![]() |
| મણી શંકર મુખરજી /Sankar |
![]() |
| ધ મોન્ક એસ મેન |
આજે વાત કરવી છે ૪ જુલાઈ, ૧૯૦૨નો શુક્રવારનાં દિવસ વિષે. આ દિવસનું વિશેષ મહત્વ એટલાં માટે છે કે સ્વામી વિવેકાનંદનાં જીવનનો આ અંતિમ દિવસ હતો. આ દિવસની સ્વામીજીની દિનચર્યા અને મૃત્યુની ક્ષણોનું વર્ણન રામકૃષ્ણ પરમહંસનાં અનુયાયીઓએ લખેલાં પુસ્તકોમાં નોંધાયેલું છે. પણ સૌપ્રથમ વર્ણન તો જેમને સ્વામી વિવેકાનંદે ‘નિવેદિતા’ નામ આપ્યું હતું એવાં સ્વામીજીનાં આયરીશ અનુયાયી માર્ગરેટ નોબલ તેમની પાસેથી મળે છે.
સ્વામી વિવેકાનંદનાં જીવનનો અંતિમ દિવસ કેવો હતો? ચાલો, એ દિવસનું વિગતવાર વર્ણન જોઈએ:
વહેલી સવારે:
સ્વામી વિવેકાનંદ એ દિવસે સવારે ખાસ્સા વહેલા ઉઠીને પૂજાખંડમાં પ્રાર્થના માટે જાય છે. એમની તબિયત નાદુરસ્ત હોય એવાં કોઈ ચિહ્નો દેખાતા નથી.
સવારે અલ્પાહાર સમયે:
સ્વામી વિવેકાનંદ ઉપસ્થિત તમામ લોકો સાથે મસ્તીમજાક કરે છે. તે હંમેશની માફક ચા-કોફી-દૂધ લે છે. આ વર્ષની પ્રથમ હિલસા માછલી લાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ સ્વામી પ્રેમાનંદ સાથે વાર્તાલાપ તેમજ ગમ્મતમાં વ્યસ્ત છે. પૂર્વ બંગાળનાં લોકોમાં વર્ષની પ્રથમ હિલસા માછલીની પૂજા કરવાનો રીવાજ હોય છે. એની ખબર હોવાથી સ્વામીજી ગમ્મતમાં પૂર્વ બંગાળનાં એક અનુયાયીને આ હિલસા માછલીનું વિધિસર પૂજન કરવાનું કહે છે.
સવારની સહેલ:
સ્વામી વિવેકાનંદ સ્વામી પ્રેમાનંદ સાથે ચાલવા નીકળે છે. વાતચીત દરમ્યાન વચ્ચે સ્વામીજી પ્રેમાનંદને કહે છે: “તારે મને શા માટે અનુસરવું જોઈએ? ઠાકુરે (ઠાકુર એટલે રામકૃષ્ણ પરમહંસ) આનો નિષેધ કરેલો છે. મારાં જેવાં ધૂની થવાની જરૂર નથી.”
સવારનાં 8:30:
સ્વામી વિવેકાનંદે સ્વામી પ્રેમાનંદને કહ્યું: “દરવાજા બંધ કરો. અને મારે માટે પૂજાખંડ તૈયાર કરો.” સ્વામી વિવેકાનંદ ધ્યાન કરવાં માટે એકલાં જ પૂજાખંડમાં જાય છે.
સવારનાં 11:00:
સ્વામીજીની ધ્યાનસાધના પૂર્ણ થાય છે, તેઓ બંગાળીમાં ગાય છે:
કાલી,મારી મા, શું સાચે જ શ્યામ છે?
વસ્ત્રવિહીના, એ શ્યામ ભલે ભાસે,
પણ મારાં હ્રદયકમળને દીપાવે.
સવારનાં 11:30:
ભોજનનો સમય. સ્વામી વિવેકાનંદ હિલસા કરી અને ભાત તેમજ આંબલ (માછલીની એક વાનગી) મજેથી આરોગે છે. તેઓ બોલ્યાં: “એકાદશીનાં ઉપવાસે તો મારી ભૂખ એવી તો ભડકાવી મૂકી છે કે આ વાસણો ય ગળી જવાની મારી લાલસાને વશમાં રાખતાં મને બહુ કષ્ટ પડે છે!”
બપોરનાં 12:30:
સ્વામી વિવેકાનંદ પંદર-વીસ મીનીટ આરામ કરે છે. પછી તે સ્વામી પ્રેમાનંદને કહે છે, “ચાલો ભાઈ! સંન્યાસીએ દિવસ દરમ્યાન નિદ્રા લેવી જોઈએ નહિ... મને આજે ઊંઘ આવી નહિ. ધ્યાન કર્યા બાદ મારું માથું દુઃખે છે.”
બપોરે 1:00થી 4:00:
ત્રણ કલાક સુધી સ્વામી વિવેકાનંદ બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓને પુસ્તકાલયમાં શિક્ષણ આપે છે. વિષય છે: સંસ્કૃત વ્યાકરણ, અને મોટેભાગે, પાણીનીનું ‘લઘુકૌમુદી’. ત્યારબાદ સ્વામીજી થોડાં થાકેલાં જણાય છે.
4:00
સ્વામી વિવેકાનંદ એક પ્યાલોભરીને ગરમ દૂધ પીએ છે અને સ્વામી પ્રેમાનંદ સાથે બેલુર બજાર સુધી ચાલવા નીકળે છે. બન્ને જણા બે માઈલ જેટલું ચાલે છે. છેલ્લે તો સ્વામીજી આટલાં લાંબા અંતરે ચાલ્યાં નથી.
5:00
સ્વામી વિવેકાનંદ મઠ પર પાછાં આવે છે. પ્રાંગણમાં આવેલાં એક આંબા નીચે બેસીને કહે છે, “છેલ્લાં કેટલાંય દિવસથી મને ઠીક નથી લાગતું.” કશ ખેંચ્યા પછી તેઓ બાથરૂમમાં જાય છે અને પાછાં ફરીને કહે છે કે હવે પોતાને સારું લાગી રહ્યું છે. સ્વામી રામક્રિશ્નાનંદનાં પિતા ઈશ્વરચંદ્ર ભટ્ટાચાર્ય સાથે થોડોક સમય વાતો કરે છે.
6:30
કેટલાંક સંન્યાસીઓ ચા પીવે છે. સ્વામી વિવેકાનંદ પૃચ્છા કરે છે કે શું પોતાને પણ એક કપ ચા મળશે?
7:00
પ્રાર્થનાનો ઘંટ વાગે છે એટલે સ્વામી વિવેકાનંદ તેમનાં કક્ષમાં જાય છે. તેમની સાથે બ્રહ્મચારી બ્રજેન્દ્ર છે. સ્વામીજી પોતાની જપમાળા માંગે છે અને બ્રજેન્દ્રને કક્ષની બહાર જવા કહે છે. ગંગાને પેલે પાર પૂર્વ દિશાએ આવેલાં દક્ષિણેશ્વર ભણી મુખ રાખીને સ્વામીજી ધ્યાનમાં બેસે છે.
7:45
![]() |
| શિલોંગમાં બીમાર સ્વામીજી |
સ્વામી વિવેકાનંદ બ્રજેન્દ્રને બૂમ પાડે છે, “મને ગરમી લાગે છે. જરા બારીઓ ખોલી નાખો.”. ફરસ પરની પથારીમાં સ્વામીજી આડા પડે છે. તેમનાં હાથમાં જપમાળા છે. બ્રજેન્દ્રને તેઓ કહે છે, “મને પવન નહિ નાખે તો ચાલશે.. પણ શું તું મારાં પગ દબાવીશ?”
9:00
સ્વામી વિવેકાનંદ પથારીમાં જ જમણી બાજુ પડખું ફેરવે છે.તેમનો જમણો હાથ સહેજ વાર ધ્રૂજે છે. કપાળે પ્રસ્વેદબિંદુઓ તરી આવ્યાં છે. એક નાના બાળકની જેમ સ્વામીજી રડી પડે છે.
9:02 – 9:10
સ્વામીજી ઊંડા ઊંડા શ્વાસ લે છે. તેમનું મસ્તક તકિયાની એક બાજુએ ઝુકી જાય છે, આંખો વિસ્તૃત થઇ ગઈ છે. એક દિવ્ય પ્રકાશ અને સ્મિત તેમનાં ચહેરા પર ઉભરી આવે છે.
9:30
સૌ અનુયાયીઓ દોડી આવે છે. શરૂઆતમાં તો સૌને લાગે છે કે સ્વામીજી સમાધિમાં સરી પડ્યા હશે. સ્વામી બોધાનંદ તેમની નાડી માપે છે અને રુદન કરવાં લાગે છે. ત્યાં હાજર લોકોમાંથી કોઈ બોલી ઉઠે છે, “ઝડપથી દોડો અને ડૉ. મહેન્દ્ર મજમુદારને બોલાવી લાવો.” ડૉ. મજમુદાર તો ગંગાની પેલે પાર બારાનગરમાં રહે છે. સ્વામી પ્રેમાનંદ અને નિશ્ચયાનંદ સ્વામી વિવેકાનંદને સમાધિમાંથી જગાડવા માટે મોટે અવાજે ‘રામકૃષ્ણ’નું નામસ્મરણ પોકારે છે.
10:30
ડૉ. મજમુદાર, સ્વામી બ્રહાનંદ અને સ્વામી શ્રદ્ધાનંદ બેલુર મઠ આવી પહોંચે છે. બન્ને સ્વામીઓ સાંજે કલકત્તામાં હોય છે. ડૉ. મજમુદાર સ્વામી વિવેકાનંદને તપાસે છે અને જુએ છે કે સ્વામી વિવેકાનંદનું હ્રદય ધબકતું બંધ થઇ ગયું છે. સ્વામીજીને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનો પ્રયત્ન પણ નિષ્ફળ નીવડે છે.
12:00
ડૉ મજમુદાર સ્વામી વિવેકાનંદને મૃત ઘોષિત કરે છે. મૃત્યુનાં કારણમાં તેઓ હ્રદયરોગનો હુમલો દર્શાવે છે.
*************************************************************************
![]() |
| સ્વામીજીની સંભવતઃ અંતિમ તસ્વીર |
જાણીને નવાઈ લાગશે કે સ્વામી વિવેકાનંદને 4થી જુલાઈ સાથે બીજો પણ એક સંબંધ છે. સ્વામીજીનાં અમેરિકન અનુયાયી જેમને સ્વામીજી ‘ધીરા માતા’ કહેતાં એવાં સારા બુલ પાસે રહેલાં પત્રો અને દસ્તાવેજો પરથી ખ્યાલ આવે છે કે ઈ.સ. 1898માં સ્વામીજી પોતાનાં કેટલાંક અમેરિકન અને અંગ્રેજ અનુયાયીઓ સાથે કાશ્મીરનાં પ્રવાસે હતાં ત્યારે ચોથી જુલાઈની સવારે એમણે એક કાવ્ય લખ્યું હતું: To The Fourth of July. ચોથી જુલાઈ એટલે તો અમેરિકાનાં મુક્તિદિનની તિથી. સૂર્યનારાયણને ઉદ્દેશીને લખાયેલું અને મુક્તિની ગરિમા કરતું આ કાવ્ય એમણે સવારનાં ઉપહાર સમયે મોટેથી વાંચી સંભળાવવાનું કહ્યું હતું.
માઇગ્રેન, અસ્થમા, અપચો, અનિંદ્રા, ડાયાબીટીસ અને હ્રદયની તકલીફો જેવી વિવિધ વ્યાધિઓથી ગ્રસ્ત સ્વામી વિવેકાનંદ માટે 4થી જુલાઈ, 1904નાં રોજ આવેલો હ્રદયરોગનો ત્રીજા હુમલો જીવલેણ નીવડ્યો. સ્વામી વિવેકાનંદ કહેતાં કે પોતે ચાળીસ પણ પૂરા જોઈ નહિ શકે. અને આ બાબતમાં તેઓ સાચાં પડ્યા. તેમનાં ક્ષરદેહની આવરદા ઓગણત્રીસ વર્ષ, પાંચ મહિના અને ચોવીસ દિવસ ભલે નીવડી હોય પણ તેમનાં અક્ષરદેહ – વિચારો અને કાર્યો – ની આવરદા? ઉમદા વિચારોની આવરદા? એ તો અનંત જ હોય ને?




No comments:
Post a Comment