Saturday, November 10, 2018

સૌહાર્દ-૨૦૧૭: વિશ્વાસની વાસ્તવિકતા બનવાની સફર (ભાગ-૩)

“મંટો...” લેબોરેટરીનાં સ્ટૂલ પર ટેસથી સવાર થયેલાં પલકેશ સાહેબ એટલું જ બોલ્યાં ત્યાં તો હજુ મૂછનો દોરો ફૂટી જ રહ્યો છે એવા વિદ્યાર્થીઓનાં કાન સરવા થયા...
“સઆદત હસન મંટો...કોણ હતા ખબર છે?”
વિદ્યાર્થીઓ એ ડોકા નકારમાં ધૂણાવ્યા.
“અરે બાપ હતો બાપ...” કાળાડીબાંગ મેઘવાદળમાં કડાકો થાય એમ પલકેશ સાહેબ નો અવાજ ગરજી ઉઠ્યો.
કોનો બાપ હશે એવું વિચારી વિદ્યાર્થીઓ એકમેકની સામું મોં વકાસીને જોવાં માંડે એ પહેલાં જ પલકેશે કહ્યું, “મંટો સ્ટોરી રાઈટીંગનો બાપ હતો...કહે છે કે એમનાં જેવી વાર્તા હજુ સુધી કોઈ લખી શક્યું નથી. સર, પેલી મંટોની કઈ વાર્તા છેએએ....?” અને પલકેશે પ્રશ્નનો ‘થ્રો’ કર્યા બાદ ઝીણી આંખો કરીને છેક પાછલી હરોળમાં બેઠેલાં મારી સામું જોવાં માંડ્યું.
“કાલી સલવાર?”
“ના.”
“ઠંડા ગોશ્ત?”
“ના...ના...”
“ખોલ દો?”
“હાંઆઆ... ખોલ દોઓઓ...”
પછી તો પલકેશે સહેમી જવાય એવી આ આખી વાર્તા છોકરાઓને કહી...પછી પલકેશે કહ્યું કે નંદિતા દાસ મંટો પર ફિલ્મ બનાવી રહી છે જેમાં મંટોનાં રોલમાં છે ખુદ નવાઝુદ્દીન સિદ્દીકી. આ ફિલ્મનું ટ્રેલર અથવા ફર્સ્ટ લૂક હમણાં જ રીલીઝ થયું છે. ઉપરાંત પલકેશે પાર્ટીશન લીટરેચરની થોડી વાત કરી જેમાં મેં પણ ભીષ્મ સાહનીની ‘તમસ’, બાપસી સિધવાની ‘આઈસ કેન્ડી મેન’ અને એનાં પરથી બનેલી આમિરખાન-નંદિતા દાસની ‘1947 – ધ અર્થ’ ફિલ્મ, ખુશવંતસિંહની ‘ટ્રેન ટુ પાકિસ્તાન’, દોમેનીક લેપીયર અને લેરી કોલિન્સનાં પુસ્તક ‘ફ્રીડમ એટ મીડનાઈટ’ની વાત કરી.
અમે બોલવાનું પૂરું કર્યું ત્યારે માહોલ ગંભીર થઇ ગયો અને રૂમમાં નીરવ શાંતિ છવાયેલી હતી ત્યાં જ...
... પલકેશ સાહેબની તાળી પડી અને જોતજોતામાં તો એણે સૌને ગ્રૂપમાં વહેંચીને ભજવણી માટે ‘ટાસ્ક’ આપી દીધું...બધાં જણાને કાગળ અને પેન લઈને કોઈ પાત્ર ‘ડેવલપ’ કરવાનું કહ્યું...એનાં વિશિષ્ટ લક્ષણો, હાવભાવ, બોલી અને બોલવાની શૈલી વગેરે નોંધવાનું કામ આપ્યું.
...હવે ફાસ્ટ ફોરવર્ડ. સ્થળ: મ્યુનિસિપલ માર્કેટ સી.જી.રોડ. સમય: રાતનાં ૯:૩૦. ચાર માણસો મ્યુનિસિપલ માર્કેટનાં બસ સ્ટેન્ડની પાછળની અંધારી-અજવાળી ફૂટપાથ પર એકઠાં થયા છે. એક માણસ એનાં થેલામાંથી બધો સામાન કાઢે છે અને બાકીનાં ત્રણ જણા કુતુહલપૂર્વક એ સામાન સામું જુએ છે. એ સામાન એટલે બે-એક પુસ્તકો અને ફોટોકોપી કરેલાં પાનાઓ. હરિશંકર પરસાઈની ‘રાણી નાગફની કી કહાની’, બાબુભાઈ વ્યાસ ‘પ્રો. ડાહ્યાલાલ’ની ‘આ મકાન ન જોઈએ’, મિશ્રનું ‘સસ્તે જહાઝ કા સપના’ જેવી રચનાઓ ચારેય જણા વચ્ચે હાથપલટો પામે છે. ચર્ચાઓનો દોર ચાલુ થાય છે અને માહોલ ગરમાય છે... હજુ હમણાં જ ચારેયે ‘હેવમોર’નો ઠંડોગાર આઈસ્ક્રીમ ખાધો હોવાં છતાં!
આ બધી કૃતિઓનો ટૂંકસાર જોવાય છે અને ફોટોકોપી પર અનેક નજરો ફરી વળે છે... એન્ટોન ચેખોવની ‘કાચિંડો’ અને પરસાઈની ‘ઇન્સ્પેક્ટર માતાદીન ચંદ્ર પર’ જેવી કૃતિઓ પણ ચર્ચાનાં દોરમાં આવતી જાય છે અને જોતજોતામાં થઇ જાય છે રાતના ૧૦:૩૦. આજુબાજુ ચહલપહલ સારી એવી ઓછી થઇ ગઈ છે ત્યારે અચાનક એક સૂફી ઓલિયા જેવો લાગતો શખ્સ ફૂટપાથ પર ખડો થઇ જાય છે અને ‘સસ્તે જહાઝકા સપના’નાં ડાયલોગ્સ બાકીનાં ત્રણને સંભળાય એવી રીતે મસ્તીથી બોલે છે... આ વાચિકમ્ ને અંતે ફરીથી ચર્ચા થાય છે અને સર્વાનુમતે ‘સસ્તે જહાઝકા સપના’ અને ‘આ મકાન ન જોઈએ’ એ બંને પર ચારેય જણા મત્તું મારે છે.
એ ચાર જણા કોણ હશે એ સવાલ પેદાં થયો હોય તો જવાબ હાજર છે મારા સાહેબ! એ ચાર જણા એટલે ‘સૂફી ઓલિયા’ મૌલિક, પલકેશ, નિકુલ અને ‘સ્ટોરી’નાં સામાન સાથે હું! અમે ચારેય જણા ‘સ્ક્રીપ્ટ’ માટે કઈ સ્ટોરી પસંદ કરીશું એની ચર્ચા માટે ભેગાં થયા હતા... બહુ અઘરું કામ હતું... અગાઉ નક્કી તો એવું કર્યું હતું કે મંટોની ‘ટોબા ટેક સિંહ’ ની ભજવણી કરીશું, આજે સવારે જ મંટો અને પાર્ટીશન લીટરેચરની વાત કરી હતી પણ ડીપ્લોમાનાં છોકરાઓ હજુ નાના હોવાથી વાર્તાનો સંદર્ભ અને અન્ડરટોન્સ સમજી નહિ શકે એવું લાગ્યું. ઉપરાંત મોટા ભાગનાં વિદ્યાર્થીઓ માટે હજુ તો તખ્તાપ્રવેશનો પહેલો પ્રસંગ હતો...એટલે કોઈ હળવી સ્ટોરી હોય તો સારું એવું બધાંને લાગ્યું...
...અને પરિસ્થિતિગત હાસ્ય/સિચ્યુએશનલ કોમેડી અને સામાન્ય માણસનાં સપનાની વાત કરતી સ્ટોરીસ્ અમને છેવટે મળી...
હાશ!
શું કહ્યું?હાશ??
થોભો...
હાશ કહેવાને હજુ વાર છે! 

No comments:

Post a Comment