Sunday, May 19, 2024

હિતોપદેશની વાર્તાઓ ( વાર્તા-૨: જવની હાંડી)

વાર્તા-૨: જવની હાંડી

એક સમયની આ વાત છે જયારે એક સારા સ્વભાવના રાજાનું કોઈ પ્રદેશમાં શાસન હતું. બીજું બધું તો બરાબર પણ  રાજામાં એક દુર્ગુણ હતો. તેનો સ્વભાવ આવેગશીલ હતો અને એટલે ઘણીવાર એ વિચાર્યા વગર ત્વરિત નિર્ણયો લઇ લેતો હતો.

એકવાર આ રાજા અને એના લશ્કરે દુશ્મનનાં કિલ્લા પર હુમલો કરીને એને જીતી લીધો. વિજયી થવાના ગુમાનમાં એને હજુ વધારે કિલ્લા સર કરવાની લાલસા થઇ આવી. જોકે મંત્રીએ રાજાને એમ કરતા અટકાવીને કહ્યું, “ મહારાજ! વર્તમાનમાં પ્રયત્નો કર્યા સિવાય જે માણસ ભવિષ્યનું વિચારે છે તેને નિરાશ થવાનો વારો આવે છે. ધાર્યું પરિણામ મેળવવા પ્રયત્ન કર્યા વગર છૂટકો નથી. આ સંદર્ભે આપને એક બ્રાહ્મણની વાર્તા કહું છું તે સાંભળો...”

કોઈ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ સ્વભાવનો આળસુ હતો અને પોતાની જવાબદારીઓ પ્રત્યે સાવ બેદરકાર રહેતો હતો. આખો દિવસ એ દીવાસ્વપ્નો જોતો શેરીઓમાં ભટકતો અને ભવિષ્ય અંગે ઢંગધડા વગરના આયોજનો વિચાર્યા કરતો. એણે ક્યારેય કશું નક્કર કામ કર્યું નહોતું પણ લોકોની દયાને કારણે એનું ગાડું ગબડ્યે જતું. ઘેર ઘેર જઈને એ ભિક્ષા માંગતો અને લોકો પણ બ્રાહ્મણ પ્રત્યે આદર હોવાથી એને ભિક્ષામાં વધ્યુંઘટ્યું ખાવાનું આપતા. એ આમ ગરીબીમાં જીવતો હોવા છતાં સપનાં તો રાજાની જેમ બહુ ભવ્ય જીવનશૈલીના જોયા કરતો!

આમ કરતા વિષુવકાળનો દિવસ આવી પહોંચ્યો. વિષુવકાળનાં દિવસે દિવસ અને રાત્રિ એકસરખા હોય છે. આ દિવસનું ધાર્મિક મહત્વ હોવાથી વિધિવિધાન કરીને બ્રાહ્મણોને જમાડવામાં આવે છે.  પેલો ગરીબ બ્રાહ્મણ આ દિવસની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોતો  જેથી એને જાતભાતના વ્યંજનો ખાવા મળે. આ દિવસોમાં જ પેટભરીને એને ખાવા મળતું અને એ સિવાય ધનવાનો પાસેથી દાન-દક્ષિણા પણ મળતી.

બ્રાહ્મણને જાણવા મળ્યું કે વિષુવકાળનાં દિવસે નગરમાંથી કોઈ ધનિક વેપારી અહીં આવી રહ્યો છે. એ વેપારી ગામનાં મંદિર આગળ સૌ ગરીબોને દાન-દક્ષિણા આપવાનો છે. એટલે, બ્રાહ્મણ તો વહેલી સવારે મંદિરના પગથીયે જઈને ગોઠવાઈ ગયો અને લક્ષ્મીજીની કૃપા વરસે એની રાહ જોવા લાગ્યો. વાણીયાએ એને હાંડી ભરીને જવ દાનમાં આપ્યા ત્યારે તે ખુશ થઇ ગયો.

બ્રાહ્મણનું મન તો આટલા બધા જવનું પોતે શું કરશે એ વિચારે ચકરાવે ચડી ગયું. એને થયું કે પહેલા તો માથે છાંયો થાય એની વ્યવસ્થા કરવી પડશે, કારણકે સ્વભાવે આળસુ હોવાથી એણે તો પોતાને માટે નાની ઝૂંપડી ય બનાવી નહોતી! અત્યાર સુધી તો એ અન્ય લોકોને ત્યાં રાતવાસો કરી લેતો હતો – લોકો દયાભાવથી એને  વરંડામાં કે ઓટલા પર સુવા દેતા હતા.

જોકે, અત્યારે તો આકાશમાંથી એવી તો આગ વરસતી હતી કે બ્રાહ્મણ માટે ડગલું માંડવું ય મુશ્કેલ થઇ ગયું હતું. વળી, એણે પોતાને મળેલ જવની હાંડી સલામત રાખવાની હતી.

બ્રાહ્મણ થોડેક આગળ મુશ્કેલીથી વધ્યો ત્યાં એને એક કુંભારનો વાડો દેખાયો. કુંભાર બિચારો ભલા સ્વભાવનો હતો એટલે એણે બ્રાહ્મણને સાંજે સૂરજ ઢળે ત્યાં સુધી પોતાને ત્યાં વિસામો કરવાની મંજૂરી આપી. કુંભારનો વાડો માટીના વાસણોથી ભરેલો હતો. બ્રાહ્મણ એક ખાલી ખૂણો જોઇને ત્યાં પાથરણું પાથરીને બેસી ગયો. પછી તો એણે થાક્યો હોવાથી અહીં લંબાવી જ દીધું. પણ એ પહેલા એણે જવની હાંડી છાપરાની વળી પર લટકાવી દીધી જેથી ઉંદરોથી તે સુરક્ષિત રહે. ઉંદરોથી તો એને એટલી ધ્રુણા હતી કે એણે જોડે એક લાકડી રાખીને જ આંખો મીંચી.

બ્રાહ્મણની આંખમાં ઘેન ભરાયું અને એ તો ગાઢ ઊંઘમાં સરી ગયો. વળી, ઊંઘમાં તો એ સ્વપ્ન પ્રદેશમાં પહોંચીને આ જવની હાંડીનું શું કરવું એના મીઠા સપનાઓ જોવા લાગ્યો.

        

‘ હું આ જવની હાંડી વેચી નાખું તો કેવું? એનાથી મને અઢળક રૂપિયા મળશે! હું દસ કોરી લઈને એ વેચી દઈશ.’

કોરી એટલે એક પ્રકારનો શંખ, જે એ સમયે નાણા તરીકે ચીજવસ્તુઓના ખરીદવેચાણમાં વપરાતો હતો.

‘એ દસ કોરીથી હું ઘણા કુંજા ખરીદીશ અને આ કુંભારના વાડા જેવો મારો પણ વાડો બનાવીશ. વાહ! મારી પણ કુંજાની દુકાન હશે! હું દરેક કુંજો ઉંચો નફો લઈને વેચીશ. ઉંચો નફો એટલે ઉંચી આવક!’

‘ પછી મારી પાસે પાન, વસ્ત્રો, અને અન્ય રાચરચીલું ખરીદવા પૂરતા પૈસા આવી જશે. ત્યાં સુધીમાં મારો ધંધો પણ જામી ગયો હશે. ધનવાન વેપારીઓમાં મારું નામ હશે. પછી તો રાજાની જેમ હું ઠાઠથી રહીશ! દરેક સુંદરી મારી સાથે લગ્ન કરવા પડાપડી કરશે. પણ હું મારી પસંદની ચારેક સુંદરીને મારી પત્ની બનાવીશ અને એમને જાતભાતના આભૂષણોથી મઢી દઈશ!’

‘એમાંની સૌથી નાની હશે તે સૌથી રૂપવતી હશે. હું બીજી પત્નીઓ કરતા એને વધુ પ્રેમ કરીશ. આનાથી રોષ અને ઈર્ષાથી ભરાઈને તેઓ એની સાથે બાખડશે. એ જોઇને હું ક્રોધે ભરાઈને દરેકને લાકડીએ લાકડીએ ફટકારીશ!’

બ્રાહ્મણે સ્વપ્નમાં આવું બબડવાની સાથે જ પોતાની બાજુમાં પડેલી લાકડી ઉપાડીને હવામાં જોરથી વીંઝી. લાકડી તો પેલી હાંડી પર ટીચાઈ અને વળી પરથી હાંડી તો સીધી નીચે આવી! હાંડીના તો ભુક્કેભુક્કા થઇ ગયા અને એ ઉપરાંત હાંડી પડી એટલે કુંભારના બીજા વાસણોનો પણ ઘાણ વળી ગયો.  ધડામધૂમ થવાથી કુંભાર તો દોડતો દોડતો વાડામાં આવ્યો અને પોતાના વાસણો ભાંગી ગયેલા જોઇને માથું પકડીને બેસી ગયો. એને આ બ્રાહ્મણ પર ભયાનક ગુસ્સો આવ્યો. પછી, એણે  કટુવચનો સંભળાવીને બ્રાહ્મણને ત્યાંથી હાંકી કાઢ્યો.

આમ, વાર્તા પૂર્ણ કરીને મંત્રીએ રાજાને કહ્યું, “ એટલે, મહારાજ! પરિણામ મેળવવું હોય તો વાતોના વડા કે શેખચલ્લીની જેમ દિવાસ્વપ્નો જોવાથી કામ ન ચાલે!”

રાજાને મંત્રીની વાત સમજાઈ. એને આનંદ થયો કે પોતાને આવા યોગ્ય સલાહ આપી શકે એવા મંત્રીઓ મળ્યા છે. મંત્રીઓની સલાહને કારણે જ રાજા આવેશમાં આવીને કોઈ ખોટા નિર્ણયો લેવાથી બચી શક્યો હતો.

હવે રાજાએ આગળની રણનીતિ માટે ગીધની સલાહ લેવાનું વિચાર્યું. ગીધને રાજાએ પૂછ્યું ત્યારે એણે કહ્યું, “ મહારાજ! આપને શું સાચું છે અને શું ખોટું એ બતાવવું અમારી ફરજ છે. ખોટા દંભમાં રાચતા રાજાની હાલત કળણમાં ફસાયેલા હાથી જેવી છે. એ વખતે એની વાત સાથે અસંમત થનાર પર તે રોષે ભરાય છે. પણ રાજાને એ વખતે જો સાચી સલાહ ન આપવામાં આવે તો એનું ગંભીર પરિણામ આવી શકે છે. ને એવા કિસ્સામાં રાજાના મંત્રીઓ પર યોગ્ય સલાહ ન આપવાનું આળ ચડે છે.”

વધુમાં ગીધે કહ્યું, “ એટલે હું આપને પૂછું છું કે શું આપણે આ કિલ્લો આપણી સેનાના બળથી જ સર કર્યો હતો કે પછી આપણા બુદ્ધિપૂર્વક વિચારીને કરેલા ચુસ્ત આયોજનથી?”

રાજાએ ગીધના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, “ મહિનાઓ પહેલા બુદ્ધિપૂર્વક વિચારીને કરેલા ચુસ્ત આયોજનથી જ આપણે આ કિલ્લો સર કરી શક્યા છે.”

એટલે ગીધે કહ્યું, “ આપણે ભલે વિજયી નીવડ્યા હોઈએ પણ આપણે અહીં પારકી ધરતી પર આવ્યા છીએ. વળી, આપણી પાસે અનાજ અને શસ્ત્રોનો અમર્યાદિત પુરવઠો પણ નથી.જો આપણે અહીં વરસાદી ઋતુ પૂરી થાય ત્યાં સુધી પડાવ રાખીશું તો આપણે આવા જ સશક્ત બીજા દુશ્મનને નહી હરાવી શકીએ. અરે, એવી પરિસ્થિતિમાં તો આપણું પાછું ઘરપ્રયાણ પણ મુશ્કેલ થઇ જશે. આપણે જે નક્કી કરીને આવ્યા હતા એ લક્ષ્યાંક આપણે પ્રાપ્ત કરી લીધો છે. કિલ્લો હવે આપણા કબજામાં છે. આપણી મહત્તા પણ વધી છે. હવે આટલેથી આપણે અટકીએ અને ઘર ભણી પ્રયાણ કરીએ. મહારાજ, મારી વાત આપને કદાચ નહી ગમે પણ મારી નિષ્ઠામાં કોઈ કમી નથી.”

ગીધે વધુમાં કહ્યું, “ રાજાને સાચી સલાહ આપે એ જ રાજાનો સાચો સલાહકાર છે, ભલે પછી રાજાને એની સલાહ અળખામણી લાગે. હું આવું એટલા માટે કહું છું કારણકે ઈતિહાસ સાક્ષી છે કે ખરેખર તો યુદ્ધ કોઈ ક્યારેય જીતતું જ નથી. યુદ્ધમાં બંને પક્ષોની ખુવારી થાય છે. ફક્ત કોઈ મૂર્ખ જ દુશ્મનની શક્તિઓને ઓછી માનીને પોતાના લશ્કરને, રાજ્યને અને પોતાની જાતને જોખમમાં મુકે છે. વળી, પરાસ્ત થયેલ રાજા પણ વિજયી રાજાનો સમોવડિયો છે. ફક્ત આપણું આયોજન એમનાથી ચડીયાતું હતું. એટલે, મારું કહ્યું માનો તો આપણે હવે પાછા ફરવું જોઈએ.”

રાજાને ગીધની વાત સમજાઈ અને એ પોતાના લાવલશ્કર સાથે ઘરભણી પાછો ફર્યો.

***********


આ વાર્તા આપને ગમી??? તો આવી બીજી રસતરબોળ કરનારી ૩૭ વાર્તાઓ વાંચવા- વંચાવવા માટે ઘરબેઠા "હિતોપદેશ" પુસ્તક એમેઝોનની લિંક પરથી કરો ઓર્ડર:
પુસ્તક સાથી Pustak Saathi ( અરિહંત બુક્સ ભાવનગર ) પરથી પણ WhatsApp દ્વારા પુસ્તક ૨૦% વળતર સાથે મંગાવી શકાશે : https://wa.me/c/919824294075

ગુજરાતી અનુવાદક / રજૂઆતકર્તા : ઈશાન ભાવસાર
તમામ તસ્વીરો: ઇન્ટરનેટ

No comments:

Post a Comment