વાર્તા-૧૦ : વાઘ અને વટેમાર્ગુ
એક વખત
કબૂતરોનું ઝુંડ આકાશમાં ઉડી રહ્યું હતું.
રસ્તામાં એમણે અનેક દાણા જમીન પર પડેલા જોયા. ઝુંડમાંના યુવાન કબૂતરોએ
ઉત્સાહથી એ દાણા તરફ જવા માંડ્યું ત્યારે કબૂતરોના રાજાએ એમને રોકતા કહ્યું,
“થોભો! જરા ધ્યાનથી જુઓ, આ કોઈ શિકારીની જાળ હોઈ શકે છે નહિ તો જમીન પર આટલા દાણા
શું કામ પડેલા હોય?”
પછી,
કબૂતરોના રાજાએ સૌને સાવચેત રહીને લાલચમાં ભરમાઈ ન જવા અંગેની એક વાર્તા કહી.
એક વખત
એક વૃદ્ધ વાઘ જંગલમાં રહેતો હતો. વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત થઇ ગયો હોવાથી તે
શિકાર કરી શકતો નહોતો. માંસભક્ષણ વગર ગુજરાન કેમ ચલાવવું? એટલે, એણે ભક્ષ મળતો રહે
એ માટે એક યુક્તિ વિચારી. તે વાઘે નદીએ જઈને સ્નાન કર્યું. પછી તે નદીને કિનારે
પંજામાં કંકણ અને દર્ભ લઈને બેઠો. પછી તેની નજરે જે કોઈ વટેમાર્ગુ પડે તેને તે
કહેતો, “ઓ વટેમાર્ગુ, આ મારી પાસેથી સોનાનું કંકણ તો લઇ જા!”
પણ
વાઘને જોઇને એના હાથમાંથી સોનાનું કંકણ લેવાની કોઈની હિંમત થાય? એટલે, સૌ
વટેમાર્ગુઓ તો બીજે રસ્તે ચાલ્યા જતા.
સૌને લાગતું કે આપણને ફસાવવા માટે આ વાઘની કોઈ રીતની ચાલ છે.
જયારે
કોઈ જ વાઘની વાત સાંભળીને ઉભું ન રહ્યું ત્યારે વાઘ વધુ વિવેકી બની ગયો. એ
બિલાડીનાં બચ્ચા જેવો માસૂમ ચહેરો બનાવીને શક્ય એટલા સૌમ્ય અવાજે બોલવા લાગતો.
આખરે એની વાત સાંભળીને એક લોભિયો વટેમાર્ગુ ઉભો રહ્યો.
એણે
દૂરથી વાઘને પૂછ્યું, “ક્યાં છે કંકણ?”
ત્યારે વાઘે એને કંકણ બતાવ્યું જે સૂરજનાં પ્રકાશમાં ઝગારા મારી રહ્યું
હતું.
વટેમાર્ગુને
કંકણ લેવાની ઘણી ઈચ્છા થઇ પણ વાઘનો ભય કેમ દૂર થાય? એટલે એણે વિચાર્યું, “આમાં તો
ભારે જોખમ રહેલું છે છે. જેમ વિષમિશ્રિત મધુરસથી મોત પણ નીપજી શકે એમ છે. પણ ધનલાભ
તો પ્રયત્ન અને જોખમો ઉઠાવવાથી જ થાય છે. જો મનુષ્ય જોખમ ઉઠાવે અને ટકી રહે તો
સદભાગ્ય આપોઆપ એને અનુસરે છે. પણ આ વાઘ તો મારી પર તરાપ મારીને મારો શિકાર કરી શકે
છે. લાવ, થોડી વધુ વાતચીત કરી જોવા દે એની સાથે.”
વટેમાર્ગુએ
વાઘને કહ્યું કે પોતાને એની વાત પર વિશ્વાસ નથી બેસતો. “આખરે તું તો સ્વભાવગત રીતે જ હિંસક પ્રાણી છે!”
આ
સાંભળીને વાઘે ધીરજથી કહ્યું, “વ્હાલા મુસાફર, હું હવે હિંસક રહ્યો નથી. હા, મારી
યુવાનીમાં હું બહુ ક્રૂર હતો. મેં અનેક માણસો અને ગાયોનો શિકાર કર્યો હોવાનું પાપ
કર્યું હોવાથી કુદરતે મારી પત્ની અને
બાળકોને છીનવી લીધા. એટલે એના પશ્ચાતાપ
સ્વરૂપે હું આ રીતે દાન કરું છું. મેં તો દાંત અને નખ પણ ગુમાવી દીધા છે. એટલે તું
કોઇપણ જાતનો ભય રાખીશ નહિ.”
વટેમાર્ગુને
હવે વાઘની વાતમાં વિશ્વાસ પડ્યો. એણે વિચાર્યું, “મારા પર ચોક્કસ દેવકૃપા થઇ લાગે
છે.”
એ
વાઘની થોડોક નજીક ગયો પણ પાછો સહેજ ખચકાઈને ઉભો રહી ગયો. વાઘે મૃદુતા અને મધુરતાથી
કહ્યું, “દરેક વાઘ કંઈ માણસખાઉં નથી હોતા. હું તો મારી પાસે જે કંઈ છે એનું દાન
કરી દેવા માટે જ બેઠો છું. ડાહ્યા માણસો કહી ગયા છે ને કે ગરીબને દાન કરવું એ તો
મરુભૂમિમાં વર્ષામહેર અને ક્ષુધાતુરને અપાયેલા અન્ન જેવું છે. સાચી વ્યક્તિને સાચા
સમયે અને સાચા કારણોસર અપાયેલા દાન જેવું ઉત્તમ દાન બીજું કોઈ નથી. એટલે અહીં આવ,
અને લઇ લે આ કંકણ!”
વટેમાર્ગુ
બોલ્યો, “ તું વાઘ હોઈ મને તારી પર પૂરેપૂરો ભરોસો નથી. સોનાનાં કંકણ માટે મારે
જીવનું જોખમ શું કામ લેવું?”
આ
સાંભળીને વાઘ હસીને બોલ્યો, “ તારી સુરક્ષાની હું ખાતરી આપું છું. હું સ્વભાવે ખૂબ
જ ધાર્મિક છું અને ધર્મશાસ્ત્રોનાં વચનો જાણું છું. ભાગ્યદેવી એક જ વાર તિલક કરે
છે, ભાઈ! એટલે, આ નદીમાં એક ડૂબકી લગાવી લે અને પછી આ સોનાનું કંકણ લઇ જા.”
હવે
વટેમાર્ગુ આગળ આવીને નદીમાં ઉતર્યો. એ જ્યાં ઉતર્યો ત્યાં તો ભારે કાદવ હતો એટલે
વટેમાર્ગુ એમાં ફસાઈ ગયો. અને વાઘે જાણે એને ઝડપી લીધો હોય એવું લાગતા એણે
વિચાર્યું, “આ વાઘે ભલે કહેલું કે એણે ધર્મશાસ્ત્રો વાંચેલા છે પણ આવા હિંસક
પ્રાણીનો કંઈ થોડો વિશ્વાસ કરાય? મારાથી ભારે ભૂલ થઇ ગઈ. જેમ ગાયનું દૂધ સ્વાદમાં
મીઠું જ હોય છે તેમ પ્રાણીમાત્રનો મૂળ સ્વભાવ અચળ રહે છે. નદીઓ, શસ્ત્રધારીઓ, નહોર
અને શીંગડાધારી પ્રાણીઓ અને રાજપરિવારોનો ક્યારેય ભરોસો ન કરવો જોઈએ! અરે,
અંધકારનો નાશ કરનાર ચંદ્રને પણ રાહુ ગ્રસી લે છે. લલાટે લખેલા લેખ કોણ મિથ્યા કરી
શક્યું છે?” એણે આટલું વિચાર્યું ત્યાં તો વાઘે એને ફાડી ખાધો.
આ
વાર્તા પૂર્ણ કર્યા પછી કબૂતરોનાં રાજાએ કહ્યું, “બિચારા વટેમાર્ગુએ ખોટો નિર્ણય
લીધો જે એના માટે જીવલેણ નીવડ્યો. આપણે પણ જીવનમાં અવિચારી નિર્ણય લેવાનું ટાળવું
જોઈએ. બહુ ઓછી બાબતો એવી છે જે ક્યારેય વિકાર પામતી નથી જેમકે, સારી પેઠે પચેલું
અન્ન, સંસ્કારી અને સુશિક્ષિત પુત્ર, પ્રેમાળ પત્ની, સારી રીતે ચાકરી પામતો રાજા,
વિચારીને બોલાયેલા શબ્દો.”
કબૂતરોનાં
રાજાની વાત સાથે અસંમત થતા એક દોઢડાહ્યું કબૂતર બોલ્યું, “સર્વ બાબતોમાં આપણે જો આ
સલાહ અનુસરીએ તો તો આપણે ભૂખે જ મરવું પડે.
વડીલોની સલાહ આપણે ખાલી આપત્તિ સમયે જ લેવી જોઈએ. બધી બાબતોને શંકાની નજરે
જોવાની વૃત્તિથી તો આપણે આગળ વધી રહ્યા. જો કોઈ વ્યક્તિ ઈર્ષાળુ, નિંદાખોર,
અસંતોષી, ક્રોધી અને શંકાશીલ હોય તો તે હંમેશા દુઃખી જ હોવાનો.”
બાકીના કબૂતરોએ પણ આ કબૂતરની વાત સાંભળ્યા પછી એના કહ્યા મુજબ સૌ જમીન પર દાણા ચણવા ઉતરી પડ્યા. કહ્યું છે ને કે લોભે બધા પાપનું મૂળ છે. દાણા ચણ્યા પછી બધા જ કબૂતરો ઉડવા ગયા ત્યારે એમને ખબર પડી કે સૌ શિકારીની જાળમાં સપડાઈ ગયા છે! હવે સૌ કબૂતરો પેલા દોઢડાહ્યા કબૂતરને ઠપકો આપવા લાગ્યા. જે આગેવાન હોય એની સ્થિતિ બહુ વિકટ હોય છે – જો કાર્યસિદ્ધિ મળે તો સફળતામાં સૌ ભાગીદાર થાય છે, અને જો નિષ્ફળતા મળે તો આગેવાનનો મરો થાય છે!
દોઢડાહ્યું
કબૂતર ખૂબ દુઃખી થયું કે એણે રાજાની સલાહ માનવી જોઈતી હતી. એને દુઃખી જોઇને
કબૂતરોના રાજાએ એની પાસે જઈને કહ્યું, “ આપત્તિ આવવાની જ હોય તો મિત્ર પણ એમાં
નિમિત્ત બની શકે છે. હું તને માફ કરું છું.” પછી અન્ય કબૂતરોને પણ સંબોધીને એણે
કહ્યું, “અહીંથી છૂટવાનો ઉપાય મેં વિચારી લીધો છે. હું કહું એટલે આપણે સૌએ એક સાથે
જાળ લઈને ઉડવાનું છે!”
એ મુજબ
કબૂતરોનાં રાજાએ ‘સૌ ઉડો!’ એવી બૂમ પાડતા જ બધા કબૂતરો જાળ લઈને ઉડ્યા. શિકારીને આ
જોઇને બહુ આશ્ચર્ય થયું. એક કાગડો થોડેક દૂરથી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો એ પણ
કબૂતરોની સાથે ઉડવામાં જોડાઈ ગયો.
શિકારીએ
વિચાર્યું, “સંઘ જ શક્તિ છે. સૌ કબૂતરો અત્યારે તો ઐક્યપૂર્ણ રીતે જાળી લઈને ઉડી
રહ્યા છે. પણ હમણાં થાકી જશે એટલે નીચે જ પડવાના છે.” જોકે કબૂતરો તો દૂર સુધી જાળી લઈને ઉડી ગયા અને
શિકારી હાથ ઘસતો રહી ગયો.
એક ઉંદરરાજા
આ કબૂતરોનાં રાજાનો મિત્ર હતો. કબૂતરોનો રાજા સૌ કબૂતરોને એની પાસે લઇ આવ્યો. ઉંદરરાજાના
દર પાસે આવીને તે બોલ્યો, “હે મિત્ર, અમે તારી મદદ માટે આવ્યા છીએ.” ત્યારબાદ, ઉંદરરાજાએ
કબૂતરોનાં મુખેથી આખીય વાત જાણી. એણે અન્ય ઉંદરોને બોલાવ્યા ત્યારે કબૂતરોનાં
રાજાએ ઉંદરરાજાને સૌપ્રથમ અન્ય કબૂતરોને બંધનમુક્ત કરવા કહ્યું ત્યારે ઉંદરરાજા
બોલ્યા, “પોતાને ભોગે વ્યક્તિએ અન્યનો જીવ ક્યારેય બચાવવો જોઈએ નહિ. ધર્મ, અર્થ,
કામ, અને મોક્ષ માટે જીવન બહુ અગત્યનું છે.”
આ
સાંભળીને કબૂતરોનાં રાજા બોલ્યા, “આ તો મારા આશ્રિતો છે. હું હોઉં કે ન હોઉં પણ
એમણે જીવવાનું છે, કારણકે સજ્જનનું નામ તો એના ગયા પછી પણ દીર્ઘકાળ સુધી યાદ રહે
છે.”
ઉંદરરાજા
મિત્રના આ વચનો સાંભળીને ખૂબ ખુશ થયા. એમણે અન્ય ઉંદરો સાથે મળીને સૌ કબૂતરોને
જાળીમાંથી બંધનમુક્ત કર્યા એટલે સૌ એમનો આભાર માનીને આકાશમાં ઉડી ગયા. પેલો કાગડો
જે આ કબૂતરોની સાથે આવ્યો હતો એ હજુ અહીં જ રોકાયો હતો. એણે ઉંદર રાજાને દરમાં
પાછા જતા અટકાવીને કહ્યું, “હું કબૂતરો પરનાં તમારા ઉપકારથી ખૂબ પ્રભાવિત છું. અને
તમારી મૈત્રી ઈચ્છું છું. મારો કોઈ જ સાચો મિત્ર નથી.”
ઉંદર રાજાએ
કાગડાને કહ્યું, “આપણે ક્યારેય મિત્રો થઇ શકીએ નહિ કારણકે આપણી વચ્ચે તો નૈસર્ગિક દુશ્મનાવટ છે! તું ઉંદરનું ભક્ષણ કરે
છે એટલે હું તારો ભક્ષ્ય થયો. ભક્ષક અને ભક્ષ્ય વચ્ચે ક્યારેય મિત્રતા ન હોઈ શકે;
એવી મિત્રતા એટલે આપત્તિને આમંત્રણ!”
આટલું
કહ્યા પછી ઉંદરરાજા પોતાના દરમાં ચાલ્યા ગયા અને હતાશ કાગડો ત્યાંથી ઉડી ગયો.





ઉત્તમ અનુવાદ...સાથે સાથે ગુજરાતીમાં રત્નકણિકાઓ પણ વાંચવા મળી.
ReplyDelete