Thursday, May 30, 2024

વાર્તા -૧૧: ઘંટ અને વાનરો

કોઈ એક જંગલમાં બે શિયાળ ભ્રમણ કરી રહ્યા હતા. અચાનક ક્યાંકથી એક મોટો અવાજ એમને કાને પડ્યો. એમણે જોયું તો એક બળદ નજીકમાંથી પસાર થઇ રહ્યો હતો. એ જોઇને એક શિયાળે બીજા શિયાળને કહ્યું, “આ બળદને આપણે આપણા સિંહ રાજા પાસે લઇ જવો જોઈએ.” બીજા શિયાળે આ સાંભળીને કહ્યું, “ના, ભાઈ! આ એટલા જોરથી બાંગરે છે તો શી ખબર એ કેટલો કદાવર હશે?”  પહેલા શિયાળે કહ્યું, “અરે ના! તે પેલી ઘંટ અને વાનરોની વાર્તા નથી સાંભળી? એ વાર્તા મુજબ આપણે સ્ત્રોત જાણ્યા વગર કેવળ અવાજ સાંભળીને જ ભય પામવું જોઈએ નહિ.તો લે સાંભળ એ વાર્તા...”

એક સમયની આ વાત છે જયારે એક પર્વતની તળેટીમાં કોઈ એક નગર વસેલું હતું. એ નગરમાં વસવાટ કરતા નગરજનોમાં એવી માન્યતા હતી કે એ પર્વતની ટોચ પર કોઈ રાક્ષસ વસે છે. નગરનાં રાજાને પણ આ કારણોસર પોતાની રૈયતની ચિંતા રહેતી હતી. રખે કોઈક દિવસ એ રાક્ષસ નગરમાં આવીને પ્રજાજનોનું ભક્ષણ કરી ગયો તો!

આમ લોકો આવી માન્યતાથી ભય પામતા હતા પણ વાસ્તવિકતા સાવ જુદી જ હતી. એક વખત એક લુંટારો નગરનાં મંદિરનો ઘંટ ચોરીને નાસી છુટ્યો હતો. ચોરી કર્યા પછી તે પર્વતને રસ્તે જવા નીકળ્યો ત્યારે રસ્તામાં એક વાઘે એને ફાડી ખાધો.

એ ઘંટ પછી ઝાડીઝાંખરામાં પડી ગયો હતો જે ખોરાકની શોધમાં ભટકતા વાનરોને મળી આવ્યો હતો.વાનરોએ એ ઘંટ ઉપાડી લીધો અને એનો મધુર ગુંજારવ સાંભળીને તેઓને મજા પડી એટલે એમણે તો વારંવાર તે ઘંટ વગાડવા માંડ્યો! આ અવાજ છેક પેલા નગરમાં સંભળાતો અને લોકો ભયથી થથરી જતા. એમને એવું લાગ્યું કે રાક્ષસે પેલા ચોરને મારી નાખ્યો હશે અને નગરજનોને ચેતવણી આપવા એ ઘંટ વગાડતો હશે.

જોકે નગરમાં વસતી એક સ્ત્રીને આ ઘંટ વાગવા પાછળનું રહસ્ય શોધી કાઢવાની તાલાવેલી થઇ આવી. એટલે એણે પોતે જ આની તપાસ કરવા જવાનું બીડું ઝડપ્યું. એને અંદેશો હતો કે કોઈ પ્રાણીનું જ આ કારસ્તાન હોવું જોઈએ. એટલે, એણે રાજાને વિનંતી કરી કે મને પર્વત પર તપાસ કરવા જવા દો. આ સાથે તેણે રાજા પાસે રાક્ષસને શાંત કરવા માટે જરૂરી ધનરાશિની પણ માંગણી કરી. રાજાએ પણ રાજીખુશીથી એ સ્ત્રીને જોઈતું ધન આપીને પર્વત પર તપાસ કરવા જવાની પરવાનગી આપી.

એ સ્ત્રીએ આ ધન વડે ભવ્ય ધાર્મિક ઉજાણી કરી અને ગણેશજીની પૂજાઅર્ચના કરી. ત્યારબાદ તે પોતાની સાથે ફળોનો કરંડિયો લઈને પર્વત તરફ જવા નીકળી પડી. એ તરફ આગળ જતા એને વનમાં વાનરો જોવા મળ્યા. એણે જોયું તો વાનરો પાસે પેલો ઘંટ હતો અને એનાથી તેઓ રમી રહ્યા હતા. એણે યુક્તિ કરીને કરંડિયામાંથી થોડાક ફળો કાઢીને વાનરોને ધર્યા એટલે વાનરો ઘંટને પડતો મૂકીને ફળો ખાવા માંડ્યા.

પેલી સ્ત્રી એ ઘંટને લઈને નગરમાં પાછી આવી ગઈ. સૌ નગરજનોને આ વાતથી આશ્ચર્ય પામ્યા અને એ સ્ત્રી સૌનો ભારે આદર અને સન્માન પામી.

વાર્તા પૂરી કર્યા પછી શિયાળે કહ્યું, “ એટલે જ હું કહું છું કે સ્ત્રોત જાણ્યા વગર કેવળ અવાજથી જ ભય પામવો જોઈએ નહિ.”

ત્યારબાદ, બન્ને શિયાળ એ બળદને સિંહ પાસે લઇ ગયા. સિંહરાજાએ બળદનું સ્વાગત કર્યું અને પછી એ બળદ જંગલમાં આનંદપૂર્વક રહ્યો.

એક દિવસ એ સિંહરાજાનો એક ભાઈ સિંહરાજાની મુલાકાતે આવ્યો.સિહરાજાએ એનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું એના માટે તાજાં માંસની વ્યવસ્થા કરી.

બળદે પૂછ્યું, “ઓ રાજા, આજે જે મૃગનો શિકાર કર્યો હતો તેનું માંસ ક્યાં છે?”

સિંહરાજાએ જવાબ આપ્યો, “એ તો બધું ખવાઈ ગયું.”

બળદે કહ્યું, “ એવું કેવી રીતે બને, મહારાજ? શું શિયાળ આટલું બધું માંસ ખાઈ ગયા? એમણે તો આપને આની જાણ પણ ન કરી.”

સિંહરાજાએ કહ્યું કે કે કેટલુંક માંસ ખાધું, કેટલુંક નાખી દીધું, અને કેટલુંક માંસ બગડી ગયું.

બળદે આ સાંભળીને સિંહરાજાને સલાહ આપતા કહ્યું, “રાજાને એના મંત્રીઓ કોઈવાતની જાણ પણ ન કરે તે વાત ઉચિત નથી. રાજાની જીવાદોરી રાજકોષ છે, મંત્રીઓ નહિ. અતિવ્યય, લૂંટ, અને ભ્રષ્ટાચાર રાજકોષનાં નાશનું કારણ બને છે. કોઈ પૂંજીપતિ પણ જો અવિચારીપણે ધનનો વ્યય કરે તો ઝડપથી તે નિર્ધન બની જાય છે.”

સિંહરાજાનો ભાઈ આ સંવાદ છુપાઈને સાંભળી રહ્યો હતો. એણે પણ પ્રકટ થઈને બળદની વાતમાં સંમત થવા સાથે ઉમેર્યું, “ ભાઈ! આ બન્ને શિયાળ ઘણા સમયથી તમારી સેવામાં છે. હાલમાં તેઓ સંધિ-વિગ્રહ મંત્રીઓ ભલે હોય પણ એમને રાજકોષની દેખરેખનું કામ આપવું જોઈએ નહિ. સાંભળો...”

“ બ્રાહ્મણ, ક્ષત્રિય, અને ભાઈભાંડુંને રાજકોષનું નિયંત્રણ કરવાની સત્તા આપવી જોઈએ નહિ. કારણકે, રાજાનો હુકમ હોવા છતાં બ્રાહ્મણ સ્વભાવગતરીતે કૃપણ હોવાથી કોઈ ખર્ચ કરવા રાજી થશે નહિ, જયારે ક્ષત્રિય રાજાનાં હુકમનો પણ અનાદર કરી પોતાનું ધાર્યું કરશે. તો બીજી બાજુ, ભાઈભાંડું તો કૌટુંબિક સંબંધને કારણે રાજકોષનું ધન પાણીની જેમ વાપરતા ખચકાશે નહિ.”

“ લાંબા સમયથી સેવામાં હોય એવા રાજસેવકને નોકરીની સલામતીની ખાતરી થઇ જતા એ મરજી મુજબ ધનખર્ચ કરવા લાગે છે.”

“ તો, વ્યક્તિને કોઈ પદ સોંપવામાં આવે ત્યારે તે પહેલું કામ સમ્રગ વસ્તુસ્થિતિ જાણી લઇ પોતાને મળેલા પદ દ્વારા મહત્તમ લાભ કેવી રીતે મેળવી શકાય એમ વિચારે છે. રાજાનો બાળગોઠિયો પણ રાજસેવક હોય તો સ્વયં રાજા હોય એ રીતે વર્તે છે. વળી, ગાઢ પરિચયને કારણે એ રાજાનું અપમાન કરવામાં પણ નાનપ અનુભવતો નથી.”

“જો કોઈ ખલપ્રકૃતિની વ્યક્તિ મંત્રી બને છે તો તે રાજાના નિકંદનમાં કારણરૂપ થાય છે. વળી, એક વખત કોઈ મંત્રી સફળ રહે છે તો તેને પદચ્યુત કરવો મુશ્કેલ છે. મંત્રીઓ ભ્રષ્ટ અને બેદરકાર હોઈ શકે છે, અને અન્યનાં પ્રભાવમાં આવીને પણ વર્તી શકે છે. તેઓ મંત્રીપદ ભોગવવાને કારણે મળતી સુખસાહ્યબીનાં આદી થઈને ક્યારેક ઉચિત-અનુચિતનો વિવેક પણ ભૂલી જાય છે.”

સિંહરાજાના ભાઈએ છેલ્લે કહ્યું, “રાજાનો ધર્મ સ્પષ્ટ છે – એણે મંત્રીઓ પાસેથી નીતિ કે અનીતિથી મળેલ ધનને પોતાની પાસે રાખવા ઉપરાંત અધિકારીઓ ઉપર નિરીક્ષણ રાખવું જોઈએ. અને છેલ્લે, રાજાએ વ્યક્તિઓની યોગ્યતા મુજબ એમને માનપત્રો અને સન્માન આપતા રહેવું જોઈએ. અપ્રમાણિક મંત્રીઓ પર કડકાઈથી કામ ચલાવવામાં આવે ત્યારે જ એમણે અનીતિથી ભેગું કરેલું ધન પાછું મેળવી શકાય છે. જેમ ભીનાં વસ્ત્રને સૂકવવા એને નીચોવવું પડે છે તેમ જ એવા મંત્રીઓને દંડ કરવો પડે છે. રાજાએ આ બધી વાતોનું ધ્યાન રાખવું જ રહ્યું કારણકે રાજ્યમાં કટોકટી ક્યારે સર્જાય એ તો કોણ કહી શકે છે?”

આ સાંભળીને સિંહરાજા બોલ્યા, “ તે સાચું જ કહ્યું. એ બન્ને શિયાળ મારા મંત્રીઓ હોવા છતાં મારો હુકમ માનતા નથી.”

એટલે ભાઈએ સિંહરાજાને કહ્યું, “ એ બરાબર નથી. હુકમનો અનાદર કરનારને રાજાએ ક્યારેય ક્ષમા આપવી જોઈએ નહિ. આ નિયમમાં કોઈ જ અપવાદને સ્થાન નથી. જરૂર પડે તો એ પોતાના પુત્રોને પણ દંડ આપી શકે. કારણકે, જો રાજા પોતાના પુત્રોને દંડ ન આપી શકતો હોય તો એનામાં અને સામાન્ય પ્રજાજનમાં શું ફેર રહ્યો?”

“ યશસ્વી વ્યક્તિ પણ જો આળસ દાખવે તો એનો યશ અલોપ થઇ જાય છે. ગેરવર્તણુક મૈત્રીનો અંત આણે છે. ધનસંચય કરવામાં જ રચ્યોપચ્યો રહેનાર કર્તવ્યવિમુખ થઇ જાય છે. વ્યસનો વિદ્યાવિનાશ નોતરે છે. તો, બેદરકાર પ્રધાનોને કારણે રાજ્યનો નાશ થાય છે.”

“આમ, રાજાએ લુંટારા, દુશ્મનો અને ભ્રષ્ટ મંત્રીઓથી તેમજ પોતાના લોભથી પ્રજાની પિતાતુલ્ય થઈને રક્ષા કરવાની છે. તો ભાઈ, મારી સલાહ માનો કારણકે હું પણ આપની જેમ જ મારું રાજા તરીકેનું કર્તવ્ય મારા રાજ્યમાં બજાવું છું. આ બળદને, જેનો આહાર મકાઈદાણા છે, તેને ખજાનચી બનાવી દો.”

સિંહરાજાએ પોતાના ભાઈની સલાહ માનીને બળદને ખજાનચી બનાવ્યો. સિંહ અને બળદ એકબીજાનાં એવા તો ઘનિષ્ઠ મિત્રો બની ગયા કે એમને અન્ય કોઈની મૈત્રીનો ખપ ક્યારેય પડ્યો નહિ.

***********
આ વાર્તા આપને ગમી??? તો આવી બીજી રસતરબોળ કરનારી ૩૭ વાર્તાઓ વાંચવા- વંચાવવા માટે ઘરબેઠા "હિતોપદેશ" પુસ્તક એમેઝોનની લિંક પરથી કરો ઓર્ડર:
પુસ્તક સાથી Pustak Saathi ( અરિહંત બુક્સ ભાવનગર ) પરથી પણ WhatsApp દ્વારા પુસ્તક ૨૦% વળતર સાથે મંગાવી શકાશે : https://wa.me/c/919824294075

ગુજરાતી અનુવાદક / રજૂઆતકર્તા : ઈશાન ભાવસાર
તમામ તસ્વીરો: ઇન્ટરનેટ / Artificial Intelligence(AI)-generated

Monday, May 27, 2024

હિતોપદેશ (વાર્તા-૧૦ : વાઘ અને વટેમાર્ગુ)

વાર્તા-૧૦ : વાઘ અને વટેમાર્ગુ

ક વખત કબૂતરોનું ઝુંડ આકાશમાં ઉડી રહ્યું હતું.  રસ્તામાં એમણે અનેક દાણા જમીન પર પડેલા જોયા. ઝુંડમાંના યુવાન કબૂતરોએ ઉત્સાહથી એ દાણા તરફ જવા માંડ્યું ત્યારે કબૂતરોના રાજાએ એમને રોકતા કહ્યું, “થોભો! જરા ધ્યાનથી જુઓ, આ કોઈ શિકારીની જાળ હોઈ શકે છે નહિ તો જમીન પર આટલા દાણા શું કામ પડેલા હોય?”

પછી, કબૂતરોના રાજાએ સૌને સાવચેત રહીને લાલચમાં ભરમાઈ ન જવા અંગેની એક વાર્તા કહી.

એક વખત એક વૃદ્ધ વાઘ જંગલમાં રહેતો હતો. વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત થઇ ગયો હોવાથી તે શિકાર કરી શકતો નહોતો. માંસભક્ષણ વગર ગુજરાન કેમ ચલાવવું? એટલે, એણે ભક્ષ મળતો રહે એ માટે એક યુક્તિ વિચારી. તે વાઘે નદીએ જઈને સ્નાન કર્યું. પછી તે નદીને કિનારે પંજામાં કંકણ અને દર્ભ લઈને બેઠો. પછી તેની નજરે જે કોઈ વટેમાર્ગુ પડે તેને તે કહેતો, “ઓ વટેમાર્ગુ, આ મારી પાસેથી સોનાનું કંકણ તો લઇ જા!”


પણ વાઘને જોઇને એના હાથમાંથી સોનાનું કંકણ લેવાની કોઈની હિંમત થાય? એટલે, સૌ વટેમાર્ગુઓ તો બીજે રસ્તે ચાલ્યા જતા.  સૌને લાગતું કે આપણને ફસાવવા માટે આ વાઘની કોઈ રીતની ચાલ છે.

જયારે કોઈ જ વાઘની વાત સાંભળીને ઉભું ન રહ્યું ત્યારે વાઘ વધુ વિવેકી બની ગયો. એ બિલાડીનાં બચ્ચા જેવો માસૂમ ચહેરો બનાવીને શક્ય એટલા સૌમ્ય અવાજે બોલવા લાગતો. આખરે એની વાત સાંભળીને એક લોભિયો વટેમાર્ગુ ઉભો રહ્યો.

એણે દૂરથી વાઘને પૂછ્યું, “ક્યાં છે કંકણ?”  ત્યારે વાઘે એને કંકણ બતાવ્યું જે સૂરજનાં પ્રકાશમાં ઝગારા મારી રહ્યું હતું.

વટેમાર્ગુને કંકણ લેવાની ઘણી ઈચ્છા થઇ પણ વાઘનો ભય કેમ દૂર થાય? એટલે એણે વિચાર્યું, “આમાં તો ભારે જોખમ રહેલું છે છે. જેમ વિષમિશ્રિત મધુરસથી મોત પણ નીપજી શકે એમ છે. પણ ધનલાભ તો પ્રયત્ન અને જોખમો ઉઠાવવાથી જ થાય છે. જો મનુષ્ય જોખમ ઉઠાવે અને ટકી રહે તો સદભાગ્ય આપોઆપ એને અનુસરે છે. પણ આ વાઘ તો મારી પર તરાપ મારીને મારો શિકાર કરી શકે છે. લાવ, થોડી વધુ વાતચીત કરી જોવા દે એની સાથે.”

વટેમાર્ગુએ વાઘને કહ્યું કે પોતાને એની વાત પર વિશ્વાસ નથી બેસતો. “આખરે તું તો સ્વભાવગત  રીતે જ હિંસક પ્રાણી છે!”

આ સાંભળીને વાઘે ધીરજથી કહ્યું, “વ્હાલા મુસાફર, હું હવે હિંસક રહ્યો નથી. હા, મારી યુવાનીમાં હું બહુ ક્રૂર હતો. મેં અનેક માણસો અને ગાયોનો શિકાર કર્યો હોવાનું પાપ કર્યું હોવાથી કુદરતે મારી  પત્ની અને બાળકોને  છીનવી લીધા. એટલે એના પશ્ચાતાપ સ્વરૂપે હું આ રીતે દાન કરું છું. મેં તો દાંત અને નખ પણ ગુમાવી દીધા છે. એટલે તું કોઇપણ જાતનો ભય રાખીશ નહિ.”

વટેમાર્ગુને હવે વાઘની વાતમાં વિશ્વાસ પડ્યો. એણે વિચાર્યું, “મારા પર ચોક્કસ દેવકૃપા થઇ લાગે છે.”

એ વાઘની થોડોક નજીક ગયો પણ પાછો સહેજ ખચકાઈને ઉભો રહી ગયો. વાઘે મૃદુતા અને મધુરતાથી કહ્યું, “દરેક વાઘ કંઈ માણસખાઉં નથી હોતા. હું તો મારી પાસે જે કંઈ છે એનું દાન કરી દેવા માટે જ બેઠો છું. ડાહ્યા માણસો કહી ગયા છે ને કે ગરીબને દાન કરવું એ તો મરુભૂમિમાં વર્ષામહેર અને ક્ષુધાતુરને અપાયેલા અન્ન જેવું છે. સાચી વ્યક્તિને સાચા સમયે અને સાચા કારણોસર અપાયેલા દાન જેવું ઉત્તમ દાન બીજું કોઈ નથી. એટલે અહીં આવ, અને લઇ લે આ કંકણ!”

વટેમાર્ગુ બોલ્યો, “ તું વાઘ હોઈ મને તારી પર પૂરેપૂરો ભરોસો નથી. સોનાનાં કંકણ માટે મારે જીવનું જોખમ શું કામ લેવું?”

આ સાંભળીને વાઘ હસીને બોલ્યો, “ તારી સુરક્ષાની હું ખાતરી આપું છું. હું સ્વભાવે ખૂબ જ ધાર્મિક છું અને ધર્મશાસ્ત્રોનાં વચનો જાણું છું. ભાગ્યદેવી એક જ વાર તિલક કરે છે, ભાઈ! એટલે, આ નદીમાં એક ડૂબકી લગાવી લે અને પછી આ સોનાનું કંકણ લઇ જા.”

હવે વટેમાર્ગુ આગળ આવીને નદીમાં ઉતર્યો. એ જ્યાં ઉતર્યો ત્યાં તો ભારે કાદવ હતો એટલે વટેમાર્ગુ એમાં ફસાઈ ગયો. અને વાઘે જાણે એને ઝડપી લીધો હોય એવું લાગતા એણે વિચાર્યું, “આ વાઘે ભલે કહેલું કે એણે ધર્મશાસ્ત્રો વાંચેલા છે પણ આવા હિંસક પ્રાણીનો કંઈ થોડો વિશ્વાસ કરાય? મારાથી ભારે ભૂલ થઇ ગઈ. જેમ ગાયનું દૂધ સ્વાદમાં મીઠું જ હોય છે તેમ પ્રાણીમાત્રનો મૂળ સ્વભાવ અચળ રહે છે. નદીઓ, શસ્ત્રધારીઓ, નહોર અને શીંગડાધારી પ્રાણીઓ અને રાજપરિવારોનો ક્યારેય ભરોસો ન કરવો જોઈએ! અરે, અંધકારનો નાશ કરનાર ચંદ્રને પણ રાહુ ગ્રસી લે છે. લલાટે લખેલા લેખ કોણ મિથ્યા કરી શક્યું છે?” એણે આટલું વિચાર્યું ત્યાં તો વાઘે એને ફાડી ખાધો.

આ વાર્તા પૂર્ણ કર્યા પછી કબૂતરોનાં રાજાએ કહ્યું, “બિચારા વટેમાર્ગુએ ખોટો નિર્ણય લીધો જે એના માટે જીવલેણ નીવડ્યો. આપણે પણ જીવનમાં અવિચારી નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. બહુ ઓછી બાબતો એવી છે જે ક્યારેય વિકાર પામતી નથી જેમકે, સારી પેઠે પચેલું અન્ન, સંસ્કારી અને સુશિક્ષિત પુત્ર, પ્રેમાળ પત્ની, સારી રીતે ચાકરી પામતો રાજા, વિચારીને બોલાયેલા શબ્દો.”

કબૂતરોનાં રાજાની વાત સાથે અસંમત થતા એક દોઢડાહ્યું કબૂતર બોલ્યું, “સર્વ બાબતોમાં આપણે જો આ સલાહ અનુસરીએ તો તો આપણે ભૂખે જ મરવું પડે.  વડીલોની સલાહ આપણે ખાલી આપત્તિ સમયે જ લેવી જોઈએ. બધી બાબતોને શંકાની નજરે જોવાની વૃત્તિથી તો આપણે આગળ વધી રહ્યા. જો કોઈ વ્યક્તિ ઈર્ષાળુ, નિંદાખોર, અસંતોષી, ક્રોધી અને શંકાશીલ હોય તો તે હંમેશા દુઃખી જ હોવાનો.”

બાકીના કબૂતરોએ પણ આ કબૂતરની વાત સાંભળ્યા પછી એના કહ્યા મુજબ સૌ જમીન પર દાણા ચણવા ઉતરી પડ્યા. કહ્યું છે ને કે લોભે બધા પાપનું મૂળ છે. દાણા ચણ્યા પછી બધા જ કબૂતરો ઉડવા ગયા ત્યારે એમને ખબર પડી કે સૌ શિકારીની જાળમાં સપડાઈ ગયા છે! હવે સૌ કબૂતરો પેલા દોઢડાહ્યા કબૂતરને ઠપકો આપવા લાગ્યા. જે આગેવાન હોય એની સ્થિતિ બહુ વિકટ હોય છે – જો કાર્યસિદ્ધિ મળે તો સફળતામાં સૌ ભાગીદાર થાય છે, અને જો નિષ્ફળતા મળે તો આગેવાનનો મરો થાય છે!



દોઢડાહ્યું કબૂતર ખૂબ દુઃખી થયું કે એણે રાજાની સલાહ માનવી જોઈતી હતી. એને દુઃખી જોઇને કબૂતરોના રાજાએ એની પાસે જઈને કહ્યું, “ આપત્તિ આવવાની જ હોય તો મિત્ર પણ એમાં નિમિત્ત બની શકે છે. હું તને માફ કરું છું.” પછી અન્ય કબૂતરોને પણ સંબોધીને એણે કહ્યું, “અહીંથી છૂટવાનો ઉપાય મેં વિચારી લીધો છે. હું કહું એટલે આપણે સૌએ એક સાથે જાળ લઈને ઉડવાનું છે!”

એ મુજબ કબૂતરોનાં રાજાએ ‘સૌ ઉડો!’ એવી બૂમ પાડતા જ બધા કબૂતરો જાળ લઈને ઉડ્યા. શિકારીને આ જોઇને બહુ આશ્ચર્ય થયું. એક કાગડો થોડેક દૂરથી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો એ પણ કબૂતરોની સાથે ઉડવામાં જોડાઈ ગયો.

શિકારીએ વિચાર્યું, “સંઘ જ શક્તિ છે. સૌ કબૂતરો અત્યારે તો ઐક્યપૂર્ણ રીતે જાળી લઈને ઉડી રહ્યા છે. પણ હમણાં થાકી જશે એટલે નીચે જ પડવાના છે.”  જોકે કબૂતરો તો દૂર સુધી જાળી લઈને ઉડી ગયા અને શિકારી હાથ ઘસતો રહી ગયો.

એક ઉંદરરાજા આ કબૂતરોનાં રાજાનો મિત્ર હતો. કબૂતરોનો રાજા સૌ કબૂતરોને એની પાસે લઇ આવ્યો. ઉંદરરાજાના દર પાસે આવીને તે બોલ્યો, “હે મિત્ર, અમે તારી મદદ માટે આવ્યા છીએ.” ત્યારબાદ, ઉંદરરાજાએ કબૂતરોનાં મુખેથી આખીય વાત જાણી. એણે અન્ય ઉંદરોને બોલાવ્યા ત્યારે કબૂતરોનાં રાજાએ ઉંદરરાજાને સૌપ્રથમ અન્ય કબૂતરોને બંધનમુક્ત કરવા કહ્યું ત્યારે ઉંદરરાજા બોલ્યા, “પોતાને ભોગે વ્યક્તિએ અન્યનો જીવ ક્યારેય બચાવવો જોઈએ નહિ. ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ માટે જીવન બહુ અગત્યનું છે.”

આ સાંભળીને કબૂતરોનાં રાજા બોલ્યા, “આ તો મારા આશ્રિતો છે. હું હોઉં કે ન હોઉં પણ એમણે જીવવાનું છે, કારણકે સજ્જનનું નામ તો એના ગયા પછી પણ દીર્ઘકાળ સુધી યાદ રહે છે.”

ઉંદરરાજા મિત્રના આ વચનો સાંભળીને ખૂબ ખુશ થયા. એમણે અન્ય ઉંદરો સાથે મળીને સૌ કબૂતરોને જાળીમાંથી બંધનમુક્ત કર્યા એટલે સૌ એમનો આભાર માનીને આકાશમાં ઉડી ગયા. પેલો કાગડો જે આ કબૂતરોની સાથે આવ્યો હતો એ હજુ અહીં જ રોકાયો હતો. એણે ઉંદર રાજાને દરમાં પાછા જતા અટકાવીને કહ્યું, “હું કબૂતરો પરનાં તમારા ઉપકારથી ખૂબ પ્રભાવિત છું. અને તમારી મૈત્રી ઈચ્છું છું. મારો કોઈ જ સાચો મિત્ર નથી.”

ઉંદર રાજાએ કાગડાને કહ્યું, “આપણે ક્યારેય મિત્રો થઇ શકીએ નહિ કારણકે આપણી વચ્ચે તો  નૈસર્ગિક દુશ્મનાવટ છે! તું ઉંદરનું ભક્ષણ કરે છે એટલે હું તારો ભક્ષ્ય થયો. ભક્ષક અને ભક્ષ્ય વચ્ચે ક્યારેય મિત્રતા ન હોઈ શકે; એવી મિત્રતા એટલે આપત્તિને આમંત્રણ!”

આટલું કહ્યા પછી ઉંદરરાજા પોતાના દરમાં ચાલ્યા ગયા અને હતાશ કાગડો ત્યાંથી ઉડી ગયો.

***********
આ વાર્તા આપને ગમી??? તો આવી બીજી રસતરબોળ કરનારી ૩૭ વાર્તાઓ વાંચવા- વંચાવવા માટે ઘરબેઠા "હિતોપદેશ" પુસ્તક એમેઝોનની લિંક પરથી કરો ઓર્ડર:
પુસ્તક સાથી Pustak Saathi ( અરિહંત બુક્સ ભાવનગર ) પરથી પણ WhatsApp દ્વારા પુસ્તક ૨૦% વળતર સાથે મંગાવી શકાશે : https://wa.me/c/919824294075

ગુજરાતી અનુવાદક / રજૂઆતકર્તા : ઈશાન ભાવસાર
તમામ તસ્વીરો: ઇન્ટરનેટ / Artificial Intelligence(AI)-generated

Sunday, May 26, 2024

હિતોપદેશ (વાર્તા – ૯: સંન્યાસી અને ઉંદર)

 

વાર્તા – ૯:  સંન્યાસી  અને ઉંદર

કોઈ એક જંગલમાં એક ઋષિનો આશ્રમ આવેલો હતો. તે ઋષિ જગતની સર્વ મોહમાયાઓથી પર હતા અને ઊંડી આધ્યાત્મિકતા ધરાવતા હતા. એમની પાસે દુઃખ-દર્દ મટાડવાની ચમત્કારિક શક્તિ  છે એવી આસ્થા હોવાને કારણે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો એમના આશીર્વાદ મેળવવા માટે આવતા.

તે ઋષિનો આશ્રમ જ્યાં આવેલો હતો ત્યાં આજુબાજુમાં એમણે પવિત્ર વૃક્ષો ઉગાડવાની સાથે દર્શનાર્થીઓ ધ્યાન અને સાધના માટે ઉપયોગ કરી શકે એ હેતુસર થોડીક પર્ણકુટીરો પણ બનાવી હતી. કોઈને માંદગી કે અસુખ રહેતું હોય તેઓ પણ અહીં આવીને સ્વસ્થ ન થઇ જાય ત્યાં સુધી રહી શકતા હતા. આ પર્ણકુટીરો બનાવવામાં પણ ઘણા દર્શનાર્થીઓએ યથાશક્તિ યોગદાન આપ્યું હતું.

તપનો અર્થ થાય અવગુણો અને ભૂલો અંગે પશ્ચાતાપ, ઈશ્વરની ક્ષમાયાચના અને ઇચ્છિત વરદાન માટેની સાધના. આમ, જો કોઈ વ્યક્તિને લાગતું હોય કે પોતે દુઃખી કે દિશાવિહીન છે તો તે અહીં તપ કરવા આવતો.  અહીં તેમને આશરો ઉપરાંત ઋષિની દેખભાળને કારણે ઘણી જ શાતા મળતી. ઋષિ સાથે આમ કુદરતને ખોળે તદ્દન અકૃત્રિમ જીવન જીવવામાં સૌ ધન્યતા અનુભવતા.

આવા સુંદર આ તપોવનમાં એક એવા સંન્યાસી  આવીને રહેવા લાગ્યા જેમને એકાંતસેવન પસંદ હતું. પૂર્વાશ્રમમાં તે સંન્યાસી એ ભારે વૈભવી જીવન જીવ્યું હતું અને સંસારના સર્વ ભોગવિલાસ સારી પેઠે ભોગવ્યા હતા. આમ છતાં એ પોતાના માતા-પિતાનો પ્રેમથી વંચિત રહ્યા હતા કારણકે માતા-પિતા કજિયો-કંકાસ કરવામાં જ રચ્યાપચ્યા રહેતા હતા.  એટલે, સર્વ સુખસુવિધાઓ છતાં એ સંન્યાસી  પોતાની યુવાનીમાં અંદરથી ભારે દુઃખી રહેતા હતા. એ ભારે એકલસૂરા થઇ ગયા હતા અને કોઈનો પણ ઘાંટો કે ચીસાચીસ સાંભળી શકતા નહિ. આનો ઈલાજ શોધવાના પ્રયાસ દરમ્યાન તેમની ઓળખાણ આ ઋષિ સાથે થયેલી. ઋષિનાં જ્ઞાનથી પ્રભાવિત થઈને એમણે સંન્યાસી  થવાનું સ્વીકાર્યું હતું. ત્યારથી તેઓ અહીં એકાંતસેવન કરવાની સાથે જરૂર પડ્યે અન્ય દર્શનાર્થીઓને મદદ પણ કરતા.

એક વખત એવું બન્યું કે આ સંન્યાસી  નદીને કિનારે પોતાની દૈનિક ધાર્મિક વિધિ માટે ગયા હતા.  તેઓએ નદીકિનારે ઉભા રહી ઈશ્વર અને પ્રકૃતિનો આભાર માનવા હજુ આંખ મીંચી અને માથું નમાવ્યું ત્યાં જ તેમના કાનમાં ‘છ્પાક’ એવો અવાજ અથડાયો. એમણે આંખ ખોલી નાખી. એમણે જોયું તો એક ઉંદર નદીના વહેતા જળમાં હવાતિયા મારી રહ્યો હતો અને એની થોડીક ઉપર હવામાં ઉડી રહેલો કાગડો એનો ભક્ષ આમ ગુમાવી દેવાને કારણે ચિત્કારી રહ્યો હતો.

આ જોઇને દ્રવી ઉઠેલા સંન્યાસી એ નદીમાં ડૂબકી લગાવી અને ઉંદરને ડૂબવાથી બચાવી લીધો. ત્યારબાદ તે ઉંદરને પોતાની સાથે કુટિરમાં લઇ ગયા. સંન્યાસી  આ ઉંદરને કેમેય કરીને સુરક્ષિત રાખવા માંગતા હતા કારણકે તે એક જીવ હતો, અને દરેક જીવન મૂલ્યવાન હોવાથી એમણે ઉંદરને પોતાની કુટિરમાં રાખી તેને દાણો-પાણી ખવડાવ્યા અને ઘાસની મુલાયમ પથારી કરી આપી. તેમની આવી કાળજીને કારણે ઉંદર  થોડા જ દિવસોમાં એકદમ તંદુરસ્ત અને તગડો થઇ ગયો.

એક દિવસ આ ઉંદર તરસ્યો હોવાથી નદીકિનારે પાણી પીવા ગયો. નદીએ પાણી પીતાં તેને એક બિલાડીએ જોઈ લીધો. દરેક પ્રાણીમાં સ્વાદિષ્ટ અને ભરપેટ આહાર માટેની ઈચ્છા જન્મજાત રહેલી હોય છે. એટલે, આ બિલાડી પણ હ્યુષ્ટપુષ્ટ ઉંદરને જોઇને તેનો શિકાર કરવા લોભાઈ. જોકે, ઉંદરે બિલાડીનું પ્રતિબિંબ પાણીમાં જોઈ લીધું હોવાથી તે ડરનો માર્યો ત્યાંથી શક્ય એટલી ઝડપે નાઠો અને જઈને સંન્યાસી નાં ખોળામાં લપાઈ ગયો.


સંન્યાસી એ ડરેલા ઉંદરને શાંત કર્યા પછી કહ્યું, “શાંત થા, હે મુષક! લે, તને હું બિલાડી બનાવી દઉં છું!” અને આટલું કહ્યું ત્યાં જ ઉંદર ચપળ, સુંદર અને અણીયારા નહોરવાળી બિલાડી બની ગયો. ઉંદરને પોતાની જાતને આ સ્વરૂપમાં જોઇને ખુશી થઇ કારણકે હવે તેને લપાવું-છુપાવું કે ભાગવું નહિ પડે.

સંન્યાસી  રોજ આ બિલાડીને ધ્યાન અને સાધના માટે જવા અગાઉ ખવડાવતા. ત્યારબાદ બિલાડી  વનમાં વિહાર કરવા નીકળી પડતી. એક દિવસ એક કદાવર શ્વાનની નજર આ બિલાડી પર પડી, અને તે તરત જ એની પર તરાપ મારવા દોડ્યો. શ્વાનના દોડવાના અવાજ અને એના ઝડપી શ્વાસોચ્છવાસ બિલાડીના સતેજ કાને પડ્યા એટલે તે ઉભી પૂંછડીએ ભાગી અને સંન્યાસી  પાસે બચાવ માટે પહોંચી ગઈ.

બિલાડીનાં ચિત્કારોથી સંન્યાસી ની સાધનામાં ભંગ પડ્યો અને ડરથી ફફડતી બિલાડીને જોઇને એમનું હ્રદય ફરીથી દ્રવી ઉઠ્યું. તે બોલ્યા, “ઓ રે જીવ! ભયમુક્ત થા! લે, તને હું શ્વાન બનાવું છું.” આટલું બોલતાની સાથે જ બિલાડી કદાવર શ્વાનમાં ફેરવાઈ ગઈ!

સંન્યાસી  અને શ્વાન સુખેથી રહેવા લાગ્યા. શ્વાન જંગલમાં ભયમુક્ત થઈને વિચરતો કારણકે એ હવે ક્યાં બીકણ બિલાડી હતો? એક દિવસ શ્વાન જંગલમાં ખોરાકની શોધમાં ગયો ત્યારે તેને એક વિકરાળ વાઘનો ભેટો થયો.

શ્વાને પોતાનાથી કદકાઠીમાં મોટું અને શક્તિમાં વધારે પ્રબળ પ્રાણી જોયું નહોતું. એટલે, તે પૂંછડી દબાવીને સંન્યાસી ની કુટિર તરફ નાઠો. તેનો પીછો કરતો વાઘ એને પકડી લેવાની અણી પર જ હતો ત્યાં સંન્યાસી  પોતે અહીં જંગલમાં પ્રકટ થયા. કહ્યું છે ને કે સાધુતા આગળ સૌથી હિંસક પ્રાણી પણ પોતાનો સ્વભાવ ભૂલીને શાંત થઇ જાય છે. એટલે, એમને જોઇને ખૂંખાર વાઘ પળવારમાં નરમ ઘેંસ જેવો થઇ ગયો.  આમ, શ્વાનનો સંન્યાસી  દ્વારા બચાવ થયો.

“ઓ જીવ, ડરીશ નહિ! જા, હું તને વાઘ બનાવું છું!” દયાળુ સંન્યાસી  બોલ્યા અને તે સાથે જ શ્વાન વાઘ બની ગયો.

સંન્યાસી  માટે ઉંદર ગમે તે સ્વરૂપ ધારણ કરે પણ આખરે તો ઉંદર જ હતો. એને એમણે વાઘમાં પરિવર્તિત કર્યા બાદ થયું એવું કે એ ક્યાંય પણ જતો ત્યારે કોઇપણ પ્રાણી એનાથી ભય પામતું નહિ! સૌ એકમેકના કાનમાં ગણગણતા, “જુઓ! પેલો ઉંદર જાય જેને ભલા સંન્યાસી એ વાઘ બનાવી દીધો છે!” આ સાંભળીને વાઘ ખિજાઈ જતો કારણકે તેને ખબર હતી કે અન્ય કોઈ વાઘ હોત તો એને જોઇને જ બધાં પ્રાણીઓ ડરી ગયા હોત.

આવી હાંસી થતી જોઇને વાઘે વિચાર્યું, “જ્યાં સુધી આ સંન્યાસી  જીવિત છે ત્યાં સુધી કોઈ પ્રાણી મને ગાંઠશે નહિ અને મારો આદર નહિ કરે. એટલે, મારે આ સંન્યાસી નો ભક્ષ કરી જવો રહ્યો.”


વાઘના વિચાર સંન્યાસીએ પામી લીધા અને તત્ક્ષણ બોલ્યા, “અરે નાલાયક જીવ! જા, પાછો ઉંદર જ થઇ જા!” સંન્યાસી  આટલું બોલ્યા ત્યાં તો પેલો વાઘ પાછો ઉંદર થઇ ગયો અને સંન્યાસી  કંઈ સજા કરશે એ વિચારથી ભય પામીને એ ઝટપટ જંગલમાં નાસી ગયો!

***********
આ વાર્તા આપને ગમી??? તો આવી બીજી રસતરબોળ કરનારી ૩૭ વાર્તાઓ વાંચવા- વંચાવવા માટે ઘરબેઠા "હિતોપદેશ" પુસ્તક એમેઝોનની લિંક પરથી કરો ઓર્ડર:
પુસ્તક સાથી Pustak Saathi ( અરિહંત બુક્સ ભાવનગર ) પરથી પણ WhatsApp દ્વારા પુસ્તક ૨૦% વળતર સાથે મંગાવી શકાશે : https://wa.me/c/919824294075

ગુજરાતી અનુવાદક / રજૂઆતકર્તા : ઈશાન ભાવસાર
તમામ તસ્વીરો: ઇન્ટરનેટ / Artificial Intelligence(AI)-generated

Saturday, May 25, 2024

હિતોપદેશ (વાર્તા-૮: કાગડો અને તેતર)

 

વાર્તા-૮: કાગડો અને તેતર

એક વખત કોઈએક જંગલમાં આવેલા ઘટાદાર વૃક્ષો પર અનેક પ્રકારનાં પક્ષીઓ વસવાટ કરતા હતા. આ બધા જ પક્ષીઓ – કાગડા, પોપટ, તેતર અને ચકલીઓ – પરસ્પર સંપીને રહેતા હતા. કાગડા સ્વભાવે ચપળ હતા. તેઓ તેમનો માળો પર્ણસમૃદ્ધ વૃક્ષો પર બનાવતા હતા, તો સ્વભાવે હોંશિયાર એવા પોપટને માળા બાંધવા ફળાઉ વૃક્ષો અનુકૂળ આવતા હતા. તેતરની ચાલ જરા ધીમી, એટલે એમને જમીનસરસા માળા બાંધવાનું ફાવે, અને આકાશમાં સ્વૈરવિહાર કરતી ચકલીઓને તો માળા બાંધવા વૃક્ષોની બખોલ પર્યાપ્ત થઇ રહેતી.

વૃક્ષોની એ વનરાજિ નજીક એક સરોવર આવેલું હતું. આ સરોવરને કારણે પક્ષીઓને ખોરાક કે પાણીની શોધમાં દૂર સુધી ક્યારેય ભટકવું પડ્યું નહોતું. શિયાળો બેસે ત્યારે તેઓ હૂંફાળા પ્રદેશોમાં ચાલ્યા જતા અને ગ્રીષ્મ વખતે પુનઃ અહીં પરત ફરતા.

એક વર્ષ એવું આવ્યું કે ગ્રીષ્મમાં એવો તો ભયાનક તાપ પડ્યો કે આ સરોવરનું બધું પાણી સૂકાઇ ગયું. પક્ષીઓએ સરોવર નજીક આવેલું એક પાણીનું ઝરણું શોધી કાઢ્યું. પણ આ ઝરણું પણ દિવસે દિવસે સુકાતું જતું હતું. ચિંતાતુર પક્ષીઓએ દૂરનાં પ્રદેશો સુધી પાણી માટે શોધ ચલાવી પણ એમને ઘોર નિરાશા જ મળી કારણકે આ ઝરણા સિવાય ક્યાંય પાણીનો બીજો કોઈ સ્ત્રોત હતો નહી.  વળી, આ ઝરણું પણ સૂકાઇ જવાને આરે આવી પહોંચ્યું હતું. એટલે તાત્કાલિક પક્ષીઓની ચર્ચાસભા બોલાવવામાં આવી.

સૌ પક્ષીઓ ઝાડની ડાળીઓ પર સૂન્ન થઈને બેઠા હતા કારણકે સૌને ખબર હતી કે હવે ફક્ત એક દિવસ જેટલો ચાલે એટલો જ પાણીનો પુરવઠો બચ્યો હતો.

અધીર  સ્વભાવનો કાગડો સૌથી પહેલા બોલ્યો, “ આપણે દરિયા ભણી પ્રયાણ કરવું જોઈએ. એ રસ્તે આપણને ચોક્કસ નદી કે સરોવર જોવા મળશે.” દરેક નદી આખરે તો દરિયાને જ મળતી હોય છે એ સર્વવિદિત તર્કને આધારે સૌ પક્ષીઓ તરત જ કાગડાનાં આ પ્રસ્તાવ પર સંમત થયા.

પોપટે ઉમેર્યું, “આપણે આ ઉડ્ડયનને એક યાત્રા ગણીયે જેથી આપણે ગરુડદેવ પ્રત્યેની આપણી આસ્થા અને આદર પ્રકટ કરી શકીએ.” સૌ પક્ષીઓ ગરુડદેવને દિવ્ય પક્ષી ગણતા અને એમનો આદર કરતા. વળી, તે દેવનું વાહન હોવાથી ‘પક્ષીરાજ’ તરીકે પણ ઓળખાતું હતું. સૌ પક્ષીઓને એમ હતું કે ગરુડદેવ દરિયાની નજીક વસે છે. એટલે, સૌ આ વિચાર સાથે સંમત થયા હતા.

પક્ષીઓએ જોડીમાં ઉડવાનું નક્કી કર્યું જેથી કોઈ વિખૂટું પડી ન જાય. ચપળ કાગડાઓની જોડી ધીમી ગતિએ ઉડતા તેતર સાથે બનાવવામાં આવી જેથી ઉડ્ડયનની ગતિમાં સંતુલન જળવાઈ રહે. બપોરના સમયે સૌએ વિસામો લેવો એમ પણ નક્કી કરવામાં આવ્યું. પાંચેક દિવસમાં નિર્ધારિત સ્થળે પહોંચી શકાય એ પ્રમાણેનું પક્ષીઓએ આયોજન કર્યું.

બીજે દિવસે સવારે સૂરજ ઉગતાં જ પક્ષીઓએ પોતાની સફર શરુ કરી.  સૂરજ થોડોક માથે ચડતા ગરમી વધી. એટલે સૌથી પહેલા તેતર થાકી  ગયા. તેઓ વૃક્ષો નીચે વિસામો લેવા રોકાયા. બાકીનાં પક્ષીઓએ પણ એ પ્રમાણે કર્યું. કાગડાઓને આવા અણધાર્યા વિસામા સામે અણગમો હતો. એટલે એમણે પોતાનો અણગમો પ્રકટ કર્યો.

પોપટ અને ચકલીઓએ એમને શાંત કરતા કહ્યું, “આપણે સૌ અહીં એકમેકના બંધુઓ છીએ. એટલે, સમાન હેતુની પ્રાપ્તિ માટે એકમેકને સહાય કરવાની આપણી ફરજ છે.”

તેતરોને એમની પડખે ઉભા રહેલા પક્ષીઓના શબ્દોથી રાહત થઇ. અલ્પ સમયનાં આ વિસામા દરમ્યાન એમણે આજુબાજુથી જીવડાં શોધીને ખાધા અને ત્યારબાદ ઉડ્ડયન માટે તેઓ ફરીથી સજ્જ થયા.

પક્ષીઓએ ઉડ્ડયન ફરીથી શરુ કર્યા પછી જંગલને છેવાડે આવેલા કોઈ ગામ આગળ પહોંચ્યા. ગામમાં પ્રવેશતા પોપટની તીક્ષ્ણ નજર એક કૂવા પર ગઈ જેના થાળા પર પાણીથી ભરેલી બાલદીઓ મૂકેલી હતી. આજુબાજુ કોઈ માણસ નજરે ન પડતા એમણે એ બાલદીઓમાંથી પાણી પીવાનું નક્કી કર્યું. સાવચેતીથી સૌ પક્ષીઓ વારાફરતી બાલદીઓની નજીક ગયા અને ધરાઈને પાણી પીધા પછી ફરીથી ઉડ્ડયન શરુ કર્યું.

સૂરજ ડૂબ્યો નહિ ત્યાં સુધી પક્ષીઓ ઉડતા રહ્યા. મુસાફરીથી થાકેલા પક્ષીઓએ એક વિશાળ વડનું વૃક્ષ જોતા એની વડવાઈઓ પર રાત્રિરોકાણ કરવાનું નક્કી કર્યું. પાંખોને સંકોરી વડવાઈઓ પર ગોઠવાઈ ગયા પછી તેઓ નિરાંતે પોઢી ગયા. બીજે દિવસે સૌ સવારે વહેલા ઉઠી ગયા. કાગડાઓને તેતરો અંગે ફરિયાદ હોવાથી એક ચર્ચા  માટે સભા ભરાઈ.

“આ તેતરો તો ઉડવામાં સાવ ઢીલાઢસ છે! આ રીતે તો આપણે પહોંચી રહ્યા! એ લોકો એમની રીતે પાછળ પાછળ ઉડતા આવે એ વધારે સારું રહેશે.” કાગડાઓએ કકળાટ કર્યો.

તેતરોએ જવાબમાં કહ્યું, “ભાઈસાબ, આ કાગડાઓ તો બહુ તેજ ગતિએ ઉડે છે! તેઓ તો ખાઈ-પીને  આરામ પણ બરાબર કરે છે, તો ય એમને આટલી ફરિયાદ શાની?”

પક્ષીઓની આ સભામાં ભારે કોલાહલ થઇ રહ્યો હતો કારણકે પક્ષીઓ બે જૂથોમાં વહેંચાઇ ગયા હતા – કેટલાક પક્ષીઓ કાગડાઓનાં પક્ષે હતા તો કેટલાક તેતરોને પક્ષે.

ચકલીઓએ સમાધાન માટે ટહેલ નાખી. તેમણે સૂચન કર્યું કે બધાં જ પક્ષીઓ જ્યાં સુધી થાકી ન જાય ત્યાં સુધી સૌએ ઉડવાનું રહેશે. સૌએ ચકલીઓની વાત માની લીધી.  

પક્ષીઓએ બીજી સવારે ઉડવાનું શરુ કર્યું અને સારું એવું અંતર સવારનાં પહોરમાં જ કાપી લીધું. વિશાળ મેદાનો, પર્વતીય ખીણ, અને સેંકડો જંગલો એમણે પસાર કરી નાખ્યા. ઉડ્ડયન દરમ્યાન પક્ષીઓ એકબીજાને પોરસ પણ ચડાવતા જતા હતા. તેતર અને કાગડાઓએ આ ઉડ્ડયન દરમ્યાન શાંતિ જાળવી રાખી. બપોરનાં સમયે થોડો વિશ્રામ લીધા પછી એમણે પુનઃ ઉડવાનું શરુ કર્યું.

સાંજ પડતા સુધીમાં તેઓ એક ગામ આગળ આવી પહોંચ્યા. સૌએ અહીં જ રાતવાસો કરવાનું નક્કી કર્યું. એટલે, અન્ય પક્ષીઓએ વૃક્ષો પર અને તેતરોએ ઝાડીઝાંખરાઓમાં આશ્રય લીધો.

આ પક્ષીઓએ જે જગ્યાએ આશ્રય લીધો ત્યાં નજીકમાં ગાયો ચરી રહી હતી. એ ગાયો ચરાવતા ગોવાળે દહીં અને માખણની હાંડી એક વૃક્ષ નીચે મૂકેલી હતી. અંધારું થાય એટલે પાછા વળતા એ ગામનાં ચોકમાં વેચવા માટે તે દહીં અને માખણ લઇ આવતો હતો.   

મોટા ભાગનાં પક્ષીઓ થાકી ગયા હતા એટલે ધીમા અવાજે વાતો કરતા આરામ ફરમાવી રહ્યા હતા. લાંબી મુસાફરી દરમ્યાન એમની વચ્ચે મૈત્રી વિકસી હતી. એક અટકચાળા કાગડાને શું સુઝ્યું કે એ ઉડીને દહીં અને માખણની હાંડી સુધી આવી ચડ્યો. “આહા! આ તો મજાનું!”  દહીં અને માખણની મીઠી સુગંધ લેતા એણે વિચાર્યું. વૃક્ષ નીચે બેઠેલા ગોવાળની આંખ મળી જતા એ તો મીઠી નિંદ્રામાં સરી પડ્યો હતો. એટલે, કાગડાને તો મોકળું મેદાન મળી ગયું. એણે તો હળવેકથી દહીંની હાંડીમાં ચાંચ ડૂબાવી. દહીં ઘણું સ્વાદિષ્ટ હતું એટલે એણે બીજી કેટલીક વાર ચાંચ ડૂબાવી દહીંના સબડકા ભરી લીધા!  પણ ત્યાં જ ગોવાળે પડખું ફેરવતા એ ઉડીને પાછો પોતાના સ્થાને જઈને ગોઠવાઈ ગયો.



એણે બીજા કાગબંધુઓ આગળ પોતે કેવી ગૂપચૂપ રીતે દહીં ખાઈ આવ્યો એની શેખી મારી. કાગડાની આવી અવળચંડાઈ અંગે સાંભળીને શાણા કાગબંધુઓએ એને આ રીતે દહીં ખાવા સામે ચેતવ્યો. એક વ્યવહારડાહ્યો કાગ બોલ્યો, “ પેલો ગોવાળ તને રખે જોઈ જશે તો ભયંકર ગુસ્સે થશે. એટલે, અટકચાળો કરવાનું રહેવા દેજે ભાઈ! કાલે સવાર પડે એટલે આપણે અહીંથી ચાલ્યા જવાનું છે.” અવળચંડા કાગડાએ ડહાપણભરી વાત એક સાંભળીને બીજે કાનેથી કાઢી નાખી.  એ તો પાછો પેલા વૃક્ષ નીચે જઈને ચોરીછૂપીથી હાંડીમાંથી દહીં ખાવા લાગ્યો.

જોકે કાગડાને ખબર નહોતી કે એની જાણ બહાર એક તેતર પણ એનો પીછો કરતા અહીં આવી ચડ્યું હતું. કાગડાએ દહીં ખાવાનું શરુ કર્યું ત્યાં તો એની નજર આ તેતર પર પડી!  કાગડાએ એને કહ્યું, “જો, આપણે વારાફરતી હાંડીમાંથી દહીં ખાઈશું. આ વખતે તું ધ્યાન રાખ હું જતો આવું છું.” તેતરે કાગડાની વાત માની લીધી. કાગડાએ જઈને હજુ તો ચાંચ હાંડીમાં ડૂબાવી ત્યાં જ ગોવાળ જાગી ગયો. એણે હાંડી નજીક કાગડાને જોઇને એને ઉડાડી મૂકવા હાકોટો કર્યો. ડરેલો કાગડો તો ઝટપટ ત્યાંથી પોબારા ગણી ગયો. આ બાજુ આખો દિવસ ઉડવાથી થાકેલું તેતર ઝડપથી દોડીને ઝાંખરામાં છુપાઈ જાય એ પહેલા તો ગોવાળે એને ઝડપી લીધું અને એને મારી નાખ્યું.

પક્ષીઓને આ જોઈને ઘણું દુઃખ થયું અને સૌ એ જ ક્ષણે ત્યાંથી ઉડી ગયા. શાણી ચકલીઓએ અન્ય પક્ષીઓને કહ્યું, “ વ્યક્તિએ સોબત બાબતે સાવધ રહેવું જોઈએ. જો તેતરે એ અવળચંડા કાગડાનો વાદ ન કર્યો હોત તો એણે આમ પોતાનો જીવ ગુમાવવો ન પડત.”

વધુ કેટલાક દિવસો સુધી ઉડ્યા બાદ તેઓ સૌ દરિયાકાંઠે પહોંચી ગયા અને સંપીને આનંદપૂર્વક રહેવાનું શરુ કર્યું.

***********
આ વાર્તા આપને ગમી??? તો આવી બીજી રસતરબોળ કરનારી ૩૭ વાર્તાઓ વાંચવા- વંચાવવા માટે ઘરબેઠા "હિતોપદેશ" પુસ્તક એમેઝોનની લિંક પરથી કરો ઓર્ડર:
પુસ્તક સાથી Pustak Saathi ( અરિહંત બુક્સ ભાવનગર ) પરથી પણ WhatsApp દ્વારા પુસ્તક ૨૦% વળતર સાથે મંગાવી શકાશે : https://wa.me/c/919824294075

ગુજરાતી અનુવાદક / રજૂઆતકર્તા : ઈશાન ભાવસાર
તમામ તસ્વીરો: ઇન્ટરનેટ / Artificial Intelligence(AI)-generated

Friday, May 24, 2024

હિતોપદેશ (વાર્તા-૭ : ધોબી અને ગધેડો)

 

વાર્તા-૭ : ધોબી અને ગધેડો

ઘણા સમય પહેલાની આ વાત છે જયારે કોઈ નગરમાં તળાવને કિનારે આવેલી ઝૂંપડીમાં એક ધોબી રહેતો હતો. રોજ સવાર પડે ત્યારે આ ધોબી આસપાસનાં ઘરોમાં જઈને મેલાઘેલા કપડા ધોવા માટે લઇ આવતો  અને તળાવે લઇ જઈને ધોતો. ત્યારબાદ ધોયેલા કપડાને એ વાડ પર પહોળા કરીને સૂકવતો. ગરમીની ઋતુમાં કપડા ઝડપથી સૂકાઇ જતા. સૂકાયેલા કપડાને તે ભેગા કરીને પોતાની ઝૂંપડીમાં લઇ જતો અને ત્યાં એની કરચલીઓ દૂર કરીને સરસ ગડી કરીને મુકતો. બપોર સુધીમાં તો એ એટલો થાકી જતો કે વચ્ચે લાંબી ઊંઘ ખેંચી લેવાનું એને મન થતું. પણ કોલસાના કાકડા ભરીને કપડાઓને ઈસ્ત્રી કરવાની છે એવું એને યાદ આવી  જતું. ‘કાશ મને કોઈ મદદ કરનારું હોત. આખો દિવસ વૈતરું કુટવામાં જ ચાલ્યો જાય છે.’ એવો નિસાસો લઈને એ ઇસ્ત્રી કરવાનું શરુ કરતો. ઈસ્ત્રી થઇ જાય પછી એ કપડાને પોટલામાં નાખીને જે-તે ઘરોમાં પહોંચાડી દેતો. દિવસને અંતે તો તે ધોબી એટલો તો લોથ થઇ જતો કે વાળુ કર્યા પછી ખાટલા પર લંબાવે એવો જ ઘસઘસાટ ઊંઘમાં સરી પડતો.

એક દિવસ આ ધોબી જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યાં અચાનક જમીન પર પડેલા વ્યાઘ્રચર્મ પર તેની નજર ગઈ. કોઈ સન્યાસીએ આ વ્યાઘ્રચર્મ ત્યજી દીધું હશે એમ વિચારીને એણે તે ચર્મ પોતાના માટે રાખી લીધું.  બીજે દિવસે તે નગરમાં કપડા લેવા માટે નીકળ્યો ત્યારે એણે મેદાનમાં એક ગધેડાને ચરતો જોયો. એ ગધેડાનું કોઈ રણીધણી હોય એવું ના જણાતા ધોબી એનો કાન આમળીને પોતાની સાથે ખેંચી ગયો. પછી તેણે નગરમાંથી એકઠા થયેલા કપડાની ગઠરી એની પીઠ પર લાદી. આ ગદર્ભ ચાલે ત્યારે ગઠરી પડી ન જાય એ માટે એણે ગઠરીમાં મૂકેલા કપડાનું સંતુલન કર્યું. ત્યારબાદ ધોબીએ દોરડાનો એક છેડો ગદર્ભનાં ગળા ફરતે બાંધ્યો અને બીજો છેડો પોતાના હાથમાં રાખીને એણે ગધેડાને દોરવા માંડ્યો.

આમ, હવે ધોબી આ ગદર્ભનો લોકોને ત્યાંથી કપડા એકઠા કરવામાં નિત્ય ઉપયોગ કરવા લાગ્યો જેના કારણે તેનો કામનો બોજ હળવો થતા તે ખુશખુશાલ રહેવા લાગ્યો. વળી, તેના કામની ઝડપ પણ વધી અને ગુણવત્તા પણ વધી એટલે વધુ ને વધુ લોકો એની સેવા અપનાવવા લાગ્યા. આમ, ધોબીની આવકમાં પણ વૃદ્ધિ થઇ અને તેનું જીવનધોરણ સુધર્યું. જોકે ગદર્ભ માટે તેણે કોઈ વિશેષ સવલતો કરી નહીં એ તો ઠીક પણ દિવસમાં ખાલી એક જ વાર એ ગદર્ભને અલ્પમાત્રામાં નીરણ આપતો.

ધોબીની દિનચર્યા એકધારી હતી – સૌથી પહેલા ગ્રાહકોના ઘરે જઈને કપડા ભેગા કરવા, પછી ગદર્ભને લઈને તળાવે જવું. અહીં તે ગદર્ભને જમીનમાં ખુંપાવેલા લાકડાનાં ખૂંટા સાથે બાંધી દેતો. ત્યારબાદ એ કપડા ધોતો ત્યાં સુધી ગદર્ભ ચરવાની ક્રિયા પતાવતો – એના ગળે બાંધેલું દોરડું લાંબુ હોવાથી તેને ચરવા માટે વધુ વિસ્તાર મળી રહેતો.

હવે એક દિવસ હવામાન બદલાવા લાગ્યું અને આકરો તાપ પડવા લાગ્યો. વરસાદને અભાવે મેદાનમાં ઉગેલું ઘાસ પણ સૂકાવા લાગ્યું. ગદર્ભ માટે તો રોજેરોજ ચરવા માટે મળી રહેતું ઘાસ ઓછું ને ઓછું થવા લાગ્યું. એ રોજ વિચારતો, “આજે તો મારો માલિક મને ઘરે ભરપેટ ખવડાવશે.”

પણ કમનસીબે ગદર્ભને ઘરે તો ઘાસનું તણખલું ય નસીબ થતું નહીં. થોડા જ સમયમાં એ સાવ દુર્બળ થવા લાગ્યો. એની ચાલ ધીમી પડી ગઈ હતી અને ઉભા થવામાં ય એને કષ્ટ પડતું હતું. અધૂરામાં પૂરું એને ધોબીએ ફટકારવાનું શરુ કરી દીધું હતું. હવે તો પીઠ પર લાદેલી ગઠરીનો બોજ પણ ગદર્ભ માટે અસહ્ય થઇ પડ્યો હતો.

ધોબીને પણ થયું કે આ ગદર્ભ તો સાવ મરણતોલ થઇ ગયો છે. એટલે એણે તોછડાઈથી એને કહ્યું, “ એ ય આળસુના પીર! આમ મરતા મરતા શેનો ચાલે છે? કામનો ખડકલો થઇ ગયો છે માથે. ચલ, ઝડપ કર!” માલિકનાં ઘોંચપરોણાને કારણે હતભાગી ગધેડાએ ઉંહકારા ભણવા સાથે શક્ય એટલી ઝડપે ચાલવાનો પ્રયત્ન કરવા માંડ્યો.

ધોબી સ્વભાવે તો સાવ કૃપણ હતો જ, એટલે એને કંઈ આ ગદર્ભ પાછળ ફદિયું ય ખર્ચવાની ગણતરી નહોતી. એણે વિચાર્યું, “અરે, હવે મારે આની ભૂખ ભાંગવી પડશે? એના માટે ક્યાંથી એટલો ખોરાક લાવું? મારે કંઈ એને ખવડાવવું નથી. પૈસાનો નાહકનો બગાડ કોણ કરે!”  અને  ધોબીએ ગાડું જેમતેમ ગબડાવે રાખ્યું.     

એક દિવસ ગદર્ભ ગડથોલિયું ખાઈને પડી ગયો અને એની પીઠ પર લાદેલી ગઠરીમાંના તાજાં ધોયેલા વસ્ત્રો ધૂળમાં ખરડાઈ ગયા! પછી તો પૂછવું જ શું? ગુસ્સાથી ફાટફાટ થતા ધોબીએ એને બરોબરનો ફટકાર્યો. જોકે એને મારતી વખતે ધોબીએ જોયું કે જો હવે આ ગદર્ભને ખોરાક નહીં આપવામાં આવે તો એ ચોક્કસ મરી જશે કારણકે કૃશકાય થઇ ગયેલા ગદર્ભનાં હાડકા દેખાતા હતા અને શરીર પરની ચામડી પણ લબડી પડી હતી.

કૃપણ સ્વભાવનાં ધોબીએ ગામની આસપાસનાં મેદાન ફેંદી માર્યા પછી નક્કી કર્યું કે રાતનાં સમયે તે આ ગદર્ભને ગામની ભાગોળે આવેલા એક મકાઈના ખેતરમાં ચરવા માટે લઇ જશે.  આખી રાત બાપડો ગદર્ભ પેટભરીને ચરી લે એટલે વહેલી સવારે આવીને એને લઇ જશે. આમ વિચાર કરતો હતો ત્યાં એને પ્રશ્ન થયો, “પણ જો ખેતરનાં માલિકનું ધ્યાન પડ્યું તો શું થશે? એ તો આ ગદર્ભને ડંડા મરાવી હાંકી કઢાવશે!”

આમ વિચાર કરતા જ ધોબીને પેલું વ્યાઘ્રચર્મ યાદ આવ્યું. એણે યુક્તિપૂર્વક એ વ્યાઘ્રચર્મ ગદર્ભને ઓઢાડી દીધું અને રાત્રે એને મકાઈના ખેતરમાં લાવીને છુટ્ટો મૂકી દીધો. જોકે પરત ફરતી વેળા ધોબી ગદર્ભનાં કાનમાં સૂચના ગણગણ્યો, “ જોજે હોં, તારે ખાવું હોય એટલું પેટભરીને ખાજે પણ કોઈ અવાજ કરતો નહીં. હું કાલે સવારે આવીને તને લઇ જઈશ.”

ગદર્ભને તો આટલું મોટું મકાઈનું લીલુંછમ ખેતર જોઇને મોજ પડી ગઈ. એણે તો આડુંઅવળું જોયા વગર મકાઈના કુમળાં ડોડા ચગળવા માંડ્યા! સવાર પડી ત્યારે ધોબી એને આવીને લઇ ગયો. ગદર્ભને તો આજે  ભરપેટ ખોરાક મળ્યો હોઈ સારીપેઠે ઊંઘ આવી. વળી, ઊંઘમાં એને મકાઈનાં ખેતરો જ દેખાયા કર્યા!


ખેતરમાં ચોરીછૂપે જવાનો આવો સિલસિલો રોજ રાત્રે ચાલ્યો. આમ, વ્યાઘ્રચર્મ ઓઢીને નિરાંતે ચરતો ગદર્ભ થોડા સમયમાં જ હ્યુષ્ટપુષ્ટ બની ગયો.

એક વખત એવું બન્યું કે ખેતરનાં માલિકને લાગ્યું કે ખેતરમાં કંઇક હલચલ થઇ રહી છે. કોઈ પ્રાણીએ ભેલાણ કર્યું હશે એમ વિચારીને એણે ધ્યાનથી જોયું તો વાઘ નજરે પડતા એના મોતિયા મરી ગયા! જોકે એણે વિચાર્યું, “આ તો ભારે વિચિત્ર! મકાઈનાં ખેતરમાં વળી વાઘ શું કરતો હશે?” એણે સેવકોને બોલાવીને સૂચના આપી, “આપણા ખેતર કોઈ અજાણ્યું પ્રાણી રાત્રે ચરવા ઘૂસી જતું લાગે છે. તમે લોકો વારાફરતી ખેતરનું રખોપું કરતા રહો.”


સેવકોને તો આ પ્રકારની કામગીરીથી ખચકાટ થયો પણ એમણે તો પડ્યો બોલ ઝીલવાનો હતો એટલે એમણે તો ખેતરનું રખોપું શરુ કર્યું. રાતનાં સમયે એક સેવકનું ધ્યાન વ્યાઘ્રચર્મ ઓઢેલા ગદર્ભ પર ગયું.  સાચેસાચો વાઘ હશે એમ વિચારીને એ બીકણ સેવક તો ત્યાંથી પોબારા ગણી ગયો! પણ બીજો સેવક ચતુર હતો. એણે વિચાર્યું કે વાઘનું વળી મકાઈનાં ખેતરમાં શું કામ? એટલે એણે બીજે દિવસે રાત્રે એક યુક્તિ કરી. તે એક શણનો થેલો ઓઢીને ખેતરના એક ખૂણામાં ઉભો રહી ગયો. રોજના નિયત સમયે ગદર્ભ ખેતરમાં ચાલ્યો આવ્યો. જોકે હવે તો એ હ્યુષ્ટપુષ્ટ થયો હોવાથી ખાવા પર વધુ ધ્યાન આપવાની જગ્યાએ ખેતરમાં રખડવા પર વધુ ધ્યાન આપતો હતો. ખેતરને ખૂણે શણનો થેલો ઓઢીને ઉભેલી આકૃતિ દૂરથી જોતા એને થયું કે આ કોઈ માદા ગદર્ભ છે એટલે આનંદ પામીને એણે તો ભૂંકવા માંડ્યું! સેવકને ખબર પડી ગઈ કે આ તો વાઘના વેશમાં ગદર્ભ છે! એટલે એણે નજીક દોડી આવેલા  ગદર્ભને બાજુમાં પડેલો દંડો ઉપાડીને ફટકારવા માંડ્યું. એણે આ ગદર્ભને એટલો તો માર માર્યો કે ગદર્ભ મૃત્યુ પામ્યો.

ત્યારબાદ, સેવકે એનું વ્યાઘ્રચર્મ ખેતરનાં માલિકને આપતા બધી વાત કરી. આમ, કહ્યું છે ને કે સ્વભાવને ગમે તેટલો છૂપાવો પણ તે વહેલો મોડો પ્રકટ થયા વગર રહેતો નથી.   

***********
આ વાર્તા આપને ગમી??? તો આવી બીજી રસતરબોળ કરનારી ૩૭ વાર્તાઓ વાંચવા- વંચાવવા માટે ઘરબેઠા "હિતોપદેશ" પુસ્તક એમેઝોનની લિંક પરથી કરો ઓર્ડર:
પુસ્તક સાથી Pustak Saathi ( અરિહંત બુક્સ ભાવનગર ) પરથી પણ WhatsApp દ્વારા પુસ્તક ૨૦% વળતર સાથે મંગાવી શકાશે : https://wa.me/c/919824294075

ગુજરાતી અનુવાદક / રજૂઆતકર્તા : ઈશાન ભાવસાર
તમામ તસ્વીરો: ઇન્ટરનેટ