ગુજરાતી નવલકથાની સાર્ધશતી પ્રસંગે ગુજરાતી
હાસ્યનવલકથાઓનો ઉલ્લેખ પણ અનિવાર્યપણે કરવો પડે. હાસ્યનું સર્જન તો મુશ્કેલ કાર્ય
છે તેમાંય શિષ્ટ હાસ્યનું સર્જન કરવું તો કોઇપણ લેખક માટે કપરી કસોટી સમાન છે. વળી, આપણે ત્યાં હાસ્યસર્જન બહુધા બકુલ
ત્રિપાઠી જેને ‘નિર્બંધિકા’ તરીકે ઓળખાવે છે તેવા નિબંધ સ્વરૂપે
થયેલું છે. નવલકથા સ્વરૂપે હાસ્યસર્જનનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી ‘ભદ્રંભદ્ર’થી માંડીને ‘ભદ્રંભદ્ર અમર છે!’ સુધીનાં એક સૈકાથી વધુ વર્ષોમાં દસ-બાર
જેટલી જ શિષ્ટ હાસ્યનવલકથાઓ આપણને મળી શકી છે. આમાંની કેટલીક હાસ્યનવલકથાઓ
ઉપહાસપ્રધાન છે તો કેટલીક પરિહાસપ્રધાન; કેટલીક મૌલિક હાસ્યનવલકથાઓ છે તો કેટલીક વિદેશી હાસ્યનવલકથાઓનું
સ્વરૂપાંતર અથવા તો અનુસર્જન. આમ જોવાં જઈએ તો દશકાની સરેરાશ એક શિષ્ટ હાસ્યનવલકથા ગુજરાતી ભાષાને મળી
છે. અહીં ઉલ્લેખિત હાસ્યનવલકથાઓ હાસ્યસાહિત્યનાં વાચકો-ચાહકોને રસતરબોળ કરવાં
ઉપરાંત હાસ્યસર્જન ક્ષેત્રે આગળ વધવા માંગતા નવોદિતોને ચોક્કસપણે માર્ગદર્શકરૂપ થઇ
શકે છે. પ્રસ્તુત અંશોમાં આપણી ભાષાનાં સમર્થ હાસ્યનવલકથા-સર્જકોએ
ક્યાંક મિથ્યાભિમાની અને આડંબરી પરંપરાવાદીઓ, શિક્ષણ અને રાજકારણમાં વ્યાપ્ત મૂલ્યહાસ્ર,
પ્રજા-સેવકોનાં એદીપણા અને સંકુચિત જ્ઞાન પર કરેલી ‘સર્જીકલ સ્ટ્રાઈક’ જોવાં મળશે,
તો ક્યાંક કોમિક અને પરિસ્થિતિગત હાસ્ય જોવાં મળશે, તો ક્યાંક અસંગતિ, અતિશયોક્તિ, અવળવાણી, શબ્દરમત, લાઘવ, ઉપમાનાવીન્ય, વ્યાજસ્તુતિ
અને વ્યંજનામાંથી ઝરતું નીર્દંશ નર્મમર્મપૂર્ણ હાસ્ય જોવાં મળશે.
ગુજરાતી નવલકથાની સાર્ધશતાબ્દી ઉજવાઈ
રહી છે ત્યારે ચાલો દસ પ્રશિષ્ટ ગુજરાતી
હાસ્યનવલકથાઓમાંથી પસંદ કરેલાં અંશોનો આસ્વાદ માણીએ...
**************************************************************************************
મેજિસ્ટ્રેટે પૂછ્યું: ‘તમારું નામ શું?’
‘વિદ્યમાન ભદ્રંભદ્ર.’
‘તમારું નામ વિદ્યમાન અને તમારાં બાપનું નામ
ભદ્રંભદ્ર? પણ હું ધારું છું કે તમારું પોતાનું નામ જ ભદ્રંભદ્ર લખાયેલું છે. ખરું
શું છે?’
‘મારું નામ ભદ્રંભદ્ર છે. પણ હું જીવું છું માટે
શાસ્ત્રાધારે પોતાને વિદ્યમાન કહું છું.’
મેજિસ્ટ્રેટ ભદ્રંભદ્ર સામું તાકીને જોઈ રહ્યાં.
થોડી વાર પછી તેમણે પૂછ્યું,
‘બાપનું નામ શું?’
‘પ્રશ્નસ્ય અનૌચિત્યમ્.”
“પરશોતમ?’
અમારાં વકીલે ભદ્રંભદ્રને સીધા જવાબ આપવાની
શિખામણ દીધી તેથી તેમણે આખરે બાપનું નામ ‘અવિદ્યમાન વિષ્ણુશંકર લખાવ્યું.
‘ધંધો શો કરો છો?’
‘સનાતન આર્યધર્મનાં સદોદિત યશઃપૂર્ણ વિજયનો.’
અમારાં વકીલે ઉઠીને મેજિસ્ટ્રેટને કહ્યું, ‘મારો
અસીલ પોતાની વિરુદ્ધ ખોટાં પુરાવાથી ઉશ્કેરાયેલો છે ને સ્વભાવે પણ જરા ઉગ્ર છે. તેનાં કહેવાનો અર્થ એ
છે કે ધંધો ધર્મ વિષે ભાષણ કરવાનો છે.’
(ભદ્રંભદ્ર, ૧૯૦૦. રમણભાઈ નીલકંઠ)
************************************************
આજે ગંગાસ્વરૂપ ગુલાબડોસીને વૈકુંઠવાસી થયાને
પાંચેક વર્ષ વીતી ગયાં છે. પરંતુ તે વેળા સૌને લાગતું કે જો જગતમાં કોઇપણ અમર
રહેવા સરજાયું હોય તો તે ગુલાબડોસી જ છે. સાધારણ મનુષ્ય તો જરાવારમાં મરી જાય એવા
અનેક પ્રસંગો ડોસીના જીવનમાં આવી ગયા હતા, પણ ડોસીનો વાંકો વાળ થયો નહોતો. બધાં
ધારતાં કે ડોસીનો સોપારી ચાવવાનો અવાજ સાંભળીને મોત પણ બીએ છે.
પાંચ વર્ષની વયે એ પરણીને સાસરે ગયાં ત્યારે
સુરતમાં પ્લેગ બહુ ઉત્સાહપૂર્વક ચાલતો હતો. પ્લેગના ઝપાટામાં એ આવ્યાં. પણ ભાત
ખાવા જતાં જેમ કાંકરી ચવાઈ જાય તેમ, પ્લેગ ભોગ લેવા ગયો એમનો, ને વગર દરદે મૃત્યુ
પામ્યો એમનો પતિ!
ડોસી બાર વર્ષનાં થયા ત્યારે ફરી પાછાં યમદેવે
ભૂલ કરી. એમને કૉલેરા થયો. ડોસીની સૌએ આશા મૂકી; એમને નીચે ઉતારવામાં આવ્યાં. પણ
નીચે ઉતારનાર પુરુષ ‘આજે સ્મશાને જવું પડશે’ એમ ઘરે પત્નીને કહેવાં ગયો ને એનું
હ્રદય એકાએક બંધ પડ્યું ને એ મૃત્યુ પામ્યો! આ બાજુ ડોસી ‘અહીં મને કોણે હુવાડી?
હું કંઈ મરવા જેવડી નથી. હજી તો મારે ઘણાં વરસ કાઢવા છે.’ કહેતાં બેઠાં થયા.
આ પછી પાંચેક વર્ષે ફરી ઘાતનો પ્રસંગ આવ્યો.
દારુણ યુદ્ધ કરતા ગોધાઓની હડફેટમાં ડોસી આવી ગયાં. લોહીલુહાણ થઈને બેભાન દશામાં એ
જમીન પર પડ્યા. રસ્તે જનારા મનુષ્યોએ દયા લાવી એમને હોસ્પિટલ પહોંચાડ્યા. ત્યાં એક
દિવસ બેભાન રહ્યાં. પણ બીજે દહાડે હોસ્પિટલનો ડોક્ટર મરી ગયો ને ડોસી ચાલતાં
ચાલતાં ઘરે આવ્યાં.
(અમે બધાં, ૧૯૩૫. ધનસુખલાલ મહેતા અને
જ્યોતીન્દ્ર દવે)
*******************************************************
પછી શરુ થઇ વાતો. મહેમાનો સાથે જમ્યા પહેલાની
વાતો અને જમ્યા પછીની વાતોમાં ફેર હોય છે. આ ભેદ તાત્વિક, સૈદ્ધાંતિક, મૂળભૂત –
એવો બધો હોય છે. જમ્યા પહેલાની વાતો અસ્થિર, અર્થહીન, અસંબદ્ધ, અલ્પજીવી હોય છે.
જેમકે,
ધૂર્જટિએ અર્વાચીનાના દીવાનખાનામાં પ્રવેશીને
જેવી એક ખુરશી ઉપર જગ્યા લીધી કે તરત જ અર્વાચીનાના પિતાજીએ તેને બદલે ઘડિયાળ સામે
જોવા માંડ્યું.
‘અગિયાર થયાં.’ તેમણે કહ્યું.
‘તાપ બહુ છે!’ ધૂર્જટિએ જવાબમાં કહ્યું.
અને પછી...
‘બસો બહુ અનિયમિત ચાલે છે!’
‘ત્રીજું વિશ્વયુદ્ધ થશે એમ લાગે છે!’
‘આ શહેરનો કોટ સમરાવવો જોઈએ!’
‘આ રાધાકૃષ્ણન્ અહીં ક્યાંથી?!’
આવી વાતો...
જે વ્યગ્ર ઝડપથી દિવાળીમાં ફટાકડાની સેર ફૂટે તે
જાતની વાતો...
જયારે જમ્યા પછીની વાતોમાં એક તારામંડળમાંથી
હૃદયંગમ રીતે ઝરતી તેજરેખાઓની જેમ આનંદપ્રકાશનાં સ્ફુલિંગો ઝરે છે.
(આપણો ઘડીક સંગ, ૧૯૬૨. દિગીશ મહેતા)
************************************************************
‘તમે બીજું ગમે તે હશો, દોઢડાહ્યા તો છો જ.’
‘સાહેબ, હું દોઢડાહ્યો હોઉં તો જ આપણી બંનેની
સરેરાશ એક આવે ને!’
‘પ્રિન્સીપાલને કહીને હું તમને ડિસમીસ કરાવી
દઈશ.’
‘મને ડિસમીસ કરવામાં આવશે તો હું એકાએક જાણીતો થઇ
જઈશ! વાહ! કેવું સારું થશે!’
‘રખડી પડશો, રખડી!’
‘મને રખડવાનો શોખ છે. હું રખડવાના આનંદ પર લાંબી
ચોપડી લખીશ.’
‘તમને તમારું ભવિષ્ય બગાડવાનો શોખ લાગે છે.’
‘ભવિષ્યની તો કોને ખબર છે? ન્ જાણ્યું જાનકી
નાથે, એક તમે જ જાણ્યું કે સવારે શું થવાનું છે!’
અને આખો વર્ગ ભજન ગાવા લાગ્યો. ‘ન્ જાણ્યું
જાનકીનાથે...’ કેટલાંક તાલ આપવા લાગ્યા. એકલવ્યે તાલ ખોટા પડે છે એમ કહીને સહુને
રોક્યા.
‘હવે તમે મારો વાંક કાઢી નહીં શકો. તમે આખા
વર્ગને ગેરમાર્ગે દોરી રહ્યાં છો, મિસ્ટર!’
‘તો તો હું નેતા થઈશ. વાહ! હું નેતા થઈશ.
ગેરમાર્ગે દોરવાની શક્તિ હોય તો નેતા થવાય.’
(એકલવ્ય, ૧૯૬૮. રઘુવીર ચૌધરી)
**********************************************************************
ઓઘડભાઈ, હું તો આ નવી પાર્લામેન્ટની ઉઘડતી
બેઠકમાં જ બિનસત્તાવાર ઠરાવની નોટીસ આપવાનો છું – ’
‘શાનો ઠરાવ?’
‘હું ઠરાવમાં માંગું છું કે ભેળને હવે પછી આપણા
સુવર્ણદ્વીપનાં રાષ્ટ્રીય ફરસાણનો દરજ્જો આપવો – ’
’વન્ડરફુલ, વન્ડરફુલ, મિસ્ટર ઓઘડ!’ અને એમાંના
વળી વધારે રીઢા ને વધારે ખંધા મુત્સદ્દીઓએ તો એક નવો જ પ્રસ્તાવ મૂક્યો:
‘ભેળને રાષ્ટ્રીય જ નહિ પણ આંતરરાષ્ટ્રીય દરજ્જો
આપવો જોઈએ.’
‘કેવી રીતે?’
‘એને યુનાઇટેડ નેશન્સનાં ભોજનાલયમાં સ્થાન
અપાવીને.’
‘તો પછી ભેળને નિકાસ ઉત્તેજન યોજનામાં દાખલ કરી
દેવી જોઈએ – તાબડતોડ.’
‘અને એમાંથી સુવર્ણદ્વીપ સારું હૂંડિયામણ પણ રળી
શકશે.’
‘મિલિયન ડોલર આઈડિયા!’
વિદેશી એલચીનું સૂચન વધાવાઈ રહ્યું.
‘ગાર્ડનપાર્ટી’માં રંગ જામી ગયો.
(સધરાના સાળાનો સાળો, ૧૯૬૮. ચુનીલાલ
મડિયા)
*************************************************************
મોતીબહેનનું ખરું નામ શું હતું તે કોઈ જાણતું ન
હતું. વીસ વર્ષની ઉંમરે તેમનાં હાથમાં પર્લ બકનું પુસ્તક આવ્યું. તે પછીનાં બે
મહિનાનાં ગાળામાં તેમણે ઝપાટાભેર બે સામાજિક નવલકથાઓ લખી નાખી ને એ નવલકથાઓ
‘મોતીબહેન બકલવાળા’નાં નામે છપાવી.
શું અંગ્રેજીમાં પર્લને નોબલ પ્રાઈઝ મળે અને
ગુજરાતીમાં મોતીબહેનને ન મળે?
અત્યારે તેઓ વરંડામાં ગુસ્સે થયેલી કાબરની માફક
ચક્કર ચક્કર ફરતા હતાં. ગઈકાલ સાંજની ટપાલમાં જે છાપું આવ્યું હતું એમાં મોતીબહેની
નવલકથા વિષે એક સમીક્ષાત્મક લખાણ હતું. પણ આ તે સમીક્ષા કે સજા? પેલાં દુષ્ટ,
હીનમાનસ ધરાવતાં વિવેચકે લખ્યું હતું કે:
‘આ નવલકથાને “હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન”ની જરૂર
છે. તો જ બિચારી જીવી શકશે.’
મોતીબહેનની આંખોમાં ક્રોધ, નિરાશા અને વૈરનાં
સાથિયા પુરાયા.
‘મારી નવલકથા સમજવા માટે કેવડું મોટું ને મહાન મન
જોઈએ?’ (‘મહાન મન’ નવી નવલકથાનાં શીર્ષક માટે અમને પ્રેરણા થઇ આવી.)
કોને કહેવી દિલની વાત (બીજી નવલકથાનું બીજું
શીર્ષક) એ દ્વિધામાં એમણે જયદેવને શોધ્યો પણ એ ન મળ્યો. ત્યાં એમને યજમાન દિવાન
બહાદુર સાંભર્યા.
‘દિવાન બહાદુર, હું તમારી જ રાહ જોતી હતી. ચાલો
મારી સાથે. મારી સાથે ઘોર અન્યાય થયો છે. મારી એ નવી નવલકથા હું તમને વાંચી
બતાવું. પછી કહો મને, શું એને નોબલ પ્રાઈઝ ન મળે?’ શ્વાસભેર આટલું બોલી મોતીબહેને
એમનો હાથ મજબૂત રીતે પકડ્યો ને સિંહણ હરણનો શિકાર કરી તેને ઘસડતી જાય તેમ મોતીબહેન
દિવાન બહાદુરને તેમની નવલકથા ‘રખડુ જમાઈ’ વાંચી સંભળાવવા લઇ ગયાં.
ઇતિહાસનાં રસિક અભ્યાસીઓ! તમારી જિજ્ઞાસા અહીં જ
થંભાવી દો. અત્રે એટલું જ કહેવું પર્યાપ્ત થશે કે બે કલાકને અંતે જયારે દિવાન
બહાદુર મોતીબહેનનાં કમરામાંથી બહાર નીકળ્યા ત્યારે જાણે કબરમાં દટાઈને પાછાં
નીકળ્યા હોય અથવા તો એમનાં ભૂતપૂર્વ સેક્રેટરીનું ભૂત જોયું હોય તેવા જણાતાં હતાં.
‘બહુ સહન કર્યું. બધું સહન કર્યું પણ આ બે
કલાકનું ઓપરેશન! હે પરમાત્મા! રોજ...રોજ...અનંત અસીમ કાળ સુધી મારે આની નવલકથાઓ સાંભળવી
પડશે?’
(એક હતા દિવાન બહાદુર,૧૯૭૬. ઈલા આરબ
મહેતા)
**********************************************
‘યા આ આ આ આ આ...’ માલાનાં મોંમાંથી ટ્રેનના
એન્જિનની વિસલ જેવો અવાજ નીકળી ગયો. એની એકની એક આયા અવાજ સાંભળીને હાંફળીફાંફળી
મેડમ માલાના રૂમમાં દોડી આવી. ફિલ્મ-તારિકાઓની આયાઓ ફિલ્મ ચોપાનિયાંઓ વાંચ્યા કરતી
હોય છે. પોતાની શેઠાણીઓ વિશે એમને ચોપાનિયાંમાંથી જાણવાનું મળતું હોય છે. માલાની
આયા એવું કંઈ દિલધડક ચોપાનિયું વાંચી રહી હતી તેથી એને એવો ભ્રમ થઇ ગયો કે એની
મેડમે કોઈના પ્રેમમાં નાસીપાસ થઈને ઊંઘવાની ગોળીઓનો ઓવરડોઝ લીધો હશે અને એની આખરી
પળોમાં ચીખી રહી હશે, તેથી એણે આવતાં આવતાં ‘હેલ્પ...હેલ્પ’ની બૂમો મારી.
માલા ‘મદદ મદદ’ના પોકારોથી ચોંકી. પોતાનાં જ
ફ્લેટમાં પોતાની આયા ઉપર બળાત્કાર કરવાનો કોઈકે પ્રયત્ન કર્યો હશે અને લાચાર અબળા
આયા એની મદદ માંગવા દોડી આવી છે એમ સમજીને અર્ધ પારદર્શક માલા ‘કૌન હે...કૌન
હે...’ની ચીસો પાડતી પોતાનાં કબાટમાંથી નકલી રિવોલ્વર કાઢવા દોડી.
આયા ડઘાઈને ઉભી રહી ગઈ. પોતાની મેમસાહેબ પલંગમાં
આખરી શ્વાસ લેતાં તરફડી રહી હશે એમ તેણે ધારેલું પણ એને બદલે માલાએ કબાટમાંથી
રિવોલ્વર કાઢી.
મેમસાહેબ રિવોલ્વરથી આત્મહત્યા કરવાં માંગે છે
એવું સમજી બેઠેલી આયાએ માલા પર તરાપ મારી.
‘મેમસા’બ, મેંય તુમકો મરને નહીં દેગા.’ આયાએ
અચાનક મારેલી તરાપથી માલા શરીરનું સમતોલપણું ગુમાવી બેઠી. બંને જણ બેડરૂમનાં
મુલાયમ ગાલીચા પર પછડાયા.
(સચ બોલે કુત્તા કાટે!, ૧૯૮૭. તારક
મહેતા)
**********************************************************************
આજની સભામાં ભદ્રંભદ્ર પ્રવચન કરવાનાં છે એવા
સમાચાર શહેરનાં વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા હતા. આ કારણે લોકોમાં ઉત્તેજના
વ્યાપી હોય એમ જણાતું હતું. ભદ્રંભદ્રે કહ્યું, “અંબારામ! જનસમૂહ મારાં દર્શન માટે
વ્યાકુળ હોય તેમ જણાય છે. યજમાનોને સીધા વ્યાસપીઠ પર જવા દઈ, આપણે જનસમૂહની
વચ્ચેથી માર્ગ કરતા વ્યાસપીઠ ભણી જઈએ જેથી લોકો નિકટથી મારું દર્શન કરી શકે. આપણે
યજમાનોને અનભિજ્ઞ રહેવા દઈ એમનાથી પૃથક્ થઇ જઈશું.” આના પ્રતિભાવરૂપે હું કંઈ કહું
તે પૂર્વે સોએક જેટલા લોકોનું એક ટોળું અમારી સમીપ આવી પહોંચ્યું અને ભદ્રંભદ્રની
જય પોકારવા લાગ્યું. યજમાનશ્રીની સામે જોઈને ભદ્રંભદ્રે પૂછ્યું, “આ આપણા માણસો
છે?”
“આમ છે ને આમ નથી.” યજમાને કહ્યું.
“જગત છે ને જગત નથી એવું તમારું કથન ઘણું જ ગહન
જણાય છે.”
“મહારાજ! આપની જય પોકારવા માટે અમે આ લોકોને ભાડે
લાવ્યા છીએ. દર દસ જય પોકારવાનું વ્યક્તિદીઠ ભાડું એક રૂપિયો છે. દરેક વ્યક્તિ સો
જય પોકારશે એટલે વ્યક્તિદીઠ દસ રૂપિયાનો ખર્ચ થશે. સો જય બોલાય ત્યાં સુધી આ આપણા
માણસો છે. મજબૂત ગળાવાળા લોકોનો આ કાયમી વ્યવસાય છે.”
“અંબારામ! આવો વ્યવસાય શાસ્ત્રસંમત છે?”
“મહારાજ! બ્રાહ્મણો દક્ષિણા સ્વીકારી સવા લક્ષ
જાપ કરી આપે છે. તે જ રીતે આ લોકો દક્ષિણા સ્વીકારી જયઘોષ કરે છે. આમાં શાસ્ત્રથી
વિપરીત કશું જણાતું નથી.”
(સંભવામિ યુગે યુગે, ૧૯૯૪, રતિલાલ
બોરીસાગર)
**********************************************
“ઓહો! પંડ્યા સાહેબ...તમે જયંતીભાઈને ઓળખો છો?”
“ઓળખો છો એટલે! જયંતીભાઈ તો શું તેમનાં આખા
ખાનદાનને ઓળખું છું. જયંતીભાઈનાં દાદા...સાંકળચંદ શેઠ...એટલે વાત ન પૂછો. મેં
તેમને જોયેલાં નહિ. પણ મારાં દાદાના એ મિત્ર થાય. મારાં બાપા ઘણી વખત તેમની વાત
કરતા. નડિયાદનું નામ રોશન કરનારાં એક હતાં ગો.મા.ત્રિ. અને બીજાં આ જયંતીભાઈના
ગ્રાન્ડફાધર. મારા બાપા કહેતા હતા કે લીલો ચેવડો એ સાંકળચંદ શેઠે શોધેલો. ફિલસૂફી
અને ફરસાણ એટલે સાહેબ ગો.મા.ત્રિ. અને સાંકળચંદ શેઠ! શેઠ પોતે પાછાં શેરોસુખન.
સંગીત, કળા અને લીલો ચેવડો એમની જિંદગી...ગો.મા.ત્રિ. સાથે એમને રોજની ઉઠબેસ...”
“ગો.મા.ત્રિ.?” રાઠોડ સાહેબને સાહિત્ય સાથે કોઈ
સ્નાનસૂતક ન હતું.
“યસ સર...ગોવર્ધનરામ...અહા...” પંડ્યા સાહેબ બોલી
ઉઠ્યા, “મારા ફાધર કહેતાં કે સાંકળચંદભાઈ તેમની જવાનીમાં ટુ બાય ટુનું સોનેરી
કિનારનું ધોતિયું, સફેદ-ઝગ આર કરેલું મોટી કસબી કોરનું અંગરખું, માથે લાલ ચટક
પાઘડી અને પગમાં ચકચકતી પોલીશ કરેલી મોજડી, એક હાથમાં ચાંદીની મૂઠવાળી વોકિંગ
સ્ટીક, મોઢામાં ક્યારેક મઘમઘતું નાગરવેલનું પાન દબાવીને નીકળે ત્યારે...સાહેબ આખું
ઘોડિયા બજાર જોઈ રહેતું... અને સાહેબ સાંકળચંદ શેઠ ચાલતા ચાલતા ગોવર્ધનરામને ત્યાં
જતા. અને પછી રંગત જામતી દિવાનખંડમાં... બસ લીલો ચેવડો ખવાતો જાય અને કુસુમસુંદરી,
ગુણસુંદરી અને કુમુદ જેવાં પાત્રો...”
“શું વાત કરો છો પંડ્યા? લીલા ચેવડા સાથે આવી
લીલા! આ નડિયાદમાં? મને એમ કે સાલું આવું બધું લખનઉમાં થતું હશે! નડિયાદમાં પણ
આવું ચાલતું?” રાઠોડ ચોંકીને બોલી ઉઠ્યા. રાઠોડનું અક્ષરજ્ઞાન બોમ્બે પોલીસ એક્ટ
અને ઇન્ડિયન પિનલ કોડની ગુજરાતી આવૃત્તિ સુધી મર્યાદિત છે તેનો ખ્યાલ એકાએક
ભોગીલાલ રાઈટરને આવ્યો હતો.
(કમઠાણ, ૨૦૦૧. અશ્વિની ભટ્ટ)
*******************************************************
પોલીસો અમને લઈને પોલીસ-સ્ટેશનની અંદર દાખલ થયાં.
પરશુ ધારણ કરેલાં પરશુરામ સરખા ભદ્રંભદ્રને જોઈ સામે બેઠેલાં પોલીસ અધિકારી એકદમ
ઉભાં થઇ ગયાં. પોલીસ અધિકારી તો આશ્ચર્યનાં આંચકાથી ઉભાં થઇ ગયાં હતાં પણ એમનાં આ
આશ્ચર્યભાવે ભદ્રંભદ્રમાં ગેરસમજ પ્રેરી. ભદ્રંભદ્ર સમજ્યા કે પોલીસ અધિકારી
પોતાને સન્માન આપવાં ઉભાં થઇ ગયાં છે. એટલે પ્રસન્ન થઈને તેઓ બોલ્યાં: “હે
વિવેકચૂડામણિ (વિવેકી લોકોમાં શ્રેષ્ઠ) એવાં આરક્ષક અધિકારી! મારાં જેવાં
યુગપુરુષના પાવન ચરણો અહીં પડ્યા તેથી તત્કાલ ઉભાં થઇ મારા પ્રતિ સન્માનનો ભાવ
દર્શાવ્યો તેથી હું અતીવ પ્રસન્ન થયો છું.”
પોલીસ અધિકારી દિગ્મૂઢ બનીને ભદ્રંભદ્ર સામે જોઈ
રહ્યાં. ક્ષણવાર તો જાણે એમની વાચા જ હરાઈ ગઈ. પછી સહેજ કળ વળતાં એમણે બાજુમાં
ઉભેલાં પોલીસને કહ્યું, “આણે મને કંઈ ગાળ દીધી? એ બોલ્યો એવાં શબ્દો તો મેં
ક્યારેય સાંભળ્યા નથી.”
પોલીસ-અધિકારીને ન સમજાયા હોય એવાં શબ્દો બીજાં
પોલીસને સમજાય એ શક્ય નહોતું. એણે કહ્યું, “સાહેબ, આણે ગાળ દીધી હોય એવું તો એનાં
મોઢા પરથી લાગતું નથી. પણ મેંય આવા શબ્દો જિંદગીમાં પહેલીવાર સાંભળ્યા. બાજુમાં
પ્રાથમિક નિશાળ છે. તમે કહેતાં હો તો કોઈ માસ્તરને પકડી લાવું; એને કદાચ આ શબ્દોના
અર્થ આવડતા હોય!”
“રહેવા દ્યો! કદાચ માસ્તરને ય આ શબ્દો ન આવડતા
હોય તો ગૃહખાતાનું ને શિક્ષણખાતાનું – બેયનું ખરાબ લાગે.”
(ભદ્રંભદ્ર અમર છે!, ૨૦૧૪. રતિલાલ
બોરીસાગર)
*********************************