“ એક્ટીવા પર
જઈશું કે ઉબેર બોલાવું?” માને મેં પૂછ્યું. અમે લગાતાર ચાર-પાંચ અઠવાડિયાથી કરેલી
મહેનત આજે કેવીક ઉગી નીકળે છે એ જોવાની ઈંતેજારી તો હોય જ પણ સાથે આપણા સ્વજનો અને
મિત્રોની ઉપસ્થિતિ હોય તો એનો વિશેષ આનંદ હોય. એટલે આગલા દિવસે મેં અનિરુદ્ધ,તુષાર,પાર્થ,
હિતાંશ, જય (સોરી, ડૉ. જય), હિરેન, વિષ્ણુભાઈ – સૌને ફોન કરીને ભાવસાર અટકધારી મેં
‘ભાવ’થી આમંત્રણ આપ્યું પણ સૌએ ‘સાર’માં સમજાવ્યું કે ‘સોરી! અમારાથી નહિ આવી
શકાય!’ ગુરુવારે ‘વર્કિંગ ડે’ હોય એટલે સૌને અનુકૂળતા ન હોય એ સમજી શકાય એવી બાબત
છે એમ કહીને મનને મનાવ્યું. અમારાં ઈંગ્લીશનાં વીઝીટીંગ ફેકલ્ટી – કિંજલ,પારુલ,શ્વેતા
અને ઉર્વશી – આમને તો અમે કહેવાનું જ ભૂલી ગયેલાં! એટલે મેં આગલા દિવસે ફોન કરી
ઘણાં રીસામણા-મનામણાં પછી સૌહાર્દ-૨૦૧૭માં આવવા માટે રાજી કર્યા. અને મા...પુત્રે
જ્યાં આટલે મોટેઉપાડે નાટક કરાવવાનું બીડું ઝડપ્યું હોય અને
મૌલિક-નિકુલ-પલકેશ-પ્રશાંતનાં નિર્દેશનમાં
સરસ નાટક તૈયાર કરાવ્યું હોય તે માને ન દેખાડીએ એ કેમ ચાલે? માને
ઊઠવા-બેસવા-ચાલવાની ભારે તકલીફ. એટલે પછી ઉબેર જ બોલાવી લીધી. પહોંચી ગયાં પારુલને
ઘરે. પારુલનો હું માનેલો ભાઈ. પારુલ-કિંજલ-શ્વેતા માને લઈને આરામથી આવે એવું નક્કી
કરેલું. એટલે, પારુલની નિશ્રામાં મમ્મીને મુકીને હું ટાઉન હોલ આવ્યો.
ટાઉન હોલ પર
રંગારંગ કાર્યક્રમનો માહોલ જોઈ શકાતો હતો. ચારેય દિશામાંથી વિદ્યાર્થીઓ ટાઉન હોલ
ભણી આવી રહ્યાં હતા. પાર્કિંગ પ્લોટને છેડેથી સીધાં
બેકસ્ટેજ પર જવાનો દરવાજો પડતો હતો. એટલે આવતાની સાથે પાછલે બારણે પ્રવેશ કર્યો!
અને સામે મળ્યાં આજની ઇવેન્ટનાં પેટ્રન એ.ડી.પટેલ. ભારે ઘોંઘાટ વચ્ચે એમણે મને
કહ્યું, “તમારાં નાટકના વિદ્યાર્થીઓ સૌથી વધુ અવાજ કરી રહ્યાં છે, એમને કહો શાંત
રહે.” મારા માટે તો આ શબ્દોને આઘાતજનક હતા. આવતાની સાથે જ અમારી ફરિયાદ! વિદ્યાર્થીઓને
અફરાતફરીમાંથી બહાર લઈ આવ્યા. મૌલિક, પલકેશ અને નિકુલે સૌના ઉત્સાહમાં વધારો
કરવાની સાથે સ્ટેજ પરફોર્મન્સ માટે જરૂરી સૂચનાઓ આપવા માંડી. કોઈ વિદ્યાર્થીએ યાદ
કરાવ્યું કે “સર, પ્રોપર્ટીમાં છાપું તો છે જ નહિ.” એટલે પ્રતિક અને રોનક પાસેથી
તાત્કાલિક મંગાવી લીધું.
ત્યારબાદ અંદર
હોલની વ્યવસ્થા જોવાં ગયાં ત્યારે મૌલિકે કહ્યું કે પાર લાઈટ્સ અને હેન્ગીંગ માઈક
તો છે નહિ. લાઈટ્સ ઇન-ચાર્જને કહ્યું તો કહે કે PAAR લાઈટ્સ છે પણ
લગાવતા નથી ફાવતી. અધૂરામાં પૂરું ઈવેન્ટ્સ ચાલુ થઇ જતાં સ્ટેજ પર પાછળ ઓર્કેસ્ટ્રા અને આગળ સિંગિંગ અને
ડાન્સિંગની આઇટમ ઝડપભેર રજૂઆત પામી રહી હતી. ‘સસ્તા વિમાનનું સપનું’ નાટકનો ક્રમ
આવ્યો. PAAR લાઈટસનું કેમેય ઠેકાણું ન પડતાં પછી મૌલિકે
પોતે જ જઈને આશાબહેન કાર્યક્રમનું સંચાલન કરી રહેલાં એ પોડિયમ પર ધરાર એક PAAR લાઈટ અને લાલ જીલેટીન પેપર ગોઠવીને વિમાનનાં
માળખા પર ફોક્સ આપ્યો. હેન્ગીંગ માઈક નથી તો ડાયલોગ્સ કેમનાં સંભળાશે એનાં ઉચાટમાં
હતો ત્યાં જ વિંગમાં મારી પાછળ ઉભેલાં
ડાન્સ માસ્ટરે પોતાની મુર્ખાઈનું પ્રદર્શન કરતા વણમાગી સલાહ આપી, “અરે, તમે છોકરાઓને
કહી દો કે માઈક હાથમાં રાખીને ભજવે.” કહેવાનું મન તો થયું કે ‘મૂંગો મર!’ પણ પછી અમારી
ઇવેન્ટનું નામ ‘સૌહાર્દ’ છે એવું યાદ આવ્યું એટલે મોંમાંથી સરસ્વતીની ધાર છૂટતા
રહી ગઈ!
ખીચોખીચ ભરાયેલા
હોલમાં શોરબકોર થતો હતો. હડબડીમાં નાટક શરુ થતાં પહેલાં નાન્દીપાઠની રસમ હોય છે એ
પણ ન થઇ શકી. અધૂરામાં પૂરું પડદો બંધ ન થઇ શક્યો, મંચ પર પાછળની બાજુ ઓર્કેસ્ટ્રા
બેસાડ્યું હતું. એટલે સ્ટેજનો એ ભાગ રોકાયેલો જ રહેવાનો હતો. ઓરકેસ્ટ્રાના વાયરો
પણ બાકીનાં સ્ટેજમાં પથરાયેલાં રહેવાના હતા, સ્ટેજ પરની લાઈટ ચાલુ જ રહેવાની હતી
અને ‘છોકરા-છોકરીઓ’ (વિદ્યાર્થીઓ નહિ!) ધમાલ કે પ્રેમચેષ્ઠાઓ ન કરે એવા ડરથી
ઓડિયન્સમાં પણ લાઈટ્સ ચાલુ જ રાખી હતી! બેકસ્ટેજમાં પણ વણજોઈતા વિદ્યાર્થીઓની
વણઝાર! નાટક આવી અફરાતફરી વચ્ચે જ શરુ થયું. આગળની હરોળમાં બેઠેલાં પ્રેક્ષકો
સિવાય કોઈને કલાકારોનો અવાજ નહોતો સંભળાઈ રહ્યો. એટલે પાછળ બેઠેલાં કોઈ ડામીસ
પ્રેક્ષકને એવી તો ચાનક ચડી કે એણે જોરથી ઘાંટો પાડ્યો ‘એ મોટેથી બોલો નથી
સંભળાતું’. વિંગમાં ઉભેલાં મને એનો ઘાંટો સંભળાયો ત્યારે એવો તો ગુસ્સો આવેલો કે
ઓડિયન્સમાં જઈને એને પાંસરોદોર કરી આવું. પણ કહેવું પડે કે નાટકનાં કલાકારોએ રંગ
રાખ્યો. હેન્ગીંગ માઈકને અભાવે નચિકેતાએ ગળું ફાટી જાય એટલાં સાદે સંવાદો બોલવા
પડતાં હતા છતાં એનાં અભિનયમાં કોઈ ઓટ આવી નહોતી. ઉલટું, કલાકારોને તકલીફ પડી રહી
છે અને નાટક જોવાં શાંતિ રાખવી જ પડશે એવું સહેજવાર પછી જયારે ઓડિયન્સે થયું ત્યારે
થોડો શોરબકોર ઓછો થયો અને જરૂરી સ્થાનોએ ચીઅર્સ અને લાફ્ટરનાં આવશ્યક ડોઝ મળવાના
શરુ થયા. વિંગમાં ઉભેલાં બાકીનાં લોકોમાં શાંતિ જળવાઈ રહે અને કલાકારોની
એન્ટ્રી-એક્ઝીટમાં કોઈ દખલ ન આવે એ જોવાની પ્રશાંતે બહુ મોટી ભૂમિકા ભજવી.
આમ છતાં યોગ્ય
લાઈટ્સ અને માઈકનાં અભાવે નાટક પડી ગયું. મારા મનમાં વિષાદનાં વાદળ છવાઈ ગયાં. એક સમયે એવું પણ લાગી આવ્યું કે
સિંગિંગ-ડાન્સ-રેમ્પવોક જેવી તામઝામસભર ઈવેન્ટ્સ વચ્ચે નાટક જરા બંધબેસતું નથી.
સિંગિંગ-ડાન્સ-રેમ્પવોકમાં તો દર્શકોએ ફક્ત જોવા-સાંભળવાનું હોય છે. પણ નાટકને
માણવા ફક્ત આંખ-કાનનો ઉત્સવ પૂરતો નથી, મગજ પણ સક્રિય રાખવું પડે છે. કલાકાર કોઇપણ
સંવાદ બોલે છે તો એ હંમેશા half-uttered sentence હોય છે – અર્ધું
બોલાયેલું વાક્ય. બાકીનું અર્ધું વાક્ય તો પ્રેક્ષકે જોડીને પૂર્ણ કરવું પડેલ છે.
એ અર્થમાં પણ એને ડાયલોગ કહે છે, નહિ તો મોનોલોગ ન કહેતાં હોત?
બહાર સૌ ચાની
કીટલીએ ગયાં જ્યાં ચા આવે એ પહેલાં બધી જ હૈયાવરાળનો ઉભરો ઠલવાયો. કેટલાં બધાં
સર્જનાત્મક લોકો અહીં એકઠાં થયેલાં – મૌલિક, પલકેશ, નિકુલ તો ખરા જ પણ ધરણીધર,
પ્રશાંત અને એકે હજારા જેવો કિશન! હૈયાવરાળ ઉડી ગયાં પછી ગેલગમ્મતનો દોર ચાલ્યો.
ચા પીધાં પછી પરત
ફર્યા ત્યાં તો કહેવામાં આવ્યું કે સીધાં લંચ લેવા જાઓ. લંચબ્રેક બાબતે અવ્યવસ્થા જેવું હતું. કેમકે, લંચબ્રેક નિશ્ચિત
જ નહિ. એકબાજુ સ્ટેજ પર કાર્યક્રમ ચાલુ ને બીજી બાજુ વોલેન્ટિયરસ્ દ્વારા
ઓડિયન્સમાં ‘હરોળવાર’ વિદ્યાર્થીઓને લંચ માટે રવાના કરવાની ગતિવિધિ. શિડયુલ્ડ
ઇવેન્ટસનો ક્રમ પણ સખળડખળ થઇ ગયો હતો. નાટકનાં વિદ્યાર્થીઓ તો નહિ પણ અમે ફેકલ્ટી
મેમ્બર્સ જમ્યા. જેટલા મિત્રોને આમંત્રણ આપ્યું હતું એમાંથી ફક્ત દોસ્ત નીરજ ઉડતી
મુલાકાતે આવ્યો ટાઉનહોલ પર. ડેઝર્ટ તરીકે રાખેલો આઈસ્ક્રીમ ઉડાવતા એણે કેવો તામઝામ
જામ્યો છે એનો જાયકો પણ લઇ લીધો.
લંચ પછી હોલમાં
આવ્યા ન આવ્યા ત્યાં તો આંચકાજનક સમાચાર મળ્યાં. તે એ કે અમારાં બીજાં નાટકનો એકડો
જ બાકી રહેલી આઇટમ્સમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. કારણમાં કહેવામાં આવ્યું કે
બીજી ઘણી આઇટમ્સ હજુ બાકી છે. મને વળી એવી સૂચના મળી કે આ વાત તમારે વિદ્યાર્થીઓને
ન કરવી (એટલેકે, વિદ્યાર્થીઓને મારે અંધારામાં રાખીને એમનો વિશ્વાસઘાત કરવો).
સહેમી ગયો. વિદ્યાર્થીઓને થોડી વારમાં કંઇક અમંગળ રંધાઈ રહ્યું છે એનો ખ્યાલ આવી
ગયો. અનિતા અને અમીષા તો રડવા જ માંડી. બીજાં વિદ્યાર્થીઓના ચહેરા પણ વિલાઈ ગયાં.
નાટકનાં કલાકારો સ્ટેજની આગળ તો નાટક પછી કરવાનાં હતા પણ એ પહેલાં એમનાં ભાગે
સ્ટેજની પાછળ ખેલાતા નાટકનો ભાગ (ભોગ?) બનવાનું આવ્યું હતું. વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે અમે તો નાટક કોઇપણ
ભોગે કરીશું જ. અરે, ખાલી હોલમાં પણ કરીશું. નાટકમાં ભાગ નહોતો લીધો એવા વિનાયક
પંડ્યા જેવાં વિદ્યાર્થીઓને ખબર પડી કે આવું થયું છે તો તેઓ પણ અમારાં પક્ષમાં આવી
ગયાં. વિદ્યાર્થીઓએ જઈને ઇવેન્ટનાં પેટ્રનને આગળ મક્કમપણે પોતાની વાત મૂકી. અને
નાટક રજૂ થશે એવી ખાતરી માંગીને જ જંપ્યા.
‘આ મકાન ન જોઈએ’
નો ક્રમ આવ્યો. બીજું નાટક શરુ થયું ત્યારે એક પ્લસ પોઈન્ટ ઉમેરાયો હતો. તે એ કે
ઓર્કેસ્ટ્રા સાથે જોડાયેલી આઇટમસ્ પૂરી થઇ જતાં એને સ્ટેજ પરથી હટાવી લેવાયું હતું
અને ઓર્કેસ્ટ્રાનાં વાજિંત્રો સાથે જોડાયેલા સાપોલિયા જેવાં વાયરોનો સાથરો પણ ઉકેલાઈ
ગયો હતો. આ વખતે તો માઈકની નજીક સેટ લગાવ્યો અને ઓર્કેસ્ટ્રા માટે અનામત રહેલાં
માઈક પણ ફ્રી થઇ ગયેલાં એટલે એમાનું એક
માઈક તો આ નાટકનાં સોફા પર જ ગોઠવી દીધું! જુસ્સાભેર નાટક શરુ થયું. અનિકેત અને
અમીષાની ઓન-સ્ટેજ કેમેસ્ટ્રી પહેલાં જ સંવાદથી એવી તો જામતી હતી કે આખું નાટક સરસ
ઉપડ્યું. એકદમ હળવુંફૂલ નાટક. લાફ્ટર બરોબર પકડાયું હતું. ઓડિયન્સ હાસ્યની હેલીમાં
ગરકાવ થયું હતું. સ્ટેજ પર નાટકની એટલી તો રસમય ભજવણી થઇ રહી હટી કે વિંગમાં
ઉભેલાં સૌ ઊંચાનીચા થઈને નાટક માણી રહ્યાં હતા. વિંગનાં એક ખૂણામાં અંધારામાં ઉભેલો
હું ફેકલ્ટી મેમ્બર્સની અને ઓડિયન્સનાં ચહેરાનાં ભાવો વાંચી રહ્યો હતો. આ દિવસ
જોવાં કેટલાં વર્ષોની પ્રતીક્ષા કરવી પડી હતી.
નાટક પૂર્ણ થયું.
એક બાજુ ઓડિયન્સમાંથી તાળીઓનો ગડગડાટ અને બીજી બાજુ માઈકમાંથી આશાબહેનનાં
અભિનંદનનાં શબ્દો વહી રહ્યાં હતા ત્યારે હું પોડિયમ ભણી ગયો. “માઈક આપશો?” કરીને
માઈક હાથમાં લીધું અને આ બંને નાટક કઈ રીતે તૈયાર કર્યા, વિશેષ તો પ્રોડક્શન ટીમની
મહેનત, એ.ડી. પટેલનું પીઠબળ વગેરેની વાત મૂકી. ટેકનીકલ મર્યાદાઓ નડી એની પણ ચોખવટ
કરી. દિલ રેડીને આ નાટકો તૈયાર કરાવનાર મૌલિક-પલકેશ-નિકુલનો ઓડિયન્સની સામે આભાર
માન્યો. મૌલિકે પણ આભારના સુંદર શબ્દો કહ્યા. માઈક પાછું આશાબહેન ભણી જતું હતું
ત્યાં જ મને ઝબકારો થયો એટલે મેં માઈકમાં કહ્યું, “આજે મારી મા પણ ઓડિયન્સમાં છે.
મા, જો આપણા મૌલિક, પલકેશ અને નિકુલે આ કર્યું... અમે આ કરી શક્યા...” બડી ભાવુક ક્ષણો! વધુ કંઈ ન બોલી શક્યો.
પ્રશાંતે અજબ ત્વરાથી બીજું એક માઈક ઓડિયન્સમાં પ્રથમ હરોળમાં બેઠેલી માનાં હાથમાં
પ્રતિભાવ માટે આપ્યું. એકદમ જ આવું થયું એટલે જરા ઓઝપાઈ ગયેલી માએ બે-એક પ્રેરકવચન
કહ્યા જેને સૌએ વધાવી લીધાં. ક્ષણને સાચવી લીધી. જયારે આપણે કોઈ કન્વિકશન સાથે કામ કરીએ છે તો આપણું કામ, આપણો
મેસેજ યોગ્ય એમ્પ્લીટ્યુડ સાથે પહોંચે એ જોવું પણ એટલું જ જરૂરી છે.
ત્રણ-સાડા ત્રણ
જેવું થયું હતું. સૌ ત્વરિત ગતિએ લંચ માટે ઉપડ્યા. ભોજનસ્થળ પર સૌથી છેલ્લાં
જમનારામાં મોટા ભાગનાં વિદ્યાર્થીઓ નાટકનાં હતા. શત શત કોટિ ઉત્સાહ અને
આનંદથી ઉભરાતા મારા વિદ્યાર્થીઓને કેમેરામેન કચકડે મઢી રહ્યો હતો. જમી રહ્યાં બાદ
સૌ ટાઉનહોલ પરિસરમાં આવેલાં બગીચામાં એકઠાં થયા. વિદ્યાર્થીઓનાં રોમાંચનો કોઈ પાર
નહોતો. એ રોમાંચનું રીએક્શન એટલે સૌએ ભેગાં થઈને નિકુલ, પલકેશ અને મને કરાવેલ
ટીંગાટોળી! ભાવવિભોર દ્રશ્યોના સાક્ષી થવાનું ઈશ્વર સૌનાં નસીબમાં નથી લખી આપતો.
ભાવ-પ્રતિભાવની આપ-લે ચાલી. પછી પલકેશે ધમાકો કર્યો કે તમે બધાંએ ‘છેલ્લો દિવસ’
જોઈ હશે. બધાનાં આંખ-કાન એકદમ સરવા થઇ ગયાં. કેટલાંક વિદ્યાર્થીઓએ તો કહ્યું કે
અમે તો અનેક વાર જોઈ છે. એટલે પલકેશે કહ્યું, “એમાં મેં એક નાનકડો રોલ કર્યો છે!”
વિદ્યાર્થીઓ તો આશ્ચર્યનાં માર્યા ઉછળ્યાં! “કયો, કયો?” કરવાં માંડ્યા પછી એક
રસિયાએ શોધી કાઢ્યું કે “પેલો ટોઇલેટ સીન છે એ જ ને?” અને એટલેથી ન અટકતાં પોતાનાં
ફોનમાંથી એ સીન કાઢીને બતાવ્યો પણ ખરો! બધાં આવી અલકમલકની વાતો કરીને હવે છૂટા પડી
રહ્યાં હતા.
પણ સૌથી છેલ્લું
અને મહત્વનું કામ બાકી રહેલું. તે એ કે પોલીટેકનીકમાંથી લાવેલો સામાન પાછો સંસ્થા
પર પહોચાડવાનો હતો. વિજય, અમન, આદર્શ, દર્શન, તીર્થ, દીપ અને જાહ્નવી રોકાયેલા.
સામાન છોટા હાથીમાં ભરી રહ્યાં હતા ત્યાં જ ખ્યાલ આવ્યો કે આપણું બનાવેલું વિમાન
ક્યાં? વિમાનની શોધખોળ ચાલી. જોયું તો પ્રોપર્ટી શીફ્ટ કરી રહ્યાં હતા એ દરવાજાની
સામેનાં પ્લોટમાં કોઈ એને ફેંકી આવેલું. અરેરે! કાર્યક્રમ પછી અમે જમવા ગયેલાં
ત્યારે બીજે દિવસની પ્રધાનમંત્રીની વિડીયો કોન્ફરન્સ માટે સેટ લગાવવા આવેલાં
માણસોનું કૃત્ય હોઈ શકે. જીવ બળી ગયો મારો તો. ફેંકનારાએ ફેંક્યું હશે એ વખતે
પછડાયું હશે એટલે વિમાનનું માળખું ખાસ્સું ભાગ્યું તૂટ્યું હતું. પણ માયા કોને
કહી? રીપેર કરીને પછી સંસ્થામાં ક્યાંક બધાંને દેખાય એવા સ્થાને તાર વડે લગાવીશું
એવું વિચારી લઇ આવ્યા અને માળખું ચડાવી દીધું ‘છોટા હાથી’ પર. છોકરાઓએ બધો સામાન
વ્યવસ્થિત રીતે સંસ્થા પર પહોંચાડી દીધો.
બધું રંગેચંગે
પત્યાં પછી સાંજે ગાંધીનગરમાં પારુલનાં ઘરે બેસીને આખી પ્રક્રિયા અને ખાસ તો આજનો
દિવસ કેવો રહ્યો એની વાતો કરતા હતા ત્યારે મૌલિકે કહ્યું, “ઈશાનભાઈ, આ ‘સૌહાર્દ’ એ
રીતે પણ યાદ રહેશે કે અહીં ઘણી ભાવોર્મિઓ ઘણી ઠલવાઈ. ખાસ તો તમે સ્ટેજ પરથી ઓડિયન્સમાં બેઠેલ મમ્મીને ઉદ્દેશીને માઈકમાં બોલ્યાં
ને કે આપણા મૌલિક, નિકુલ અને પલકેશે આ કર્યું... એ તો ખૂબ ગમ્યું. ”
મેં સ્મિતસભર
ચહેરે ભાવપૂર્વક કહ્યું, “મૌલિક, હું નગુણો નથી!”
...અને અમે બંનેએ
એકબીજાની સામે જોયું.
આકાશમાં આથમણી
દિશા ભણી આગેકૂચ કરી રહેલો સૂરજ અમારી સામે જોઈને જાણે મલકી ઉઠ્યો ને વાતાવરણમાં રતુમડો
રંગ જરીક વધુ ઘૂંટાયો.
No comments:
Post a Comment