Saturday, November 10, 2018

સૌહાર્દ-૨૦૧૭: વિશ્વાસની વાસ્તવિકતા બનવાની સફર (ભાગ-5)


“અરે સર....” સવારે સાડા આઠે દીપ દોડતો દોડતો મારી પાસે આવ્યો. 

“શું થયું, દીપ?” મેં પૂછ્યું. 

“સ્ક્રીપ્ટ... સર, સ્ક્રીપ્ટ...” દીપે હાંફતા હાંફતા કહ્યું.

“સ્ક્રીપ્ટનું શું પણ?” હું બોલ્યો. આમ તો છોકરાઓ છેલ્લાં ચાર-પાંચ દિવસથી સ્ક્રીપ્ટ માટે મારું સતત ‘લોહી પીતા હતા’ એટલે હું પણ જરા બેચેન હતો.

“સર, સ્ક્રીપ્ટ આવી ગઈ...” દીપે એનાં હાથમાં રોલ વાળેલા કાગળો મારા હાથમાં આપ્યાં.

“અરે! આ તો બિલકુલ ગરમગરમ ઘાણ ઉતર્યો છે ને કંઈ!” તાજાં પ્રિન્ટ થઈને નીકળેલા કાગળોની ગરમી મહેસૂસ કરતો હોઉં એમ મેં કહ્યું.

“હા સર...રાત્રે એક વાગે મને મેઈલમાં પલકેશ સરે સ્ક્રીપ્ટ મોકલી...એ તો એમ કહો કે એ વખતે હું જાગતો હતો એટલે સવારે અહીં આવતાં પહેલાં જ રસ્તામાંથી પ્રિન્ટ લઇ આવ્યો...” સંજીવનીની અવેજીમાં આખો દ્રોણગિરીપર્વત જ ઊંચકી લાવતા હનુમાનજીને જેટલો આનંદ નહિ થયો હોય એટલાં આનંદથી દીપ બોલ્યો. 

“બહુ ડહાપણનું કામ કર્યું ભાઈ તે...” અમારી ડ્રામા વર્કશોપ માટે ફાળવેલો રૂમ ખોલતાં મેં કહ્યું.

“અરે પણ આ તો અધૂરી છે!” મારા મોંમાંથી શબ્દો નીકળી પડ્યા અને હનુમાનજીએ ઉંચકેલો દ્રોણગિરી પર્વત જાણે દીપનાં પગને ટેરવે પટકાયો હોય એમ એનાં મોંમાંથી ચીસ નીકળી ગઈ.

“સર...જે છે એ આટલી જ હતી..” બસ દીપથી માંડ આટલું જ બોલી શકાયું.

ત્યાં જ “સઅઅઅ....ર...! અમે આવી ગયાં!” કરીને દરવાજે કોઈનો મીઠો ટહુકો સંભળાયો. જોયું તો કૃણાલ અને કેવલ મેળામાં સજાવેલા થનગનતાં ઘોડાઓની માફક દરવાજે ઉભાં હતા. “આવી ગયાં તમે! સરસ!” હું બોલ્યો. 

આ કૃણાલ અને કેવલે ડ્રામા માટે નામ તો નોંધાવેલા પણ ત્રણ દિવસની પ્રાથમિક વર્કશોપમાં તેઓ આવ્યા નહોતા. અગાઉ કૃણાલની મારી પર છાપ એવી પડેલી કે આ છોકરો તો ભારે ગઠિયો છે! થયું હતું એવું કે ફર્સ્ટ સેમેસ્ટરમાં એ જયારે મને ઈંગ્લીશનું અસાઈનમેન્ટ આપવા આવેલો ત્યારે અધૂરું અધૂરું કામ લઈને આવેલો હોવાથી મેં એને ઠપકારીને બરોબર કામ કરી લાવવા કહેલું. પણ ભાઈ તો જબરા નીકળ્યા! એવું ને એવું રેઢિયાળ કામ લઈને મારી પાસે આવ્યા ને ધરાર એ કામ મારે માથે ઠોકવાનો આગ્રહ રાખ્યો. એ વિષે અમારે જરા બોલાચાલી થઇ અને ભાઈ તો ગુસ્સામાં ફાઈલ પછાડીને મારા રૂમમાંથી ચાલ્યાં ગયાં! ને મેં તો જઈને કરી એમની ફેકલ્ટીને ફરિયાદ. તો થોડી વારે જોઉં તો એમની ફેકલ્ટી મારી રૂમમાં દોડી આવી કે “સર, એ છોકરો ઉપર રડે છે...તમે ભલે ઓછા માર્ક મુકજો પણ એનું અસાઈનમેન્ટ લઇ લો!” અસાઈનમેન્ટ લઇ લીધું પછી એને માટે જરા પણ ડંખ રાખ્યો નહિ. ઉપરથી મામલો ઠંડો પડી ગયાં પછી એને એનાં ગેરવર્તન અંગે પ્રેમથી સમજાવેલો પણ ખરો... તો આ કૃણાલે અને કેવલે મને અગાઉ કહેલું કે ‘સર, અમારે ડ્રામામાં રહેવું છે’...પણ નાટકમાં રહેવા માટેનો ઉત્સાહ અને ગંભીરતા ચકાસવા મેં એમને બે દિવસ સુધી રાહ જોવડાવી અને પછી જયારે એમનાં ચહેરા વાંચીને લાગ્યું કે આ છોકરાઓને ખરેખર નાટક કરવું છે ત્યારે જ એમને ગ્રૂપમાં સામેલ કર્યા.

...લો, આવી ગયાં પલકેશ અને નિકુલ સર! મારે એક વાત અહીં અચૂક કહેવી જોઈએ. પલકેશ અને નિકુલનો પાત્રપ્રવેશ તો નહિ પણ પરિસરપ્રવેશ એટલેકે બિલ્ડીંગમાં એન્ટ્રી થાય એટલે આખું વાતાવરણ ઇલેક્ટ્રિફાઈડ થઇ જાય. જો બંનેને આવવામાં થોડું પણ મોડું થયું તો જેમ મજબૂત વિપક્ષનાં અણીયારા સવાલોથી ઘેરાયેલા શાસકપક્ષનાં પ્રતિનિધિને પરસેવો છૂટી જાય એમ છોકરાઓનાં ‘સર, ક્યારે આવશે?’ નામનાં ધારદાર સવાલથી ઘેરાયેલા મને પણ પરસેવો છૂટી જતો (‘મજબૂત વિપક્ષ છે જ ક્યાં?’ એ ચર્ચા અહીં અપ્રસ્તુત છે)... 




આજે તો ‘પાક્કી’ સ્ક્રીપ્ટ આવી ગઈ હતી એટલે ગંભીરતાથી કામ શરુ થયું. સીન મુજબ રોલ્સ અસાઇન થયા. નિકુલ ‘સસ્તા વિમાનનું સપનું’ ની સ્ટારકાસ્ટને બહાર વિંગમાં પ્રેક્ટીસ કરવાં લઇ ગયો. અહીં ‘આ મકાન ન જોઈએ’ માં સુનીલ અને લક્ષ્મીનાં ઘરસંસારનું પ્રથમ દ્રશ્ય ભજવવાનું શરુ થયું. સ્ક્રીપ્ટ અને રોલ નક્કી થઇ જાય પછી જ નાટકમાં ગંભીરતા આવે છે. દરેકે દરેક સંવાદ અને એને અનુરૂપ આંગિક અભિનય અંગે પલકેશે ખૂબ ચીવટપૂર્વક સૂચનો આપે અને ઘણીવાર તો પોતે જ એ આખું દ્રશ્ય ભજવી બતાવે. આ દ્રશ્યમાં એક જગ્યાએ શમ્મી કપૂરની ફિલ્મ ‘એન ઇવનિંગ ઇન પેરીસ’માંથી રફીનું ‘અજી એસા મોકા ફિર કહાઁ મિલેગા...’ ગીત વગાડવાનું હોય છે જે સુનીલ રેડિયો ચાલુ કરે ત્યારે વાગે છે. હવે રેડિયો તો હતો નહિ એટલે બીજી ચીજ વડે કામ ચલાવ્યું. આ ગીત ‘રિલાયન્સ જીઓ’નાં ધારકો એવા બે-ત્રણ વિદ્યાર્થીઓનાં મોબાઈલમાં ડાઉનલોડ કરાવ્યું. મારા રૂમમાંથી સ્પીકર્સ પણ લઈ આવ્યા. હવે એમાં ય આગળનું ‘મ્યુઝિક’ છોડીને પાછું ચોક્કસ સેકંડ પર જ ગીત વાગવું જોઈએ. 

સ્પીકર્સ, મોબાઈલ, સોંગપ્લે...આ બધાં માટે હવે જરૂર ઉભી થઇ બેકસ્ટેજ કરવાવાળા વિદ્યાર્થીઓની. બેકસ્ટેજની વાત આવે તો જરા એવું થાય કે પહેલી વાર જે છોકરાઓ નાટક કરતા હોય એમનાં મનમાં નાટક એટલે ફક્ત ‘એક્ટિંગ’ એવી કંઇક કાચી સમજણ હોય... અથવા તો, ‘મારે તો એક્ટિંગ જ કરવી છે’ એવું મનમાં દ્રઢ કરેલું હોય....ને એટલે, બેકસ્ટેજની વાત આવે તો ઉહું સાંભળવા ન મળે તો જ નવાઈ! બાકીનાં બધાં એક્ટિંગ કરે ને મારે ખૂણામાં બેસીને બધો તાલ જોવાનો? ઉહું...ઉહું...ઉહું...! પણ નસીબજોગે અમને બેકસ્ટેજ માટે છોકરાઓએ જરા અલગ રીતે પજવ્યા...તે એ રીતે કે પાછળથી નીતેશ, પ્રીતેશ, દર્શન, આદર્શ, કેવલ જેવી ધરખમ ટીમ તૈયાર થઇ પણ શરૂઆતમાં જય જેવાં અમુક ઉત્સાહી પણ કામમાં ગોટા વાળતા છોકરાને મારે કહેવું પડ્યું કે ભાઈ, તું બેકસ્ટેજથી વીસ ફૂટ દૂર રહેજે! ને શરુ શરૂમાં તો બેકસ્ટેજવાળા એટલાં તન્મય થઈને નાટક જોવા માંડતા કે તેઓ સાવ જ વિસરી જતાં હતા કે આપણે સ્ટેજ એક્ટર્સને પ્રોપર્ટી લેવા-મૂકવામાં સપોર્ટ કરવાનો છે... ને એટલે ઘણીવાર એવું થાય કે લક્ષ્મી બનતી અમીષા ટ્રેમાં પાણી લઇ જવાં બેકસ્ટેજમાં આવે ત્યારે ટ્રે હોય પણ કપ ગોઠવેલા ન હોય, ને કપ હોય તો કપમાં સમખાવા પૂરતું ય પાણી ન હોય! ને ખાલી કપ લઈને ચાલતા ન ફાવે...કેમકે, નબળાં ટેકાથી બનેલી સરકાર જેમ ગમેત્યારે ગબડી પડે એમ હલકાફૂલકા કપ પણ ઢબી પડતાં...

પછી તો જેમ હિમેશ રેશમિયાએ કોઈ સિંગિંગ સ્પર્ધામાં હુંકાર કર્યો હતો ને કે ‘મુઝે, તુમ્હારે ઘરમેં રોટી ચાહિયે...’ એમ આ બધું જોઈને ગિન્નાયેલા પલકેશ સાહેબે તાત્કાલિક અસરથી અમલમાં મુકવા માટે વટહુકમ કાઢ્યો, “મારે એ બધાં ગ્લાસ ભરેલા જોઈએ...” 

...અને વટહુકમ મુજબ બધાં ગ્લાસ ભરવા માટેનાં ચક્રો ગતિમાન થયા.

No comments:

Post a Comment