Wednesday, December 21, 2016

હોલોકોસ્ટ, હેપ્પીનેસ અને જ્યુઇશ હ્યુમર: પરિહાસમાં જ પરિત્રાણ?

**********************************************************************************************
બીજાં વિશ્વયુદ્ધ સમયે જયારે નાઝી રંગમંચ પર જોરશોરથી ‘હેઈલ હિટલર’નાં નારાઓ ગાજતા હતાં ત્યારે પડદાં પાછળ ‘હેઈલ હેપીનેસ’ એવું કહ્યા વગર યાતનાગૃહોની દોજખ જેવી જિંદગીમાં ઘડીભર હેપીનેસનો અનુભવ માણી લેનારા ખમીરવંતા યહૂદીઓ અને એમનાં વિશિષ્ટ હાસ્ય પર એક નજર... 
**********************************************************************************************
ઇતિહાસમાં બીજાં વિશ્વયુદ્ધ વખતે સાઠ લાખ યહૂદીઓનો ભોગ લેનારા નાઝી નરસંહારને  ‘હોલોકોસ્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. હત્યા અને હાસ્ય? અપાર યાતના અને ત્રાસદી વચ્ચે પણ હાસ્ય હોઈ શકે એ વાત ગળે ઉતારવી મુશ્કેલ તો ચોક્કસ લાગે પણ વાત સાચી છે. અંગ્રેજીમાં જેને Gallows Humour એટલેકે ‘ફાંસ્ય હાસ્ય’ કહેવાય એવો વિશિષ્ટ પ્રકારનો પરિહાસ યહૂદી પ્રજા પાસેથી મળી આવે છે. આ ફાંસ્ય હાસ્ય એટલે બેહદ ઘૃણાસ્પદ, ગંભીર અને દુઃખદ સંજોગો અંગેનું હાસ્ય. જેમકે, મોત – યુદ્ધ – ગંભીર વ્યાધિ કે અપરાધ જેવાં વિષયો પરનું હાસ્ય. આપણા એક પ્રખ્યાત શાયર સાહિર લુધિયાનવીનાં એક ગીતનાં શબ્દો છે: ‘મેં ઝીંદગી કા સાથ નિભાતા ચલા ગયાં...હર ફિક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા ગયાં...’ પણ આઉશવિત્ઝ કે બર્જેન-બેલ્સન જેવાં અનેક નાઝી યાતનાકેન્દ્રોમાં સબડતાં યહૂદીઓ માટે ફિક્રનો ધૂમાડો થઇ જવાની જગ્યાએ ગમેત્યારે જીંદગી જ ધૂમાડો થઇ જવાની છે. એવાં સંજોગોમાં ફિક્ર કરીને ય શું લાભ? પરિત્રાણ એટલેકે મુક્તિ શક્ય નહિ હોય એટલે જ એમણે પરિહાસનો આશ્રય લીધો હશે કે? યહૂદી પ્રજાને આ દુર્નિવાર ત્રાસદીમાં બે ઘડી ખુશ રહેવા ખાતર કષ્ટો પર હસી નાખવું જ મુનાસીબ લાગ્યું હશે. યહૂદીધર્મી મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડે ફાંસ્ય હાસ્ય પરનાં પોતાનાં નિબંધમાં આવાં પરિહાસનું એક ઉદાહરણ ટાંક્યું છે: ‘પરોઢીયે એક કેદીને ફાંસી આપવાની હતી. એને ફાંસી માટે માંચડા સુધી લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે તે બોલી ઉઠ્યો: “લે ત્યારે, દિવસની શુભ શરૂઆત થઇ!”’
હોલોકોસ્ટ દરમ્યાન હાસ્ય અથવા તો પરિહાસની ભૂમિકા ત્રણ પ્રકારની રહી હતી: (૧) જે કંઈ અન્યાયી છે તેની સામેની વિરોધચેષ્ઠા (૨) આતતાયીઓની  સામે ટકી રહેવા જરૂરી એવાં  એકાત્મભાવનો સંચાર (૩) અતિશય શારીરિક-માનસિક યાતનાઓ દરમ્યાન પાગલપણા કે હતાશાના હુમલાથી બચીને માનસિક સંતુલન જાળવી રાખવામાં સહાય.
હોલોકોસ્ટનો પરિહાસ મુખ્યત્વે ટુચકા/jokes સ્વરૂપે પ્રકટ થયો છે. યહૂદી યાતનાકેન્દ્રોમાં હિટલરની આત્મકથા Mein Kampf/મારો સંઘર્ષનો  મશ્કરીમાં Mein Krampf એટલેકે ‘મારો થથરાટ’ તરીકે ઉલ્લેખ થતો! હિટલરની આર્ય સર્વોપરિતાની થીયરીની પણ ભારે ઠીઠીયાંઠોળી કરવામાં આવતી. ક્યાં ઉંચાસરખાં, સોનેરીવર્ણનાં અને માંસલ આર્યો અને ક્યાં આ કદકાઠીમાં સાવ વામણાં દેખાતાં હિટલર, ગોબેલ્સ અને ગોરિંગ! હાસ્યનાં પ્રકોપથી તો હિટલર પણ ડરતો. એ જ કારણસર એણે બર્લોત બ્રેખ્ત જેવાં નાટ્યકારને રાષ્ટ્ર વિરોધી ઠેરવી તેનો દેશનિકાલ કરાવ્યો હતો. અસહ્ય નાઝી યાતનાઓ વચ્ચે પણ નાઝીવિરોધી અનેક ટુચકા ફરતા થયેલાં. ટુચકાઓને ‘અસામાજિક પ્રવૃત્તિ’ લેખવામાં આવતી ને એમાંય નાઝીવિરોધી ટુચકાઓ તો બદલ તો રાજદ્રોહનો આરોપ લગાડવામાં આવતો. અને હા, પોતાનાં શ્વાન અને અશ્વને ‘એડોલ્ફ’ નામ આપવા બદલ અનેક લોકોએ જેલની હવા ખાવા જવું પડ્યું હતું... તો કેટલાંકે આવી બાલિશ રમૂજ બદલ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો.

નાઝી યાત્નાકેન્દ્રોની કાળમીંઢ દિવાલોની વચ્ચે જે સંખ્યાબંધ ટુચકાઓ ઉદભવ્યા અને ખાસ્સાં એવાં પ્રચલિત થયેલાં તે હવે સંગ્રહગ્રંથો અને અભ્યાસગ્રંથો દ્વારા ઉપલબ્ધ છે. તો આવો એમાંની કેટલીક પ્રચલિત યહૂદી રમૂજો જોઈએ...
**************************************************************************
બર્લિનમાં બે યહૂદીઓ વાતો કરી રહ્યાં છે.
“કેવું ભયાનક! આપણને સતત કરવામાં આવતી કનડગત, વંશીય ધોરણે ચાલતો ભેદભાવ, ને એ ઓછું હોય એમ પૂરતું રાશન પણ મળે નહિ... ક્યારેક વિચારું છું કે આના કરતાં કાશ આપણે જન્મ્યા જ ન હોત.”
“ ખરી વાત છે તારી.” બીજો યહૂદી બોલ્યો, “ પણ એવો નસીબનો બળિયો તો પચાસ હજારે એક જ હોવાનો, હોં!”
**************************************************************************
એક યહૂદી પિતા પોતાનાં નાનકડાં દીકરાને ભોજન પહેલાં કૃપાળુનો કેવી રીતે પાડ માનવો એ શીખવે છે:
“જો બેટા, જર્મનીની અત્યારની સ્થિતિ જોતાં પાડ માનવા આવું બોલવાનું: ઓ ઈશ્વર અને ઓ હિટલર, તારો આભાર.”
“પણ ધારોકે હિટલર ગુજરી જાય તો?” દીકરો કુતૂહલવશ બોલ્યો.
“તો તારે ખાલી ઈશ્વરનો આભાર માનવો...” પિતાએ ક્ષણનાં ય વિલંબ વિના જવાબ આપ્યો.
**************************************************************************
જર્મન ફોજ યુદ્ધ મોરચે પીછેહઠ કરી રહી હતી એથી વ્યથિત થઈને હિટલર એક જ્યોતિષને બોલાવે છે. હિટલર જ્યોતિષીને પૂછે છે: “શું હું યુદ્ધ હારી જઈશ?”
“હા.” જ્યોતિષે કહ્યું.
“તો શું મારું મોત થશે?” હિટલરે બીજો પ્રશ્ન કર્યો.
“હા.”
“ મારું મોત ક્યારે થશે?”
“યહૂદીઓનાં ઉત્સવનાં દિવસે તમારું મોત થશે.”
“પણ ક્યાં ઉત્સવનાં દિવસે?”
“જે પણ દિવસે તમે મરશો એ દિવસ યહૂદીઓ માટે તો ઉત્સવ જ હશે.”
**************************************************************************
એલીઝર વિઝ્લ નામનાં એક યહૂદી લેખકન કેટલોક સમય આઉશ્વીત્ઝ છાવણીમાં કેદ હતાં. ત્યાંથી છૂટકારા બાદ તેમણે Night નામનો સ્મરણગ્રંથ લખ્યો હતો. જેમાં બંધકછાવણીમાં કેવાં પ્રકારનું હાસ્ય જોવાં મળતું એ અંગે તેઓ લખે છે:
ટ્રેબલીંકામાં  દિવસભરનો અમારો આહાર હતો વાસી બ્રેડનાં કેટલાંક ટુકડા અને સડેલો સૂપ. એક કેદી તેનાં સાથી કેદીને કહી રહ્યો છે: “એય મોશે, અકાંતરિયાની માફક બહુ ખા-ખા ના કરીશ...તારો ભાર જેમણે ઊંચકવાનો છે એવાં અમારી જરીક તો દયા ખા...”
લાશનો ભાર ઊંચકવા જેવી ધૃણાસ્પદ બાબત પર પણ રમૂજ કરી શકે એ તો યહૂદી ખમીર જ હોય.



No comments:

Post a Comment