Monday, May 20, 2024

હિતોપદેશની વાર્તાઓ ( વાર્તા-૩: ભોળું ઊંટ અને દગાબાજ સેવકો)


વાર્તા-૩: ભોળું ઊંટ અને દગાબાજ સેવકો

કોઈ એક વખત જંગલમાં પક્ષીઓ અને પ્રાણીઓ વચ્ચે લડાઈ થઇ. એ વેળા પક્ષીઓના રાજા એવા મયૂરે પોતાના ગુપ્તચર કાગને પ્રાણીઓની છાવણીમાં મોકલ્યો. ત્યારબાદ પ્રાણીઓની છાવણીમાંથી રજેરજની વિગતો પક્ષીરાજ મયૂરને મળવા લાગી જેના કારણે લડાઈને અંતે પક્ષીઓનો વિજય થયો અને એમણે પ્રાણીઓ પાસેથી વચન માંગી લીધું કે તેઓ એમના માળા કે બચ્ચાઓને ક્યારેય નુકસાન નહિ પહોંચાડે!

પછી પક્ષીરાજ મયૂરે એ ગુપ્તચર કાગને પોતાની સભામાં બોલાવ્યો અને એને પૂછ્યું, “તું આટલા લાંબા સમય સુધી શત્રુઓની વચ્ચે ઝડપાયા વગર જીવતો કેમ રહી શક્યો? વળી, તે તો સારી પેઠે એમનો વિશ્વાસસંપાદન પણ કર્યો હતો!”

કાગે જવાબ આપ્યો, “મહારાજ, કર્તવ્યપરાયણતા હોય તો જગતમાં કંઈ પણ ઇચ્છિત કાર્ય સફળતાથી પાર પડે છે. વળી, ચતુર વ્યક્તિ શત્રુની નિકટ રહી એની તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકે છે.”

આટલું કહીને એણે આ પ્રમાણેની વાર્તા કહી.

કોઈ એક જંગલમાં એક શક્તિશાળી સિંહ રાજ કરતો હતો.  એ સિંહ સ્વભાવે ભારે હિંસક હોય જંગલનાં તમામ પશુઓ એનાથી ડરતા હતા. આ સિંહના ત્રણ સેવકો હતા – કાગ, વાઘ અને શિયાળ. આ ત્રણેય સેવકો આદર નહિ પણ ભયને કારણે સિંહનો પડ્યો બોલ ઉઠાવતા હતા. સિંહ શિકાર કરવા જતો ત્યારે આ  સેવકો એની સાથે રહેતા અને સિંહરાજાના ભોજન પછી બાકી બચેલું માંસ તેમના ભાગે આવતું. સ્વભાવે ત્રણેય સેવકો મહાલુચ્ચા હતા અને સિંહરાજાના વફાદાર સેવક હોવાનો લાભ ઉઠાવી જંગલના અન્ય નબળાં પ્રાણીઓ પર પોતાની જોહુકમી ચલાવતા હતા.

એક વખત આ ત્રણેય જણા જંગલમાં વિચરી રહ્યા હતા. એ દિવસે ભરપેટ ભોજન મળ્યું હોવાથી તેઓ ખુશ હતા. ત્રણેય જણા જંગલમાં એક નદીને કિનારે પાણી પીવા પહોંચ્યા ત્યારે તેમણે ત્યાં કોઈ ટોળામાંથી વિખૂટું પડી ગયેલું ઊંટ જોયું. ઊંટ બહુ મૂંઝાયેલું લાગતું હતું અને આ ત્રણેય જણને પોતાની પાસે આવતા જોઇને તે સતર્ક થઇને બીજી દિશામાં ચાલવા માંડ્યું. પણ ત્રણેય જણાએ એને આંતરીને ઉભું રાખ્યું અને એની સાથે વાર્તાલાપ શરુ કર્યો.



કાગ બોલ્યો, “અમારાથી ડરવાની બિલકુલ જરૂર નથી. તારો કબીલો ક્યાં છે?”

ઊંટે ચિંતાતુર સ્વરે જવાબ આપ્યો, “ હું અહીં ચરવામાં મગ્ન હતો ત્યારે એ સૌ આગળ નીકળી ગયા હશે. કોણ જાણે કઈ દિશામાં ગયા હશે!”

શિયાળ બોલ્યું, “અમારા રાજા તમને મદદ કરશે. તું આવ અમારી સાથે.”

એમની વાત પર વિશ્વાસ મૂકીને ઊંટ એમને અનુસર્યું. સૌ સિંહ રાજાની બોડમાં ગયા અને તેને સલામ ભરી. કાગે ઊંટની વાત સિંહ રાજાને જણાવી પછી સિંહે તેને આશરો આપવાનું નક્કી કર્યું “ જા, મારું તને અભયવચન છે. તું ઈચ્છે તો અમારી સાથે રહી શકે છે. હવે અમારાથી ભય પામવાની કોઈ જ જરૂર નથી!”

આમ સિંહની ટોળીમાં ઊંટ સામેલ થઇ ગયો. જોકે કાગ, વાઘ અને શિયાળને સિંહ રાજાની આ ઊંટ સાથેની મૈત્રી ગમી નહિ અને ઊંટની પોતાની સાથે સામેલગીરીથી તેઓ મનોમન અણગમો અનુભવવા લાગ્યા.

થોડા સમય પછી સિંહ કોઈક કારણસર માંદગીના બિછાને પટકાયો.  એ વખતે મૂશળધાર વરસાદ થયો અને નદીઓ બેકાંઠે વહેવા લાગી. દિવસો સુધી વરસાદ પડવાને કારણે કાગ, વાઘ અને શિયાળ શિકાર કરવા જઈ શક્યા નહિ અને ભૂખને કારણે એમનો જીવ ચૂંથાવા લાગ્યો ત્યારે નજીકમાં ચરતા ઊંટને જોઇને ત્રણેય જણાએ એને મારીને ખાઈ જવાનું વિચાર્યું.

શિયાળ બોલ્યો, “ આ યોજનાને એવી રીતે અંજામ આપીએ કે આપણા સિંહ રાજા જ આ ઊંટનો શિકાર કરવાનું નક્કી કરે તો આપણા પેટનો ખાડો પુરાય. આમેય ઊંટ આપણે માટે કશા કામનો નથી.” ત્યારે વાઘે પૂછ્યું, “પણ આપણા સિંહ રાજાને ઊંટ પ્રિય થઇ પડ્યો છે. વળી, એમણે એને અભયદાન આપેલું છે. તો તેઓ એનો શિકાર કરવા કેમ તૈયાર થશે?”

કુટીલ કાગ બોલ્યો, “ આપણા રાજા બીમાર અને દુર્બળ થઇ ગયા છે અને પોતાની મેળે શિકાર કરવાની સ્થિતિમાં નથી. આવી સ્થિતિમાં એ પોતાનું અભયવચન મિથ્યા પણ કરી શકે છે. કહ્યુ છે ને ભૂખી સાપણ પોતાના જ ઈંડા ખાઈ જાય છે! એટલે, ભૂખથી વલખા મારતો માણસ કંઈ પણ કરી શકે છે. અરે, જરૂર પડે તો ઘાતકી અને નિર્મમ થવા સુધી પણ જઈ શકે છે.”

“વિપરીત સજોગો હોય ત્યારે મનુષ્ય સાચું શું કે ખોટું શું એનો વિચાર કરવાની પરવા કરતો નથી. ક્રોધી, વેપારી, અને પ્રેમી સાચા-ખોટાનો ભેદ કરતા નથી. પ્રતિકુળ સંજોગોમાં માણસમાં રહેલો દાનવ જાગી ઉઠે છે.”

કાગનો ભાવાર્થ સ્પષ્ટ હતો. ત્રણેય સેવકો ઊંટનો શિકાર કરવાની યોજના અંગે સારી પેઠે વિચાર્યા પછી સિંહ પાસે ગયા. માંદગી અને ભૂખથી વિહ્વળ સિંહ રાજાને એમ કે સેવકો એમના માટે કંઇક શિકાર લાવ્યા હશે. ત્યાં સેવકો બોલ્યા, “ મહારાજ! અમને ઘણા પ્રયત્ન પછી પણ કોઈ શિકાર હાથ લાગ્યો નથી.”

આ સાંભળીને સિંહ હતાશ થઈને બોલ્યો, “ આમ શિકાર વગર તો આપણે કેમ જીવિત રહી શકીશું?”  ત્રણેય સેવકોએ એકમેકની સામું જોયા પછી કાગે જ હળવેકથી મમરો મુક્યો, “શિકાર તો આપણી જોડે જ છે. ખાલી તમે આદેશ આપો એની રાહ જોઈએ છે.” સિંહ આ સાંભળીને મૂંઝાઈને બોલ્યો, “આપણી પાસે વળી કયો શિકાર છે?” ત્યારે કાગ તેની નજીક જઈ એના કાનમાં ગણગણ્યો.

સિંહને કાગની વાત પર વિશ્વાસ બેઠો નહિ. એણે કહ્યુ, “ અરે, આપણે તો એને અભયદાન આપ્યું છે! હવે હું મારા વચનનો ભંગ કરું એમ કેમ થાય? અભયદાન સૌ દાનોમાં મહાદાન કહેવાયેલું છે. તે ભૂમિ, સુવર્ણ, ગાય કે અન્ન કરતા પણ મોટું દાન છે. અભયદાન મેળવનારનું રક્ષણ થાય તો એ આપનારને મનવાંછિત ફળ અપાવે છે.”

કાગ બોલ્યો, “મહારાજ! આપ નિશ્ચિંત રહો. આપે સામે ચાલીને એને હણવાનો નથી. અમે સૌ સ્વયં આપ સમક્ષ અમારા શરીરનાં ભક્ષણનો પ્રસ્તાવ મુકીશું. વિચારો મહારાજ, જીવતા રહેવું હોય તો આપે કોઈકનું તો ભક્ષણ કરવું પડશે ને.” સિંહ આ સાંભળીને ચૂપ રહ્યો. કાગે સિંહની ચુપ્પીને મંજૂરી ગણી લીધી અને યોજનાને અંજામ આપવાની તૈયારી કરવા માંડી. શિયાળ અને વાઘ સાથે મળીને તે ઊંટ પાસે ગયો અને તેને લઈને સૌ સિંહ રાજા પાસે આવ્યા.

      

કાગ, વાઘ, શિયાળ અને ઊંટે સિંહ રાજાને નમન કર્યા પછી કાગે સિંહને કહ્યુ, “મહારાજ! ઘણી શોધખોળને અંતે પણ અમને કોઈ શિકાર મળ્યો નથી. મારાથી આપને ભૂખથી પીડાતા જોઈ શકાતું નથી. એટલે આપ મારા શરીરનું ભક્ષણ કરીને આપની ભૂખ શાંત કરો. આપ સૌ પ્રજાજનોનાં સ્વામી છો અને જેમ મૂળ મજબૂત હોય તો વૃક્ષનો વિકાસ ઉત્તમ રીતે થાય તેમ શાસક સશક્ત હોય ત્યારે જ પ્રજાનો વિકાસ થતો હોય છે.”

સિંહે આ સાંભળીને કહ્યું, “હે મિત્ર, આવું પાપ કરવાની જગ્યાએ મને જીવ ગુમાવવાનું પોસાય. હું મારા વફાદાર સેવકના પ્રાણ કેવી રીતે લઇ શકું?” પછી શિયાળનો વારો હતો.  શિયાળે પણ કાગની માફક સિંહને પોતાના પ્રાણ લેવાની અરજી કરી જેને સિંહે નકારી કાઢી. ત્યારબાદ વાઘનો વારો આવ્યો. એણે પણ કહ્યુ,” હે મહારાજ, આપ મારા શરીરનું ભક્ષણ કરીને ભૂખ શમાવો અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરો.”  સિંહે કહ્યુ, “ ના, એવું મારા હાથે કદી નહિ થાય!”

ઊંટ આ બધું જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું કે પોતે પણ પોતાના પ્રાણ લેવાની સિંહને અરજ નહિ કરે તો કૃતઘ્નીમાં ખપી જશે. અને આમેય સિંહ રાજા ક્યાં કોઈનો પ્રાણ લેવા તૈયાર છે તે પોતાનો લેશે? વળી, સિંહે તો એને અભયદાન પણ આપ્યું છે.  આમ વિચારી ઊંટે સિંહને વંદન કરીને પોતાનાં પ્રાણ લેવાની વિનંતી કરી ન કરી ત્યાં તો વાઘે ઊંટ પર તરાપ મારીને એની ડોક મરડી નાખી. ક્ષુધાતુર થયેલા ચારેય જણા એની પર તૂટી પડ્યા અને થોડીવારમાં તો ઊંટના શરીરનું નામોનિશાન પણ ન રહ્યું.



આ વાર્તા પૂર્ણ કર્યા પછી ગુપ્તચર કાગડાએ પક્ષીરાજ મયૂરને કહ્યુ, “પોતાની બુદ્ધિ અંગે શંકા સેવનારને બીજાઓ પોતાની વાતમાં સહેલાઈથી ભોળવી શકે છે. એવી તક ઝડપવા ઘણા તકસાધુઓ તત્પર હોય છે.”

***********


આ વાર્તા આપને ગમી??? તો આવી બીજી રસતરબોળ કરનારી ૩૭ વાર્તાઓ વાંચવા- વંચાવવા માટે ઘરબેઠા "હિતોપદેશ" પુસ્તક એમેઝોનની લિંક પરથી કરો ઓર્ડર:
પુસ્તક સાથી Pustak Saathi ( અરિહંત બુક્સ ભાવનગર ) પરથી પણ WhatsApp દ્વારા પુસ્તક ૨૦% વળતર સાથે મંગાવી શકાશે : https://wa.me/c/919824294075

ગુજરાતી અનુવાદક / રજૂઆતકર્તા : ઈશાન ભાવસાર
તમામ તસ્વીરો: ઇન્ટરનેટ

2 comments:

  1. ઈશાન એ ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે. નાના બાળકો ને રસ પડે તે માટે સચિત્ર અનુવાદ કરી ને ભાષા માટે ખૂબ મોટું કાર્ય ઈશાન દ્વારા થયું છે. ઈશાન ને હ્રદય થી ખૂબ ખુબ અભિનંદન, શુભેચ્છાઓ અને આશીર્વાદ

    ReplyDelete
    Replies
    1. આપનો ખૂબ આભાર. કમેન્ટમાં આપનું નામ જણાવ્યું હોત તો વિશેષ આનંદ થાત.

      Delete