Tuesday, November 6, 2018

‘શોધમાં’: શિંગડા વિનાના મહાપુરુષોની કીર્તિગાથા વર્ણવતી રમણભાઈ નીલકંઠની અધૂરી અને ઓછી જાણીતી નવલકથા [રમણભાઈ નીલકંઠ@૧૫૦: સાર્ધશતાબ્દિ (૧૮૬૮-૨૦૧૮) ]





રમણભાઈ નીલકંઠ 
રમણભાઈ નીલકંઠનું નામ આવે એટલે આપણને સૌને તરત જ ‘ભદ્રંભદ્ર’ યાદ આવે. જ્યોતીન્દ્ર દવે કહે છે તેમ ભદ્રંભદ્ર વિશેષમાંથી સામાન્ય નામ બની ગયું છે. જૂનવાણી-જડબુદ્ધિ-જડઆગ્રહી વ્યક્તિને ‘ભદ્રંભદ્ર’ કહેવાય છે તો સામે ગુજરાતી લખવા-બોલવામાં સંસ્કૃતમય ભાષાનો પ્રચુર ઉપયોગ કરનારની ભાષાને પણ ‘ભદ્રંભદ્રીય’ જેવું વિશેષણ મળ્યું છે. ઈ.સ. ૧૯૦૦માં પરંપરાવાદી-સનાતનવાદીઓ પર કટાક્ષ કરીને ભારે ઉહાપોહ જગાડનારી આ નવલકથાએ તે સમયે નવલકથાનાં પક્ષમાં અને પ્રતિપક્ષમાં અનેક અનુસર્જનોને પ્રેર્યા હતા. તો વર્તમાનયુગમાં પણ નર્મદાબંધનો પ્રશ્ન, સ્ત્રી-પુરુષ સમાનતાનો વિષય, કે અનામત આંદોલન જેવાં બિલકુલ સાંપ્રત વિષયોને લઈને સર્જકોએ ભદ્રંભદ્રનો પુનરાવતાર કરાવ્યો છે. ‘ભદ્રંભદ્ર’ નવલકથાનું કોઈને કોઈ  હાસ્યરસિક પ્રકરણ ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં પણ મૂકેલું હોય છે. એટલે, મોટાભાગનાં લોકો ‘ભદ્રંભદ્ર’ નવલકથા કે નામથી પરિચિત હશે જ.
જોકે આપણામાંથી ઘણાં ઓછાને ખબર હશે કે ‘ભદ્રંભદ્ર’ ઉપરાંત રમણભાઈ નીલકંઠે ‘શોધમાં’ નામે નૂતન ભદ્રંભદ્રોની કથા ‘જ્ઞાનસુધા’માં ઈ.સ. ૧૯૧૫માં હપ્તાવાર લખી હતી. સંજોગવશાત શિંગડા વિનાના મહાપુરુષોની કીર્તિગાથા વર્ણવતી આ અધૂરી નવલકથાને રમણભાઈ પર શોધનિબંધ રજૂ કરનાર વિદ્વાન ડૉ. બિપીન ઝવેરીએ ૧૯૫૦માં પૂર્ણ કરી હતી. કેવળ સાઠ પાનાંની આ ટચુકડી નવલકથામાં કુલ ૯ પ્રકરણ અને ઉપસંહારમાં છઠ્ઠા પ્રકરણ ‘કારભારીઓની ભૂમિ’માં અડધે સુધીનું લખાણ રમણભાઈનું છે. રમણભાઈ નીલકંઠ(1968-1928)નાં જન્મને સાર્ધશતી એટલેકે ૧૫૦ વર્ષ થઇ રહ્યાં છે તે નિમિત્તે ચાલો એમની ઓછી જાણીતી નવલકથા અંગે વાત કરીએ...

‘પોતેશ્રી’ અને શ્રીશોધવર્ધક સભા
'શોધમાં' નું મુખપૃષ્ઠ 
‘શોધમાં’ નવલકથાનું મુખ્યપાત્ર છે શ્રીયુત ગોદડચંદ. આ વિશિષ્ટ નામધારી શ્રીયુત વળી એવા જ વિશિષ્ટ નામવાળી શ્રીશોધવર્ધક સભાનાં પ્રમુખ છે!  ને આ શ્રીશોધવર્ધક સભાનું કામ પૂછો તો સભાએ કરેલાં ઠરાવ મુજબ પ્રત્યેક સભાસદે શોધ કરવા નીકળી પડવાનું છે. જે પણ સભાસદ ‘કિંમતી શોધ’ કરશે તેને ‘શ્રીયુત’ ને બદલે ‘શ્રીયુત્’ ની માનભરી પદવી આપવામાં આવશે. ઠરાવ વાંચતા વાંચતા જ શ્રીગોદડચંદને એક શોધ તો જડી આવે છે – ‘પોતે’ ની શોધ. ગોદડચંદ પોતાને ‘પોતેશ્રી’ તરીકે ઓળખાવાનું નક્કી કરે છે. વિચારોમાં ખોવાયેલા ગોદડચંદ ભૂલથી કોઈ વરઘોડામાં ઘૂસી જાય છે અને દારૂડિયા જાનૈયાઓની ગાળ ખાઈને ચાલતી પકડે છે. રસ્તામાં મળે છે શ્રીયુત ફોગટચંદ.  ફોગટચંદ સાથે લંબાણથી થયેલી ચર્ચામાં ગોદડચંદ તેને પોતાની શોધ વિષે કહે છે કે આજનાં સમયમાં કેટલાં બધાં લોકો શ્રી એટલેકે પૈસો મેળવવા વલખા મારી રહ્યાં છે – અને આ શ્રી મળે એ માટે પોતાનાં નામની નજીક ‘શ્રી’ લખવાં લાગ્યા છે ત્યારે ‘શ્રી’ ની કૃપાથી પોતે પણ ગોદડચંદ જેવું લાં...બુ નામ દૂર કરી ‘પોતેશ્રી’ નામ ધારણ કરી લીધું છે!
 ‘અફવા સમાચાર’ની ઓફિસે શ્રીયુતોનો ધસારો!
ગોદડચંદ અને ફોગટચંદ આમ સંભાષણ ચલાવી રહ્યાં છે ત્યાં ઉકરડાચંદ આવી ચડે છે. ઉકરડાચંદ ફોગટચંદનાં હાથમાં રહેલું ‘અફવા સમાચાર’ ઝૂંટવીને એમને એમાંની જાહેરખબર બતાવે છે કે આ સમાચારપત્ર પ્રકાશકની શોધમાં છે – એવો પ્રકાશક જે બુદ્ધિમાન નહિ હોય તો ચાલશે પણ પોતાને બુદ્ધિમાન ગણતો હોવો જોઈએ! વળી, જાહેરાતમાં એવું પણ લખ્યું છે કે લાયકાત મુજબ કે પછી કોઇપણ ધોરણ મુજબ પગાર આપવા સમાચારપત્ર બંધાયેલું નથી!  સમાચારપત્રની નોકરી શોધની બહુ સારી તક આપશે એમ નક્કી કરી ત્રણેય શ્રીયુત ‘અફવા સમાચાર’ની ઓફિસે દોડી જાય છે. અહીં મૂંગા મોંએ છાપખાનાનો સંચો ચલાવનારા, સંચા પર રોલર ફેરવનારા, છપાયેલાં કાગળની થોકડી કરનારાં કારીગરોની આસપાસ ચક્કરો ફરી ઉપર આવેલી મેનેજરની ઓફિસમાં પ્રવેશે છે. દેવદારની પેટીઓનાં ભાંગેલા ખોખાનાં ઢગલા વચ્ચે પેપરનો માલિક-અધિપતિ-સુપ્રિટેન્ડન્ટ-મેનેજર જડી આવે છે. આ માલિક અને ખૂણામાં ફાટેલા ગાદીતકિયે બેઠેલાં પત્રકાર ચંદુલાલની વાતચીત પરથી આપણને ખબર પડે છે કે માલિક ચંદુલાલને વાચક વતી ચર્ચાપત્ર જાતે જ લખી કાઢવાનું કહે છે! વળી, પેપરનાં માલિક-સુપ્રિટેન્ડન્ટ-મેનેજર બધાં હોદ્દા એક જ વ્યક્તિ પાસે હોવાનાં ફાયદા પણ ખબર પડે છે કે પેપરમાં કંઈ બદનક્ષીનું લખાણ આવે તેની તકરાર કરવાં કોઈ મેનેજરનું પૂછતો આવે તો તેને અધિપતિને મળો એવું કહેવાનું પ્રેસનાં કાગળનાં પૈસા માંગવા કોઈ સુપ્રિટેન્ડન્ટનું પૂછે તો એને પ્રેસનાં માલિકને મળો એવું કહીને રવાના કરી દેવાનો. ‘અફવા સમાચાર’ તો પાછું સુધારા-વિરોધી સમાચારપત્ર છે. સુધારાવાળાઓનાં પ્રયત્નોથી ઘરડા ડોસાઓનાં નાની કન્યાઓ માટેનાં માંગા ઠુકરાવવામાં આવ્યા છે, કન્યાશાળાઓ શરુ થઇ છે, દહેજપ્રથાનો વિરોધ થઇ રહ્યો છે એવાં સમાચાર છાપવાની જગ્યાએ સુધારાવાદીઓની વગોવણી કરવામાં જ સમાચારપત્રને પોતાનો લાભ દેખાય છે. અહીં રમણભાઈએ ફૂટકળિયા અખબારોમાં ચાલતા દંભ-પાખંડ પર કટાક્ષ કર્યો છે.
‘બધા ધંધા કરનારી કંપની’ની વાર્ષિક સાધારણ સભામાં શ્રીયુતો
અખબારોનાં અખાડા જોઈ ચૂકેલા અને પ્રકાશકની નોકરી ઠુકરાવી ચૂકેલા શ્રીયુતોને હવે The Every Business Doing Company Limited ( બધા ધંધા કરનારી કંપની) ની વાર્ષિક સામાન્ય સભામાં જવાનો અવસર મળે છે. આ સભામાં ખાસ તો કંપનીનાં એજન્ટનાં વિરોધ કરી રહેલાં પક્ષે ગેરહાજર સભ્યોનાં વોટ ‘પ્રોક્સી’ એટલેકે અવેજી મારફતે અપાવવા આખી શ્રીયુતમંડળી રોકી લીધી હતી. વિરોધપક્ષનાં ભાગીદારોએ આક્ષેપ કર્યા કે આ તો The No Business Doing Company છે વગેરે. રીપોર્ટમાં લખે કે કંપનીનું કામ સંતોષકારક રીતે ચાલ્યું છે પણ વ્યાજ મળ્યાં વગર ભાગીદારોએ કેમ સંતોષ માનવો એવી વાતે જીભાજોડી ચાલે છે. આ વાક્-કલહથી વ્યાકુળ થઇ ચૂકેલા શ્રીયુત પોતેશ્રી ઉભાં થઇ ગયાં પોતાનાં જેવાં મોટા માણસોનો સમય બગડે તો આ જગતનું શું થશે એનું કોઈને સહેજે ભાન નથી એવો આક્ષેપ કર્યો. જયારે અહીં કેમ આવેલાં છો એવા એજન્ટનાં પ્રશ્નનો પોતેશ્રીએ ‘આંતર ઉદ્દેશ શોધનો છે, બાહ્ય ઉદ્દેશ વોટનો છે.’ એવો જવાબ આપ્યો ત્યારે એજન્ટે એને ગાંડો સમજી મીટીંગરૂમની બહાર કાઢવાનો આદેશ કર્યો. ગાંડો તો ગાંડો પણ પ્રોક્સી હોવાથી બહાર કાઢી ન શકાય એટલે કોઈએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો કે કંપનીનાં ડીડ મુજબ પ્રોક્સીને ભાષણ કરવાનો પણ હક છે કે કેમ. એજન્ટ આ મુદ્દે કાઉન્સિલનો અભિપ્રાય લેવાનાં ઓઠા હેઠળ મીટીંગ બરખાસ્ત કરે છે.
જાસાચિઠ્ઠી મળવી અને હિમાલય સાથે મુલાકાત
મીટીંગ દરમ્યાન પોતાની જીભ ચલાવવાની અસીમ ક્ષમતા પર વારી ગયેલાં શ્રીયુતમંડળનાં શ્રીયુતોને જીભની લડાઈ પ્રિય થઇ પડી હતી. એવામાં એક વખત શ્રી ગોદડચંદ પર વિચિત્ર જાસાચિઠ્ઠી આવે છે. નામઠામનાં ઉલ્લેખ વગરની ચિઠ્ઠીમાં લખ્યું છે હિમાલય તમારે ત્યાં કાલે સવારે નવ વાગે ધસી આવશે, તૈયાર અને સાવધાન રહી જયસ્વરૂપનો જય ગાજો! સવારનાં ૯ વાગે શંકા-કુશંકા કરતા તમામ શ્રીયુતો બેઠાં હતા ત્યાં નિશાળે જતો હોય એવો એક છોકરો દેખાયો અને પૂછતાં જણાયું કે એ છોકરો તો સ્વયં સાક્ષરશ્રી હિમાલય છે! હિમાલય તો કંઈ કોઈનું નામ હોય એવી દલીલ એક શ્રીયુત કરે છે ત્યારે છોકરો ખુલાસો કરે છે:  ‘હિમાલય મારું તખલ્લુસ છે. જેને તખલ્લુસ ન હોય તે સાક્ષર હોઈ શકતો નથી...તખલ્લુસ ધારણ કરવાં સાથે જ સાક્ષરત્વની પ્રાપ્તિ થાય છે.’  આમ, અહીં સાક્ષરોની એટલેકે સાહિત્યકારોની તખલ્લુસ ધારણ કરવાની ચેષ્ઠાનો રમણભાઈ નીલકંઠ ઉપહાસ કરે છે. 
શિંગડા વિનાના મહાપુરુષોની કીર્તિગાથા

‘ઉદ્ધતઘંટ’નાં છદ્મનામધારી ચર્ચાપત્રીની શોધમાં
આ હિમાલય વાસ્તવમાં શોધસભાનાં સભ્યો પાસે મદદ માંગવા આવ્યો છે. એક છદ્મનામધારી ચર્ચાપત્રી જયસ્વરૂપ અને સાક્ષરો વિષે ‘ઉદ્ધતઘંટ’ નામનાં વર્તમાનપત્રમાં બદનક્ષીભરી ચર્ચા કરી રહ્યો છે જેની ઓળખ છતી કરવાની અધિપતિ ના પાડી રહ્યા છે. અધિપતિનાં આવા વલણથી સાક્ષરશ્રી આફતાબ, શેષનાગ, ઐરાવત, ફિરદૌસ, હિમાલય અને અન્યો ખિન્ન છે છતાં સરકારમાં ફરિયાદ કરવાં તૈયાર નથી કારણકે તેઓ દિવાળી અંકો માટે આ વર્તમાનપત્રોમાં પાનેપાનાં ભરવા તલપાપડ થઇ રહ્યા છે. એટલે પાછલે બારણે એ ચર્ચાપત્રીનો શોધ ચલાવવા શોધસભાની મદદ લેવા આવ્યા છે. આવા છે સાક્ષરશ્રીઓનાં બેવડા ધોરણ!
ચર્ચાપત્રીનો આક્ષેપ: જયવાદીઓની ઢંગધડા વગરની કવિતાઓ
ખેર, શ્રીયુતો આ ચર્ચાપત્રીની શોધ માટે તૈયાર છે અને સૌથી પહેલાં તો ફોગટચંદ આ ચર્ચાપત્રીએ શું લખ્યું એ અન્ય સભ્યોને મોટેથી સંભળાવે છે. ચર્ચાપત્રીનાં પત્રમાંથી ખબર પડે છે કે જયસ્વરૂપનાં મૂળિયાં તો છેક શાળાનાં શિક્ષકે ભણાવેલા ઇતિહાસમાં લખેલાં વાક્યમાં છે કે ‘સિકંદરે જય મેળવ્યો એમ કહેવાય પણ રાજ્ય સ્થાપ્યું એમ ન કહેવાય’. આના પરથી નિશાળનાં કોઈ અલ્લડ છોકરાએ ‘જયસભા’ કાઢી અને ‘જયઘોષ’ની શરૂઆત કરી જેને પગલે જયસંપ્રદાય સ્થપાયો અને જયસ્વરૂપ નામે કોઈ દેવ છે એવી કલ્પના કરીને એની સ્તુતિઓ થવા લાગી! અ જયવાદીઓ સહુ કવિઓ હોવાથી તેઓ વિદ્વત્તા કે ફારસી સાહિત્ય કે પછી છંદ કે પિંગળનાં અભ્યાસ વિના જ ગદ્યકવિતાઓ રચવા માંડ્યા જેમાં કવિતાનાં મથાળે ‘શાર્દૂલવિક્રીડિત’ લખ્યું હોય ત્યાં શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ નથી હોતું, પણ થોડો અક્ષરમેળ અને થોડોક માત્રામેળ શાર્દૂલવિક્રીડિત, થોડો તાલહીન હરિગીત, થોડો ખોખારૂપ મંદાક્રાન્તા એમ પિંગળનાં ભંગારની ‘રસમય ચૂંટણી’ હોય છે!  જયવાદી કવિઓની ગઝલ પણ માપભૂલવાળી અને કોઈ જોડકણાબાજે ફક્ત શબ્દોની ગોઠવણ કરી હોય એવી હોય છે એટલે આવાં ‘જયસ્વરૂપ’ને ‘ગદર્ભપુચ્છ’ કહેવામાં વાંધો નથી.
ચર્ચાપત્રીની શોધ માટે શ્રીયુતો પહોંચ્યા દેશી સંસ્થાનમાં
ભારતમાં ૧૯મી સદીનાં ઉત્તરાર્ધમાં મોટાભાગનો બ્રિટીશશાસન હેઠળ આવી ગયો હતો. એ સિવાયનો પ્રદેશ દેશી સંસ્થાનો તરીકે ઓળખાતો હતો. આવાં દેશી સંસ્થાનો એટલેકે રજવાડા ષડયંત્રોનાં કારખાનાં બની ગયાં હતા. આગગાડીમાં બેસીને શ્રીયુતો આવા જ એક સંસ્થાનમાં કોઈ ચતુર માણસની મદદ વડે જયસ્વરૂપ વિરુદ્ધ લેખ લખનાર ચર્ચાપત્રીની શોધનું કાર્ય ચલાવવાનાં ઉદ્દેશથી આવી પહોંચે છે. અહીં લાયબ્રેરીની સામે આવેલી ધર્મશાળાનાં ઉપલાં મેડે ધામા નાખ્યા. આવાં આગંતુકોથી લાયબ્રેરીનાં કુતૂહલ પામેલાં વાચકોમાંથી બે જણા મેડીએ ધસી આવ્યા પણ આ શ્રીયુતોને એલફેલ મુસાફર ગણીને દાદરા ઉતરી પાછાં ચાલ્યાં ગયા. શ્રીયુતોએ હવે ભેગાં મળીને નક્કી કર્યું કે સ્ટેશને તેમને મળેલ સત્કાર-ઈચ્છુ ગૃહસ્થ જેનું નામ છેલશંકર હતું અને જેણે શ્રીયુતોને વેદિયા કહીને ઉતારી પાડેલા એનાં અપમાનને લક્ષમાં ન લેતા એને શોધી કાઢવો અને ચર્ચાપત્રીની શોધનાં કામમાં એની મદદ લેવી.  
લાયબ્રેરીમાં શ્રીયુતો
છેલશંકરની શોધ માટે તમામ શ્રીયુતો લાયબ્રેરીમાં જઈ ચડ્યા અને દરેકનું બાવડું પકડીને એમની મુખમુદ્રાનું નિરીક્ષણ કરવા લાગ્યા અને તે છેલશંકર ન હોવાનું જણાતા તેને છોડી મુકતા હતા. શ્રીયુતોની પકડમાંથી છૂટી ગયેલાઓ પડવા આખડવાની બીક વગર દાદરો ઉતરીને નાસી જતા હતા. લાયબ્રેરીનો રીડીંગરૂમ જોતજોતામાં ખાલીખમ થઇ ગયો. ત્યાં જ ખૂણામાં એક છાપાં નીચે છૂપાયેલા અને ધ્રૂજતો સ્ટેશને મળેલો છેલશંકરનો માણસ નારોશંકર મળી આવ્યો! આ માણસનાં મુખેથી સંસ્થાનોમાં કેવાં કૌભાંડો ચાલે છે એની ખબર પડે છે – એજન્ટની કચેરીમાંથી તુમાર એટલેકે અરજી કે કાગળ ગુમ કરવાનાં ત્રીસ રૂપિયા, તુમાર બદલવાનાં સાઠ રૂપિયા અને આખી ફાઈલ ગુમ કરવાનાં બસો રૂપિયા. અરે, પાંચ હજાર ખર્ચો તો કોઈની સામે ગમે તે આરોપ મૂકીને તેને ફાંસીએ પણ ચડાવી શકાય એવું અંધેરતંત્ર અહીં ચાલે છે.
શ્રીયુતોની ધરપકડ
આમ વાત ચાલે છે ત્યાં તો જમાદાર અને પોલીસનાં માણસો આવીને શ્રીયુતોને હાથે ધાંધલધમાલ મચાવવાનાં આરોપસર હાથકડીઓ લગાવી દે છે. પણ શ્રીયુતોનાં મોઢે નાયબ કારભારી છેલશંકરનું નામ સાંભળી જમાદાર ચોંકે છે અને રખે આ શ્રીયુતો છેલશંકરનાં સગા કે વગવાળા હોય ઉપાધિ થાય એ વિચારે એમને છેલશંકરનાં ઘરે જ લઇ જવાનું ઠેરવે છે. જમાદારની સિપાઈ સાથેની વાતચીતમાંથી શ્રીયુતોને સંસ્થાનનાં પોલીસ ખાતાના માનસ અને કાર્યપદ્ધતિની જાણ થાય છે – ‘વગવાળા હોય તો કહીશું કે અમે ધાંધલમાંથી છોડાવી લાવ્યા અને વગના ન હોય તો મારતા મારતા ચાવડીએ લઇ જઈશું’.
ભ્રષ્ટ જમાદાર દાદુમિંયા અને પૈસાખાઉ નારોશંકર
છેલશંકરને ઘરે જતાં રસ્તામાં શ્રીયુત ગોદડચંદ સાથે વાતચીતમાં જમાદારને ખબર પડી કે આ લોકો ‘ઉદ્ધતઘંટ’ છાપાનાં હલકાં લખાણોની કંઇક વાત કરે છે એટલે એણે પોતાનો બળાપો ય ઠાલવ્યો કે એ ખેપાની છાપાએ પોતાની વિરુદ્ધ પણ આક્ષેપ કર્યો છે કે આ જમાદાર દાદુમિયાં લાંચિયા છે ને કાચા કામના કેદીઓને ધૂમ ફટકારે છે. વળી, આટલેથી ન અટકતા આ છાપું લખે છે: ‘જમાદાર દાદુમિંયાના માથા પરથી જેટલા વાળ ખરે છે તેટલો બુદ્ધિનો ભૂકો એના માથામાંથી ઓછો થતો જાય છે. એની સાથે જ એના માથામાં ખાલી પડેલ જગ્યામાં ઇઠુ-પાન્ડુ-ધોન્ડુ આઈસ ફેક્ટરીનું ભીનું ભૂંસું અને એમની ઘરવાળીએ વઘારમાં નાખવાથી કાળી થઇ ગયેલી રાઈ ભરાતી જાય છે!’ નારોશંકર પણ દાદુમિંયાની વાતમાં સૂર પુરાવે છે કે આ અખબારે પોતાની પર પણ કારભારીનાં સગા હોવાનું કહી કામ કરાવી આપવાના બહાને ગરીબોનાં પૈસા ચાઉં કર્યા છે.
છેલશંકરનાં ઘરે શ્રીયુતો બન્યાં મુંબઈનાં ડિટેક્ટિવ!
નાયબ કારભારી છેલશંકરનાં ત્યાં સૌ સિપાઈઓ આ અટકાયતી શ્રીયુતોને લઈને બધું હાઉસન જાઉસન પહોંચે છે એટલે કારભારી જમાદારને નારોશંકર અને તમામ શ્રીયુતોને છોડી મૂકવાનું કહે છે. તેમને બેડીમુક્ત કરીને જમાદાર અને સિપાઈઓ ચાલ્યા જાય છે એટલે શ્રીયુતોને બેસાડીને કબાટમાંથી એક ફાઈલ કાઢીને બતાવે છે જેમાં ‘ઉદ્ધતઘંટ’ દ્વારા છેલશંકર પર લાંચના આક્ષેપો થયા હોય છે – ‘એનું નામ છેક શંકર પાડવું જોઈતું હતું... દરેક વાતમાં એ છેક સુધી જાય છે. ઓછેથી, અધૂરેથી, અડધેથી એને ચેન જ પડતું નથી. લાંચ ખાય ત્યારે આખી લાંચ એને મળવી જોઈએ.’ છેલશંકર વાતવાતમાં સરતચૂકથી બોલી જાય છે કે આ છાપાવાળા સ્ટેટ અને બાપુ વિરુદ્ધ પણ  આક્ષેપાત્મક લખે છે જેને બંધ કરાવવા પોતે બાપુ પાસેથી પૈસા લીધાં હતા જે પછી પોતાનાં ખિસ્સામાં જ રાખ્યા હતા! છેલશંકર પછી આ છાપાવાળાને શોધવામાં શ્રીયુતોની મદદ મળશે એમ ધારી એમનાં જવાબની રાહ જોયા વગર સરકારી ઉતારામાં એમનાં રહેવાની વ્યવસ્થા કરાવે છે. તો બીજી તરફ નારોશંકરનાં કાનમાં ફૂંક મારીને કહે છે કે જઈને તિજોરી ખાતામાંથી મુંબઈથી આવેલા ડિટેક્ટિવોનો આવવાનો ખર્ચ – છસો તેર રૂપિયા બાર આના છ પાઈ – લઇ આવે!
છેવટે છતી થઇ ચર્ચાપત્રીની ઓળખ!
નારોશંકર ગયા પછી શ્રીયુતો સાથે થોડી વાતચીત થઇ એમાં છેલશંકરને ખબર પડી કે શું ભાંગરો વટાયો છે –  આ શ્રીયુતો તો રાજ્યની વિરુદ્ધ લખનારાં ખબરપત્રીની નહિ પણ જયસ્વરૂપ વિરુદ્ધ લખનાર ચર્ચાપત્રીની શોધમાં છે! ખિન્ન છેલશંકર જિજ્ઞાસા ખાતર એ ચર્ચાપત્ર જોવાં માંગે છે. અડધુંએક વાંચીને પોતાની દીકરી વિમલાને બૂમ મારે છે. ત્રેવીસ-ચોવીસ વર્ષની સુંદર યુવતી એવી વિમલા પ્રવેશે છે અને સાહિત્યની શોખીન એવી પુત્રીને છેલશંકર આ ચર્ચાપત્ર વંચાવીને એના લેખકને ઓળખે છે કે કેમ એવું પૂછે છે.  અને આંખમાં ચમક સાથે વિમલા કહે છે કે આ ચર્ચાપત્ર તો પોતે જ લખ્યું છે!  આ સાંભળતા જ આઘાત પામેલા સૌ શ્રીયુતો ધ્રૂજતા ધ્રૂજતા છેલશંકરનાં ત્યાંથી સીધા ધર્મશાળામાં પોતાને ઉતારે દોટ મૂકે છે અને ત્યાંથી ઉતાવળે સામાન સમેટી સ્ટેશનભેગાં થઇ જાય છે. આ બાજુ વિમલા પિતાજી આગળ ફોડ પાડે છે કે તેણે તો મજાકમાં એમ જ અધ્ધર ફેંક્યું હતું કે ચર્ચાપત્ર પોતે લખેલું છે!
... અને છેલ્લે શ્રીયુતોને શ્રી તો નહિ પણ સિદ્ધિ મળી ખરી!
પરત ફરેલા શ્રીયુતો ‘વિમલા છેલશંકર’ એમ ચર્ચાપત્રીનાં નામને ઉઘાડું પાડતો અને ચર્ચાપત્રનાં આક્ષેપોનો જવાબ આપતો લેખ તૈયાર કરે છે પણ ‘ઉદ્ધતઘંટ’ નો તંત્રી કંઈ આવું છાપે? એટલે, નિરુપાય શ્રીયુતો ‘અફવા સમાચાર’નાં તંત્રી પાસે જઈને ગાંઠનાં દસ રૂપિયા ખર્ચી એ લેખ છપાવે છે. આવી જબરદસ્ત શોધ બદલ શ્રીશોધસભાની ખ્યાતિ ચોમેર ફેલાય છે અને લોકો શ્રીયુતો પાસે જાતભાતનાં કામ લઈને આવવા લાગે છે...

No comments:

Post a Comment