૂટ થતાં ઇન્ગ્રામ ફ્રીઝરે માર્લોની આંખમાં ખંજર હુલાવી દીધું હતું. પણ માર્લો જ શેક્સપીયર હોઈ શકે એવું માનનારો વર્ગ ધરાર કહે છે કે માર્લોનું મૃત્યુ ઉપજાવી કાઢેલી ઘટના છે જેથી માર્લો પોતાની પર નાસ્તિક મત અને ઈશનિંદા બદલ ચાલનાર મુકદમો અને પરિણામસ્વરૂપ મળનારા શિરોચ્છેદની સજામાંથી છટકી શકે. પછી શેક્સપીયર તો કેવળ મુખોટો, ને વાસ્તવમાં બધી કમાલ તો માર્લોની કલમની! માર્લોનાં અવસાન પછીનાં 13મા દિવસે શેક્સપીયર પોતાની પ્રથમ કૃતિ ‘Venus and Adonis’ રજૂ કરે છે. એટલેકે, માર્લોનું મૃત્યુ = શેક્સપીયરનો જન્મ! 

*******************************************

આપણે ત્યાં જેમ ‘સંચિત’નાં કાવ્યો ‘કલાપી’નાં નામે ચડ્યા અને ‘મરીઝ’ની ગઝલો ‘તબીબ’ની ગઝલો થઇ એવું જ કંઇક ઇંગ્લેન્ડનાં આદ્ય નાટ્યકાર શેક્સપીયરની કૃતિઓનાં કર્તુત્વ બાબતે થયું છે. કર્તુત્વ અંગેના દાવા-પ્રતિદાવા ચાલ્યાં કરવાના અને અટકળોનું બજાર પણ ગરમ રહેવાનું પણ સચ્ચાઈ સુધી પહોંચવું હવે અશક્ય લાગે છે કારણકે શેક્સપીયરનાં અવસાનને પણ હવે 400 વર્ષ થયાં છે અને શેક્સપીયરનાં યુગનાં કોઈ નવાં દસ્તાવેજો આપણને સાંપડે એવી શક્યતા નહીવત છે.

‘જગત એક રંગમંચ છે.’ અને ‘વ્હોટ ઇઝ ધેર ઇન નેમ?’ એવું કહી જનાર નાટ્યકાર શેક્સપીયર પોતે જ નામનાં વિવાદમાં સપડાય એ પણ જગતનાં રંગમંચ પર સમય અને નિયતીરૂપી પાત્રો દ્વારા ભજવાતું વધુ એક રસપ્રદ નાટક જ છે ને! 

('ગુજરાત સમાચાર'ની રવિપૂર્તિનાં શેક્સપીયર વિશેષાંક અંતર્ગત તારીખ ૨૪-૦૪-૨૦૧૬નાં પ્રકટ થયેલ લેખ)

Monday, May 2, 2016

કાર્ટૂનિસ્ટ મારિયો મિરાન્ડા@90

મારિયોની 90મી વર્ષગાંઠ નિમિત્તે ગુગલે હોમપેજ પર મૂકેલું ડુડલ


આજે સવારે કમ્પ્યુટર પર ‘ગુગલ’નું હોમપેજ ખોલતાં જ સુખદ આંચકો અનુભવ્યો. જોયું તો ‘ગુગલ’ સર્ચ એન્જિને આપણા દેશનાં મોટા કાર્ટુનિસ્ટોમાંનાં એક એવાં સ્વ. મારિયો મિરાન્ડાની  90મી વર્ષગાંઠ નિમિત્તે અંજલીરૂપ ડૂડલ મુક્યું છે. 

મારિયોની શૈલી એટલે આખો કેનવાસ ખીચોખીચ! એનાં બનાવેલાં કાર્ટૂન્સ-મ્યુરલસ્ મુંબઈનાં કોલાબા ખાતે આવેલાં ‘કાફે મોંડીગર’ અને ગોવાનાં પણજીમાં આવેલાં મ્યુનિસિપલ માર્કેટ જેવાં જાહેર સ્થળોએ જોવા મળે. મોંડીગરની એક દીવાલ પર મુંબઈનું જીવન દોડતું દેખાય તો બીજી દિવસ પર કાફેનો માહોલ કલબલે. 
મુંબઈનાં કાફે મોંડીગરની એક દીવાલ પરનું મિરાન્ડાએ કરેલું મ્યુરલ 

હા, તો ગુગલ પર જ સર્ચ કરતા માહિતી મળી કે મારિયોને અંજલિરૂપ આ ડુડલ અમેરિકન આર્ટીસ્ટ આરોન રેનીઅરે તૈયાર કર્યું છે. આરોને બનાવેલાં ડુડલમાં સડકનું દ્રશ્ય છે જેમાં વીસેક જેટલાં મનુષ્યપાત્રો વિવિધ ‘મુવમેન્ટ’ કરતા જોવાં મળે છે. આ સિવાય અન્ય કૂતરા અને બિલાડી જેવી મનુષ્યેતર સૃષ્ટિ જુદી! વરસાદી માહોલ છે. સડક પર એક ઠેકાણે છત્રીતળે યુવાહૈયાઓ પ્રેમહિલોળા લઇ રહ્યાં છે, આ દ્રશ્ય જોઈને એક ડોશી નાકનું ટીચકું ચડાવી રહી છે, છત્રીનાં અભાવે અખબાર માથે મૂકીને એક આધેડ પુરુષ દોડી રહ્યો છે, બસ સ્ટોપ નજીક બીજાં એક ચશ્મેરી બુઝુર્ગની છત્રી પવનમાં કાગડો બની ગઈ છે, મકાનનાં પહેલાં માળે આવેલી એક બારીમાં મારિયો ચિત્રકામ કરી રહ્યાં દેખાઈ છે અને બાજુની બારીમાંથી મહિલા પાણીની ડોલ નીચે રેડી રહી છે એ જોઈને નીચે ઉભેલી છત્રીધારી સ્ત્રી ખસિયાણી પડી જાય છે...અરે, આ સિવાય આ ડુડલમાં બીજું ય કેટલું બધું ‘વાંચી’ શકાય છે!

મારિયો મિરાન્ડા(૧૯૨૬-૨૦૧૧)
લાવો, થોડું મારિયોનાં જીવન વિષે ય વાંચી લઈએ: 1926માં એ સમયે પોર્ટુગીઝોનાં તાબામાં રહેલાં દમણ ખાતે ગોઅન કેથોલિક પરિવારમાં મારિયોનો જન્મ થયેલો. નાની ઉંમરે જ મારિયોને ઘરની દીવાલો પર ચિતરકામ કરવાની આદત પડી ગયેલી. એટલે કલાપારખુ માએ મારિયોને કોરીકટ ચોપડી અપાવી જેને મારિયો ‘ડાયરી’ તરીકે ઓળખાવે છે. શાળામાં પણ કેથોલિક પાદરીઓનાં ચિત્ર કરવાં બદલ મારિયોને મુશ્કેલીમાં મુકાવું પડ્યું હતું. શરૂઆતમાં તો મારિયો ગોઆનાં ગ્રામ્ય જીવનનાં દ્રશ્યો પર કાર્ટૂન્સ બનાવતાં અને આ ગોઆ માટેનું એમનું આકર્ષણ આજીવન એમનાં ચિત્રોમાં વ્યક્ત થતું રહ્યું.  નવાઈ લાગશે પણ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ઇતિહાસ વિષય સાથે બી.એ. થયેલાં મારિયોએ કાર્ટૂનિંગ માટે કોઈ પદ્ધતિસરની તાલીમ લીધી નહોતી. શરૂઆતમાં એક એડવર્ટાઈઝીંગ સ્ટુડીયોમાં કામ કર્યા બાદ તેમને કાર્ટૂનિસ્ટ તરીકે પ્રથમ તક મળી ‘ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા’માં.  ત્યારબાદ, 1953માં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં કાર્ટૂનીસ્ટ તરીકે જોડાયા. મીસ નીંબૂપાની અને મીસ ફોન્સેકા  જેવાં મૌલિક પાત્રોનું એમણે સર્જન કર્યું. 

મારિયોનાં અવસાન પર તેની પાત્રસૃષ્ટિ મીસ ફોન્સેકા અને મીસ નીંબૂપાની અને અમૂલ ગર્લ દ્વારા અપાયેલી અંજલિ 

મારિયોનાં પુસ્તકો 
મનોહર મલગાંવકરની ‘ઈનસાઈડ ગોઆ’ અને ડોમ મોરીસનાં ‘ધ ઓપન આઈસ’ જેવાં પુસ્તકોમાં મારિયોનાં ઈલસ્ટ્રેશન જોવાં મળે છે. આ એ પ્રતિભાવંત મારિયો છે જેને અમેરિકા, જાપાન. જર્મની.સ્પેન અને ફ્રાંસ જેવાં દેશોએ પોતાને ત્યાં પ્રદર્શન યોજવા તેમજ ત્યાનાં જીવન પરનાં ઈલસ્ટ્રેશન કરવાં સામે ચાલીને આમંત્રણ આપ્યું હતું. મારિયોનું દેશ-વિદેશનાં અનેક પુરસ્કારોથી સમ્માન કરવામાં આવ્યું હતું જેમાં પદ્મશ્રી,પદ્મભૂષણ, પદ્મવિભૂષણ (મરણોપરાંત) અને ઓલ ઇન્ડિયા કાર્ટુનિસ્ટ એસોસિએશન દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડનો સમાવેશ થાય છે. 11 ડીસેમ્બર, 2011નાં રોજ ગોઆ ખાતે આવેલાં પોતાનાં ઘરમાં જ તેમનું પંચ્યાશી વર્ષે અવસાન થયું હતું.

ગુગલ પર વધારે ખાંખાખોળા કરતા Scroll.in પર એક સરસ આર્ટીકલ મળી આવ્યો. એ લેખમાં જણાવ્યા મુજબ મારિયોની 90મી જન્મતિથી નિમિત્તે ગોઆમાં મારિયોની કૃતિઓનું સૌથી વિશાળ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શનમાં મારિયોની પાંચ-દાયકા જેટલી સુદીર્ઘ કારકિર્દીમાં ‘ઈલસ્ટ્રેટેડ વીકલી’ અને ‘ધ ઇકોનોમિક ટાઈમ્સ’ તેમજ અન્યત્ર છપાયેલાં કાર્ટૂન્સ તેમજ ચિત્રોમાંથી 60 જેટલાં કાર્ટૂન્સ અને 14 જેટલાં ચિત્રોની રજૂઆત કરવામાં આવી રહી છે. મારિયોનાં ઘનિષ્ઠ મિત્ર એવાં જેરાર્ડ દ કુન્હા દ્વારા આ પ્રસંગે The Life of Mario – 1949 નામનાં પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવી રહ્યું છે. કાર્ટુનિસ્ટની આ ચિત્રસભર ડાયરી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતાં કેવળ બાવીસ વર્ષનાં મારિયોનાં જીવન પર પ્રકાશ પાડે છે.  આ દ કુન્હા દ્વારા મારિયોનાં પાંચ શ્રેષ્ઠ ઈલસ્ટ્રેશન પસંદ કરવામાં આવ્યાં હતાં. મારિયોનાં હજારો ઈલસ્ટ્રેશન્સમાંથી શ્રેષ્ઠ પાંચ પસંદ કરવાં એ કાઠું કામ તો હતું જ પણ ચાલો, દ કુન્હાએ ચૂંટેલા એ પાંચ જોઈએ તો ખરા...

(૧) ધ બેચલર એપાર્ટમેન્ટ
મુંબઈથી પ્રકટ થતાં ‘કોકટેલ’ નામનાં મેગેઝીન માટે આ ઈલસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. સોનેરી કાગળ પર કરેલાં આ ચિત્રમાં અદભૂત ‘ડીટેઈલિંગ’ જોવાં મળે છે. બેચલર એપાર્ટમેન્ટની આ સૃષ્ટિમાં છે પથારીમાં અધઉઘાડાં સૂતેલાં બે ફક્કડ કુંવારાઓ! એક ચશ્માંધારી બેચલર વાંચી રહ્યાં છે નાબાકોવની ‘અશ્લીલ’ ગણાતી બહુચર્ચિત નોવેલ ‘લોલિતા’ તો બીજાં ભાઈશ્રીનાં પેટ પર ‘કીહોલ’ નામનું મેગેઝીન ઉઘાડું પડ્યું છે જેનાં  કવરપેજ પર ખૂબ જ પાંખા વસ્ત્રો પરિધાન કરેલી કોઈ ફેશન મોડેલ ચમકી રહી છે! અને આ બેય બંદાઓની ની આસપાસ ‘પ્લેબોય’, ‘સેક્સ ઇન સિક્સ લેસન્સ’ જેવાં એડલ્ટ મેગેઝીન્સની જોડે જોડે  ‘કેમેસ્ટ્રી’, ‘કેલ્ક્યુલસ’, ‘એસ્ટ્રોલોજી’ નાં પુસ્તકોનો ય પથારો પડ્યો છે! અને બાકી હોય તેમ રૂમમાં જાતભાતની  ચીજોનો જાણે શંભુમેળો જોઈ લો.

(૨) મેન એટ કોર્નર
1980નાં દાયકામાં જયારે મારિયોએ ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ માટે કામ કરવાનું બંધ કર્યું એ સમયગાળામાં યુનાઈટેડ સ્ટેટ્સ ઈન્ફોર્મેશન સર્વિસીસ દ્વારા એક મહિના માટે મારિયોને અમેરિકા આવવાનું પોતાની ઈચ્છા મુજબનાં ઈલસ્ટ્રેશન્સ કરવાનું નિમંત્રણ મળ્યું હતું. એ સમયે મારીયોએ આ વોટર કલર ઈલસ્ટ્રેશન કર્યું હતું. ન્યુયોર્ક જેવાં મહાનગરમાં કોઈ સડકની કોરે આવેલી દીવાલને અઢેલીને  મોંમાં ઠુંઠીયું નાખીને ઉભેલો કોઈ અકિંચન ભિખારી (?) દેખાય છે. દીવાલ પર ‘આફ્રો-અમેરિકન્સની ઓળખ સમા ‘જાઝ’નાં કાર્યક્રમની  જાહેરખબરનું પોસ્ટર તેમજ ગ્રાફિટી દેખાય છે. સડકની બીજી કોરે આલીશાન ઈમારતો છે જ્યાં વૈભવવિલાસને પોષતાં ‘બાર’ તેમજ ‘પુલ’ ચળકચળક થઇ રહ્યાં છે.

(૩) મંગેશી ટેમ્પલ
ગોઆનું શિવને સમર્પિત એવું  વિખ્યાત મંગેશી ટેમ્પલ પણ મારિયોની પીંછીકારીથી રંગાયું છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ સ્કેચમાં મંદિરનાં સુંદર ઈમારતો અને શ્રદ્ધાળુઓ દ્રશ્યમાન થાય છે.

(૪) વિલેજ બસ

મારિયો વર્ષો અગાઉ ગોઆની જેવી બસોમાં પ્રવાસ કરતા હતાં એ બસ અને તેની સાથે જોડાયેલી બાળપણની સ્મૃતિને આધારે આ ઈલસ્ટ્રેશન બનાવેલું છે. ખાડાખૈયાવાળા રોડ પર ઉછળકૂદ કરતી બસમાં ‘ગણ્યા ગણાય નહિ અને વીણ્યા વીણાય નહિ’ એટલી માત્રામાં પેસેન્જરો ભર્યા છે. બસની છતે ઠાંસોઠાંસ ભરેલો સામાન પાછો જુદો! એમાં ય વળી એક ટોપલામાંથી ઉછળેલી માછલીઓ ખાવાં કાગડાઓનું ઝુંડ આવી પહોચ્યું છે. અરે, મારિયો પોતે પણ અહીં બે વિશાળ સ્તનધારી સ્ત્રીઓની વચ્ચે ગોઠવાઈ ગયાં છે! ‘કોલાહલ’ એ તો પાછો મારિયોનો પ્રિય વિષય ને?

(૫) સ્ટ્રેન્જ હેવીનેસ

‘કોલાહલ’ થી અલગ અને અંગ્રેજીમાં જેને deadpan અથવા dry humour કહે છે તેવા એટલેકે ભાવશૂન્ય ચહેરાઓ થકી વ્યક્ત કરવામાં આવતું હાસ્ય. અહીં દર્દી બનેલી પાતળી પરમાર સ્ત્રી સોગીયા ડાચાંવાળા ડોક્ટરને કહી રહી છે કે હમણાં હમણાં તેને માથું ખૂબ જ ભારે લાગે છે. હ્યુમર પકડવી હોય તો આપણે આ સ્ત્રીને માથે રહેલો  મસમોટો અંબોડો જોવો રહ્યો! આવડો મોટો અંબોડો હોય તો પછી ‘heaviness in the head’ તો લાગે જ ને?

[આરોન રીનીઅરની વેબસાઈટની લીંક: http://aaronrenier.com/
Scroll.in પર મારિયોની 90મી જન્મતિથી નિમિત્તે તેનાં પાંચ ક્લાસિક ડ્રોઈંગસ્ અંગે પ્રકટ થયેલ લેખની લીંક:http://scroll.in/article/807466/on-his-90th-birth-anniversary-five-classic-mario-miranda-drawings]