તાજેતરમાં જાપાનનાં
વડાપ્રધાન શિન્ઝો એબે તેમજ તેમજ તેમનાં પત્ની અકી એબેની મુલાકાત સમૂહમાધ્યમોમાં
ઘણી ચર્ચામાં રહી. જાપાનની સંસ્કૃતિ, રીતરિવાજ, શિક્ષણ, ટેકનોલોજી વિશે પણ સૌને
ઘણું જાણવા મળ્યું. આજે આપણે વાત કરવી છે જાપાની ભાષામાં લખાયેલી એક સુંદર
સ્મૃતિકથાની. એ સ્મૃતિકથા એટલે પોતાનાં ગુરુ સોસાકુ કોબાયાશીની સ્મૃતિને સમર્પિત ‘તોત્તો-ચાન:
બારીએ ઉભેલી બાલિકા’. આ સ્મૃતિકથાનો
જાણીતાં પ્રાધ્યાપક અને વિવેચક એવા રમણ
સોનીએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તોત્તો-ચાનની લેખિકા છે જાપાનની આંતરરાષ્ટ્રીય
ખ્યાતિપ્રાપ્ત ટી.વી. કલાકાર, અભિનેત્રી,ઓપેરા ગાયક અને યુનિસેફની સદભાવના-દૂત એવી
તેત્સુકો કુરોયાનાગી. તેત્સુકોએ એક નાનકડી બાલિકા તરીકેનાં પોતાનાં શાળાજીવનનાં
અનેક સંસ્મરણો,વાતો અને સત્યઘટનાઓને અહીં પ્રસંગકથાઓ રૂપે રજૂ કર્યા છે. ૧૯૮૧માં
પ્રકાશિત થતાંની સાથે જ બેસ્ટસેલર થઇ ગયેલી આ સ્મૃતિકથાનો 26થી વધુ ભાષાઓમાં તેનો
અનુવાદ થયો છે. બાળકોને ચાહનાર તમામ શિક્ષકો તેમજ મા-બાપે તો ખાસ વાંચવા જેવાં આ
પુસ્તકમાં એવું તો શું છે ચાલો જોઈએ –
*****************************************************************
ટ્રેનનાં
ડબ્બામાં ચાલતી તોમોએ શાળા
નાનકડી
તોત્તો-ચાનનાં બાળસહજ પરાક્રમોથી એની મા ખૂબ ચિંતાતુર હતી. હજી હમણાં જ એણે શાળાએ
જવાનું શરુ કર્યું હતું પરંતુ પહેલા જ ધોરણમાં શાળાએ એનો પ્રવેશ રદ્દ કરી દીધો હતો,
અને એ પણ ધૂળ જેવાં કારણ માટે. નાનકડી બાલિકા તોત્તો એક જગ્યાએ જંપીને બેસે એવી
છોકરી નહોતી. એની બાળસહજ મસ્તીને વર્ગશિક્ષિકાએ પોતાનાં અનાદરમાં ખપાવી નાની-નાની
ભૂલોનું પહાડ જેવું વર્ણન તોત્તોની મા આગળ કર્યું. ના છૂટકે માએ તોત્તોને શાળાએથી
ઉઠાડી મુકવી પડી. પછી મા તેને તોમોએ નામની શાળામાં પ્રવેશ માટે લઇ ગઈ. શાળાનાં
પ્રવેશદ્વારે લખેલું નામ તોત્તોએ વાંચ્યું: તો-મો-એ ગા-કુ-એ-ન. અચાનક તોત્તોની નજર
ટ્રેનનાં ડબ્બાઓ પર ગઈ. આ શાળામાં ટ્રેનનાં જુનાં ડબ્બાઓનો ક્લાસરૂમ તરીકે ઉપયોગ
કરવામાં આવે છે એ જાણીને તોત્તો-ચાન તો ખુશખુશ! મા જયારે એને શાળાનાં
હેડમાસ્ટરજીને મળાવવા લઇ જતી હતી ત્યારે તોત્તો-ચાનને લાગે છે કે આ હેડમાસ્ટરજી
જરૂર સ્ટેશન-માસ્ટર હશે કેમકે એમની પાસે ટ્રેનનાં કેટલાં બધાં ડબ્બા છે!
મા અને તોત્તો
હેડમાસ્ટરજીની ઓફિસમાં પહોંચે છે. હેડમાસ્ટરજીનું નામ છે કોબાયાશી. કોબાયાશી તો
માને ઘરે મોકલી દે છે અને તોત્તોને કહે છે: ‘તારે જે બોલવું હોય તે બોલ’. અને
તોત્તો પોતે ઘરેથી અહીં સુધી કેવી રીતે આવી તેની,પોતાનાં પાળેલા કૂતરા રોકીની,
પોતાનાં ફ્રોકની વાતો કરે છે. પછી કોબાયાશી તેને માથે વ્હાલથી હાથ ફેરવીને કહે છે –
‘તો, આજથી તું આ સ્કૂલની વિદ્યાર્થીની...’
તોત્તોની બકબક
કોબાયાશીએ પૂરા ચાર કલાક સાંભળેલી છતાં એમણે ન બગાસું ખાધું કે ન કંટાળો દર્શાવ્યો
હતો. તેત્સુકો સ્મૃતિકથામાં લખે છે – ‘જીવનમાં પહેલીવાર એ એક સારા માણસને મળી કે
જે એને ખરેખર ખૂબ સારો લાગ્યો હોય.’ જીવનમાં પહેલી વાર કોઈએ એની આટલી બધી લાંબી
વાતો સાંભળી હતી. તોત્તોને કોબાયાશી માટે આદર ઉત્પન્ન થયો.
તોમોએની નોખી
શિક્ષણપદ્ધતિ
આ સ્કૂલની સૌથી
વધુ અચરજવાળી બાબત અહીંની ભણાવવાની પદ્ધતિ હતી. બીજી શાળાઓમાં ‘ટાઈમટેબલ’ નક્કી
હોય જયારે અહીં તો પહેલો વર્ગ શરુ થાય એટલે શિક્ષિકા આવીને આખા દિવસનાં વિષયોની,
એનાં મુદ્દાની અને પ્રશ્નોની યાદી આપી દે. પછી બાળકોને એમાંથી જે લખવાની ઈચ્છા હોય
તેનાથી શરૂઆત કરી શકે. એટલે કોઈને નિબંધ લખવાની ઈચ્છા હોય તો તે નિબંધ લખે ને
કોઈને ભૌતિકશાસ્ત્રનાં પ્રયોગ કરવાં હોય તો તે પ્રયોગ પણ કરી શકે.
ભણાવવાની આવી પદ્ધતિ
હોવાથી શિક્ષકો દરેકેદરેક બાળક પર પૂરતું ધ્યાન આપી શકતા અને એમનાં રસ-રુચિ કેવાં
છે, એ કેવી રીતે વિચારે છે અને એનાં સ્વભાવની ખાસિયતો શી છે એ જાણી શકતાં.
વિદ્યાર્થીઓનું સાચું માપ કાઢવાની એ આદર્શ પદ્ધતિ હતી.
વિદ્યાર્થી
પોતાને ગમતાં વિષયથી શરૂઆત કરી શકે પણ ઓછો પસંદ હોય તે વિષય પણ આખા દિવસમાં એક વખત
તો ભણવો જ પડતો. જરૂર પડે ત્યાં શિક્ષકોનું માર્ગદર્શન તો મળતું જ હતું. શિક્ષકો
તેમની પાસે જઈને કોઈ મુદ્દો ન સમજાયો હોય તો પૂરી ધીરજથી સમજાવતા.પછી તેને
સ્વાધ્યાય કરવાનું કહેતાં. આમ, અહીં સાચાં અર્થમાં અભ્યાસ થતો હતો – શિક્ષક ભણાવતા
હોય ત્યારે કોઈ વિદ્યાર્થી બેધ્યાન બેસી શકે નહિ.
તોત્તો-ચાન તો આ
સ્કૂલમાં દાખલ થઈને એટલી ખુશ થઇને કે એણે નક્કી કર્યું કે તે રોજ નિશાળે આવશે –
કદી રજા જ નહીં પાડે!
સંતુલિત આહાર:
થોડુંક સમુદ્રમાંથી અને થોડુંક પહાડમાંથી
જયારે બીજાં લોકો
સાદી રીતે ‘તમારાં બાળકોને બધું જ ખાતાં શીખવો’ એવું કહેતાં ત્યારે કોબાયાશીએ
સંતુલિત આહાર માટે આવો વાક્ય-પ્રયોગ બનાવ્યો હતો: ‘થોડું સમુદ્રમાંથી અને થોડુંક
પહાડમાંથી’. સમુદ્રમાંથી એટલે જળ-આહાર – માછલી,કરચલો,નોરી નામનો દરિયાઈ છોડ. પહાડમાંથી
એટલે સ્થળ-આહાર – શાકભાજી,માંસ,મરઘી વગેરે.
તોત્તોની મા તો આ
વાતથી બહુ પ્રભાવિત થઇ. એને થયું કે આ બે જ બાબતો ધ્યાનમાં રાખીને ભોજન તૈયાર
કરવાનું કેટલું સહેલું છે. તોત્તોનાં ડબ્બામાં પહેલાં દિવસે તેણે ઈંડા, લીલા
વટાણા, ડેમ્બુ (માછલીનું માંસ) મૂક્યા હતા. તોત્તોને માએ ‘થોડુંક સમુદ્રમાંથી અને
થોડુંક પહાડમાંથી’ ડબ્બામાં મૂકેલું છે એ જોઈને સંતોષ થયો. વળી, સમૂહભોજન લેવાની
પણ મજા પડી ગઈ. કોઈનાં ડબ્બામાં ખાલી ‘પહાડવાળું’ હોય તો...? તો કંઈ વાંધો નહિ.
કોબાયાશીનાં પત્ની બધે ફરીને પોતાનાં વાટકામાંથી ‘સમુદ્રવાળું’ ચિકુવા (માછલીનું
માંસ) મૂકી દેતા.
જમવાનું શરુ કરતા
પહેલાં બધાં એક ગીત ગાતા:
“ચાવો ચાવો ચાવો
સારી રીતે
જે કંઈ ખાઓ તે
ચાવો ખાસ;
ચાવો રે ચાવો રે
તમે ચાવો
ભાત, માછલી ને
માંસ.”
ગીત પત્યા પછી બધાં બાળકો ‘ઈ તા દા કિમાસુ’ (હે
ઈશ્વર તારો આભાર માનીને જમું છું) બોલીને જમવાનું શરુ કરતા.
તોત્તો-ચાન નામ
કેમ કરતા પડ્યું?
તોત્તો-ચાનનું
ખરું નામ તો ‘તેત્સુકો’. તેત્સુકોનો અર્થ થાય ‘અવાજ જેવું સ્પષ્ટ અને
રણકતું’. તેત્સુકો જયારે નાની હતી ત્યારે
પોતાનું નામ બરોબર બોલી શકતી નહોતી. કોઈ તેણે નામ પૂછે ત્યારે તે બોલતી:
તોત્તો-ચાન. જાપાનમાં‘ચાન’ શબ્દ તો કોઇપણ વ્યક્તિનાં નામ પાછળ જોડી શકાય છે.
તોત્તોનાં પપ્પા તેને ‘તોત્સકી’ કહેતાં.
તોમોએમાં
રેલ્વેનો નવો ડબ્બો આવે છે!
તોમોએ શાળામાં
રેલ્વેનો નવો ડબ્બો આવવાનો છે એ વાતથી બાળકો બહુ કુતૂહલ અનુભવતા હતા. બધાં બાળકો એ
ડબ્બો કઈ રીતે આવશે એ જોવાં માંગતા હતા. એટલે મોડી રાત્રે આવનાર રેલવેનાં ડબ્બાને
જોવાં સૌ બાળકો શાળામાં જ રાતવાસો કરવાનાં હતા. વહેલી સવારે ટ્રેક્ટરનાં ટ્રેલર પર
ટ્રેનનો ડબ્બો આવ્યો. દરેક બાળક માટે તો તે દિવસ આનંદનો દિવસ બની ગયો. તેત્સુકો
લખે છે –
“છ ડબ્બામાં આ
સાતમો ડબ્બો ઉમેરાયો.આ ડબ્બાએ ઘણાં મુસાફરોનો ભાર એનાં જે પૈડા પર ઉઠાવ્યો હતો – એ
બધાં પૈડા કાઢી લેવામાં આવ્યા હતા. હવે તો આ ડબ્બાએ માત્ર બાળકોના ખિલખિલાટનો જ
ભાર ઝીલવાનો હતો...!”
સ્નાનાગાર:
દરેકનું શરીર, શરીરમાત્ર સુંદર હોય છે.
તે દિવસે પ્રથમ વખત
જ તોત્તો કપડાં પહેર્યા વિના સ્નાનાગારમાં તરી. ઉનાળાની ગરમી હોવાથી કોબાયાશીએ
શાળામાંના સ્નાનાગારમાં બધાં બાળકોને સમૂહ-સ્નાન કરવાનું કહ્યું. તેત્સુકોનાં
શબ્દોમાં વાંચો –
“કોઈ
દૂબળાં-પાતળાં, કોઈ હુષ્ટપુષ્ટ છોકરાઓ અને છોકરીઓ બધાં જ હસતા અને બૂમો પાડતાં, પાણી
ઉછાળતાં અને ફંગોળતા પોતપોતાના જન્મસમયનાં પોષાકમાં નહાતા હતા!”
કોબાયાશીએ
બાળકોને આમ સાવ નિર્વસ્ત્ર થઈને કેમ નહાવા દીધાં હશે? તો એનો જવાબ એ છે કે
કોબાયાશી એવું માનતા કે આમ કરવાથી છોકરા-છોકરીનાં શારીરિક તફાવતો અંગે કોઈ નકામી
કે વિકારી ઉત્કંઠા બાળકોમાં જાગે નહીં. બીજું કે આ શાળામાં કેટલાંક બાળકો અપંગ કે
વિકલાંગ હતા. જો આ બધાં બાળકો પોતાનાં શરીર ઉઘાડાં રાખીને ઘડીભર સાથે રમે તો એમનાં
મનમાં પડેલી શરમ દૂર થાય ને તેઓ લઘુતાગ્રંથિનો ભોગ બનતાં અટકે.
એક બાળ, એક ઝાડ
તોમોએનાં દરેક
વિદ્યાર્થીને એકએક ઝાડ ફાળવવામાં આવેલું જેનાં પર ચડવાનો અધિકાર માત્ર તે
વિદ્યાર્થીને જ હતો. દરેક બાળક પોતાનાં ઝાડને એક ખાનગી મિલકત ગણતું. એટલે ધારોકે
કોઈને બીજાના ઝાડ પર ચડવું હોય તો સૌ પહેલાં ખૂબ વિનયપૂર્વક એની રજા લેવી પડતી:
‘નમસ્તે! હું ઉપર આવું કે?’ એક વખત તો તોત્તો-ચાન મહામહેનતે પોતાનાં પોલીયોગ્રસ્ત
સહાધ્યાયી યાસુકી-ચાનને પોતાનાં ઝાડ પર ચડાવવાનું સાહસ પણ ખેડી કાઢે છે!
શિસ્તબદ્ધતા
તોમોએ શાળામાં
બાળકોને એમનાં કોઈ શિક્ષક કદી પણ એક કતારમાં વ્યવસ્થિત ચાલો કે વર્ગમાં ચૂપચાપ
બેસો કે જમતી વખતે આજુબાજુ એંઠવાડ ન કરો ....તેવી કોઈ જ સૂચનાઓ આપતાં નહીં – એવા
હુકમોનો અહીં શિરસ્તો જ ન હતો. સ્વાભાવિક રીતે જ બાળકોના મનમાં સદવર્તનનો ખ્યાલ
રોપવામાં આવતો. જેમકે, પોતાનાથી નાનો હોય એને અમસ્તો ધક્કો ન મરાય. રસ્તામાં
ક્યાંય પણ કચરો કે ગંદકી નજરે પડે તો એ લઇ લેવા જોઈએ. તેથી જ, કોબાયાશી જયારે સૌને
ગરમ પાણીનાં ઝરાનાં પ્રવાસે લઇ ગયાં ત્યારે ટ્રેનમાં સૌ બાળકો શિસ્તબદ્ધ બેઠાં
હતા. કોઈ દોડાદોડ કરતું ન હતું. ને સૌ ધીમે-ધીમે અંદરોઅંદર વાતો કરતા હતા.
તોમોએ શાળાનું
પ્રતિક
કોબાયાશીએ એક
ઉંધો અલ્પવિરામ અને એક સીધો અલ્પવિરામ ‘’ જોડીને એમાંથી એકને કાળો અને બીજાને ધોળો
રાખીને એક વિશિષ્ટ અને પૂર્ણવર્તુળ આકારવાળું – યિન-યાનને મળતું આવતું સ્કૂલ ચિહ્ન
તૈયાર કર્યું હતું.
આ પ્રતીકનો અર્થ
હતો: “શરીર અને મનનો એકસરખો વિકાસ કરીને પૂરેપૂરી સંવાદિતા સુધી પહોંચી શકાય છે.”
કોબાયાશી પોતાનાં
સમયની શિક્ષણપદ્ધતિનાં ટીકાકાર હતા કારણકે
તેમાં ઇન્દ્રિય-સંવેદના કરતા લિખિત શબ્દ પર વધુ ભાર મૂકવામાં આવતો હતો. કોબાયાશી
તો કહેતા:
“ આંખો હોય ને
સુંદરતા ન દેખાતી હોય; કાન હોય ને સંગીત ન સંભળાતું હોય; મગજ હોય પણ એના પર સત્ય ન
ઝીલાતું હોય; હ્રદય હોય પણ એ સ્પંદિત ન થઇ ઊઠતું હોય... તો એ ચિંતાનો વિષય છે.”
પશુપ્રેમનું
પ્રતિક: મરઘીનાં બચ્ચાં
એકવાર તોત્તોને
એનાં માતાપિતા મેળામાં લઇ ગયાં. ત્યાં તોત્તોએ મરઘીનાં બચ્ચાં વેચાતા જોયા. તેણે
જીદ કરી,“મને એક બચ્ચું અપાવોને!” બચ્ચાં બહુ મજાના હતા. નાનાનાનાં ને પીળાપીળા.
પણ માએ કીધું, “આ નાનાં મરઘલાં તો તરત જ મરી જવાનાં.” મા અને ડેડી તેને ત્યાંથી દૂર ખેંચી ગયાં પણ
એની લાલચભરી આંખો મરઘાને જોતી જ રહી. પણ મા અને ડેડી મક્કમ હતા. મા કહે, “જો,
અમારે તને આ બચ્ચાં એટલાં માટે નથી લાવી આપવા કે એ લઈને છેવટે તું વધારે જ રડવાની
છે.” પણ તોત્તો તો રડતી જ રહી. છેવટે નાછૂટકે તેને બે બચ્ચાં અપાવ્યા. પણ ચોથે અને
પાંચમે દિવસે એક-એક બચ્ચું મરી ગયું. તોત્તોએ બગીચામાં નાનો ખાડો ખોદી બન્નેને
એમાં દાટી દીધાં પછી એનાં પર ફૂલ મૂક્યા. હવે ખૂણામાં સૂનુંસૂનું પાંજરું પડ્યું
હતું. તેમાં મરઘીનાં બચ્ચાનું એક પીંછુ જોઈને તોત્તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
તેત્સુકો લખે છે: ‘કંઇક ગુમાવવાનો અને જુદાઈનો એનો આ પહેલો અનુભવ હતો.’
પબ્લિક-સ્પીકિંગની
નવતર ટ્રેનીંગ!
જાપાનમાં બાળકોને
ઘરમાં કહેવામાં આવે છે કે જમતી વખતે બોલવું નહીં. પરંતુ કોબાયાશી તો બીજું જ
વિચારતા હતા. એમણે બાળકોને કહેલું કે આપણે સૌએ જાહેરમાં બોલતાં શીખવું જોઈએ. એટલે
બધાં જમતા હોય ત્યારે રોજ એક-એક બાળક બધાની વચ્ચે આવીને કંઇક બોલશે. આની પાછળનું
કારણ એ હતું કે બધાની વચ્ચે ઉભાં થઈને પોતાનાં વિચારો રજૂ કરવાની તાલીમ
વિદ્યાર્થીઓને મળે એ ખૂબ જરૂરી છે. શરૂશરૂમાં તો બધાં છોકરાઓ શરમાઈ જતાં, થોથવાઈ
જઈને બેસી જતા અને તેમને ખબર પડતી કે બે-ત્રણ જણા સાથે વાત કરવી એનાં કરતા બધાની
વચ્ચે ઉભાં થઈને બોલવું મુશ્કેલ છે અને આમાં તો હિંમતની જરૂર પડે છે.
છોકરીઓ પ્રત્યે
વિવેકપૂર્ણ વર્તન કરવાની તાલીમ
એકવાર તોત્તો
ચોટલીઓ વાળીને શાળાએ ગઈ તે વખતે એક જાડિયા છોકરાએ જેનું નામ ‘ઓએ’ હતું તેણે
તોત્તોની ચોટલી પકડીને ‘જોર લગાકે...હેઈ સા...’ કરતા ખેંચવા માંડી. તોત્તો તો
ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એઓનો આશય ખરાબ ન હતો. ખાલી ગમ્મત ખાતર એની ચોટલીઓ પર
લટકવા ગયો હતો. કોબાયાશીએ એઓને બોલાવીને ઠપકો આપ્યો અને કીધું કે છોકરીઓ સાથે બહુ
વિવેકથી વર્તન કરવું જોઈએ અને એમની કાળજી રાખવી જોઈએ. તોત્તોની ત્યારબાદ એઓએ માફી
માંગી લીધી. તોત્તોને પણ એ ગમ્યું કે કોઈ આપણું ધ્યાન રાખે તો કેવું સારું લાગે!
ચોકનો ઉપયોગ:
ક્યારે,ક્યાં અને કેવી રીતે?
તોમોએનાં બાળકોને
કદી કોઈને દીવાલ પર, રોડ પર ચોક કે પેન્સિલથી ચિતરામણ કરવાની આદત પડી ન હતી. કેમકે
ચોકથી કંઇક લખવાની-ચિતરવાની એમની ઈચ્છા શાળામાં જ પૂરી થઇ જતી. બાળકોને કોબાયાશીએ
સભાખંડનાં ફરસ પર ચોકથી લખવા-ચિતરવાની છૂટ આપી હતી. સંગીતના પીરીયડમાં કરેલાં
ચિતરામણોને બાળકો પોતે જ સાફ કરતા. મોટા ડસ્ટરથી ચાકની રજ ખસેડી લેતાં અને પછી
મોટું પાણી-પોતું બધાં એકસાથે પકડીને ઘસડી-ખેંચીને ફરસ સાફ કરતા. આ બહુ મહેનતનું
કામ હતું. ને તેથી જ તોમોએનાં બાળકોને ખ્યાલ હતો કે કોઈની દીવાલ ચીતરીને ગંદી ન
કરવી જોઈએ. વળી, વિદ્યાર્થીઓને કયો ચોક સરસ હોય, તેને કેવી રીતે પકડાય, કેવી રીતે
લખીએ તો સુંદર અક્ષર નીકળે, ચોક કેમ તૂટી ન જાય એની પણ ખબર સારી પડતી હતી. બધાં
ખરેખર ચોક-નિષ્ણાત હતાં!
યાસુકી-ચાનનાં
મરણનું દુઃખ
તોત્તોની જોડે
ભણતાં યાસુકી-ચાનને પોલિયો થયેલો. તેથી તે સરખી રીતે ચાલી શકતો નહિ. તોત્તોને તે
ખૂબ ગમતો. અમેરિકામાં ટેલીવિઝન નામની કોઈ ચીજ હોય છે એવું તોત્તોને સૌથી પહેલાં
એણે જ કહેલું. વેકેશન પછી ઉઘડતી શાળાએ બાળકો સમક્ષ કોબાયાશીએ ભારે ગમગીની સાથે
જાહેરાત કરી: ‘યાસુકી-ચાન હવે નથી.’ યાસુકીની દફનવિધિમાં સામેલ થવા કોબાયાશી તમામ
બાળકોને ચર્ચમાં લઇ જાય છે. કફનમાં વીંટળાયેલા યાસુકીનું શરીર સફેદ ફૂલો તળે
ઢંકાયેલું હતું. તોત્તો નીચે બેસી ગઈ અને યાસુકીનો હાથ પકડીને એણે કહ્યું, “ચાલ
ત્યારે, આવજે.આપણે હવે મોટા થઈશું ને, એ પછી વળી કોઈક જગ્યાએ મળીશું... ત્યાં
સુધીમાં તો તારો પોલિયો મટી ગયો હશે.” તોત્તો ચર્ચની બહાર નીકળી ત્યારે વસંતનો
હુંફાળો સૂરજ ઝળહળતો હતો અને તોત્તોની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં.
સ્વમાનનું મહત્વ
જાપાન પર દ્વિતીય
વિશ્વયુદ્ધનાં વાદળ ઘેરાયેલા હતાં. બજારની દુકાનોમાંથી અનાજ અને ખાદ્ય સામગ્રી
અદ્રશ્ય થવાં લાગી હતી. લગભગ બધી જ ખાદ્યચીજો અને અનાજ પર રેશનીંગ મૂકાઈ ગયું
હતું. તોત્તોને જે ખોરાક મળતો તેનાથી તેને પૂરતું પોષણ મળતું ન હતું. ડેડીની
ઓર્કેસ્ટ્રા મંડળીનાં સભ્યોની સંખ્યા પણ ઓછી થતી જતી હતી. રેડિયો કાર્યક્રમો હવે
યુદ્ધ વિષે જ થતાં. ડેડી હવે બેકાર થઇ ગયાં હતાં. એ વખતે એમને એક દરખાસ્ત મૂકવામાં
આવી હતી કે જો તે દારૂગોળો સને બંદૂકો બનાવતાં કારખાનામાં જઈને વાયોલીન પર
યુદ્ધનાં ભાવને ઉશ્કેરનારું સંગીત વગાડે તો એમને ખંડ, ચોખા અને ખાવા-પીવાની વસ્તુઓ
મળે. ડેડીએ એમને ચોખ્ખું કહી દીધું કે પોતે વાયોલીન પર એવું સંગીત નહિ વગાડે.
યુદ્ધનું સંગીત વગાડવાથી દાણા-પાણીનો પ્રશ્ન હલ થઇ શકતો હતો પણ ડેડીએ ના એટલાં
માટે પાડી કે તે પોતાનાં સંગીતનું મૂલ્ય – કલા અને આદર્શને યુદ્ધ જેવી ભયાનક
બાબતોથી ઊંચું આંકતા હતા.
યુદ્ધ બહુ ખરાબ
વસ્તુ છે...
તોમોએ શાળામાં
શાળાનો ચોકીદાર રયો-ચાનને હવે જાપાની લશ્કરનાં મોરચે જવાનું હોવાથી તેનો વિદાય
સમારંભ ગોઠવવામાં આવે છે જેને કોબાયાશી વિદાય-સમાંરભ નહિ પણ ચા-મહેફિલ (Tea Party)
તરીકે ઓળખાવે છે. કારણકે, વિદાય-સમાંરભમાં ગમગીનીનો ભાવ હોય છે. વળી, ઉંમરમાં મોટા
હોય તે બાળકોને એવું ન લાગે કે રયો-ચાન હવે યુદ્ધમોરચેથી જીવતો પાછો ફરવાનો નથી.
રયો-ચાન જે દિવસે
વિદાય થયો એ જ દિવસથી અમેરિકી યુદ્ધવિમાનો ટોકિયોનાં આકાશમાં દેખાવા લાગ્યા ને
રોજેરોજ બોમ્બવર્ષા કરવાં લાગ્યા.
તોમોએ શાળા
ભસ્મીભૂત
અમેરિકાનાં B-29
બોમ્બવર્ષક્ વિમાનોએ તોમોએ શાળાનાં રેલવેનાં ડબ્બાઓ પર બોમ્બ નાખ્યાં અને બધું જ
ભસ્મીભૂત થઇ ગયું. તેત્સુકીનાં શબ્દોમાં જોઈએ:
“તોમોએ સ્કૂલ –
હેડમાસ્ટરજીનું મહામૂલું સ્વપ્ન – આગમાં કોકડું વળી ગઈ. બાળકોના ખિલખિલાટ હસવાના
ને એમનાં મધુર ગાનના અવાજોને બદલે હવે આ સળગવા-તૂટવાનાં ભયાનક અવાજો આવતા હતા.
આગને કાબૂમાં લઇ શકાય તેમ હતું જ નહિ. બધું જ સળગીને ભોંયભેગું થઇ ગયું હતું.
આગની જ્વાળાઓ
વચ્ચે હેડમાસ્ટરજી રસ્તા પર ઉભાં ઉભાં તોમોએને સળગતી જોઈ રહ્યાં હતા – એમનો
હંમેશનો જૂનો કાળો સૂટ પહેરીને, અને હાથ ખિસ્સામાં નાખીને!”
હેડમાસ્ટરજીનો
બાળકો માટેનો પ્રેમ અને શિક્ષણ માટેની સમર્પણશીલતાની ભાવના – આ આગની જ્વાળાઓ કરતા
ક્યાંય ઉંચી ને શક્તિમંત હતી. હેડમાસ્ટર્જી તૂટી નહોતા ગયા – સ્વસ્થ હતા.”
સાયોનારા...
સાયોનારા!
ટોકિયો શહેર હવે
વસવાટલાયક રહ્યું ન હતું.
રોજનાં હજારો-લાખો ટન બોમ્બ જાપાનની ધરતી પર, ખાસ તો ટોકિયો જેવાં મહાનગરો પર
ઝીંકાતા હતા. એટલે લાખો લોકો મહાનગરોમાંથી સ્થળાંતર કરતા હતા. એક રાત્રે ખીચોખીચ
ભરેલી ટ્રેન ટોકિયોની બહાર જઈ રહી હતી. તોત્તો પણ આ ટ્રેનમાં હતી. તેનો પરિવાર
વિસ્થાપન કરી રહ્યો હતો. કોબાયાશીએ તેને કહ્યું, “આવજે, આપણે ફરી મળીશું.’ જે
તેમનાં છેલ્લાં શબ્દો હતા.
તેત્સુકો લખે છે:
“તે સાથે જ એને યાદ આવી રહ્યાં હતા પેલાં શબ્દો, જે હેડમાસ્ટરજીએ અનેકવાર એને
કહેલા – ‘તું સાચે જ ખૂબ સારી છોકરી છે.’ આ શબ્દોને તો એ ક્યારેય ભૂલવા માંગતી
નહોતી. હેડમાસ્ટરજી એને ફરીથી જરૂર મળશે જ, એ વિશ્વાસમાં પોતાના મનને લપેટીને
તોત્તો-ચાન ઉંઘી ગઈ. ટ્રેન અનેક ચિંતાતુર મુસાફરોનો ભાર ઉપાડતી, ચારેબાજુ ઘેરાયેલા
અંધકારમાં આગળ ને આગળ દોડતી હતી...”
No comments:
Post a Comment