Sunday, November 25, 2018

રખડે એ રાજા: પ્રવાસની પાઘડીમાં હાસ્યનું છોગું!

ગુજરાતી પત્રકારત્વનું સન્માનનીય નામ એટલે લલિત ખંભાયતા. દસેક વર્ષથી પત્રકારત્વક્ષેત્રે કાર્યરત અને હાલ ‘ગુજરાત સમાચાર’માં પ્રવર્તમાન ખબરો અંગે ‘સમયાંતર’ અને વિદેશી ફિલ્મોનો આસ્વાદ કરાવતી ‘પરદેશી પ્રોફાઈલ’ જેવી લોકપ્રિય કોલમ લખતા લલિતભાઈની કલમ વિજ્ઞાન અને ટેકનોલોજી, ફિલ્મ, ઈતિહાસ, પુરાતત્વ, સંશોધન, સાહિત્ય વગેરે જેવા વિવિધ વિષયો આવરી લે છે. પણ એમનો પ્રિય વિષય એટલે પ્રવાસ. જોકે વાત લલિતભાઈની થતી હોય તો એમની સાથેના વિશેષ પરિચયે મારે કહેવું પડે કે ‘પ્રવાસ’ કરતા પણ ‘રખડપટ્ટી’ને એ વધુ પસંદ કરે.

અગાઉ ‘બ્રેવહાર્ટસ’ અને ‘જેમ્સ બોન્ડ ૦૦૭’ જેવા પુસ્તકો આપી ચૂકેલા લલિત ખંભાયતા આ વખતે જેની ક્યારની રાહ જોવાઈ રહી હતી એવા પ્રવાસવર્ણનનાં પુસ્તક સાથે ફરીથી હાજર થયા છે. સામાન્યતઃ ગુજરાતી પ્રવાસપુસ્તકોનાં નામ ન હોય એવું નવતર નામ પણ ખોળી લાવ્યા છે: રખડે એ રાજા. પુસ્તકની પ્રસ્તાવનામાં જ એમણે આ નામ અંગે ફોડ પાડતા કહ્યું છે કે પોતાના ગામમાં નાનપણમાં મિત્રો પાસેથી સાંભળવા મળતું: ‘ભણે એ ભીખારી, રખડે એ રાજા’. જોકે ભણતરનું પણ ઉચિત મહત્વ છે એવું સ્વીકારવા સાથે એમણે પ્રવાસને પણ સ્વાનુભવે થતું ભણતર તરીકે ઓળખાવ્યું છે.

આમ તો લલિત ખંભાયતાએ ઘણા પ્રવાસો કર્યા છે પણ અહીં એમાંથી પસંદગીનાં દસ પ્રવાસવર્ણનો સામેલ છે જે વાચકોને દક્ષિણ આફ્રિકા, ચંપારણ, મસુરી, ઉત્તર બંગાળ, અને અમેરિકાની સફર કરાવવાની સાથે ગાંધી દર્શન ટ્રેનમાં ફેરવતા ફેરવતા ગીરનાં જંગલમાં આવેલા કનકાઈ મંદિરે પણ લઇ જશે.

પ્રવાસવર્ણનમાં પણ જે રીતે ‘જર્ની ટૂ ધ સેન્ટર ઓફ ધ અર્થ’ જેવા જુલે વર્નની વિજ્ઞાનકથા જેવા પુસ્તકો, ‘ગોલ્ડ ફિંગર’, ‘સ્કારફેસ’, ‘કાલા પથ્થર’ અને ‘ધ ગ્રેટ એસ્કેપ’ જેવી ફિલ્મો, ‘હિસ્ટરી’ ચેનલ, તારક મહેતાએ કરેલું વિલ્ડબીસ્ટનું વર્ણન, આફ્રિકન સિંહને જોઇને કવિ દાદની ‘જોગી જટાળો અને ભૂરી લટાળો’ની અને ગેંડાનાં શરીરને ઉપરકોટનાં કિલ્લાની શબ્દઉપમા, ઈ.સ. ૧૯૨૭માં પ્રથમ વખત એટલાન્ટીક પાર ઉડ્ડયન જેવા સંદર્ભો લલિત ખંભાયતાની રેંજ અને ડેપ્થ બતાવી આપે છે. એ પ્રવાસવર્ણન તો તમે વાંચશો ત્યારે ખરું પણ અત્યારે તો આ પુસ્તકમાં પ્રવાસની પાઘડીમાં હાસ્યનાં છોગાં સમાન લાગતા અંશો તમારી સાથે વહેંચું છું...

--- હેવલીનભાઈ ભારે રમૂજી હતા. ગાઈડમાં હોવા જોઈએ એવા બધા જ ગુણ એમનામાં હતા, જેથી પ્રવાસીઓ કોઈ રીતે કંટાળે નહિ. અમે કંઇક પૂછીએ અને અમને ન સમજાય તો ‘સે અગેઇન...’ કહેવાની તેમની સ્ટાઈલ જાણે દિવાળીબેન લોકગીત ગાતા હોય એવી હતી.

--- અજાણ્યો દેશ, અજાણ્યું શહેર, અને અજાણી વાનગીઓ... આખા સ્થળનાં બે ચક્કર મારી લીધા. તગારામાં વીંછી ફરતો હોય એમ ફરતા સાથીદારો વચ્ચે અરસપરસ પૂછપરછ થતી હતી કે ‘તમે શું ખાવાના...તમને કંઈ મળ્યું...’ વગેરે.

--- ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે ચાલવાનું હતું. પણ ચાલી શકાય એવું દર વખતે બનતું નથી, ભલે ઘરમાં ટાઈમ મેનેજમેન્ટની બે-ત્રણ ચોપડીઓ હોય તોય...!

--- એકાદ વ્યક્તિ પાસે પાવરબેંક હતી એ પણ સાંજ પડ્યે ૫૦૦-૧૦૦૦ની જૂની નોટોની માફક પાવરલેસ થઇ જતી હતી.

--- અચ્છા કોઈની પાસે સંપત્તિ ફાટફાટ થતી હોય તો ત્યાંથી સોનું ખરીદવાની છૂટ. દીવાલ પર રોજ રોજ સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ લખેલો હતો. ખરીદવું હોય એ આવે આગળ. બધા આગળ આવ્યા પણ દરવાજેથી બહાર નીકળવા માટે!

--- આજે ગાંધીજીએ ચંપારણમાં સત્યાગ્રહ કરવાના થાય તો એક સત્યાગ્રહ મચ્છર વિરુદ્ધ પણ કરવો પડે.

--- બિહારી છાણા સાવ અલગ પ્રકારના. મગદળ જેવા. જાણે અમરેન્દ્ર બાહુબલીના હાથમાં શોભતો દંડૂકો જોઈ લો.

--- પુલ શરુ થયો ત્યારે ખબર પડી કે ઇન્દિરા ગાંધી યુગમાં બનેલો આ પુલ વર્તમાન કોંગ્રેસની માફક ખખડી ગયો છે અને તેનું પણ કોંગ્રેસની જેમ જ નવસર્જન જરૂરી છે.

--- થેલામાંથી બોટલ કાઢીને વિનોદભાઈએ સૌથી પહેલા અમને ફુદીના તથા અન્ય સ્થાનિક પેડ-પૌધા મિક્સ કરેલું શરબત પીવડાવ્યું. ત્યારે ખબર નહોતી કે હમણાં આ શરબત પરસેવા સ્વરૂપે નીકળવાની શરૂઆત થશે.

--- આયોજન સરસ હોવાની અમે ચર્ચા કરી રહ્યા હતા ત્યાં જ ખબર પડી કે આખા ડબ્બામાં મોબાઈલના ચાર્જીંગ પોઈન્ટ ક્યાંય નથી! ટ્રેન ઉપડી એની પંદર જ મિનીટમાં સૌ કોઈ ગાંધીયુગમાં પહોંચી ગયા છે, જ્યાં મોબાઈલ ફોન જેવા કોઈ ઉપકરણો ન હતા!

--- અમારા દિવ્યેશ વ્યાસ પેન્ટ્રી કાર પાસે આંટાફેર કરતા હતા. એમને જોઇને રેલ્વે મેનેજરે કહ્યું કે આવો મારી સાથે! ક્યાં? પેન્ટ્રી કારનું ઉદઘાટન કરવા!

--- રસ્તામાં એક શેરડીના રસની દુકાને સ્કીમ હતી – ‘પાંચ રસ સાથે એક રસ ફોકટ (ફ્રી).’ રસ ફોકટ મળતો હોય તો કોને રસ ન પડે!

--- ટ્રેનમાં પૂરતી સુવિધા મળતી નથી એવો એક ગણગણાટ ચાલુ થઇ ગયો હતો. એમાં વળી આ યુવાન એવી શેખી મારતો હતો કે ટ્રેન ચાલકોને ખબર નથી કે મારી ઓળખાણ છેક મામલતદાર સુધી છે!

--- અહીંથી બ્રિન્દાબા નામના આશ્રમે જવાનું છે. બસો ઉપડી અને બધાને એમ લાગ્યું કે વૃંદાવન જઈ રહ્યા છીએ. મોટાભાગનાને ભૂગોળ ખબર નહોતી એટલે હમણાં વૃંદાવન આવશે એવી અપેક્ષાએ બધા ઉત્સાહિત હતા.

--- એક સમયે કાશીમાં કરવત મુકાવવા જતા હતા. આજેય કરવત મૂકાય છે, પણ પ્રવાસીઓના ખિસ્સા પર.

--- મંદિરમાં બધું કઢાવી નાખે પણ પાકીટ રહેવા દેતા હતા તેનું રહસ્ય અહીં સમજાયું. પાકીટ વગર મંદિરમાં લક્ષ્મી ક્યાંથી આવે!

--- બાકી વિસા એજન્ટોનો અનુભવ હશે એ જાણતા હશે કે એકાદ પ્રવાસ થઇ જાય એટલા રૂપિયા તો એકલા એજન્ટ ઉશેટી જાય!

(‘રખડે એ રાજા’ ની કિંમત રૂ.૨૨૫/- છે, પ્રકાશક છે ‘બૂકશેલ્ફ’, આ પુસ્તક અત્યારે ચાલી રહેલા ‘અમદાવાદ નેશનલ બુકફેર’માં સ્ટોલ નંબર ૧૨૧-૧૨૨ પરથી પણ મેળવી શકાશે.)

Thursday, November 22, 2018

ગોવા પ્રવાસ: ચલ મન ગોવા જોવા (ભાગ-૬)

Candolim/કેન્ડોલીમ તરફ 

૨૬-૦૭-૨૦૧૮. ૧૧:૧૫એ કોકોનટ ગ્રુવઝમાંથી ચેકઆઉટ કર્યું. અહીંથી અમારે કેન્ડોલીમ જવાનું હતું જ્યાં અમે Oyo એપાર્ટમેન્ટમાં બે રૂમ બૂક કરી દીધા હતા. ટેક્સી કર્યા સિવાય છૂટકો નહોતો. ટેક્સીની સફર દરમ્યાન અહીં જે કંઈ જોયું એ વિચારો ટપકાવી લીધા. ગોવામાં ફૂટપાથ ક્યાંય જોવા ન મળી, કચરાપેટી પણ નહિ. ચકલી, કબુતર, ડ્રોંગો, કાગડો વગેરે પુષ્કળ જોયા (કાગડા તો અહીં પણ કાળા જ છે! ;-) ) ગોવામાં તો માથું ઊંચું કરો તો નજર પડે ત્યાં નારિયેળ દેખાતા હોવા છતાં એ નીચે ઉતરે ત્યારે એની કિંમત બહુ ઉપર જતી રહેતી હોય એમ લાગ્યું. આપણે ત્યાં જે નારિયેળ પચીસ-ત્રીસનું મળતું એ નારિયેળ અહીં ચાળીસ રૂપિયામાં વેચાતું જોયું. કુદરત અહીંના નારિયેળમાં કદાચ વધુ પાણી કે મલાઈ ભરતી હોય તો ખબર નહિ! હા, ગુજરાતીઓને ગમે એવી વાત એ છે કે શરાબ અહીં સસ્તો છે – ફેનીનું ક્વાર્ટર ફક્ત ૫૦/- નું મળતું જોયું! 

ગોવામાં સારી, સ્કૂટર સવારી!* (* કન્ડીશન્સ એપ્લાઈડ) 

કેન્ડોલીમનાં ઓયો એપાર્ટમેન્ટ પહોંચી ગયા. એક તો અહીંનાં ડ્રાઈવરોને પૈસા પુષ્કળ પડાવવા છે પણ રસ્તાઓની ખબર નથી. વચમાં કોઈ ભળતા રસ્તે જઈ ચડ્યા હતા. GPS પણ પોતાનું નહિ આપણું વાપરવાનું. Calangute તરફ લઇ જતા મુખ્યમાર્ગથી અંદર પડતી સડક પર સહેજ અંદર આવેલા આ ઓયો એપાર્ટમેન્ટનાં પહેલે માળ અમારી રૂમ્સ છે. રૂમમાં પહોંચીને તરત જ ચા-નાસ્તો મંગાવ્યો. દરમ્યાન ગેલેરીમાં ઉભા ઉભા આયુર્વેદિક બીડીનાં કશ પણ ખેંચાયા! ચા-પાણી પછી હવે જવું છે અમારે મારિયોનાં પુસ્તકો અને કાર્ટૂન્સ આધારિત ચીજવસ્તુઓનું વેચાણ કરતી Mario Gallary/મારિયો ગેલેરી અને Agauda Fort/અગુઆડા અથવા અગ્વાડા કિલ્લો જોવા. ઓયો કેપ્ટન જોડે ચર્ચા કરી એટલે એણે કહ્યું કે મારિયો ગેલેરી અહીં નજીક જ છે એટલે પહેલા ત્યાં જાઓ અને પછી ફોર્ટ અગુઆડા. જોકે બન્ને એક જ રસ્તે પણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. કેપ્ટન પાસેથી જ અમે સ્કૂટર્સ લઇ લીધા. ભાડું પૂછો તો ૪૦૦/- રુ. જાતે જ એણે અમને ૩૫૦/- માં કરી આપ્યું. હેલ્મેટ વગર અહીં તકલીફ તો નહિ થાય એ પણ જાણી લીધું. કારણકે પોલીસ પકડીને અંદર કરી દે તો ક્યાં જવું? સવારોએ સ્કૂટર પલાણ્યા અને પાછળ પીલીયન રાઈડર્સ ગોઠવાયા એટલે સવારી ઉપડી ગોવાની સડકો પર...

કેલેંગ્યૂટની Mario Gallary/ મારિયો ગેલેરી 

પાંચ જ મિનિટમાં અમે Calanguteની મારિયો ગેલેરી પહોંચી ગયા. મુખ્યમાર્ગ પર જ આવેલી આ ગેલેરીની બહાર જ મારિયોના ફૂલ સાઈઝ પાત્રોનાં પૂતળા મુલાકાતીઓના સ્વાગત માટે તૈયાર હતા! એમની સાથે ઉભા રહીને અમે એમના જેવા હાવભાવ આણવાના પ્રયત્નો કરતા એટલા તો ફોટાઓ લીધા કે ગેલેરીનો સ્ટાફ અમારી રાહ જોઇને થાકી ગયો! ફોટાઓની માયાજાળમાંથી સૌથી પહેલા લલિતભાઈ છૂટ્યા એટલે એમણે ગેલેરીમાં પ્રથમ પ્રવેશ કર્યો અને પાછળથી અમે. મારિયોનાં કાર્ટૂન્સ અને ઈલ્સટ્રેશનનાં બેજ, ફ્રીઝ પર લગાવવાના મેગ્નેટ, કાર્ડ્સ, કિચેન, ટી-શર્ટ, પર્સ, ફ્રેમ્સ, બુક્સ, લેમ્પ્સ જેવી આઈટમ્સ અમે સૌ કુતુહલથી જોતા હતા. જોકે પછી એ વસ્તુઓનાં ભાવ લગાડેલું સ્ટીકર અમારું કુતુહલ મારી નાખતું હતું અને અમારી અને એ વસ્તુની વચ્ચે જાણે કોઈ અદ્રશ્ય પટાન્તર ઉતરી આવતો હતો. બધું overprice હતું. લલિતભાઈએ ધીમેકથી કહ્યું કે, ‘મને તો મારિયોનાં કાર્ટુન્સ ક્યારેય ગમ્યા નથી’, અને પછી હ્યુમર કરતા કહ્યું, ‘આ કાર્ટૂનથી કોઈનું ભલું થયું હોય ન હોય પણ મારિયોના પરિવારનું ચોક્કસ ભલું થયું હશે!’ મારિયોનાં કાર્ટૂનનાં હું અને તુષાર તો ફેન, અને વિશાલને પણ કાર્ટુન્સમાં સારો એવો રસ ખરો. એટલે અમે પણ મારિયોના પરિવારનું અમારાથી બને એટલું, એટલેકે થોડુંકેક ભલું થાય, એ વિચારે કાર્ડ્સ અને ફ્રીજ મેગ્નેટ્સ ખરીદ્યા. 

પેટ્રોલપંપની શોધમાં! 

અરે, આ ગોવામાં તો જબરી ગરબડ ચાલે છે. લલિતભાઈએ તો એમણે લખેલા ટ્રાવેલોગને ‘ગોવામાં ગરબડ’ એવું જ નામ આપી દીધું છે. અમને પેલાએ જે સ્કૂટર બઝાડેલા એમાં પેટ્રોલ કેટલું છે એ જોવાની મતિ મને રસ્તામાં સુઝી. બધાનાં સ્કુટરમાં તો થોડુંકેક પેટ્રોલ હતું પણ મારા સ્કૂટરમાં તો ફક્ત છાંટો પેટ્રોલ હતું. આ તો મોકાણ! ક્યાંક રસ્તામાં અટકી ગયું તો? એટલે અમે પહેલા પેટ્રોલ પુરાવવું એમ નક્કી કરતા અગુઆડા ફોર્ટની દિશામાં ધીમે ધીમે દોડાવતા ગયા. રસ્તામાં પૂછતાં ખબર પડી કે છેક એ રસ્તે તો કોઈ પેટ્રોલ પંપ નથી પણ ડાબે હાથે વળીને ૪ કિ.મી. દૂર જઈશું તો પેટ્રોલપંપ છે ખરો. એટલે ફોર્ટનો રસ્તો પડતો મૂકીને અમારે ડાબે હાથે પડતા રસ્તે વળાવી લેવું પડ્યું. સાંકડા અને પ્રમાણમાં સૂમસામ રસ્તે ખાસ્સું હંકાર્યા પછી અને ધીરજનો લગભગ અંત આવી ગયો ત્યારે છેક પેટ્રોલ પંપ દેખાયો. વળી, અહીં ૪ કિ.મી. નું બોર્ડ હોય તો એ સ્થળ ૬ કિ.મી. દૂર હોય એવું અનુભવે સમજાયું – કોઈએ ચોક્કસ ફેનીનાં નશામાં આવા અંતરો દર્શાવતા બોર્ડ ખોડ્યા હશે! બધાએ પ્રમાણસરનું પેટ્રોલ પુરાવી લીધું એટલે હાશ થઇ.

અગુઆડા ફોર્ટની જગ્યાએ 'આડે ઉતર્યો' માર્ગોસ ફોર્ટ! 

આ બધી દોડાદોડમાં જ ૪:૩૦ જેવું થઇ ગયું હતું. પાંચ-છ વાગે તો અગુઆડા ફોર્ટમાં એન્ટ્રી બંધ થઇ જાય છે. એટલે ત્યાં પહોંચવા પર ચોકડી વાગી. ગુસ્સો તો બહુ આવ્યો પણ ત્યાં જ અમને યાદ આવ્યું કે આ રોડ પરનાં સાઈનબોર્ડમાં ક્યાંક ક્યાંક Reis Margos Fort એવું લખેલું હતું અને અમે અહીં આવ્યા એ જ દિશામાં આગળ જતી તીરની નિશાની પણ જોઈ હતી. બસ તો તીર હવે આ માર્ગોસ ફોર્ટ પર જ લગાવવું રહ્યું! રસ્તાનું પગેરું પૂછતાં પહોંચી ગયા માર્ગોસ ફોર્ટ. પ્રવેશ ફી હતી ૫૦/-. ટિકીટો ફડાવી અમે પ્રવેશ કર્યો ત્યારે સાંજ ઢળી રહી હતી. 

Reis Margos Fort/માર્ગોસ ફોર્ટ

માર્ગોસ કિલ્લામાં બધે જ સાઈનપોસ્ટીંગ અને માહિતીદર્શક બોર્ડસ લગાવ્યા છે જેને વાંચીને બધું જાતે જ સમજતા જવાનું. કિલ્લાનાં પ્રવેશદ્વાર આગળ જ એક ‘Death Hole’ નામનું ચોરસ બાખું છે. વાસ્તવમાં, દુશ્મનો આક્રમણ કરે અને કોઈક કારણસર એ લોકો અંદર આવવા માંડે તો છેલ્લા ઉપાય તરીકે આ holeમાં ઉપરથી ધગધગતું તેલ રેડવાનો વિકલ્પ અજમાવી જોવામાં આવતો. અત્યારે તો સમયે ‘જીતી લીધેલો’ એવો દરિયાકિનારે આવેલો આ પોર્ટુગીઝ કિલ્લો એક સમયે જેલખાનું પણ હતો. મુલાકાતીઓ એ કારાવાસની ‘ફીલ’ લઇ શકે એ માટે કાળકોટરીનો દરવાજો ખૂલ્લો રાખવામાં આવ્યો છે. 

કિલ્લામાં આવેલા ખંડોમાં અલગ અલગ ગેલેરીઓ આવેલી છે. એક ગેલેરીમાં કિલ્લાનો ઈતિહાસ દર્શાવતા માહિતીદર્શક બોર્ડસ મૂકેલા છે તો એક ખંડમાં મારિયોનાં કાર્ટુન્સ પણ ખરા. Interesting Facts about Goaના બોર્ડસ વાંચતા લલિતભાઈએ એક કોમિક માહિતી બધાને બતાવી – આફ્રિકાથી હબસી સૈનિકોને લુચ્ચા પોર્ટુગીઝો અહીં લડવા માટે લઇ આવેલા ત્યારે એમને ગોવાનો નકશો મોટો અને ભારતનો નકશો નાનો હોય એવા નકશા બતાવતા એમ સમજાવેલું કે આપણે આ ‘નાના’ ભારત પર આક્રમણ કરીને ચપટીકમાં જીતી લેવાનું છે!

કિલ્લામાં Do’s અને Don’tsની સૂચનાઓ પણ બહુ ક્રિએટીવ રીતે મૂકવામાં આવી છે. ટેરેસ ઉપરથી સરસ વ્યૂ દેખાય છે. અહીં સંખ્યાબંધ તોપો પણ મૂકેલી છે જેનો હવે કશોય ખપ રહ્યો નથી, મુલાકાતીઓ ફોટા પાડે એટલું જ એમનું મહત્વ રહ્યું છે. ધ્યાનીએ પણ તોપનાં નાળચે બેસીને થોડું રમી લીધું. અમે કલાકેક જેટલું ફોર્ટમાં ફર્યા હોઈશું. કારણકે બહાર આવ્યા ત્યારે ૬:૦૦ વાગી ગયા હતા.

Rocky Beach પર રખડપટ્ટી 

કિલ્લાની છત પરથી નીચેનો બીચ રોકી દેખાતો હતો – ખડકાળ. અમે એમાં ટહેલવાનું નક્કી કર્યુ. બીચની નજીકથી જતા રસ્તે અમે સ્કૂટર હંકારતા જતા હતા પણ બીચમાં ઉતરવાનો રસ્તો મળતો નહોતો. આ બીચ કંઈ ડેવલપ નહોતો એટલે પગથીયા કે એવું તો ક્યાંથી હોય? સહેજ યોગ્ય જગ્યા જોઇને અમે ઉતર્યા. ખડકો પર કૂદાકૂદ કરીને અમે દરિયાનાં મોજાઓને હાથતાળી દેવાની રમત રમવા માંડ્યા. મોજા વધુ નજીક આવી રહ્યા હતા (મીનાજીએ ધ્યાન દોર્યું કે આવતીકાલે પૂનમ છે). કાંઠે એક સુક્કું વૃક્ષ આડું થયેલું પડ્યું હતું. લલિતભાઈ તો એની પર ચડી ગયા. હું અને વિશાલ કાંઠે તણાઈ આવેલા શંખલા-છીપલાં વીણવામાં પરોવાયા. આઈસ્ક્રીમના swirl cone જેવા શંખલા બહુ હતા ક્રીમ-વ્હાઈટ કલરનાં. દસેક મિનીટ શંખલા-છીપલાં વીણયા ત્યારે એટલી મિનિટો માટે તો જાણે બાળપણ પાછું મળી ગયું! બધાએ બૂમ પાડીને બોલાવ્યા ત્યારે છેક અમે પાછા ઉપર આવ્યા.

અહીંથી અમે અમારી ઓયો રૂમ્સની નજીક જ આવેલી ‘કૈલાસ પર્વત’ રેસ્તરાંમાં ડીનર માટે ગયા. ચાટ પ્લેટર-ભાજીપાઉં ખાઈને પછી બહાર આવ્યા. Tawa આઈસ્ક્રીમ મળતો જોઇને બધાનાં પગ એ દિશામાં વળી ગયા. રૂમ પર પાછા આવ્યા અને સૂવાની તૈયારી કરવા માંડ્યા ત્યારે દરવાજે ટકોરા સંભળાયા. ખોલીને જોયું તો લલિતભાઈ. અંદર આવીને પલંગની ધાર પર બેઠા. પછી એમણે અમને ત્રણેયને નજીક ગોઠવાઈ જવા કહ્યું. અમે ગોઠવાયા એટલે એમણે વાતની શરૂઆત કરી, “તમને યાદ હોય તો કે મિરામાર બીચ પર મને એક માણસ મળ્યો હતો...” 

માણસ? કયો માણસ? મળ્યો હશે તો એનું શું પણ? 

– હા,તમને થયા એવા સવાલો અમને પણ થયા હતા. પણ, એ રહસ્યનો ઉત્તર હવે આગળનાં ભાગમાં

Saturday, November 17, 2018

ગોવા પ્રવાસ: ચલ મન ગોવા જોવા (ભાગ-૫)

યે 'બેસીલિકા ઓફ બોમ જીસસ' ક્યા હે? 

ગોવાનું સૌથી જૂનું અને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવિષ્ટ બેસીલિકા ઓફ બોમ જિસસ  
ગોવામાં પણ બે ગોવા છે. ન્યૂ ગોવા અને ઓલ્ડ ગોવા. ઓલ્ડ ગોવાની ઓળખ એટલે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલું બેસીલિકા ઓફ બોમ જિસસ કહેવાતું ચર્ચ. બેસીલિકા મૂળ તો ગ્રીક શબ્દ જેનો અર્થ ‘ન્યાયમંદિર’ એટલેકે Court કરી શકાય. રોમન સામ્રાજ્ય દરમ્યાન ત્યાંના લગભગ દરેક શહેરોમાં ન્યાયમંદિર હતા. રોમનોએ ઈસાઈધર્મ સ્વીકાર્યા પછી જે ચર્ચ બનાવ્યા એનો મૂળ ઢાંચો આવા ન્યાયમંદિરો જેવો રાખ્યો હતો અને એવી બાંધણીનાં ચર્ચ જગતભરમાં જ્યાં જ્યાં ઈસાઈધર્મ પ્રસર્યો ત્યાં ત્યાં બનાવવામાં આવેલા. ગોવાસ્થિત આ ચર્ચ પણ બેસીલિકા પ્રકારનું છે. વળી, ચર્ચ સમ્રગ યુરોપમાં એ સમયે પ્રચલિત બરોક સ્થાપત્યશૈલી મુજબનું છે જેમાં ઓવલ આકારની કમાનો, રંગલાલિત્ય તેમજ છાયાપ્રકાશનું દ્વન્દ્વ, , સીલીંગ પર જાજરમાન ફ્રેસકો વગેરેનું ડીટેઇલીંગ જોવા મળે છે. બોમ જિસસ એટલે કે બાળ ઇસુ. ઈ.સ. 1594માં ચર્ચનું નિર્માણકાર્ય શરુ થયું જે છેક અગિયાર વર્ષે એટલેકે ઈ.સ.1605માં પૂરું થયું. 

ચર્ચનાં પ્રાંગણમાં ઉભેલું કદાવર શિરીષ વૃક્ષ
'ઘટાદાર' વિશેષણને સાર્થક કરતું  આ  શિરીષ વૃક્ષ 

હું દસ ધોરણ સુધી St. Xavier’s શાળામાં ભણ્યો છું જ્યાં મેં કલાસમેટસ પાસેથી પહેલી વાર સાંભળ્યું હતું કે ગોવામાં એવું કોઈ ચર્ચ છે જ્યાં આ સંત ઝેવિયરનું શબ રાખવામાં આવ્યું છે, વળી એમની પગની આંગળી કોઈ કાપીને લઇ ગયેલું એવી વાતો સાંભળીને બહુ અચરજ થતું હતું. અમારી સ્કૂલનાં પ્રાંગણમાં પ્રવેશદ્વાર આગળ જ આ સંતની પૂર્ણકદની શ્વેત પ્રતિમા રાખવામાં આવી છે. આજે આટલા વર્ષે પહેલીવાર ગોવા આવવાનું અને એ ચર્ચમાં જવાનું છે એ ખ્યાલે સ્કૂલની એ વાતો યાદ આવી ગઈ. અમારી બસ આ ઓલ્ડ ગોવામાં બોમ જિસસ ચર્ચ આગળ આવીને ઉભી રહી . આ ચર્ચ અને સામે આવેલું સે કેથેડ્રલ જોવાનું છે. સૌથી પહેલા અમે બોમ જિસસમાં પ્રવેશ્યા. અહીં આંગણામાં જ એ ચર્ચ જેટલા પ્રાચીન લાગતા એક ઘટાદાર વૃક્ષે મારું ધ્યાન ખેંચ્યું. એ શિરીષ/Rain Tree હતું. ફોટોગ્રાફ લેવાનું કેમ ચૂકાય? પહેલા ફોટો પછી ચર્ચપ્રવેશ! એ વૃક્ષના તો ફોટા લીધા જ પણ સાથે અમે પણ ચર્ચની બહાર સારું એવું ફોટોસેશન કર્યું. 

ગાઈડની સંતોષજનક સુવિધા

ગાઈડ સંતોષ નાયક સાથે મિત્રો - વિશાલ, તુષાર અને લલિતભાઈ 
ચર્ચનાં તોતિંગ દ્વારમાં પ્રવેશીએ ત્યાં જ ગાઈડ વ્યાજબી દરે એમની સેવા આપવા માટે તૈયાર હોય છે. સંતોષ નાયક નામના વયોવૃદ્ધ ગાઈડની અમે સેવા લીધી. પેરેલાઈઝ્ડ હોય એમ ગાઈડકાકાનાં બન્ને હાથ પડખે મુઠ્ઠીઓ વાળેલી ‘સાવધાનમુદ્રા’માં સ્થિર રહેતા હતા, અને અમને એ ચર્ચમાં જ્યાં પણ લઇ ગયા ત્યાં એમની રૂડી વાણીરાણી દ્વારા જ સમજાવવાનું કાર્ય સિદ્ધ કર્યું. સૌથી પહેલા તો ચર્ચમાં છેક આગળનાં ભાગે જમણી તરફ આવેલા મુસોલીયમ તરફ લઇ ગયા અને ત્યાં ઉંચે કાચની શબપેટીમાં કોઈ જ કેમિકલ લેપન વગર સાડા ચારસો વર્ષથી જળવાયેલો સંત ઝેવિયરનો મૃતદેહ બતાવતા કહ્યું કે દર દસ વર્ષે એમની મૃત્યુતિથીએ શબને દર્શનાર્થે બહાર લાવવામાં આવે છે. લે, કમાલ છે ને – મર્યા પછી પણ આ સંતનું શબ Incorrupt રહે છે અને આપણે ત્યાં આજે ભલભલા કહેવાતા સંતો જીવતેજીવ Corrupt થઇ જાય છે! 

સંત ઝેવિયરનું અજાયબ શબ: મરણ પછી પણ શબનો દેશદેશાવર પ્રવાસ!


સ્પેનમાં જન્મેલા આ પાદરીએ ફક્ત 46 વર્ષના આયખામાં એશિયાખંડના ભારત, જાપાન, બોર્નીઓ અને ચીનમાં ઈસાઈધર્મનો પુરજોર પ્રચાર કર્યો. ચીનનાં શેંગચુઆન ટાપુ પર ઈ.સ. ૧૫૫૨માં એમનું અવસાન થયું પછી એમની દફનવિધિ ત્યાં જ કરવામાં આવેલી. પણ પછી બીજે જ વર્ષે ત્યાંથી પોર્ટુગીઝ સંસ્થાન એવા મલાક્કા (મલેશિયા) ખાતેનાં એક ચર્ચમાં એમનું શબ દફનવિધિ માટે લાવવામાં આવ્યું. જોકે ત્યાં પણ એમના શબને નિરાંત નહોતી. એકાદ મહિનામાં જ શબને ત્યાંથી નીકાળીને વર્ષાન્તે ગોવા મોકલી આપવામાં આવ્યું. ગાઈડે અમને એવું પણ કહ્યું કે શબનો જમણો હાથ શરીરથી છૂટો કરીને રોમમાં મોકલી આપવામાં આવ્યો છે ત્યારે એમના જમણા હાથ ભણી મારું ધ્યાન ખેંચાયું અને જરા કંપારી છૂટી ગઈ! એટલું ઓછું હોય એમ એમણે એવું ય કહ્યું કે દર્શનાર્થે મૂકેલા એમના શબની જમણા પગની આંગળી એક પોર્ટુગીઝ સ્ત્રીએ બચકું ભરીને કાપીને લઇ ગઈ હતી અને કથા તો એવી છે કે એ આંગળીમાંથી લોહી નીંગળવા લાગ્યું અને એ લોહીનાં ડબકાની ટ્રેઈલનો પીછો કરતા કરતા એ સ્ત્રીનાં ઘર સુધી લોકો પહોંચી ગયા અને આંગળી પાછી મેળવી! પછી ગાઈડે એવું કહ્યું કે આ ચર્ચ જેણે બાંધ્યું એ માણસ... અહીં દફન છે...અહીં ક્યાં? અરે, અમે ઉભા હતા ત્યાં જ પગ પાસે જ! એ લે! 

ઓલ્ડ ગોવામાં સાઉથ ઇન્ડીયન ભોજન
ઉડુપી રેસ્તરાંમાં ઢોંસાની આવી 'ટોપી' જોઇને ગમ્મત અનુભવતા મિત્ર લલિત ખંભાયતાનો પ્રસન્ન ચહેરો!  

ચર્ચનો ભવ્ય અલ્તાર અને ફ્રેસ્કો જોતા અમે મુસોલીયમ પાસેના દરવાજામાંથી આગળ ચાલ્યા, પેલા બે ગજ જમીનની નીચે સૂતેલા આ ચર્ચનાં સ્થપતિનાં ટાઈલ્સ જેવા ગ્રેવસ્ટોન પર પગ ન પડે એ રીતે. એકાદ કાચનાં કબાટમાં સંત ઝેવિયરનાં વસ્ત્રો રાખવામાં આવ્યા છે એ જોયા પછી બહાર આવ્યા ત્યારે સૌને કકડીને ભૂખ લાગી હતી. ગાઈડની સંતોષજનક સેવા બદલ એમને વળતર ચૂકવ્યા બાદ ચર્ચની બાહર આવ્યા ત્યાં રસ્તાની સામે જ ‘ઉડુપી’ રેસ્તરાં વાંચ્યું એટલે ઝાઝું વિચાર્યા વગર ત્યાં જઈને ગોઠવાઈ ગયા. અહીં રેસ્તરાંમાં નોન-વેજ અને વેજ. સેક્શન જાણે જુહાપુરા અને જીવરાજપાર્ક હોય એમ પાસે-પાસે પણ અલગ-અલગ ગોઠવાયેલા છે (No Offence, પ્લીઝ!). પંચાયતોમાં મહિલાઓ માટે 33% અનામત હોય એમ પાછળના ભાગમાં આવેલો વેજ. સેક્શન 33% જગ્યામાં આટોપાઈ ગયેલો. અમે ઢોંસા- ઉત્તપમ બરાબર ઝાપટ્યા પછી બહાર આવ્યા ત્યારે અમારી HOHO બસનો સમય થઇ ગયો હતો. એટલે ‘સે કેથેડ્રલ’ જોવા ન જઈ શક્યા પણ જેટલું જોયું એટલું પૂરું જોયું. બસમાં ચડતા હતા ત્યાં જ આગળ એક આઈસકેન્ડી મેન જોયો. પહેલા એકાદ જણ કેન્ડી લાવ્યું એટલે પછી બીજાઓનું મન પણ લલચાયા વગર કેમ રહે? પછી તો બધાએ બસમાં બેઠા બેઠા મેંગો અને સ્ટ્રોબેરી કેન્ડીની મજા લીધી. 

મિરામાર બીચ

મિરામાર બીચ 
હવે બસ અમને મિરામાર બીચ ઉતારી ગઈ. આગળ મેદાન જેવું છે અને દરિયા સુધી રેતીમાં ચાલીને જવું પડે. ગોવા અગાઉ ગૌપુરમ તરીકે ઓળખાતું હતું એવી માહિતી અમને ગાઈડે આપેલી (સરકાર ક્યાંય ગોવાનું નામ ન બદલી દે આ વાંચીને!). એ નામને સાર્થક કરતી હોય એમ ઘણી ગાયો અહીં મેદાનમાં બેઠી હતી. કાગડાઓ સહેલાણીઓએ ખાઈને ફેંકેલા પડીકા ચાંચથી ફંફોળતા હતા રખે કોઈ વેફર કે ગાંઠિયો મળી આવે! બીચ પર સહેલાણીઓની ભીડ હતી. અમે પણ દરિયાકાંઠે પગ પલાળ્યા. અહીં કોઈ નાહવા નહોતું પડતું પણ બે-ત્રણ યુવાનો જરા રંગમાં આવી ગયા તો મસ્તીમસ્તીમાં દરિયામાં વધારે અંદર જઈ ચડ્યા. તરત જ રેસ્ક્યુગાર્ડ દોડતો આવી ગયો, અને પાછળ રેસ્ક્યુ વાન પણ. યુવાનોનાં રંગમાં ભંગ પાડી એમને બહાર કાઢી હાંકી કાઢ્યા! થોડીવાર બીચ પર ટહેલ્યા બાદ અમે અહીંથી વિદાય લીધી ત્યારે દરિયો ઓટાઈ રહ્યો હતો. 

પંજીમનું ‘અવર લેડી ઓફ ઈમાક્યુલટ કન્સેપ્શન ચર્ચ’
શુભ્રધવલ રંગે શોભતું અવર લેડી ઓફ ઈમાક્યુલટ કન્સેપ્શન ચર્ચ
૩:૩૦એ અમને બસ પંજીમ લઇ ગઈ. અહીં માર્કેટ આગળ અમને ઉતારી દીધા. પંજીમનું લાંબુ લપસિંદર નામ ધરાવતું ‘અવર લેડી ઓફ ઈમાક્યુલટ કન્સેપ્શન ચર્ચ’ જોવા અમારે ચાલીને જવાનું છે. એ રસ્તો તો પોળ જેવો સાંકડો અને ફૂટપાથ વગરનો. અધૂરામાં પૂરું ટ્રાફિક રમરમાટ. એટલે સૌનો મૂડ મરી ગયો. ખાલી હું અને વિશાલ હિંમત કરીને સહીસલામત એ ઓલ્ડ ચર્ચ સુધી પહોંચી ગયા. ઈ.સ. ૧૫૪૧માં નિર્માણ પામેલા આ ચર્ચના ‘ઝીગઝેગ’ સ્ટાઈલનાં ઘણા પગથિયા ચડીને ઉપર આવ્યા. અહીંથી આસપાસનાં વિસ્તારનો પેનોરામિક વ્યૂ સરસ જોઈ શકાય છે. એક સમયે પોર્ટુગલની રાજધાની લીસ્બનથી ગોવા આવતા જહાજોને સૌથી પહેલા આ ચર્ચ નજરે પડતું ‘નિષ્કલંક ગર્ભાધાન’. ઇસુ મેરીના પેટે અવતર્યા હોવા છતાં મેરીને વર્જિન મેરી તરીકે જ ઓળખવામાં આવે છે જેને Immaculate Conception કહેવાય છે. 

‘સિંગબાલ’ બૂક સ્ટોરની મુલાકાત

સિગબાલ બૂકસ્ટોરની સામેની દિવાલે જોયું તો...
મોસાદનાં જાસૂસની તેજનજરની માફક ચર્ચની બિલકુલ સામે જ આવેલા ‘સિંગબાલ બૂકસ્ટોર’ને મેં દૂરથી જ જોઈ લીધો હતો. એટલે ચર્ચના પગથિયા ઉતરીને અમે બન્ને ત્યાં ધસી ગયા. બૂકસ્ટોર કરતા પણ કોઈ કાફેટેરીયા હોય એવો આ સ્ટોરનો દેખાવ હતો. વંચાતા-વેચાતા પુસ્તકો સરસ મજાની થપ્પીઓમાં અને રેક્સમાં ગોઠવેલા હતા. મારિયો મિરાંડાના પુસ્તકો જોયા ત્યાં જ સામેની દીવાલ પર ધ્યાન ગયું. જોયું તો એક મોટા કદની ફ્રેમ લગાવેલી છે જેમાં મારિયોનાં પાત્રોનું સરઘસ ચાલતું જઈ રહ્યું છે એ જોઈ શકાય છે અને એમાં અમુક જણા ડંકા-નિશાન પકડીને ચાલી પણ ખરા! બૂકસ્ટોરનાં સંચાલકનાં બિલીંગ કાઉન્ટરની પાછળ ગોવાની પોર્ટુગલ સંસ્થાનમાંથી પૈસાનું પણ ડિસ્કાઉન્ટ ન હોવાનું ખબર પડતા અહીં આવતા પહેલા મારા ચહેરા પર તરી આવેલી ગુલાબી સુર્ખી ઉડી ગઈ અને ચહેરો સાવ ફિકો પડી ગયો. ઉના ઉના શ્વાસ લેતા મેં વિશાલ સાથે આ સ્ટોરની બહાર પગ મૂક્યો. 

માંડવી/Mandovi ને કિનારે વિતાવેલી સાંજ

 માંડવી નદી પર તરતાં કેસિનો 
ગોવાની બે નદીઓ એટલે માંડવી/મંડોવી અને ઝુઆરી. સ્ટોરની બહાર નીકળીને અમે જે રસ્તે આવ્યા હતા ત્યાં જ પાછા પહોંચી ગયા. બસ-સ્ટેન્ડ પર બેસીને સૌ અમારી રાહ જોતા હતા. હવે શું કરવું એ અંગે સંતલસ કર્યા પછી નક્કી કર્યું કે થોડી વાર આ રસ્તાની સામે જ દેખાતી માંડવી નદીને કિનારે ટહેલીએ, પછી પંજીમ બસ-સ્ટેન્ડની પાછળ જ ‘નવતારા’ હોટલ છે ત્યાં ડીનર લીધા બાદ ટેક્સી કરીને બેતાલબાતિમ પરત જઈશું. માંડવીને કિનારે બેઠા બેઠા નદીની વચમાં ચાલતા જાતભાતનાં ક્રુઝકેસિનો જોયા. એમાં જવું હોય તો મંડોવી બ્રીજ નીચે આવેલી જેટી પર જવું પડે જ્યાં તોતિંગ રકમ ચૂકવ્યા બાદ ફ્લોટિંગ ક્રુઝકેસિનોમાં જવા મળે. એ ક્રુઝમાં તમારે ન જવું હોય તો પણ એજન્ટ-ઓન-હિલ્સ એટલેકે પગપાળા ભટકતા એજન્ટ્સ તમારું પગેરું શોધતાં આવી ચડે અને જાતભાતની લોભામણી ઓફરો મુકવા લાગે. અમારે તો એકપણ કેસિનોમાં પૈસા ઉડાડવા જવું નહોતું એટલે એજન્ટો હાથ ઘસતા રહી ગયા. એક એજન્ટે તો જતા જતા કહ્યું પણ ખરું કે આમ તો 400/- નો રેટ છે પણ તમે ગરીબ પ્રવાસી લાગો છો તો જાઓ ડિસ્કાઉન્ટ કરી આપું છું... 350/- આપજો, બસ? પણ અમારું તો નો મીન્સ નો! 

‘નવતારા હોટલ’માં ડીનર

નવતારાની સાઉથ ઇન્ડીયન થાળી 
પોર્ટુગીઝ પોટેટો સૂપ 
ગોવામાં અમે ટેક્સીમાં ફરતા હતા ત્યારે મોટા મોટા હોર્ડિંગ્સ પર નવતારા હોટેલની જાહેરાત અવારનવાર નજરે પડી હતી. ખાસ તો સારા વેજ. ઓપ્શન્સ અને અમે જ્યાં બેઠા હતા ત્યાંથી નજીકમાં ચાલીને જઈ શકાય એટલા અંતરે તો આ જ હોટલ હતી. સાંજે અંધારું ઢળવા લાગ્યું એટલે અમે નવતારા ભણી પગ માંડ્યા. અહીં Caldo Verde તરીકે ઓળખાતો પોર્ટુગીઝ પોટેટો સૂપ, અને ગોઆનીઝ ફૂડમાં Sukha/Patal/ Mix Bhaji Puri મંગાવી. મેં તો સાઉથ ઇન્ડીયન થાળી જ લેવાનું રાખ્યું. ભોજન પ્રમાણમાં સ્વાદિષ્ટ અને ભાવ પણ પરવડે તેવા. ડીનર પછી ચાલીને ટેક્સી સ્ટેન્ડે આવ્યા, ટેક્સી પકડીને પાછા આવી ગયા બેતાલબાતિમ. કાલે 'ચેકઆઉટ' પણ કરવાનું  છે ને!

Tuesday, November 13, 2018

ગોવા પ્રવાસ: ચલ મન ગોવા જોવા (ભાગ-૪)

સ્નેક્સની સ્લોથગતિ  

૨૫-૦૭-૨૦૧૮. સવારે ૬:૩૦એ ઉઠી આઠેક વાગે તો સૌ તૈયાર થઈને કોકોનટ ગ્રુવઝનાં ડાઈનીંગ એરિયામાં સ્નેક્સ માટે પહોંચી પણ ગયા. આખા ડાઈનીંગ એરિયામાં બે-ત્રણ મહેમાનો જ હતા. આમ પણ રિસોર્ટમાં કોઈ ખાસ ચહલપહલ હોય એવું લાગતું નહોતું. ચોમાસું તો ગોવા માટે ઓફ સીઝન ગણાય એટલે સહેલાણીઓ ઓછા આવે. રિસોર્ટનો પણ સહેલાણીઓનાં અભાવે આળસી ગયો હોય એમ ફિક્સ સ્નેક્સ ચા-કોફી, આમલેટ,પૂરી-ભાજી, ટોસ્ટ વગેરેને રસોડામાંથી તૈયાર કરીને ટેબલ પર લાવવામાં પણ સ્લોથગતિ દાખવતો હતો. વળી, બુફે સર્વિસ ન હોવાથી એમના ભરોસે જ રહેવું પડે એમ હતું. નાસ્તો કોઈ ખાસ સ્વાદિષ્ટ હોય એવું નહોતું પણ અમારે બપોર સુધી ફરવાનાં જોમ અને જોશ રહે એટલે કરી લેવો જરૂરી હતો. 

ઉઘાડી લૂંટ જેવું ટેક્સીભાડું

નાસ્તો પતાવ્યો એટલે તરત જ રિસેપ્શન પર જઈને હોઠ પર લિપસ્ટિકનાં થોથરવાળી સ્ટાફરને ટેક્સીવાળાને બોલાવી લેવા કહ્યું. અહીં ગોવામાં જેની આંખોએ રોમાંસનું ઊંજણ અંજાયેલું નથી એવા કોઈને પણ ટેક્સીનાં ભાડાદર જોઇને તમ્મર ચઢી જાય. અમારે અહીંથી HOHO બસ પકડવા મિરામાર સર્કલ જવાનું હતું. ત્યાં સુધીનું ભાડું પૂછો તો અધધ ૧૮૦૦/- રૂપિયા. એમાં કોઈ કરતા કોઈ જ બારગેન નહિ. ટેક્સી ડ્રાઈવરોનું અહીં જબરું યુનિયન છે. વળી, નોર્થ ગોવા અને સાઉથ ગોવાની ટેક્સી અલગ. વન-વે પેસેન્જર જ લઇ શકાય. નોર્થ ગોવાનો ટેક્સી ડ્રાઈવર પોતાના પેસેન્જર્સને સાઉથ ગોવામાં ફક્ત ઉતારવા જઈ શકે. સાઉથથી પાછું નોર્થ એણે ખાલી ગાડીએ જ આવવું પડે. ગોવા અંગે જાતભાતની માહિતી પીરસનારા બ્લોગસ્ પર ક્યાંય એવું લખ્યું નથી કે અહીં આવતા પ્રવાસીઓને વેતરી નાખવા ટેક્સીચાલકો તૈયાર જ છે! એટલે મારા પ્રિય વાચકમિત્રો, તમે જો સપરિવાર ગોવા પ્રવાસે જવાના હો તો ગોવામાં ખાવા-પીવાનાં ખર્ચ કરતા ટેક્સીભાડાનું ખર્ચ પ્રવાસનું બજેટ ખોરવી ના નાખે એનું ધ્યાન જરૂરથી રાખજો.

HOHO બસમાં ઓહો અને હોહો!
ગોવાદર્શન માટે ઉત્તમ HOHO બસ 
HOHO બસ 
ટેક્સીચાલક આવી ગયો એટલે અમે ટેક્સીમાં ગોઠવાયા. રિસોર્ટની બહાર ટેક્સી પોઈન્ટ પર એણે રજીસ્ટરમાં એન્ટ્રી કરી, સિક્કો પડાવ્યો પછી જ અમારી ટેક્સી આગળ વધી. પોણા કલાકમાં મિરામાર સર્કલ પહોંચી ગયા. હજુ તો ટેક્સીમાંથી ઉતર્યા ત્યાં જ સામેથી લાલ રંગની અને જાતભાતનું ચિતરામણ કરેલી બસ આવીને ઉભી રહી. એ જ અમારી HOHO બસ. વિદેશમાં જેમ કેટલાક માણસોનાં આખા શરીર પર જાતભાત ટેટૂ ચિતરાયેલા હોય છે એમ બસની ઉપર બહારની તરફ ગોવાના પ્રસિદ્ધ કાર્ટૂનીસ્ટ મારિયો મિરાંડાના કાર્ટૂન્સ ચિતરેલા હતા (મિરાંડા વિશે વધુ વાત બીજા ભાગમાં આવશે). આ બસ ડબલડેકર તો નહોતી પણ બે ભાગમાં વહેચાયેલી હતી. આખી બસનાં આગળનાં અર્ધા ભાગમાં એ.સી. કેબિન હતી જેમાં બહાર ટાઢ-તાપ-વરસાદ હોય ત્યારે સહેલાણીઓ બેસી શકે, તો પાછળનો ભાગ હોડકા જેવો ઉઘાડો હતો. અહીં પણ બેઠકો હતી જેની પર બેસીને અથવા તો કઠેરાને અઢેલીને ઉભા ઉભા ગોવાદર્શન કરી શકે.  બસમાં CCTV, લાઉડસ્પીકર વગેરે સુવિધાઓ હતી. Do’s and Don’t પણ દરવાજે ચોડેલા હતા. અમે તો બહાર ખૂલ્લા ભાગમાં જ ગોઠવાયા અને ફોટોસેશન શરુ કર્યું. બસ ઉપડી એટલે થોડીવારે સમજાયું કે આનું નામ HOHO કેમ રાખ્યું હશે – બસ ઊછળકૂદ કરે એટલે આપણા મોંમાંથી હોહો નીકળી જાય! જોકે, ગોવાનાં રસ્તાઓ, રંગબેરંગી આલીશાન મકાનો, પિસાનાં ટાવર જેવી વિશિષ્ટ બાંધણીનાં મંદિરો, શુભ્રધવલ રંગનાં ચર્ચ, વૃક્ષો અને લતામંડપોની શોભા જોતા ઓહો પણ નીકળ્યા વગર રહે નહિ એ પણ એટલું જ સાચું. 

Dona Paula/દોના પોલા બીચ
દોના પોલા બીચ પરથી દેખાતું દ્રશ્ય  

હરિયાળી પાછળ દેખાતો દોના પોલા બીચ 
HOHO બસે અમને પોણા અગિયાર વાગે દોના પોલાનાં સર્કલ આગળ ઉતારી દીધાં. મેન્ટરે સૂચના આપી કે ૧૧:૩૦ સુધી અહીં ફરજો. પછી પાછું આ જ સર્કલે આવી જજો. આ જ અથવા બીજી HOHO  બસ આવશે એમાં ચડી જજો. અમને ઉતારીને બસ તો આગળ વધી ગઈ. સર્કલથી પાંચેક મિનીટ ચાલીને અંદર જઈએ એટલે બીચ સુધી પહોંચી જવાય. નાનકડો બીચ છે. તડકામાં સમુદ્રનું  પાણી ચળકચળક થાય છે. ગોગલ્સ પહેરેલા છે તો સારું છે નહીં તો આંખો અંજાઈ જાય એમ છે. સેલ્ફીથી ધરાયા એટલે અમે રેલીંગ આગળ ઉભા રહીને ફોટા પડાવ્યા. ફેરિયાઓની બીચ ફેસિંગ હાટડીઓ છે. ત્યાંથી મેં એક હેટ ખરીદી. અમે આમતેમ ટહેલતા હતા, ધ્યાની પણ પોતાની મસ્તીમાં ચાલતી હતી એવામાં ક્યાંકથી બે-ત્રણ કૂતરાં ભસતા ભસતા એને કરડવા ધસી ગયા ત્યારે લલિતભાઈ તરત જ હટ હટ કરતા કૂતરાંની સામે થઇ ગયા અને એમને ભગાડી મૂક્યા. મેં થોડે દૂરથી આ દ્રશ્ય જોયું એટલે મને પિતા-પુત્રીની કેમેસ્ટ્રી સમજાઈ. એક પિતાએ આફત સામે પડીને પુત્રીનું કેવું રક્ષણ કર્યું! ધ્યાનીબેન મોટા થશે અને કદાચ આ વાત વાંચશે ત્યારે એમને પિતા પર ગર્વ થાય એટલા માટે ય મારે આ વાત નોંધી લેવી જોઈએ. 

કોકમનું શરબત અહીં અનેક જગ્યાએ મળે છે. આપણે ત્યાં તેલનાં કેરબા હોય એવા વિવિધ સાઈઝનાં કેરબામાં પણ મળે અને શરબતવાળાને ત્યાં ગ્લાસ પણ મળે. મેં અને વિશાલે ટેસ્ટ માટે કોકમનું શરબત પી જોયું. એવું કંઈ એક્સ્ટ્રાઓર્ડીનરી ન લાગ્યું કે જીભને જલસો પડી જાય. 

મંગેશી મંદિર 
મંગેશી મંદિરની મેં પડેલી તસ્વીર 
૧૧:૩૦એ પાછા સર્કલ પર આવીને બસમાં ગોઠવાયા એટલે નેક્સ્ટ ડેસ્ટીનેશન આવ્યું મંગેશી મંદિર. ૧:૩૦ વાગ્યા સુધી અમારે અહીં જ સમય પસાર કરવાનો હતો. મંદિર સુધી લઇ જતી સડક પર બન્ને બાજુ હાટડીઓ જેમાં ફળફળાદી-પુજાપો તો બરાબર પણ આકર્ષક બોટલ ઓપનર્સથી માંડીને ગોવાનાં દ્રશ્યો ચીતરેલી ટી-શર્ટસ પણ મળે. વિશ્વામિત્રને ચળાવતી મેનકાની જેમ આ હાટડીઓ અમારું ધ્યાન ચળાવતી હતી પણ અમે મહામહેનતે મનને કાબૂમાં લેતા પહેલા મંગેશી મંદિરનાં દર્શન અને પછી બીજું બધું જોવાનું નક્કી કર્યું.

મારીઓ મિરાંડાએ દોરેલો મંદિરનો સ્કેચ 
મારિયો મિરાંડાનાં સ્કેચમાં જોયેલું મંગેશી મંદિર અત્યારે આંખ સામે જોઇને જે આનંદ થયો એનું વર્ણન શબ્દોમાં ન થઇ શકે. ગોવાનું આ સુપ્રસિદ્ધ મંદિર છે લગભગ સાડા ચારસો વર્ષ જુનું છે. મંગેશ એટલે શંકર ભગવાનનું એક સ્વરૂપ. ઈ.સ. ૧૫૬૦ની આસપાસ પોર્ટુગીઝોએ ગોવામાં ધર્માન્તરણ કરાવવાની શરૂઆત કરાવી ત્યારે કુશસ્થલી/Cortalimનાં ગૌડ સારસ્વત બ્રાહ્મણો શિવલિંગને અહીં મંગેશી ગામે લઇ આવ્યા જ્યાં હજુ હિંદુ રાજાનું શાસન હતું. ‘મેલોડી ક્વીન’ લતા મંગેશકર અને એમનો પરિવાર મૂળ તો આ મંગેશી ગામનો. પિતા દીનાનાથ મંગેશકરનો જન્મ અહીં મંદિરનાં પૂજારીને ત્યાં થયો હતો. એમની અટક આમ તો અલગ હતી પણ પછી દીનાનાથજીએ મંગેશી ગામની ઓળખરૂપ મંગેશકર અટક અપનાવી લીધી.  મંદિરમાં આવ્યા પછી ખબર પડી કે દૂરથી પિસાના ટાવર જેવા વિશિષ્ટ બાંધણીના ટાવર દેખાય છે એ તો દીપમાળ  અથવા દીપસ્તંભ છે. આ મંદિરનો દૂરથી દેખાતો સાત માળનો દેદીપ્યમાન દીપસ્તંભ મંદિરની ઓળખ બની ગયો છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.         

ફ્રુટડીશ પર આક્રમણ!
જોતાંવેંત આરોગવાનું મન થઇ જાય એવી કલરફૂલ ફ્રુટડીશ!

મંદિરમાં દર્શન કરીને અમે હાટડીઓ પાસે આવીને બધું જોવા લાગ્યા. એક જગ્યાએ રસ્તાને કિનારે ફણસનું ઝાડ હતું અને એની પર જથ્થાબંધ ફણસ બેઠેલા હતા. કુતુહલવશ નજીક જઈને જોયા પછી એના ફોટા પાડ્યા. હવે પેટમાં કકડીને ભૂખ લાગી હતી એટલે ફ્રુટડીશ વેચતી હાટડી તરફ જ ધસી ગયા. કોંકણપ્રદેશ ત્યાંના ફ્રુટ્સ માટે જાણીતો છે. દર વર્ષે અહીં પણજી અને મડગાંવમાં ત્રણેક દિવસનો ફ્રુટ ફેસ્ટીવલ થતો હોય છે. ફેસ્ટીવલમાં તો ન જઈ શકાય પણ ફ્રુટ્સ તો ગમેત્યારે ખાઈ જ શકાય ને! અમને હાટડીવાળાએ પાનનાં પડિયા પર કેરી, નારંગી, પપૈયું, અનાનસ, કાકડી, કમરખ અને નારંગી જેવી જ પણ ગુલાબી રંગની પેશીઓ ધરાવતું ફળ મૂકીને પડિયો પકડાવ્યો. મને તો પેલા નારંગી રંગની પેશીઓ ધરાવતા ફળમાં રસ પડ્યો એટલે એની ‘એક્સક્લુસીવ’ ડીશ પણ લીધી. એ ફળનું નામ પૂછીને લખ્યું પણ હતું પણ અત્યારે જડતું નથી! 

Saturday, November 10, 2018

ગોવા પ્રવાસ: ચલ મન ગોવા જોવા (ભાગ-૩)

રિસોર્ટમાં પ્રવેશ 
કોકોનટ ગ્રુવઝ 
કોકોનટ ગ્રુવઝમાં પ્રવેશ્યા ત્યારે રિસેપ્શન કાઉન્ટર પર લિપસ્ટિકથી લથપથ હોઠવાળી સ્ટાફરે ખરાઈ માટે આધારકાર્ડ માંગ્યું. એ તો ઠીક પણ જયારે એણે કહ્યું બધાંનાં આધાર જોઇશે ત્યારે લલિતભાઈ બગડ્યા. બધાંનાં આધાર ક્યાંથી હોય? અને રિસોર્ટનાં નિયમમાં પણ એક જ જણનું લખ્યું છે. અમારા બધાંનાં ભવા તણાયેલા જોઇને એણે નમતું જોખ્યું. લલિતભાઈનો પરિવાર એક રૂમમાં અને હું, વિશાલ અને તુષાર બીજા રૂમમાં. રૂમમાં જઈને અમે પહેલું કામ ચા-નાસ્તો મંગાવવાનું કર્યું. ફોનની બાજુમાં જ મેનુકાર્ડ હતું. જોયું તો મોટા ભાગનું સી-ફૂડ હતું અને વેજ ઓપ્શન્સ તો સાવ નગણ્ય હતા. વળી, આઈટમ વેજ. છે કે નોન-વેજ. એ દર્શાવતો માર્કો પણ મેનુકાર્ડમાં મુક્યો નહોતો એટલે ખબર કેમ પડે કે ફલાણું કે ઢીકણું બેમાંથી કયું છે! વેજ પકોડા અને ક્લબ સેન્ડવીચ મંગાવી.

વિશાલની ચંપી
કોકોનટ ગ્રુવઝની અમારી રૂમનું અંદરનું દ્રશ્ય  
રૂમમાં આવ્યા પછી મોટે ભાગે બધાં ‘ફ્રેશ’ થવાનું કામ કરે. રૂમમાં કોમન ટોઇલેટ-લેટરીન કોમન. ફ્રેશ થવા એક જણ જાય તો એટલી વાર બન્ને એંગેજ રહે. વળી, રિસોર્ટમાં તો બાથરૂમ એટલે બાથટબ. ડોલ કે ટમ્બલર હોય નહિ. ફૂવારા સ્નાન કરી લેવાનું. ગરમ પાણી માટેનું ગીઝર ક્યાંય દેખાયું નહિ એટલે એટેન્ડટને બોલાવ્યા તો એણે સ્વીચ બતાવી અને નળનું મીકેનીઝમ પણ બતાવ્યું. કેટલાક જણાં ફ્રેશ થવા જાય અને ગયા હોય એના કરતા ય ભયંકર હાલતે બહાર નીકળે! જેમકે, અમારો વિશાલ. સૌથી પહેલા નાહવા તો ગયો, પણ બહાર નીકળ્યો તો માથાનો દુઃખાવો લઈને નીકળ્યો. આમ તો મારો મૂળ વ્યવસાય ભણાવવાનો, પણ એ સિવાયની કેટલીક આવડતો પણ મારામાં ભરેલી પડી છે. સરકારે ‘કૌશલ્ય વિકાસ’ પર જોર મૂકવાનું શરુ કર્યું એ પહેલાથી જ સિમેન્ટ-રેતીનો માલ બનાવવો, કડીયાકામ કરવું, ચૂનો ફોડીને ઘર ધોળવું, શાકભાજી પરખ કરીને ખરીદવા, માથામાં તેલચંપી કરવી વગેરે કૌશલ્યો મને સિદ્ધહસ્ત છે. એટલે મેં મિત્રતાભાવે વિશાલનું માથું ઉતારવાનું બીડું ઝડપી એને ચંપી કરી આપી. એનું માથું ઉતરી ગયું. દરમ્યાન રૂમમાં આવેલી ચા ઠરી રહી છે એ તો અમે ભૂલી જ ગયા હતા. કીટલીને વારાફરતી સ્પર્શ કરીને અમે નક્કી કરવાનો પ્રયત્ન કર્યો કે ગરમ છે કે નહિ! ચા સાવ ઠરી ગઈ હતી એવો મત પડ્યો એટલે એટેન્ડન્ટને બોલાવીને ફરી ગરમ કરાવીને જ જંપ્યા. 

દરિયાલાલનાં દર્શન 
દરિયાલાલ 

રેસ્ક્યુગાર્ડ સાથે લલિત ખંભાયતા 
રૂમની ફ્રેંચ વિન્ડોની બહાર આવીએ એટલે દરિયાનો ઘૂઘવાટ સંભળાય. રિસોર્ટની પાછળ જ પ્રાઈવેટ બીચ છે. લલિતભાઈ, હું અને વિશાલ રિસોર્ટની પાછળ ક્યાંથી બીચ સુધી જવાય છે એ જોઈ આવ્યા. બધા તૈયાર થઇ ગયા એટલે રૂમ લોક કરીને દરિયાલાલનાં દર્શને ઉપડ્યા. રિસોર્ટની પાછળ નાનકડી કેડી પર ચાલીને સહેજ આગળ જઈએ કે ‘પ્રાઈવેટ પ્રોપર્ટી’ લખેલું પાટિયું અને પેલી જૂની અને જાણીતી ‘No Trespassing’ લખેલી સૂચના વંચાઈ અને રેતીનો પટ શરુ થતો દેખાયો. અહીં અર્ધો ડઝન કૂતરાઓ રેતીમાં સંધ્યાસ્નાન કરી રહ્યા હતા. એમને છંછેડયા વગર અમે પસાર થઇ ગયા અને સહેજ ઢાળ ઉતર્યા ત્યાં તો દરિયો હાથવગો! લગભગ દસેક વર્ષે દરિયો જોયો. ક્ષિતિજપર્યંત નજરો પહોંચે ત્યાં પાણી જ પાણી. બીચ પર એકલદોકલ વ્યક્તિ સિવાય કોઈ નહોતું. ઉછળતા મોજાં કિનારા સુધી આવતા ફીણ ફીણ થઇ જતા હતા. રેતીમાં નામ લખ્યું તો ઉચું મોજું આવતા ધોવાઈ ગયું. દરિયાને લક્ષમાં રાખીને લખાયેલા હિન્દી ગીતો યાદ આવી ગયા. ફોટોગ્રાફી કરી રહ્યા હતા ત્યારે એક રેસ્ક્યુગાર્ડ આ બાજુ આવ્યા. એમણે અહીં એક લાલ ઝંડીવાળો ફ્લેગપોસ્ટ ખોડી રાખેલો એ ઉતાર્યો. જોડે વોકીટોકી પણ હતી. સવારે ફ્લેગપોસ્ટ લગાવે, સાંજે લઇ લે. સાંજ પછી દરિયામાં પડો તમારા જોખમે!

ડિનર માટે પદયાત્રા! 

ગોવાનીઝ સ્પેશિયાલીટી વેજ શાગુતી 
દરિયાકિનારે આનંદપ્રમોદ કર્યા પછી પેટમાં બિલાડાં બોલવા લાગ્યા હતા. રિસોર્ટ પર તો કંઈ વેજ ઓપ્શન્સ હતા નહિ એટલે ગૂગલ પર નજીકમાં કઈ સારી વેજ રેસ્તરાં છે એ શોધવા લાગ્યા. Spice Studio કરીને નજીકમાં એક રેસ્તરાં હતી. જોકે ‘નજીક’ એટલે વીસેક મિનીટ ચાલવું પડે એટલા અંતરે. અમારી રિસોર્ટ અંતરિયાળ હતી. બહાર જવા કાર્ટની સુવિધા નહિ. પદયાત્રા કરવા સિવાય છૂટકો નહોતો. બાહર નીકળ્યા ત્યાં અંધારુંઘોર. મોબાઈલની બેટરીનો સહારો લેવો પડ્યો. ખાસ્સા આગળ જઈને સડકને કિનારે ઉભેલી આમલેટની લારી પર પૂછ્યું તો રસ્તો બતાવ્યો. જોકે ગમ્મત એ વાતે થઇ કે અમે શોધ કરી રહ્યા હતા Spice Studioની પણ જે રેસ્તરાં આમલેટની લારીવાળાએ બતાવી એ Spice Lemon નીકળી! કકડીને ભૂખ લાગી હોય તો નામમાં શું બળ્યું છે - What’s there in name?, હેં? મેનુ જોવા લલિતભાઈએ મને મોકલ્યો. જો મેનુ જોઇને – અને ભાવ પણ જોઇને – મનમાં ઈમોશન જાગે એમ હોય તો ઈશારાથી બહાર ઉભેલા સૌને મારે બોલાવી લેવાના હતા. વેજ વિકલ્પો હતા, ખાસ તો અહીંની ગોવાનીઝ સ્પેશ્યાલીટી એવું વેજ. શાગોતી હતું. ઈશારો થઇ ગયો એટલે સૌ અંદર આવી ગયા. 

Spice Lemonમાં છાશનાં મોંઘેરા સબડકા!

૧૦૦/- રૂપિયાનો છાશનો ભવ્ય ગ્લાસ! 
સૌએ મેનુ જોઇ લીધું એટલે ઓર્ડર લખાવી દીધો – વેજ. શાગોતીની સાથે શાહી પનીર, પાપડ, છાશ, તવા રોટી. અમે વાતે વળગ્યા પણ ઘણીવાર થઇ છતાં ટેબલ પર કંઈ કાંદો ય પીરસાયો નહિ એટલે ઉભા થઈને કહેવા જવું પડ્યું કે ભાઈ, પાપડ તો આપતો થા કટકબટક કરવા. પણ બધું ભેગું જ આવ્યું. ફુદીના-જીરુંથી તરબતર છાશ તો જ્યૂસ કે શેકનો પ્યાલો હોય એવા ભવ્ય પ્યાલામાં આવી. જોડે ડિઝાઈનર સ્ટ્રો પણ ખરી. જમવાનું સ્વાદિષ્ટ હતું અને રોટલીઓ તો પોચી અને ગરમાગરમ. સૌએ મજાથી ખાધું-પીધું. પણ બિલ આવ્યું ત્યારે અમારા હોશ ઉડી ગયા. જે છાશનાં અમે ઘૂંટડે ઘૂંટડે વખાણ કરતાં થાકતા નહોતા એ છાશનાં એક ગ્લાસનો ભાવ હતો અધધ ૧૦૦/- રૂપિયાઆઆઆ! બિલનો ૧/૩ હિસ્સો તો આ છાશમાં જ રોકાયેલો હતો! કહેવત તો ‘દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીએ’ એવી છે પણ છાશ આ રીતે દઝાડી દેશે એ ખબર નહોતી. મેનુમાં આપણે બહુ તો સબ્જીનાં ભાવ જોઈએ, છાશનાં ભાવ થોડા જોઈએ? આમ, ‘ગોવામાં છાશ મોંઘી હોય છે’ એ અનુભવ અમે પૈસા આપીને મેળવ્યો. 

રૂમમાં પાછા આવ્યા ત્યારે ૯:૩૦ થઇ ગયા હતા. આવતીકાલે ક્યાં જવું છે એ બેસીને નક્કી કર્યું. લલિતભાઈએ HoHo બસનો વિકલ્પ સુઝાડ્યો. દિલ્હી અને ગોવામાં પરિવહન વિભાગ દ્વારા સાઈટસીઈંગ માટે સરસ મજાની ડબલ ડેકર એમાંય ઉપલો ડેક તો ખૂલ્લો હોય એવી બસો ચલાવાય છે. ગૂગલ પર શોધતાં જોયું કે પર્યટન ભવન, પંજીમથી ગોવા સાઈટસીઈંગની HOHO બસ રોજ સવારે ૧૦:૩૦ સુધી ઉપડે છે. ત્રણ-ચાર રૂટ્સ છે એમાંથી ૩૦૦/- રૂપિયામાં સાઉથ-સેન્ટ્રલ ગોવાવાળો રૂટ ફરવાનું નક્કી કર્યું. પછી લલિતભાઈ એમના રૂમમાં ગયા અને તુષાર લેપટોપ પર કામમાં પરોવાયો. મને અને વિશાલને તો પથારીમાં સૂતાવેંત જ ઊંઘ આવી ગઈ.

ગોવા પ્રવાસ: ચલ મન ગોવા જોવા...! (ભાગ-૨)



સહ્યાદ્રીમાં સૂર્યોદય  

૨૪-૦૭-૨૦૧૮. ‘શી..શ...  ‘શી...શ..’ સવારે સાડા ચાર વાગે કૂકરની ધીમી સીટી જેવો ભેદી અવાજ મારા કાનમાં સંભળાયો.
“ઉઉઉં...” કરીને મેં કાન પર ચાદર ખેંચી ત્યાં કોઈએ મને ઢંઢોળ્યો.
“હુંઊઊ?” કરતા મેં ઊંઘરેટી આંખે ‘શું છે?’ એમ પૂછવા પડખું ફેરવ્યું અને જોઉં તો વિશાલ.
“પશ્ચિમ ઘાટ દેખાયો?” સાઈડબર્થ પચાવીને સૂતેલા મને એણે પ્રશ્ન કર્યો.
“અલ્યા ભાઈ, તારો ઉત્સાહ બરાબર છે પણ અંધારામાં ક્યાંથી એકેય ઘાટ દેખાય?” બારી બહારનું ઘોર અંધારું જોઇને હું બોલ્યો અને જોડે ઉમેર્યું, “ સૂઈ જા પાછો. પશ્ચિમ ઘાટ આવશે એટલે ઉઠાડીશ.”
સવારના ૫-૪૫એ આંખ ઉઘડી ત્યારે બારી બહાર દેખાતી સહ્યાદ્રીની ગિરિમાળાઓનાં ખોળામાંથી અમારી ટ્રેન પસાર થઇ રહી હતી. તરત વિશાલને બૂમ પાડી. લલિતભાઈને ઉઠાડ્યા. બારી બહારની લીલુડી ધરતીનાં દર્શન કરીને સૌ આંખો ધન્ય કરી રહ્યા હતા. પછી સૌદર્યનો વધુ આનંદ લેવા અમે ટ્રેનનાં દરવાજે પહોંચી ગયા. ટ્રેનની ઝડપ એટલી કે ફોનના કેમેરામાં ફોટા પાડવા અશક્ય. એટલે આંખોથી જ સહ્યાદ્રીનું સૌદર્ય – નદીનાળા, ગામ, નારિયેળી-કેળ-ડાંગરના ખેતર, છાપરાંવાળા નાના ઘર – જોવા-અનુભવવાનું હતું.

આગ... આગ...!

સાતેક વાગ્યાની આસપાસ એવી તો વિશાળ ટનલ આવી કે ચાર-પાંચ મિનીટ માટે અંધારુંઘોર થઇ ગયું. અંધારામાં અચાનક મને એક આગનો તણખો દેખાયો. “આગ... આગ...” કરતા મેં અંધારામાં  હાથ લાંબા કરીને નજીકમાં વોશ બેસિનમાંથી હથેળીમાં પાણી ભરીને આગના તણખા પર નાખી દીધું ત્યાં જ બરાડો પડ્યો, “ઓ પ્રોફેએએસર!”  અવાજ તુષારનો હતો. હળવા છુંકારા સાથે આગ તો બુઝાઈ ગઈ હતી એ વાત પર હું રાહતનો શ્વાસ લઉં ત્યાં જ ટનલ પૂરી થતા અજવાળું થયું અને તુષારનો રડમસ ચહેરો દેખાયો. વાત એમ હતી કે એ કંઇક વિશિષ્ટ હર્બલ બીડી લઈને આવ્યો હતો અને ટ્રેન ટનલમાં પ્રવેશી ત્યારે જ એણે બીડી ચેતવી હતી અને અંધારામાં મેં આગ આગ કરતા પાણી છાંટીને એની બીડીનો સોથ વાળી દીધો હતો.  

ચિપલુણકરથી ચિતપાવન  

સવારે ૮:૦૦ વાગે ચિપલુણ આવ્યું એટલે મેં મરાઠી ભાષાના ‘શિવાજી’ તરીકે ઓળખાતા વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકરને યાદ કર્યા. બાળ ગંગાધર તિલક અને ગોપાલ ગણેશ અગરકર સાથે મળીને દેશદાઝથી ફાટફાટ થતું મરાઠી સમાચારપત્ર ‘કેસરી’ શરુ કરનારા વિષ્ણુશાસ્ત્રીનું ફક્ત ૩૨ વર્ષની વયે અવસાન થયું હતું. આ વિષ્ણુશાસ્ત્રી ચિતપાવન બ્રાહ્મણ હતા. અને હવે વાત નીકળી જ છે તો કહેવું જોઈએ કે કોંકણના ચિતપાવન બ્રાહ્મણોનો સમાવેશ મરાઠી રાજસત્તાનાં ધુરીણ વર્ગમાં થતો હતો.  પેશ્વા બાલાજી વિશ્વનાથ, બાજીરાવ (પહેલા અને બીજા), નાના ફડનવીસ, નાના સાહેબ પેશ્વા જેવા શાસકો ચિતપાવન બ્રાહ્મણ. તો વાસુદેવ બળવંત ફડકે, ચાપેકર બંધુઓ, બાળ ગંગાધર તિલક, અને વીર સાવરકર જેવા ક્રાંતિકારીઓ ચિતપાવન બ્રાહ્મણ. આ બ્રાહ્મણો પ્રમાણમાં ગરમ મિજાજી અને જોશીલા. જોકે સામે મવાળવાદી એવા ગોપાલ કૃષ્ણ ગોખલે પણ મળી આવે. ને વાત નીકળી જ છે તો નથુરામ ગોડસેને કેમ ભૂલાય? ગાંધીજીનાં દેહમાં ત્રણ ગોળીઓ ધરબી દેનાર નથુરામ ગોડસે પણ ચિતપાવન બ્રાહ્મણ. મૂળ તો સામાજિક-રાજકીય રીતે અગ્રેસર એવા આ બ્રાહ્મણોને દેશદાઝ કદાચ ગળથૂથીમાં મળતી હતી – હા, દેશ અંગેની દરેકની વિચારધારા ક્યાંક સરખી, ક્યાંક નોખી તો ક્યાંક અન્યની વિચારધારા કરતા સાવ જ વિરોધી હતી.

ચિતપાવનથી ચેવડો!

કમ્પાર્ટમેન્ટમાં મંડાયેલી આવી ગરમ ગરમ ચર્ચાઓથી સૌ મિત્રો ક્ષુધાતુર થઇ ગયા એટલે ચિપલુણકર અને ચિતપાવનને બાજુમાં રાખીને ચેવડા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વઘારેલી રોટલીનો ચેવડો ઝાપટ્યા બાદ પેન્ટ્રીમાં પણ આંટો મારી આવ્યા. સામાન્ય રીતે રેલ્વેની પેન્ટ્રી એટલે ભખભખ થતી ભઠ્ઠી જ જોઈ લો. ચારેબાજુ કલિંગનાં યુદ્ધ પછીનાં દ્રશ્યની જેમ શાકભાજીનાં અવછિન્ન ભાગો આમતેમ વિખરાયેલા દેખાય. શરૂઆતમાં સ્ટોર હોય એમાં બટાકા-ટામેટાનાં કેરેટ ખડકાયેલા હોય. કોઈ જોગીડાએ ધખાવેલી ધૂણીની જેમ પેન્ટ્રીકારમાં સગડાઓ પરનાં હાંડામાં થતા વઘારની તીવ્ર વાસ એનો પરચો બતાવતી હોય. પણ અહીં તો પેન્ટ્રી સાવ લૂખીસુખી હતી. ગણીને ત્રણ જ ચીજ નાસ્તામાં ઉપલબ્ધ હતી – પૌંઆ, ઉપમા, અને આમલેટ. એમાંય ઉપમા તો ડબ્બાની તૈયાર. ત્રણેય લઇ લીધા. એકેયમાં સ્વાદનો ભલીવાર નહિ. એવું ત્યારે!   

કરબુડે ટનલ: ભારતની ત્રીજા નંબરની સૌથી લાંબી રેલવે ટનલ  
૯:૧૫ થયા છે.  એક પછી એક ટનલો આવતી જાય છે. અમારું ધ્યાન પડ્યું કે લાંબી ટનલની અંદર ગેંગમેન પણ ઉભા હોય છે, રીફ્લેકટર્સ પહેરીને. કેવા કાળમીંઢ ખડકોને તોડીને આ ટનલો બનાવી છે. મોટે ભાગે તો ટનલ સિંગલ લેન છે પણ ક્યાંક ડબલ લેન પણ છે. ૯:૩૦એ રત્નાગીરી આવે એ પહેલા જબ્બર લાંબી ટનલ આવી. ઉક્ષી સ્ટેશન પાસે આવેલી આ ટનલનું નામ કરબુડે ટનલ છે.  જેની લંબાઈ 6,506 મીટર એટલેકે ૬ કિલોમીટર જેટલી છે જેના નામે ખાસ્સા સમય સુધી ભારતની સૌથી લાંબી ટનલ હોવાનું ગૌરવ લખાયેલું હતું પણ અત્યારે એ ત્રીજા સ્થાને આવી ગઈ છે.

ટનલદર્શન:  મહાગુહામાં પ્રવેશ

એકાદ જગ્યાએ તો ટનલમાં અમારી ટ્રેન ઉભી રહી ત્યારે નીચે ઉતરીને ટનલદર્શન કરવાનો લાભ મળ્યો. તાડકાનાં રાક્ષસી મોં જેવી વિશાળ ટનલમાં નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે અંદર તો લાઈટીંગની પણ સુવિધા મૂકેલી છે. પેલા રીફ્લેકટર પહેરેલા માણસો ઉભા રહી શકે અને માલસામાન ઉતારી શકાય એ માટે ટનલમાં વચ્ચે વચ્ચે ‘ખાંચા’ કરવામાં આવેલા છે. ટનલની  અંદર અને બહારનાં પ્રવેશદ્વારો આગળ ખડકોનું ‘લેન્ડ સ્લાઈડડીંગ’ રોકવા માટે જાળી ભરી દેવામાં આવી છે. કારણકે વર્ષાનો પ્રદેશ હોવાથી ચોમાસા દરમ્યાન અહીં લેન્ડસ્લાઈડીંગ થવું સ્વાભાવિક છે. ઈ.સ. ૨૦૦૩માં લેન્ડસ્લાઈડીંગના કારણે જ મુંબઈ જતી એક ટ્રેન ટનલનાં દ્વાર આગળ જ ઢબી ગઈ એમાં ૫૧ પ્રવાસીઓએ જીવથી હાથ ધોવો પડ્યો હતો. આવો જ બીજો એક અકસ્માત થયો જેમાં ટ્રેન બ્રીજ પરથી ગબડી પડી અને ૨૦ કમનસીબ પ્રવાસીઓની સફરનો ત્યાં જ અંત આવ્યો. આવા અકસ્માતો પછી તો ટ્રેનની સ્પીડ  ૧૨૦ કિમી/કલાકની જગ્યાએ ૭૫ કિમી/કલાક કરી દેવામાં આવી છે.

ટ્રેનની આધુનિક સુવિધાઓ માઈન્સ પેન્ટ્રી સર્વિસ  
અગાઉ લખ્યું હતું એમ આ ટ્રેન સંપૂર્ણપણે 3rd A.C.  છે. દરેક કમ્પાર્ટમેન્ટમાં બોટલ હોલ્ડર, સર્વિંગ ટેબલ, ત્રણ-ચાર ચાર્જીગ પોઈન્ટ, હુક, હેન્ડલબાર, ઈમરજન્સી એલાર્મ, બ્લુ લાઈટવાળો નાઈટ લેમ્પ, પડદાની સુવિધા છે. સૌથી  આવકારદાયક પગલું તો એ છે કે આ ટ્રેનમાં તમામ સૂચનાઓ બ્રેઇલ લિપિમાં પણ મૂકવામાં આવી છે.  હવે ખાલી પેન્ટ્રી સર્વિસ સુધારી નાખે તો બેડો પાર થઇ જાય. કારણકે ઠંડા પથ્થર જેવા અને સ્વાદહીન પૌંઆ, ડબ્બાની રેડીમેડ ફિક્કીફસ ઉપમા, અને લૂખીસુખી આમલેટથી શું ગાડું ગબડે? જમવાનો સમય થયો એટલે અમે ઘરેથી નાસ્તામાં લાવેલું આચરકુચર જ ખાઈ લીધું.  

અને આવી ગયું ગોવા...

પછી ટ્રેનનાં દરવાજે ઉભા ઉભા થ્રિલની મજા લીધી. ૨:૦૦ વાગ્યા છે.  ગોવા આવી રહ્યું છે. વિશાળ નદી જોઈ જેના કિનારે હવેલીઓ દેખાઈ રહી છે. કઈ નદી હશે? ઝુઆરી કે માંડોવી? ૨:૩૦ એ મડગાંવ આવી ગયું. સ્ટેશનની બહાર જ પ્રિ-પેડ ટેક્સી રાઈડ બૂક કરાવી. એસોસિયેશનની કેબિન જેવું બનાવેલું છે જ્યાં તમારે પૈસા ભરી દેવાના. અહીંથી બેતાલબેતિમ ૯ કિમી દૂર છે. વીસેક મિનીટ જેવું સહેજે થાય.  ડ્રાઈવર જબરો – અમને કહે તમારા ફોનમાં GPS ચાલુ કરો ઘણા સમયથી ત્યાં ગયો નથી.  કર્યું ચાલુ. કોલવા બીચ રોડ થઈને અમારી ટેક્સી આગળ વધી રહી હતી. સુંદર અડાબીડ નારિયેળીનાં વૃક્ષો વચ્ચે કાચી અને ભીની સડક પર અમારી ગાડી વળી. સામે જ અમારી રિસોર્ટ હતી. કોકોનટ ગ્રુવઝ રિસોર્ટ.      

તોત્તો-ચાન: જાપાનની ઉત્તમ શિક્ષણવ્યવસ્થા અને સંસ્કાર ઘડતરની ઝલક આપતી સુંદર સ્મૃતિકથા


તાજેતરમાં જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો એબે તેમજ તેમજ તેમનાં પત્ની અકી એબેની મુલાકાત સમૂહમાધ્યમોમાં ઘણી ચર્ચામાં રહી. જાપાનની સંસ્કૃતિ, રીતરિવાજ, શિક્ષણ, ટેકનોલોજી વિશે પણ સૌને ઘણું જાણવા મળ્યું. આજે આપણે વાત કરવી છે જાપાની ભાષામાં લખાયેલી એક સુંદર સ્મૃતિકથાની. એ સ્મૃતિકથા એટલે પોતાનાં ગુરુ સોસાકુ કોબાયાશીની સ્મૃતિને સમર્પિત ‘તોત્તો-ચાન: બારીએ  ઉભેલી બાલિકા’. આ સ્મૃતિકથાનો જાણીતાં પ્રાધ્યાપક અને  વિવેચક એવા રમણ સોનીએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તોત્તો-ચાનની લેખિકા છે જાપાનની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ટી.વી. કલાકાર, અભિનેત્રી,ઓપેરા ગાયક અને યુનિસેફની સદભાવના-દૂત એવી તેત્સુકો કુરોયાનાગી. તેત્સુકોએ એક નાનકડી બાલિકા તરીકેનાં પોતાનાં શાળાજીવનનાં અનેક સંસ્મરણો,વાતો અને સત્યઘટનાઓને અહીં પ્રસંગકથાઓ રૂપે રજૂ કર્યા છે. ૧૯૮૧માં પ્રકાશિત થતાંની સાથે જ બેસ્ટસેલર થઇ ગયેલી આ સ્મૃતિકથાનો 26થી વધુ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. બાળકોને ચાહનાર તમામ શિક્ષકો તેમજ મા-બાપે તો ખાસ વાંચવા જેવાં આ પુસ્તકમાં એવું તો શું છે ચાલો જોઈએ
*****************************************************************
ટ્રેનનાં ડબ્બામાં ચાલતી તોમોએ શાળા
નાનકડી તોત્તો-ચાનનાં બાળસહજ પરાક્રમોથી એની મા ખૂબ ચિંતાતુર હતી. હજી હમણાં જ એણે શાળાએ જવાનું શરુ કર્યું હતું પરંતુ પહેલા જ ધોરણમાં શાળાએ એનો પ્રવેશ રદ્દ કરી દીધો હતો, અને એ પણ ધૂળ જેવાં કારણ માટે. નાનકડી બાલિકા તોત્તો એક જગ્યાએ જંપીને બેસે એવી છોકરી નહોતી. એની બાળસહજ મસ્તીને વર્ગશિક્ષિકાએ પોતાનાં અનાદરમાં ખપાવી નાની-નાની ભૂલોનું પહાડ જેવું વર્ણન તોત્તોની મા આગળ કર્યું. ના છૂટકે માએ તોત્તોને શાળાએથી ઉઠાડી મુકવી પડી. પછી મા તેને તોમોએ નામની શાળામાં પ્રવેશ માટે લઇ ગઈ. શાળાનાં પ્રવેશદ્વારે લખેલું નામ તોત્તોએ વાંચ્યું: તો-મો-એ ગા-કુ-એ-ન. અચાનક તોત્તોની નજર ટ્રેનનાં ડબ્બાઓ પર ગઈ. આ શાળામાં ટ્રેનનાં જુનાં ડબ્બાઓનો ક્લાસરૂમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે એ જાણીને તોત્તો-ચાન તો ખુશખુશ! મા જયારે એને શાળાનાં હેડમાસ્ટરજીને મળાવવા લઇ જતી હતી ત્યારે તોત્તો-ચાનને લાગે છે કે આ હેડમાસ્ટરજી જરૂર સ્ટેશન-માસ્ટર હશે કેમકે એમની પાસે ટ્રેનનાં કેટલાં બધાં ડબ્બા છે!
મા અને તોત્તો હેડમાસ્ટરજીની ઓફિસમાં પહોંચે છે. હેડમાસ્ટરજીનું નામ છે કોબાયાશી. કોબાયાશી તો માને ઘરે મોકલી દે છે અને તોત્તોને કહે છે: ‘તારે જે બોલવું હોય તે બોલ’. અને તોત્તો પોતે ઘરેથી અહીં સુધી કેવી રીતે આવી તેની,પોતાનાં પાળેલા કૂતરા રોકીની, પોતાનાં ફ્રોકની વાતો કરે છે. પછી કોબાયાશી તેને માથે વ્હાલથી હાથ ફેરવીને કહે છે – ‘તો, આજથી તું આ સ્કૂલની વિદ્યાર્થીની...’
તોત્તોની બકબક કોબાયાશીએ પૂરા ચાર કલાક સાંભળેલી છતાં એમણે ન બગાસું ખાધું કે ન કંટાળો દર્શાવ્યો હતો. તેત્સુકો સ્મૃતિકથામાં લખે છે – ‘જીવનમાં પહેલીવાર એ એક સારા માણસને મળી કે જે એને ખરેખર ખૂબ સારો લાગ્યો હોય.’ જીવનમાં પહેલી વાર કોઈએ એની આટલી બધી લાંબી વાતો સાંભળી હતી. તોત્તોને કોબાયાશી માટે આદર ઉત્પન્ન થયો. 
તોમોએની નોખી શિક્ષણપદ્ધતિ
આ સ્કૂલની સૌથી વધુ અચરજવાળી બાબત અહીંની ભણાવવાની પદ્ધતિ હતી. બીજી શાળાઓમાં ‘ટાઈમટેબલ’ નક્કી હોય જયારે અહીં તો પહેલો વર્ગ શરુ થાય એટલે શિક્ષિકા આવીને આખા દિવસનાં વિષયોની, એનાં મુદ્દાની અને પ્રશ્નોની યાદી આપી દે. પછી બાળકોને એમાંથી જે લખવાની ઈચ્છા હોય તેનાથી શરૂઆત કરી શકે. એટલે કોઈને નિબંધ લખવાની ઈચ્છા હોય તો તે નિબંધ લખે ને કોઈને ભૌતિકશાસ્ત્રનાં પ્રયોગ કરવાં હોય તો તે પ્રયોગ પણ કરી શકે.
ભણાવવાની આવી પદ્ધતિ હોવાથી શિક્ષકો દરેકેદરેક બાળક પર પૂરતું ધ્યાન આપી શકતા અને એમનાં રસ-રુચિ કેવાં છે, એ કેવી રીતે વિચારે છે અને એનાં સ્વભાવની ખાસિયતો શી છે એ જાણી શકતાં. વિદ્યાર્થીઓનું સાચું માપ કાઢવાની એ આદર્શ પદ્ધતિ હતી.
વિદ્યાર્થી પોતાને ગમતાં વિષયથી શરૂઆત કરી શકે પણ ઓછો પસંદ હોય તે વિષય પણ આખા દિવસમાં એક વખત તો ભણવો જ પડતો. જરૂર પડે ત્યાં શિક્ષકોનું માર્ગદર્શન તો મળતું જ હતું. શિક્ષકો તેમની પાસે જઈને કોઈ મુદ્દો ન સમજાયો હોય તો પૂરી ધીરજથી સમજાવતા.પછી તેને સ્વાધ્યાય કરવાનું કહેતાં. આમ, અહીં સાચાં અર્થમાં અભ્યાસ થતો હતો – શિક્ષક ભણાવતા હોય ત્યારે કોઈ વિદ્યાર્થી બેધ્યાન બેસી શકે નહિ.
તોત્તો-ચાન તો આ સ્કૂલમાં દાખલ થઈને એટલી ખુશ થઇને કે એણે નક્કી કર્યું કે તે રોજ નિશાળે આવશે – કદી રજા જ નહીં પાડે!
સંતુલિત આહાર: થોડુંક સમુદ્રમાંથી અને થોડુંક પહાડમાંથી
જયારે બીજાં લોકો સાદી રીતે ‘તમારાં બાળકોને બધું જ ખાતાં શીખવો’ એવું કહેતાં ત્યારે કોબાયાશીએ સંતુલિત આહાર માટે આવો વાક્ય-પ્રયોગ બનાવ્યો હતો: ‘થોડું સમુદ્રમાંથી અને થોડુંક પહાડમાંથી’.  સમુદ્રમાંથી એટલે જળ-આહાર –  માછલી,કરચલો,નોરી નામનો દરિયાઈ છોડ. પહાડમાંથી એટલે સ્થળ-આહાર – શાકભાજી,માંસ,મરઘી વગેરે.
તોત્તોની મા તો આ વાતથી બહુ પ્રભાવિત થઇ. એને થયું કે આ બે જ બાબતો ધ્યાનમાં રાખીને ભોજન તૈયાર કરવાનું કેટલું સહેલું છે. તોત્તોનાં ડબ્બામાં પહેલાં દિવસે તેણે ઈંડા, લીલા વટાણા, ડેમ્બુ (માછલીનું માંસ) મૂક્યા હતા. તોત્તોને માએ ‘થોડુંક સમુદ્રમાંથી અને થોડુંક પહાડમાંથી’ ડબ્બામાં મૂકેલું છે એ જોઈને સંતોષ થયો. વળી, સમૂહભોજન લેવાની પણ મજા પડી ગઈ. કોઈનાં ડબ્બામાં ખાલી ‘પહાડવાળું’ હોય તો...? તો કંઈ વાંધો નહિ. કોબાયાશીનાં પત્ની બધે ફરીને પોતાનાં વાટકામાંથી ‘સમુદ્રવાળું’ ચિકુવા (માછલીનું માંસ) મૂકી દેતા.
જમવાનું શરુ કરતા પહેલાં બધાં એક ગીત ગાતા:
“ચાવો ચાવો ચાવો સારી રીતે
જે કંઈ ખાઓ તે ચાવો ખાસ;
ચાવો રે ચાવો રે તમે ચાવો
ભાત, માછલી ને માંસ.”
 ગીત પત્યા પછી બધાં બાળકો ‘ઈ તા દા કિમાસુ’ (હે ઈશ્વર તારો આભાર માનીને જમું છું) બોલીને જમવાનું શરુ કરતા.
તોત્તો-ચાન નામ કેમ કરતા પડ્યું?
તોત્તો-ચાનનું ખરું નામ તો ‘તેત્સુકો’. તેત્સુકોનો અર્થ થાય ‘અવાજ જેવું સ્પષ્ટ અને રણકતું’.  તેત્સુકો જયારે નાની હતી ત્યારે પોતાનું નામ બરોબર બોલી શકતી નહોતી. કોઈ તેણે નામ પૂછે ત્યારે તે બોલતી: તોત્તો-ચાન. જાપાનમાં‘ચાન’ શબ્દ તો કોઇપણ વ્યક્તિનાં નામ પાછળ જોડી શકાય છે. તોત્તોનાં પપ્પા તેને ‘તોત્સકી’ કહેતાં.
તોમોએમાં રેલ્વેનો નવો ડબ્બો આવે છે!
તોમોએ શાળામાં રેલ્વેનો નવો ડબ્બો આવવાનો છે એ વાતથી બાળકો બહુ કુતૂહલ અનુભવતા હતા. બધાં બાળકો એ ડબ્બો કઈ રીતે આવશે એ જોવાં માંગતા હતા. એટલે મોડી રાત્રે આવનાર રેલવેનાં ડબ્બાને જોવાં સૌ બાળકો શાળામાં જ રાતવાસો કરવાનાં હતા. વહેલી સવારે ટ્રેક્ટરનાં ટ્રેલર પર ટ્રેનનો ડબ્બો આવ્યો. દરેક બાળક માટે તો તે દિવસ આનંદનો દિવસ બની ગયો. તેત્સુકો લખે છે –
“છ ડબ્બામાં આ સાતમો ડબ્બો ઉમેરાયો.આ ડબ્બાએ ઘણાં મુસાફરોનો ભાર એનાં જે પૈડા પર ઉઠાવ્યો હતો – એ બધાં પૈડા કાઢી લેવામાં આવ્યા હતા. હવે તો આ ડબ્બાએ માત્ર બાળકોના ખિલખિલાટનો જ ભાર ઝીલવાનો હતો...!”
સ્નાનાગાર: દરેકનું શરીર, શરીરમાત્ર સુંદર હોય છે.
તે દિવસે પ્રથમ વખત જ તોત્તો કપડાં પહેર્યા વિના સ્નાનાગારમાં તરી. ઉનાળાની ગરમી હોવાથી કોબાયાશીએ શાળામાંના સ્નાનાગારમાં બધાં બાળકોને સમૂહ-સ્નાન કરવાનું કહ્યું. તેત્સુકોનાં શબ્દોમાં વાંચો –
“કોઈ દૂબળાં-પાતળાં, કોઈ હુષ્ટપુષ્ટ છોકરાઓ અને છોકરીઓ બધાં જ હસતા અને બૂમો પાડતાં, પાણી ઉછાળતાં અને ફંગોળતા પોતપોતાના જન્મસમયનાં પોષાકમાં નહાતા હતા!”
કોબાયાશીએ બાળકોને આમ સાવ નિર્વસ્ત્ર થઈને કેમ નહાવા દીધાં હશે? તો એનો જવાબ એ છે કે કોબાયાશી એવું માનતા કે આમ કરવાથી છોકરા-છોકરીનાં શારીરિક તફાવતો અંગે કોઈ નકામી કે વિકારી ઉત્કંઠા બાળકોમાં જાગે નહીં. બીજું કે આ શાળામાં કેટલાંક બાળકો અપંગ કે વિકલાંગ હતા. જો આ બધાં બાળકો પોતાનાં શરીર ઉઘાડાં રાખીને ઘડીભર સાથે રમે તો એમનાં મનમાં પડેલી શરમ દૂર થાય ને તેઓ લઘુતાગ્રંથિનો ભોગ બનતાં અટકે.
એક બાળ, એક ઝાડ
તોમોએનાં દરેક વિદ્યાર્થીને એકએક ઝાડ ફાળવવામાં આવેલું જેનાં પર ચડવાનો અધિકાર માત્ર તે વિદ્યાર્થીને જ હતો. દરેક બાળક પોતાનાં ઝાડને એક ખાનગી મિલકત ગણતું. એટલે ધારોકે કોઈને બીજાના ઝાડ પર ચડવું હોય તો સૌ પહેલાં ખૂબ વિનયપૂર્વક એની રજા લેવી પડતી: ‘નમસ્તે! હું ઉપર આવું કે?’ એક વખત તો તોત્તો-ચાન મહામહેનતે પોતાનાં પોલીયોગ્રસ્ત સહાધ્યાયી યાસુકી-ચાનને પોતાનાં ઝાડ પર ચડાવવાનું સાહસ પણ ખેડી કાઢે છે!
શિસ્તબદ્ધતા
તોમોએ શાળામાં બાળકોને એમનાં કોઈ શિક્ષક કદી પણ એક કતારમાં વ્યવસ્થિત ચાલો કે વર્ગમાં ચૂપચાપ બેસો કે જમતી વખતે આજુબાજુ એંઠવાડ ન કરો ....તેવી કોઈ જ સૂચનાઓ આપતાં નહીં – એવા હુકમોનો અહીં શિરસ્તો જ ન હતો. સ્વાભાવિક રીતે જ બાળકોના મનમાં સદવર્તનનો ખ્યાલ રોપવામાં આવતો. જેમકે, પોતાનાથી નાનો હોય એને અમસ્તો ધક્કો ન મરાય. રસ્તામાં ક્યાંય પણ કચરો કે ગંદકી નજરે પડે તો એ લઇ લેવા જોઈએ. તેથી જ, કોબાયાશી જયારે સૌને ગરમ પાણીનાં ઝરાનાં પ્રવાસે લઇ ગયાં ત્યારે ટ્રેનમાં સૌ બાળકો શિસ્તબદ્ધ બેઠાં હતા. કોઈ દોડાદોડ કરતું ન હતું. ને સૌ ધીમે-ધીમે અંદરોઅંદર વાતો કરતા હતા.
તોમોએ શાળાનું પ્રતિક
કોબાયાશીએ એક ઉંધો અલ્પવિરામ અને એક સીધો અલ્પવિરામ ‘’ જોડીને એમાંથી એકને કાળો અને બીજાને ધોળો રાખીને એક વિશિષ્ટ અને પૂર્ણવર્તુળ આકારવાળું – યિન-યાનને મળતું આવતું સ્કૂલ ચિહ્ન તૈયાર કર્યું હતું.
આ પ્રતીકનો અર્થ હતો: “શરીર અને મનનો એકસરખો વિકાસ કરીને પૂરેપૂરી સંવાદિતા સુધી પહોંચી શકાય છે.”
કોબાયાશી પોતાનાં સમયની  શિક્ષણપદ્ધતિનાં ટીકાકાર હતા કારણકે તેમાં ઇન્દ્રિય-સંવેદના કરતા લિખિત શબ્દ પર વધુ ભાર મૂકવામાં આવતો હતો. કોબાયાશી તો કહેતા:
“ આંખો હોય ને સુંદરતા ન દેખાતી હોય; કાન હોય ને સંગીત ન સંભળાતું હોય; મગજ હોય પણ એના પર સત્ય ન ઝીલાતું હોય; હ્રદય હોય પણ એ સ્પંદિત ન થઇ ઊઠતું હોય... તો એ ચિંતાનો વિષય છે.”
પશુપ્રેમનું પ્રતિક: મરઘીનાં બચ્ચાં
એકવાર તોત્તોને એનાં માતાપિતા મેળામાં લઇ ગયાં. ત્યાં તોત્તોએ મરઘીનાં બચ્ચાં વેચાતા જોયા. તેણે જીદ કરી,“મને એક બચ્ચું અપાવોને!” બચ્ચાં બહુ મજાના હતા. નાનાનાનાં ને પીળાપીળા. પણ માએ કીધું, “આ નાનાં મરઘલાં તો તરત જ મરી જવાનાં.”  મા અને ડેડી તેને ત્યાંથી દૂર ખેંચી ગયાં પણ એની લાલચભરી આંખો મરઘાને જોતી જ રહી. પણ મા અને ડેડી મક્કમ હતા. મા કહે, “જો, અમારે તને આ બચ્ચાં એટલાં માટે નથી લાવી આપવા કે એ લઈને છેવટે તું વધારે જ રડવાની છે.” પણ તોત્તો તો રડતી જ રહી. છેવટે નાછૂટકે તેને બે બચ્ચાં અપાવ્યા. પણ ચોથે અને પાંચમે દિવસે એક-એક બચ્ચું મરી ગયું. તોત્તોએ બગીચામાં નાનો ખાડો ખોદી બન્નેને એમાં દાટી દીધાં પછી એનાં પર ફૂલ મૂક્યા. હવે ખૂણામાં સૂનુંસૂનું પાંજરું પડ્યું હતું. તેમાં મરઘીનાં બચ્ચાનું એક પીંછુ જોઈને તોત્તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેત્સુકો લખે છે: ‘કંઇક ગુમાવવાનો અને જુદાઈનો એનો આ પહેલો અનુભવ હતો.’
પબ્લિક-સ્પીકિંગની નવતર ટ્રેનીંગ!
જાપાનમાં બાળકોને ઘરમાં કહેવામાં આવે છે કે જમતી વખતે બોલવું નહીં. પરંતુ કોબાયાશી તો બીજું જ વિચારતા હતા. એમણે બાળકોને કહેલું કે આપણે સૌએ જાહેરમાં બોલતાં શીખવું જોઈએ. એટલે બધાં જમતા હોય ત્યારે રોજ એક-એક બાળક બધાની વચ્ચે આવીને કંઇક બોલશે. આની પાછળનું કારણ એ હતું કે બધાની વચ્ચે ઉભાં થઈને પોતાનાં વિચારો રજૂ કરવાની તાલીમ વિદ્યાર્થીઓને મળે એ ખૂબ જરૂરી છે. શરૂશરૂમાં તો બધાં છોકરાઓ શરમાઈ જતાં, થોથવાઈ જઈને બેસી જતા અને તેમને ખબર પડતી કે બે-ત્રણ જણા સાથે વાત કરવી એનાં કરતા બધાની વચ્ચે ઉભાં થઈને બોલવું મુશ્કેલ છે અને આમાં તો હિંમતની જરૂર પડે છે.
છોકરીઓ પ્રત્યે વિવેકપૂર્ણ વર્તન કરવાની તાલીમ
એકવાર તોત્તો ચોટલીઓ વાળીને શાળાએ ગઈ તે વખતે એક જાડિયા છોકરાએ જેનું નામ ‘ઓએ’ હતું તેણે તોત્તોની ચોટલી પકડીને ‘જોર લગાકે...હેઈ સા...’ કરતા ખેંચવા માંડી. તોત્તો તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એઓનો આશય ખરાબ ન હતો. ખાલી ગમ્મત ખાતર એની ચોટલીઓ પર લટકવા ગયો હતો. કોબાયાશીએ એઓને બોલાવીને ઠપકો આપ્યો અને કીધું કે છોકરીઓ સાથે બહુ વિવેકથી વર્તન કરવું જોઈએ અને એમની કાળજી રાખવી જોઈએ. તોત્તોની ત્યારબાદ એઓએ માફી માંગી લીધી. તોત્તોને પણ એ ગમ્યું કે કોઈ આપણું ધ્યાન રાખે તો કેવું સારું લાગે!
ચોકનો ઉપયોગ: ક્યારે,ક્યાં અને કેવી રીતે?
તોમોએનાં બાળકોને કદી કોઈને દીવાલ પર, રોડ પર ચોક કે પેન્સિલથી ચિતરામણ કરવાની આદત પડી ન હતી. કેમકે ચોકથી કંઇક લખવાની-ચિતરવાની એમની ઈચ્છા શાળામાં જ પૂરી થઇ જતી. બાળકોને કોબાયાશીએ સભાખંડનાં ફરસ પર ચોકથી લખવા-ચિતરવાની છૂટ આપી હતી. સંગીતના પીરીયડમાં કરેલાં ચિતરામણોને બાળકો પોતે જ સાફ કરતા. મોટા ડસ્ટરથી ચાકની રજ ખસેડી લેતાં અને પછી મોટું પાણી-પોતું બધાં એકસાથે પકડીને ઘસડી-ખેંચીને ફરસ સાફ કરતા. આ બહુ મહેનતનું કામ હતું. ને તેથી જ તોમોએનાં બાળકોને ખ્યાલ હતો કે કોઈની દીવાલ ચીતરીને ગંદી ન કરવી જોઈએ. વળી, વિદ્યાર્થીઓને કયો ચોક સરસ હોય, તેને કેવી રીતે પકડાય, કેવી રીતે લખીએ તો સુંદર અક્ષર નીકળે, ચોક કેમ તૂટી ન જાય એની પણ ખબર સારી પડતી હતી. બધાં ખરેખર ચોક-નિષ્ણાત હતાં!
યાસુકી-ચાનનાં મરણનું દુઃખ
તોત્તોની જોડે ભણતાં યાસુકી-ચાનને પોલિયો થયેલો. તેથી તે સરખી રીતે ચાલી શકતો નહિ. તોત્તોને તે ખૂબ ગમતો. અમેરિકામાં ટેલીવિઝન નામની કોઈ ચીજ હોય છે એવું તોત્તોને સૌથી પહેલાં એણે જ કહેલું. વેકેશન પછી ઉઘડતી શાળાએ બાળકો સમક્ષ કોબાયાશીએ ભારે ગમગીની સાથે જાહેરાત કરી: ‘યાસુકી-ચાન હવે નથી.’ યાસુકીની દફનવિધિમાં સામેલ થવા કોબાયાશી તમામ બાળકોને ચર્ચમાં લઇ જાય છે. કફનમાં વીંટળાયેલા યાસુકીનું શરીર સફેદ ફૂલો તળે ઢંકાયેલું હતું. તોત્તો નીચે બેસી ગઈ અને યાસુકીનો હાથ પકડીને એણે કહ્યું, “ચાલ ત્યારે, આવજે.આપણે હવે મોટા થઈશું ને, એ પછી વળી કોઈક જગ્યાએ મળીશું... ત્યાં સુધીમાં તો તારો પોલિયો મટી ગયો હશે.” તોત્તો ચર્ચની બહાર નીકળી ત્યારે વસંતનો હુંફાળો સૂરજ ઝળહળતો હતો અને તોત્તોની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં.
સ્વમાનનું મહત્વ
જાપાન પર દ્વિતીય વિશ્વયુદ્ધનાં વાદળ ઘેરાયેલા હતાં. બજારની દુકાનોમાંથી અનાજ અને ખાદ્ય સામગ્રી અદ્રશ્ય થવાં લાગી હતી. લગભગ બધી જ ખાદ્યચીજો અને અનાજ પર રેશનીંગ મૂકાઈ ગયું હતું. તોત્તોને જે ખોરાક મળતો તેનાથી તેને પૂરતું પોષણ મળતું ન હતું. ડેડીની ઓર્કેસ્ટ્રા મંડળીનાં સભ્યોની સંખ્યા પણ ઓછી થતી જતી હતી. રેડિયો કાર્યક્રમો હવે યુદ્ધ વિષે જ થતાં. ડેડી હવે બેકાર થઇ ગયાં હતાં. એ વખતે એમને એક દરખાસ્ત મૂકવામાં આવી હતી કે જો તે દારૂગોળો સને બંદૂકો બનાવતાં કારખાનામાં જઈને વાયોલીન પર યુદ્ધનાં ભાવને ઉશ્કેરનારું સંગીત વગાડે તો એમને ખંડ, ચોખા અને ખાવા-પીવાની વસ્તુઓ મળે. ડેડીએ એમને ચોખ્ખું કહી દીધું કે પોતે વાયોલીન પર એવું સંગીત નહિ વગાડે. યુદ્ધનું સંગીત વગાડવાથી દાણા-પાણીનો પ્રશ્ન હલ થઇ શકતો હતો પણ ડેડીએ ના એટલાં માટે પાડી કે તે પોતાનાં સંગીતનું મૂલ્ય – કલા અને આદર્શને યુદ્ધ જેવી ભયાનક બાબતોથી ઊંચું આંકતા હતા.
યુદ્ધ બહુ ખરાબ વસ્તુ છે...
તોમોએ શાળામાં શાળાનો ચોકીદાર રયો-ચાનને હવે જાપાની લશ્કરનાં મોરચે જવાનું હોવાથી તેનો વિદાય સમારંભ ગોઠવવામાં આવે છે જેને કોબાયાશી વિદાય-સમાંરભ નહિ પણ ચા-મહેફિલ (Tea Party) તરીકે ઓળખાવે છે. કારણકે, વિદાય-સમાંરભમાં ગમગીનીનો ભાવ હોય છે. વળી, ઉંમરમાં મોટા હોય તે બાળકોને એવું ન લાગે કે રયો-ચાન હવે યુદ્ધમોરચેથી જીવતો પાછો ફરવાનો નથી.
રયો-ચાન જે દિવસે વિદાય થયો એ જ દિવસથી અમેરિકી યુદ્ધવિમાનો ટોકિયોનાં આકાશમાં દેખાવા લાગ્યા ને રોજેરોજ બોમ્બવર્ષા કરવાં લાગ્યા.
તોમોએ શાળા ભસ્મીભૂત
અમેરિકાનાં B-29 બોમ્બવર્ષક્ વિમાનોએ તોમોએ શાળાનાં રેલવેનાં ડબ્બાઓ પર બોમ્બ નાખ્યાં અને બધું જ ભસ્મીભૂત થઇ ગયું. તેત્સુકીનાં શબ્દોમાં જોઈએ:
“તોમોએ સ્કૂલ – હેડમાસ્ટરજીનું મહામૂલું સ્વપ્ન – આગમાં કોકડું વળી ગઈ. બાળકોના ખિલખિલાટ હસવાના ને એમનાં મધુર ગાનના અવાજોને બદલે હવે આ સળગવા-તૂટવાનાં ભયાનક અવાજો આવતા હતા. આગને કાબૂમાં લઇ શકાય તેમ હતું જ નહિ. બધું જ સળગીને ભોંયભેગું થઇ ગયું હતું.
આગની જ્વાળાઓ વચ્ચે હેડમાસ્ટરજી રસ્તા પર ઉભાં ઉભાં તોમોએને સળગતી જોઈ રહ્યાં હતા – એમનો હંમેશનો જૂનો કાળો સૂટ પહેરીને, અને હાથ ખિસ્સામાં નાખીને!”
હેડમાસ્ટરજીનો બાળકો માટેનો પ્રેમ અને શિક્ષણ માટેની સમર્પણશીલતાની ભાવના – આ આગની જ્વાળાઓ કરતા ક્યાંય ઉંચી ને શક્તિમંત હતી. હેડમાસ્ટર્જી તૂટી નહોતા ગયા – સ્વસ્થ હતા.”
સાયોનારા... સાયોનારા!
ટોકિયો શહેર હવે વસવાટલાયક રહ્યું ન હતું. રોજનાં હજારો-લાખો ટન બોમ્બ જાપાનની ધરતી પર, ખાસ તો ટોકિયો જેવાં મહાનગરો પર ઝીંકાતા હતા. એટલે લાખો લોકો મહાનગરોમાંથી સ્થળાંતર કરતા હતા. એક રાત્રે ખીચોખીચ ભરેલી ટ્રેન ટોકિયોની બહાર જઈ રહી હતી. તોત્તો પણ આ ટ્રેનમાં હતી. તેનો પરિવાર વિસ્થાપન કરી રહ્યો હતો. કોબાયાશીએ તેને કહ્યું, “આવજે, આપણે ફરી મળીશું.’ જે તેમનાં છેલ્લાં શબ્દો હતા.
તેત્સુકો લખે છે: “તે સાથે જ એને યાદ આવી રહ્યાં હતા પેલાં શબ્દો, જે હેડમાસ્ટરજીએ અનેકવાર એને કહેલા – ‘તું સાચે જ ખૂબ સારી છોકરી છે.’ આ શબ્દોને તો એ ક્યારેય ભૂલવા માંગતી નહોતી. હેડમાસ્ટરજી એને ફરીથી જરૂર મળશે જ, એ વિશ્વાસમાં પોતાના મનને લપેટીને તોત્તો-ચાન ઉંઘી ગઈ. ટ્રેન અનેક ચિંતાતુર મુસાફરોનો ભાર ઉપાડતી, ચારેબાજુ ઘેરાયેલા અંધકારમાં આગળ ને આગળ દોડતી હતી...”