Friday, May 31, 2019

સૌહાર્દ-૨૦૧૭: વિશ્વાસની વાસ્તવિકતા બનવાની સફર (ભાગ-9)



“ અં...મને એક ચોક આપો.” 
“લો મૌલિક સર...”
“ચાલો, હવે સૌ અહીં બોર્ડ પર ધ્યાન આપો...”

...અને બોર્ડ પર મૌલિક દ્વારા જે કંઈ રફ-આકૃતિ દોરવામાં આવી એ જ અમારાં વિમાનની બ્લુપ્રિન્ટ! એન્જીનીયરીંગનાં છોકરાઓનાં પ્રેક્ટીકલ અને ઇનોવેટીવ નોલેજની હવે જ કસોટી હતી...નાટકનાં દર્શકોને દૂરથી એક જીવતો જાગતો માણસ બેઠો હોય એવું વન-સીટર પ્લેનનું ડમી-મોડલ બનાવવાનું હતું. અલબત્ત મોડલ જરા નાની સાઇઝનું રાખવાનું હતું. ને પાછળથી નક્કી થયું એમ બે પ્લેન બનાવવાના હતા! એક પ્લેન એવું કે જે સાયકલ પર ફીટ થઇ જાય...એટલેકે આગળનો પોલો ઓવલ શેપ મોરો, સીટ પાસે બે પાંખીયા, અને સાયકલની બેકસીટ આગળ પૂંછડી. પાછળથી નિકુલ સર સાથે વિજય, હરનીશ, આદર્શ, નીતેશ અને નચિકેતા જેવાં શાર્પ છોકરાઓની ચર્ચામાંથી ‘સાયપ્લેન’ જેવું સુંદર નામ પણ મળી આવ્યું!

પ્લેન બનાવવું કંઈ ખાવાનો ખેલ તો હતો નહિ. અને પ્રોપર્ટી બનાવવા વર્કશોપ રૂમ જેવો ડેડીકેટેડ રૂમ જોઈએ જ્યાં ફક્ત પ્રોડક્શન સંભાળતા છોકરાઓ કોઈપણ જાતની ખલેલ વગર કામ કરી શકે. એવો રૂમ તો અમને તરત જ મળી ગયો (એ.ડી.પટેલ સરનો વિશ્વાસ અને સપોર્ટ!). એ રૂમ એટલે ઇલેક્ટ્રિકલ ડીપાર્ટમેન્ટની રૂમ નં. ૬.  રૂમ નં. ૪માં છોકરાઓ રિહર્સલ કરે અને અહીં રૂમ નં. ૬માં પ્રોડક્શનનાં છોકરાઓ એમનું કામ શાંતિથી કર્યા કરે. નીતેશ, આદર્શ, દર્શન – આ ત્રણ વિદ્યાર્થીઓની ફૂલ ટાઈમ પ્રોડક્શન ટીમ તૈયાર થઇ. એ સિવાય કીર્તન, નીલ, જય, પ્રીતેશ અને તીર્થ તો ખરા જ (તીર્થની ટેલેન્ટ અને લગાવ જોતાં એને નિકુલ સરે મ્યુઝિક પ્રોડક્શનમાં પણ રાખ્યો!).

‘સાથી હાથ બઢાના...એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના...’ જેવાં ગીતોએ ટીમવર્કનો મહિમા કર્યો છે. એ ટીમવર્ક શું ચીજ છે એ છોકરાઓએ હવે દુનિયાને બતાવવાનું હતું. એન્જીનીયરીંગની થીયરીઓ નહિ પણ ફીઝીક્સ-મેથ્સનાં આધારે  વર્કિંગ મોડેલ તૈયાર કરવાનું હતું. ને કહેવું પડે કે નીતેશ, આદર્શ અને દર્શનની ત્રિપુટીએ સફળ ટીમવર્કનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું. ત્રણેય છોકરાઓ અલગ અલગ બ્રાંચના – નીતેશ કેમિકલનો વિદ્યાર્થી, આદર્શ ઈ.સી.માં ભણે, તો દર્શન ની બ્રાંચ બાયોમેડીકલની.  ત્રણેય જણનું અંદરોઅંદરનું અને એમને મદદરૂપ થતાં વિદ્યાર્થીઓ સાથેનું કોઓર્ડીનેશન એવું તો સરસ હતું ને કે ના પૂછો વાત. ઇવેન્ટનાં દિવસો નજીક આવતાં ગયાં એમ જાહેર રજાના દિવસે પણ કોલેજ ખુલ્લી રહેવા માંડી જેથી પાર્ટીસીપ્નટ્સ તેમની પ્રેક્ટીસ ચાલુ રાખી શકે.
એ રવિવારનો દિવસ હતો કદાચ. હું અમદાવાદથી એક્ટીવા લઈને સવારે કોલેજ આવ્યો હતો. બીજાં છોકરાઓને તો બ્રેક આપ્યો હતો પણ નીતેશ, આદર્શ, દર્શન, તીર્થ, નચિકેતા – લગભગ આટલાં છોકરાઓને બોલાવ્યા હતા. નવાં બંધાયેલા એકેડેમિક બિલ્ડીંગમાં ઇલેક્ટ્રિકલ ડીપાર્ટમેન્ટ ચાલે. નીતેશ, આદર્શ, દર્શન આવી ગયાં એટલે રૂમ નં. છમાં જઈને પ્રોપર્ટી માટે શું-શું જરૂરી છે એનું લીસ્ટ તૈયાર કરવાં માંડ્યા ત્યારે કોલેજમાંથી થાય એટલી ચીજ એકઠી કરવાની વાત આવી. છોકરાઓને પૂંઠા જોઈતા હતા. સૌને યાદ આવ્યું કે હમણાં જ કોલેજમાં સારી એવી સંખ્યામાં નવાં કમ્પ્યુટર આવ્યા છે. એ કમ્પ્યુટરનાં ખોખા મેઈન બિલ્ડીંગના ફલાણા માળે કોઈ ‘ચોક્કસ જગ્યા’ એ પડ્યા છે ત્યાંથી લઇ આવીએ એવો પ્રસ્તાવ મારી આગળ મુકાયો ને તાત્કાલિક પાસ પણ થઇ ગયો. પણ જોવાં ગયાં તો મેઈન બિલ્ડીંગ તો બંધ. તાળું ખોલાવી, ઝટપટ બધો ‘મુદ્દામાલ’ મેઈન બિલ્ડીંગમાંથી એકેડેમિક બિલ્ડીંગમાં શીફ્ટ કર્યો ને પાછું તાળું મરાવી દીધું!

હવે? હવે, વિમાનનું માળખું બનાવવા એલ્યુમીનીયમની પટ્ટીઓ જોઈએ. દર્શને કહ્યું આ LRUC બિલ્ડીંગની બહાર બધો ભંગાર પડ્યો છે એમાં એલ્યુમિનિયમની પટ્ટીઓ છે. તો દેર કિસ બાત કી? એ એલ્યુમિનિયમની પટ્ટીઓ થોડી વાર પછી  રૂમ નં. ૬ માં હાજર હતી. એ સિવાય કાર્ડ બોર્ડ, કલર સ્પ્રે, કુચડો, કટર, કાતર, ફેવિકોલ અને બીજી જરૂરી સ્ટેશનરી કોલેજને નામે પાક્કા બિલ સાથે ખરીદી લેવાની હતી જે છોકરાઓ બીજે દિવસે લઇ આવેલાં. સરંજામ આવી ગયાં પછી હવે એને અંજામ આપવાનો હતો. ને પ્રોડક્શન કાર્ય શરુ થયું. પ્રોડક્શન શરૂઆતમાં તો જરા ધીમે અને પછી તો એવા પુરજોશમાં ધમધમવા લાગ્યું કે નાટકનાં દિવસે એટલેકે ૧૩મી એપ્રિલે ડ્રામાનું પરફોર્મન્સ પત્યાં પછી પણ પ્લેનને કરેલો પીળો રંગ જોઈએ એવો સૂકાયો ન હોવાથી હાથ અને કપડાં પર જરાતરા વાસંતી રંગ લાગવાનો હતો!

રૂમ નં. ૬માં હવે એન્ટ્રી રીસસ્ટ્રીકટેડ હતી અને પછી તો જાતે જ અન્ય વિદ્યાર્થીઓએ કામ વગર ત્યાં આવવાનું ટાળવા માંડ્યું. આમ તો આખાય સૌહાર્દ-૨૦૧૭ની ઇવેન્ટમાં નાટકો સૌથી વધુ સસ્પેન્સ-બિલ્ડર આઇટમ હતા. કારણકે, બંધબારણે રિહર્સલ થાય અને રિહર્સલ વખતે ‘આઉટસાઈડર’ ને પ્રવેશની પરવાનગી સહેજે નહિ. વળી, ગ્રાન્ડ રિહર્સલ વખતે પણ ડ્રામાનું રિહર્સલ નહિ. વ્યાજબી રીતે નહિ કારણકે સસ્પેન્સ ખૂલી જાય તો મજા મરી જાય. એટલે અમારું ગ્રાન્ડ રિહર્સલ જોવાં ઇવેન્ટ કો-ઓર્ડીનેટરસ્ આવ્યા હતા. અને એ.ડી.પટેલ સર ખાસ્સા ખુશ પણ થયા હતા. મનન સરે જયારે  જાણ્યું કે છેલ્લાં વર્ષનાં છોકરાઓ પણ છે ત્યારે એમણે હસતાં હસતાં કહ્યું કે “તમે કોલેજમાં છાપ મૂકી જવાં માંગો છો?” ત્યારે છોકરાઓ વતી મેં હળવાશથી જવાબ આપ્યો, “ના સાહેબ, છાપ લઇ જવા માંગે છે.”
...ને એ દિવસોમાં રૂમ નં. ૬નો માહોલ જોયો હોય તો જાણે કલિંગ-યુદ્ધ પશ્ચાતનાં માહોલ જેવો. કટર અને કાતર કૃપાએ વેરેલો વિનાશ ચોમેર પડેલો તમે જોઈ શકો. કાર્ડબોર્ડ અને પૂંઠાનાં રહેંસાઈ ગયેલાં અવશેષો, એલ્યુમીનીયમનાં કટકેકટકા  થઇ ગયેલી પેનલો, થર્મોકોલનાં છિન્નભિન્ન થયેલાં ટુકડાઓ એ વાતની ચાડી ખાતાં હતા. પણ વિનાશની બાજુમાં જ વિકાસની પ્રક્રિયા ચાલી રહી હતી. બહારની દુનિયા ‘બાહુબલી’ની જય બોલાવવામાં ડૂબી હતી ત્યારે અહીં એ બધાથી બેપરવા ત્રણ ‘બુદ્ધિબલી’ઓએ પ્લેનનો મોરો, પાંખીયા અને સુકાન તૈયાર કરી સિલ્વર રંગે રંગી કાઢ્યું હતું...

...પ્લેન તો હવે આકાર લેતું જોઈ શકાતું હતું પણ હવે પ્રશ્ન ઉભો થયો કે એ પ્લેન ‘ફિક્સ’ કરી શકાય એવી સાયકલ ક્યાં? તમને થશે અરે, સાયકલ તો મળી જ જાયને કોઈની પણ? ને એ પણ કોલેજમાં તો તાળી વગાડતા સાયકલ મળી રહે. તો તમે ખોટા! તમે તાળી વગાડતા સાયકલ મળી રહે એની વાત કરો છો અને અમે તો  હાથ ઘસતા રહી જાત એવો ઘાટ થયેલો આ સાયકલનાં ચક્કરમાં જો...
જો...? અરે, આગળ તો બોલો કંઈ...

બોલીશું બોલીશું...આવતી વેળા હવે...પોરો ખાવાં દ્યો મને જરીક...

No comments:

Post a Comment