
ફિલ્મ શોલેમાં જય બનતો અમિતાભ એક મજાનો સંવાદ બોલે છે: “તેરા નામ ક્યા હે, બસંતી?” ફિલ્મમાં તો ચાલો ગમ્મતમાં એ સવાલ પૂછાયો છે પણ ‘શેક્સપીયરની કૃતિઓનો કર્તા કોણ?’ એવો પ્રશ્ન પૂછો તો જવાબ ‘શેક્સપીયર’ મળે એ જરૂરી નથી. ગૂંચવાઈ ગયાં? અરે, આપણે જ નહિ પણ મોટા મોટા વિદ્વાનો પણ શેક્સપિયરની કૃતિઓનાં કર્તુત્વ બાબતે ગૂંચવાયેલા છે. ‘શેક્સપીયર ઓથરશીપ ક્વેશ્ચન’ નામથી વર્ષોવર્ષથી વિદ્વાનોમાં દલીલો ચાલ્યાં કરે છે જે મુજબ અમુક વિદ્વાનોનું મંતવ્ય છે કે શેક્સપીયર નામનો કોઈ માણસ હતો જ નહિ! અને વિદ્વાનોની આ દલીલનું સમર્થન કરનારાં મહાનુભાવોમાં વોલ્ટ વ્હીટમેન, માર્ક ટ્વેન, સિગ્મંડ ફ્રોઈડ, ચાર્લી ચેપ્લીનનો પણ સમાવેશ થાય છે. નાટ્યકાર શેક્સપીયરનો જન્મ એવન નદી પર આવેલાં સ્ટ્રેટફોર્ડ ગામમાં થયો હતો. એટલે, આ ‘સ્ટ્રેટફોર્ડવાળા શેક્સપીયર’નાં સર્જકત્વનો અસ્વીકાર કરનારું એન્ટી- સ્ટ્રેટફોર્ડીયન જૂથ એમ માને છે કે શેક્સપીયર તો એક મુખવટો છે. વાસ્તવમાં, અન્ય લેખક કે લેખકોએ પોતાની કૃતિઓ એને નામે ચડાવી મારી છે. અને આ કહેવાતા ‘શેક્સપીયર’ની ઉમેદવારીમાં પાછાં બે-પાંચ નહિ કુલ ૮૦ લેખકોનાં નામો ચડેલાં છે! એમાં સર ફ્રાન્સિસ બેકન, એડવર્ડ દી વિઅર, ક્રિસ્ટોફર માર્લો તો ઠીક પણ ખુદ ઇંગ્લેન્ડની રાણી એલીઝાબેથનું ય નામ સામેલ છે!
વિદ્વાનોની મુખ્ય દલીલ એવી છે કે શેક્સપીયરનાં નાટકોમાં છલકાતો વૈવિધ્યપુર્ણ વિષયોની માહિતીનો જ્ઞાનભંડાર, રાણી એલિઝાબેથનાં દરબાર અને રાજરંગની ઝાંખીનો પરિચય તો કોઈ ઉમરાવ કોટિનાં ઉચ્ચશિક્ષિત અને રાજદરબાર સાથે ઘરોબો ધરાવનાર માટે જ સંભવ છે. જયારે વિલિયમ શેક્સપીયર પાસે તો પદ્ધતિસરનું શિક્ષણ, ઉમરાવસહજ વ્યવહારુતા, રાજદરબારની ગતિવિધિઓનાં અંતરંગ પરિચયનો તો અભાવ હતો. એટલે, શેક્સપીયર જેવો ‘અર્ધશિક્ષિત’ અને ‘સામાન્ય’ માણસ આવાં ઉત્તમ કોટિનાં નાટકો લખી જ ન શકે. તો પ્રતિપ્રક્ષ એવી દલીલ કરે છે કે શેક્સપીયરની કૃતિઓનાં ટાઈટલ પેજ, અન્ય સમકાલીન લેખકોએ કરેલાં ઉલ્લેખો અને બપ્તિઝ્માંવિધિ (નવજાત શિશુની નામકરણવિધિ), લગ્ન-મરણતિથી, ટેક્સ રેકોર્ડ્સ, દેવાની ચૂકવણી માટે થયેલાં કેસ અને પ્રોપર્ટીની લે-વેચને લગતાં એ સમયનાં અધિકૃત દસ્તાવેજો શેક્સપીયરનું અસ્તિત્વ અને કર્તુત્વ પ્રસ્થાપિત કરે છે. જાણીને નવાઈ લાગશે કે શેક્સપીયરનાં નામની આપણે જે અંગ્રેજી જોડણી કરીએ છે - ‘Shakespeare’ – તે જોડણી તો છેક ૨૦મી સદીમાં રૂઢ થઇ છે. બાકી ત્રણસો વર્ષ સુધી તો તંત્રીઓ-પ્રકાશકો શેક્સપીયરનાં નામની જોડણી બાબતે એકમત નહોતાં! એ તો ઠીક પણ શેક્સપીયર પોતે ય ક્યાં પોતાનાં નામની જોડણી બાબતે એકમત હતો? એ સમયનાં ઉપલબ્ધ દસ્તાવેજોમાં શેક્સપીયરની અલગ-અલગ છ પ્રકારની સહી જોવાં મળે છે જેમાં કોઈકમાં Willm Shakp લખેલું છે, તો કોઈમાં William Shakspere કે પછી William Shakspēr !
તો આવો, ‘શેક્સપીયર’ માટેનાં કેટલાંક પ્રબળ દાવેદારોનો પરિચય કરીએ:
(૧) રાણી એલીઝાબેથ
રાણી એલીઝાબેથ જ શેક્સપીયર હતી એવું માનનાર વિદ્વાનોનો વર્ગ કોઈ અનામી ચિતારાએ દોરેલાં એલીઝાબેથનાં ‘આર્માડા’ પોર્ટ્રેઇટ અને માર્ટીન ડ્રોએશાઉટએ કરેલાં શેક્સપીયરનાં પોર્ટ્રેઇટની સરખામણી કરે છે. તેમનાં મત મુજબ શેક્સપીયરનાં આ પોર્ટ્રેઇટમાં કેટલીક ‘ભેદી સંજ્ઞા’ છુપાયેલી છે. ઈ.સ્. 1995માં લીલીયન શ્વાર્ત્ઝ નામની અમેરિકન કલાવિદને શું સૂઝ્યું કે એણે કમ્પ્યુટર ટેકનીકની મદદ વડે બન્ને ચિત્રોને એકમેક પર ગોઠવીને ‘સ્કેલીંગ’ કરતાં જોયું કે બન્ને ચહેરા અને નાકનકશામાં આશ્ર્ચર્યજનક રીતે ઘણું સામ્ય છે! વિશેષ તો આંખ, નાક અને ચહેરાની ગોળાઈ હુબહુ મળતી આવે છે. બાદમાં ‘સાયન્ટીફીક અમેરિકન’માં છપાયેલાં પોતાનાં એક લેખમાં લીલીયને એવું પ્રતિપાદિત કર્યું કે રાણી એલીઝાબેથ જ પોતે જ શેક્સપીયર ‘હોઈ શકે’ છે.
ઉલ્લેખનીય છે કે જે યુગમાં સ્ત્રીઓ શાળાકીય શિક્ષણથી જોજનો દૂર હતી એ યુગમાં હેન્રી(આઠમાં)ની આ ‘દબંગ’ પુત્રીએ એક રાજકુમારી તરીકે લેટીન,ગ્રીક,ફ્રેંચ, ઇટાલીયન ભાષાઓનું અને અનુવાદકલાનું જ્ઞાન વિલિયમ ગ્રીનડલ અને રોજર એશામ જેવાં માનવતાવાદીઓ પાસેથી મેળવ્યું હતું. જેણે પોતે હોરાસ અને પ્લુટાર્ક જેવાં ક્લાસિકલ લેખકોનાં અનુવાદ કર્યા હોય, કેટલીક કાવ્યરચનાઓ જેનાં નામે બોલતી હોય, જેનાં પ્રવચન અને પત્રાચાર પ્રભાવશાળી હોય તેવી એલીઝાબેથ નાટ્યરસિક ન હોય એ તો સંભવી જ ન શકે ને? એલીઝાબેથ પોતે તો પ્રસંગોપાત નાટકો જોતી અને સર રોજર નાઉનટનનાં કહેવા મુજબ તેણે યુરીપીડીસનાં નાટકનો ગ્રીકમાંથી પોતાનાં નિજાનંદ માટે અનુવાદ પણ કર્યો હતો. આ કલાપારખું રાણીએ પોતાનાં રાજ્યમાં સાહિત્ય અને કળાને ઉત્તેજન આપ્યું હતું પણ હા, આ ક્ષેત્રોમાં સંપૂર્ણપણે પુરુષોનો ઈજારો હતો. અરે, નાટકોમાં જેને મૂછનો દોરો ય ફૂટ્યો નથી એવાં નમણાં યુવાનો સ્ત્રી-પાત્રોનો અભિનય કરતાં. એવાં ઈજારાશાહીનાં સમયમાં અને કદાચ પોતાનાં પદ અને પ્રતિષ્ઠાને ઝાંખપ ન લાગે એટલે એલિઝાબેથે ‘શેક્સપીયર’ તરીકે જ પ્રકટ થવાનું બહેતર ધાર્યું હશે!
(૨) સર ફ્રાન્સિસ બેકન
એલીઝાબેથન યુગનાં અગ્રણી વિચારક, નિબંધકાર, અને કાયદાવિદ્ વૈજ્ઞાનિક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં સર ફ્રાન્સિસ બેકનની ‘શેક્સપીયર’ હોવાની મજબૂત દાવેદારી હોય એ વાત સમજી શકાય એમ છે. છેક 1857માં અમેરિકન લેખિકા ડેલીયા બેકને શેક્સપીયર અને બેકનનાં લખાણોનો તુલનાત્મક અભ્યાસ કરીને એમાં જોવાં મળતી આંખે ઉડીને વળગે એવી સમાનતાઓને આધારે જાહેર કર્યું કે બેકન જ શેક્સપીયર હતો. મિસિસ હેન્રી પોટે 1883માં બેકનની એક કૃતિ ‘Promus’ સંપાદિત કરી ત્યારે જોયું કે શેક્સપીયર અને બેકન બન્નેની 4,440 જેટલી વૈચારિક અભિવ્યક્તિમાં સામ્ય પ્રવર્તે છે. બેકનનાં પક્ષમાં દલીલ મજબૂત થવાનું કારણ ઘણાને મતે શેક્સપીયરનાં નાટકોમાં આવતાં કાયદાકીય ઉલ્લેખો છે.
(૩) એડવર્ડ દી વિઅર , ઓક્સફર્ડનો 17મો ઉમરાવ
રાણી એલીઝાબેથનાં મહત્વનાં દરબારીઓમાંનાં એક એટલે એડવર્ડ દ વેર. દરબારી-કવિ એવાં આ એડવર્ડ દી વિઅરની સાહિત્ય અને નાટકનાં આશ્રયદાતા તરીકે ઘણી નામના હતી. જોન લીલી અને રોબર્ટ ગ્રીન જેવાં એલિઝાબેથન યુગનાં ઉંચા ગજાના લેખકોએ પોતાની કૃતિઓ એડવર્ડ દી વિઅરને અપર્ણ કરી હતી. લંડનનાં નાટ્યમંચ અને નાટ્યમંડળીઓ સાથેનો ઘરોબો, રાણી એલીઝાબેથ અને દરબારનો અંગત પરિચય, ઉચ્ચ શિક્ષણ, અને ખાસ તો શેક્સપીયરનાં નાટકોમાં આવતાં ફ્રાંસ અને ઈટાલીનાં સ્થળો આવરી લેતા પ્રવાસોનાં કારણે એડવર્ડ દી વિઅર જ અસલી શેક્સપીયર હોય એવી શંકા જાય એમાં બેમત નથી. જે. ટોમસ લૂની નામનાં અંગ્રેજીનાં સ્કૂલટીચરને તો ‘હેમ્લેટ’ કૃતિ વાંચીને વિચાર આવ્યો કે હેમ્લેટનો લેખક ચોક્કસ કોઈ દરબારી કવિ જ હોઈ શકે અને વધુ સંશોધનને અંતે એમને એડવર્ડ દી વિઅર અને શેક્સપીયરની કવિતાઓમાં ઘણું સામ્ય જડી આવ્યું. એટલે, 1920માં Shakespeare Identified નામનું પુસ્તક લખીને લૂનીએ એડવર્ડ દી વિઅરને જ શેક્સપીયર તરીકે દુનિયા સમક્ષ ધરી દીધો!
પણ એડવર્ડ દી વિઅરે પોતે શેક્સપીયર તરીકેનો મુખવટો શું કામ રાખવો પડે? તો આ પ્રશ્નનો જવાબ કંઇક એવો મળે કે એલિઝાબેથન યુગમાં ઉમરાવવર્ગનાં લેખકોનો પ્રકાશન પ્રત્યેનો અભિગમ સૂગાળવો હતો અને જાહેરપ્રજાનાં મનોરંજન માટે લખાયેલાં નાટકોનાં લેખક તરીકેનો યશ લેવામાં એમને નાનપ લાગતી હતી.
Was Shakespeare A Fruad? થીમ લઈને 2011માં આવેલી Anonymous ફિલ્મમાં એડવર્ડ દી વિઅરને શેક્સપીયરનાં નાટકોનો ‘અસલી સર્જક’ દર્શાવવામાં આવ્યો છે અને શેક્સપીયરને એક દોંગો નાટ્યકાર!
(૪) ક્રિસ્ટોફર માર્લો:
ઉંમરમાં શેક્સપીયરથી બે મહિના જ નાના અને શેક્સપીયર જેવાં જ સામાન્ય પરિવારમાંથી આવતા કવિ-નાટ્યકાર ક્રિસ્ટોફર માર્લોએ કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં સાડા છ વર્ષ અભ્યાસ કર્યો હતો. અંગ્રેજી નાટકોમાં ‘બ્લેન્ક વર્સ’ ને પ્રચલિત કરવામાં માર્લોનું મોટું યોગદાન છે. 30 May, 1593 નાં માર્લોનું કેવળ 29 વર્ષની વયે ખૂન થયું હતું. એ દિવસે ડેપ્ટફોર્ડમાં આવેલાં ભોજનગૃહ માર્લો પોતાનાં ત્રણ સાથીઓ – ઇન્ગ્રામ ફ્રીઝર, રોબર્ટ પોલી, અને નિકોલસ સ્કીરીસ સાથે હાજર હતો અને કોઈ બાબતે માથાકૂટ થતાં ઇન્ગ્રામ ફ્રીઝરે માર્લોની આંખમાં ખંજર હુલાવી દીધું હતું. પણ માર્લો જ શેક્સપીયર હોઈ શકે એવું માનનારો વર્ગ ધરાર કહે છે કે માર્લોનું મૃત્યુ ઉપજાવી કાઢેલી ઘટના છે જેથી માર્લો પોતાની પર નાસ્તિક મત અને ઈશનિંદા બદલ ચાલનાર મુકદમો અને પરિણામસ્વરૂપ મળનારા શિરોચ્છેદની સજામાંથી છટકી શકે. પછી શેક્સપીયર તો કેવળ મુખોટો, ને વાસ્તવમાં બધી કમાલ તો માર્લોની કલમની! માર્લોનાં અવસાન પછીનાં 13મા દિવસે શેક્સપીયર પોતાની પ્રથમ કૃતિ ‘Venus and Adonis’ રજૂ કરે છે. એટલેકે, માર્લોનું મૃત્યુ = શેક્સપીયરનો જન્મ!
*******************************************
આપણે ત્યાં જેમ ‘સંચિત’નાં કાવ્યો ‘કલાપી’નાં નામે ચડ્યા અને ‘મરીઝ’ની ગઝલો ‘તબીબ’ની ગઝલો થઇ એવું જ કંઇક ઇંગ્લેન્ડનાં આદ્ય નાટ્યકાર શેક્સપીયરની કૃતિઓનાં કર્તુત્વ બાબતે થયું છે. કર્તુત્વ અંગેના દાવા-પ્રતિદાવા ચાલ્યાં કરવાના અને અટકળોનું બજાર પણ ગરમ રહેવાનું પણ સચ્ચાઈ સુધી પહોંચવું હવે અશક્ય લાગે છે કારણકે શેક્સપીયરનાં અવસાનને પણ હવે 400 વર્ષ થયાં છે અને શેક્સપીયરનાં યુગનાં કોઈ નવાં દસ્તાવેજો આપણને સાંપડે એવી શક્યતા નહીવત છે.
‘જગત એક રંગમંચ છે.’ અને ‘વ્હોટ ઇઝ ધેર ઇન નેમ?’ એવું કહી જનાર નાટ્યકાર શેક્સપીયર પોતે જ નામનાં વિવાદમાં સપડાય એ પણ જગતનાં રંગમંચ પર સમય અને નિયતીરૂપી પાત્રો દ્વારા ભજવાતું વધુ એક રસપ્રદ નાટક જ છે ને!
('ગુજરાત સમાચાર'ની રવિપૂર્તિનાં શેક્સપીયર વિશેષાંક અંતર્ગત તારીખ ૨૪-૦૪-૨૦૧૬નાં પ્રકટ થયેલ લેખ)




No comments:
Post a Comment