રોમિયો એન્ડ ઇથિલ, ધ પાયરેટસ્ ડોટર નામનાં
નાટકનું રિહર્સલ કેવું થઇ રહ્યું છે તે જોવાં સ્ટેજ પર આવેલાં એક સોહામણા યુવાનને
જોઈને હ્યુજ ફેન્નીમેન પૂછે છે: “એ કોણ?”
“Nobody
– ખાસ કોઈ નહિ.” ફિલીપ હેન્સલો ઉત્તર આપે છે. “ આનો લેખક છે.” * * * * * * * * * * *
ઉપરનો સંવાદ 1998માં આવેલી Shakespeare in Love ફિલ્મમાંથી લીધો છે પણ એમાં વર્ણવેલું 1593ની સાલનાં ઇંગ્લેન્ડનાં નાટયગૃહોનું ચિત્ર સત્યથી જરીકે વેગળું નથી. વિલિયમ શેક્સપીયર (1564-1616) નામની શખ્સિયતને એ સમયે ઇંગ્લેન્ડમાં એને કોઈ ઓળખતું નહોતું. લોકો તો નાટક અને એમાં ભાગ ભજવતાં કલાકારોને જોવાં આવતાં. નાટક કોણે લખ્યું છે એની સાથે એમને કોઈ નિસ્બત નહોતી...
ઉપરનો સંવાદ 1998માં આવેલી Shakespeare in Love ફિલ્મમાંથી લીધો છે પણ એમાં વર્ણવેલું 1593ની સાલનાં ઇંગ્લેન્ડનાં નાટયગૃહોનું ચિત્ર સત્યથી જરીકે વેગળું નથી. વિલિયમ શેક્સપીયર (1564-1616) નામની શખ્સિયતને એ સમયે ઇંગ્લેન્ડમાં એને કોઈ ઓળખતું નહોતું. લોકો તો નાટક અને એમાં ભાગ ભજવતાં કલાકારોને જોવાં આવતાં. નાટક કોણે લખ્યું છે એની સાથે એમને કોઈ નિસ્બત નહોતી...
...અને
આજે? આજે ભાગ્યે જ કોઈ એવું હશે જે શેક્સપીયરને “nobody”
કહેવાની હિંમત કરશે. સમગ્ર વિશ્વમાં અંગ્રેજીનાં
વર્ગખંડોમાં શેક્સપીયર વંચાય છે અને જગતભરનાં રંગમંચો પર એનાં નાટકોનું મંચન થયાં
કરે છે. બની શકે કે તમે એનું એક પણ નાટક વાંચ્યું ન હોય
પણ છતાં ય તમને શેક્સપીયરનાં બે-ચાર પાત્રોનાં નામ ખબર હોય. એ પણ નથી ખબર? તો જવા
દો. તો તમે કદાચ શેક્સપીયરની કૃતિઓનાં ‘ભારતીયકરણ’માં નિષ્ણાત એવાં વિશાલ
ભારદ્વાજની ‘ઓમકારા’, ‘મકબૂલ’ કે પછી ‘હૈદર’ જેવી ફિલ્મો જોઈ હશે...અચ્છા, કંઈ નહિ
તો રોમિયો એન્ડ જુલિયેટ પર આધારિત સંજય લીલા ભણસાલીની રામલીલા તો અચૂક જોઈ
હશે! સામાન્ય વાચકોથી માંડીને ફિલ્મમેકરોને આજે ય આકર્ષે છે એવો શેક્સપીયર એક લેખક
તરીકે કેવો હતો એ જાણવાનું આપણને મન થાય એ સ્વાભાવિક છે. ચાલો, શેક્સપીયરનાં
જીવન-કવનનાં રસપ્રદ પાસાંઓ પર એક નજર નાખીએ...
શેક્સપીયર:
એક ધંધાદારી લેખક?
ખ્યાતનામ
લેખકો વિષે જગત જાતભાતની અટકળોનાં ઘોડા દોડાવતું હોય છે. કોઈ ક્લાસિક લેખક અંગે
આપણે ધારી લઈએ છે કે એ તો બહુ જ એકાંતપ્રિય અને જગતથી નીતિરીતિથી ઘવાયેલો જીવડો
હોવો જોઈએ. આપણને તો એવું જ થાય કે એવાં લેખકો લંડન, પેરીસ કે સેન્ટ પીટર્સબર્ગ જેવાં
શહેરોની બદનામ ગલીઓમાં આવેલાં પુરાતન મેડીબંધ મકાનનાં કોઈ ઓરડામાં મેજ પર હાથમાં
કલમ સાથે ગોઠવાઈ ગયાં હશે અને નજીક રાખેલી મીણબત્તીઓમાંથી ઝરતાં હળુહળુ પ્રકાશમાં
પોતાની કલમથી કાગળ પર શબ્દનો પ્રસવ કરાવતાં હશે. ને આવાં મહાન લેખકો તો કંઈ પૈસા
માટે લખે? એ તો કળા ખાતર કળામાં માનનારા મહાત્માઓ જ હોઈ શકે!
કટ ટૂ
વિલિયમ શેક્સપીયર... કેટલાંક સમકાલીનોને મતે જીનીયસ-ફીનીયસની વાત તો જવા જ દો
શેક્સપીયર તો એક ધંધાદારી લેખક હતો. એ વાત પણ સાચી કે શેક્સપીયરે જયારે કલમને “હું
તારે શરણે છઉં!” એવું કહ્યું હતું ત્યારે તેની એક આંખ સરસ્વતી ભણી અને એક લક્ષ્મી
ભણી નહિ પણ બંને આંખો લક્ષ્મી ભણી હતી! એટલેસ્તો એણે જેટલું લખ્યું એ બધું
લોકભોગ્ય લખ્યું...અને, વિપુલ પ્રમાણમાં લખ્યું.
શેક્સપીયરનાં
જીવનમાં રોજિંદા ધોરણે નાટ્યલેખનની પ્રવૃત્તિ કેવી રીતે ચાલતી હશે એ તો આપણે જાણતા
નથી પણ તેનાં નાટકોની સંખ્યા પરથી ચોક્કસ કહી શકીએ કે એણે વર્ષે બે નાટકો લખ્યાં
હોવાં જોઈએ. અને આમાંથી એને વાર્ષિક બસો પાઉન્ડની માતબર આવક થતી. શેક્સપીયરને નાટક
લખતી વખતે નાટ્યગૃહનું વાસ્તવિક લેઆઉટ,
નાટક ભજવનાર કલાકારની શબ્દને જીવંત કરી શકવાની ક્ષમતા, નીતનવાં મનોરંજન માટે તરસતા
પ્રેક્ષકગણ જેવી બાબતો લક્ષમાં લેવી પડતી. એક દિવસની રોજી ખર્ચીને નાટક જોવાં
આવતાં પ્રેક્ષકોને મનોરંજન તો અનિવાર્યપણે પીરસવું પડે નહિતર નાટકનું ને નાટક
લખનારનું તો આવી જ બન્યું સમજો!
શેક્સપીયરમાં
ધંધાકીય સૂઝબૂઝ હતી કે કેમ એ જોઈએ. એલિઝાબેથન યુગમાં રોયલ્ટી કે કોપીરાઇટ જેવી કોઈ
પ્રથા નહોતી. કોઈ નાટક માટે લેખકને વળતર મળી જાય એટલે પત્યું. પછી એ નાટક ગમે
તેટલી વાર ભજવાય અને આવક રળી લાવે તો ય લેખકને એક ફદિયું પણ એમાંથી મળે નહિ, સિવાય
કે લેખક પોતે એ નાટ્યકંપનીનો શેરહોલ્ડર હોય.
ને નાટ્યકંપનીનાં શેરહોલ્ડિંગમાંથી પણ શેક્સપીયરને વાર્ષિક દોઢસો પાઉન્ડની આવક થતી
હતી. આ આવક દ્વારા તેણે જમીન અને મકાનોમાં સારા એવાં રોકાણો કર્યા હતાં.
શેક્સપીયરની આવકનાં આંકડા વાંચતી વખતે એ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે
સત્તરમી સદીમાં ઈંગ્લેન્ડમાં વાર્ષિક પાંચ પાઉન્ડની આવકમાં એક સામાન્ય પરિવારનું
ગુજરાન નભી જતું હતું.
શેક્સપીયર:
નાટકનો ન ઘૂંટતા ઘૂંટતા કવિતાનાં ક નો ય કલ્લોલ!
એલિઝાબેથન
યુગમાં જો કોઈએ લેખન પર ગુજરાન ચલાવવું હોય તો એણે અનિવાર્યપણે નાટ્યલેખન પર હાથ
અજમાવવો પડે. કેમકે, નાટયલેખનમાં અવિરત કામ અને પ્રમાણમાં સારું વળતર મળી રહેતું.
પણ હા, તત્કાલીન સમાજમાં નાટ્યકારોનું સ્થાન ઘણું નિમ્ન હતું. એટલે, લેખનક્ષેત્રે
પ્રતિષ્ઠા જોઈતી હોય તો પછી કાવ્યલેખનનો આશરો લેવો પડે. કેમકે, શેક્સપીયરનાં
જમાનામાં કવિઓની બુદ્ધિક્ષમતા નાટ્યલેખકો કરતાં ચડિયાતી લેખવામાં આવતી. લંડનમાં 1592ની
સાલમાં પ્લેગનાં રોગચાળાને કારણે નાટ્યગૃહો બંધ થઇ ગયાં ત્યારે આપણા શેક્સપીયરની
કલમ કવિતા લખવાંમાં પરોવાઈ. જરા હળવાશથી કહેવું હોય તો કહી શકાય કે કવિતાએ એને
‘મંદીનાં માહોલ’માં બે ટંકનો રોટલો રળવા સાથે પ્રતિષ્ઠા પણ રળી આપી! આજે તો આપણે
શેક્સપીયરને નાટ્યકાર તરીકે ઓળખીએ છીએ પણ એના જીવનકાળમાં એની ઓળખ કવિતાને કારણે
હતી. શેક્સપીયરનાં સોનેટસ્ તો ઘણાં પાછળથી પ્રકાશમાં આવ્યાં પણ એની વિનસ એન્ડ
અડોનીસ નામની 1593માં પ્રકાશિત થયેલી કવિતા એટલી તો પ્રસિદ્ધ થયેલી
કે એ જમાનામાં એની આઠ-આઠ આવૃતિઓ બહાર પાડવી પડેલી. તો વળી, બીજાં વર્ષે એટલેકે 1594માં
આવેલી ધ રેપ ઓફ લુક્રેસ નામની કવિતાની પણ છ આવૃતિઓ થઇ હતી.
પ્લેગનાં
કારણે જયારે નાટ્યગૃહો બંધ થઇ ગયાં ત્યારે શેક્સપીયરને એની લેખનપ્રવૃત્તિને
ઉત્તેજન આપી શકે એવાં એકાદ “પેટ્રન” એટલેકે કલાનાં કદરદાન – આશ્રયદાતાની જરૂર
જણાઈ. અને ત્યારે શેક્સપીયરની વહારે આવ્યાં હેન્રી રીસ્લે, જેઓ સાઉધમ્પટન પરગણાનાં ત્રીજા ઉમરાવ હતાં. આ
ઉમરાવની નાણાકીય મદદને કારણે શેક્સપીયરનું વિનસ એન્ડ અડોનીસ પ્રકાશિત થયું જેનાં
અર્પણવચનમાં શેક્સપીયરે હેન્રી રીસ્લે માટે ‘વધુ સારી કૃતિ’ સર્જવાનું વચન આપ્યું
હતું. જે બીજે વર્ષે આવેલી ધ રેપ ઓફ
લુક્રેસ દ્વારા એણે પાળ્યું પણ ખરું.
શું
બાઈબલનાં અંગ્રેજી અનુવાદમાં શેક્સપીયરનો પણ ફાળો હતો?
દા
વિન્ચીનાં ચિત્રોમાં રહેલી સંકેતલિપી અંગે તો આપણે જાણીએ છીએ પણ શું બાઈબલમાં પણ
શેક્સપીયર તરફ અંગુલીનિર્દેશ કરતો કોઈ સંકેત છૂપાયેલો છે? એમ ધારવામાં ખોટું નથી
કે શેક્સપીયરે બાઈબલમાંની રચનાઓ લખી હોઈ
શકે. કારણકે ઇંગ્લેન્ડનાં રાજા જેમ્સ પ્રથમે જયારે ખ્રિસ્તી ધર્મગ્રંથનો અનુવાદ
કરાવવા માટે વિદ્વાનોનાં મંડળની રચના કરી ત્યારે શેક્સપીયર તેની નાટ્ય કારકિર્દીની
ચરમસીમાએ હતો. વળી, 1611 માં પ્રકટ થયેલ અને આજપર્યંત પ્રચલિત એવું કિંગ
જેમ્સ બાઈબલ વાંચીએ તો જાણે કાવ્ય વાંચતા હોઈએ એવી અનુભૂતિ થાય છે. એવી સુંદર
રચનાઓ પાછળ શેક્સપીયર સિવાય બીજાં તો કોનો હાથ હોઈ શકે? કેટલાંક વિદ્વાનો Psalm
46માં છૂપાયેલા કોડ ભણી જોવાનું સૂચવે છે (ને 1610માં
શેક્સપીયરની ઉંમર પણ હતી 46!)... સારું, આગળથી વાંચવાનું શરુ કરો અને
છેતાળીસમેં શબ્દે અટકો. શું દેખાય છે? “shake” શબ્દ
લખ્યો છે ને? ઠીક છે. હવે છેલ્લેથી ઉલટક્રમમાં વાંચો અને છેતાળીસમેં શબ્દે અટકો. “spear”
શબ્દ વંચાય છે? shake + spear = Shakespeare! શું
શેક્સપીયરે પોતે અનુવાદ સમયે આવો સંકેત છુપાવ્યો હશે કે પછી કોઈ અનુવાદકે
શેક્સપીયરને જન્મદિનનાં શુભેચ્છાસંદેશ તરીકે આવી તરકીબ વાપરી હશે એ તો કોણ જાણે? આમાં
સત્ય કેટલું એ તો અટકળનો વિષય પણ બાઈબલ અને બાર્ડ (શેક્સપીયર માટે વપરાતો શબ્દ)
બંનેએ અંગ્રેજી ભાષાને ખૂબ જ સમૃદ્ધ કરી છે એ વાતને કોઈ નકારી શકે નહિ.
શેક્સપીયરનાં
નામની સાચી જોડણી કઈ?
શેક્સપીયરનું
નામ તે સમયનાં કેટલાંક કાનૂની દસ્તાવેજો પર જોવાં મળે છે પણ એમાં આંખે ઉડીને વળગે
એવી બાબત છે દરેક દસ્તાવેજમાં એના નામની અલગ-અલગ રીતે કરવામાં આવેલી જોડણી. અને એક
જ માણસની નોખી જોડણીનાં ગૂંચવાડાને કારણે શેક્સપીયરનાં કર્તૃત્વ અંગે પણ
વિદ્વાનોમાં વિવાદ છેડાતો રહે છે. પણ એક વાત નોંધવી રહી કે એલિઝાબેથન યુગમાં કંઈ
સ્પેલ-ચેકર જેવાં સોફ્ટવેર કે પછી પ્રમાણભૂત ડિક્શનરી તો હતી નહિ એટલે શબ્દની
જોડણી અંગે લોકો એટલાં ગંભીર નહોતાં. વળી, જોડણી તો કાને પડેલાં શબ્દને સાંભળીને
થતી હતી. જોડણીનો આધાર કોણ કેટલી સ્પષ્ટતાથી બોલે છે અને સામેવાળો માણસ કેટલું
સભાનપણે સાંભળે છે એના પર નિર્ભર રહેતો. વિલિયમ શેક્સપીયરનાં કિસ્સામાં એની
નામકરણવિધિનાં પ્રમાણપત્ર પર Shakespere , એનાં લગ્ન કરાર પર Shagspere તો એનાં વસિયતનામા પર Shackspeare લખેલું વંચાય છે! વળી, શેક્સપીયરની એક નહિ
પણ છ અલગ પ્રકારની સહી જોવાં મળે છે... એની પ્રકાશિત થયેલી રચનાવલીનાં ટાઈટલ પેજ
પર Shakespeare એવું વંચાય છે. અને આપણે અત્યારે જે રીતે
શેક્સપીયરની જોડણી કરીએ છે એ આ જ.
શેક્સપીયરનું
ઈટાલી કનેક્શન!
કેટલાંક
લેખકો એવાં હોય છે જેઓ પોતાનાં સ્થળવર્ણનોમાં વાસ્તવિકતા ઘૂંટવા માટે જે-તે સ્થળે
જાતે જવાનું પસંદ કરે છે. તો કેટલાંક ફક્ત કલ્પનાનાં ઘોડા દોડાવીને પણ કામ ચલાવી
લેતાં હોય છે. શેક્સપીયરનાં પાંચેક નાટકો ઈટાલીના નગરો – વેનિસ, વેરોના, મેસીના અને પડુઆ – માં આકાર લે
છે. એટલે, આપણને થાય કે શેક્સપીયર ક્યારેય ઈટાલી ગયો હશે કે પછી...? કેટલાંક
વિદ્વાનોનાં માનવા મુજબ 1592 થી 1594ની વચ્ચેના સમયગાળામાં પ્લેગના કારણે
નાટ્યગૃહો બંધ હતાં એ સમયે શેક્સપીયરે એનાં “પેટ્રન” એવાં સાઉધમ્પ્ટનનાં ઉમરાવ
સાથે ઇટાલીનો પ્રવાસ કર્યો હોવો જોઈએ. તો વિદ્વાનોનો બીજો મત એમ ઠેરવે છે કે ઈટાલી
અંગે લખવાં માટે શેક્સપીયરે ઈટાલી જવું જરાય જરૂરી નહોતું. એને ઈટાલી વિષે જોઈતી
સઘળી માહિતી ઇટાલીયન-ઈંગ્લીશ શબ્દકોશ તૈયાર કરી રહેલાં જોન ફ્લોરીઓ પાસેથી મળી
હોવી જોઈએ. વળી, આ જોન ફ્લોરીઓ તો સાઉધમ્પ્ટનનાં ઉમરાવનો સેક્રેટરી હતો એટલે
શેક્સપીયરને જોનની મદદ મેળવવામાં કોઈ સમસ્યા નડે એવું નહોતું. ખેર, શેક્સપીયર
ઈટાલી ગયો હોય કે ન હોય પણ ઈટાલીનાં નગરની ભૂગોળ અંગેનું તેનું જ્ઞાન જરાક
કચાશપૂર્ણ હતું. જેમકે, એનાં નાટક ધ ટૂ જેન્ટલમેન ઓફ વેરોનામાં નાટકનાં
પાત્રો નાવડીમાં બેસીને નગરની વિદાય લે છે જયારે હકીકતમાં તો વેરોનામાં નાવડી
મુકવા માટે સમખાવા પુરતી એકેય કેનાલ નથી!
********************************
આજની
પરિભાષા મુજબ જેને સુપરસ્ટાર લેખક કહેવાય એવો શેક્સપીયર તેનાં સમયમાં તો તદ્દન આમ
આદમી જ હતો. અરે, એને તો સ્વપ્નેય ખ્યાલ નહિ હોય કે કોઈક દિવસ પોતે સાહિત્યજગતનો
ઝળહળતો સિતારો બનશે. ના કોઈ એવાં તાલેવંત પરિવારમાં જન્મ, ના તો ધોરણસરનું શિક્ષણ
એને મળ્યું હતું. છતાં એવું તો શું હતું જે શેક્સપીયરને ‘ધ શેક્સપીયર’ બનાવી
શક્યું? તો એનો જવાબ છે: ભાષા માટેનાં કેળવાયેલા
કાન અને બળકટ વાર્તાઓ ‘સૂંઘી’ લેતાં ચક્ષુઓ...અને આકરી મહેનત ખરી ને? હા, એ તો કેમ
ભૂલાય?