Wednesday, May 22, 2024

હિતોપદેશની વાર્તાઓ ( વાર્તા-૫: લપલપિયો કાચબો)

 

વાર્તા-૫: લપલપિયો કાચબો

ઘણાં સમય પહેલાની આ વાત છે. કોઈ એક જંગલમાં આવેલા સરોવરમાં હંસોનું ટોળું વસવાટ કરવા આવ્યું. આ સરોવરમાં એક કાચબો પણ રહેતો હતો. હંસોને આ કાચબા સાથે દોસ્તી થઇ અને કાચબો તેમની સાથે અલકમલકની વાતો કરતો. હંસ એવું પક્ષી છે જે વધુ ઠંડી કે વધુ ગરમી સહન કરી શકતું નથી. એટલે, દર વર્ષે તેમને શિયાળો બેસે ત્યારે ઉડીને હૂંફાળા પ્રદેશો તરફ જતા રહેવું પડે છે અને ગ્રીષ્મમાં ઠંડા પ્રદેશો તરફ.  આમ આ વખતે પણ ગ્રીષ્મ ઋતુ નજીક આવતા હંસોએ ઠંડા પ્રદેશો ભણી ઉડી જવાની તૈયારી આરંભી. તૈયારી પૂર્ણ કર્યા પછી તેઓએ કાચબા પાસે જઈને કહ્યું, “પ્રિય મિત્ર, ગ્રીષ્મ પ્રારંભ થવાની તૈયારીમાં છે એટલે અમે ઠંડા પ્રદેશોમાં જઈ રહ્યા છીએ. આવજે, દોસ્ત!”


કાચબાને આ સાંભળીને ખૂબ દુઃખ થયું અને એણે વિલાપ કર્યો, “અરે મારા મિત્રો! તમે આમ મને છોડીને કઈ રીતે જઈ શકો? તમારી સાથે ઉડવાની મારી પણ તમન્ના છે, મને તો એમ હતું કે તમે આકાશને બાથ ભરવાની મારી ઈચ્છા પૂર્ણ કરવામાં મદદ કરશો! પણ તમે તો જઈ રહ્યા છો! હવે હું અહીં તમારા સંગાથ વગર એકલો કેવી રીતે રહીશ, અને એ પણ જયારે આકાશને આંબવાના મારા સપનાં આમ ચકનાચૂર થઇ ગયા હોય?”

હંસ ખૂબ ભલા સ્વભાવનાં હતા, એટલે એમને કાચબાની વાતથી સંતાપ થયો. થોડો વિચાર પછી એક હંસે કહ્યું, “ દોસ્ત, તું વિલાપ ન કરીશ! અમે તને અમારી સાથે લઇ જઈશું. હું અને આ બીજો હંસ ચાંચમાં લાકડી પકડીને ઉડીશું અને તું તારા મોં વડે લાકડી પકડી રાખજે. એટલે, તું પણ અમારી ભેગો ઉડી શકીશ.”

આ સાંભળીને બીજો હંસ બોલ્યો, “ના, ના!  એ શક્ય નથી! ઓ કાચબા, તું તો ભારે લપલપિયો છે! જો ઉડતી વેળા તું બોલવા માટે મોં ખોલીશ તો સીધો નીચે જઈને પટકાઈશ અને તારા રામ રમી જશે! તે મોં ખોલ્યું નથી કે તારું મોત નથી! કોઇપણ યોજના બનાવતા પહેલા સંજોગો અને વસ્તુસ્થિતિનો પૂરો વિચાર કરવો જોઈએ. તો આ સંદર્ભે મૂર્ખ સારસની વાર્તા સાંભળો જેઓ સર્પને નુકસાન પહોંચાડવાની લ્હાયમાં પોતાના જ બચ્ચાંઓનો નાશ વહોરી બેઠા!”

ઉત્તરે આવેલા કોઈએક પ્રદેશમાં એક પર્વત આવેલો હતો જેને ‘ગીધનો પહાડ’ કહેવામાં આવતો હતો કારણકે અહીં ગીધની વસ્તી વિપુલ પ્રમાણમાં હતી.  એવું માનવામાં આવતું હતું કે આ પર્વત પર સૌથી પહેલા કોઈ આવીને વસ્યું હોય તો એ ગીધ હતા. તેઓ ત્યાં સુખ અને શાંતિથી વસવાટ કરતા હતા. ગામ કે નગરથી આ પર્વત દૂર આવેલો હોવાથી પ્રાણીઓ અહીં સુરક્ષિત હતા. વળી, પર્વતનાં ઢોળાવ પર ગાઢ જંગલ આવેલું હતું. અહીં દરેક આકાર અને કદની શિલાઓ હતી જેની પર બહુરંગી શેવાળોએ  ડેરો જમાવ્યો હતો. વર્ષાઋતુમાં આ આખાય પર્વતીય ઢોળાવ પર ફૂલોની ચાદર છવાઈ જતી.

આ પર્વતની તળેટીમાં થઈને એક નદી વહેતી હતી. એ નદીને કિનારે એક ઘેઘૂર વડલો હતો. વડલા પર ઘણા પક્ષીઓ વસવાટ કરતા હતાં. એ વડ પર કેટલાંક સારસનો પણ વસવાટ હતો. લાંબા પગ અને લાંબી ડોકને લીધે સારસ કદમાં મોટા પક્ષીઓ ગણાતા હતા. આ રૂપાળા સારસ  એમની ડોક ઉંચી રાખીને ગર્વથી ઉડતા. એમનો પ્રિય ખોરાક માછલી હતો. એ સિવાય તેઓ જીવાત અને દેડકા જેવા નાના જીવોનો ભક્ષ પણ કરતા, તો મન પડે ત્યારે દાણા, બોર, અને વનસ્પતિ પણ ખાતા. એ પાણીમાં એકધાર્યું તાકીને ઉભા રહેતા અને માછલું જોઇને એની પર ઝપટ મારતા અને એને ચાંચમાં ઝડપી લેતા.

વર્ષાઋતુમાં નદીનું પાણી પુરજોશમાં વહેતું. એ સમયે નદીકિનારે વસવાટ કરતા ઘણા જીવોને વૃક્ષોની ઓથ લેવી પડતી. આ વિશાળ વડલાનાં થડને છેડે એક મોટી બખોલ હતી. અહીં એક મોટો સર્પ રહેતો હતો જેનાથી સારસ ભય પામતા હતા. જોકે અત્યાર સુધી તો એ સર્પે કંઈ હાનિ પહોંચાડી નહોતી પણ જયારે પણ એ દરમાં આવ-જા કરતો ત્યારે સારસ ભયથી થથરી ઉઠતા કારણકે હજુ બચ્ચાઓ તો ઉછરી રહ્યા હતા, અને બચ્ચા પોતાની મેળે ઉડતા ન શીખે ત્યાં સુધી એમનું દુશ્મનથી રક્ષણ કરવું બહુ કપરું હતું. વળી, આ સર્પ એટલો તો ચૂપકીદીથી સરકતો કે એનો અવાજ પણ ભાગ્યે જ કાને પડતો હતો.

 એટલે, આ સમસ્યા અંગે ચર્ચા કરવા બધાં સારસ એક દિવસ ભેગા થયા. એમણે નક્કી કર્યું કે આપણામાંના કેટલાક સારસ ખોરાક શોધવા જશે અને બાકીનાં સારસ બચ્ચાઓની સુરક્ષા માટે ચોકીપહેરો કરશે. જોકે આ નિર્ણયને કારણે બચ્ચાઓ તો સુરક્ષિત રહ્યા પણ એક જુદી જ સમસ્યા ઉભી થઇ. એ સમસ્યા એટલે ખોરાકનો મર્યાદિત પુરવઠો. એટલે, ફરીથી સારસ ભેગા થયા. આ સારસોમાં જે સારસ વયવરિષ્ઠ હતા એ સારસ બીજા યુવા સારસોને બોલતા સાંભળી રહ્યા હતા. એક સારસે સૌથી બુદ્ધિમાન ગણાતા એક વૃદ્ધ સારસને ઉદ્દેશીને કહ્યું, “ મહોદય, આપના જ્ઞાનનો અમે આદર કરીએ છે. આપે જીવનની અનેક તડકી-છાંયડી જોઈ છે. એટલે, આપ જ અમને યોગ્ય સલાહ આપી શકશો.”

પોતાની પાસે સલાહ માંગવામાં આવતા એ વૃદ્ધ સારસે થોડી પળ વિચાર કર્યા પછી કહ્યું, “સર્પ આપણા પ્રાકૃતિક શત્રુ છે. આમ જોવા જાઓ તો એ દરેક રીતે આપણાથી બળવાન છે. પણ એક ઉપાય છે.”

ત્યારબાદ એ સારસે આખી યોજના સમજાવી. અહીં વડલાની નજીકમાં જ નોળિયાઓની વસાહત હતી. નોળિયા અને સર્પને તો જન્મનોજન્મનું વેર એટલે બેય એકમેકના લોહીનાં તરસ્યા. સારસોએ ખાલી એટલું કરવાનું હતું કે એ નોળિયાઓમાંથી કોઈક નોળિયાને આ સાપનું દર ભળાવી દેવાનું હતું. પછી તો નોળિયો સાપ જોડે લડીને એને મારી નાખે. નોળિયાને સાપના દર સુધી લલચાવવો કેમનો? તો એ માટે નોળિયાને પસંદ પડે એવી માછલી લાવીને એને લલચાવવો એવું નક્કી થયું.

આ યોજના મુજબ સારસોએ પહેલા તો જઈને જોયું કે સર્પ પેલી બખોલમાં છે તો ખરોને. એ જોયા પછી બધા સારસ નદીએથી માછલીઓ પકડી લાવ્યા અને નોળિયાની વસાહતથી સાપના દર સુધી એક હરોળ થોડે થોડે અંતરે માછલીઓ ગોઠવી દીધી. થોડીવારે માછલીની ગંધ પારખી એક નોળિયો એના દરમાંથી બહાર ડોકાયો. એની પાછળ પાછળ બીજા નોળિયા પણ નીકળ્યા. એક પછી એક માછલી મોંમાં દબાવી નોળિયા સર્પનાં દર તરફ આવી જ રહ્યા હતા ત્યાં જ સારસનાં બચ્ચાઓ પણ માછલીની ગંધ આવવાથી ભૂખનાં માર્યા કકળાટ કરવા લાગ્યા. એમનો અવાજ સાંભળીને નોળિયા ઘડીભર માછલીઓ ભૂલી ગયા અને વડલા પર ચડી જઈને બચ્ચાઓ સુધી પહોંચી ગયા, અને બધાં જ બચ્ચાઓનું ભક્ષણ કરી ગયા!  ડઘાયેલા સારસો ત્યાંથી બીજે ઠેકાણે ઉડી ગયા.



આમ, હંસે આ વાર્તા પૂરી કરતા કહ્યું, “અનુભવીઓ કહી ગયા છે કે બુદ્ધિમાનની સલાહને પણ આંખ મીંચીને અનુસરવી જોઈએ નહિ. કોઇપણ કાર્યનો પ્રારંભ કરીએ એ પહેલા એના પરિણામો અંગેનો પૂરતો વિચાર કરી લેવો જોઈએ.”

આ સાંભળીને કાચબો ખિજાઈને બોલ્યો, “તો શું હું સાવ એવો મૂર્ખ છું? હું ઉડતી વેળા એક પણ શબ્દ નહિ બોલું. ભલેને નીચે જમીન પરનાં લોકોને જે બોલવું હોય તે બોલે.”

છેવટે હંસ કાચબાને લઇ જવા તૈયાર થયા. હંસોએ ચાંચમાં પકડેલી લાકડીને કાચબાએ મોં વડે પકડી એટલે હંસોએ આકાશમાં ઉડાન ભરી.  જંગલ પરથી ઉડતા ઉડતા તેઓ થોડીવારે મેદાની પ્રદેશોમાં આવી પહોંચ્યા. એક મેદાનમાં ગોવાળો એમની ગાયો ચરાવી રહ્યા હતા. એમણે આકાશમાં કાચબાને આમ ઉડતો જોઇને મોટેથી કહ્યું, “જો આ કાચબો નીચે પડે તો એને અહીંયા ને અહીંયા જ શેકીને ખાઈ જઈએ.”

“પણ એનું કવચ કાઢી નાખવું પડશે. પછી એને ખાવો સરળ પડશે.” એક ગોવાળ બોલ્યો.

બીજો ગોવાળ બોલ્યો, “ આપણે એને ઘરે લઇ જઈશું અને નિરાંતે એની મજાની વાનગી બનાવીશું.”


કાચબાને કાને ગોવાળોના આ શબ્દો પડ્યા એટલે એ એમની પર એટલો તો ગુસ્સે ભરાયો કે ગુસ્સામાં ને ગુસ્સામાં એ મોં બંધ રાખવાનું હંસોને આપેલું વચન ભૂલી ગયો અને બોલી પડ્યો, “ધૂળ ખાઓ, ધૂળ...” અને હજુ તો એણે આ શબ્દો મોંમાંથી બોલ્યા ન બોલ્યા ત્યાં તો લાકડી છૂટી જતા એ પથ્થરની માફક સડસડાટ નીચે પડવા લાગ્યો. નીચે ઉભેલા એક ગોવાળે એને ઝીલી લીધો. પછી બધા ગોવાળોએ ભેગા મળીને એને મારી નાખ્યો અને એના માંસની મિજબાની કરી. આ બાજુ હંસો મિત્રનાં દુર્ભાગ્યનો શોક કરતા ઉડી ગયા.

***********


આ વાર્તા આપને ગમી??? તો આવી બીજી રસતરબોળ કરનારી ૩૭ વાર્તાઓ વાંચવા- વંચાવવા માટે ઘરબેઠા "હિતોપદેશ" પુસ્તક એમેઝોનની લિંક પરથી કરો ઓર્ડર:
પુસ્તક સાથી Pustak Saathi ( અરિહંત બુક્સ ભાવનગર ) પરથી પણ WhatsApp દ્વારા પુસ્તક ૨૦% વળતર સાથે મંગાવી શકાશે : https://wa.me/c/919824294075

ગુજરાતી અનુવાદક / રજૂઆતકર્તા : ઈશાન ભાવસાર
તમામ તસ્વીરો: ઇન્ટરનેટ

No comments:

Post a Comment