નાટક માટે અમને
ફાળવેલા રૂમનું દ્રશ્ય એ દિવસે જોવાં જેવું હતું. રૂમની બરોબર વચ્ચે સોફા ગોઠવેલો
જેની પર પલકેશ અને હું બેઠાં હતા. ને સામે બીજાં વિદ્યાર્થીઓ પલાઠી વાળીને બેઠાં
હતા. પ્રકાશ ઝાની ‘રાજનીતિ’ ફિલ્મમાં વીરુ
ભૈયા બનતાં મનોજ બાજપેયીનો એક સંવાદ છે – ‘બદહવાસી છાઈ હે...’ બિલકુલ એવી જ બદહવાસી એટલેકે વિહ્વળતા અમારાં
રૂમમાં છવાયેલી હતી. બંને નાટકનાં મુખ્ય
સ્ત્રીપાત્રો – અનિતા અને અમીષા –નું આગમન થયું નહોતું. હવે તો નાટકને બે દિવસ બાકી હતા અને બાકીનાં સૌ વિદ્યાર્થીઓ
રિહર્સલ માટે આવી ગયેલા. સમયપાલન બાબતે ભારે ચુસ્ત એવા પલકેશ સર પણ ઉકળી ઉઠ્યા.
વિદ્યાર્થીઓમાં પણ ગણગણાટ થઇ રહ્યો હતો ત્યાં જ...
ભારે ધક્કા સાથે
રૂમનો દરવાજો ખૂલ્યો અને અનિતા તેમજ અમીષાનું આગમન થયું...બંને જણાનાં ચહેરા
લાલચોળ હતા અને આંખોમાંથી અગનજ્વાળાઓ વરસી રહી હતી. રૂમનાં ખૂણામાં રહેલાં ટેબલ પર
જઈને એમણે સામાન મૂક્યો ન મૂક્યો ત્યાં જ વિદ્યાર્થીઓમાંથી કેટલાંકની ટીકાસભર
ટીપ્પણીઓ એમનાં કાને અથડાઈ. એમણે જે સાડી પહેરેલી એ જોઈને હું તો છળી મર્યો. બંને
નાટકમાં મધ્યમવર્ગી સ્ત્રીપાત્રો હતા અને
અનિતા અને અમીષા જે પ્રકારની ભપકાદાર/Gaudy સાડી પહેરી લાવેલા
એ પાત્ર સાથે સુસંગત નહોતા. પલકેશ સરે કેમ મોડા આવ્યા અને આ સાડી જોડે લઈને આવવાની
હતી નહિ કે પહેરી લાવવાની હતી એ સૂચના તરફ એમનું ધ્યાન દોરવા ચાહ્યું ત્યારે
મીડિયાની ભાષામાં કહીએ તો ‘સબ્ર કા બાંધ તૂટ ગયાં’! ને પછી તો જોવાં જેવી થઇ છે...
અનિતાએ એકસોવીસ ડેસીબલ જેટલાં ઉંચા અવાજે બોલવાનું શરુ કર્યું તો માનો વીજળી
ત્રાટકી –
“બસ...બહુ
થયું...કોઈ કહે છે સાડી પહેરવાની છે...કોઈ કહે છે નથી પહેરવાની...બધાંને બસ બોલવું
છે...આમ કરો...તેમ કરો...કોઈ અમારાં વિષે પણ વિચારે છે કે? તમે તો કહી દીધું સાડી
પહેરવાની છે...પી.જી. માં રહીએ છે સાડી તો અમારી પાસે ક્યાંથી હોય...બાજુવાળા
આંટીને ત્યાં સાડી માટે કલાક માથાઝીંક કરી અને પછી તૈયાર થવામાં અર્ધો કલાક...અને
કોલેજ કંઈ બાજુમાં પડી છે? અમારી રૂમથી ચાલીને આવવામાં પંદર મિનીટ થાય અને તમને
શું ખબર આખું ગામ અમારી સામે જોઈ રહેલું... લોકો ટીકીટીકીને અમને જોતાં અને કેવી
કેવી કોમેન્ટ પાસ કરતા...તમારે તો ખાલી બોલવું જ છે...”
...અનિતાની
ઉગ્રવાણી પલકેશ, હું અને આખો ક્લાસ સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો. એ બોલી રહી હતી
ત્યારે અને બોલવાનું પૂરું કર્યું ત્યારે અમને સૌને કળ વળતાં બે મિનીટ થઇ હતી. મનમાં
દાબી રાખેલો ટનબંધ રોષ અને ધૂંધવાટ શબ્દરૂપે વરસી ગયો. જાણે આ કૌરવસભા હોય અને અમે
સૌ ધૃતરાષ્ટ્ર, શકુનિ, દુર્યોધન અને દુશાસન એવો ઘાટ રચાયો હતો! ને આ અનિતા – આજનાં
યુગની દ્રૌપદી! જાણે અનિતાની અંદર છુપાયેલી સ્ત્રીએ સમાજનો વરવો ચહેરો છતો કર્યો
હતો...ને આ સો ટ્ચનાં સત્ય એ અમને સૌને ચૂપ કરી દીધાં હતા.
અત્યાર સુધી
કાષ્ટની મૂર્તિઓની જેમ જડવત થઇ ગયેલાં પલકેશ સર અને હું થોડાં સ્વસ્થ થયા અને આવા
નાજુક માહોલમાં બોલી શકાય એવા યોગ્ય શબ્દોની શોધમાં પરોવાયા પણ એવા કોઈ શબ્દો અમને
મળ્યાં નહિ...સ્ત્રી જયારે એની વેદનાને વાચા આપે ત્યારે પુરુષ કેવો પાંગળો પુરવાર
થાય છે, નહિ?
No comments:
Post a Comment