Friday, May 31, 2019

સૌહાર્દ-૨૦૧૭: વિશ્વાસની વાસ્તવિકતા બનવાની સફર (ભાગ-6)



“ઓ માઆઆઆ...”  વિંગમાંથી ઢીમ દઈને ક્યાંકથી અવાજ આવ્યો ને આજુબાજુનાં ક્લાસમાં ડાન્સની પ્રેક્ટીસ કરનારા છોકરાઓનાં હાથપગ થંભી ગયાં. રેડિયો પર વાગતા અરિજિતસિંહ ને આતિફ અસલમ પણ ચૂપ થઇ ગયાં... સૌ બહાર દોડી આવ્યા અને જુએ તો વિંગમાં બે છોકરાઓ ભોંયસરસી હાલતમાં માથું પસવારી રહ્યાં હતા અને એમની નજીક સ્ક્રીપ્ટનાં પાનાં ફડફડ અવાજ સાથે ફરકી રહ્યાં હતા. કેવું બિહામણું દ્રશ્ય! બંને જણા ચોપડામાં લખેલી નાટકની સ્ક્રીપ્ટનો પાઠ મોઢે કરવામાં એટલાં તો મશગૂલ થઇ ગયેલા કે ધૂનમાં ને ધૂનમાં ચાલતા આમ સામસામે ભટકાઈ પડ્યા... માથું ઘસતા ઘસતા પીડાના હળવા સીસકારા કરતા બંને જણા બેઠાં થાય છે. એકાદ જણ દોડીને પાણીની બોટલ લઇ આવ્યો હોય છે એ બોટલમાંથી બંને જણ વારાફરતી પાણી પીએ છે અને હાશકારો અનુભવે છે... પરિસ્થિતિ થાળે પડતાં સૌ પોતપોતાના ક્લાસમાં પ્રેક્ટીસ માટે પાછાં જાય છે. હવે બંને જણા ઉભાં થઉં થઉં કરતા હોય છે ત્યારે –
“લાવ એ.”
“શું બે?”
“અરે તારી બાજુમાં પડ્યો છે એ ચોપડો...”
“પણ તારા હાથમાં ચોપડો છે તો ખરો...”
“અરે ભાઈ એ તારો ચોપડો છે... લે...ને તારી બાજુમાં પડ્યો છે એ મારો ચોપડો છે...”
“જા બે...મારો નવનીતનો હતો.”
“અલ્યાં મારો ય નવનીતનો હતો...આઈ મીન, છે.”
“જા બે જા... તારો તો ગુજરાત વિદ્યાનિકાસ મંડળનો હતો...”
“એ બીજો હતો લ્યાં... કહું છું તો માનતો નથી...સારું, તારા હાથમાં છે એ ચોપડાનાં પાછળથી પાનાં ફેરવ...એમાં જો ...કોના ડાયલોગ છે – તારા કે મારા?”
“ હા યાર...ડાયલોગ તો તારા છે...”
“તો પછી...ચોપડો પણ મારો થયો ને?”
“હા હવે...લે આ તારો ચોપડો...”
...આમ ચોપડાની આપલે કર્યા પછી બંને જણા સાચવીને ઉભાં થાય છે અને ફરી સ્ક્રીપ્ટનો મુખપાઠ શરુ કરે છે...

થોડીવાર પછી નિકુલ સર ન્યુઝ આપે છે – “ પલકેશ સરનાં પ્લેનું રિહર્સલ બસ પૂરું થવામાં છે... હવે આપણે અંદર આપણા નાટક ‘સસ્તા સપનાનું વિમાન’નું  રિહર્સલ કરવાનું છે. ચાલો તૈયાર ને?”
... ને સસ્તા વિમાનનું સપનું નાટકનાં કેટલાંક સીનનું પ્રથમ વખત રિહર્સલ થયું એ જોઈને જેમ દેવાનંદે ઉતારેલી કે ઉતારી નાખેલી ‘ગાઈડ’ જોતાં એનાં સર્જક એવા આર.કે.નારાયણે પોતાનાં વાળ ખેંચવા માંડેલા એમ ઓડિયન્સમાં બેઠેલાં સૌ કોઈને પણ પોતાનાં વાળ ખેંચવાનું મન થયેલું... ને મને તો કાપો તો ય લોહી ન  નીકળે... પ્રમાણમાં હળવુંફૂલ નાટક બહુ ભારેખમ થઇ ગયું હતું... સ્ક્રીપ્ટની માંગ પ્રમાણે અમારે એવું મુખ્ય પાત્ર જોઈતું હતું જેની આંખમાં સપનાઓ ભરેલા હોય અને એ સાકાર કરવાની જેને બેહદ લગન લાગી હોય... ને પતિનાં મુખ્ય પાત્રમાં રહેલો પુલકિત ડાયલોગ બોલવામાં ગોટા વાળતો હતો અને દરેક નાટ્યકર્મીએ જે હંમેશા કરવું પડે તે – પરકાયાપ્રવેશ – કરવામાં પુલકિતને તકલીફ પડી રહી હતી એ સૌ જોઈ શકતાં હતા. વળી, નાટકનાં અન્ય પાત્રોનો પણ એકમેક સાથેનો તાલમેલ જામતો નહોતો. સૌ કચવાયેલા કચવાયેલા લાગતા હતા...એકપ્રકારનું ‘અલગાવપણું’ નાટક પર હાવી થઇ ગયું હતું...

એવામાં નિકુલ સર અને મારી નજર મળી... બંનેએ એકબીજાની આંખો વાંચી લીધી કે આ તો કટોકટી ઉભી થઇ... ને તાકીદનાં પગલાં લેવામાં ન આવે તો નાટકનો નાભીશ્વાસ શરુ થઇ જાય એમ હતો... એટલે, આપણા પૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધી અને જનરલ સામ માણેકશા વચ્ચે જેમ ભારત-પાકિસ્તાન યુદ્ધનાં ભણકારા વાગતા એ દરમ્યાન બંધબારણે મસલત થતી એવી મસલત નિકુલ સાથે કર્યા પછી અમે નાટકની મુખ્ય અદાકારા એવી અનિતા પાસે ગયાં અને કહ્યું,
“અનિતા, અમે તારો પતિ બદલીએ છે...”
“નહિઈઈઈઈઈઇઈ...”
અલ્યાં...કોણ બોલ્યું ‘નહિઈઈઈઈઈઇઈ’??? અનિતા તો બોલી નહોતી...
તો – તમે બોલ્યાં ને?

No comments:

Post a Comment