આઇઝેક અસીમોવ( 1920- 1992) વિજ્ઞાનકથાઓનાં સૌથી મશહૂર અમેરિકન લેખક છે. ‘Rain, Rain, Go Away’ નામનાં જાણીતાં અંગ્રેજી નર્સરી રાઈમ પરથી લીધેલાં શીર્ષકવાળી આ વાર્તા ઈ.સ. 1959માં પ્રકાશિત થયેલી. વિજ્ઞાનનો હળવો સ્પર્શ ધરાવતી આ કલ્પનાકથાનું સૌથી મજાનું પાસું છે એનાં પાત્રો અને સંવાદો. બાળવાર્તાનો આભાસ ધરાવતી આ વાર્તા દ્વારા અસીમોવ અમેરિકન સંસ્કૃતિ સાથે અનુકૂળ થવાની સક્કારો કુટુંબની મથામણનો અંદેશો પણ આપે છે. વરસાદી માહોલમાં કડકમીઠી ચાની ચૂસકી સાથે માણો આ સરસ મજાની વાર્તા:
“એ રહી તે,” લીલીયન રાઈટે બારીનો પડદો સરખો કરતાં કહ્યું. “ જ્યોર્જ, એ રહી તે.”
“કોણ તે?” પતિએ ટીવીમાં ઓરડાનાં પ્રકાશને અનુકૂળ કોન્ટ્રાસ્ટ સેટ કરતાં કરતાં પૂછ્યું.
“મિસિસ સક્કારો.” લીલીયન બોલી અને પછી પતિ તરફથી ‘એ વળી કોણ?’ જેવો આગામી પ્રશ્ન ફેંકાય એ પહેલાં જ ઉતાવળે ઉમેર્યું: “ આપણા નવાં પડોશી.”
“અચ્છા.”
“સનબાથ... જયારે જોઈએ ત્યારે તેઓ સનબાથ લેતાં જ જોવા મળે! મને થાય છે એમનો બાબો કોણ જાણે ક્યાં હશે. આવાં સરસ મજાના દિવસે તો એ સામાન્ય રીતે બહાર જોવા મળે, એમનાં મસમોટા વરંડામાં ઉભો ઉભો દીવાલ પર દડો ટીચતો હોય. જ્યોર્જ, તે ક્યારેય એને જોયો છે?”
“હા...એનાં વિષે સાંભળ્યું તો છે. “
“સરસ મજાનો છોકરો છે – એકદમ શાંત અને ડાહ્યોડમરો. કાશ આપણો ટોમ પણ એનો દોસ્ત બને. બેય ની ઉંમરે ય સરખી હશે...એ ય દસેક વર્ષનો તો ખરો જ...”
“મને ખબર નહોતી કે આપણા ટોમને મિત્રોની ખોટ હશે.”
“વારુ, પણ સક્કારોની વાત અલગ છે. તેઓ ઘણાં અંતર્મુખી છે. મને તો એ ય સુદ્ધાં ખબર નથી કે મિસ્ટર સક્કારો શું કરે છે.”
“તારે જાણીને ય શું કરવું છે? એ શું કરે છે તે એ જાણે!”
“પણ એ થોડું વિચિત્ર નથી લાગતું કે તેમણે મેં ક્યારેક કામ પર જતાં જોયા નથી?”
“લે તો એ તો મને ય કોઈએ ક્યાં કામ પર જતાં જોયો છે.”
“પણ તમે તો ઘરે રહીને લખવાનું કામ કરો છો. મિસ્ટર સક્કારો કોણ જાણે શું કામ કરે છે.”
“હું છાતી ઠોકીને કહી શકું કે મિસિસ સક્કારો જાણે છે કે મિસ્ટર સક્કારો શું કામ કરે છે અને એ ય કહી શકું કે એ ય તારી જેમ ઘોર મૂંઝવણમાં હશે કે કોણ જાણે મિસ્ટર રાઈટ શું કામ કરતાં હશે.”
“જ્યોર્જ, શું તમને ય મજાક સૂઝે છે.” લીલીયન થોડા અણગમા સાથે બારી બહારથી નજર ખસેડીને ટીવી સ્ક્રીન પર ફેરવે છે. “મને લાગે છે કે આપણે કંઇક કરવું જોઈએ...એક પડોશીને નાતે.”
“શું કરવું જોઈએ, વ્હાલી?” જ્યોર્જે હાથમાં ફીણથી ઉભરાતી કિંગ-સાઈઝ સોડા સાથે સોફામાં ટેસથી ગોઠવાતા કહ્યું.
“એમને જાણવાનો પ્રયત્ન.”
“તો કેમ મિસિસ સક્કારો પેલાં દિવસે આવ્યા હતાં ત્યારે પરિચયવિધિ બરાબર નહોતી કરી? તે તો મને કહેલું કે તમારે વાત થયેલી.”
“ એ તો અમસ્તું ‘હલ્લો’ અને ‘કેમ છો?’ જ. એ આવેલાં ત્યારે આખું ઘર રમણભમણ હતું એટલે ખાલી ઉપરછલ્લી ઓળખાણ કરી શકાઈ હતી. એ વાતને ય બે મહિના ઉપર થયાં અને તો ય ‘હેલો’થી વાત આગળ વધી નથી – કેવી બાઈ છે!”
“કેવી છે?”
“આખો દિવસ આકાશ સામે તાક્યા કરે. મેં તો એને દિવસમાં સો વાર એમ કરતાં જોઈ. અને પાછું આકાશમાં નાની સરખી વાદળી ય દેખાય તો બહાર નીકળવાનું નામે ય ના લે એવી છે. એકવાર એમનો છોકરો બહાર રમતો હશે ત્યારે એને બૂમો પાડતી સાંભળી હતી: “એ દીકરા, અંદર આવતો રહે, વરસાદ પડવાનો છે.” અને મને ઓચિંતું સાંભર્યું કે બહાર તાર પર આપણા કપડાં સૂકાય છે. હું તો લેવા દોડી અને જોઉં તો બહાર ધોધમાર તડકો વરસે છે! હા, છૂટપૂટ વાદળા હતાં પણ વરસાદ જેવું તો નામે ય નહિ.”
“એ દિવસે પછી વરસાદ પડેલો કે?”
“ હોય કંઈ? એક ટીપું સુદ્ધાં વરસ્યું નહોતું. નાહકની દોડાદોડ કરેલી.”
જ્યોર્જ બેઝબોલની રમત જોવામાં પરોવાયો. સહેજવાર રહીને એણે રસોડામાં પોતાનાં કામમાં ગૂંથાયેલી લીલીયનને બૂમ મારી: “ એ લોકો એરીઝોનાથી છે એટલે મને લાગે છે કે એમને વરસાદી વાદળોનો કોઈ પરિચય નહિ હોય.”
લીલીયન ડ્રોઈંગરૂમમાં આવીને બોલી, “ક્યાંથી છે?”
“એરીઝોનાથી. ટોમનાં કહેવા મુજબ.”
“ટોમને કેમ ખબર પડી?”
“ટોમે એમનાં બાબા જોડે વાત કરેલી, કદાચ એ બોલ રમતો હતો ત્યારે. અને એણે જ ટોમને કહેલું કે અમે એરીઝોનાથી છીએ. આટલી વાત થઇ ન થઇ ત્યાં તો પેલો બાબો અંદર દોડી ગયો. ટોમ કહે છે એમ તેઓ કદાચ એરીઝોનાથી હોઈ શકે, અથવા અલાબામા...અથવા એવી જ કોઈક જગ્યા. તને તો ખબર જ છે આપણા ટોમની. ભાઈસાહેબને કશું યાદ રહે તો ને! પણ જો તેઓ વાદળો જોઈને ચિંતાતુર થઇ જતાં હોય તો મારાં ખ્યાલથી તેઓ એરીઝોનાથી જ હોવા જોઈએ અને બિચારાઓ ને ખબર જ નહિ હોય કે અહીંનાં વરસાદી વાતાવરણમાં શું કરવું.”
“પણ તમે કેમ મને આ વાત કરી જ નહોતી?”
“કેમકે ટોમે મને આજે સવારે જ આ કહ્યું અને મને થયું કે એણે તને ય કીધું જ હશે...અને સાચું કહું તો તને આ વાતની ખબર ના પડે તો કંઈ ધરતીકંપ નહોતો થઇ જવાનો એટલે...વાહ!”
બોલ જમણી બાજુએ ધસ્યો અને ત્યાં જ ફિલ્ડર ઉભો હતો.
લીલીયન પાછી બારી નજીક ગઈ અને બોલી, “મારે બસ એની ઓળખાણ કરવી જ છે. કેવી સરસ દેખાય છે. – અરે જ્યોર્જ, જરા જુઓ તો.”
જ્યોર્જ ટીવી સિવાય કશું જોવા રાજી નહોતો.
લીલીયને કહ્યું, “ મને ખબર છે કે તે વાદળથી ડરે છે. અને જોજો હોં, હમણાં જ તે ઘરની અંદર જતી રહેશે. સાચે જ!”
******************************************
બે દિવસ પછી જ્યોર્જ લાયબ્રેરીમાં સંદર્ભ પુસ્તકો લેવા નીકળ્યો હતો અને થોકબંધ પુસ્તકો લઈને ઘરે પાછો આવ્યો. લીલીયને ઉત્સાહભેર એનું સ્વાગત કર્યું.
તેણે કહ્યું: “તમારે કાલે કશું જ કરવાનું નથી.”
“ શ્રીમતીજી તો પ્રશ્ન નહિ આદેશ કરી રહ્યા છે ને કંઈ!”
“આદેશ જ છે. આપણે સક્કારો કુટુંબ સાથે મર્ફીસ્ પાર્ક જઈ રહ્યા છે.”
“કોની સાથે – ?”
“અરે જ્યોર્જ, આપણા પાડોશી સાથે. તને કેમ કોઈના નામ યાદ નથી રહેતા?”
“ શું કરું ઈશ્વરની કૃપા છે! પણ વ્હાલી, આમ કેમ કરતાં થયું?”
“હું આજે તેમના ઘરે ગયેલી અને પછી મેં ડોરબેલ વગાડી.”
“એમ.”
“ના એ કંઈ સહેલું નહોતું. પહેલાં તો હું ત્યાં ઉભી રહી. મારી આંગળી જાણે ડોરબેલ પર થીજી જ ગઈ. વગાડું કે ના વગાડું એવું થયું. પણ પછી વિચાર્યું કે દરવાજો કોઈ ખોલે અને આપણને મૂરખની જેમ ત્યાં ઉભેલાં જુએ એનાં કરતાં ડોરબેલ જ વગાડી દેવી શું ખોટી.”
“અને એણે તને ઘરની બહાર કાઢી ના મૂકી?”
“ શું તમેય. ના. એ તો ઘણી જ પ્રેમાળ છે. મને અંદર બોલાવી, મારાં વિષે બધું પૂછ્યું અને હું એમનાં ત્યાં આવી એ વાતથી એ તો બહુ જ ખુશ હતી. જોયો લીલીયનનો જાદુ!”
“અને તે જ એમને મર્ફીસ્ પાર્ક જવા કહ્યું હશે ને?”
“હાસ્તો. મને હતું કે હું બાળકોને મજા પડે એવું કઈ સૂચવું તો એમને હા પાડવામાં ખચકાટ ના થાય. અને પોતાનાં છોકરા માટે તો એ એવી અડધીઅડધી થઇ જાય છે ને!”
“માની પ્રકૃતિ.”
“પણ તમે એમનું ઘર જોયું હોય તો...”
“ માફ કરજે બે હાથ જોડું પણ મને ક્યા રંગનાં પડદા અને ક્યા રંગની ચાદરો, ને કઈ સાઈઝનાં કબાટો એવા વિષયોમાં બિલકુલ રસ નથી.”
જયોર્જ શું કહે છે એની ધરાર અવગણના – લીલીયનનાં સુખી લગ્નજીવનનું આ જ તો રહસ્ય હતું. લીલીયનની રંગો અંગેની સમજણ કાબિલેદાદ હતી. પલંગની ચાદરોની ભાત વખાણવા યોગ્ય છે કે કેમ એની અનુભવી આંખ ક્ષણમાં પરખી લેતી અને કબાટો અંગે તો તસુ એ તસુનું વર્ણન કરી બતાવતી.
“ અને ચોખ્ખાઈ? ઓહોહો...એવું ચોખ્ખુંચણાક ઘર તો મેં આજ સુધી નથી જોયું.”
“ મિસિસ સક્કારોને ઓળખવાની લ્હાયમાં ક્યાંક એવું ના થાય કે તારી સમક્ષ એ બધાં એવા શ્રેષ્ઠતમ ધોરણો ખડા કરી દે કે જેને તું ક્યારેય આંબી ના શકે. ને પછી સ્વ-બચાવ કરવા તારે એને પડતી મુકવી પડે.”
“એનું રસોડું,” જ્યોર્જનાં શબ્દો પર ધ્યાન ન આપતાં લીલીયન બોલી, “એ તો એવું સ્વચ્છ કે જાણે ક્યારેય વપરાયું જ ન હોય. મેં એક ગ્લાસ પાણી માંગ્યું ત્યારે તેણે નળી નીચે એવી ખૂબીથી ગ્લાસ ધરી રાખ્યો કે નળમાંથી એક ટીપું સુદ્ધાં સિંકમાં પડે નહિ. અને એણે મને ગ્લાસ ધર્યો ત્યારે પણ ચોખ્ખા રૂમાલથી પકડી રાખેલો.”
“બિચારીને બહુ કષ્ટ પડતું હશે. એણે આપણી સાથે આવવા તરત હા ભણી કે?”
“અં... ના તરત તો નહિ. એણે એનાં પતિદેવને ફોન કર્યો અને હવામાનનાં શું સમાચાર છે એ અંગે પૂછ્યું. અને મિસ્ટર સક્કારોએ એને કહ્યું કે તમામ છાપાંઓમાં તો આવતીકાલે સરસ હવામાન રહેશે એવું લખ્યું છે પણ પછી એ કંઇક રેડિયો પર તાજાં સમાચાર જોવામાં અટવાયા.”
“શું કહ્યું? તમામ છાપાંઓ?”
“હા, તેઓ લગભગ બધાં જ છાપાઓ મંગાવતા લાગે છે. મેં છાપું નાખવા આવતાં છોકરાને એમનાં ત્યાં મસમોટાં બંડલ લઇ જતો જોયો છે.”
“ અં...મને લાગે છે કે આપણે એક જ છાપું વાંચીએ છે તેમાં કંઈ ગુમાવતા નથી. શું કહે છે, વ્હાલી?”
“ હશે.” લીલીયન ગંભીરતાથી બોલી, “તેણે તો હવામાનખાતાની કચેરીએ ય ફોન કરેલો અને હવામાનની વર્તમાન સ્થિતિ અંગે પૂછેલું. પછી પતિ સાથે પાછી સંતલસ કરીને મને કહ્યું કે અમે આવીશું પણ આવતાં પહેલાં ફોન કરીશું...રખે હવામાનમાં કંઈ અણધાર્યો પલટો આવે તો...”
“અચ્છા...અચ્છા... તો પછી આપણે જઈશું.”
**********************************************
સક્કારો દંપતી યુવાન અને સુંદર હતું. તેઓ જયારે એમનાં ઘરેથી ચાલીને રાઈટ કુટુંબની ગાડી ભણી આવી રહ્યા હતાં ત્યારે જ્યોર્જ પત્ની તરફ સહેજ લળીને એનાં કાનમાં ગણગણ્યો: “તો આ છે મિસ્ટર સક્કારો.”
“હા એ જ છે.” લીલીયન બોલી. “અરે પણ એમનાં હાથમાં શું છે?”
“શરત લગાવીને કહું છું કે એ પોકેટ રેડિયો જ છે. હવામાનનાં સમાચાર જાણવા લીધો લાગે છે.”
સક્કારોનો ટાબરો એમની પાછળ દોડતો દોડતો આવતો હતો અને એનાં હાથમાં એનેરોઈડ બેરોમીટર હતું. ત્રણેય જણા બેકસીટ પર ગોઠવાયા. ગાડી ઉપડતાની સાથે જ વાતોનો દોર ચાલુ થયો અને મર્ફીસ્ પાર્ક સુધી અલકમલકની વાતોની રમઝટ બોલતી રહી.
સક્કારોનો બાબો તો એવો શાંત અને ઠાવકો હતો કે આગળની સીટ પર મા-બાપની વચ્ચે લપાઈને બેઠેલો ટોમ સંસ્કારિતાનાં આ જીવતાંજાગતાં દાખલા આગળ નતમસ્તક થઇ ગયો હતો. લીલીયને યાદ કરવાની કોશિશ કરી કે પોતે છેલ્લે આવી મજાની મુસાફરી ક્યારે કરી હતી.
લીલીયનને એ વાતથી જરા પણ નવાઈ ન લાગી કે વાતોનાં આવાં કલબલાટ વચ્ચે જ્યાં કશું પૂરેપૂરું સંભળાતું ન હોય ત્યારે ય મિસ્ટર સક્કારોનો નાનકડો રેડિયો ચાલુ જ હતો. જોકે એણે સક્કારોને રેડિયો કાને માંડતા નહોતાં જોયા.
મર્ફીસ્ પાર્કનો ખુશનુમા માહોલ. આવાં કોરાધાકોર દિવસે અને જયારે નીલા આકાશમાં સૂર્યદેવતા મસ્તીથી ઝળહળતાં હતાં ત્યારે મિસ્ટર સક્કારો ઝીણવટભરી નજરે બગીચાની એકેએક દિશાઓ માપી રહ્યા હતાં. અને પછી એમણે બેરોમીટર ભણી જોયું. ચિંતાની કોઈ વાત નહોતી.
લીલીયન બન્ને ટાબરિયાંઓને એમ્યુઝમેન્ટ વિભાગમાં લઇ ગઈ અને બન્ને જણાને રાઈડ્સની થ્રીલ માણવા મળે એ માટે બધી જ રાઈડ્સની ટીકીટો ખરીદી.
“મારાં તરફથી આટલું તો કરવા દો.” એને વારવાનો પ્રયત્ન કરતી મિસિસ સક્કારોને એણે કહ્યું, “ તમે આવતી વખતે પૈસા કાઢજો, બસ.”
જયારે તે પાછી ફરી તો જ્યોર્જ એકલો ઉભો હતો. “ક્યાં ગયાં – ?” તેણે પૂછ્યું.
“એ રહ્યા પેલાં રીફ્રેશમેન્ટ કાઉન્ટર પર . મેં એમને કહ્યું કે અમે પાછળ આવીએ જ છે.” જ્યોર્જે થોડા ઉદાસ અવાજે કહ્યું.
“કોઈ તકલીફ તો નથી ઉભી થઇ ને?”
“ના, ના. મને લાગે છે કે મિસ્ટર સક્કારો ઘણો ધનવાન માણસ હોવો જોઈએ.”
“શું કહ્યું?”
“મને નથી ખબર કે એ કામ શું કરે છે પણ મને લાગે છે કે – ”
“જોયું... હવે કોને જાણવાનો ધખારો ઉપડ્યો છે!” લીલીયન આંખો નચાવતાં બોલી.
“અરે વ્હાલી, હું તો આ બધું તારે માટે કરી રહ્યો છું. એ તો એવું કહે છે કે પોતે માનવ સ્વભાવનો અભ્યાસી છે.”
“ઓહોહો! કેવું ફિલસૂફીભર્યું! એટલે જ કદાચ પેલાં તમામ છાપાંઓ...”
“હા, પણ આવો સોહામણો અને તવંગર માણસ બાજુમાં રહેતો હોય તો મારે માટે તો આંબી ન શકાય એવું ધોરણ ખડું થઇ ગયું!”
“જાઓને હવે.”
“અને હા, એ કંઈ એરીઝોનાથી નથી.”
“હેં?”
“મેં જયારે કહ્યું કે તમે એરીઝોનાથી છો એવું સાંભળ્યું છે તો એ તો ચમકી ગયાં. પછી હસીને મને કહે શું મારી બોલવાની લઢણ એરીઝોના જેવી લાગે છે?”
લીલીયન કંઈક વિચારીને બોલી, “ એની લઢણ તો વિશિષ્ટ છે જ. સાઉથવેસ્ટમાં ઘણાં લોકો મૂળે સ્પેનિશ છે,તો કદાચ એ એરીઝોનાનાં હોઈ શકે. સક્કારો કદાચ સ્પેનિશ નામ હશે.”
“મને તો સક્કારો જાપાનીઝ નામ લાગે છે. – ચાલ, જો એ લોકો હાથ કરી રહ્યા છે. જો તો ખરી એમણે શું ખરીદ્યું છે!”
સક્કારો કુટુંબનાં દરેક સભ્યનાં હાથમાં એક એક કોટન કેન્ડી હતી – ગરમ વાસણમાં ખાંડની ચાસણીનાં તારથી રચાયેલું ગુલાબી પોલકું! મોંમાં મુકતા જ અદ્રશ્ય થઇ જાય અને જીભ ચીપચીપી થઇ જાય!
સક્કારોએ મિસ્ટર રાઈટનાં પરિવારને પણ કોટન કેન્ડી ઓફર કરી જે એમણે સહર્ષ સ્વીકારી.
પછી તો સૌ આગળ ચાલ્યા. તીરંદાજી પર હાથ અજમાવ્યો, જેમાં બોલ ગગડાવીને સામે મૂકેલા લાકડાનાં સીલીન્ડરો પાડી નાખવાના હોય એવી પોકર નામની રમત રમ્યા. પોતાનાં ફોટા ખેંચાવ્યા, અવાજો રેકર્ડ કર્યા, અને પછી બાકી રહી જતું હોય તેમ પંજા લડાવ્યા!
પછી જયારે બાળકોને રમીને લોથ લઇ ગયાં ત્યારે સક્કારો દંપતી એમને પાછાં રીફ્રેશમેન્ટ કાઉન્ટર પર લઇ ગયાં ટોમને હોટડોગ ખાવો હતો એટલે જ્યોર્જે એની તરફ એક સિક્કો ઉછાળ્યો. ટોમે સિક્કો ઝાલીને સીધી દોટ જ મૂકી!
“સાચું કહું તો...” જ્યોર્જ બોલ્યો, “મને તો અહીં જ રહેવાનું મન થાય છે. જો છોકરાઓ બીજી કોટન કેન્ડી ખાતાં જોવા મળશે તો મારી જાતને હું રોકી નહિ શકું. એ લોકો ડઝનેક નહિ ઝાપટી જાય તો હું પોતે જ ઝાપટી જઈશ!”
“મને ખબર છે તમે કેવા બકાસુર છો તે. જો તેઓ બાળકો કેટલું બધું અપાવી રહ્યા છે.”
“મેં જયારે સક્કારોને હેમ્બર્ગર ઓફર કર્યું ત્યારે એકદમ અણગમા સાથે એમણે માથું ધુણાવેલું. હેમ્બર્ગર ભારે પડે એમ તો નહિ પણ કોટન કેન્ડીથી જ જાણે ધરવ થઇ ગયો હશે.”
“ અને મેં જયારે મિસિસ સક્કારોને ઓરેન્જ જ્યુસ ઓફર કર્યું ત્યારે તો એમણે જે ઠેકડો મારતા ના કીધી એ જોઈને તો એવું લાગે કે જાણે મેં સીધી એમનાં મોં પર ઓરેન્જ જ્યુસની છાલક મારી હોય! ... તો પણ જ્યોર્જ, એવું લાગે છે કે તેઓ આવી જગ્યાએ પહેલી જ વાર આવ્યા હશે. એટલે નવાં માહોલમાં અનુકૂળ થતાં સમય તો લાગે ને. જે રીતે તેઓ કોટન કેન્ડી ઝાપટી રહ્યા છે એ જોતા લાગે છે કે હવે દ્રશ વર્ષ સુધી એમને કંઈ ખાવાની જરૂર નહિ પડે!”
“હોઈ શકે.” બન્ને જણા સક્કારો દંપતી તરફ ચાલ્યા. “ તને ખબર છે, લીલ, આકાશમાં વાદળો આવી રહ્યા છે.”
મિસ્ટર સક્કારોએ કાન પાસે રેડિયો ધર્યો અને પશ્ચિમ તરફ ચિંતાતુર નજરે જોવા લાગ્યા.
“ઓહ!” જ્યોર્જે કહ્યું. “એમણે જોઈ લીધું! જોજે હમણાં એ ઘરે પાછાં જવાનું કહેશે. લાગી પચાસ- પચાસની શરત?”
સક્કારો કુટુંબ જ્યોર્જને વીંટળાઈ વળ્યું અને ઘરે તુરંત પાછાં લઇ જવા આગ્રહપૂર્વક વિનંતી કરી. તેઓ દિલગીર હતાં,બહુ જ મજા પડી હતી, સમય પણ સરસ પસાર થયો, રાઈટ્સ કુટુંબને પણ તેઓ બને એટલી જલ્દી નિમંત્રણ આપશે, પણ અત્યારે તો સાચે જ, એમને ઘરભેગા જ થવું હતું. આકાશ ગાભણું થવા માંડ્યું હતું. મિસિસ સક્કારોએ બળાપો કાઢ્યો કે હવામાનની ખબરો તો બધી સાવ ખોટી ઠરી.
જ્યોર્જે એમને સાંત્વન આપતાં કહ્યું: “સ્થાનિક હવામાન કેવું રહે છે એનો વર્તારો કાઢવો મુશ્કેલ હોય છે અને જો કદાચ વરસાદ તૂટી પડે તો ય બહુ બહુ તો ફક્ત અડધો કલાક પૂરતો.”
આ સાંભળીને સક્કારોનો ટાબરો તો રડમસ થઇ ગયો અને મિસિસ સક્કારોનો હાથ ઝાલી ધ્રૂજવા માંડ્યો.
“ચાલો હોં...પાછાં ઘરે જઈએ છે.” જ્યોર્જે છેવટે કહ્યું.
************************************************
વળતી મુસાફરી જાણે લાંબી હોય એવું લાગતું હતું. ગાડીમાં સન્નાટો છવાયેલો હતો. મિસ્ટર સક્કારોનો રેડિયો ખાસ્સે મોટે અવાજે ગર્જી રહ્યો હતો. એક પછી એક સ્ટેશન બદલાતા હતાં અને હવામાનની ખબરો મુજબ ‘ગાજવીજ સાથે વરસાદ’ આવવાની શક્યતા હતી.
સક્કારોનાં છોકરાએ જોયું તો બેરોમીટર મુજબ દબાણ ઘટી રહ્યું છે અને મિસિસ સક્કારો હડપચી હથેળીમાં ખોસીને વ્યગ્રતાથી આકાશ ભણી જોતાં જોતાં ગાડી થોડી ઝડપી ચલાવવા જ્યોર્જને આજીજી કરી રહ્યા છે.
“વાતાવરણ થોડું તોફાની હોય એમ લાગે છે, કેમ?” લીલીયને પોતાનાં મહેમાનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું. પણ પછી જ્યોર્જને લાગ્યું કે તેની પત્નીએ ધીમેકથી ઉમેર્યું: “ખરેખર!”
એકદમ ક્યાંકથી વંટોળિયો ઉઠ્યો હતો અને મહિનાઓથી કોરાકટ રસ્તાઓ પરની ધૂળ ઉંચે ચડાવતો જતો હતો. જયારે સૌ ઘર ભણીની છેલ્લી સડક પર વળ્યા ત્યારે પાંદડાઓ ડરામણા અવાજે ફફડી રહ્યા હતાં. આકાશમાં વીજળીના ચમકારા પણ શરુ થઇ ગયાં હતાં.
જ્યોર્જ હામ બંધાવતા બોલ્યો: “ તમે સહેજે ચિંતા ના કરશો. તમને બે જ મીનીટમાં ઘરે પહોંચાડી દઈશ.”
જ્યોર્જે દરવાજા આગળ ગાડી ઉભી રાખી અને પાછલો દરવાજો ખોલવા ઉતર્યો. એકાદ ટીપાંનો સ્પર્શ થયો હોય એવું એને લાગ્યું. હાશ! વખતસર પહોંચી તો ગયાં!
સક્કારો કુટુંબે બહાર ઠેકડો માર્યો અને ચિંતાતુર મુખે ઝડપથી ‘આભાર...આભાર’ એમ બબડતાં લાંબી પગથાર તરફ દોટ મૂકી.
“ખરેખર,” લીલીયન બોલી, “એવું જ લાગે કે જાણે તેઓ...”
ત્યાં જ કાળા ભમ્મર વાદળોનું પેટાળ ફાટ્યું અને રાક્ષસી ટીપાં સ્વરૂપે વરસાદ વરસવા લાગ્યો. ગાડીની છત જાણે નગારું વાગતું હોય એમ ધ્રબાંગધ્રબાંગ ગર્જવા લાગી. મુખ્ય દરવાજા ભણી અર્ધે રસ્તે પહોંચ્યા ત્યાં તો સક્કારો અટકી ગયાં અને એમણે આકાશ ભણી જોયું.
વરસાદનાં ટીપાંનો સ્પર્શ થતાં એકદમ એમનો ચહેરો રોળાવા માંડ્યો અને પળવારમાં તો ત્રણેય જણા ઉભાં ઉભાં ઓગળી ગયાં. તેઓ જ્યાં ઉભેલાં ત્યાં ફક્ત ભીનાં ભદડક કપડાંનો ઢગલો રહી ગયો.
અને આ બાજુ ગાડીમાં બેઠેલું રાઈટ્સ કુટુંબ આ દ્રશ્ય જોઈને ભયથી થીજી ગયું. લીલીયન પોતાનું અધૂરું વાક્ય પૂરું કરતાં બોલી: “ – સુગરનાં બનેલાં હોય અને ઓગળી જવાથી ડરતાં હોય.”
(સમાપ્ત)

Sir you are intelligent, brilliant and etc.very nice
ReplyDelete