પહેલી વાર્તા : અટકચાળો વાંદરો
વર્ષો પહેલા કોઈ એક દેશમાં એક ગ્રંથકાર રહેતો હતો. એ ગ્રંથકારનો વસવાટ પાવક જંગલની નજીક આવેલો હતો. ગ્રંથકાર ઘણો જ મહેનતુ હતો અને જાતભાતના પુસ્તકો લખવાનો શોખીન હતો. એ અને એના પુસ્તકો દેશ-પરદેશમાં પ્રખ્યાત હતા. એ દેશના રાજાને પણ આ ગ્રંથકાર ઘણો જ પસંદ હતો અને કવિતા, વાર્તા અને ધાર્મિક કથાઓ લખવાની જવાબદારી આ ગ્રંથકારને શિરે રહેતી. લેખન બદલ એને સારો એવો પુરસ્કાર પણ ચૂકવવામાં આવતો, અને સમય જતા એ ગ્રંથકાર ખૂબ ધનસંપન્ન થયો.
આમ છતાં તે સ્વભાવે વિનમ્ર અને ધાર્મિક વૃતિનો હોવાથી એની જીવનશૈલી સાવ સીધીસાદી હતી. એ એકલો જ રહેતો હતો અને એણે ક્યારેય લગ્ન કે સંતાનો અંગે વિચાર્યું નહોતું.
મોટી વયે એને થવા લાગ્યું કે આટલી અઢળક સંપત્તિનું પોતે શું કરશે...લગ્ન કર્યા ન હોવાથી એને છૈયાછોકરા તો હતા નહિ, એટલે વારસામાં કોને આટલી સંપત્તિ આપવી? આમ વિચારતા એક દિવસ એને થયું, “આટલા પૈસાની મારે કંઈ જરૂર નથી. મારે તો બે ટંક ખાવા મળે અને માથે છત હોય એટલું પુરતું છે. ભગવાને મારા પર આટલી કૃપા વરસાવી છે તો મારે હવે એનો આભાર કંઇક કરવું રહ્યું.”એ દિવસ પછી ગ્રંથકારે ભગવાનની સેવામાં પોતાના ધનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ અંગે ઘણું વિચાર્યું.
શરૂઆતમાં એને ગરીબોમાં આ ધન વહેંચી દેવાનો વિચાર આવ્યો. પણ પછી એને થયું, “એમ કરતા તો ગરીબ સિવાયના લોકોને હું મદદ નહિ કરી શકું. વળી, સમજુ લોક કહે છે એમ કંઈ પણ ચીજ મફત આપી દેવાથી એનું મૂલ્ય ઘટે છે. મારે કંઇક એવું કરવું જોઈએ જે લોકોને કાયમ માટે ઉપયોગી થાય.”
આમ વિચાર કરતા એને સૂઝી આવ્યું, “ મારે ભગવાન માટે મંદિર શા માટે ન બનાવવું જ્યાં લોકો રોજેરોજ જઈને પૂજાપાઠ કરી શકે? મારી પર કૃપા વરસાવવા બદલ ઈશ્વરનો આભાર માનવાનો આનાથી શ્રેષ્ઠ રસ્તો બીજો શું હોઈ શકે?”
એકવાર નિર્ણય કરી લીધા પછી એણે મંદિર માટે યોગ્ય જગ્યાની ખોજ કરવા માંડી. પાવક જંગલ નજીક આવેલા એક શાંત સ્થળની એણે મંદિરનિર્માણ માટે પસંદગી કરી. આ પાવક જંગલનાં દર્શને શ્રદ્ધાળુઓ નિયમિત આવતા હતા એટલે એમને આહાર અને આશરો મળી રહે એવા શુભ આશય આ સ્થળપસંદગી પાછળ રહેલો હતો. સ્થપતિઓ-શિલ્પીઓ સાથે ચર્ચાવિચારણા પછી એણે મંદિરની રૂપરેખા મંજૂર કરી. ત્યારબાદ એણે અનેક સુથાર, કડિયા, અને મજદૂરો તેડાવ્યા અને મંદિરનિર્માણ શરુ થયું. ગ્રંથકારની ખ્યાતિને કારણે તેની પાસે કારીગરોની શ્રેષ્ઠ ટુકડી આવી હતી.
ગ્રંથકારે મંદિરનિર્માણ માટે જરૂરી કાચો માલ ખરીદવા બજારમાં ગયો. એણે બજારનાં ઉત્તમ વેપારીની પાસે જઈને કહ્યું, “હું પાવક જંગલ નજીક મંદિર બનાવવા જઈ રહ્યો છું એના માટે મારે શ્રેષ્ઠ ગુણવત્તાની ચીજો આપની પાસેથી જોઈએ છે.” વેપારીએ જવાબમાં કહ્યું, “શ્રેષ્ઠ ગુણવત્તાની ચીજવસ્તુઓ મારી પાસે છે પણ એના પૈસા વધુ થશે.” આ સાંભળીને ગ્રંથકાર બોલ્યો, “ પૈસાની ફિકર તમે બિલકુલ ન કરો. ભગવાનની સેવા કાજે જ મેં આ મંદિર બનાવવાનું બીડું ઝડપ્યું છે. એટલે મારે તો શ્રેષ્ઠ ગુણવત્તાવાળો માલ જ જોઈએ.” આમ કહીને એણે વેપારીના હાથમાં જોઈતી વસ્તુઓની યાદી પકડાવી.
વેપારીને શંકા ઉપજી. એને થયું, “ આ એક સજ્જન માણસ છે એ તો જાણે બરાબર પણ એની પાસે એટલા પૈસા હશે કે કેમ?” વેપારીથી ગ્રંથકારને આવું સીધેસીધું મોં પર તો કેમ કહેવાય એટલે એને એક યુક્તિ સૂઝી.
એણે ગ્રંથકારને કહ્યું, “તમારે તો ઘણો કાચો માલ જોઈએ છે. અત્યારે તો એટલો માલ મારી પાસે નથી એટલે મારે તે નજીકના કસ્બામાંથી ખરીદવો પડશે. ગયે મહીને જ મારા ધંધામાં નુકસાન થયું હતું અને એમાં મારા ઘણા પૈસા ડૂબી ગયા હતા. એટલે, અત્યારે મારી પાસે તમારે માટે જોઈતો કાચો માલ બીજેથી ખરીદવાના પૈસા નથી.”
ગ્રંથકાર સમજી ગયો કે આ વેપારીને એની પર ભરોસો નથી. છતાં એણે હસીને કહ્યુ, “ મિત્ર, તારે સહેજે ચિંતા કરવાની નથી. આ લે, તને અગાઉથી જ પૈસા આપી રાખું છું. યાદીમાં છે એટલી બધી ચીજો લઇ આવ.” આટલું કહીને ગ્રંથકારે વેપારીના હાથમાં તમામ રકમ મૂકી દીધી. વેપારીને આ જોઇને ઘણી રાહત થઇ અને એણે ગ્રંથકારને જોઈતો હતો એટલો સામાન આપ્યો.
મંદિરનું નિર્માણકાર્ય હવે શરુ થયું. ગ્રંથકાર દરરોજ એકવાર તો કામકાજ કેવું ચાલી રહ્યું છે એ જોવા સ્થળ પર અવશ્ય જતો. એ સ્વભાવનો ખૂબ ભલો હોઈ કારીગરોને વેળાસર અને યોગ્ય મહેનતાણું ચૂકવતો હોવાથી કારીગરો પણ એનો આદર કરતા અને ખંતથી કામ કરતા. આના કારણે નિર્માણકાર્ય ઝડપભેર ચાલવા લાગ્યું. કામકાજની સંતોષકારક પ્રગતિ જોઇને ગ્રંથકારને ઘણો હર્ષ થતો. શક્ય એટલી ઝડપે આ કાર્ય પૂર્ણ થાય એવી એની પણ મંછા હતી.
નજીક આવેલા પાવક જંગલમાંથી દરરોજ કેટલાક પ્રાણીઓ અહીં આવી ચડતા. સસલાં, હરણાં, અને અન્ય પ્રાણીઓ નિર્માણ પામી રહેલા મંદિરની આસપાસ રમ્યા કરતા. ગ્રંથકાર એમને જોઇને ખુશ થતો અને વિચારતો કે આ પ્રાણીઓ મંદિરના ઢાંચાથી સલામત અંતર રાખે તો સારું. અને આમ તો પ્રાણીઓ ઢાંચાથી દૂર જ રહેતા અને કારીગરોનાં કામમાં પણ કોઈ જાતની ખલેલ નહોતા પહોંચાડતા. ગ્રંથકારે આ પ્રાણીઓ માટે દાણાપાણીની પણ વ્યવસ્થા કરાવી હતી.
આમ મંદિરનું નિર્માણકાર્ય નિર્વિધ્ને ચાલ્યું જતું હતું એવામાં એક દિવસ જંગલમાંથી વાનરોનું ટોળું આવી ચડ્યું. અન્ય પ્રાણીઓની જેમ જ એ પણ અહીં ક્રીડામાં પરોવાયા. જોકે આ વાનરો અહીં શું ચાલી રહ્યું છે એ પણ કુતુહલથી જોઈ રહ્યા હતા. રમતરોળિયા કરતા વાનરો તો ઢાંચાની બિલકુલ નજીક આવી ગયા.
એ દિવસે એક સુથાર લાકડું વહેરી રહ્યો હતો. એક મોટા થડમાંથી પાટડો કાપવા માટે એણે થોડેક સુધી થડને બે ભાગમાં વહેરાય એ રીતે વહેરયા પછી વહેરાયેલા ભાગ વચ્ચે ફાચર મૂકી. બપોરનો સમય હતો અને સતત પરિશ્રમ કરવાને કારણે પરસેવે રેબઝેબ થઇ ગયેલો સુથાર પાણી પીવા અને ભોજન કરવા ગયો.
એવામાં નજીકના વૃક્ષ પર બેઠેલો એક અટકચાળો વાનર જેણે સુથારને થડમાં ફાચર મૂકતા જોયેલો એ નીચે ઉતરી આવ્યો. થોડીવાર થડની આસપાસ કૂદાકૂદ કર્યા પછી આ અટકચાળા વાનરને કમતિ સૂઝી. એણે સુથારે વહેરેલા થડની વચ્ચે મૂકેલી ફાચર બળપૂર્વક ખેંચવા માંડી. પણ ફાચર એમ કંઈ મચક આપે? વાનરે થડની ખાંચમાં પગ ઉતારીને બેય હાથે ફાચર હચમચાવવા માંડી. ઘણા પ્રયત્નોને અંતે ફાચર નીકળી ગઈ અને થડના ફાડિયા ભડાક કરતા ભીડાઈ ગયા! વાનરભાઈનાં ટાંટિયા તો આ ફાડીયાની વચ્ચે ફસાઈને ચકનાચૂર થઇ ગયા.
લોહીલુહાણ થયેલા વાનરના ચિત્કારો સાંભળીને સુથાર અને અન્ય કારીગરો દોડી આવ્યા. એમણે આ બિચારા વાનરને બચાવવાનો પ્રયત્ન કરી જોયો પણ એ પહેલા તો એના પ્રાણપંખેરું ઉડી ગયા.
પ્રથમ શિયાળ, જે આ વાર્તા સંભળાવી રહ્યો હતો એણે બીજા શિયાળને કહ્યું, “એટલે, મારી તને સલાહ છે કે બીજાના કામમાં માથું મારવું જોઈએ નહિ. બીજાના કામમાં દખલગીરી કરતા આ અટકચાળા વાનર જેવો કરુણ અંજામ આવે છે.”
આ વાત પર બીજા શિયાળે થોડીવાર સુધી મનન કર્યું અને પછી બોલ્યો, “હં... તારી વાત ખરી છે! તમામ જવાબદારી મુખ્ય પ્રધાનની હોય છે. એમને એમનું કામ કરવા દેવું જોઈએ. કોઈએ, ખાસ તો સેવકોએ, એમના કામમાં દખલગીરી કરવી જોઈએ નહિ. ક્યારેક સારા ઈરાદા સાથે પણ સેવકો મદદ કરવા લાગે ત્યારે સ્વામી માટે પરિસ્થિતિ વધારે વણસે છે!”
આ વાર્તા આપને ગમી??? તો આવી બીજી રસતરબોળ કરનારી ૩૭ વાર્તાઓ વાંચવા- વંચાવવા માટે ઘરબેઠા "હિતોપદેશ" પુસ્તક એમેઝોનની લિંક પરથી કરો ઓર્ડર:
Hitopadesh https://amzn.in/d/5EeTgD3
પુસ્તક સાથી Pustak Saathi ( અરિહંત બુક્સ ભાવનગર ) પરથી પણ WhatsApp દ્વારા પુસ્તક ૨૦% વળતર સાથે મંગાવી શકાશે : https://wa.me/c/919824294075
ગુજરાતી અનુવાદક / રજૂઆતકર્તા : ઈશાન ભાવસાર
તમામ તસ્વીરો: ઇન્ટરનેટ





No comments:
Post a Comment