સામ્યવાદને તાંણે અને જુલમી શાસનને વાંણે
પોણી સદી સુધી લોખંડી પડદાં તળે રહીને કંટકછાયા પથ પર ભાંખોડિયા ભરતાં યુનિયન ઓફ
સોવિયેત સોશલિસ્ટ રીપબ્લિકસ્ (U.S.S.R)નું
26 ડીસેમ્બર, 1991માં પંદર ટુકડાઓમાં વિઘટન થયું.
વિઘટનની સાથે જ સોવિયેત સંઘ–અમેરિકા વચ્ચેનાં ભારે ઉતારચડાવવાળા ‘કોલ્ડવોર’ નો અંત
આવ્યો. સામ્યવાદની નાગચૂડમાંથી રશિયાની મુક્તિની તાજેતરમાં જ ઉજવાયેલી સિલ્વર
જ્યુબીલી નિમિત્તે પ્રસ્તુત છે રશિયન પોલીટીકલ જોક્સનો રસથાળ.
સોવિયેત સંઘમાં તો જાહેરમાં ઉંહકારો ય
ભરો તો તમે સરકારવિરોધીમાં ખપી જાઓ એવા માહોલમાં અખબારો કે ટી.વી. પર તો આવી રમૂજો
રજૂ ન જ થાય પણ છતાંય આ રાજકીય રમૂજો ખાસ્સી પ્રચલિત હતી. રાજકીય રમૂજ કહેવી એ તો
સોવિયત પીનલ કોડનાં આર્ટીકલ 58 હેઠળ દેશવિરોધી અને ફાંસીની સજાને
પાત્ર અપરાધ ગણવામાં આવતો. ઇતિહાસજ્ઞ રોય મેદવેદેવનાં સંશોધન પ્રમાણે નહિ નહિ તો ય
૨,૦૦,૦૦૦ લોકોનેલોકોને રાજકીય રમૂજ કરવાં બદલ જેલમાં
ધકેલી દેવાયા હતા.
અહીં રજૂ કરેલી રાજકીય રમૂજોમાં
રશિયાનાં વિવિધ શાસકોનો અત્યાચારી સ્વભાવ, હથેળીમાં ચાંદ દેખાડતાં સામ્યવાદી નેતાઓ
અને એમની બાઘાઈ, ફરજીયાત ઠોકી બેસાડેલા સામ્યવાદને કારણે આમ પ્રજાને પડતી હાલાકી,
વૈજ્ઞાનિક ક્ષેત્રે વૈશ્વિક ડંકાની સામે ઘરઆંગણે ખાડે ગયેલું અર્થતંત્ર, વિરોધપક્ષ
અને વાણી સ્વાતંત્ર્યનો સદંતર અભાવ તેમજ સેન્સરશીપ, ફૂલગુલાબી ચિત્રો રજૂ કરતા સામ્યવાદી
પક્ષ અને સરકારનાં વાજીંત્રો જેવાં સંચાર માધ્યમો, લુચ્ચી લોંકડી જેવી જાસૂસી
સંસ્થા KGBની કુટિલ કામગીરી, સરકાર વિરોધીઓથી છલકાતા સાયબીરીયાંનાં ગુલાંગ જેલખાનાઓ
અને વૈતરાગૃહો પર ક્યારેક નર્મમર્મ તો ક્યારેક બળબળતો કટાક્ષ વ્યક્ત થયો છે.
x x x x x x x x x x x x
![]() |
| ઘુરીયલ સ્વભાવનો રશિયન પ્રમુખ સ્તાલિન |
એક વખત પક્ષની બેઠકમાં જોસેફ સ્તાલિન ભાષણ આપી
રહ્યાં હતાં ત્યારે અચાનક કોઈએ જોરથી છીંક ખાધી.
“કોણ છીક્યું હમણાં?” ઘુરીયલ સ્વભાવનાં સ્તાલિને ત્રાડ નાખી.
બેઠેલાંમાંથી કોઈની હરફ પણ ઉચ્ચારવાની હિંમત નહોતી.
“પહેલી હરોળમાં બેઠેલાં તમામનું કાસળ કાઢી નાખો.” સ્તાલિનનો આદેશ છૂટ્યો.
“ફરી પુછું છું. તમારામાંથી કોણે છીંક ખાધી હમણાં?”
“કોણ છીક્યું હમણાં?” ઘુરીયલ સ્વભાવનાં સ્તાલિને ત્રાડ નાખી.
બેઠેલાંમાંથી કોઈની હરફ પણ ઉચ્ચારવાની હિંમત નહોતી.
“પહેલી હરોળમાં બેઠેલાં તમામનું કાસળ કાઢી નાખો.” સ્તાલિનનો આદેશ છૂટ્યો.
“ફરી પુછું છું. તમારામાંથી કોણે છીંક ખાધી હમણાં?”
બેઠકમાં
સોપો પડી રહ્યો.
“બીજી હરોળમાં બેઠેલાં તમામનો ફેંસલો આણી દો.” સ્તાલિને ફરી હુકમ છોડ્યો.
“બીજી હરોળમાં બેઠેલાં તમામનો ફેંસલો આણી દો.” સ્તાલિને ફરી હુકમ છોડ્યો.
“છેલ્લી વાર પુછું છું: કોણ છીક્યું હમણાં?”
સ્તાલિન ગર્જ્યો.
છેવટે એક માણસ ધ્રૂજતા ધ્રૂજતા ઉભો થયો અને
હળવેકથી બોલ્યો: “મેં છીં-ક ખા-ધી હ-તી, કો-મ-રે-ડ સ્તા-લિ-ન.”
“ભલું થાય તારું! ઠીક છે...ચાલો, પાછાં મૂળ
મુદ્દા પર આવીએ.”
************************************************************
************************************************************
રશિયાએ કબજે કરેલાં ઈસ્ટ જર્મનીનાં ત્રણ નાગરિકો
જેલમાં બેસીને તેઓ અહીં કેમ કરતા આવી પડ્યા એની ચર્ચા કરી રહ્યાં હતાં.
પહેલો કેદી: “અરે, શું
કહું? હું તો કામ પર એક કલાક મોડો પહોંચ્યો એટલે મારી પર ભાંગફોડીયો હોવાનો આરોપ
લગાવીને અહીં રવાના કરી દીધો.”
બીજો કેદી: “લે ત્યારે! હું તો કામ પર એક કલાક
વહેલો પહોંચ્યો તો મારાં માથે જાસૂસીનો આરોપ લગાડીને અહીં મોકલી આપ્યો.”
ત્રીજો કેદી: “રે રે! હું તો કામ પર સમયસર જ
પહોંચ્યો હતો, એટલે એમણે મારી પાસે અમેરિકન ઘડિયાળ હોવાનો આરોપ લગાવી અહીં પાર્સલ
કરી દીધો.”
****************************************************************
****************************************************************
એક વખત મોસ્કોનાં રહેવાસીને પૂછવામાં આવ્યું કે
અમેરિકા અને રશિયાનાં બંધારણમાં શું તફાવત છે ત્યારે તેણે કહ્યું: “બંનેમાં વાણીસ્વાતંત્ર્યનો સ્વીકાર
થયેલો છે, પણ અમેરિકાનાં બંધારણમાં વાણીનું ઉચ્ચારણ કર્યા પશ્ચાતનાં સ્વાતંત્ર્યનો પણ સ્વીકાર થયેલો
છે.”
********************************************************
એક અમેરિકન
અને રશિયન રાજનીતિ અંગે વિવાદ કરી રહ્યાં હતાં. “અમેરિકા તો એવો મહાન દેશ છે કે
મારાં દેશમાં કોઇપણ વ્યક્તિ સીધી જ વ્હાઈટ હાઉસ પર જઈને છડેચોક બધાં સાંભળે એમ
બરાડી શકે છે: ‘અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ તો સાવ બેવકૂફ અને બદમાશ છે.’”
આ
સાંભળીને રશિયન હસ્યો અને બોલ્યો, “લે એમાં શું ધાડ મારી! મારાં દેશમાં પણ કોઇપણ વ્યક્તિ
સીધી જ ક્રેમેલીન આગળ જઈને છડેચોક બધાં સાંભળે એમ બરાડી શકે છે: ‘અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ તો સાવ બેવકૂફ અને
બદમાશ છે.’”
**********************************************************
જયારે
અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ રીચાર્ડ નિક્સન મોસ્કોની મુલાકાતે હતાં ત્યારે સોવિયેત
પ્રમુખ નિકીતા ખ્રુશ્ચેવે ક્રેમેલીન ફરતે નિક્સન અને પોતાની વચ્ચે દોડસ્પર્ધાનું
આયોજન કર્યું. એ દોડસ્પર્ધામાં નિક્સન પ્રથમ આવ્યા. આવી અણધારી પરિસ્થિતિથી
ગૂંચવાયેલા સોવિયેત પત્રકારે પોતાનાં તંત્રીને પૂછ્યું: “આપણા પ્રસાર માધ્યમોમાં આની કેવી રીતે નોંધ
લેવી?” અને કોઠાડાહ્યા તંત્રીએ પત્રકારની મૂંઝવણનું નિરાકરણ કરતા કહ્યું, “રીપોર્ટમાં
એમ લખજે કે આંતરરાષ્ટ્રીય દોડસ્પર્ધામાં આપણા સોવિયેત વડાએ બીજાં નંબરનું
ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું. અને નિક્સન છેલ્લેથી બીજાં સ્થાને રહ્યા હતા.”
*****************************************************************
સ્કૂલમાં
ભણતી એક છોકરીને તેની શિક્ષિકાએ ઘરકામમાં લખીને લાવવા માટે વિષય આપ્યો: ‘હું
સોવિયેત સંઘને ચાહું છું કારણકે...’” તે છોકરી ઘરે જાય છે અને પોતાનાં પિતાને પૂછે
છે, “પપ્પા, તમે સોવિયેત સંઘને કેમ ચાહો છો?”
“હું
ક્યાં ચાહું છું? અરે! હું તો એને ભારોભાર નફરત કરું છું, નફરત!” પિતાએ રોષથી જવાબ
આપ્યો.
છોકરી
પોતાની મા પાસે દોડી ગઈ. માએ છણકો કરતા પિતાએ આપેલો એવો જ જવાબ આપ્યો એટલે પછી
છોકરી પોતાનાં ભાઈ પાસે ગઈ. ભાઈએ પણ સખ્ત શબ્દોમાં સોવિયેત સંઘની ઝાટકણી કાઢી
નાખી.
પછી
છોકરી પોતાનાં રૂમમાં ગઈ અને લેસન કરવાં બેઠી. તેણે લખ્યું, ‘હું સોવિયેત સંઘને
ચાહું છું કારણકે તેને બીજું કોઈ ચાહતું નથી...’
*******************************************************
અમેરિકા
અને રશિયા વચ્ચે શીતયુદ્ધનો માહોલ ચાલી રહ્યો હતો એ વખતે બે રશિયન વ્યૂહકારો અમેરિકાને
ખતમ કેવી રીતે કરી શકાય એ માટેની રણનીતિ વિચારતા હતા.
“આપણે
એક વસ્તુ એ કરી શકીએ કે નાનાં નાનાં ડઝનેક અણુબોમ્બ બનાવીને એમને સૂટકેસોમાં ભરીને
અમેરિકાનાં મોટા શહેરોમાં બિછાવી દઈએ.” એક વ્યૂહકારે પ્રસ્તાવ મૂક્યો.
“બિલકુલ
અસંભવ.” બીજાં વ્યૂહકારે ડોકું ધુણાવતા કહ્યું.
“ પણ
કેમ? આપણે ધારીએ એટલી સંખ્યામાં નાનાં અણુબોમ્બ બનાવી શકીએ છે.”
“એ તો
જાણે સમજ્યા પણ એટલી સંખ્યામાં સૂટકેસ ક્યાંથી લાવીશું?”
**********************************************************
![]() |
| રશિયન જાસૂસી સંસ્થા કેજીબીનો લોગો |
એક
પુરાતત્વવિદને ઈજીપ્તમાં મમી મળી આવે છે. મમી કેટલાં વર્ષ પુરાણું છે એ વિષય પર
આંતરરાષ્ટ્રીય બહેસ છેડાઈ જાય છે. મમીની વિવિધ દેશોનાં નિષ્ણાતો પાસે ચકાસણી
કરાવવામાં આવે છે.
સૌથી
પહેલાં તો અમેરિકન નિષ્ણાતો મમીને તપાસે છે અને જાહેર કરે છે કે મમી 3,000 વર્ષ
પ્રાચીન છે.
પછી
જાપાનીઝ નિષ્ણાતોનો વારો આવે છે. તેઓ સઘન તપાસને અંતે જાહેર કરે છે કે મમીની ઉંમર 2,953 છે.
હવે
વારો આવે છે રશિયન નિષ્ણાતોનો. મમીની જાંચપડતાલ પછી તેઓ જાહેર કરે છે: ‘મમીની આયુ
છે: 2,953 વર્ષ, 5 મહિના, 2 અઠવાડિયા અને 4 દિવસ.’ સૌ ચોંકી ઉઠે છે કે રશિયન નિષ્ણાતોએ આટલી
ચોકસાઈથી મમીની ઉંમર કેવી રીતે શોધી? તો જવાબમાં રશિયન નિષ્ણાતો કહે છે: “અમે
મમીને KGB પાસે
લઇ ગયાં અને મમીએ પોતે તેની મારપીટ પછી આ કબૂલ કર્યું છે.”
***********************************************************
અમેરિકન
પ્રમુખ કાર્ટર રશિયન પ્રમુખ બ્રેઝનેવને પૂછે છે: “તમે શેનો સંગ્રહ કરી રહ્યાં છો?”
બ્રેઝનેવ:
“ખાસ કંઈ નહિ. પોલીટીકલ જોક્સનો સંગ્રહ કરી રહ્યો છું.”
કાર્ટર:
“ભારે રસપ્રદ! અત્યાર સુધી કેટલો સંગ્રહ થયો એ જાણી શકું?”
બ્રેઝનેવ:
“ઓહ! લગભગ પાંચેક જેલખાનાંઓ ભરાય એટલો તો ખરો.”
*************************************************************
1929માં
પોતાની પચાસમી વર્ષગાંઠે સ્તાલિને જનતા સમક્ષ જાહેરાત કરી, “હું કામદાર વર્ગ માટે
મારું રક્ત વહાવી નાખવા કટીબદ્ધ છું. ટીપે ટીપે...”
ત્યાં
જનમેદનીમાંથી કોઈએ મંચ પર એક ચિઠ્ઠી મોકલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, “કોમરેડ
સ્તાલિન, ટીપે ટીપે કેમ? એક સાથે જ શા માટે નહિ?”
**********************************************************
જો તમે સોવિયેત સંઘનાં નાગરિક હોવ અને સાથેસાથે
બૌદ્ધિક પણ હોવ તો તમારે માટે પાંચ સ્વર્ણિમ
સલાહ: વિચારશો નહિ. જો વિચારો – તો ભૂલેચૂકે વિચારો વ્યક્ત કરશો નહિ. જો વિચારો
અને કોઈની આગળ વ્યક્ત પણ કરી નાખ્યાં – તો તેને કશે ઠેકાણે લખશો નહિ. જો તમે
વિચારો છો, બોલો છો અને લખો છો – તો મહેરબાની કરીને એ લખાણ નીચે સહી ન કરતા. જો
તમે વિચારો, બોલો, લખો અને લખાણ નીચે સહી પણ કરો છો... તો પછી આગળઉપર તમારું જે
થાય એનાથી સહેજે ચોંકશો નહિ.
******************************************************************
![]() |
| રશિયાનાં વૈતરાગૃહનું એક દ્રશ્ય |
આર્મેનિયન
રેડિયોને પૂછવામાં આવ્યું, “ શું લેબર કેમ્પસની સ્થિતિ ખૂબ સરસ છે એ વાત સાચી છે?”
આર્મેનિયન રેડિયો દ્વારા જવાબ મળ્યો, “ હા, બિલકુલ સાચી વાત છે. પાંચ વર્ષ અગાઉ
આપણા એક શ્રોતાએ આ જ સવાલ કર્યો હતો, અને એનાં લીધે એને આવાં જ એક કેમ્પમાં જવું પડ્યું હતું, કદાચ
પરિસ્થિતિની સમીક્ષા કરવા. પણ હજુ એ શ્રોતા ત્યાંથી પરત ફર્યો નથી. અને અમને
જણાવવામાં આવ્યું છે કે એને ત્યાં ગોઠી ગયું છે.”
*****************************************************************
પ્રશ્ન:
“અમેરિકન પરીકથા અને રશિયન પરીકથામાં શું તફાવત રહેલો છે?”
જવાબ: “અમેરિકન
પરીકથાની શરૂઆત કંઇક આ રીતે થાય, “ એક વાર એવું બન્યું હતું કે...” અને રશિયન પરીકથાની શરૂઆત આ રીતે થાય, “એક દિવસ એવું બનશે
કે...”
***********************************************************************
સિવિલ
વોર ચાલી રહ્યું હતું એ વખતે અચાનક રશિયામાં દુકાળ પડ્યો. અન્નનાં અભાવે ટળવળતા
ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ લેનિનને રજૂઆત કરવાં ગયું. એક ખેડૂતે લેનિનને કહ્યું,
“અમે ઘોડાઓની માફક ઘાસ ખાવા મજબૂર થઇ ગયાં છે...જો આમને આમ ચાલ્યું તો અમે થોડાં
સમયમાં ઘોડાની જેમ હણહણતા જોવાં મળશું.”
ત્યારે લેનિને એમને ધરપત આપતાં કહ્યું,” અરે મારા ભોળિયા ભાઈ! ચિંતા કરવાની
જરૂર નથી. જો અહીં અમે મજાથી ચા સાથે મધ
લઈએ છે...ને તું જોઈ શકે છે કે અમે ક્યાં મધમાખીની જેમ બણબણી રહ્યાં છે. બસ
ત્યારે!”
***********************************************************************
શાળાનાં
ભૂલકાઓને એક વાર બગીચાની મુલાકાતે લઇ જવામાં આવ્યા. ત્યાં એમણે સસલાનું એક નાનું
બચ્ચું જોયું. શહેરમાં રહેતાં આ ભૂલકાઓએ તો ક્યારેય સસલું જોયું હોય નહિ. ત્યાં જ
શિક્ષકે વળી પૂછ્યું, “ તમે જાણો છો આ શું છે?” અને ટાબરાં મૂંગા રહ્યાં. એટલે
શિક્ષકે એમને કહ્યું, “ ચાલો છોકરાઓ...આ એ પાત્ર છે જેને આપણે વાંચીએ છે એ બધી
વાર્તાઓમાં, ગીતોમાં અને કવિતાઓમાં તમે હંમેશા જોયું છે. હવે મને કહો જોઈએ આ શું
છે?” છેવટે એક ટાબરિયું સસલાંનાં બચ્ચાંને પસવારતા બોલી ઉઠ્યું, “ ઓ...લેનિન
દાદા, તો તમે આવાં દેખાઓ છો એમને!”
***************************************************************
May Dayની પરેડ વખતે એક ઘરડાખખ યહૂદીનાં હાથમાં રહેલાં
પ્લેકાર્ડમાં વંચાતું હતું, “મારાં ખુશહાલ બાળપણ માટે કોમરેડ સ્તાલિનનો આભાર!” સામ્યવાદી પક્ષનો એક
પ્રતિનિધિ આ યહૂદી ડોસલા પાસે ધસી ગયો અને
એનો ઉધડો લેવા માંડ્યો, “આ શું માંડ્યું છે તે? શું તું અમારી મજાક ઉડાવે છે? અહીં
હાજર સૌ કોઈ જાણે છે કે તું જયારે બાળક હતો ત્યારે સ્તાલિન તો જન્મ્યા પણ નહોતા!”
ડોસાજી બોલ્યાં, “એટલેસ્તો હું એમનો આભાર માનું છું!”
*******************************************************************
![]() |
| અણુશસ્ત્રો પર સવાર ખ્રુશ્ચેવ અને કેનેડી |
ખ્રુશ્ચેવ
એક વખત ભૂંડઉછેર કેન્દ્રની મુલાકાતે ગયાં. અહીં એમની તસ્વીર ખેંચવામાં આવી.
અખબારની ઓફિસમાં એ તસ્વીર નીચે શું લખવું એ અંગે ભારે ચર્ચાવિચારણા ચાલી. ‘ભૂંડ
વચ્ચે કોમરેડ ખ્રુશ્ચેવ’, ‘ કોમરેડ ખ્રુશ્ચેવ અને ભૂંડ’, ‘ કોમરેડ ખ્રુશ્ચેવની
આસપાસ ભૂંડ’ – આવાં બધાં કેપ્શન વિચાર્યા બાદ યોગ્ય ન લાગતા રદ્દ થઇ ગયાં. છેવટે તંત્રીએ ચૂકાદો
આપ્યો. લખો: ‘ ડાબેથી ત્રીજે – કોમરેડ ખ્રુશ્ચેવ.’
************************************************************************
એક વખત
ભાષણ આપ્યાં પછી લીઓનીદ બ્રેઝનેવે એમનાં સ્પીચરાઈટરને ઝાટક્યો, “મેં પંદર મિનીટનું
ભાષણ માંગ્યું હતું ત્યારે તે પિસ્તાળીસ મિનીટનું ભાષણ કેમ પધરાવી દીધું.?” ત્યારે
સ્પીચરાઈટરે ખુલાસો કર્યો, “ સાહેબ, મેં તો તમને એ ભાષણની ત્રણ નકલો આપી હતી.”
******************************************************************
![]() |
| ક્રેમેલીન : સામ્યવાદી સત્તાનો ગઢ |
એક માણસ
શરાબનાં પીઠાની બહાર કતારમાં ઉભો હતો. ગોર્બાચેવ દ્વારા લાગુ કરેલાં પ્રતિબંધોને
કારણે કતાર ઘણી લાંબી લાગતી હતી. પેલાં માણસનું ભેજું છટક્યું અને ચિલ્લાઈ ઉઠતાં
એણે કહ્યું, “આવી કતારમાં ઉભાં રહી રહીને મારો દમ નીકળી ગયો...ગોર્બાચેવને હું
ધિક્કારું છું અને હમણાં જ ક્રેમેલીન જઈને એમનું ખૂન કરી નાખું છું!” બરાબર ચાળીસ
મિનીટ પછી એ માણસ પીઠા પર પાછો આવે છે અને ઠોંસા મારીને કતારમાં જ્યાં અગાઉ એની
જગ્યા હતી ત્યાં ચૂપચાપ ગોઠવાઈ જાય છે. કતારમાં ઉભેલાં લોકો એને પૂછે છે કે શું
ગોર્બાચેવનું ખૂન કરવામાં એ સફળ રહ્યો કે કેમ. ત્યારે એ માણસ જવાબ આપે છે. “ના.
હું આવેશમાં ક્રેમેલીન ભણી ધસી તો ગયો પણ જઈને જોઉં છું તો ત્યાં ગોર્બાચેવનું ખૂન
કરી નાખવા માટે એકઠાં થયેલા લોકોની અહીંથી પણ લાંબી કતાર હતી!”
************************************************************************
![]() |
| પ્રવદા વાંચતા લેનિન |
રોજ
સવારે એક માણસ ન્યુઝપેપરનાં ઠેલા પર આવે અને પ્રવદાની નકલ ખરીદે, પહેલે
પાને નજર ફેરવે અને પછી નજીકની કચરાપેટીમાં છાપાનો ઉલાળિયો કરીને ચાલ્યો જાય. એક દિવસ ન્યુઝપેપર વિક્રેતાએ તેને પૂછી જ
લીધું, “ઉભાં રહો મહાશય! હું રોજ જોઉં છું કે તમે સવારમાં મારી પાસેથી પ્રવદાની
નકલ ખરીદો છો અને એને ખોલ્યાં વગર જ આખેઆખું કચરાપેટીમાં પધરાવી દો છો. તો પછી તમે
છાપું ખરીદો છો શા માટે?” પેલાં માણસે જવાબ આપ્યો, “મને છાપાનાં ફક્ત પહેલાં
પાનામાં જ જ રસ છે. ત્યાં હું અવસાનનોંધ શોધી રહ્યો છું.” વિક્રેતાએ કહ્યું, “પણ અવસાનનોંધ તો કંઈ પહેલાં
પાને થોડી આવે?” ત્યારે માણસે કહ્યું, “જોજે ભાઈ, હું છાતી ઠોકીને કહું છું કે એ
અવસાનનોંધ તો છાપાનાં પહેલાં પાને જ આવશે!”
************************************************************************
એક વાર
એક અમેરિકન કૂતરો, પોલીશ કૂતરો અને રશિયન કૂતરો ભેગાં બેઠાં હતા. અમેરિકન કૂતરો
ઉત્સાહથી બોલ્યો, “મારાં દેશમાં તો તમે ભસો તો લોકો જ લોકોને સંભળાય અને પછી તેઓ
માંસ ખાવા આપે.” ત્યારે પોલીશ કૂતરો બોલ્યો, “માંસ કોને કહેવાય?” ને સોવિયત કૂતરો
બોલ્યો, “ભસવું કોને કહેવાય?”
************************************************************************
એક વાર
ફેક્ટરીમાં મીટીંગ ભરાઈ હતી. ભાષણ માટે
આવેલાં સામ્યવાદી પક્ષનાં સ્થાનિક વડાએ સોવિયેત સંઘનાં ઉજ્જવળ ભવિષ્યના ફૂલગુલાબી
સપનાં દેખાડ્યા. “ જુઓ મિત્રો, આ પંચવર્ષીય યોજના પૂર્ણ થયે દરેક કુટુંબ પાસે
પોતાનું ઘરનું ઘર હશે. અને આના પછીની
પંચવર્ષીય યોજના પૂર્ણ થયે દરેક પાસે પોતાની કાર હશે...ને એની ય પછીની પંચવર્ષીય
યોજના પછી તો દરેક કુટુંબ પાસે પોતાની માલિકીનું વિમાન હશે!” શ્રોતાઓમાંથી એકે પૂછ્યું, “પણ એ વિમાનનું અમે
કરશું શું?” ત્યારે એ સામ્યવાદી નેતા બોલ્યા, “કેમ? જુઓ હું સમજાવું. ધારો કે કોઈ
વાર તારા શહેરમાં બટાકાની અછત સર્જાઈ તો? તો નો પ્રોબ્લેમ! ઉડીને મોસ્કો પહોંચો
અને ત્યાંથી બટાકા ખરીદો!”
***************************************************************************
એક વખત
એક માનસિક સારવારગૃહમાં નિરીક્ષણ અધિકારીઓની મુલાકાત હતી. એમનાં સ્વાગતમાં
દર્દીઓનાં એક જૂથે કોઈ પ્રચલિત ફિલ્મનું ગીત ગાયું, “રશિયન ભોમકા કેવી
નિરાળી...ચોમેર બસ હરિયાળી...” અધિકારીઓએ જોયું કે ખૂણામાં ઉભેલો એક માણસ ગીત નથી
ગાઈ રહ્યો. તેને પૂછ્યું, “ કેમ ભાઈ, તું ગાતો કેમ નથી?” પેલો માણસ બોલ્યો, “હું કંઈ ગાંડો નથી, હું તો
અહીંનો નર્સ છું.”
***************************************************************************
એક
રશિયન, ફિરંગી અને અંગ્રેજ આદમની રાષ્ટ્રીયતા બાબતે ચર્ચા કરતા બેઠાં હતા.
ફિરંગીએ
કહ્યું, “આદમ ફિરંગી હતો... જુઓને, એ ઇવને કેવો ઉત્કટ પ્રેમ કરતો હતો!”
અંગ્રેજ
બોલ્યો, “ ના રે! આદમ તો અંગ્રેજ હતો. સાચાં જેન્ટલમેનની માફક એણે પોતાની પાસેનું
એક માત્ર સફરજન ઇવને ધર્યું હતું.”
હવે
રશિયન બોલ્યો, “ તમે બેય ખોટા છો. આદમ રશિયન હતો. કેમકે એકમાત્ર સફરજન હાથમાં
થામીને નવસ્ત્રા ફરવા છતાંય પોતે જ્યાં
રહે છે એને સ્વર્ગ માનવા બીજું તો કોણ તૈયાર થાય?”
*********************************************************************
સામ્યવાદી
પક્ષનાં સભ્યપદ માટેનાં અરજીપત્રકમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો: ‘સોવિયેત
સરકાર પ્રતિ તમારું વલણ કેવું છે?’ એક અરજીકર્તાએ જવાબમાં લખ્યું, ‘મારી પત્ની
પ્રત્યે હોય એવું.’ આ અંગે વિશેષ સ્પષ્ટતા કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે
કહ્યું, “શરુ શરૂમાં તો હું મારી પત્નીને પ્રેમ કરતો, પછી એનાથી ડરતો થયો ને હવે
તો થાય છે કે આની જગ્યાએ બીજી હોત તો સારું.”
***************************************************************
![]() |
| યુ.એસ.એસ.આરનાં સામ્યવાદી શાસકો |
સ્તાલિન,
ખ્રુશ્ચેવ, બ્રેઝનેવ અને ગોર્બાચેવ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યાં હતા. એકાએક ટ્રેન
અટકી પડી અને ચારે નેતાઓ શું કરવું એની ચર્ચામાં પડ્યા.
સ્તાલિન
બોલી ઉઠ્યો, “ ટ્રેનનાં ચાલકને વીંધી નાખીએ.”
ખ્રુશ્ચેવ
બોલ્યાં, “ના ના. એને સુધારગૃહમાં મોકલી દઈએ.”
બ્રેઝનેવે
કહ્યું, “ ચાલો, બારીનાં પડદાં પાડી દઈએ અને માની લઈએ કે ટ્રેન ચાલુ જ છે.”
છેલ્લે
ગોર્બચેવે પ્રસ્તાવ મૂક્યો, “ ના કોમરેડસ્, ચાલો આપણે સૌ બહાર નીકળીને ટ્રેનને જરા
ધક્કો મારીએ.”
***********************************************************************
એકવાર
સ્તાલિનને મળવા યુરાલથી કામદારોનું એક પ્રતિનિધિમંડળ આવેલું. મુલાકાત પૂર્ણ થયા
પછી સ્તાલિને પોતાની ચલમ માટે આજુબાજુ નજર નાખી. પણ ચલમ ક્યાંય નહિ દેખાતા એણે KGBનાં ચેરમેન લાવરેન્તી બેરિયાને ફોન કર્યો અને
કહ્યું, “લાવરેન્તી પાવલોવિચ, મારી ચલમ પેલાં કામદારોનાં પ્રતિનિધિમંડળની મુલાકાત
પછી જડતી નથી.”
“જી
કોમરેડ. હું હમણાં જ યોગ્ય પગલાં લઉં છું.”
દસ
મિનીટ પછી સ્તાલિને ડ્રોઅર ખોલ્યું અને ત્યાં જ એની ચલમ પડેલી જોઈ. કાંડી વડે ચલમ
જલાવી એણે ધૂમ્રવલય છોડ્યા અને બેરિયાને
માટે રીસીવરનાં આંકડા ઘુમાવ્યા. “લાવરેન્તી પાવલોવિચ, મારી ચલમ મળી ગઈ છે.” “ અરે!”
બેરિયા બોલ્યો, “ અહીં તો દરેક જણે કબૂલી લીધું છે કે ચલમ એની પાસે છે.”
***************************************************







No comments:
Post a Comment