વાર્તા-૭
: ધોબી અને ગધેડો
ઘણા સમય પહેલાની આ વાત છે જયારે કોઈ નગરમાં તળાવને કિનારે આવેલી ઝૂંપડીમાં એક ધોબી રહેતો હતો. રોજ સવાર પડે ત્યારે આ ધોબી આસપાસનાં ઘરોમાં જઈને મેલાઘેલા કપડા ધોવા માટે લઇ આવતો અને તળાવે લઇ જઈને ધોતો. ત્યારબાદ ધોયેલા કપડાને એ વાડ પર પહોળા કરીને સૂકવતો. ગરમીની ઋતુમાં કપડા ઝડપથી સૂકાઇ જતા. સૂકાયેલા કપડાને તે ભેગા કરીને પોતાની ઝૂંપડીમાં લઇ જતો અને ત્યાં એની કરચલીઓ દૂર કરીને સરસ ગડી કરીને મુકતો. બપોર સુધીમાં તો એ એટલો થાકી જતો કે વચ્ચે લાંબી ઊંઘ ખેંચી લેવાનું એને મન થતું. પણ કોલસાના કાકડા ભરીને કપડાઓને ઈસ્ત્રી કરવાની છે એવું એને યાદ આવી જતું. ‘કાશ મને કોઈ મદદ કરનારું હોત. આખો દિવસ વૈતરું કુટવામાં જ ચાલ્યો જાય છે.’ એવો નિસાસો લઈને એ ઇસ્ત્રી કરવાનું શરુ કરતો. ઈસ્ત્રી થઇ જાય પછી એ કપડાને પોટલામાં નાખીને જે-તે ઘરોમાં પહોંચાડી દેતો. દિવસને અંતે તો તે ધોબી એટલો તો લોથ થઇ જતો કે વાળુ કર્યા પછી ખાટલા પર લંબાવે એવો જ ઘસઘસાટ ઊંઘમાં સરી પડતો.
એક દિવસ આ ધોબી જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યાં અચાનક જમીન પર પડેલા વ્યાઘ્રચર્મ પર તેની નજર ગઈ. કોઈ સન્યાસીએ આ વ્યાઘ્રચર્મ ત્યજી દીધું હશે એમ વિચારીને એણે તે ચર્મ પોતાના માટે રાખી લીધું. બીજે દિવસે તે નગરમાં કપડા લેવા માટે નીકળ્યો ત્યારે એણે મેદાનમાં એક ગધેડાને ચરતો જોયો. એ ગધેડાનું કોઈ રણીધણી હોય એવું ના જણાતા ધોબી એનો કાન આમળીને પોતાની સાથે ખેંચી ગયો. પછી તેણે નગરમાંથી એકઠા થયેલા કપડાની ગઠરી એની પીઠ પર લાદી. આ ગદર્ભ ચાલે ત્યારે ગઠરી પડી ન જાય એ માટે એણે ગઠરીમાં મૂકેલા કપડાનું સંતુલન કર્યું. ત્યારબાદ ધોબીએ દોરડાનો એક છેડો ગદર્ભનાં ગળા ફરતે બાંધ્યો અને બીજો છેડો પોતાના હાથમાં રાખીને એણે ગધેડાને દોરવા માંડ્યો.
આમ, હવે
ધોબી આ ગદર્ભનો લોકોને ત્યાંથી કપડા એકઠા કરવામાં નિત્ય ઉપયોગ કરવા લાગ્યો જેના
કારણે તેનો કામનો બોજ હળવો થતા તે ખુશખુશાલ રહેવા લાગ્યો. વળી, તેના કામની ઝડપ પણ
વધી અને ગુણવત્તા પણ વધી એટલે વધુ ને વધુ લોકો એની સેવા અપનાવવા લાગ્યા. આમ,
ધોબીની આવકમાં પણ વૃદ્ધિ થઇ અને તેનું જીવનધોરણ સુધર્યું. જોકે ગદર્ભ માટે તેણે
કોઈ વિશેષ સવલતો કરી નહીં એ તો ઠીક પણ દિવસમાં ખાલી એક જ વાર એ ગદર્ભને અલ્પમાત્રામાં
નીરણ આપતો.
ધોબીની
દિનચર્યા એકધારી હતી – સૌથી પહેલા ગ્રાહકોના ઘરે જઈને કપડા ભેગા કરવા, પછી ગદર્ભને
લઈને તળાવે જવું. અહીં તે ગદર્ભને જમીનમાં ખુંપાવેલા લાકડાનાં ખૂંટા સાથે બાંધી
દેતો. ત્યારબાદ એ કપડા ધોતો ત્યાં સુધી ગદર્ભ ચરવાની ક્રિયા પતાવતો – એના ગળે
બાંધેલું દોરડું લાંબુ હોવાથી તેને ચરવા માટે વધુ વિસ્તાર મળી રહેતો.
હવે એક
દિવસ હવામાન બદલાવા લાગ્યું અને આકરો તાપ પડવા લાગ્યો. વરસાદને અભાવે મેદાનમાં
ઉગેલું ઘાસ પણ સૂકાવા લાગ્યું. ગદર્ભ માટે તો રોજેરોજ ચરવા માટે મળી રહેતું ઘાસ
ઓછું ને ઓછું થવા લાગ્યું. એ રોજ વિચારતો, “આજે તો મારો માલિક મને ઘરે ભરપેટ
ખવડાવશે.”
પણ
કમનસીબે ગદર્ભને ઘરે તો ઘાસનું તણખલું ય નસીબ થતું નહીં. થોડા જ સમયમાં એ સાવ
દુર્બળ થવા લાગ્યો. એની ચાલ ધીમી પડી ગઈ હતી અને ઉભા થવામાં ય એને કષ્ટ પડતું
હતું. અધૂરામાં પૂરું એને ધોબીએ ફટકારવાનું શરુ કરી દીધું હતું. હવે તો પીઠ પર
લાદેલી ગઠરીનો બોજ પણ ગદર્ભ માટે અસહ્ય થઇ પડ્યો હતો.
ધોબીને
પણ થયું કે આ ગદર્ભ તો સાવ મરણતોલ થઇ ગયો છે. એટલે એણે તોછડાઈથી એને કહ્યું, “ એ ય
આળસુના પીર! આમ મરતા મરતા શેનો ચાલે છે? કામનો ખડકલો થઇ ગયો છે માથે. ચલ, ઝડપ કર!”
માલિકનાં ઘોંચપરોણાને કારણે હતભાગી ગધેડાએ ઉંહકારા ભણવા સાથે શક્ય એટલી ઝડપે
ચાલવાનો પ્રયત્ન કરવા માંડ્યો.
ધોબી
સ્વભાવે તો સાવ કૃપણ હતો જ, એટલે એને કંઈ આ ગદર્ભ પાછળ ફદિયું ય ખર્ચવાની ગણતરી
નહોતી. એણે વિચાર્યું, “અરે, હવે મારે આની ભૂખ ભાંગવી પડશે? એના માટે ક્યાંથી એટલો
ખોરાક લાવું? મારે કંઈ એને ખવડાવવું નથી. પૈસાનો નાહકનો બગાડ કોણ કરે!” અને
ધોબીએ ગાડું જેમતેમ ગબડાવે રાખ્યું.
એક
દિવસ ગદર્ભ ગડથોલિયું ખાઈને પડી ગયો અને એની પીઠ પર લાદેલી ગઠરીમાંના તાજાં ધોયેલા
વસ્ત્રો ધૂળમાં ખરડાઈ ગયા! પછી તો પૂછવું જ શું? ગુસ્સાથી ફાટફાટ થતા ધોબીએ એને
બરોબરનો ફટકાર્યો. જોકે એને મારતી વખતે ધોબીએ જોયું કે જો હવે આ ગદર્ભને ખોરાક
નહીં આપવામાં આવે તો એ ચોક્કસ મરી જશે કારણકે કૃશકાય થઇ ગયેલા ગદર્ભનાં હાડકા
દેખાતા હતા અને શરીર પરની ચામડી પણ લબડી પડી હતી.
કૃપણ
સ્વભાવનાં ધોબીએ ગામની આસપાસનાં મેદાન ફેંદી માર્યા પછી નક્કી કર્યું કે રાતનાં
સમયે તે આ ગદર્ભને ગામની ભાગોળે આવેલા એક મકાઈના ખેતરમાં ચરવા માટે લઇ જશે. આખી રાત બાપડો ગદર્ભ પેટભરીને ચરી લે એટલે
વહેલી સવારે આવીને એને લઇ જશે. આમ વિચાર કરતો હતો ત્યાં એને પ્રશ્ન થયો, “પણ જો
ખેતરનાં માલિકનું ધ્યાન પડ્યું તો શું થશે? એ તો આ ગદર્ભને ડંડા મરાવી હાંકી
કઢાવશે!”
આમ વિચાર કરતા જ ધોબીને પેલું વ્યાઘ્રચર્મ યાદ આવ્યું. એણે યુક્તિપૂર્વક એ વ્યાઘ્રચર્મ ગદર્ભને ઓઢાડી દીધું અને રાત્રે એને મકાઈના ખેતરમાં લાવીને છુટ્ટો મૂકી દીધો. જોકે પરત ફરતી વેળા ધોબી ગદર્ભનાં કાનમાં સૂચના ગણગણ્યો, “ જોજે હોં, તારે ખાવું હોય એટલું પેટભરીને ખાજે પણ કોઈ અવાજ કરતો નહીં. હું કાલે સવારે આવીને તને લઇ જઈશ.”
ગદર્ભને
તો આટલું મોટું મકાઈનું લીલુંછમ ખેતર જોઇને મોજ પડી ગઈ. એણે તો આડુંઅવળું જોયા વગર
મકાઈના કુમળાં ડોડા ચગળવા માંડ્યા! સવાર પડી ત્યારે ધોબી એને આવીને લઇ ગયો. ગદર્ભને
તો આજે ભરપેટ ખોરાક મળ્યો હોઈ સારીપેઠે
ઊંઘ આવી. વળી, ઊંઘમાં એને મકાઈનાં ખેતરો જ દેખાયા કર્યા!
ખેતરમાં
ચોરીછૂપે જવાનો આવો સિલસિલો રોજ રાત્રે ચાલ્યો. આમ, વ્યાઘ્રચર્મ ઓઢીને નિરાંતે
ચરતો ગદર્ભ થોડા સમયમાં જ હ્યુષ્ટપુષ્ટ બની ગયો.
એક વખત
એવું બન્યું કે ખેતરનાં માલિકને લાગ્યું કે ખેતરમાં કંઇક હલચલ થઇ રહી છે. કોઈ
પ્રાણીએ ભેલાણ કર્યું હશે એમ વિચારીને એણે ધ્યાનથી જોયું તો વાઘ નજરે પડતા એના
મોતિયા મરી ગયા! જોકે એણે વિચાર્યું, “આ તો ભારે વિચિત્ર! મકાઈનાં ખેતરમાં વળી વાઘ
શું કરતો હશે?” એણે સેવકોને બોલાવીને સૂચના આપી, “આપણા ખેતર કોઈ અજાણ્યું પ્રાણી
રાત્રે ચરવા ઘૂસી જતું લાગે છે. તમે લોકો વારાફરતી ખેતરનું રખોપું કરતા રહો.”
સેવકોને
તો આ પ્રકારની કામગીરીથી ખચકાટ થયો પણ એમણે તો પડ્યો બોલ ઝીલવાનો હતો એટલે એમણે તો
ખેતરનું રખોપું શરુ કર્યું. રાતનાં સમયે એક સેવકનું ધ્યાન વ્યાઘ્રચર્મ ઓઢેલા ગદર્ભ
પર ગયું. સાચેસાચો વાઘ હશે એમ વિચારીને એ
બીકણ સેવક તો ત્યાંથી પોબારા ગણી ગયો! પણ બીજો સેવક ચતુર હતો. એણે વિચાર્યું કે
વાઘનું વળી મકાઈનાં ખેતરમાં શું કામ? એટલે એણે બીજે દિવસે રાત્રે એક યુક્તિ કરી.
તે એક શણનો થેલો ઓઢીને ખેતરના એક ખૂણામાં ઉભો રહી ગયો. રોજના નિયત સમયે ગદર્ભ
ખેતરમાં ચાલ્યો આવ્યો. જોકે હવે તો એ હ્યુષ્ટપુષ્ટ થયો હોવાથી ખાવા પર વધુ ધ્યાન
આપવાની જગ્યાએ ખેતરમાં રખડવા પર વધુ ધ્યાન આપતો હતો. ખેતરને ખૂણે શણનો થેલો ઓઢીને
ઉભેલી આકૃતિ દૂરથી જોતા એને થયું કે આ કોઈ માદા ગદર્ભ છે એટલે આનંદ પામીને એણે તો
ભૂંકવા માંડ્યું! સેવકને ખબર પડી ગઈ કે આ તો વાઘના વેશમાં ગદર્ભ છે! એટલે એણે નજીક
દોડી આવેલા ગદર્ભને બાજુમાં પડેલો દંડો
ઉપાડીને ફટકારવા માંડ્યું. એણે આ ગદર્ભને એટલો તો માર માર્યો કે ગદર્ભ મૃત્યુ
પામ્યો.
ત્યારબાદ,
સેવકે એનું વ્યાઘ્રચર્મ ખેતરનાં માલિકને આપતા બધી વાત કરી. આમ, કહ્યું છે ને કે
સ્વભાવને ગમે તેટલો છૂપાવો પણ તે વહેલો મોડો પ્રકટ થયા વગર રહેતો નથી.






No comments:
Post a Comment