વાર્તા-૬:
પક્ષીઓ અને વાનરો
એક
સમયે કોઈ જંગલમાં આવેલા સરોવરમાં એક રાજહંસ રહેતો હતો. એને દુનિયા જોવાની ભારે
હોંશ હતી. એટલે, એક દિવસ તે ઘરબાર ત્યજી સૌને જુહાર ભણીને દુનિયા જોવા નીકળી
પડ્યો.
થોડા
દિવસ પછી તે એક બીજા સરોવરને કિનારે પહોંચ્યો. અહીં તેની નજર એક દેડકા પર પડી. એણે
જોયું તો આ દેડકો તો ઘાયલ થયેલો હતો. એના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું અને એ
દર્દથી કરાંજતો હતો! રાજહંસે એની નજીક જઈને પૂછ્યું, “ શું થયું તને?”
દેડકો
તો રાજહંસને જોઇને ભય પામીને સરોવર ભણી ખસવા લાગ્યો એટલે રાજહંસે બૂમ પાડી, “ઉભો
રહે, પેલા પગે જોજે કૂદતો! તને વધારે ઈજા થશે. અહીં આવ, મને જોવા દે તો!”
જોકે,
દેડકાએ એની વાત સાંભળ્યા વગર સરોવરમાં કૂદકો લગાવી દીધો! કૂદવાથી એના પગે તીવ્ર દુઃખાવો
ઉપડ્યો અને તે સંતુલન ન જાળવી શકવાથી નીચે આવેલી શિલા પર પટકાયો અને મૃત્યુ
પામ્યો.
આ
દ્રશ્ય દૂરથી એક સારસ પણ જોઈ રહ્યો હતો. એણે રાજહંસની નજીક જઈને કહ્યું, “
મૂર્ખાઓને સલાહ આપવાનો કોઈ અર્થ નથી! એમાં તો સમય અને શક્તિનો બગાડ જ છે. તમે
પક્ષીઓ અને વાનરોની વાર્તા સાંભળી છે?”
રાજહંસ
બોલ્યો, “ ના, મને એના વિશે કહે.” આમ,
સારસે તેને આ મુજબની વાર્તા કહી.
એક વખત
નર્મદાને કિનારે વિશાળ ઘટા અને પહોળી ડાળીઓ ધરાવતું શીમળાનું એક સુંદર વૃક્ષ હતું.
એ વૃક્ષથી થોડાક અંતરે જ ડુંગરમાળા આવેલી
હતી અસંખ્ય વૃક્ષો અને ઝાડીઝાંખરા ધરાવતા ડુંગરાઓ પર લીલાંછમ ઘાસની ચાદર છવાયેલી
હતી. પ્રાણીઓ અને પક્ષીઓ માટે તો આ ડુંગરા સ્વર્ગ સમાન હતા. આ વિસ્તાર ઘણો જ શાંત
હતો જ્યાં નજીકમાં પસાર થતી નર્મદાનું ખળખળ પાણી વહેતું હતું અને એના નિર્મળ જળમાં
વાદળી રંગના આકાશનું પ્રતિબિંબ જોઈ શકાતું હતું.
આ
શીમળાનાં વૃક્ષ પર ઘણા પક્ષીઓ વસવાટ કરતા હતા. વૃક્ષ એમને સારી પેઠે આશરો આપી
રહ્યું હતું – બળબળતી ગરમી, મૂશળધાર વર્ષા અને ગાત્રો ગાળી નાખતી ઠંડી અને કાતિલ
પવન જેવા પ્રાકૃતિક ફેરફારો સામે સૌ
પક્ષીઓ સુરક્ષિત હતા.
એક વખત
પક્ષીઓનો એક કબીલો ઉડીને આ વિસ્તારમાં આવ્યો. તેઓ માળો બાંધવા માટે યોગ્ય વૃક્ષની
શોધ કરી રહ્યા હતા એવામાં એમની નજર શીમળાનું વૃક્ષ પર પડી. માળા માટે આનાથી સારું
બીજું કોઈ સ્થાન ન હોઈ શકે એમ પામીને એમણે શીમળાના વૃક્ષ પર જ પસંદગી ઉતારી.
હવે,
પક્ષીઓના આ કબીલાનાં સૌ સભ્યોએ ભારે મહેનત કરવા માંડી. માતા-પિતાએ પરિવારના નાના
સદસ્યોને ચાંચ વડે ડાંખળા, ઘાસફૂસ અને ગારો ભેગો કરતા શીખવ્યું. થોડા જ સમયમાં
માળો આકાર લેવા લાગ્યો અને જોતજોતામાં તો તૈયાર પણ થઇ ગયો!
સૌએ
હવે અહીં રહેવાનું શરુ કર્યું. થોડા સમય બાદ માદા પક્ષીએ માળામાં ઈંડા મૂક્યા પોતે
ખોરાકની શોધમાં બહાર જાય ત્યારે માળાનું ધ્યાન રાખવાની જવાબદારી એણે પોતાના
સંતાનોને સોંપી હતી તો પિતા આ સૌ સંતાનોને ઉડતા શીખવતા. આમ, એમનો કબીલો ઘણો સુખી
હતો.
હવે,
વર્ષાઋતુનું આગમન થયું. વરસાદનાં હળવા ઝાપટા પડ્યા એના પરથી માને ખ્યાલ આવ્યો કે
હવે થોડા સમયમાં ભારે વરસાદ પણ પડી શકે છે. એણે પોતાનાં સંતાનોને કહ્યું, “આપણે
વરસાદમાં ખોરાકની શોધમાં બહાર નહિ જઈ શકીએ. એટલે, આપણે અત્યારે જ ખોરાકને શોધીને
એનો સંગ્રહ કરી લેવો જોઈએ. વળી, તમારા નવા ભાઈ-બહેનોનું પણ આગમન થશે એટલે એમના
માટે પણ આપણને સારા પ્રમાણમાં ખોરાક જોઇશે. હું અહીં રહીને માળા અને ઈંડાની રક્ષા
કરીશ.” આમ, માતાની સમયસૂચકતાને કારણે સૌએ
પ્રમાણસરનો ખોરાક માળામાં એકઠો કરી લીધો.
આ
પક્ષીઓનો કબીલો અહીં વસવાટ કરવા આવ્યો હતો એ દરમ્યાન આ જ વિસ્તારમાં વાનરોની ટોળી
પણ વસવાટ કરતી હતી. ગ્રીષ્મમાં આ વાનરો ખાઈ-પીને ધીંગામસ્તી કરતા અને નદીકાંઠે સૂઈ
જતા. કેટલાક વાનરો વૃક્ષો પર પણ વસવાટ કરતા હતા પણ એમાંના કોઈએ પણ પ્રાકૃતિક
ફેરફારો સામે રક્ષણ માટે યોગ્ય આશરો બાંધવાની કે ખોરાક એકઠો કરવાની તસ્દી લીધી
નહોતી. ભવિષ્યની ચિંતા કર્યા વગર તેઓ વર્તમાનમાં બેફીકરાઇથી જીવતા હતા.
એક
સવારે આકાશ ઘનઘોર વાદળોથી ઘેરાઈ ગયું. વીજળીના ચમકારા થતા બધા પ્રાણીઓ નાસભાગ
કરીને પોતપોતાના આશરામાં લપાઈ ગયા. જોતજોતામાં વરસાદ પડવા લાગ્યો અને ફક્ત વાનરો
પાસે કોઈ આશ્રય ન હોવાથી વરસાદમાં ભીંજાવા સિવાય કોઈ આરો નહોતો.
શરૂઆતમાં
ધીમેધીમે પડી રહેલા વરસાદે થોડા સમય પછી જોર પકડ્યું. વરસાદ ઉપરાંત જોશથી કાતિલ
પવન પણ વાતો હતો. વાનરો રઘવાયા થઈને વરસાદમાં ભીંજાવાથી બચવા આમતેમ કૂદકા મારી
રહ્યા હતા. વરસાદને કારણે વાતાવરણ પણ ઠંડુગાર થઇ ગયું હતું.
આ બાજુ
પેલા કબીલાનાં પક્ષીઓ પણ માળામાં પરત આવી ગયા હતા. વરસાદ અને ઠંડીની એમને કોઈ ખાસ
અસર નહોતી થઇ કારણકે એમણે ઘટાદાર પર્ણો ધરાવતી ડાળીઓ તળે પોતાનો મજબૂત માળો
બાંધ્યો હતો. વળી, માળામાં સુક્કાં પર્ણ અને પીંછા પાથર્યા હોવાને કારણે અંદર સારી
પેઠે હૂંફ અનુભવી શકાતી હતી. સૌ માળામાં ગોઠવાઈને વરસાદને જોઈ રહ્યા હતા.
આ તરફ
વાનરો વરસાદમાં ભીંજાવાથી બચવા વૃક્ષની ડાળીઓ પર યોગ્ય જગ્યા શોધી રહ્યા હતા.
વરસાદમાં પલળી ગયેલા આ વાનરો કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા હતા. કેટલાક વાનરો
શીમળાનાં વૃક્ષને નીચે એકમેકની ઓથે ગોઠવાઈને ઉભા રહી ગયા હતા.
એક
પક્ષીની નજર આ વાનરો પર ગઈ એટલે એણે કબીલાનાં અન્ય સદસ્યોને ઉદ્દેશીને કહ્યું,
“જુઓ, આ વાનરો અહીં વૃક્ષ નીચે ઉભા ઉભા કેવા થથરી રહ્યા છે. જરૂર બહાર ખૂબ
ઠંડી હોવી જોઈએ!” પક્ષીઓને આ વાનરો પ્રત્યે સહાનુભુતિ ઉપજી અને
એમને કઈ રીતે મદદ કરી શકાય એ અંગે તેઓ વિચારવા લાગ્યા.
સૌને
થયું કે એમણે આ વાનરોને સલાહ આપવી જેથી આગામી વર્ષાઋતુ પહેલા તેઓ પોતાને માટે
યોગ્ય વ્યવસ્થા કરી શકે. સહાનુભૂતિથી પ્રેરાઈને એક વડીલ પક્ષીએ એમને ઉદ્દેશીને
કહ્યું, “મિત્રો, તમને ખબર છે કે તમારે આમ ઠંડીમાં કેમ થથરવું પડે છે? અમારે તો
હાથ-પગ નથી. તમારી પાસે તો બેય હોવા છતાં વરસાદમાં ભીંજાયેલા અને દુઃખી છો...”
એ
પક્ષી હજુ બોલવાનું પૂરું કરે એ પહેલા જ એક વાનર બોલ્યો, “તું અમારો ઉપહાસ કરે
છે?” “ના...ના, અમે ફક્ત તમારું ધ્યાન દોરવા માંગીએ છીએ કે તમારે આવી અસહાય
સ્થિતિમાં કેમ આવી જવું પડ્યું. આવા વરસાદ અને ઠંડી વચ્ચે પણ અમે કેવા સુખચેનથી
બેઠા છીએ એ તમે જોઈ શકો છો ને? ભગવાને અમને તમારી માફક હાથ-પગ પણ નથી આપ્યા છતાં અમે
ફક્ત ચાંચ વડે આવો સરસ મજાનો માળો બાંધ્યો છે. જયારે તમે સરસ આશ્રય બનાવી શકવાની
ક્ષમતા ધરાવતા હોવા છતાં આવી અવદશામાં આવી પડ્યા છો.” એ વડીલ પક્ષીની આવી ડહાપણભરી
વાતથી તો ટાઢે ધ્રુજતા વાનરો વધુ ગુસ્સે ભરાયા.
વાનરો
એ વખતે તો કંઈ બોલ્યા નહિ પણ એમણે અંદરોઅંદર મસલત કરી લીધી, “આ પક્ષીઓ એમના
હૂંફાળા માળામાં બેઠા બેઠા આપણો ઉપહાસ કરે છે. એ લોકો કહે છે એમ આપણે કંઈ હરામ
હાડકાના નથી. આપણે એમને જવાબ આપવો પડશે કારણકે એમણે આપણું અપમાન કર્યું છે!”
એક
વાનરે પૂછ્યું, “ તો આપણે કેવી રીતે બદલો લઈશું?” તો બીજો વાનર બોલ્યો, “આ
પક્ષીઓને યોગ્ય જવાબ આપ્યા વગર અહીંથી ચાલ્યા જવું એ તો આપણા સૌ માટે નાલેશીભર્યું
છે. આજે એમણે આપણો ઉપહાસ કર્યો, આવતીકાલે કોઈ બીજું કરશે!”
“ આ
વરસાદ અટકવા દો. એ લોકોને બહુ ગુમાન છે ને પોતાના માળાઓ પર! પણ એમને પાઠ કેમ
ભણાવવો એ હું જાણું છું. લો, આ વરસાદ હવે ધીમો પડ્યો. જુઓ હું શું કરું છું!” એક
અનુભવી વાનરે કહ્યું.
થોડાક
સમય પછી વરસાદ સાવ બંધ થઇ ગયો અને આકાશ વાદળો વગરનું સ્વચ્છ થઇ જતા સૂરજનો તડકો
નીકળી આવ્યો. વાનરો વૃક્ષ પર ચડી ગયા અને જ્યાં પક્ષીઓએ માળા બાંધ્યા હતા એ ડાળીઓ
સુધી પહોંચી ગયા.
વાનરોએ
માળા પીંખી નાખવાની સાથે એમાં રહેલા ઈંડા પણ ફોડી નાખ્યા. આવું અણધાર્યું આક્રમણ
થવાથી પક્ષીઓએ પાંખો વીંઝતા કોલાહલ કરી મુક્યો પણ એથી શું વળે? ભય અને વિષાદ
પામેલા પક્ષીઓ પોતાનાં દુર્ભાગ્ય પર વસવસો કરતા અન્યત્ર ઉડી ગયા.
આવી
વાર્તા કહ્યા પછી સારસે કહ્યું, “ એટલે કહ્યું છે ને કે ફક્ત ડાહ્યા માણસોને જ
સલાહ આપવી, મૂર્ખાઓને નહીં. વળી, વણમાંગી સલાહ આપવામાં સાર નથી. સલાહ મેળવનારમાં
વિવેકબુદ્ધિ ન હોય તો ઓડનું ચોડ થવાનો ભય રહેલો છે. જોયું ને કે વાનરો પ્રત્યે
સહાનુભુતિ દાખવનાર પક્ષીઓનો કેવો અંજામ આવ્યો.”








No comments:
Post a Comment