Tuesday, May 21, 2024

હિતોપદેશની વાર્તાઓ ( વાર્તા-૪: કર્તવ્યપરાયણ રાજસેવક )

 

વાર્તા-૪: કર્તવ્યપરાયણ રાજસેવક

કોઈ એક સમયે એક યુવાન રાજહંસ ઉદાસ ચિત્તે વન-વન અને સરોવર-સરોવર ભટકતો હતો.  આમ ખિન્ન હ્રદયે ભટકતા રાજહંસને એક બતકે જોયો અને એને પૂછ્યું, “ આપ  શા કારણથી ઉદાસ છો?”  ઊંડો નિસાસો લઈને રાજહંસ બોલ્યો, “ હું એક રાજહંસીનાં પ્રેમમાં હતો. તે રાજહંસી રાજ સરોવરનાં રાજાની કુંવરી હતી. એ રાજહંસીના પિતાએ મને કુળહીન ગણીને તુચ્છકાર કર્યો હતો! તું જ કહે, કોઈ રાજકુમાર કુળહીન હોઈ શકે?”

બતકે માથું ધુણાવીને રાજહંસને આ પ્રમાણે વાર્તા કહી.

એક રાજાના રાજ સરોવરમાં વસવાટ કરતા રાજહંસના પરિવારમાં એક રાજકુમાર હંસ પણ હતો. કોણ જાણે કેમ પણ આ યુવરાજ હંસને તેની પત્ની અને પુત્ર સહિત રાજવટો આપવામાં આવ્યો. દૂરદેશાવર સુધી ઉડ્ડયન કર્યા બાદ તે યુવરાજ અન્ય દેશમાં આવી ચડ્યો. ત્યાંના રાજાના મહેલના પ્રવેશદ્વાર પર પહેરો ભરી રહેલા પહેરેદારને એણે કહ્યુ, “હું યુવરાજ છું અને રાજાની સેવામાં જોડાવા ઈચ્છુક છું. એટલે મને તું એમની પાસે લઇ જા.”



પહેરેદારને આ યુવરાજની વાતમાં વિશ્વાસ પડ્યો અને તે એને પોતાના રાજાના દરબારમાં લઇ ગયો. રાજાએ યુવરાજને પૂછ્યું કે તું અહીં શા માટે આવ્યો છે ત્યારે યુવરાજે જવાબ આપ્યો, “હું કામની શોધમાં છું. આપનો સેવક થઈને રહેવા ઈચ્છું છું. બદલામાં આપ મારું વળતર નક્કી કરો.”  રાજાને આ જાણીને ભારે નવાઈ ઉપજી અને એમણે પૂછ્યું કે તેને કેટલું વળતર જોઈએ છે. યુવરાજે જવાબ આપ્યો, “દરરોજની  ચારસો સુવર્ણમુદ્રાઓ.”

રાજાએ પૂછ્યું, “ અને તને કેવું કામ ફાવશે?”

“હું તમારો દ્વારપાળ બનીશ. હું મારા બાહુબળથી અને તલવારથી તમારું રક્ષણ કરીશ.” યુવરાજે ઉત્તર આપ્યો.

“પણ આ કામના બદલામાં તું વધુ પડતું વળતર માંગી રહ્યો છે!” રાજાએ કહ્યુ.

આ સાંભળીને યુવરાજે રાજાને નમન કર્યા અને ત્યાંથી ચાલ્યો ગયો.

 તેના ગયા પછી રાજાએ પોતાના મંત્રીઓને કહ્યું, “ હે મહાનુભાવો, ચાલો આપણે આને ચાર દિવસ માટે કામ આપી જોઈએ. જોઈએ તો ખરા કે આટલી બધી સુવર્ણમુદ્રાઓઓનું એ કરે છે શું!  ને ત્યાં સુધી આપણે એની પર ચાંપતી નજર રાખવાની છે. શું ખબર આપણને એ કોઈક રીતે ઉપયોગી થઇ પડે એમ હોય.”

એટલે યુવરાજને પાછો રાજા સમક્ષ બોલાવવામાં આવ્યો અને ચાર દિવસ માટે કામ સોંપવામાં આવ્યું. રાજાએ પોતે એની પર નજર રાખવા માંડી. યુવરાજે પોતાને મળતી સુવર્ણમુદ્રાઓમાંથી એક તૃતીયાંશ ભાગની મુદ્રા મંદિરો અને બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. બીજી એક તૃતીયાંશ મુદ્રા એણે ગરીબો અને જરૂરિયાતમંદોને દાનમાં આપી દીધી. અને બાકી બચેલી એક તૃતીયાંશ મુદ્રા પોતાના ખોરાકપાણી અને આનંદપ્રમોદ પાછળ ખર્ચી. ત્યારબાદ એણે રાજદ્વારે રાત-દિવસ હાથમાં તલવાર સાથે ચોકીપહેરો કર્યો. રાજા આજ્ઞા આપે ત્યારે જ તે પોતાના આવાસ પર પરત ફરતો. રાજાને એની કાર્યનિષ્ઠાથી એટલો સંતોષ થયો કે એમણે તેને પોતાનો અંગત સુરક્ષાકર્મી તરીકે નીમી દીધો.

પછી એક વખત અમાસની કાજળઘેરી રાત્રે રાજાને કાને ક્યાંકથી કોઈના વિષાદપૂર્ણ રુદનનો અવાજ  સંભળાયો. રાજાએ દ્વાર આગળ રખેવાળી કરતા યુવરાજને કહ્યુ, “ આ રુદનનો અવાજ ક્યાંથી આવે છે. જા, જઈને તપાસ કર.”

“જેવી આપની આજ્ઞા.” કહીને યુવરાજ આ અવાજની શોધમાં નીકળી પડ્યો. રાજાને ત્યારબાદ થયું કે એને રાત્રે એકલો આ રીતે નહોતો મોકલવો જોઈતો. એટલે એમણે પોતે પણ પાછળ તપાસ કરવા જવાનું વિચાર્યું.  આમ, હાથમાં તલવાર રાખીને રાજા પણ અંધારામાં નીકળી પડ્યો. આ બાજુ યુવરાજ અવાજનું પગેરું શોધતાં જ્યાં આવી ચડ્યો ત્યાં જુએ તો જાતભાતનાં કિંમતી આભૂષણ અને વસ્ત્રોમાં સજ્જ એક રૂપયૌવના બેઠી બેઠી હીબકાં ભરી રહી છે. યુવરાજે એને પૂછ્યું, “તું કોણ છે? શા માટે આમ રુએ છે?” ત્યારે તે યૌવનાએ જવાબ આપ્યો, “ હું રાજલક્ષ્મી છું.  ઘણા વર્ષ સુધી હું આ રાજ્યમાં અને રાજાને આશ્રિત રહી. રાજાના રાજમાં મેં ઘણો સુખકાળ ભોગવ્યો. પણ હવે હું અહીંથી જવા માંગું છું.” યુવરાજે એને સાંત્વના આપ્યા પછી કહ્યુ, “જ્યાં સમસ્યા છે, ત્યાં એનો ઉકેલ પણ છે.  કોઈ એવો રસ્તો પણ હોવો જોઈએ કે આપ અહીં જ રોકાવાનું પસંદ કરો. આપ જ કહો, આ માટે હું શું કરી શકું?”   આ સાંભળીને રાજલક્ષ્મી બોલી, “જો તું તારા પુત્રનું સર્વમંગલા ભગવતી દેવીને બલિદાન આપે તો હું અહીં લાંબો સમય સુધી રહું.” આટલું બોલીને રાજલક્ષ્મી અંતર્ધાન થઇ ગઈ.

ત્યારબાદ આજ્ઞાંકિત યુવરાજ ઝડપથી પોતાના નિવાસસ્થાને પાછો ફર્યો અને પોતાની પત્ની અને પુત્રને ભરઊંઘમાંથી ઉઠાડીને બધી વાત કહી. એ સાંભળીને પુત્ર આનંદપૂર્વક બોલ્યો, “ રાજાને હું કોઈક રીતે કામમાં આવી શકું છું એથી રૂડું શું હોઈ શકે? વિદ્વાનો કહી ગયા છે ને કે અન્ય માટે સંપત્તિ અને પ્રાણનો ત્યાગ કરવામાં ગૌરવ છે. ચાલો, હવે વિલંબ ન કરો!”

પત્ની પણ બોલી, “હા, જો આપણે એમ ન કરીએ તો રાજાને આટલા મોટા મહેનતાણાનું વળતર કેમ ચૂકવાય?” આમ, સૌ ભગવતી દેવીના મંદિરે ગયા અને ત્યાં જઈને યુવરાજે કહ્યુ,” હે મા, હું મારો પુત્ર તારા ચરણે ધરું છું. એનો સ્વીકાર કરજે.” આટલું બોલીને તેણે પોતાના પુત્રનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું!

આમ કર્યા બાદ યુવરાજનું હ્રદય પણ ઘોર વિષાદથી ભરાઈ ગયું અને એણે વિચાર્યું, “મેં રાજાના મહેનતાણાનો બદલો ચૂકવ્યો છે જેના માટે મારે આ પ્રેમાળ પુત્રનો ભોગ આપવો પડ્યો છે. હવે પુત્રહીન થયેલા મારે પણ જીવીને શું કામ છે? જીવતા રહીને આ ભાર કેમ વેંઢારવો?” આમ વિચારી એણે હાથમાં રહેલી તલવાર વડે પોતાનો પણ શિરચ્છેદ કર્યો. તેની પાછળ પુત્ર અને પતિ ગુમાવી ચુકેલી પત્નીએ પણ એમ જ કર્યું. 

આમ આખા કુટુંબને આ રીતે પોતાને માટે ભોગ આપતા જોઇને રાજાને પણ આશ્ચર્ય થયું અને એણે વિચાર્યું, “આ યુવરાજની સરખામણીએ મારી જિંદગી તો સાવ તુચ્છ છે. લોક જન્મે છે અને મરે છે પણ આ યુવરાજની જેમ ઉદ્દાતપૂર્ણ જીવન અને મરણ તો ભાગ્યે જ કોઈ પામે છે. એણે પ્રાણત્યાગ કર્યો છે ત્યારે હવે મારે પણ આ રાજનો શો ખપ?” આટલું બોલી રાજાએ પણ પોતાનો શિરચ્છેદ કરવા તલવાર ઉંચી કરી. ત્યાં જ ભગવતી દેવી પ્રકટ થયા અને બોલ્યા, “હે પુત્ર! હું તારાથી પ્રસન્ન થઇ છું. તારે અત્યારે આમ પ્રાણત્યાગ કરવાની જરૂર નથી. તારા મૃત્યુ પછી પણ તારું રજવાડું અખંડ રહેવાનું છે.”

રાજાએ ભગવતી દેવીને સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યુ, “ હે દેવીમા! હવે આ રજવાડાનો મારે શો ખપ?જો આપ સાચે જ મારા પર પ્રસન્ન થયા હો તો એક કૃપા કરો. આ યુવરાજ, એની પત્ની અને એના પુત્રને પુનર્જીવિત કરો. અન્યથા, હું પણ મારા પ્રાણનો ત્યાગ કરીશ.”

ભગવતી દેવી બોલ્યા, “ વત્સ! તારા આ વચનોથી હું ખૂબ પ્રસન્ન થઇ છું. જા, વિજયી થા. યુવરાજ અને એના કુટુંબને હું સજીવન કરું છું.” આટલું બોલીને દેવી અંતર્ધાન થઇ ગયા.

યુવરાજ અને એનો પરિવાર પુનર્જીવિત થઈને  નિવાસસ્થાને પરત ફર્યો. આ બાજુ રાજા પણ એમને ખ્યાલ ન આવે એ રીતે રાજભવનમાં પાછો આવીને પોઢી ગયો.

બીજે દિવસે સવારે રાજાએ યુવરાજને દ્વાર પર ચોકીપહેરો કરતા જોઇને ગઈકાલની ઘટના અંગે પૂછ્યું. ત્યારે યુવરાજે કહ્યુ, “ મહારાજ!  મને જોઇને તે રડતી સ્ત્રી અદ્રશ્ય થઇ ગઈ. બસ, મને તો એટલી જ ખબર છે!”

આ સાંભળીને રાજાને આનંદ અને આશ્ચર્ય થયું. એણે વિચાર્યું, “  એણે અને એના પરિવારે મારે માટે બલિદાન આપ્યું છતાં એ અંગે હરફ સુદ્ધાં એણે ઉચ્ચાર્યો નથી! કેવો ઉદાર અને બહાદુર! ને છતાં બહાદુરીના બણગાં ફૂંકવાથી તદ્દન અલિપ્ત! આ બધા મહાનુભાવોના લક્ષણ છે.”

પછી રાજાએ એ દિવસે સભા ભરી અને સૌને રાતની ઘટના અંગે કહ્યુ.  રાજાએ ભરીસભામાં યુવરાજને  રાજ્ય આપીને તેનું સન્માન કર્યું.

વાર્તાને પૂર્ણ કરતા રાજહંસ બોલ્યો, “ તો તે જોયું કે કેવી રીતે આ પારકા અને પરદેશી કહેવાયેલાએ રાજાની ઉત્તમ સેવા કરી. તો પરદેશીઓને હંમેશા દુષ્ટ શા માટે ગણવા? શું તેઓ સ્વભાવથી દુષ્ટ હોય છે? ના, પરદેશીઓમાં પણ તમામ પ્રકારો હોય છે – ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ.”

આ સાંભળીને બતક બોલ્યો, “ જે જાણતો હોવા છતાં ગેરમાર્ગે દોરે એને જ દુષ્ટ ગણવો.”

***********


આ વાર્તા આપને ગમી??? તો આવી બીજી રસતરબોળ કરનારી ૩૭ વાર્તાઓ વાંચવા- વંચાવવા માટે ઘરબેઠા "હિતોપદેશ" પુસ્તક એમેઝોનની લિંક પરથી કરો ઓર્ડર:
પુસ્તક સાથી Pustak Saathi ( અરિહંત બુક્સ ભાવનગર ) પરથી પણ WhatsApp દ્વારા પુસ્તક ૨૦% વળતર સાથે મંગાવી શકાશે : https://wa.me/c/919824294075

ગુજરાતી અનુવાદક / રજૂઆતકર્તા : ઈશાન ભાવસાર
તમામ તસ્વીરો: ઇન્ટરનેટ

No comments:

Post a Comment