“નચિકેતા, તારી સાયકલ છે જ ને...” રૂમમાં મંડળ
કરીને ઉભેલાં વિદ્યાર્થીઓમાંથી કોઈ બોલી ઉઠ્યું.
“ એ
હા...હા...નચી...લઇ આવ ને તારી સાયકલ...”
અન્ય વિદ્યાર્થીઓએ બુલંદ સ્વરે પ્રસ્તાવ મૂકી દીધો.
“અરે તમારી વાત
બરોબર છે પણ મારી સાયકલમાં કેરીયર નથી.” નચિકેતાએ મુશ્કેલી રજૂ કરી.
નચિકેતા સાયકલ લઇ
પણ આવ્યો અને બધાંએ ઘડીક સાયકલનાં ‘રાઉન્ડ’ લેવાની મજા ય લીધી પણ પછી સૌને લાગ્યું કે નચિકેતાની વાત તો
બરોબર હતી. ‘સસ્તા વિમાનનું સપનું’ નાટક માટે અમારે જરા ‘સ્ટર્ડી’ સાયકલ જોઈતી હતી
જેમાં આગળનાં બાર પર ‘બાબો’ બેસી શકે અને પાછળનાં કેરીયર પર ‘બીબી’! ને સાયકલનાં
સુકાની તો સીટ પર ખરા જ! આમ ત્રણ વ્યક્તિઓનું વજન ઝીલી શકે એવી ખમતીધર સાયકલનો
અમારે વેત કરવાનો હતો. વિદ્યાર્થીઓ કેમ્પસમાં સાયકલ લઈને આવે એ દિવસો તો સિંધુ
ખીણની સંસ્કૃતિની જેમ ભવ્ય ભૂતકાળ બની ચૂક્યા હતા. મારી પોલીટેકનીકમાં આવતાં
(એટલેકે, ભણતાં!) મોટા ભાગના વિદ્યાર્થીઓ
પબ્લિક ટ્રાન્સપોર્ટ/બસ સેવા અથવા તો શેરિંગ ઓટોમાં આવતાં હોય છે. કેમ્પસમાં નજર
કરો તો પોતાનું વાહન લઈને આવતાં વિદ્યાર્થીઓ બહુ ઓછા જોવાં મળે. ને મોટા ભાગની
ફેકલ્ટી તો ફોર વ્હીલરધારી કે ટુ-વ્હીલર ધારી હતી (પગારનો પ્રતાપ!). સાયકલનાં પેડલ
મારી પરસેવો વેડી શ્રમયજ્ઞનો મહિમા કરનારું કોઈ ન મળે. હવે? ત્યારે સંસ્થાનાં
સેવકગણ ભણી નજર ગઈ...
“સીતારામભાઈ,
આપણી સંસ્થાના સેવક સ્ટાફમાં કોઈની પાસે સાયકલ ખરી?”
“સાહેબ...પહેલાં
એક જણો લઈને આવતો હતો ખરો...અં...તમારે સાયકલ જોઈએ છે ને? કેન્ટીન છે ને એ બિલ્ડીંગમાં
એક સાયકલ પડી તો છે...જુઓ વપરાય એવી હોય તો...”
“ક્યાં છે એ
સાયકલ?” આંખમાં ચમક સાથે મેં પૂછ્યું.
“નીચે ખૂણામાં જ
પડી છે.”
...અને
વાજતેગાજતે સૌ ઉપડ્યા સાયકલ લેવા. ને ત્યાં પહોંચીને સાયકલની હાલત જોઈ તો મોંમાંથી
ચીસ નીકળી પડી! ક્યારેક છાપામાં વાંચીએ છે ને કે ‘ફલાણા ગંધાતા નાળા પાસેથી અત્યંત
અરેરાટીજનક હાલતમાં બિનવારસી લાશ મળી આવેલ છે’
એવી તો આ સાયકલની હાલત હતી. બેહદ
મરડાઈ ગયેલી એની પાતળી ડોક અમે માંડ સીધી કરી. રબડનાં ટાયર ને ટ્યુબ જીર્ણ થઈને
ઉખડી ગયેલાં અને એનાં ચવ્વડ અવશેષો મમીનાં શરીર પરની પાંખી ચામડીની જેમ પૈડા પર
જરાતરા ચોંટેલા જોઈ શકાતા હતા. સાયકલની ચેસીસ તો એટલી કાટ ખાઈ ગયેલી હતી કે મૂળ
રંગ કયો એ વર્તવો મુશ્કેલ હતો. ના મામા કરતા કાણો મામો સારો એમ વિચારી દુશાસન જેમ
દ્રૌપદીને હસ્તિનાપુરની સભામાં ઢસડીને લાવ્યો હતો એમ અમે આ સાયકલને ‘ન્યુ
બિલ્ડીંગ’માં આવેલી અમારી વર્કશોપમાં ઢસડી લાવ્યા (નોંધ: દુશાસન સાથે સરખામણી ફક્ત
ઢસડવાની ક્રિયા પુરતી જ છે). એને લાગેલું તાળું પણ કરામતથી ખોલી નાખ્યું. ઝાપટીયાથી
એની પરથી ધૂળ પણ સાફ કરી.
ચર્ચાનો દોર શરુ
થયો. આ સાયકલ તો એની મરમ્મત કરવાં જઈએ તો મોટા ખર્ચના ખાડામાં ઉતારી દે એવી હતી ! ને
હવે ઇવેન્ટની તારીખ બિલકુલ ઢૂંકડી હતી અને
મરમ્મતનું કામ સમય માંગી લેનારું હતું. નિકુલ સરને આઈડિયા આવ્યો કે આખા
નાટક દરમ્યાન આ સાયકલ આપણે સ્ટેજનાં એક ખૂણામાં મૂકી રાખીશું. નિકુલનાં આ આઈડીયાનો
ફલિતાર્થ એટલો કે હવે એવી જ દેખાતી બીજી સાયકલનો પણ મેળ પાડવાનો હતો! એકનો વેત થતો નથી ને બીજી સાયકલ! એ ય તે પાછી
હુબહુ આના જેવી જ દેખાવી જોઈએ! પણ કપાળ
કૂટે એ બીજાં... મારું મગજ સળવળી ઉઠ્યું...અને આહા! મગજમાં એક વ્યક્તિનું નામ ચમકી
ઉઠ્યું. એ વ્યક્તિ એટલે ગૌતમ.
ગૌતમ અમારી
સંસ્થામાં સફાઈ ઇન્ચાર્જ. એને ફોન જોડ્યો તો ખબર પડી કે એ તો આજે કેમ્પસમાં નથી.
બીજે દિવસે આવીને બીજાં બધાં કામ પછી પણ પહેલાં મને મળજે એવું ભારપૂર્વક કહ્યું.
બીજે દિવસે સામેથી ગૌતમનો ફોન આવ્યો અને એ મળવા આવ્યો. મારે એનું શું કામ છે એનાથી
એ તદ્દન બેખબર. જયારે મેં બોમ્બ ફોડ્યો કે ‘ભાઈ ગૌતમ, મારે તારી સાયકલ અમારાં નાટક
માટે જોઈએ છે.’ તો આ બંદો ક્ષણિક પણ ખચકાટ વગર બોલ્યો, ‘હા સાહેબ, લઇ લો સાયકલ.’
મેં કહ્યું, ‘એમ નહિ. મારે એ ત્રણ દિવસ માટે જોઈએ છે. તમને તેરમી એપ્રિલે સાંજે જ મળશે. ચાલશે?’ ‘ હા
સાહેબ...રાખો તમે સાયકલ...” “પણ પછી તમે કઈ રીતે આવશો-જશો?” “બીજી સાયકલ છે ઘરે,
ને કંઈ નહિ તો રીક્ષા પણ છે જ ને.” ને ગૌતમભાઈ એ તો સાયકલ મુકીને વિદાય લીધી.
ગૌતમભાઈ જેવાં
શ્રમજીવી જેની રોજીરોટી સાથે સંકળાયેલ અને આવાગમનના માધ્યમરૂપ એવી એમની સાયકલ
લેતાં ખચકાટ થયો. એ સમયે ખિસ્સામાં પૈસા નહોતા નહિ તો રીક્ષા ભાડાનાં એ જ વખતે આપી
દેત. પાછળથી એમને ‘યોગ્ય પુરસ્કાર’ આપીશ એમ કહી મન મનાવ્યું. સાયકલ જેવી ‘કંડીશન’માં
લીધી હતી એવી જ કંડીશનમાં પાછી આપવાની હતી એ વાત છોકરાઓને ‘અન્ડરલાઈન’ કરીને કહી...
સાયકલમાં હવા ઓછી હતી એટલે નચિકેતાને પહેલું કામ એમાં હવા પૂરી લાવવાનું કહ્યું.
હવા પુરાવી લાવ્યો એટલે નિકુલ સરે અનિતા અને હરનીશને સાયકલ પર બેસાડી નચિકેતા પાસે
કેમ્પસમાં ‘રાઉન્ડ’ લગાવવા કહ્યું જેથી આ સાયકલ પર બરોબર હાથ બેસે અને બેલેન્સ
જાળવવાની પ્રેક્ટીસ થઇ શકે...
... અને આજનાં
દિવસે મારા પ્રોપર્ટી પ્રોડક્શનનાં વિદ્યાર્થીઓ સહુથી ખુશ હતા. કેમકે અત્યાર સુધી
‘મૂળ’ સાયકલ વગર જ સાયકલને સાયપ્લેન બનાવવા એની પર ‘બેસાડવા’નાં ભાગ બનાવતાં હતા.
સાયકલ મળતાં હવે પાકે પાયે અને જજમેન્ટ સાથે કામ થઇ શકશે એનો આનંદ દર્શન, નીતેશ,
અને આદર્શ ચહેરા પર તરવરતો જોઈ શકાતો હતો. ખૂણામાં મૂકેલા મોબાઈલમાં મધુર ગીતોની
સુરાવલીઓનાં સંગાથે સૌ સાયપ્લેન બનાવવાના કામમાં પરોવાયા...
ગૌતમભાઈની
સાયકલનાં ય શું મજાનાં દિવસો આવ્યા હતા, નહિ?
No comments:
Post a Comment