Friday, May 31, 2019

વિલિયમ શેક્સપીયર: મૃત્યુનાં ચારસો વર્ષ પછી પણ જેનું નામ અને કામ બોલે છે!




રોમિયો એન્ડ ઇથિલ, ધ પાયરેટસ્ ડોટર નામનાં નાટકનું રિહર્સલ કેવું થઇ રહ્યું છે તે જોવાં સ્ટેજ પર આવેલાં એક સોહામણા યુવાનને જોઈને  હ્યુજ ફેન્નીમેન પૂછે છે: “એ કોણ?”
Nobody – ખાસ કોઈ નહિ.” ફિલીપ હેન્સલો ઉત્તર આપે છે. “ આનો લેખક છે.”                                           *        *       *       *       *       *       *       *       *       *       *                                             
ઉપરનો સંવાદ
1998માં આવેલી Shakespeare in Love ફિલ્મમાંથી લીધો છે પણ એમાં વર્ણવેલું 1593ની સાલનાં ઇંગ્લેન્ડનાં નાટયગૃહોનું ચિત્ર સત્યથી જરીકે વેગળું નથી. વિલિયમ શેક્સપીયર (1564-1616) નામની શખ્સિયતને એ સમયે ઇંગ્લેન્ડમાં એને કોઈ ઓળખતું નહોતું. લોકો તો નાટક અને એમાં ભાગ ભજવતાં કલાકારોને જોવાં આવતાં. નાટક કોણે લખ્યું છે એની સાથે એમને કોઈ નિસ્બત નહોતી...

...અને આજે? આજે ભાગ્યે જ કોઈ એવું હશે જે શેક્સપીયરને “nobody” કહેવાની હિંમત કરશે.  સમગ્ર વિશ્વમાં અંગ્રેજીનાં વર્ગખંડોમાં શેક્સપીયર વંચાય છે અને જગતભરનાં રંગમંચો પર એનાં નાટકોનું મંચન થયાં કરે છે. બની શકે કે તમે એનું એક પણ નાટક વાંચ્યું ન હોય પણ છતાં ય તમને શેક્સપીયરનાં બે-ચાર પાત્રોનાં નામ ખબર હોય. એ પણ નથી ખબર? તો જવા દો. તો તમે કદાચ શેક્સપીયરની કૃતિઓનાં ‘ભારતીયકરણ’માં નિષ્ણાત એવાં વિશાલ ભારદ્વાજની ‘ઓમકારા’, ‘મકબૂલ’ કે પછી ‘હૈદર’ જેવી ફિલ્મો જોઈ હશે...અચ્છા, કંઈ નહિ તો રોમિયો એન્ડ જુલિયેટ પર આધારિત સંજય લીલા ભણસાલીની રામલીલા તો અચૂક જોઈ હશે! સામાન્ય વાચકોથી માંડીને ફિલ્મમેકરોને આજે ય આકર્ષે છે એવો શેક્સપીયર એક લેખક તરીકે કેવો હતો એ જાણવાનું આપણને મન થાય એ સ્વાભાવિક છે. ચાલો, શેક્સપીયરનાં જીવન-કવનનાં રસપ્રદ પાસાંઓ પર એક નજર નાખીએ...

શેક્સપીયર: એક ધંધાદારી લેખક?

ખ્યાતનામ લેખકો વિષે જગત જાતભાતની અટકળોનાં ઘોડા દોડાવતું હોય છે. કોઈ ક્લાસિક લેખક અંગે આપણે ધારી લઈએ છે કે એ તો બહુ જ એકાંતપ્રિય અને જગતથી નીતિરીતિથી ઘવાયેલો જીવડો હોવો જોઈએ. આપણને તો એવું જ થાય કે એવાં લેખકો લંડન, પેરીસ કે સેન્ટ પીટર્સબર્ગ જેવાં શહેરોની બદનામ ગલીઓમાં આવેલાં પુરાતન મેડીબંધ મકાનનાં કોઈ ઓરડામાં મેજ પર હાથમાં કલમ સાથે ગોઠવાઈ ગયાં હશે અને નજીક રાખેલી મીણબત્તીઓમાંથી ઝરતાં હળુહળુ પ્રકાશમાં પોતાની કલમથી કાગળ પર શબ્દનો પ્રસવ કરાવતાં હશે. ને આવાં મહાન લેખકો તો કંઈ પૈસા માટે લખે? એ તો કળા ખાતર કળામાં માનનારા મહાત્માઓ જ હોઈ શકે!

કટ ટૂ વિલિયમ શેક્સપીયર... કેટલાંક સમકાલીનોને મતે જીનીયસ-ફીનીયસની વાત તો જવા જ દો શેક્સપીયર તો એક ધંધાદારી લેખક હતો. એ વાત પણ સાચી કે શેક્સપીયરે જયારે કલમને “હું તારે શરણે છઉં!” એવું કહ્યું હતું ત્યારે તેની એક આંખ સરસ્વતી ભણી અને એક લક્ષ્મી ભણી નહિ પણ બંને આંખો લક્ષ્મી ભણી હતી! એટલેસ્તો એણે જેટલું લખ્યું એ બધું લોકભોગ્ય લખ્યું...અને, વિપુલ પ્રમાણમાં લખ્યું.

શેક્સપીયરનાં જીવનમાં રોજિંદા ધોરણે નાટ્યલેખનની પ્રવૃત્તિ કેવી રીતે ચાલતી હશે એ તો આપણે જાણતા નથી પણ તેનાં નાટકોની સંખ્યા પરથી ચોક્કસ કહી શકીએ કે એણે વર્ષે બે નાટકો લખ્યાં હોવાં જોઈએ. અને આમાંથી એને વાર્ષિક બસો પાઉન્ડની માતબર આવક થતી. શેક્સપીયરને નાટક લખતી વખતે નાટ્યગૃહનું  વાસ્તવિક લેઆઉટ, નાટક ભજવનાર કલાકારની શબ્દને જીવંત કરી શકવાની ક્ષમતા, નીતનવાં મનોરંજન માટે તરસતા પ્રેક્ષકગણ જેવી બાબતો લક્ષમાં લેવી પડતી. એક દિવસની રોજી ખર્ચીને નાટક જોવાં આવતાં પ્રેક્ષકોને મનોરંજન તો અનિવાર્યપણે પીરસવું પડે નહિતર નાટકનું ને નાટક લખનારનું તો આવી જ બન્યું સમજો!

શેક્સપીયરમાં ધંધાકીય સૂઝબૂઝ હતી કે કેમ એ જોઈએ. એલિઝાબેથન યુગમાં રોયલ્ટી કે કોપીરાઇટ જેવી કોઈ પ્રથા નહોતી. કોઈ નાટક માટે લેખકને વળતર મળી જાય એટલે પત્યું. પછી એ નાટક ગમે તેટલી વાર ભજવાય અને આવક રળી લાવે તો ય લેખકને એક ફદિયું પણ એમાંથી મળે નહિ, સિવાય કે લેખક પોતે એ  નાટ્યકંપનીનો શેરહોલ્ડર હોય. ને નાટ્યકંપનીનાં શેરહોલ્ડિંગમાંથી પણ શેક્સપીયરને વાર્ષિક દોઢસો પાઉન્ડની આવક થતી હતી. આ આવક દ્વારા તેણે જમીન અને મકાનોમાં સારા એવાં રોકાણો કર્યા હતાં. શેક્સપીયરની આવકનાં આંકડા વાંચતી વખતે એ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે સત્તરમી સદીમાં ઈંગ્લેન્ડમાં વાર્ષિક પાંચ પાઉન્ડની આવકમાં એક સામાન્ય પરિવારનું ગુજરાન નભી જતું હતું. 

શેક્સપીયર: નાટકનો ન ઘૂંટતા ઘૂંટતા કવિતાનાં ક નો ય કલ્લોલ!

એલિઝાબેથન યુગમાં જો કોઈએ લેખન પર ગુજરાન ચલાવવું હોય તો એણે અનિવાર્યપણે નાટ્યલેખન પર હાથ અજમાવવો પડે. કેમકે, નાટયલેખનમાં અવિરત કામ અને પ્રમાણમાં સારું વળતર મળી રહેતું. પણ હા, તત્કાલીન સમાજમાં નાટ્યકારોનું સ્થાન ઘણું નિમ્ન હતું. એટલે, લેખનક્ષેત્રે પ્રતિષ્ઠા જોઈતી હોય તો પછી કાવ્યલેખનનો આશરો લેવો પડે. કેમકે, શેક્સપીયરનાં જમાનામાં કવિઓની બુદ્ધિક્ષમતા નાટ્યલેખકો કરતાં ચડિયાતી લેખવામાં આવતી. લંડનમાં 1592ની સાલમાં પ્લેગનાં રોગચાળાને કારણે નાટ્યગૃહો બંધ થઇ ગયાં ત્યારે આપણા શેક્સપીયરની કલમ કવિતા લખવાંમાં પરોવાઈ. જરા હળવાશથી કહેવું હોય તો કહી શકાય કે કવિતાએ એને ‘મંદીનાં માહોલ’માં બે ટંકનો રોટલો રળવા સાથે પ્રતિષ્ઠા પણ રળી આપી! આજે તો આપણે શેક્સપીયરને નાટ્યકાર તરીકે ઓળખીએ છીએ પણ એના જીવનકાળમાં એની ઓળખ કવિતાને કારણે હતી. શેક્સપીયરનાં સોનેટસ્ તો ઘણાં પાછળથી પ્રકાશમાં આવ્યાં પણ એની વિનસ એન્ડ અડોનીસ નામની 1593માં પ્રકાશિત થયેલી કવિતા એટલી તો પ્રસિદ્ધ થયેલી કે એ જમાનામાં એની આઠ-આઠ આવૃતિઓ બહાર પાડવી પડેલી.  તો વળી, બીજાં વર્ષે એટલેકે 1594માં આવેલી ધ રેપ ઓફ લુક્રેસ નામની કવિતાની પણ છ આવૃતિઓ થઇ હતી.

પ્લેગનાં કારણે જયારે નાટ્યગૃહો બંધ થઇ ગયાં ત્યારે શેક્સપીયરને એની લેખનપ્રવૃત્તિને ઉત્તેજન આપી શકે એવાં એકાદ “પેટ્રન” એટલેકે કલાનાં કદરદાન – આશ્રયદાતાની જરૂર જણાઈ. અને ત્યારે શેક્સપીયરની વહારે આવ્યાં હેન્રી રીસ્લે, જેઓ સાઉધમ્પટન પરગણાનાં ત્રીજા ઉમરાવ હતાં. આ ઉમરાવની નાણાકીય મદદને કારણે શેક્સપીયરનું વિનસ એન્ડ અડોનીસ પ્રકાશિત થયું જેનાં અર્પણવચનમાં શેક્સપીયરે હેન્રી રીસ્લે માટે ‘વધુ સારી કૃતિ’ સર્જવાનું વચન આપ્યું હતું. જે બીજે વર્ષે આવેલી  ધ રેપ ઓફ લુક્રેસ દ્વારા એણે પાળ્યું પણ ખરું.

શું બાઈબલનાં અંગ્રેજી અનુવાદમાં શેક્સપીયરનો પણ ફાળો હતો?

દા વિન્ચીનાં ચિત્રોમાં રહેલી સંકેતલિપી અંગે તો આપણે જાણીએ છીએ પણ શું બાઈબલમાં પણ શેક્સપીયર તરફ અંગુલીનિર્દેશ કરતો કોઈ સંકેત છૂપાયેલો છે? એમ ધારવામાં ખોટું નથી કે શેક્સપીયરે બાઈબલમાંની  રચનાઓ લખી હોઈ શકે. કારણકે ઇંગ્લેન્ડનાં રાજા જેમ્સ પ્રથમે જયારે ખ્રિસ્તી ધર્મગ્રંથનો અનુવાદ કરાવવા માટે વિદ્વાનોનાં મંડળની રચના કરી ત્યારે શેક્સપીયર તેની નાટ્ય કારકિર્દીની ચરમસીમાએ હતો. વળી, 1611 માં પ્રકટ થયેલ અને આજપર્યંત પ્રચલિત એવું કિંગ જેમ્સ બાઈબલ વાંચીએ તો જાણે કાવ્ય વાંચતા હોઈએ એવી અનુભૂતિ થાય છે. એવી સુંદર રચનાઓ પાછળ શેક્સપીયર સિવાય બીજાં તો કોનો હાથ હોઈ શકે? કેટલાંક વિદ્વાનો Psalm 46માં છૂપાયેલા કોડ ભણી જોવાનું સૂચવે છે (ને 1610માં શેક્સપીયરની ઉંમર પણ હતી 46!)... સારું, આગળથી વાંચવાનું શરુ કરો અને છેતાળીસમેં શબ્દે અટકો. શું દેખાય છે? “shake” શબ્દ લખ્યો છે ને? ઠીક છે. હવે છેલ્લેથી ઉલટક્રમમાં વાંચો અને છેતાળીસમેં શબ્દે અટકો. “spear” શબ્દ વંચાય છે? shake + spear = Shakespeare! શું શેક્સપીયરે પોતે અનુવાદ સમયે આવો સંકેત છુપાવ્યો હશે કે પછી કોઈ અનુવાદકે શેક્સપીયરને જન્મદિનનાં શુભેચ્છાસંદેશ તરીકે આવી તરકીબ વાપરી હશે એ તો કોણ જાણે? આમાં સત્ય કેટલું એ તો અટકળનો વિષય પણ બાઈબલ અને બાર્ડ (શેક્સપીયર માટે વપરાતો શબ્દ) બંનેએ અંગ્રેજી ભાષાને ખૂબ જ સમૃદ્ધ કરી છે એ વાતને કોઈ નકારી શકે નહિ.

શેક્સપીયરનાં નામની સાચી જોડણી કઈ?

શેક્સપીયરનું નામ તે સમયનાં કેટલાંક કાનૂની દસ્તાવેજો પર જોવાં મળે છે પણ એમાં આંખે ઉડીને વળગે એવી બાબત છે દરેક દસ્તાવેજમાં એના નામની અલગ-અલગ રીતે કરવામાં આવેલી જોડણી. અને એક જ માણસની નોખી જોડણીનાં ગૂંચવાડાને કારણે શેક્સપીયરનાં કર્તૃત્વ અંગે પણ વિદ્વાનોમાં વિવાદ છેડાતો રહે છે. પણ એક વાત નોંધવી રહી કે એલિઝાબેથન યુગમાં કંઈ સ્પેલ-ચેકર જેવાં સોફ્ટવેર કે પછી પ્રમાણભૂત ડિક્શનરી તો હતી નહિ એટલે શબ્દની જોડણી અંગે લોકો એટલાં ગંભીર નહોતાં. વળી, જોડણી તો કાને પડેલાં શબ્દને સાંભળીને થતી હતી. જોડણીનો આધાર કોણ કેટલી સ્પષ્ટતાથી બોલે છે અને સામેવાળો માણસ કેટલું સભાનપણે સાંભળે છે એના પર નિર્ભર રહેતો. વિલિયમ શેક્સપીયરનાં કિસ્સામાં એની નામકરણવિધિનાં પ્રમાણપત્ર પર Shakespere , એનાં લગ્ન કરાર પર  Shagspere તો એનાં વસિયતનામા પર  Shackspeare લખેલું વંચાય છે! વળી, શેક્સપીયરની એક નહિ પણ છ અલગ પ્રકારની સહી જોવાં મળે છે... એની પ્રકાશિત થયેલી રચનાવલીનાં ટાઈટલ પેજ પર Shakespeare એવું વંચાય છે. અને આપણે અત્યારે જે રીતે શેક્સપીયરની જોડણી કરીએ છે એ આ જ.

શેક્સપીયરનું ઈટાલી કનેક્શન!

કેટલાંક લેખકો એવાં હોય છે જેઓ પોતાનાં સ્થળવર્ણનોમાં વાસ્તવિકતા ઘૂંટવા માટે જે-તે સ્થળે જાતે જવાનું પસંદ કરે છે. તો કેટલાંક ફક્ત કલ્પનાનાં ઘોડા દોડાવીને પણ કામ ચલાવી લેતાં હોય છે. શેક્સપીયરનાં પાંચેક નાટકો ઈટાલીના નગરો –  વેનિસ, વેરોના, મેસીના અને પડુઆ – માં આકાર લે છે. એટલે, આપણને થાય કે શેક્સપીયર ક્યારેય ઈટાલી ગયો હશે કે પછી...? કેટલાંક વિદ્વાનોનાં માનવા મુજબ 1592 થી 1594ની વચ્ચેના સમયગાળામાં પ્લેગના કારણે નાટ્યગૃહો બંધ હતાં એ સમયે શેક્સપીયરે એનાં “પેટ્રન” એવાં સાઉધમ્પ્ટનનાં ઉમરાવ સાથે ઇટાલીનો પ્રવાસ કર્યો હોવો જોઈએ. તો વિદ્વાનોનો બીજો મત એમ ઠેરવે છે કે ઈટાલી અંગે લખવાં માટે શેક્સપીયરે ઈટાલી જવું જરાય જરૂરી નહોતું. એને ઈટાલી વિષે જોઈતી સઘળી માહિતી ઇટાલીયન-ઈંગ્લીશ શબ્દકોશ તૈયાર કરી રહેલાં જોન ફ્લોરીઓ પાસેથી મળી હોવી જોઈએ. વળી, આ જોન ફ્લોરીઓ તો સાઉધમ્પ્ટનનાં ઉમરાવનો સેક્રેટરી હતો એટલે શેક્સપીયરને જોનની મદદ મેળવવામાં કોઈ સમસ્યા નડે એવું નહોતું. ખેર, શેક્સપીયર ઈટાલી ગયો હોય કે ન હોય પણ ઈટાલીનાં નગરની ભૂગોળ અંગેનું તેનું જ્ઞાન જરાક કચાશપૂર્ણ હતું. જેમકે, એનાં નાટક ધ ટૂ જેન્ટલમેન ઓફ વેરોનામાં નાટકનાં પાત્રો નાવડીમાં બેસીને નગરની વિદાય લે છે જયારે હકીકતમાં તો વેરોનામાં નાવડી મુકવા માટે સમખાવા પુરતી એકેય કેનાલ નથી!
********************************

આજની પરિભાષા મુજબ જેને સુપરસ્ટાર લેખક કહેવાય એવો શેક્સપીયર તેનાં સમયમાં તો તદ્દન આમ આદમી જ હતો. અરે, એને તો સ્વપ્નેય ખ્યાલ નહિ હોય કે કોઈક દિવસ પોતે સાહિત્યજગતનો ઝળહળતો સિતારો બનશે. ના કોઈ એવાં તાલેવંત પરિવારમાં જન્મ, ના તો ધોરણસરનું શિક્ષણ એને મળ્યું હતું. છતાં એવું તો શું હતું જે શેક્સપીયરને ‘ધ શેક્સપીયર’ બનાવી શક્યું? તો એનો જવાબ છે:  ભાષા માટેનાં કેળવાયેલા કાન અને બળકટ વાર્તાઓ ‘સૂંઘી’ લેતાં ચક્ષુઓ...અને આકરી મહેનત ખરી ને? હા, એ તો કેમ ભૂલાય? 

સૌહાર્દ-૨૦૧૭: વિશ્વાસની વાસ્તવિકતા બનવાની સફર (ભાગ- 14)



“ એક્ટીવા પર જઈશું કે ઉબેર બોલાવું?” માને મેં પૂછ્યું. અમે લગાતાર ચાર-પાંચ અઠવાડિયાથી કરેલી મહેનત આજે કેવીક ઉગી નીકળે છે એ જોવાની ઈંતેજારી તો હોય જ પણ સાથે આપણા સ્વજનો અને મિત્રોની ઉપસ્થિતિ હોય તો એનો વિશેષ આનંદ હોય. એટલે આગલા દિવસે મેં અનિરુદ્ધ,તુષાર,પાર્થ, હિતાંશ, જય (સોરી, ડૉ. જય), હિરેન, વિષ્ણુભાઈ – સૌને ફોન કરીને ભાવસાર અટકધારી મેં ‘ભાવ’થી આમંત્રણ આપ્યું પણ સૌએ ‘સાર’માં સમજાવ્યું કે ‘સોરી! અમારાથી નહિ આવી શકાય!’ ગુરુવારે ‘વર્કિંગ ડે’ હોય એટલે સૌને અનુકૂળતા ન હોય એ સમજી શકાય એવી બાબત છે એમ કહીને મનને મનાવ્યું. અમારાં ઈંગ્લીશનાં વીઝીટીંગ ફેકલ્ટી – કિંજલ,પારુલ,શ્વેતા અને ઉર્વશી – આમને તો અમે કહેવાનું જ ભૂલી ગયેલાં! એટલે મેં આગલા દિવસે ફોન કરી ઘણાં રીસામણા-મનામણાં પછી સૌહાર્દ-૨૦૧૭માં આવવા માટે રાજી કર્યા. અને મા...પુત્રે જ્યાં આટલે મોટેઉપાડે નાટક કરાવવાનું બીડું ઝડપ્યું હોય અને મૌલિક-નિકુલ-પલકેશ-પ્રશાંતનાં નિર્દેશનમાં   સરસ નાટક તૈયાર કરાવ્યું હોય તે માને ન દેખાડીએ એ કેમ ચાલે? માને ઊઠવા-બેસવા-ચાલવાની ભારે તકલીફ. એટલે પછી ઉબેર જ બોલાવી લીધી. પહોંચી ગયાં પારુલને ઘરે. પારુલનો હું માનેલો ભાઈ. પારુલ-કિંજલ-શ્વેતા માને લઈને આરામથી આવે એવું નક્કી કરેલું. એટલે, પારુલની નિશ્રામાં   મમ્મીને મુકીને હું ટાઉન હોલ આવ્યો.

ટાઉન હોલ પર રંગારંગ કાર્યક્રમનો માહોલ જોઈ શકાતો હતો. ચારેય દિશામાંથી વિદ્યાર્થીઓ ટાઉન હોલ ભણી આવી રહ્યાં હતા. પાર્કિંગ પ્લોટને છેડેથી સીધાં બેકસ્ટેજ પર જવાનો દરવાજો પડતો હતો. એટલે આવતાની સાથે પાછલે બારણે પ્રવેશ કર્યો! અને સામે મળ્યાં આજની ઇવેન્ટનાં પેટ્રન એ.ડી.પટેલ. ભારે ઘોંઘાટ વચ્ચે એમણે મને કહ્યું, “તમારાં નાટકના વિદ્યાર્થીઓ સૌથી વધુ અવાજ કરી રહ્યાં છે, એમને કહો શાંત રહે.” મારા માટે તો આ શબ્દોને આઘાતજનક હતા. આવતાની સાથે જ અમારી ફરિયાદ! વિદ્યાર્થીઓને અફરાતફરીમાંથી બહાર લઈ આવ્યા. મૌલિક, પલકેશ અને નિકુલે સૌના ઉત્સાહમાં વધારો કરવાની સાથે સ્ટેજ પરફોર્મન્સ માટે જરૂરી સૂચનાઓ આપવા માંડી. કોઈ વિદ્યાર્થીએ યાદ કરાવ્યું કે “સર, પ્રોપર્ટીમાં છાપું તો છે જ નહિ.” એટલે પ્રતિક અને રોનક પાસેથી તાત્કાલિક મંગાવી લીધું.

ત્યારબાદ અંદર હોલની વ્યવસ્થા જોવાં ગયાં ત્યારે મૌલિકે કહ્યું કે પાર લાઈટ્સ અને હેન્ગીંગ માઈક તો છે નહિ. લાઈટ્સ ઇન-ચાર્જને કહ્યું તો કહે કે PAAR લાઈટ્સ છે પણ લગાવતા નથી ફાવતી. અધૂરામાં પૂરું ઈવેન્ટ્સ ચાલુ થઇ જતાં  સ્ટેજ પર પાછળ ઓર્કેસ્ટ્રા અને આગળ સિંગિંગ અને ડાન્સિંગની આઇટમ ઝડપભેર રજૂઆત પામી રહી હતી. ‘સસ્તા વિમાનનું સપનું’ નાટકનો ક્રમ આવ્યો. PAAR લાઈટસનું કેમેય ઠેકાણું ન પડતાં પછી મૌલિકે પોતે જ જઈને આશાબહેન કાર્યક્રમનું સંચાલન કરી રહેલાં એ પોડિયમ પર ધરાર એક PAAR લાઈટ અને લાલ જીલેટીન પેપર ગોઠવીને વિમાનનાં માળખા પર ફોક્સ આપ્યો. હેન્ગીંગ માઈક નથી તો ડાયલોગ્સ કેમનાં સંભળાશે એનાં ઉચાટમાં હતો ત્યાં જ  વિંગમાં મારી પાછળ ઉભેલાં ડાન્સ માસ્ટરે પોતાની મુર્ખાઈનું પ્રદર્શન કરતા વણમાગી સલાહ આપી, “અરે, તમે છોકરાઓને કહી દો કે માઈક હાથમાં રાખીને ભજવે.” કહેવાનું મન તો થયું કે ‘મૂંગો મર!’ પણ પછી અમારી ઇવેન્ટનું નામ ‘સૌહાર્દ’ છે એવું યાદ આવ્યું એટલે મોંમાંથી સરસ્વતીની ધાર છૂટતા રહી ગઈ!

ખીચોખીચ ભરાયેલા હોલમાં શોરબકોર થતો હતો. હડબડીમાં નાટક શરુ થતાં પહેલાં નાન્દીપાઠની રસમ હોય છે એ પણ ન થઇ શકી. અધૂરામાં પૂરું પડદો બંધ ન થઇ શક્યો, મંચ પર પાછળની બાજુ ઓર્કેસ્ટ્રા બેસાડ્યું હતું. એટલે સ્ટેજનો એ ભાગ રોકાયેલો જ રહેવાનો હતો. ઓરકેસ્ટ્રાના વાયરો પણ બાકીનાં સ્ટેજમાં પથરાયેલાં રહેવાના હતા, સ્ટેજ પરની લાઈટ ચાલુ જ રહેવાની હતી અને ‘છોકરા-છોકરીઓ’ (વિદ્યાર્થીઓ નહિ!) ધમાલ કે પ્રેમચેષ્ઠાઓ ન કરે એવા ડરથી ઓડિયન્સમાં પણ લાઈટ્સ ચાલુ જ રાખી હતી! બેકસ્ટેજમાં પણ વણજોઈતા વિદ્યાર્થીઓની વણઝાર! નાટક આવી અફરાતફરી વચ્ચે જ શરુ થયું. આગળની હરોળમાં બેઠેલાં પ્રેક્ષકો સિવાય કોઈને કલાકારોનો અવાજ નહોતો સંભળાઈ રહ્યો. એટલે પાછળ બેઠેલાં કોઈ ડામીસ પ્રેક્ષકને એવી તો ચાનક ચડી કે એણે જોરથી ઘાંટો પાડ્યો ‘એ મોટેથી બોલો નથી સંભળાતું’. વિંગમાં ઉભેલાં મને એનો ઘાંટો સંભળાયો ત્યારે એવો તો ગુસ્સો આવેલો કે ઓડિયન્સમાં જઈને એને પાંસરોદોર કરી આવું. પણ કહેવું પડે કે નાટકનાં કલાકારોએ રંગ રાખ્યો. હેન્ગીંગ માઈકને અભાવે નચિકેતાએ ગળું ફાટી જાય એટલાં સાદે સંવાદો બોલવા પડતાં હતા છતાં એનાં અભિનયમાં કોઈ ઓટ આવી નહોતી. ઉલટું, કલાકારોને તકલીફ પડી રહી છે અને નાટક જોવાં શાંતિ રાખવી જ પડશે એવું સહેજવાર પછી જયારે ઓડિયન્સે થયું ત્યારે થોડો શોરબકોર ઓછો થયો અને જરૂરી સ્થાનોએ ચીઅર્સ અને લાફ્ટરનાં આવશ્યક ડોઝ મળવાના શરુ થયા. વિંગમાં ઉભેલાં બાકીનાં લોકોમાં શાંતિ જળવાઈ રહે અને કલાકારોની એન્ટ્રી-એક્ઝીટમાં કોઈ દખલ ન આવે એ જોવાની પ્રશાંતે બહુ મોટી ભૂમિકા ભજવી.

આમ છતાં યોગ્ય લાઈટ્સ અને માઈકનાં અભાવે નાટક પડી ગયું. મારા મનમાં વિષાદનાં વાદળ  છવાઈ ગયાં. એક સમયે એવું પણ લાગી આવ્યું કે સિંગિંગ-ડાન્સ-રેમ્પવોક જેવી તામઝામસભર ઈવેન્ટ્સ વચ્ચે નાટક જરા બંધબેસતું નથી. સિંગિંગ-ડાન્સ-રેમ્પવોકમાં તો દર્શકોએ ફક્ત જોવા-સાંભળવાનું હોય છે. પણ નાટકને માણવા ફક્ત આંખ-કાનનો ઉત્સવ પૂરતો નથી, મગજ પણ સક્રિય રાખવું પડે છે. કલાકાર કોઇપણ સંવાદ બોલે છે તો એ હંમેશા half-uttered sentence હોય છે – અર્ધું બોલાયેલું વાક્ય. બાકીનું અર્ધું વાક્ય તો પ્રેક્ષકે જોડીને પૂર્ણ કરવું પડેલ છે. એ અર્થમાં પણ એને ડાયલોગ કહે છે, નહિ તો મોનોલોગ ન કહેતાં હોત?

બહાર સૌ ચાની કીટલીએ ગયાં જ્યાં ચા આવે એ પહેલાં બધી જ હૈયાવરાળનો ઉભરો ઠલવાયો. કેટલાં બધાં સર્જનાત્મક લોકો અહીં એકઠાં થયેલાં – મૌલિક, પલકેશ, નિકુલ તો ખરા જ પણ ધરણીધર, પ્રશાંત અને એકે હજારા જેવો કિશન! હૈયાવરાળ ઉડી ગયાં પછી ગેલગમ્મતનો દોર ચાલ્યો.

ચા પીધાં પછી પરત ફર્યા ત્યાં તો કહેવામાં આવ્યું કે સીધાં લંચ લેવા જાઓ. લંચબ્રેક બાબતે  અવ્યવસ્થા જેવું હતું. કેમકે, લંચબ્રેક નિશ્ચિત જ નહિ. એકબાજુ સ્ટેજ પર કાર્યક્રમ ચાલુ ને બીજી બાજુ વોલેન્ટિયરસ્ દ્વારા ઓડિયન્સમાં ‘હરોળવાર’ વિદ્યાર્થીઓને લંચ માટે રવાના કરવાની ગતિવિધિ. શિડયુલ્ડ ઇવેન્ટસનો ક્રમ પણ સખળડખળ થઇ ગયો હતો. નાટકનાં વિદ્યાર્થીઓ તો નહિ પણ અમે ફેકલ્ટી મેમ્બર્સ જમ્યા. જેટલા મિત્રોને આમંત્રણ આપ્યું હતું એમાંથી ફક્ત દોસ્ત નીરજ ઉડતી મુલાકાતે આવ્યો ટાઉનહોલ પર. ડેઝર્ટ તરીકે રાખેલો આઈસ્ક્રીમ ઉડાવતા એણે કેવો તામઝામ જામ્યો છે એનો જાયકો પણ લઇ લીધો.

લંચ પછી હોલમાં આવ્યા ન આવ્યા ત્યાં તો આંચકાજનક સમાચાર મળ્યાં. તે એ કે અમારાં બીજાં નાટકનો એકડો જ બાકી રહેલી આઇટમ્સમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. કારણમાં કહેવામાં આવ્યું કે બીજી ઘણી આઇટમ્સ હજુ બાકી છે. મને વળી એવી સૂચના મળી કે આ વાત તમારે વિદ્યાર્થીઓને ન કરવી (એટલેકે, વિદ્યાર્થીઓને મારે અંધારામાં રાખીને એમનો વિશ્વાસઘાત કરવો). સહેમી ગયો. વિદ્યાર્થીઓને થોડી વારમાં કંઇક અમંગળ રંધાઈ રહ્યું છે એનો ખ્યાલ આવી ગયો. અનિતા અને અમીષા તો રડવા જ માંડી. બીજાં વિદ્યાર્થીઓના ચહેરા પણ વિલાઈ ગયાં. નાટકનાં કલાકારો સ્ટેજની આગળ તો નાટક પછી કરવાનાં હતા પણ એ પહેલાં એમનાં ભાગે સ્ટેજની પાછળ ખેલાતા નાટકનો ભાગ (ભોગ?) બનવાનું આવ્યું હતું.  વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે અમે તો નાટક કોઇપણ ભોગે કરીશું જ. અરે, ખાલી હોલમાં પણ કરીશું. નાટકમાં ભાગ નહોતો લીધો એવા વિનાયક પંડ્યા જેવાં વિદ્યાર્થીઓને ખબર પડી કે આવું થયું છે તો તેઓ પણ અમારાં પક્ષમાં આવી ગયાં. વિદ્યાર્થીઓએ જઈને ઇવેન્ટનાં પેટ્રનને આગળ મક્કમપણે પોતાની વાત મૂકી. અને નાટક રજૂ થશે એવી ખાતરી માંગીને જ જંપ્યા.

‘આ મકાન ન જોઈએ’ નો ક્રમ આવ્યો. બીજું નાટક શરુ થયું ત્યારે એક પ્લસ પોઈન્ટ ઉમેરાયો હતો. તે એ કે ઓર્કેસ્ટ્રા સાથે જોડાયેલી આઇટમસ્ પૂરી થઇ જતાં એને સ્ટેજ પરથી હટાવી લેવાયું હતું અને ઓર્કેસ્ટ્રાનાં વાજિંત્રો સાથે જોડાયેલા સાપોલિયા જેવાં વાયરોનો સાથરો પણ ઉકેલાઈ ગયો હતો. આ વખતે તો માઈકની નજીક સેટ લગાવ્યો અને ઓર્કેસ્ટ્રા માટે અનામત રહેલાં માઈક પણ ફ્રી થઇ ગયેલાં એટલે એમાનું  એક માઈક તો આ નાટકનાં સોફા પર જ ગોઠવી દીધું! જુસ્સાભેર નાટક શરુ થયું. અનિકેત અને અમીષાની ઓન-સ્ટેજ કેમેસ્ટ્રી પહેલાં જ સંવાદથી એવી તો જામતી હતી કે આખું નાટક સરસ ઉપડ્યું. એકદમ હળવુંફૂલ નાટક. લાફ્ટર બરોબર પકડાયું હતું. ઓડિયન્સ હાસ્યની હેલીમાં ગરકાવ થયું હતું. સ્ટેજ પર નાટકની એટલી તો રસમય ભજવણી થઇ રહી હટી કે વિંગમાં ઉભેલાં સૌ ઊંચાનીચા થઈને નાટક માણી રહ્યાં હતા. વિંગનાં એક ખૂણામાં અંધારામાં ઉભેલો હું ફેકલ્ટી મેમ્બર્સની અને ઓડિયન્સનાં ચહેરાનાં ભાવો વાંચી રહ્યો હતો. આ દિવસ જોવાં કેટલાં વર્ષોની પ્રતીક્ષા કરવી પડી હતી.

નાટક પૂર્ણ થયું. એક બાજુ ઓડિયન્સમાંથી તાળીઓનો ગડગડાટ અને બીજી બાજુ માઈકમાંથી આશાબહેનનાં અભિનંદનનાં શબ્દો વહી રહ્યાં હતા ત્યારે હું પોડિયમ ભણી ગયો. “માઈક આપશો?” કરીને માઈક હાથમાં લીધું અને આ બંને નાટક કઈ રીતે તૈયાર કર્યા, વિશેષ તો પ્રોડક્શન ટીમની મહેનત, એ.ડી. પટેલનું પીઠબળ વગેરેની વાત મૂકી. ટેકનીકલ મર્યાદાઓ નડી એની પણ ચોખવટ કરી. દિલ રેડીને આ નાટકો તૈયાર કરાવનાર મૌલિક-પલકેશ-નિકુલનો ઓડિયન્સની સામે આભાર માન્યો. મૌલિકે પણ આભારના સુંદર શબ્દો કહ્યા. માઈક પાછું આશાબહેન ભણી જતું હતું ત્યાં જ મને ઝબકારો થયો એટલે મેં માઈકમાં કહ્યું, “આજે મારી મા પણ ઓડિયન્સમાં છે. મા, જો આપણા મૌલિક, પલકેશ અને નિકુલે આ કર્યું... અમે આ કરી શક્યા...”  બડી ભાવુક ક્ષણો! વધુ કંઈ ન બોલી શક્યો. પ્રશાંતે અજબ ત્વરાથી બીજું એક માઈક ઓડિયન્સમાં પ્રથમ હરોળમાં બેઠેલી માનાં હાથમાં પ્રતિભાવ માટે આપ્યું. એકદમ જ આવું થયું એટલે જરા ઓઝપાઈ ગયેલી માએ બે-એક પ્રેરકવચન કહ્યા જેને સૌએ વધાવી લીધાં. ક્ષણને સાચવી લીધી. જયારે આપણે કોઈ  કન્વિકશન સાથે કામ કરીએ છે તો આપણું કામ, આપણો મેસેજ યોગ્ય એમ્પ્લીટ્યુડ સાથે પહોંચે એ જોવું પણ એટલું જ જરૂરી છે.

ત્રણ-સાડા ત્રણ જેવું થયું હતું. સૌ ત્વરિત ગતિએ લંચ માટે ઉપડ્યા. ભોજનસ્થળ પર સૌથી છેલ્લાં જમનારામાં મોટા ભાગનાં વિદ્યાર્થીઓ નાટકનાં હતા. શત શત કોટિ ઉત્સાહ અને આનંદથી  ઉભરાતા મારા વિદ્યાર્થીઓને  કેમેરામેન કચકડે મઢી રહ્યો હતો. જમી રહ્યાં બાદ સૌ ટાઉનહોલ પરિસરમાં આવેલાં બગીચામાં એકઠાં થયા. વિદ્યાર્થીઓનાં રોમાંચનો કોઈ પાર નહોતો. એ રોમાંચનું રીએક્શન એટલે સૌએ ભેગાં થઈને નિકુલ, પલકેશ અને મને કરાવેલ ટીંગાટોળી! ભાવવિભોર દ્રશ્યોના સાક્ષી થવાનું ઈશ્વર સૌનાં નસીબમાં નથી લખી આપતો. ભાવ-પ્રતિભાવની આપ-લે ચાલી. પછી પલકેશે ધમાકો કર્યો કે તમે બધાંએ ‘છેલ્લો દિવસ’ જોઈ હશે. બધાનાં આંખ-કાન એકદમ સરવા થઇ ગયાં. કેટલાંક વિદ્યાર્થીઓએ તો કહ્યું કે અમે તો અનેક વાર જોઈ છે. એટલે પલકેશે કહ્યું, “એમાં મેં એક નાનકડો રોલ કર્યો છે!” વિદ્યાર્થીઓ તો આશ્ચર્યનાં માર્યા ઉછળ્યાં! “કયો, કયો?” કરવાં માંડ્યા પછી એક રસિયાએ શોધી કાઢ્યું કે “પેલો ટોઇલેટ સીન છે એ જ ને?” અને એટલેથી ન અટકતાં પોતાનાં ફોનમાંથી એ સીન કાઢીને બતાવ્યો પણ ખરો!  બધાં આવી અલકમલકની વાતો કરીને હવે છૂટા પડી રહ્યાં હતા.

પણ સૌથી છેલ્લું અને મહત્વનું કામ બાકી રહેલું. તે એ કે પોલીટેકનીકમાંથી લાવેલો સામાન પાછો સંસ્થા પર પહોચાડવાનો હતો. વિજય, અમન, આદર્શ, દર્શન, તીર્થ, દીપ અને જાહ્નવી રોકાયેલા. સામાન છોટા હાથીમાં ભરી રહ્યાં હતા ત્યાં જ ખ્યાલ આવ્યો કે આપણું બનાવેલું વિમાન ક્યાં? વિમાનની શોધખોળ ચાલી. જોયું તો પ્રોપર્ટી શીફ્ટ કરી રહ્યાં હતા એ દરવાજાની સામેનાં પ્લોટમાં કોઈ એને ફેંકી આવેલું. અરેરે! કાર્યક્રમ પછી અમે જમવા ગયેલાં ત્યારે બીજે દિવસની પ્રધાનમંત્રીની વિડીયો કોન્ફરન્સ માટે સેટ લગાવવા આવેલાં માણસોનું કૃત્ય હોઈ શકે. જીવ બળી ગયો મારો તો. ફેંકનારાએ ફેંક્યું હશે એ વખતે પછડાયું હશે એટલે વિમાનનું માળખું ખાસ્સું ભાગ્યું તૂટ્યું હતું. પણ માયા કોને કહી? રીપેર કરીને પછી સંસ્થામાં ક્યાંક બધાંને દેખાય એવા સ્થાને તાર વડે લગાવીશું એવું વિચારી લઇ આવ્યા અને માળખું ચડાવી દીધું ‘છોટા હાથી’ પર. છોકરાઓએ બધો સામાન વ્યવસ્થિત રીતે સંસ્થા પર પહોંચાડી દીધો.

બધું રંગેચંગે પત્યાં પછી સાંજે ગાંધીનગરમાં પારુલનાં ઘરે બેસીને આખી પ્રક્રિયા અને ખાસ તો આજનો દિવસ કેવો રહ્યો એની વાતો કરતા હતા ત્યારે મૌલિકે કહ્યું, “ઈશાનભાઈ, આ ‘સૌહાર્દ’ એ રીતે પણ યાદ રહેશે કે અહીં ઘણી ભાવોર્મિઓ ઘણી ઠલવાઈ. ખાસ તો તમે સ્ટેજ પરથી  ઓડિયન્સમાં બેઠેલ મમ્મીને ઉદ્દેશીને માઈકમાં બોલ્યાં ને કે આપણા મૌલિક, નિકુલ અને પલકેશે આ કર્યું... એ તો ખૂબ ગમ્યું. ”
મેં સ્મિતસભર ચહેરે ભાવપૂર્વક કહ્યું, “મૌલિક, હું નગુણો નથી!”

...અને અમે બંનેએ એકબીજાની સામે જોયું.

આકાશમાં આથમણી દિશા ભણી આગેકૂચ કરી રહેલો સૂરજ અમારી સામે જોઈને જાણે મલકી ઉઠ્યો ને વાતાવરણમાં રતુમડો રંગ જરીક વધુ ઘૂંટાયો.

સૌહાર્દ-૨૦૧૭: વિશ્વાસની વાસ્તવિકતા બનવાની સફર (ભાગ- 13)




‘ચલો... સ્ટાર્ટ કરો... આજે સાંજના સાત સુધી કોઈ ઘરે નહિ જાય...’  પલકેશ સરે સૂચના આપી. રિહર્સલ ચાલુ થયું. ખાસ્સાં રન-થ્રુ થયા. વચમાં બ્રેક લઈને પલકેશે લેપટોપ પર મ્યુઝિક  ગોઠવવા સૂચનાઓ આપવા માંડી. પતિ-પત્ની વચ્ચે હળવા મૂડ દરમ્યાન ‘એન ઇવનિંગ ઇન પેરીસ’ અને પોલીસ કન્ટ્રોલ રૂમ ગોઠવાય છે એ વખતે ‘ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે’ તો પસંદ થઇ ચૂક્યું હતું. એટલે આ હળવાફૂલ નાટકને અનુરૂપ રમતિયાળ સંગીત શોધવાનું કામ રહ્યું હતું જે પલકેશે ખાસ્સી ઝડપથી પૂરું કર્યું. ઇવેન્ટનું શિડ્યુલ અમારી પાસે આવી ગયું એ મુજબ દસેક વાગે પ્રથમ નાટક – ‘સસ્તા વિમાનનું સપનું’નો ક્રમ આવે તેમ હતો. બીજું નાટક મધ્યાંતર પછી બપોરે દોઢ વાગે રજૂ થાય એમ હતું. ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ અને કોલેજના તમામ સ્ટાફને માટે  ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનાં પાસનાં વિતરણ પણ થઇ ગયેલાં. વિદ્યાર્થીઓને પાસને લગતાં કેટલાંક પ્રશ્નો ઉભાં થયેલાં જે એ.ડી.પટેલની દરમ્યાનગીરીથી સુલઝી શક્યા હતા.

સાંજે રિહર્સલ પત્યું એટલે રૂમનો હવાલો પ્રોડક્શન ટીમ અને બેકસ્ટેજ કરનારાં વિદ્યાર્થીઓને ફાળે આવ્યો. ડ્રામાની પ્રોપર્ટી ટાઉનહોલ પર લઈ જવાની હતી. કોલેજનાં દર્શન અને નિતેશે ચીવટપૂર્વક એકેએક વસ્તુનું લીસ્ટ બનાવ્યું. ‘આ મકાન ન જોઈએ’ માં ૨૬-૨૭ વસ્તુઓ થઇ અને ‘સસ્તા મકાનનું સપનું’ માં ૧૪એક વસ્તુઓ. હા, ‘આ મકાન ન જોઈએ’ માં અમારે એક ટીપોઈની જરૂર હતી જેની વ્યવસ્થા ના થઇ શકી અમારાથી. ટીપોઈની અવેજીમાં અમારે ખોખા અને બફરથી બનાવેલાં કામચલાઉ ટેબલથી ચલાવવું પડ્યું. બાકી તો અમારાં હાથ ઘણાં દૂર દૂર સુધી લંબાયા હતા... એ.ડી.પટેલની કેબીનનાં સોફાસેટ ઉઠાવી લેવાથી માંડીને ગૌતમની સાયકલ સુદ્ધાં ઉઠાવી લાવેલા! એ સિવાય લેબ ઇન્સ્ટ્રુમેન્ટ, લેન્ડલાઇન ટેલીફોન, એલ.સી.ડી. મોનીટર, રીવોલ્વીંગ ચેર, ટેબલ-સ્ટૂલસ્ પણ સંસ્થાનું!  રેડિયો, ગ્લાસ-કપ-બાઉલ-ડીશ, ટોવેલ, વોકિંગ સ્ટીક, પગરખા સ્ટેન્ડ વિદ્યાર્થીઓ લાવેલા. ‘સસ્તા વિમાનનું સપનું નાટક’માં ખૂબ મહત્વનો સીન હોય છે જેમાં નચિકેતાએ રીવોલ્વીંગ ચેરમાં બેસવાનું હોય છે.  જે રીવોલ્વીંગ ચેર પર અમે પ્રેક્ટીસ કરતા હતા એ બરોબર ફરતી નહોતી એટલે પ્રોપર્ટી શીફ્ટ કરવાને સમયે અમે ફેકલ્ટી રૂમમાંથી મમતા મેડમની રીવોલ્વીંગ ચેરનું અપહરણ કરવાનું પરાક્રમ કર્યું!

અતુલભાઈએ ‘છોટા હાથી’ મંગાવી આપ્યો એટલે એમાં બે ફેરામાં બધો સામાન ટાઉનહોલ પહોચાડ્યો. દર્શન, નીતેશ અને આદર્શ ટાઉન હોલ પર રાત રોકાવાનાં છે એવું એ.ડી. પટેલે જાણ્યું એટલે તરત જ વિદ્યાર્થીઓને પાંચસો રૂપિયા આપી દીધાં જેથી તેઓ જમવાની વ્યવસ્થા કરી શકે. એ દિવસે હું સાંજે ૭ વાગે બસમાં આવવા નીકળ્યો. અમન અને મિહિર જોડે હતા. ઘરે પહોંચતા પહોંચતા નવ વાગી ચૂક્યા હતા. ટાઉનહોલ ગયેલાં ત્રણેય વિદ્યાર્થીઓ સાથે મોબાઈલથી સંપર્ક ચાલુ હતો. ટાઉન હોલ આખી રાત ત્રણેય જણાએ સાયપ્લેનનાં રંગરોગાનનું કામ કર્યું  અને ટચિંગ કરીને બધું તૈયાર કરી દીધું. રાત્રે એમની મદદમાં આરિફ, તીર્થ અને દીપ પણ જોડાયા હતા. અગાઉ દીપનું ઇવેન્ટનાં સ્ટુડન્ટ કોઓર્ડીનેટર તરીકે એવું કહેવું હતું કે કોઈએ ટાઉનહોલ પર રોકાવાની જરૂર નથી પણ મેં એની વાત લક્ષમાં ન લીધી. કોલેજની ઇવેન્ટ માટે કોઈ જગ્યાએ જઈને રાત રોકાવું પડે – આવાં નોખાં અનુભવોથી વિદ્યાર્થીઓને કેવી રીતે વંચિત રાખી શકાય?  આપ બતાઈયે, હમને કુછ ગલત કહા?

આવતી કાલે અમારી આટલાં બધાં દિવસની મહેનત અને લગનની કસોટી થવાની હતી... હવે ક્યારે સવાર પડે અને આઠ વાગે ગાંધીનગરનાં ટાઉનહોલ પર પહોંચીએ... વિચારોમાં ક્યારે આંખ મળી ગઈ એની ખબર જ ના રહી...

સૌહાર્દ-૨૦૧૭: વિશ્વાસની વાસ્તવિકતા બનવાની સફર (ભાગ- 12)



...અને પલકેશ સરે જોશથી તાળી પાડીને કહ્યું, “ચલો!”

પલકેશની એક જ તાળી અને બુલંદ અવાજે બોલાયેલું ‘ચલો’  રિહર્સલ રૂમમાં વ્યવસ્થાનો સંચાર કરી દેવા પૂરતા હતા. બધાનાં આંખ-કાન પલકેશ ભણી તંકાયા એટલે પલકેશે કહ્યું, “એક મોટું સર્કલ બનાવો અને બેસો. દરેક જણે એકબીજાનાં હાથ પકડીને બેસવાનું છે. હવે આંખ બંધ કરીને ઊંડા શ્વાસ લો...વિચારો...તમે શા માટે નાટકમાં ભાગ લીધો? વીસ-પચીસ દિવસથી આપણે સૌ એકબીજાની સાથે છે... કેટલાં સુંદર દિવસો...આપણે સૌ સાથે રિહર્સલ કરીએ છે...અરે, સાથે જમીએ પણ છે... આ દિવસો હવે નહિ મળે કદાચ...વિચારો, શું મેળવ્યું તમે આટલાં દિવસમાં... આ  રિહર્સલ દરમ્યાન શું શીખ્યા તમે સૌ...આંખ બંધ રાખીને વિચારો... ઈશાન સર...અમે ઘણી કોલેજમાં નાટક કરાવ્યા છે...પણ કોઈ કોલેજમાં સતત દિવસનાં સાત-આઠ કલાક વિદ્યાર્થીઓની સાથે રહે એવા કોઈ સર અમને હજુ મળ્યાં નથી... એમની ભાષા જુઓ...એ કેવી રીતે બોલે છે એ જુઓ...એમનું તમારી સાથેનું વર્તન કેવું છે એ જુઓ... આટલી મહેનત એ તમારાં માટે કરે છે... કારણકે તમે કંઇક શીખો એવું એ ઈચ્છે છે...ઘણું શીખવા જેવું છે સર પાસેથી...વિચારો... તમે બધાં કેટલાં સારા વિદ્યાર્થીઓ છો...અરે, બાથરૂમ જવું હોય કે પાણી પીવું હોય તો ય મારી પરમીશન માંગીને જાઓ છો... અમને બીજે બધે આવાં વિદ્યાર્થીઓ નથી મળતાં...આ ઇવેન્ટ પત્યાં પછી તમે બધાં તો સાથે હશો પણ નિકુલ સર, મૌલિક સર કે હું નહિ હોઈએ તમારી સાથે... હું કેટલું મીસ કરવાનો છું તમને બધાંને...”

... એ અદભૂત ક્ષણો. રૂમમાં મોટું સર્કલ કરીને બેઠેલાં વિદ્યાર્થીઓ. પલકેશ સર સર્કલની અંદર બહાર ચારે તરફ ચાલતા ખૂબ જ ભાવપૂર્ણ શબ્દો બોલતાં હતા...સીધાં હ્રદયમાંથી આવેલાં શબ્દો...સીધાં હ્રદયને અસર કરતા શબ્દો... અમારી શિક્ષકોની ટ્રેનીંગમાં Affective Domain ની બહુ વાતો થાય. મોટા ભાગનું શિક્ષણ જ્ઞાન/knowledge અને કૌશલ્ય/skill પર આધારિત હોય છે પણ વલણો કોણ શીખવશે? આદર, પ્રેમ, અનુકંપા, સમયપાલન, પ્રમાણિકતા, સમૂહભાવના કોણ શીખવશે? આ વલણ-વર્તનની કેળવણી Affective Domainનો ભાગ ગણાય જેનાં પર આપણે ત્યાં સૌથી ઓછું ધ્યાન અપાયું છે. એટલે જ આપણે એક એન્જીનીયર તો તૈયાર કરી શકીએ છે પણ એ એન્જીનીયર સારો નાગરિક પણ થાય એવી કેળવણી નથી પૂરી પાડતા...પછી demographic dividend આપણે કેમનું લઈશું?

સૈફ, આરિફ, અનિતા, હિમાક્ષી, પ્રદીપ વગેરેએ પોતે શા માટે નાટકમાં જોડાયા એ કહેવાની સાથે આટલાં દિવસનો અનુભવ શેર કર્યો. આરિફની વાત એમાં સૌથી વધુ ચોટદાર હતી. વિશિષ્ટ હેરસ્ટાઈલ, પડછંદ શરીર અને પહાડી અવાજને કારણે આરિફ તો લોકપ્રિય! એક નાટકમાં ચોર અને બીજાં નાટકમાં પોલીસ બંનેનાં પાત્રો આરિફ ભજવે. અરે, ભજવે એટલું જ નહિ પણ એવા તો બખૂબી ભજવે કે હું ગમ્મતમાં કહું કે ‘જે સહજતાથી તું ચોર અને પોલીસ બંનેનાં રોલ કરે છે એ જોઈને  ચોર અને પોલીસમાં ઝાઝો ફેર નથી હોતો એ ઉક્તિ તું સાચી ઠેરવે છે.’  આ આરિફે બધાં આગળ શેર કર્યું કે હું તો ટ્રક ડ્રાઈવરનાં ક્લીનર તરીકે જતો અને ભયંકર ગાળો બોલતો...જોઈ અહીં ભણવા ના આવ્યો હોત તો માણસ તરીકે મારી ગણતરી કોઈ રીતે થાય એમ જ નહોતી...અહીં ભણવા આવ્યો, જોયું કેમ વાત થાય શાંતિથી... ને નાટકમાં એટલાં માટે રહ્યો કે હું આસપાસનાં બધાં લોકોને ઓબ્ઝર્વ કરતો અને એ બધાં મજાના પાત્રો લાગતા... ત્રણ વર્ષ તો કોલેજમાં કોલેજોમાં જેવું લાગ્યું નહિ...જતા જતા આ સૌહાર્દ આવ્યું તો થયું ડ્રામામાં ભાગ લઈએ... એક વસ્તુ હું એ શીખ્યો કે એક્ટિંગ માટે જરૂરી છે કે તમે એક્ટિંગ જ ન કરો...સહજ કરો... અહીં મેં જોયું કે બધાં ડાયલોગ્સ ગોખી રહ્યાં છે... ડાયલોગ ગોખવાની કઈ જરૂર નથી...અભિનય કરવાં માંડો...ડાયલોગ્સ તમારાં અભિનયને અનુસરશે...”

...જોકે એક વાત કહેવી પડશે કે સંવાદો નટનાં અભિનયને આપોઆપ અનુસરે એવી કૃપા બધાં પર નથી વરસતી. વળી, એવી કૃપા વરસે તો પણ દરેક રિહર્સલ વખતે સંવાદોમાં નાનોમોટો એવો તો બદલાવ આવી જાય જે બીજાં કલાકારને મુંઝવી નાખે. એટલે સંવાદો તો ‘ફિક્સ’ કરી જ રાખવા પડે.
વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્યાં પછી મને પણ કંઇક કહેવાં જેવું લાગ્યું. સૌહાર્દમાં મારે પણ એક એકપાત્રી અભિનય કરવાનો હતો પણ પછી શક્ય નથી બન્યું એવું જયારે મેં કહ્યું ત્યારે વિદ્યાર્થીઓએ આગ્રહ કર્યો કે સર, તમે એ અહીં ભજવો. આ તો ધર્મસંકટ! મેં  તો કંઈ રિહર્સલ કરેલું નહિ કે સંવાદો સુદ્ધાં તાજેતરમાં વાંચ્યા નહોતા. આટલાં દિવસોથી નાટકનાં રિહર્સલમાં એવો તો તન્મય થઇ જતો કે જમવાનું પણ ચૂકી જતો હતો...ને પછી ત્રણ વાગે રિહર્સલ પતે અને મારી કેબીનમાં આવું ને ટેબલ પર ટિફિન જોઉં એટલે યાદ આવે કે જમવાનું છે! જ્યાં ભોજન પણ ભૂલાઈ જતું હોય ત્યાં સંવાદો તો કેમના યાદ હોય? એટલે અગાઉ એક-બે વાર હિરોશીમા પર બોમ્બ નાખનાર જાપાનીઝ પાયલોટની વ્યથાનું ચિત્રણ કરતું જે પાત્ર ભજવી ચૂક્યો છું એમાંથી જેટલું  યાદ આવે તે યાદ કરીને ભજવવાનું હતું. ભજવ્યું. બહુ નબળી રીતે ભજવ્યું. જોકે પલકેશ અને વિદ્યાર્થીઓએ વધાવ્યું. બસ! આટલું લખવું પૂરતું છે.

“ચલો!” પલકેશ સરની ફરી તાળીઓના પડી. હવે શું કહેશે સર એવું સૌને કુતૂહલ થાય ત્યાં જ પલકેશે કહ્યું, “ગરબા કરવાં છે ને તમારે?”  ઉત્સાહિત થઇ ઉઠેલાં વિદ્યાર્થીઓએ એક અવાજે કહ્યું, “હા સર.”  “તો થઇ જાય ગરબા...સેટ ખસેડો ચલો...કોણ લગાવે છે મોબાઈલમાં ગરબા?”  આંખના પલકારામાં તો સેટ સાઈડ પર ખસી ગયો, સ્પીકર પર ગીત ચાલુ થઇ ગયું અને બધાનાં હાથ-પગ થરકવા ય લાગ્યા! હરનીશ, મનન, જય, મયંક, કુણાલ તો જે લહેકાથી ગરબા કરે! બધાં આટલાં દિવસથી રિહર્સલમાં રચ્યાપચ્યા રહેતાં હતા... સવારથી સાંજ રિહર્સલ...રિહર્સલ...રિહર્સલ... અનિતાએ તો વાતવાતમાં કહ્યું હતું પણ ખરું કે સર, બીજો દિવસ ક્યારે થઇ જાય છે એ ખબર જ નથી પડતી... આ બધો માનસિક થાક ઉતારવા ગરબા જેવો બીજો કયો ઉપાય હોય! ગરબા કરીને બધાં એકદમ હળવાફૂલ થઇ ગયાં.

... ને ત્યાં જ પલકેશ સરની તાળી પડી અને અવાજ આવ્યો, “ચલો!”

સૌહાર્દ-૨૦૧૭: વિશ્વાસની વાસ્તવિકતા બનવાની સફર (ભાગ- 11)



... અને રિહર્સલ રૂમનું બારણું જોશભેર ખુલ્યું. જોઉં તો નાટકનાં એક કલાકારમાંથી હવે વહીવટદારનાં પાઠમાં પ્રવેશેલો દીપ દરવાજે ડોકાઈ રહ્યો હતો.
ત્યાં ઉભાં ઉભાં દીપ કહે : “ઓ સર...એ.ડી. પટેલ સર બોલાવે છે... ડ્રામા માટે સ્ટેજની   જરૂરી રીક્વાયરમેન્ટસ્ લખાવવાનું કહે છે.”

દીપ સાહેબે, સોરી, દીપકુમારે, મારી સામું જોયું તો મેં પલકેશ સાહેબ સામે જોયું. પલકેશ સાહેબે નિકુલ સાહેબ સામે જોયું. અને નિકુલ સાહેબ મૌલિક સાહેબ સામે જોવાં ગયાં પણ મૌલિક સાહેબ રોજ તો અહીં ક્યાંથી હોય! એટલે નિકુલે મને કહ્યું, “મૌલિક જોડે ફોન પર વાત કરીને પછી લખાવી દઈએ છે.”  નિકુલનાં ઉચ્ચારેલા શબ્દો મેં કોઈ જ ફેરફાર વગર દીપને સંભળાય તેમ દોહરાવ્યા. દીપ ‘તખ્લીયા’ થયો પછી નિકુલ-પલકેશ અને મારી મૌલિક સાથે વાત થઇ એની પરથી ૩-૪ સ્ટેન્ડીંગ માઈક, એટલાં જ હેન્ગીંગ માઈક, છ PAAR લાઈટ્સ અને રંગીન જીલેટીન પેપર, મોનીટર બોર્ડ સાથે ૧૨ એલ.ઈ.ડી. લાઈટ્સ, સાઉન્ડ મિક્સર, સ્મોક મશીનની રીક્વાયરમેન્ટ લખાવી દીધી (આ રીકવાયરમેન્ટનું શું થયું? એની વાત આગળ આવશે). નાટકનાં વિદ્યાર્થીઓએ ક્યારેય સ્ટેજ પર પરફોર્મન્સ આપ્યું નહોતું એટલે અમને થતું હતું કે રિહર્સલ માટે આગલા દિવસે ટાઉન હોલ મળી શકે તો કેવું સારું... વિદ્યાર્થીઓને અપર-લોઅર-સેન્ટર સ્ટેજ, બેકસ્ટેજ, વિંગ, ગ્રીનરૂમ વગેરેનો વાસ્તવિક પરિચય મળે અને GR/ગ્રાન્ડ રિહર્સલ લઈએ ત્યારે સ્પેસ-ટાઈમ મેનેજમેન્ટ તેમજ પ્રોપર્ટી એરેન્જમેન્ટનો પાક્કો અંદાજ આવે. જોકે, એ શક્ય ન બન્યું...

...ને હવે મ્યુઝિકની વાત. ‘સસ્તા વિમાનનું સપનું’નાં મ્યુઝિક માટે નિકુલ સર અને તીર્થ ગંભીરતાથી કામ કરી રહ્યાં હતા. અગાઉ કહ્યું તેમ તીર્થ અને પ્રદીપ – આ બેય છોકરાઓને મેં મારા આગ્રહથી ડ્રામામાં રાખેલા. તીર્થને સંગીતની સમજણ ખરી. ગિટાર વગાડી જાણે. ગિટાર પર ગીતો વગાડી થોડોક જલસો ય કરાવેલો એક દિવસ. બહુ સૌમ્ય પ્રકૃતિનો વિદ્યાર્થી. ધીરજનો ગુણ પણ ખરો. એ હિસાબે એનાં બીજાં મિત્રો તો ભારે હતપતિયા! તો આ તીર્થ, નચિકેતા અને નિકુલ સર ‘મ્યુઝિક બનાવવા’ તો નહિ કહીએ પણ ‘મ્યુઝિક ગોઠવવા’ બેઠાં. સૌથી પહેલાં તો વિમાનની વિવિધ ગતિ બતાવવા માટેનાં મ્યુઝિક પર કામ શરુ કર્યું. વિમાનના ટેકઓફ વખતે એકદમ વિજળીક ગતિએ સપાટો બોલાવી સન્ન કરી દે તેવા મ્યુઝિકથી માંડીને એકદમ શાંતિપૂર્ણ ઉડ્ડયન કરી રહેલાં વિમાનનું મ્યુઝિક અમારે જોઈતું હતું. જે પ્રકારનું અમારું પ્લેન હતું એ જોતાં તો ગ્લાઈડરનો અવાજ વધુ અનુકૂળ થાય પણ અમે બોઇંગ વિમાનનો અવાજ પસંદ કર્યો! તીર્થે સોફ્ટવેરની કરામાતોથી સાઉન્ડ ફાઈલનાં સાઉન્ડને લાંબા પટ પર કે ટૂંકા પટ પર ગોઠવી આપ્યો. વિમાનના અવાજની પસંદગીપ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે તીર્થને મેં ‘બેટલ ઓફ બ્રિટન’ (૧૯૬૯) નામની ફિલ્મમાંથી સ્પીટફાયરની તડાફડી સંભળાવી હતી!

પ્લેનનું મ્યુઝિક મળી ગયું ને હવે આવ્યો સાયપ્લેનનાં ગીતનો વારો. હિંદી ફિલ્મોમાં વાહન અથવા વાહનનાં જીવંત કે મનુષ્યનિર્મિત માધ્યમ વિષે લખાયેલાં ગીતોમાંથી અમારે પસંદગી કરવાની હતી. મારા મનમાં એક ગીત ઝબકી ઉઠ્યું. ગીતનાં શબ્દો એ વખતે યાદ ન હતા પણ અમિતાભ પર ફિલ્માવેલું હતું અને કોઈ ગાડીને લગતું હતું. નિકુલે ઝીલી લીધું: ‘ચલચલ રી ચલ...મેરી રામપ્યારી...’ ને આમ અમારાં સાયપ્લેનને એનું ગીત મળી ગયું!

...અને આ બાજુ ‘આ મકાન ના જોઈએ’માં ક્રાઈસીસ સર્જાઈ હતી. એનો છેલ્લો સીન તૈયાર કરવાનો બાકી હતો. છેલ્લાં સીનમાં પતિ-પત્ની કંટાળીને નવું ઘર લેવાનું  વિચારે છે અને પોતાનાં મિત્ર અને હાઉસીંગ-ફાયનાન્સનાં એજન્ટ પાસે ઘર જોવાં જાય છે એવી વાત હતી. એજન્ટનો રોલ શરૂઆતમાં પુલકિતને અપાયો હતો. પણ એ રોલમાં પુલકિત જામ્યો નહિ. હવે પરમ દિવસે તો નાટક ટાઉનહોલમાં ભજવવાનું હતું. ‘સસ્તા વિમાનનું સપનું’ ની મુખ્ય ભૂમિકામાંથી તો પુલકિતનો રોલ કાપી નચિકેતાને સોંપેલો. આ નાટકમાં પણ એમ જ થયું. પુલકિતનો રોલ નચિકેતાને ફાળે ગયો. નચિકેતાને પલકેશ સરે સિચ્યુએશન સમજાવી દીધી અને ડાયલોગ્સ બનાવી લેવા કહ્યું. નચિકેતા પૂછવા આવ્યો, ‘સર કોઈ પરિચિત ઘણાં સમયે આપણા ત્યાં આવે ત્યારે જે સુપર આનંદ થાય એને ‘એક્સપ્રેસ’ કરવાં માટે કયો શબ્દ વાપરી શકાય?’ નાટકીયતાને બરકરાર રાખતો શબ્દ મારે આપવાનો હતો. મળ્યો. એ શબ્દ એટલે ‘ધન્ય’! મેં કહ્યું, “તમે અહીં મારે ત્યાં આવ્યા તો હું તો ધન્ય થઇ ગયો!” એવું બોલવાનું. ‘ધન્ય’ શબ્દ મેળવીને ધન્ય થયેલાં નચિકેતાએ ચપટી વગાડી આનંદ વ્યક્ત કર્યો અને પછી રીહર્સલમાં પોરવાયો.
અને સિંધી સંવાદો! ‘આ મકાન ના જોઈએ’નાં એક સીનમાં સિંધી વેપારીની નાની ભૂમિકા હતી. ‘વડી સાંઈ’ જેવું તો જાણે સમજ્યા પણ આખો ત્રણ-ચાર વાક્યોનો સંવાદ સિંધીમાં કેમ બોલવો? તીર્થને આ સિંધી વેપારીનો રોલ મળેલો. તીર્થ મને પૂછે કે સર, આ સિંધી સંવાદ કોણ શીખવશે? મેં કહ્યું, ‘ગાંધીનગરમાં સેક્ટર-૩૦માં સિંધી મંદિર છે ત્યાં આ ડાયલોગ્સ લઈને પહોંચી જા. કોઈ સિંધી મુલાકાતીને વિનંતી કરી એમની પાસે સંવાદો બોલાવી મોબાઈલમાં રેકર્ડ કરી લે.’ પણ પછી યાદ આવ્યું કે ગોધરા પોલીટેકનીકમાં મારી મિત્ર દીપિકા કેવલાની છે. દીપિકા પોતે સિંધી હોઈ મદદ કરી શકશે. દીપિકાને ફોન જોડ્યો અને વાત કરી. અને માનશો? દીપિકાએ પછી પોતાનાં અવાજમાં તો રેકર્ડ કરીને ડાયલોગ્સ મોકલ્યા જ પણ કોઈ સિંધી એક્ટર પાસે પણ એનાં અવાજમાં રેકર્ડ કરીને મોકલ્યા. જોકે પછી તીર્થને સિંધી ડાયલોગ બોલતાં ન ફાવતા હોવાથી એનાં ફાળે ‘મેંહોણી’ ડાયલોગ આવ્યા. અને સિંધીમાં ફટકાબાજી આવી વિજય શર્માને માથે. વિજય તો જાણે નખશિખ અભિનેતા. એટલે, આપણો આતમરામ તો રાજી!

પણ ત્યાં અનિતાએ નજીક આવીને ફક્ત મને સંભળાય એવા અવાજે ઈશારો કર્યો, ‘સર, પુલકિતનો ચહેરો જુઓ. બિચારાનો આ રોલ પણ કપાઈ ગયો. હવે તો એનાં ભાગે એક પણ રોલ નહિ. છેલ્લું સેમેસ્ટર છે સર એનું પણ. બીજાં બધાંને તો કદાચ આવતે વર્ષે નાટક કરવાની તક મળશે પણ પુલકિતને નહિ મળે...કંઇક કરો સર...’ મેં જોયું પુલકિત સામે. એનો ભોળો અને માસૂમ ચહેરો વેદનાથી લાલઘૂમ થઇ ગયો હતો. કદાચ ગળે ડૂમો બાઝી ગયો હશે. એક સમયે જે વ્યક્તિ મુખ્યપાત્રમાં હોય તેનો રોલ કપાય અને તે ગૌણ પાત્રમાં આવી જાય અને અહીંયા પણ રોલ કપાય તો સાવ જ અપ્રસ્તુત થઇ જાય એની વેદના બહુ કારમી હોય છે. હું બધું સમજતો હતો. દુઃખ તો મને પણ થતું હતું. પણ કેટલીક વાર તમારે નિષ્ઠુર થવું જ પડે. છતાં ય પુલકિતને કોઈ બીજી ભૂમિકા આપી શકાય એની તજવીજ કરવી જોઈએ એવું મને લાગ્યું.

... અને રિહર્સલને કડક નજરે જોઈ રહેલાં પલકેશ સર પાછળ જઈને હું ઉભો રહ્યો અને એમનાં કાનમાં કંઇક કહ્યું.

સૌહાર્દ-૨૦૧૭: વિશ્વાસની વાસ્તવિકતા બનવાની સફર (ભાગ-10)



નચિકેતા, તારી સાયકલ છે જ ને...” રૂમમાં મંડળ કરીને ઉભેલાં વિદ્યાર્થીઓમાંથી કોઈ બોલી ઉઠ્યું.
“ એ હા...હા...નચી...લઇ આવ ને તારી સાયકલ...”  અન્ય વિદ્યાર્થીઓએ બુલંદ સ્વરે પ્રસ્તાવ મૂકી દીધો.
“અરે તમારી વાત બરોબર છે પણ મારી સાયકલમાં કેરીયર નથી.” નચિકેતાએ મુશ્કેલી રજૂ કરી.
નચિકેતા સાયકલ લઇ પણ આવ્યો અને બધાંએ ઘડીક સાયકલનાં ‘રાઉન્ડ’ લેવાની મજા ય  લીધી પણ પછી સૌને લાગ્યું કે નચિકેતાની વાત તો બરોબર હતી. ‘સસ્તા વિમાનનું સપનું’ નાટક માટે અમારે જરા ‘સ્ટર્ડી’ સાયકલ જોઈતી હતી જેમાં આગળનાં બાર પર ‘બાબો’ બેસી શકે અને પાછળનાં કેરીયર પર ‘બીબી’! ને સાયકલનાં સુકાની તો સીટ પર ખરા જ! આમ ત્રણ વ્યક્તિઓનું વજન ઝીલી શકે એવી ખમતીધર સાયકલનો અમારે વેત કરવાનો હતો. વિદ્યાર્થીઓ કેમ્પસમાં સાયકલ લઈને આવે એ દિવસો તો સિંધુ ખીણની સંસ્કૃતિની જેમ ભવ્ય ભૂતકાળ બની ચૂક્યા હતા. મારી પોલીટેકનીકમાં આવતાં (એટલેકે, ભણતાં!) મોટા ભાગના  વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ/બસ સેવા અથવા તો શેરિંગ ઓટોમાં આવતાં હોય છે. કેમ્પસમાં નજર કરો તો પોતાનું વાહન લઈને આવતાં વિદ્યાર્થીઓ બહુ ઓછા જોવાં મળે. ને મોટા ભાગની ફેકલ્ટી તો ફોર વ્હીલરધારી કે ટુ-વ્હીલર ધારી હતી (પગારનો પ્રતાપ!). સાયકલનાં પેડલ મારી પરસેવો વેડી શ્રમયજ્ઞનો મહિમા કરનારું કોઈ ન મળે. હવે? ત્યારે સંસ્થાનાં સેવકગણ ભણી નજર ગઈ...

“સીતારામભાઈ, આપણી સંસ્થાના સેવક સ્ટાફમાં કોઈની પાસે સાયકલ ખરી?”
“સાહેબ...પહેલાં એક જણો લઈને આવતો હતો ખરો...અં...તમારે સાયકલ જોઈએ છે ને? કેન્ટીન છે ને એ બિલ્ડીંગમાં એક સાયકલ પડી તો છે...જુઓ વપરાય એવી હોય તો...”
“ક્યાં છે એ સાયકલ?” આંખમાં ચમક સાથે મેં પૂછ્યું.
“નીચે ખૂણામાં જ પડી છે.”

...અને વાજતેગાજતે સૌ ઉપડ્યા સાયકલ લેવા. ને ત્યાં પહોંચીને સાયકલની હાલત જોઈ તો મોંમાંથી ચીસ નીકળી પડી! ક્યારેક છાપામાં વાંચીએ છે ને કે ‘ફલાણા ગંધાતા નાળા પાસેથી અત્યંત અરેરાટીજનક હાલતમાં બિનવારસી લાશ મળી આવેલ છે’  એવી તો આ સાયકલની હાલત હતી.  બેહદ મરડાઈ ગયેલી એની પાતળી ડોક અમે માંડ સીધી કરી. રબડનાં ટાયર ને ટ્યુબ જીર્ણ થઈને ઉખડી ગયેલાં અને એનાં ચવ્વડ અવશેષો મમીનાં શરીર પરની પાંખી ચામડીની જેમ પૈડા પર જરાતરા ચોંટેલા જોઈ શકાતા હતા. સાયકલની ચેસીસ તો એટલી કાટ ખાઈ ગયેલી હતી કે મૂળ રંગ કયો એ વર્તવો મુશ્કેલ હતો. ના મામા કરતા કાણો મામો સારો એમ વિચારી દુશાસન જેમ દ્રૌપદીને હસ્તિનાપુરની સભામાં ઢસડીને લાવ્યો હતો એમ અમે આ સાયકલને ‘ન્યુ બિલ્ડીંગ’માં આવેલી અમારી વર્કશોપમાં ઢસડી લાવ્યા (નોંધ: દુશાસન સાથે સરખામણી ફક્ત ઢસડવાની ક્રિયા પુરતી જ છે). એને લાગેલું તાળું પણ કરામતથી ખોલી નાખ્યું. ઝાપટીયાથી એની પરથી ધૂળ પણ સાફ કરી.

ચર્ચાનો દોર શરુ થયો. આ સાયકલ તો એની મરમ્મત કરવાં જઈએ તો મોટા ખર્ચના ખાડામાં ઉતારી દે એવી હતી ! ને હવે ઇવેન્ટની તારીખ બિલકુલ ઢૂંકડી હતી અને  મરમ્મતનું કામ સમય માંગી લેનારું હતું. નિકુલ સરને આઈડિયા આવ્યો કે આખા નાટક દરમ્યાન આ સાયકલ આપણે સ્ટેજનાં એક ખૂણામાં મૂકી રાખીશું. નિકુલનાં આ આઈડીયાનો ફલિતાર્થ એટલો કે હવે એવી જ દેખાતી બીજી સાયકલનો પણ મેળ પાડવાનો હતો!  એકનો વેત થતો નથી ને બીજી સાયકલ! એ ય તે પાછી હુબહુ આના જેવી જ દેખાવી જોઈએ!  પણ કપાળ કૂટે એ બીજાં... મારું મગજ સળવળી ઉઠ્યું...અને આહા! મગજમાં એક વ્યક્તિનું નામ ચમકી ઉઠ્યું. એ વ્યક્તિ એટલે  ગૌતમ.

ગૌતમ અમારી સંસ્થામાં સફાઈ ઇન્ચાર્જ. એને ફોન જોડ્યો તો ખબર પડી કે એ તો આજે કેમ્પસમાં નથી. બીજે દિવસે આવીને બીજાં બધાં કામ પછી પણ પહેલાં મને મળજે એવું ભારપૂર્વક કહ્યું. બીજે દિવસે સામેથી ગૌતમનો ફોન આવ્યો અને એ મળવા આવ્યો. મારે એનું શું કામ છે એનાથી એ તદ્દન બેખબર. જયારે મેં બોમ્બ ફોડ્યો કે ‘ભાઈ ગૌતમ, મારે તારી સાયકલ અમારાં નાટક માટે જોઈએ છે.’ તો આ બંદો ક્ષણિક પણ ખચકાટ વગર બોલ્યો, ‘હા સાહેબ, લઇ લો સાયકલ.’ મેં કહ્યું, ‘એમ નહિ. મારે એ ત્રણ દિવસ માટે જોઈએ છે.  તમને તેરમી એપ્રિલે સાંજે જ મળશે. ચાલશે?’ ‘ હા સાહેબ...રાખો તમે સાયકલ...” “પણ પછી તમે કઈ રીતે આવશો-જશો?” “બીજી સાયકલ છે ઘરે, ને કંઈ નહિ તો રીક્ષા પણ છે જ ને.” ને ગૌતમભાઈ એ તો સાયકલ મુકીને વિદાય લીધી.

ગૌતમભાઈ જેવાં શ્રમજીવી જેની રોજીરોટી સાથે સંકળાયેલ અને આવાગમનના માધ્યમરૂપ એવી એમની સાયકલ લેતાં ખચકાટ થયો. એ સમયે ખિસ્સામાં પૈસા નહોતા નહિ તો રીક્ષા ભાડાનાં એ જ વખતે આપી દેત. પાછળથી એમને ‘યોગ્ય પુરસ્કાર’ આપીશ એમ કહી મન મનાવ્યું. સાયકલ જેવી ‘કંડીશન’માં લીધી હતી એવી જ કંડીશનમાં પાછી આપવાની હતી એ વાત છોકરાઓને ‘અન્ડરલાઈન’ કરીને કહી... સાયકલમાં હવા ઓછી હતી એટલે નચિકેતાને પહેલું કામ એમાં હવા પૂરી લાવવાનું કહ્યું. હવા પુરાવી લાવ્યો એટલે નિકુલ સરે અનિતા અને હરનીશને સાયકલ પર બેસાડી નચિકેતા પાસે કેમ્પસમાં ‘રાઉન્ડ’ લગાવવા કહ્યું જેથી આ સાયકલ પર બરોબર હાથ બેસે અને બેલેન્સ જાળવવાની પ્રેક્ટીસ થઇ શકે...

... અને આજનાં દિવસે મારા પ્રોપર્ટી પ્રોડક્શનનાં વિદ્યાર્થીઓ સહુથી ખુશ હતા. કેમકે અત્યાર સુધી ‘મૂળ’ સાયકલ વગર જ સાયકલને સાયપ્લેન બનાવવા એની પર ‘બેસાડવા’નાં ભાગ બનાવતાં હતા. સાયકલ મળતાં હવે પાકે પાયે અને જજમેન્ટ સાથે કામ થઇ શકશે એનો આનંદ દર્શન, નીતેશ, અને આદર્શ ચહેરા પર તરવરતો જોઈ શકાતો હતો. ખૂણામાં મૂકેલા મોબાઈલમાં મધુર ગીતોની સુરાવલીઓનાં સંગાથે સૌ સાયપ્લેન બનાવવાના કામમાં પરોવાયા...
ગૌતમભાઈની સાયકલનાં ય શું મજાનાં દિવસો આવ્યા હતા, નહિ?