કોંકણ બોલે તો?
ગુજરાતની દક્ષિણ સરહદે મહારાષ્ટ્રથી શરુ થઇ ગોવા
અને કર્ણાટક સુધી લંબાતો દરિયાકિનારાનો પ્રદેશ કોંકણપ્રદેશ તરીકે ઓળખાય છે.
કિવદંતી મુજબ પરશુરામે દરિયામાં તીર માર્યું અને દરિયાદેવને એ તીર સુધી પાછા ખસી
જવા કહ્યું. દરિયા નીચે ડૂબમાં ગયેલી ધરતી પાછી મળી જે સપ્ત-કોંકણ કહેવાઈ. કોંકણની
પૂર્વે પશ્ચિમ ઘાટ/સહ્યાદ્રીની ગિરિમાળા અને પશ્ચિમે અરબ સાગર આવેલા છે.
કોંકણપ્રવાસને મળી પાંખો!
‘સફારી’માં વર્ષો પહેલા એન્જીનીયરીંગ માર્વેલ એવા
કોંકણ રેલ્વે અંગેનો લેખ વાંચ્યો હતો ત્યારથી કોંકણ જોવું છે એવો વિચાર મનનાં કોઈ
છાના ખૂણે સાચવીને રાખેલો. અંગ્રેજો જેવા અંગ્રેજો જ્યાં રેલ્વેલાઈન નાખી નહોતા
શક્યા એવા કોંકણપ્રદેશના બે ધ્રુવો જેવા મુંબઈ-મેંગલોર વચ્ચે કોંકણ રેલ્વે ૧૯૯૮માં
શરુ થઇ હતી. આખા રૂટ પર ૨૦૦૦ જેટલા નાનામોટા બ્રિજ અને ૯૦ જેટલી ટનલો આવે છે, ને
એમાંય કેટલીક ટનલોમાંથી તો ટ્રેનને પસાર થતા ૫-૭ મિનીટ જેટલો સમય લાગે છે. લેખ
વાંચ્યો હતો એ વખતે તો ઉંમર નાની અને એવી કોઈ આર્થિક સગવડ નહીં કે મનપસંદ પ્રવાસો
થઇ શકે. પણ હવે ભાગ્યચક્રનો આંટો ફરી ગયો હતો. સ્થિર નોકરી, સારી આવક, અને સુહૃદ
મિત્રોને કારણે મનમાં ઢબૂરી રાખેલી પ્રવાસની ઇચ્છાઓને પાંખો ફૂટી હતી. એટલે, કોંકણ
જોવું છે એ વિચારે પણ આળસ મરડીને અંગડાઈ લીધી હતી. એ લેખમાં લખ્યું હતું એમ
કોંકણનું પૂર્ણ સૌદર્ય ચોમાસાની ઋતુમાં ખીલી ઉઠે છે. એટલે નક્કી કર્યું કે કોંકણનો
પ્રવાસ ચોમાસામાં જ કરવો.
પ્રવાસી પંખીઓ...
મારે તો પ્રવાસની વાત આવે એટલે પહેલો સંપર્ક નિત્ય
પ્રવાસી એવા લલિતભાઈનો જ કરવાનો હોય. મેં ગોવાનો ટ્રેન પ્રવાસ કરવાનો વિચાર રમતો
મુક્યો. લલિતભાઈ પણ ‘સફારી’ના મારી જેમ અઠંગ વાચક. એમણે પણ કોંકણ અંગેનો એ લેખ
વાંચ્યો જ હતો. બસ, સમાન ધરીનો વિચાર ક્લિક થઇ ગયો અને પ્રવાસમાં જોતજોતામાં એમના
જીવનસંગિની મીનાજી, દીકરી ધ્યાની, અને મિત્રો વિશાલ અને તુષાર જોડાવા તૈયાર થઇ
ગયા. આમ, ૨૩ જુલાઈથી ૨૯ જુલાઈ એમ એક અઠવાડિયાનો અમારો ગોવા પ્રવાસ ગોઠવાયો.
દરમ્યાન હું ગોવા અંગે શક્ય એટલી જાણકારી ભેગી
કરવા લાગ્યો. ઈ.સ. ૧૫૧૦થી છેક ઈ.સ.૧૯૬૧ સુધી ગોવા પોર્ટુગીઝ સંસ્થાન હતું. પુર્તગાલીઓને
તો ચાલ્યા ગયા પણ પાછળ કેથેડ્રલ, મ્યુઝિક, ડાન્સ, અને ખાસ તો ક્વિઝીન/ખાણું મૂકતા
ગયા. પ્રમાણમાં નાનું રાજ્ય હોઈ ગોવામાં બે જ જિલ્લા છે- નોર્થ ગોવા અને સાઉથ
ગોવા. લલિતભાઈએ સૂચન કર્યું કે થોડા દિવસ સાઉથ ગોવામાં વિતાવીયે અને થોડા દિવસ નોર્થ-સેન્ટ્રલમાં,
એટલેકે પણજીની આસપાસ. સૂચન યોગ્ય હોઈ બધાએ સહર્ષ સ્વીકારી લીધું. ટ્રેનનું બુકિંગ લલિતભાઈએ કરાવી લીધું. શરૂઆતમાં
સાઉથ ગોવામાં મડગાંવ નજીક બેતાલબાતિમમાં રોકાવાનું નક્કી કર્યું. પહેલા તો આ નામ
બોલતા જ જીભ લથડવા લાગી હતી. પણ પછી વિક્રમ હોય કે વેતાળ જે હશે એ જોયું જશે કરીને
અમે આ બેતાલબાતિમની ‘કોકોનટ ગ્રુવઝ’ રિસોર્ટ પર મત્તું માર્યું.
હમસફર એક્સપ્રેસ: આરંભ હે પ્રચંડ
ગોવા માટે લલિતભાઈએ એકાદ ટ્રેનમાં રીઝર્વેશન પણ
કરાવી દીધું હતું પણ પછી એને કેન્સલ કરીને હમણાં પાંચમી જુલાઈએ જ શરુ થયેલી
ગાંધીધામ-તીરુનેલવેલી વચ્ચે દોડતી ‘હમસફર એકપ્રેસ’માં બુકિંગ કરાવી દીધું. તમામ કોચની
બહારની તરફ વિનાઈલની આકર્ષક શીટ્સ લગાવેલી આ ટ્રેન સંપૂર્ણપણે 3-tier AC છે. કોચ પર બહારની તરફ LED સ્ક્રીન પણ લગાવેલા છે. તો કોચની અંદર ફાયર સેફટી
એલાર્મ અને સી.સી.ટી.વી. કેમેરા લગાડેલા હોવાની સાથે બાયો-ટોઇલેટની સુવિધા છે.
ચા-કોફી-દૂધ માટે પેન્ટ્રીકારમાં વેન્ડિંગ મશીન્સ પણ ખરા.
![]() |
| કાલુપુર રેલ્વેસ્ટેશને સૌથી પહેલા પહોંચી ગયેલા હું અને વિશાલ |
ટ્રેન ક્યા સ્ટેશને આવશે એની મીઠી મૂંઝવણ...
![]() |
| કોચ નંબર બી-૧૩ |
એ ભેદી બોક્સ!
![]() |
| ભેદી બોક્સ! |
![]() |
| ડીઝાઈનવાળા લાડુ |
ઓવરપ્રોમિસ અને અન્ડરડીલીવર
ધ્યાની બર્થ પર સળિયા પકડીને ચડઉતર કરતી હતી
એવામાં ધબ દઈને પડી. અમે તો ચોંકી ગયા પણ લલિતભાઈ કહે, એમાં ચિંતા કરવા જેવું નથી.
આ સેલ્ફ-લર્નિંગ પ્રોસેસ છે. બાળકને ગમેતેટલું ટોકો તો ય તે એનું ધાર્યું જ કરશે.
ધ્યાની જરીક શાંત પડી ત્યાં બાજુના કમ્પાર્ટમેન્ટમાંથી ધમાચકડીનો અવાજ આવવા લાગ્યો.
જોયું તો બે નાના છોકરા સીટો પર કૂદકા મારતા તોફાને વળગ્યા હતા. અધૂરામાં
પૂરું ‘ઇશાન’, ‘ઇશાન’ એવી બૂમ સંભળાઈ એટલે
ખબર પડી કે લો, આમાંથી એક બારકસ તો આપણું નામ ધરાવે છે! ટ્રેન અંગે થયેલો પ્રચાર
ભલે ઘણો આકર્ષક હોય પણ એમાં મુસાફરી કરીએ એટલે એની મર્યાદાઓ પણ ધ્યાને આવવા લાગે
છે. જેમકે, ધ્યાની માટે દૂધ લેવાનું હતું એટલે લલિતભાઈ ચાર ડબ્બા વટાવીને પેન્ટ્રી
સુધી પહોંચ્યા ત્યારે ખબર પડી કે દૂધ તો નથી. આપણી પાસે હોય તો ગરમ કરી આપે!
ટ્રેનમાં ફૂડ કે પાણીની બોટલ કશું જ
કોમ્પ્લીમેન્ટરી નથી. ટ્રેન નવી જ શરુ થઇ હોવાથી લગભગ ખાલી જેવી હતી. એક
ડબ્બામાં તો કોઈ જ પેસેન્જર નહીં.
અમેરિકાનો વિઝા: મોક્ષ મેળવવા કરતા પણ જે મેળવવો
કઠીન છે...
ટ્રેન આગળ ચાલતી ગઈ એમ વાંચન-લેખન અંગે વાતો
ચાલી. વાંચવામાં તારક મહેતાની ‘ચાલો ગોવા જોવા’ પણ જોડે લીધી હતી એની પણ વાતો થઇ.
અમરિકાનો વિઝા લેતા કેટલી આપદા પડે છે એનું લલિતભાઈએ પરસેવો છૂટી જાય એવું વર્ણન
કર્યું. કહે છે કે અમેરિકાનો વિઝા મંજૂર કરનાર વિઝા અધિકારીને એટલી તો અમર્યાદ
સત્તાઓ હોય છે કે અમરિકાનો પ્રમુખ પણ આવીને કહે કે આને વિઝા આપો પણ ના આપવો હોય તો
ધરાર નહીં જ આપે. લલિતભાઈ પત્રકાર હોવાથી એમના વિઝા અલગ શ્રેણીના લેવાના હતા એની
જગ્યાએ એજન્સીએ બીજી ભળતી શ્રેણીના વિઝા માટે એપ્લાય કરી દીધું હતું. એટલે એક વાર
તો વિઝા રીજેક્ટ થયો. પછી બીજી વાર સાચી કેટેગરીમાં એપ્લાય કરતા માંડ વિઝાનું ઠેકાણું
પડ્યું. બારેક વાગ્યા સુધી અલકમલકની વાતો કરીને સૂતા. સવારે ૪:૩૦ એ પનવેલ આવવાનું
હતું. ઊંઘમાં તો પનવેલ ક્યારે આવશે ને જશે એનો ખ્યાલ રહેશે કે કેમ એ પ્રશ્ન હતો...
ટ્રેનની ભેગાભેગ અમારાં સોનેરી સપનાઓ પણ વગર પાટે દોડી રહ્યા હતા...























Wow...
ReplyDeleteSuch a lucid write up...
Keep writing buddy!!!
Achcha hai... Kafi achcha hai... You are at your very best when it comes to travelogue ( એટલે બીજું બધું પણ સારું જ લખે છે, પણ તારા પ્રવાસવર્ણન વાંચવા જરાક વધારે ગમે.) Keep writing.
ReplyDelete