વાર્તા
– ૯: સંન્યાસી અને ઉંદર
કોઈ એક
જંગલમાં એક ઋષિનો આશ્રમ આવેલો હતો. તે ઋષિ જગતની સર્વ મોહમાયાઓથી પર હતા અને ઊંડી
આધ્યાત્મિકતા ધરાવતા હતા. એમની પાસે દુઃખ-દર્દ મટાડવાની ચમત્કારિક શક્તિ છે એવી આસ્થા હોવાને કારણે આજુબાજુના ગામોમાંથી
મોટી સંખ્યામાં લોકો એમના આશીર્વાદ મેળવવા માટે આવતા.
તે ઋષિનો
આશ્રમ જ્યાં આવેલો હતો ત્યાં આજુબાજુમાં એમણે પવિત્ર વૃક્ષો ઉગાડવાની સાથે
દર્શનાર્થીઓ ધ્યાન અને સાધના માટે ઉપયોગ કરી શકે એ હેતુસર થોડીક પર્ણકુટીરો પણ
બનાવી હતી. કોઈને માંદગી કે અસુખ રહેતું હોય તેઓ પણ અહીં આવીને સ્વસ્થ ન થઇ જાય
ત્યાં સુધી રહી શકતા હતા. આ પર્ણકુટીરો બનાવવામાં પણ ઘણા દર્શનાર્થીઓએ યથાશક્તિ
યોગદાન આપ્યું હતું.
તપનો
અર્થ થાય અવગુણો અને ભૂલો અંગે પશ્ચાતાપ, ઈશ્વરની ક્ષમાયાચના અને ઇચ્છિત વરદાન
માટેની સાધના. આમ, જો કોઈ વ્યક્તિને લાગતું હોય કે પોતે દુઃખી કે દિશાવિહીન છે તો
તે અહીં તપ કરવા આવતો. અહીં તેમને આશરો
ઉપરાંત ઋષિની દેખભાળને કારણે ઘણી જ શાતા મળતી. ઋષિ સાથે આમ કુદરતને ખોળે તદ્દન
અકૃત્રિમ જીવન જીવવામાં સૌ ધન્યતા અનુભવતા.
આવા
સુંદર આ તપોવનમાં એક એવા સંન્યાસી આવીને
રહેવા લાગ્યા જેમને એકાંતસેવન પસંદ હતું. પૂર્વાશ્રમમાં તે સંન્યાસી એ ભારે વૈભવી
જીવન જીવ્યું હતું અને સંસારના સર્વ ભોગવિલાસ સારી પેઠે ભોગવ્યા હતા. આમ છતાં એ
પોતાના માતા-પિતાનો પ્રેમથી વંચિત રહ્યા હતા કારણકે માતા-પિતા કજિયો-કંકાસ કરવામાં
જ રચ્યાપચ્યા રહેતા હતા. એટલે, સર્વ
સુખસુવિધાઓ છતાં એ સંન્યાસી પોતાની
યુવાનીમાં અંદરથી ભારે દુઃખી રહેતા હતા. એ ભારે એકલસૂરા થઇ ગયા હતા અને કોઈનો પણ
ઘાંટો કે ચીસાચીસ સાંભળી શકતા નહિ. આનો ઈલાજ શોધવાના પ્રયાસ દરમ્યાન તેમની ઓળખાણ આ
ઋષિ સાથે થયેલી. ઋષિનાં જ્ઞાનથી પ્રભાવિત થઈને એમણે સંન્યાસી થવાનું સ્વીકાર્યું હતું. ત્યારથી તેઓ અહીં
એકાંતસેવન કરવાની સાથે જરૂર પડ્યે અન્ય દર્શનાર્થીઓને મદદ પણ કરતા.
એક વખત
એવું બન્યું કે આ સંન્યાસી નદીને કિનારે
પોતાની દૈનિક ધાર્મિક વિધિ માટે ગયા હતા.
તેઓએ નદીકિનારે ઉભા રહી ઈશ્વર અને પ્રકૃતિનો આભાર માનવા હજુ આંખ મીંચી અને
માથું નમાવ્યું ત્યાં જ તેમના કાનમાં ‘છ્પાક’ એવો અવાજ અથડાયો. એમણે આંખ ખોલી
નાખી. એમણે જોયું તો એક ઉંદર નદીના વહેતા જળમાં હવાતિયા મારી રહ્યો હતો અને એની
થોડીક ઉપર હવામાં ઉડી રહેલો કાગડો એનો ભક્ષ આમ ગુમાવી દેવાને કારણે ચિત્કારી રહ્યો
હતો.આ જોઇને દ્રવી ઉઠેલા સંન્યાસી એ નદીમાં ડૂબકી લગાવી અને ઉંદરને ડૂબવાથી બચાવી લીધો. ત્યારબાદ તે ઉંદરને પોતાની સાથે કુટિરમાં લઇ ગયા. સંન્યાસી આ ઉંદરને કેમેય કરીને સુરક્ષિત રાખવા માંગતા હતા કારણકે તે એક જીવ હતો, અને દરેક જીવન મૂલ્યવાન હોવાથી એમણે ઉંદરને પોતાની કુટિરમાં રાખી તેને દાણો-પાણી ખવડાવ્યા અને ઘાસની મુલાયમ પથારી કરી આપી. તેમની આવી કાળજીને કારણે ઉંદર થોડા જ દિવસોમાં એકદમ તંદુરસ્ત અને તગડો થઇ ગયો.
એક
દિવસ આ ઉંદર તરસ્યો હોવાથી નદીકિનારે પાણી પીવા ગયો. નદીએ પાણી પીતાં તેને એક
બિલાડીએ જોઈ લીધો. દરેક પ્રાણીમાં સ્વાદિષ્ટ અને ભરપેટ આહાર માટેની ઈચ્છા જન્મજાત
રહેલી હોય છે. એટલે, આ બિલાડી પણ હ્યુષ્ટપુષ્ટ ઉંદરને જોઇને તેનો શિકાર કરવા
લોભાઈ. જોકે, ઉંદરે બિલાડીનું પ્રતિબિંબ પાણીમાં જોઈ લીધું હોવાથી તે ડરનો માર્યો
ત્યાંથી શક્ય એટલી ઝડપે નાઠો અને જઈને સંન્યાસી નાં ખોળામાં લપાઈ ગયો.
સંન્યાસી
એ ડરેલા ઉંદરને શાંત કર્યા પછી કહ્યું, “શાંત થા, હે મુષક! લે, તને હું બિલાડી
બનાવી દઉં છું!” અને આટલું કહ્યું ત્યાં જ ઉંદર ચપળ, સુંદર અને અણીયારા નહોરવાળી
બિલાડી બની ગયો. ઉંદરને પોતાની જાતને આ સ્વરૂપમાં જોઇને ખુશી થઇ કારણકે હવે તેને
લપાવું-છુપાવું કે ભાગવું નહિ પડે.
સંન્યાસી
રોજ આ બિલાડીને ધ્યાન અને સાધના માટે જવા
અગાઉ ખવડાવતા. ત્યારબાદ બિલાડી વનમાં
વિહાર કરવા નીકળી પડતી. એક દિવસ એક કદાવર શ્વાનની નજર આ બિલાડી પર પડી, અને તે તરત
જ એની પર તરાપ મારવા દોડ્યો. શ્વાનના દોડવાના અવાજ અને એના ઝડપી શ્વાસોચ્છવાસ
બિલાડીના સતેજ કાને પડ્યા એટલે તે ઉભી પૂંછડીએ ભાગી અને સંન્યાસી પાસે બચાવ માટે પહોંચી ગઈ.
બિલાડીનાં
ચિત્કારોથી સંન્યાસી ની સાધનામાં ભંગ પડ્યો અને ડરથી ફફડતી બિલાડીને જોઇને એમનું
હ્રદય ફરીથી દ્રવી ઉઠ્યું. તે બોલ્યા, “ઓ રે જીવ! ભયમુક્ત થા! લે, તને હું શ્વાન
બનાવું છું.” આટલું બોલતાની સાથે જ બિલાડી કદાવર શ્વાનમાં ફેરવાઈ ગઈ!
સંન્યાસી
અને શ્વાન સુખેથી રહેવા લાગ્યા. શ્વાન
જંગલમાં ભયમુક્ત થઈને વિચરતો કારણકે એ હવે ક્યાં બીકણ બિલાડી હતો? એક દિવસ શ્વાન
જંગલમાં ખોરાકની શોધમાં ગયો ત્યારે તેને એક વિકરાળ વાઘનો ભેટો થયો.
શ્વાને
પોતાનાથી કદકાઠીમાં મોટું અને શક્તિમાં વધારે પ્રબળ પ્રાણી જોયું નહોતું. એટલે, તે
પૂંછડી દબાવીને સંન્યાસી ની કુટિર તરફ નાઠો. તેનો પીછો કરતો વાઘ એને પકડી લેવાની
અણી પર જ હતો ત્યાં સંન્યાસી પોતે અહીં
જંગલમાં પ્રકટ થયા. કહ્યું છે ને કે સાધુતા આગળ સૌથી હિંસક પ્રાણી પણ પોતાનો
સ્વભાવ ભૂલીને શાંત થઇ જાય છે. એટલે, એમને જોઇને ખૂંખાર વાઘ પળવારમાં નરમ ઘેંસ
જેવો થઇ ગયો. આમ, શ્વાનનો સંન્યાસી દ્વારા બચાવ થયો.
“ઓ
જીવ, ડરીશ નહિ! જા, હું તને વાઘ બનાવું છું!” દયાળુ સંન્યાસી બોલ્યા અને તે સાથે જ શ્વાન વાઘ બની ગયો.
સંન્યાસી
માટે ઉંદર ગમે તે સ્વરૂપ ધારણ કરે પણ આખરે
તો ઉંદર જ હતો. એને એમણે વાઘમાં પરિવર્તિત કર્યા બાદ થયું એવું કે એ ક્યાંય પણ જતો
ત્યારે કોઇપણ પ્રાણી એનાથી ભય પામતું નહિ! સૌ એકમેકના કાનમાં ગણગણતા, “જુઓ! પેલો ઉંદર
જાય જેને ભલા સંન્યાસી એ વાઘ બનાવી દીધો છે!” આ સાંભળીને વાઘ ખિજાઈ જતો કારણકે
તેને ખબર હતી કે અન્ય કોઈ વાઘ હોત તો એને જોઇને જ બધાં પ્રાણીઓ ડરી ગયા હોત.
આવી
હાંસી થતી જોઇને વાઘે વિચાર્યું, “જ્યાં સુધી આ સંન્યાસી જીવિત છે ત્યાં સુધી કોઈ પ્રાણી મને ગાંઠશે નહિ
અને મારો આદર નહિ કરે. એટલે, મારે આ સંન્યાસી નો ભક્ષ કરી જવો રહ્યો.”
વાઘના
વિચાર સંન્યાસીએ પામી લીધા અને તત્ક્ષણ બોલ્યા, “અરે નાલાયક જીવ! જા, પાછો ઉંદર જ
થઇ જા!” સંન્યાસી આટલું બોલ્યા ત્યાં તો
પેલો વાઘ પાછો ઉંદર થઇ ગયો અને સંન્યાસી કંઈ સજા કરશે એ વિચારથી ભય પામીને એ ઝટપટ જંગલમાં
નાસી ગયો!



No comments:
Post a Comment